RSS

(214) અપમાનજનક દાંપત્ય સંબંધો કે ઘરેલુ હિંસા

24 Jul

Click here to read in English
થોડાક મહિના પહેલાં કોઈક વેબસાઈટ ઉપરની ગરમાગરમ સમાચાર કોલમે મને પ્રોત્સાહિત કર્યો હતો કે મારે ઉપરોક્ત વિષયે કંઈક લખવું અને એ કામે હવે હું અહીં ઉપસ્થિત છું. આગળ વધવા પહેલાં ઉપરોક્ત સમાચારને સંક્ષિપ્તમાં ધ્યાનાકર્ષિત કરવાની છૂટ લઉં છું. એક ૪૪ વર્ષીય ટી.વી. અને ફિલ્મ કલાકાર ચાર્લિ શીન (Charlie Sheen)ની તા.૨૫-૧૨-૨૦૦૯ ના રોજ તેની પત્ની બ્રૂક મ્યુલર (Brooke Mueller)ની US પોલીસને ૯૧૧ નંબરના ફોન ઉપરની ફરિયાદને આધારિત ધરપકડ કરવામાં આવી હતી, જેમાં તેણીના ઉપર શારીરિક હૂમલો કરવાનો તેના ઉપર આરોપ મૂકવામાં આવ્યો હતો. ચાર્લિ શીનને ઘરેલુ હિંસા આચરવાના દોષારોપણના મુદ્દે નાતાલનો મોટા ભાગનો દિવસ જેલની કોટડીમાં ગાળવો પડ્યો હતો. મ્યુલરનો આક્ષેપ હતો કે જ્યારે તેણીએ ચાર્લિને પોતાને છૂટાછેડા જોઈએ છે તેવું કહેતાં તેણે ચપ્પુ ઘૂમાવીને પોતાને મારી નાખવાની ધમકી આપી હતી. તેણીના કથન મુજબ ચાર્લિએ કહ્યું હતું કે, ‘તું ભયના ઓથાર હેઠળ જ રહે તે જ ઉત્તમ છે. વળી આ વાત જો તું કોઈને કહીશ, તો હું તને મારી નાખીશ.’

પ્રતિષ્ઠિત વ્યક્તિઓના જીવનમાં ઘટેલી ઘટનાઓ સમાચાર માધ્યમોની મથાળાની મુખ્ય લીટીઓ બનતી હોય છે, પણ સામાન્ય માણસોના જીવનની આવી ઘટનાઓ મહત્વની અને નોંધપાત્ર હોવા છતાંય તેમના તરફ ધ્યાન સુદ્ધાં આપવામાં આવતું નથી હોતું. દાંપત્યજીવનની અપમાનજનક સ્થિતિ એ વિશ્વવ્યાપી સમસ્યા છે કે જે ભિન્નભિન્ન સંસ્કૃતિઓમાં વ્યાપ્ત હોઈ દુનિયાભરની મોટાભાગની સ્ત્રી-વસ્તીને તે સ્પર્શે છે. છેલ્લા કેટલાક દસકાઓથી પત્નીઓ પ્રત્યેનો તિરસ્કૃત વ્યવહાર એ સામાજિક સમસ્યા તરીકે ઓળખાવા માંડ્યો છે અને ઘણા બધા દેશોની સ્ત્રીઓ પતિઓ દ્વારા આચરાતા આવા જંગાલિયતભર્યા કૃત્યને નિર્મૂળ કરવા અથવા તેમાં બદલાવ લાવવા સંગઠિત થઈને પોતાનો અવાજ ઊઠાવી રહી છે. પેલા નિષ્ઠુર પતિઓ પીડાદાયી મારઝૂડ, ધમકીઓ અને વિવિધ ફોજદારી ગુનાહિત કૃત્યો દ્વારા પત્નીઓને ત્રાસ આપતા હોય છે. આવી દુ:ખી સ્ત્રીઓ હરપળે પોતાની જિંદગીની અસલામતીના ભય હેઠળ જીવતી હોય છે. શાબ્દિક અપમાનો (મહેણાંટોણાં), ધમકીઓ અને શારીરિક ઈજાઓ રોજિંદી ઘટનાઓ હોવા ઉપરાંત આવી પરિસ્થિતિને લાંબા સમય સુધી ખેંચ્યે રાખવાથી કેટલાક કિસ્સાઓમાં તો પોતાની જિંદગીથી હાથ ધોઈ નાખવાની સ્થિતિ પણ સર્જાતી હોય છે. દાંપત્યપીડનને કૌટુંબિક અંગત કે ઘરેલુ મામલો સમજવામાં આવતો હોવાના કારણે આવી પીડિત સ્ત્રીઓ મિત્રો, કુટુંબીજનો કે સત્તાવાળાઓ તરફથી કોઈ મદદ કે સહકાર મેળવી શકતી નથી કે જે થકી તેમના ઉપર થતો અત્યાચાર કાં તો બંધ થાય કે પછી એવા જીવનસાથીથી પોતે કાયમી છૂટકારો પામી શકે.

પૌર્વાત્ય દેશોમાં અને ખાસ કરીને દુનિયાભરના ગ્રામ્ય વિસ્તારોમાં આ સમસ્યા સદીઓથી અસ્તિત્વમાં છે; જેને કોઈ નામ આપવામાં આવ્યું નથી કે જેની આમપ્રજામાં ચર્ચા સુદ્ધાં નથી અને છતાંય સ્ત્રીઓ આ છૂપા ત્રાસને જાણે કે પોતાના મોંઢામાં જીભ જ ગળી ગઈ હોય તેમ ચૂપચાપ સહન કરતી આવી છે. ઘણીવાર શરૂઆતમાં તો સ્ત્રીઓ પોતાની આવી અવહેલનાને કાં તો નજર અંદાજ કરી દેતી હોય છે કે માફ કરી દેતી હોય છે અને કાં તો પછી આવું કંઈ પણ બનતું હોવાનો ઈન્કાર કરતી હોયછે; પરંતુ લાંબા ગાળે જ્યારે અચાનક આ ભેદ લોકો આગળ ખુલ્લો પડતો હોય છે, ત્યારે એ બાબતને માનવા કોઈ તૈયાર નથી હોતું. સમાજમાં એવી પ્રસ્થાપિત થઈ ગએલી માન્યતા હોય છે કે પુરુષ એ પોતાના કુટુંબનો શાસક કે રાજા છે અને સમાજ કે સત્તાવાળાઓને તેઓના ઘરેલુ મામલા કે પ્રશ્ન પરત્વે દખલગીરી કરવાનો કોઈ અવકાશ કે અધિકાર રહેતો નથી. પરંતુ આજે સમય બદલાયો છે અને પત્ની ઉપર થતા જુલ્મને આમ સમાજની સમસ્યા તરીકે જોવાનું વલણ બંધાવા માંડ્યું છે અને તેથી લોકોનો દૃષ્ટિકોણ બદલાવા માંડ્યો છે. જો કોઈ સ્ત્રી આવી અપમાનજનક સ્થિતિમાં મુકાઈ હોય તો આજે ઘણાં બધાં સંગઠનો મદદ કરવા તૈયાર હોય છે. ઈન્ટરનેટ ઉપર ઘણીબધી વેબસાઈટ પણ ઉપલબ્ધ હોય છે, જ્યાંથી સમસ્યા અંગેની માહિતી, મદદ કે સલાહ મેળવી શકાતી હોય છે.

અપમાનજનક દાંપત્યજીવન કે ઘરેલુ હિંસાના વાસ્તવિક આંકડાઓ આપણને પ્રાપ્ય નથી, કારણ કે આવી ઘટનાઓ કાં તો જાહેરમાં આવતી નથી હોતી અથવા લોકો કાનૂની રાહે આગળ વધતા નથી હોતા. દાંપત્ય ત્રાસની સમસ્યા કોઈ એક જાતિ માત્ર પૂરતી સીમિત નથી હોતી. પતિ અને પત્ની ઉભય એકબીજાથી ઘરેલુ હિંસાનો ભોગ બનતાં હોય છે, પણ સર્વત્ર પુરુષપ્રધાન સમાજ અસ્તિત્વમાં હોઈ સ્ત્રીઓ ઉપર મોટા પ્રમાણમાં ત્રાસ કે હિંસા આચરાતી હોય છે. કેટલાક કિસ્સાઓમાં એવાં યુગલોમાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે કે જે લગ્નગ્રંથિથી જોડાયા વગર (ખાસ કરીને પશ્ચિમના દેશોમાં) માત્ર સાથે રહેતાં જ હોય છે. ઘણા એવા કિસ્સાઓ પણ જોવા મળે છે કે જ્યાં આપસમાં છૂટાછેડા થઈ ચૂક્યા હોય અને છતાંય પાછળથી એકબીજાની હેરાનગતી થતી રહેતી હોય. આંકડાઓ બતાવે છે કે આ બધા સંભવિત પ્રકારોમાં એકંદરે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ જ આવા માનસિક અને શારીરિક ત્રાસથી વધારે પીડિત હોય છે.

આ અપમાનજનક, ત્રાસદાયક કે ઘરેલુ હિંસા ક્રમિક કે પુનરાવર્તિત, ઉત્તરોત્તર વધતી જતી અને ગતિશીલ હોય છે. તે ચક્રવૃદ્ધીય હોવા ઉપરાંત સમય જતાં વધુ અને વધુ તબક્કાઓ પાર કરતાં કરતાં ઉગ્ર બને છે. ઘણી સ્ત્રીઓ શારીરિક ઈજાઓ અને માનસિક વેદનાઓ ખમતી હોવા છતાં તેમની અપમાનજનક અને હિંસાત્મક પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે પોતાના દાંપત્યજીવનથી છેડો ફાડવાની હિંમત કરી શકતી નથી હોતી. પતિનો પોતાના સાથેનો દુર્વ્યવહાર શરૂ થવાના પ્રાથમિક તબક્કે તે મૂંઝવણ અનુભવે છે અને પછી કેટલોક સમય પસાર થયા પછી તેને વાસ્તવિકતાનું ભાન થવા માંડે છે. આમ છતાંય તે પરિસ્થિતિને હળવી બનાવવા પોતાનાથી બનતા સઘળા પ્રયત્નો કરી છૂટે છે, પણ દુર્ભાગ્યે તેની યાતનાઓનો અંત લાવવામાં છેવટે તે નિષ્ફળ પુરવાર થાય છે. આખરે આવી તનાવભરી સ્થિતિમાંથી મુક્તિ મેળવવા માટેના વિચારો તેના મનમાં દૃઢ થતા હોય છે. આમ છતાંય કેટલીક જ સ્ત્રીઓ પોતાની જિંદગી સામેના જોખમમાંથી સહીસલામત બહાર નીકળવા છૂટાછેડા મેળવી લેવાનો માર્ગ ગ્રહણ કરી લે છે, પણ મોટા ભાગની સ્ત્રીઓ જુલ્મ અને જુલ્મી સામે આત્મસમર્પણ કરી દઈને દુ:ખદાયક જિદગી જીવવાનું ચાલુ રાખતી હોય છે. માર્ગદર્શકો, મનોવૈજ્ઞાનિકો અને સામાજિક કાર્યકરોનું સ્પષ્ટ મંતવ્ય હોય છે કે ભોગ બનનાર સ્ત્રીએ સૌથી પહેલાં અત્યાચારની પરિસ્થિતિમાંથી પોતે જ તાત્કાલિક બહાર નીકળી જવું જોઈએ અને ત્યાર પછી જ પોતાના કાનૂની સલાહકાર સાથે વાત કરવી જોઈએ. તેણે પોતાના માનસિક આવેગોને શાંત પાડી દેવા જોઈએ અને પીડાદાયક સંબંધોનો આખરી અંત લાવી દેવા માટેના આવા કઠોર નિર્ણય ઉપર પહોંચવા માટે તેણે પોતાનામાં હિંમત એકઠી કરી લેવી જોઈએ.

માનસિક કે શારીરિક ત્રાસ આચરનાર પુરુષનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે પોતે સામેની વ્યક્તિ અર્થાત્ પત્ની ઉપર પોતાની સત્તા જમાવે અને તેના ઉપર અંકુશ લાવી દે. આ એક માત્ર ઉદ્દેશ બર લાવવા તે નીચે દર્શાવ્યા જેવી ચાર મુખ્ય પ્રકારની કેટલીક હરકતો, વર્તન કે વ્યવહાર આચરતો હોય છે. આમ તે ઘરેલુ હિંસા અને/અથવા માનસિક ત્રાસ આપવા જેવાં અમાનવીય અને અશોભનીય કૃત્યો કર્યે જ જવાનું ચાલુ રાખતો હોય છે.

શારીરિક : માર મારવો, મુક્કા મારવા, તમાચા મારવા, એકાકી બનાવી દેવું, લાતો મારવી, ટૂંપો દઈને ગૂંગળાવવું, ધક્કા મારવા, કોઈ વસ્તુઓનો પ્રહાર કરવો, ઓરડામાં પૂરી દેવું

સંવેદનાત્મક કે લાગણીજન્ય : ખોટાં નામ પાડવાં, અપમાન કરવું, ધમકી આપવી, પ્રિય પાલતુ પ્રાણીઓને ઈજા પહોંચાડવી, ક્ષુબ્ધ બનાવવું કે ભોંઠા પાડવું

જાતીય કે વાસનાકીય : અનીચ્છનીય જાતીય સ્પર્શ, સુખશય્યાની માગણી, બળાત્કાર આચરવો, સાથીની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધનો આગ્રહ રાખવો

જાસૂસીપણું કે શંકાશીલતા : ઘર બહાર જતાંની સાથે જ પીછો કરવો, ફોન દ્વારા હેરાન કરવું, કામની જ્ગ્યાએ ફોન કરવા, કામે કે નોકરીએ જતાં રુકાવટ કરવી

આર્ટિકલના સમાપન પૂર્વે, હું નીચે તપાસ સૂચિ મૂકવાનું પસંદ કરીશ કે જે દ્વારા તમે અથવા કોઈ પણ જાણી શકે કે પોતે આવા કોઈ અપમાનજનક સંબંધોમાં ઘેરાએલા છે કે નહિ! આ બધી એ જાણવા માટેની સ્પષ્ટ નિશાનીઓ છે કે જે તે વ્યક્તિ પોતાના જીવનસાથી સાથે નિશ્ચિતપણે પોતાના ગૌરવને હાનિકારક એવી સ્થિતિમાં છે જ. આ બધા ભયજનક સંકેતો છે અને આવા સંજોગોમાં કોઈપણ જાતના વિલંબ વગર માતાપિતા, અન્ય કુટુંબીજનો, ધાર્મિક લાગતાવળગતાઓ, સમાજ કલ્યાણ ખાતાંઓ, ન્યાયીક વ્યવસ્થાઓ અને અન્ય સંબંધિત સગાંઓ કે મિત્રોની મદદ કે ટેકો લેતાં અચકાવું જોઈએ નહિ. આવી ચિંતાપ્રેરક દાંપત્યજીવનની ચેતવણીરૂપ અનેક નિશાનીઓ પૈકી નીચે મુખ્ય કેટલીક આપવામાં આવી છે :

– તમે શું કરો છો અને ક્યાં જાઓ છો તેના ઉપર બધો જ સમય ચાંપતી નજર અને નિયંત્રણ રાખે છે..

– નાનીનાની બાબતોની ટીકાટિપ્પણી કરવામાં આવે છે.

– વફાદાર ન હોવાનો સતત આરોપ મૂકવામાં આવે છે.

– મિત્રો કે કુટુંબીજનોને મળવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

– નોકરી કે કોલેજમાં જવાથી રોકવામાં આવે છે.

– દારૂ કે નશીલા પદાર્થનું સેવન કરીને અથવા જાણે કે તેમ કર્યું હોય તે રીતે તમારા ઉપર ગુસ્સે થઈ જાય છે.

– તમારાં નાણાં તમે કેવી રીતે ખર્ચો છો તેના ઉપર નિયંત્રણ રાખે છે.

– તમારી કોઈ બીમારીને લગતી દવાઓના ઉપયોગને નિયંત્રિત કરવામાં આવે છે.

– બીજાં ત્રાહિતોની હાજરીમાં હલકાં પાડવામાં આવે છે.

– તમે જેની ખૂબ કાળજી રાખો તેવી કોઈ મિલ્કત કે વસ્તુને નુકસાન પહોંચાડવામાં આવે છે.

– તમને, તમારાં બાળકોને કે પાલતુ પ્રાણીઓને ઈજા પહોંચાડવાની ધમકી આપવામાં આવે છે.

– તમારી સામે ઘાતક હથિયાર વાપરવાની ધમકી આપવામાં આવે છે.

– તમારી ઈચ્છા વિરુદ્ધ સહશયન કરવા માટેનું દબાણ કરવામાં આવે છે.

– પોતાના ગુસ્સાના ઊભરા અને અપમાનજનક વર્તન માટે તમે જ દોષિત હોવાનો આરોપ મૂકવામાં આવે છે.

– તમારી માનહાનિ કરવામાં આવે અથવા તમારા સામે ગુસ્સે થઈને બરાડા પાડવામાં આવે છે.

– તમારી ટીકાટિપ્પણી કરવામાં આવે છે અને તમને નીચું દેખાડવામાં આવે છે.

– તમારી સાથે એવો ખરાબ વ્યવહાર કરવામાં આવે છે કે જેથી તમે મિત્રો કે કુટુંબીજનોને મળવામાં શરમિંદગી અનુભવો.

– તમારાં મંતવ્યો કે સિદ્ધિઓની અવગણના કરવામાં આવે છે.

– તમને માનવી ગણવાના બદલે તેની મિલ્કત કે તેના ભોગવિલાસની ચીજવસ્તુ ગણવામાં આવે છે.

– તમારી ખૂબ જ ઈર્ષા કરવામાં આવે છે અને તમને વશ રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

– તમારાં નાણાં, ફોન કે વાહનના ઉપયોગ ઉપર નિયંત્રણ લાદવામાં આવે છે.

– તમારા ઉપર સતત ચોકીપહેરો રાખવામાં આવે છે.

– તમારા મિત્રો કે કુટુંબીઓ આગળ જૂઠ્ઠું બોલવાની ફરજ પાડવામાં આવે છે કે તમને કોઈ હેરાનગતી કરવામાં આવતી નથી..

– તમારા બેન્કીંગ કે ઈ-મેઈલના પાસવર્ડથી તમને અજાણ રાખવામાં આવે છે.

– પોતાનો બચાવ કરવા માટેની વાતો ઉપજાવી કાઢે છે અને પોતાના બેવડા વ્યક્તિત્વને પ્રદર્શિત કરે છે.

– તમે તેને કાયમ માટે છોડી દેશો તેવી શંકા જતાં તમારી ખુશામત કરવામાં આવે છે.

– તમને સારી રીતે રાખવાના વારંવાર સોગંદ ખાય છે અને વચનો પણ આપે છે અને છેવટે ફરી જાય છે.

– તમને હેરાન સ્થિતિમા જોઈને તે આનંદ અનુભવે છે.

– તમારી વ્યાજબી જરૂરિયાતો અંગેના ખર્ચને નિયંત્રિત કરે છે..

– પોતાની પાયાવિહોણી દલીલો વડે તમે જે કંઈ કહો છો તેને ખોટું પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

દાંપત્ય જીવનની કટુતાપૂર્ણ સ્થિતિ અને ઘરેલુ હિંસાની ઉપરોક્ત નિશાનીઓ કે લક્ષણો ધ્યાને આવે કે તેનો સ્વીકાર કરવામાં આવે ત્યારે ગમે તે ભોગે કે રીતે સર્વ પ્રથમ તો જીવનસાથી સાથેના સંબંધો વિના વિલંબે કાપી નાખવામાં આવવા જોઈએ. કોઈએ પણ સામેની ત્રાસ આપનાર વ્યક્તિના ભય હેઠળ હરગિજ જીવવું ન જોઈએ. જો તમને અથવા તમારી જાણમાં હોય એવી કોઈપણ વ્યક્તિને ઉપરોક્ત ચેતવણીરૂપ નિશાનીઓ અને વર્ણનો લાગુ પડતાં હોય, તો ઉપર જણાવવામાં આવેલા સ્રોતો થકી મળી શકતી મદદ લેતાં અચકાવું જોઈએ નહિ.

આશા રાખું છું કે દાંપત્યની અપમાનભરી જિંદગી જીવતાં અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલાં એવાં સૌ કોઈ પીડિતજનોને આ લેખ દીવાદાંડીરૂપ નીવડશે અને પરીણિત પોતાનાં સંતાનો હોય તેવાં તેમનાં માતાપિતા માટે પણ તેઓના વિવાહિત જીવનની વાસ્તવિક પરિસ્થિતિ કેવી છે તે જાણવા માટે ઉપયોગી સાબિત થશે.

અત્રેથી વિદાય લઉં છું, ધન્યવાદ!

વલીભાઈ મુસા

(લેખક અને અનુવાદક)

Note:-

Translated from English Version (Drafted earlier) titled as “Abusive Spousal Relationships or Domestic Violence” published on July 16, 2010

 

Tags: , , , , , , , , , , ,

15 responses to “(214) અપમાનજનક દાંપત્ય સંબંધો કે ઘરેલુ હિંસા

 1. DR. CHANDRAVADAN MISTRY

  July 24, 2010 at 8:31 am

  અંગેજીમાં પોસ્ટ વાચ્યા બાદ …આજે એ ગુજરાતીમાં વાંચી આનંદ ….જરૂર આથી જે કોઈ ગુજરાતીમાં જ વાંચી શકે કે આનંદ અનુભવે તેઓ સૌને માટે સારૂં કર્યું !
  અંગ્રેજી પોસ્ટ સાથે અભિપ્રાય આપ્યો જ છે !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Valibhai Hope to see you on Chandrapukar for a VARTA & now the RANGOON Story by Kavya !

  Like

   
 2. Valibhai Musa

  July 24, 2010 at 9:02 am

  સુજ્ઞ વાંચક મિત્રો,

  આપ સૌએ મારા આજના અનુવાદિત આર્ટિકલનું English વર્ઝન વાંચ્યું હશે. મને કેટલાક ઉત્સાહજનક પ્રતિભાવો પણ મળ્યા છે, જેનો મને આનંદ છે. આજના ગુજરાતી વર્ઝનની જાણ કરવાનું મારું પ્રયોજન નીચે મુજબ છે.

  “આ આર્ટિકલમાં મેં ખૂબ જ જહેમત ઊઠાવી છે. મને ખાત્રી છે કે દુખિયારી એવી એકાદ પણ બહેનદીકરીને આ આર્ટિકલ ઉપયોગી થશે તો મારી મહેનત સાર્થક પુરવાર થશે. માતાપિતાને પણ માર્ગદર્શન મળી રહેશે અને એવા કોઈ કઠોર નિર્ણય વખતે દીકરીને પીઠબળ પૂરું પડે તે જરૂરી બનતું હોય છે. આ એકવીસમી સદી છે અને સ્ત્રીઓએ કદાપી ઘરેલુ હિંસાને સહન કરવી જોઈએ નહિ. આ આર્ટિકલનું સામા પક્ષે એક બીજું પણ લક્ષ છે કે એવો ક્રૂર પતિ પોતાના વર્તનમાં પરિવર્તન લાવે તો કુટુંબ જીવન ભાંગી પડતાં અટકી પણ જાય. વળી સ્ત્રીપક્ષે કોઈ દોષ હોય તો તેનું નિવારણ કરવાની પરોક્ષ પ્રેરણા પણ અહીં મળી રહેશે.”

  ધન્યવાદ.

  Like

   
 3. Suresh Jani

  July 24, 2010 at 9:28 am

  આ એકવીસમી સદીમાં પણ આ બદી દૂર થઈ નથી; એ શરમની વાત છે. સ્ત્રીઓએ કરાટે જેવી લડાયક અને સ્વરક્ષણાત્મક તાલીમ લેવી જોઈએ.

  Like

   
 4. Valibhai Musa

  July 24, 2010 at 9:42 am

  સુરેશભાઈ,

  કોમેન્ટ બદલ પરસ્પર આભાર માનવાની આપણી બેઉની વચ્ચે પ્રથા નથી. તમારો સમસ્યા ઉપરનો પ્રતિભાવ વ્યાજબી હોવા છતાં તે ઉકેલ નથી. પછી તો એવું પણ બને કે ઘણા પતિમહાશયો પત્નીપીડિત પણ બની શકે. બે સિવાય ત્રીજો કોઈ જ વિકલ્પ નથી “ઠુકરા દો યા પ્યાર કરો!’

  ‘ધન્યવાદ’ તો કહી શકું ને! .

  Like

   
 5. Rekha sindhal

  July 24, 2010 at 11:02 am

  વલીભાઈ, સ્ત્રીઓ પ્રત્યે સમાજની સ્વાભાવિક સહાનુભૂતીને કારણે સ્ત્રીઓ પરના અત્યાચારોને ક્યારેક વધુ પડતું મહત્વ મળે છે. એક સ્ત્રી હોવાને નાતે મેં પણ મોટેભાગે સ્ત્રીઓની જ તરફદારી વધારે કરી છે.પણ ઘણીવાર ઊંડા ઉતરીએ ત્યારે ખબર પડે કે અહીં તો ચોર કોટવાળને દંડે છે. તુલસીદાસે રામાયણ લખી તે પહેલાંનો બહુ એક જાણીતો પ્રસંગ છે કે તેઓ પિયર ગયેલી પત્નીનો વિરહ સહન ન થવાથી અડધી રાતે સાપને રસ્સી માનીને પકડી તેની બારીએ ચઢેલા એ સમયે પત્નીએ કરેલા અપમાનથી તેઓ ઘવાયા હતા.પત્ની કર્કશા હોય તો પણ નિભાવી લેવાના તે યુગમાં આ વહુઘેલા પતિએ પછીથી એક ચોપાઈમાં જે લખ્યુ તેનો અર્થ થાય છે કે મૂર્ખ,શુદ્ર,પશૂ અને નારી સૌ તાડનના અધિકારી! મતલબ કે તે સિવાય તે સમજીને કે પ્રેમથી વશ થાય તેવી આશા જ ખોટી.સોક્રેટીસની પત્ની જેવી કેટલીય પત્નીઓ હશે અને કેટલાયના જીવનમાં એકપક્ષી બ્યાન તળે સત્ય ઢાકેલું પડ્યું હોય છે.સ્ત્રીને તુલસીના છોડ સાથે એટલે સરખાવવામાં આવે છે કે તેના ઘણા ગુણ છે પણ માવજાત ન આવડે તો છોડ બળી જાય.ઓછા પાણીથી છોડ સૂકાય જાય તેમ વધુ પડતુ પાણી(અહીં સ્ત્રી માટે પ્રેમ) પણ તે જીરવી ન શકે.કર્કશા સ્ત્રીઓને ઘરમાંથી કાઢી મૂકે તો પણ સહાનુભૂતિ તો સ્ત્રીને પક્ષે જ રહે છે જ્યાં બંને સુખી નથી હોતા ત્યાં બંને દુ:ખી હોય છે. લગ્નજીવનમાં ભાગ્યે જ એક દુ:ખી અને બીજું સુખી હોય છે.(પતિ-પત્નીના સુખ અંગેની સુરેશભાઈની પોસ્ટ તમે સુખી છો? આપે કદાચ વાંચી હશે).પોતાના મનથી દુ:ખી હોય તેવી સ્ત્રીથી પતિ પણ દુ:ખી થતો હોવા છતાં તેને કાઢી મૂકવાથી વધારે દુ:ખદ પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યારે પુરૂષ ચૂપચાપ સહન કરતો હોય જ્યારે મનથી દુ:ખી સ્ત્રી સમાજની સહાનુભૂતિ મેળવવા પોતાનું દુ:ખ હોય તેનાથી ય વધારે વ્યક્ત કરતી હોય તેવું પણ બને. આવી સ્ત્રીઓને સમાજની રીતે સુખી રાખે તો પણ પોતાના સુખ માટે પતિએ કાં લગ્નેતર સંબંધ અથવા તો વૈરાગ્યમાંથી એક માર્ગ તરફ વળવાની મજબૂર સ્થિતિનું નિર્માણ થાય છે. જે આ બેમાંથી એક રસ્તે નથી વળતા તેની બધી ય શક્તિ ઘરના ઝગડાઓમાં શોષાય છે અને બરબાદી નોતરે છે. ત્યારે પણ દોષ તો પુરૂષનો જ ગણાય છે.જેનો સંસાર સુખી છે તેવા લોકો પણ સ્ત્રીનો દોષ કબૂલવા છતાં ય જવાબદારી તો પુરૂષની જ ગણે છે કારણ કે ઘરમાં તેની સતા વધારે હોય તેમ માનવામાં આવે છે જે તદ્દન ઉલ્ટું હોય છે.અને કોઈના ઘરની અંદરના રહસ્યો (જ્યાંથી ઝગડાના મૂળ કારણોની શરૂ થાય છે)તે પારખવા મુશ્કેલ હોય છે. સ્વતંત્રતાની ઝંખના દરેક મનુષ્યને હોય છે.પણ તે માટેની સજ્જતા ન હોય ત્યાં તે સ્વછંદતામાં પરિણમે છે. પ્રેમ સલામતિની સાથે સ્વતંત્રતા પણ બક્ષે છે પણ જે પોતાના મનથી મુક્ત નથી તે દુ:ખી જ રહે છે આવી દુ:ખી સ્ત્રીઓને પતિનો ત્રાસ હોય છે તેમ માની લેવું ભૂલ ભરેલું છે.અન્યને દોષિત ઠેરવવાનો સ્વભાવ જ તેમના દુ:ખના મૂળમાં હોય છે.પતિઓ પણ પત્નીનો માર ખાઈને હાંસી અથવા નામોશીની બીકે ચૂપ રહેતા હોય તેમ બને. છેલ્લે એક સાચો પ્રસંગ કહીને મારી લાંબી વાત પૂરી કરૂ છું. ઈંડીયાના અમારા કામવાળાબેનના પતિ(જે હવે સ્વર્ગસ્થ છે)ના એ બહેન પરના ત્રાસની હું ઘણીવાર સાક્ષી બની છું.ટી.બી.ગ્રસ્ત એનો બિમાર પતિ પત્નીની કમાણી પર જ નભતો હતો છતાં કાયમ પત્ની પર ગુસ્સે થયા કરે અને આ બહેન જરા નરમ અવાજે દુ:ખાઈને સામો જવાબ આપે ક્યારેક ન પણ આપે પણ બીજી જ મિનિટે બધું ખંખેરી નાંખે અને હસતાં હસતાં કામે ચઢી જાય.એકવાર મેં કહ્યું તમે કેમ આટલું સહન કરી લો છો? એક તો તેઓ કામ નથી કરી શક્તા અને ઉપરથી તમારી પર ઘાંટા પાડે છે મને તો જોઈને ત્રાસ થાય છે.એ બહેનના જવાબે મારા દાંપત્ય જીવનની ઘણી તિરાડો પૂરી છે.તેમણે કહ્યું કે,”એમને ગુસ્સો આવે તો બીજે ક્યાં ઠાલવે? મારા સિવાય બીજું કોણ શા માટે સહન કરે? અને એ માથે બેઠા છે તો મારી દીકરીઓને સમાજની બૂરી નજરથી બચાવી શકાય છે.માથે બાપ ન હોય તેવી કન્યા
  ને રેઢી સમજીને હેરાન કર્યાના કિસ્સાઓ તો તમને ય ખબર જ છે ને!મારા પતિની હયાતિ એ મારૂં અને મારી દીકરીઓનું છત્ર છે બાકી આ સમાજ જ અમને ચૂંથી નાંખે કોઈ આડું ન આવે.મારાથી એમને સચવાય એટલા સાચવું છું બાકી બિમાર માણસનું દુ:ખ તો ન જ લગાડાય ને?” એમની વાતથી એક નવી જ દ્રષ્ટી મને મળી ખાસ તો એમનું પહેલું વાક્ય “એમને ગુસ્સો આવે તો બીજે ક્યાં ઠાલવે? મારા સિવાય બીજું કોણ શા માટે સહન કરે?” સાંભળ્યા પછી મેં મારા પતિને મારી પર ગુસ્સે થવાનો અધિકાર આપ્યો જે હવે મારૂં બ્લડપ્રેશર વધ્યા પછી હું પણ ક્યારેક ભોગવી લઉ છું.ગુસ્સો કરનારા મોટાભાગના સમજતા જ હોય છે કે તેનાથી જાતને નુકશાન વધુ છે.ગુસ્સા પછીના પસ્તાવાના પ્રેમ પર નભતી પત્નીઓ અજાણપણે પતિ ગુસ્સે થાય તેવું વર્તન કરવા પ્રેરાતી હોય છે. અને બીજીબાજુ સમાજની સહાનુભૂતિનો ગેરફાયદો પણ લેતી હોય છે.નબળામાં નબળી સ્ત્રી પણ ગમેતેટલા મજબૂત પતિની પરાસ્ત કરી શકે છે અને છતાં ય સમાજની સહાનુભૂતિ તેના તરફ જ રહે તેવા નાટકો ભજવી જાણે છે આવા દાખલા નજરે જોયા પછી સ્ત્રીઓ માટેની આ ચળવળનું વ્યક્તિગત ધોરણે મૂલ્યાંકન થવું ઘટે તેમ મારૂં માનવું છે.જેમાં સ્ત્રી -પુરૂષનો ભેદ ન હોવો જોઈએ. સ્ત્રી કદીય અબળા હતી નહી અને હશે પણ નહી એમ માનવું અને મનાવવું એ જ મોટી સમાજ સેવા છે.તેની દયા ખાવી તે તેની શક્તિનું અપમાન છે.જેમ ઈલેકટ્રીસીટી તેમ સ્ત્રી ઘરને બાળી પણ શકે અને અજવાળી પણ શકે.અંકુશ વગરની સ્ત્રી(ઈલેકટ્રીસીટીની જેમ) કુટુંબજીવનમાં આગ લગાડવા સમર્થ છે.

  Like

   
 6. Valibhai Musa

  July 24, 2010 at 2:54 pm

  રેખાબહેન,

  આપે લેખના વિષયે પત્ની તરફ્થી પતિને થતા ત્રાસ કે માનઅપમાનના (કેટલીક વાર મારઝૂડ પણ!) ના પાસાને પણ ઉદાહરણો સાથે સરસ રીતે ચર્ચ્યું. મારા લેખનો વિષય જ સ્ત્રીઓ પૂરતો સીમિત હોઈ તેની બહાર જઈ શકું નહિ. આમ છતાંય મારી સઘળી વાત એકતરફી તો નથી જ નથી, જેના સમર્થનમાં બેએક અંશ નીચે આપું છું.

  * “દાંપત્ય ત્રાસની સમસ્યા કોઈ એક જાતિ માત્ર પૂરતી સીમિત નથી હોતી. પતિ અને પત્ની ઉભય એકબીજાથી ઘરેલુ હિંસાનો ભોગ બનતાં હોય છે, પણ સર્વત્ર પુરુષપ્રધાન સમાજ અસ્તિત્વમાં હોઈ સ્ત્રીઓ ઉપર મોટા પ્રમાણમાં ત્રાસ કે હિંસા આચરાતી હોય છે.”

  * “આંકડાઓ બતાવે છે કે આ બધા સંભવિત પ્રકારોમાં એકંદરે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ જ આવા માનસિક અને શારીરિક ત્રાસથી વધારે પીડિત હોય છે.”

  અહીંનાં અખબારોમાં વાંચવા મળ્યા મુજબ દિલ્હીમાં આવા પીડિત પતિઓનું સંગઠન પણ છે. એમાં કોઈક તો કોઈક કોર્ટના જસ્ટિસ પણ હતા, જેમણે તેમના અધિવેશનમાં પોતાનાં દુ:ખોને વર્ણવ્યાં હતાં અને મીડિયાને રમુજી મસાલો પૂરો પાડ્યો હતો. આવા પીડિત જજ પણ હોઈ શકે અને કોઈ મજૂર પણ! અહીં કોઈ પક્ષને Clean Chit આપવાનો સવાલ નથી.

  આવા ત્રાસના સંજોગોમાં પતિ હોય કે પત્ની, પણ કોઈએ પણ શા માટે દુ:ખમય જીવન જીવવું જોઈએ! મારા મતે સંબંધો સમધારણ થવાની શક્યતા ન જ હોય તો બહેતર છે કે એવાંઓએ મને કે કમને છૂટાં પડી જ જવું જોઈએ. ટૂંકમાં કહેતાં અહીં બે સિવાય ત્રીજો કોઈ વિકલ્પ રહેતો નથી અને તે એ છે કે ‘ઠુકરા દો યા પ્યાર કરો!’

  આપના વિશદ પ્રતિભાવ બદલ આભાર.

  સ્નેહાધીન,

  વલીભાઈ

  Like

   
 7. Rekhaben Sindhal

  July 24, 2010 at 3:51 pm

  આપની વાત સમજાય તેવી છે વલીભાઈ, પરંતુ સંયુક્ત કુંટુંબોમાં બાળકના જન્મ પછી “ઠુકરા દો યા પ્યાર કરો” આસાન નથી હોતુ. એકબીજાની પૂરી ખબર પડે ત્યાં બાળકો જન્મી ચૂક્યા હોય છે અને મા બાપ તરીકેની ફરજો પતિ પત્નીના સંબંધો અને છૂટા પડ્યા પછીના અનિશ્ચિત ભાવી કરતાં અગ્રતાક્રમે હોય છે. દુ:ખને દૂર કરવા જતા કેટલીકવાર વધતુ જતુ હોય છે. મારા મત પ્રમાણે તો પ્રેમમાંથી જન્મતી ત્યાગ અને સહનશીલતા થકી દુ:ખોને સ્વીકારી તેનો સામનો કરીને કેમ શમાવવા તે દૂર કરવા કરતા વધુ અગત્યનું છે. ઘર, સમાજ કે દેશમાં ત્રાસવાદને જ્યાં પોષણ મળે ત્યાં જ તે વધે છે. તેને પોષણ ન મળે તો આપોઆપ તે શમી જાય છે. પૂ. ગાંધીજીની જેમ અસહકાર અને મકકમતા થકી શાંતી સ્થાપી શકાય પણ તે માટે સ્વાર્પણની તૈયારી જોઈએ તે હવે આ જમાનામાં કેરિયરલક્ષી સ્ત્રીઓમાં પણ ક્યાં જોવા મળે છે? આપનો લેખ વિચારતા કરી મૂકે તેવો છે. મારો ઈરાદો વિરોધ કરવાનો જરા ય નથી ફક્ત સિક્કાની બીજીબાજુ પર નજર ફેરવવાની જ વાત છે.

  આભાર સહ…..

  Like

   
 8. Valibhai Musa

  July 24, 2010 at 4:17 pm

  બાળકો જન્મી ગયા પછી તો “It is too late.” પછી તો બિચારાં નિર્દોષ છોકરાંઓનો ભોગ લેવાય! આ સંજોગોમાં તો જે કોઈ મજલુમ હોય તેણે બાળકોને ખાતર પણ ઝેરનો ઘૂંટડો પી જ લેવો પડે! અહીં એક વાત તો નિશ્ચિત છે જ કે બે અંતિમ છેડાઓ વચ્ચેની સ્થિતિ ખૂબ જ કપરી છે. સમસ્યાના ગુણદોષને ધ્યાનમાં લઈને જ પુખ્ત વિચારણાના અંતે મજલુમ જે કોઈ નર હોય કે નારી હોય તેણે જાલિમના જુલ્મમાંથી બહાર નીકળી જવું જ જોઈએ, નહિ તો ઈશ્વર એવું કોઈને માટે ન થવા દે; પણ આપણે અખબારોમાં વાંચીએ છીએ તે મુજબ જે તે પીડિત આત્મહત્યા કરતાં હોય છે અને ઘણીવાર તો બાળકોને સાથે લઈને પણ તેમ થતું હોય છે. મારા મતે આ સ્થિતિ વધુ દુ:ખદાયક છે, માટે જ તો Prevention is better than cure.

  આશાસહ વિરમું છું કે અન્ય વાંચકો પણ આ ચર્ચામાં જોડાય.

  ધન્યવાદ.

  Like

   
 9. Ullas Oza

  July 25, 2010 at 3:38 am

  આજના ‘મૉડર્ન’ કહેવાતા યુગમા પણ આવી ઘટનાઓ બને છે તે દુઃખની વાત છે.
  પતિ-પીડિત પત્નીઓ અને પત્ની-પીડિત પતિઑ આ બન્ને પરિસ્થિતિ સારી નથી.
  સારુ શિક્ષણ મદદરૂપ થાય છે.
  તે ઉપરાંત સુખરૂપ જીવન જીવવાની સમજણ મા-બાપ અને સારા આધ્યાત્મિક ગુરૂ પાસે લેવી ખૂબ જરૂરી છે.
  સામાજીક પ્રવૃત્તિ તથા સત્સંગ ને સ્વાધ્યાય પણ આવા દમનને ડામવામા ઉપયોગી થઈ શકે છે.
  લૉક-જાગૃતિ આવવી જોઇઍ.
  ઉલ્લાસ ઓઝા

  Like

   
 10. Valibhai Musa

  July 25, 2010 at 6:59 am

  ઉલ્લાસભાઈ,

  આપનું મંતવ્ય યથાર્થ છે. પરંતુ મનોવૈજ્ઞાનિક વિકૃતિને દૂર કરવા માટે એના નિષ્ણાતોની સેવા લેવી જરૂરી બની જાય છે. પોતાના બદલાતા જતા કે બદલાએલા મનોવલણને સ્વીકારવામાં આવે, તો જ આગળ કોઈક માર્ગ નીકળે. પરણવા કે પરણાવવાની ઉંમર થતાં સુધી જે કોઈ પાત્ર હોય તેનાં માતાપિતા જ તેવી વ્યક્તિને સુધારવા માટે નિષ્ફળ ગયાં હોય, ત્યારે પછી પાછળથી એ બે પૈકીનું કોઈ એક એકલું શું કરી શકે ?

  આવા દાંપત્યજીવનના પ્રશ્નોના મૂળમાં એક માત્ર બાબત જો હોય તો તે છે, સહિષ્ણુતાનો અભાવ. આ બાબત બહારથી ન આવી શકે, એ તો પોતાના દિલોદિમાગમાં એને જગાડવી પડે.

  ચર્ચા રસપ્રદ થતી જાય છે, જેનો મને આનંદ તો છે અને પ્રતિભાવો વાંચવાવાળો પણ એક વર્ગ હોય છે, તેમને પણ આનંદ થતો હશે જ.

  ઈશ્વર કોઈને પણ આવી કૌટુંબિક સમસ્યાનો ભોગ ન થવા દે.

  ધન્યવાદ.

  Like

   
 11. Rajendra M.Trivedi, M.D.

  July 27, 2010 at 7:47 pm

  પ્રિય વલીભાઈ,

  તમારી મહેનત સાર્થક થઈ છે.
  અમેરીકામા પણ આ વાતો સત્ય બની ને સમાજે તેની સામે અત્યાચારો અટકાવવા સહેલી ને એશયન ટાસ્ક ટુ પ્રિવેન્ટ વાયોલન્સ શરુ કરેલ છે.
  અમે બન્ને ડોકટર તરીકે આ ફરજ બજાવતા ૪૦ વર્ષ ભારતથી દુર વીતાવ્યા છે ને ભારતના માટે પણ થાય તેટલા પ્રવ્રુત છીએ.
  દુખિયારી બહેન-દીકરીને આ આર્ટિકલ ઉપયોગી થશે.
  માતાપિતાને પણ માર્ગદર્શન મળશે.
  આવુ લખતા રહેજો.

  ગીતા અને રાજેન્દ્ર
  http://www.bpaindia.org

  Like

   
 12. pragnaju

  June 1, 2012 at 1:14 am

  અમેરિકન કોંગ્રેસ અને અમેરિકાની સરકારી એજન્સીઓ જે હિંસા ટાળવા માટે છે તેને ઘણા સમાજસેવકોએ કહ્યું છે કે અખબારો, ટી.વી. અને ફિલ્મોમાં વાયોલન્સ દ્વારા ઘાતક અને સસ્તું છતાં મોઘું મનોરંજન પીરસાય છે. તેની બાળકોના માનસ ઉપર નેગેટિવ અસર પડે છે. સ્કૂલ જતાં બાળકોમાં હિંસા વધી છે. પંદર વર્ષનાં બાળકો બંદૂક રાખવા માંડ્યાં છે. તે બંદૂકથી બીજાં બાળકોનાં ખૂન કરવાના કિસ્સા ૧૯૮૦થી ૨૦૧૧ સુધીમાં ત્રણ ચાર ગણા વધ્યા છે. આજે બાળકો પ્રત્યેનાં મા-બાપનાં ફરજ અને કર્તવ્ય ખાડે ગયાં છે. બાળકો ઘરે રેઢાં ઉછરે છે.

  વાયોલન્સ વીડિયો જુએ છે. આવું મનોરંજન જ ઘાતક છે. બાળકોને હવે મેકડોનાલ્ડઝ કે જંક ફૂડ કે પૂરી પકોડી કે બીજા આરોગ્યને હાનિકારક ખાદ્યો ચીજો સમજુ મા-બાપ ખવરાવતાં નથી. તો પછી આ ફિલ્મ તો જબરદસ્ત મન-મગજનો જંક ફૂડ છે. તેઓ મોટા થ ઇ સહજ હોમ વાયોલન્સ કરતા રહે!શ્રી વલીભાઇએ – બેન દિકરીઓ
  અંગે જણાવ્યું તે વિષયનો વિસ્તાર કરી માબાપ,પતિ તથા કુટુંબના બધા સભ્યો આવરી લેવાય તે જરુરી છે.

  કેટલીક વાર બેનોની વધુ પડતી સલામતીની કાળજીનો દૂર ઉપયોગ જણાયો છે

  જંક ફૂડ કાયમી હાનિ કરે છે.

  Like

   
 13. arti

  December 7, 2012 at 8:25 pm

  namaste,
  aa lekh vachi ne khub j aanand thyo. hu pn ghrelu hinsa thi pidit chhu…
  court case pan krelo chhe, parantu koi j ukel malto nthi…

  Like

   
 14. SARYU PARIKH

  July 1, 2014 at 10:31 pm

  In this country, the immigrated ladies who have language troubles and unfamiliarity of the social surrounding feel totally helpless. I was affiliated with the organization in Houston area which built a very good bridge between the community services provider and the confused victims.
  Your article is very informative.
  Saryu
  Austin, Texas

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: