RSS

(217) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૧ (ક્રમશ:)

11 Aug

હાલમાં તમિલનાડુ પણ તે કાળે મદ્રાસ તરીકે ઓળખાતા ભારતના એ રાજ્યના ટ્રીચી (Trichi) જિલ્લાના વેલાયુથમપાલયમ (Velayuthampalayam) મુકામેથી પેસેન્જર ટ્રેઈનમાં એ બધાં રવાના થઈને અમદાવાદના કાળુપુરના એ જથ્થાબંધ બજારમાં આવી પહોંચ્યાં હતાં. એમાંનાં કેટલાંક છૂટક વેપારે પાનબીડીના ખુમચાવાળા એ તંબોળી કે જે આ શરમકથાના ખલનાયક (Villain) તરીકે આગળ ઉપસશે તેના સુધી પહોંચ્યાં હતાં. હા જી, એ હતાં નાગરવેલનાં પાન!

મેઘલી એ સાંજ હતી અને કાલુપુરના દિલ્હી તરફના મીટર ગેજના એ રેલ્વે પ્લેટફોર્મ ઉપર લાગતી એ લોકલ ટ્રેઈનના ડબ્બામાં બેસવાની સીટ મેળવી લેવાની લાલચે છાપરા બહાર ઊભો રહીને પંદરેક મિનિટ સુધી હું પલળ્યો હતો. છાપરા નીચે જમા થએલી ભીડનાં પેસેન્જરોએ બેસવાની જગ્યા મેળવવાની હાલાકી સામે મેં ડહાપણનું કામ કર્યું હતું કે પલળીને પણ પાંચેક કલાકની ત્રીજા વર્ગની મારી સફરને હું આરામદેય બનાવી લેવાનો હતો.

કમોસમનો અડધાએક કલાકનો એ વરસાદ શ્રાવણભાદરવાને પણ ભુલાવી નાખે તેવો હતો. ગાજવીજ સાથેના હાડકાંને પણ થીજવી નાખે એવા કાતિલ ઠંડા પવને, જ્યારે કે હું એ કાળે માંડ સોળેક વર્ષનો હતો, મને નખશિખ ધ્રુજાવી નાખ્યો હતો. ડબ્બામાંના કેટલાક ધૂમ્રપાનના બંધાણીઓ તો શરીરમાં ગરમાવો લાવવા બીડીઓ ઉપર બીડીઓ ફૂંકી રહ્યા હતા, ત્યારે ‘પાનબીડી પાનબીડી’ ના પોકાર કરતા ખુમચાવાળા એ ફેરિયા(તંબોળી)ને મેં બારી પાસે બોલાવીને તમાકુવાળું એક પાન બનાવી આપવાનો ઓર્ડર આપી દીધો હતો. ધૂમ્રપાનના વિકલ્પે મેં મારા ગલોફામાં એ વખતે મારા મને પ્રથમ અને આખરી એવા એ તમાકુયુક્ત પાનને દબાવી દીધું હતું. અહીં વચ્ચે એક કાવ્યપંક્તિના શબ્દોને સ્મરી લઉં છું કે ‘ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે!’ અને જેને શબ્દાંતરે વ્યથિત ભાવે આગળ ગણગણી લઉં છું કે ‘ન જાણ્યું લાડકીનાથે, જીવનભર શું થવાનું છે!’ STOP PRESS/DRAFT! (આમ તો મારી ભાર્યા ’લાડીબેન’ નામે ઓળખાય છે, પણ શાળાના દફતરે તો તેણી ‘લાડકીબાઈ’ તરીકે નોંધાયેલી હોઈ મેં મારી જાતને ‘લાડકીનાથ’ તરીકેની ઓળખ આપી છે!!!)

મારું નામ વલીભાઈ, પણ Nick Name વિલિયમ સાથે ધ્વનિસામ્ય ધરાવતા મારા પ્રથમ પાનના બીડાના જન્મસ્થળ વેલાયુથમપાલયમ સાથે મારે કોઈ ઋણાનુબંધ હશે કે શું પણ કાલુપુરના સ્ટેશનવાળું મારું એ પાન ‘પ્રથમ’ તરીકે તો આજે ય અકબંધ છે, પણ તે ‘આખરી’ તો ન જ બની શક્યું! હા, છેલ્લાં બેત્રણ વર્ષથી તે પાંદડા રૂપે તો અપ્રત્યક્ષ છે, પણ તેના આંતરિક ઘટકો સ્વરૂપે તો મારી સાથે સંલગ્ન છે જ! આ મારી કોઈ પરાક્રમકથા નથી, પણ શીર્ષકે જ જેનો ઉલ્લેખ કરી દીધો છે એવી આ મારી શરમકથા છે. છેલ્લાં ત્રેપન વર્ષથી એ નઠારા વ્યસને મને છોડ્યો નથી તેમ કહેવા કરતાં મેં તેને છોડ્યું નથી એમ કહેવું જ ઈષ્ટ ગણાશે.

હરખભેર બાઈડી પરણી આવેલો ભરથાર પરણ્યાની રાતડી પહેલીએ મધુરજનીનું માધુર્ય માણ્યા પછી સવારે જ સુખશય્યામાં ઊઠતાં જ અફસોસ કરે કે ‘અરરર! આ મેં શું કર્યું! કેવી આઝાદ જિંદગી હતી! જિંદગીભરના બંધનમાં હું શીદને ફસાયો!’; અને છતાંય જીવનભર એ બંધનમાં બંધાએલા રહેવાની આદત દૃઢિભૂત થતી જાય, તેવું જ કંઈક મારે બન્યું. અમદાવાદના કાળુપુરના એ જૂના રેલ્વે સ્ટેશન ઉપર પેલી મેઘલી રાત્રિએ તમાકુ સાથે થએલો એ સહજ મૈત્રીકરાર ક્યારે વૈવાહિક જીવનમાં પરિવર્તિત થઈ ગયો તેની ખબર સુદ્ધાં રહી નહિ.

છએક વર્ષ પહેલાં મારા પુત્ર સાથે લોહીના ઊંચા દબાણ અર્થે એક કાર્ડિયોલોજિસ્ટ પાસે જવાનું થયું. પૂછપરછમાં એકરાર કરવો પડ્યો કે ‘I am tobacco addict.’ અર્થાત ‘હું તમાકુનો વ્યસની છું.’ આગળ અન્ય પૂછપરછને અટકાવીને તેમણે કંઈક શોધવા માટે તેમના ટેબલનાં ખાનાં ખેંચીને ફંફોસવાનું શરૂ કર્યું. મારા પુત્રે ‘લાવો સાહેબ, તમે જે કંઈ શોધવા માગતા હો તે માટે મદદ કરું’ કહેતાં તેમણે ના પાડી. બેત્રણ મિનિટ બાદ તેમણે લાલ રીફીલવાળી બોલપેન શોધી કાઢીને મારા કેસ પેપર ઉપર ભમરડા જેવા મોટા અક્ષરોએ ‘તમાકુ બંધ’ લખીને આજુબાજુ લાલ વર્તુળ કરીને તે લખાણને મારી સામે ધર્યું.

મેં મારા રમુજી સ્વભાવે તેમના સૂચનનો છેદ ઊડાડતાં કહ્યું, ‘સર, એ મારા માટે અશક્ય છે. મારા દીકરાની હાજરી છતાં મારે કહેવું પડે છે કે તેની બાના મારા ઘરમાં પ્રવેશ પહેલાંનાંય બેત્રણ વર્ષ અગાઉની મારી આ પહેલી તમાકુડોશીને તો હું કેવી રીતે જાકારો આપી શકું!’ આ સાંભળીને ડોક્ટર મૂછોમાં હસતા એટલું જ બોલ્યા હતા; ‘ઓછી કરજો.’ અને મેં તેમને સંતોષ આપવા ખાતર જવાબ વાળ્યો હતો કે ‘પ્રયત્ન કરીશ.’ પણ મનમાં તો એમ જ બોલ્યો હતો કે ’પ્રયત્ન તો શું, એને ઓછી કરવાનો વિચાર સુદ્ધાં પણ કરે એ બીજા!’

મારા આ લેખનું શીર્ષક કેટલાકને પૂજ્ય મહાત્મા ગાંધીજીની આત્મકથા ‘સત્યના પ્રયોગો અથવા મારી આત્મકથા’ ને ધ્વનિત કરતું લાગશે, પરંતુ આટલા વાંચન સુધી અને આગળ વાંચન પૂરું થયેથી મારા માનવંતા તમાકુના ત્રણેય પ્રકાર(ખાસૂંપી)ના વ્યસની કે નિર્વ્યસની વાંચકબંધુઓ અને ભગિનીઓ ઘણપ્રહાર જેવી મહોર મારીને જરૂર કહેશે કે સાચે જ આ એક શરમકથા જ છે. વંદનીય બાપુએ જીવનભરના સંઘર્ષ વડે આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ અપાવી અને પોતાની શહાદત સુધીના ૧૬૮ દિવસ સુધી આઝાદ ભારતને જોઈને તેઓ સ્વર્ગે સીધાવ્યા, જ્યારે જીવનના તમામ ક્ષેત્રના સંઘર્ષોને જીતવા માટે સમર્થ પુરવાર થએલા એવા આ લેખના લેખકને કે જે પોતાની જિંદગીના એક મોટા ભાગ સુધી તમાકુ સામે પોતાનાં ઘૂંટણિયાં ટેકવતો રહ્યો તેને માત્ર એકલા ‘શરમ’ શબ્દથી જ નહિ, પણ દ્વિગુણિત એવા ‘શરમ શરમ (Shame Shame)’ શબ્દોથી નવાજવો જોઈએ તેવું આપ સૌ વતી તટસ્થભાવે અહીં હું મારા અને મારા જેવાઓના વિરુદ્ધમાં લખતાં તલભાર પણ સંકોચ અનુભવતો નથી!

મારા સુજ્ઞ વાંચકોની એ જાણવાની ઉત્સુકતાને હું સમજી શકું છું કે મેં તમાકુમુક્તિના માટેના કેવા કેવા નિષ્ફળ પ્રયત્નો કર્યા હશે! હેનરી ફોર્ડ (Henry Ford) ના નિષ્ફળતા અંગેના વિધાનમાં તો એ છે કે ‘નિષ્ફળતા એ તો જે તે કામને નવીન રીતે શરૂ કરવાની એક એવી તક છે કે જે આ વખતે થોડીક વધારે સમજદારી માગી લે છે.’ તો વળી થોમસ આલ્વા એડિસન (Thomas Alva Edison) તો કહે છે કે ‘હું નિષ્ફળ ગયો નથી, પણ એવા દસ હજાર માર્ગો શોધી શક્યો છું કે જે કામમાં આવી શકે તેમ નથી.’ પરંતુ તમાકુના વ્યસનમાંથી મુક્તિ સંદર્ભે તો મારી જાત પૂરતું અને મને જ લાગુ પડતું મારું કથન તો છે કે ‘હું નિષ્ફળ જ પુરવાર થયો છું, કેમ કે મેં અનેક એવા પ્રયોગો અજમાવી જોયા છે જે મારી નરી મુર્ખાઈને જ સાબિત કરી શક્યા છે અને મારા માટે તમાકુમુક્તિ માટેનું ધાર્યું કોઈ પરિણામ લાવી શક્યા નથી!’

‘થોઆએ’ ને જેમ નિષ્ફળતામાંથી બિનપરિણામદાયી દસ હજાર માર્ગો મળ્યા હતા, તેમ મને પણ મારા ત્રેપન વર્ષના તમાકુસેવન દરમિયાન વર્ષના એક્ના હિસાબે ગણતાં ઓછામાં ઓછા નિષ્ફળતાના ત્રેપન અનુભવો તો થયા હશે, પણ એ બધાયને વર્ણવવાનો અહીં અવકાશ ન હોઈ મુખ્ય કેટલાકને જ દર્શાવીને લેખસમાપન તરફ આગળ વધીશ.

(1) બેસણું/ઝિયારત/Life Celebration /પઘડી પ્રયોગ:

મેં ત્રેપન વર્ષમાં કોણ જાણે કેટલીય વાર મારા માટે તમાકુ જાણે કે મરી પરવારી હોય  તેમ માની લઈને મારા શયનખંડમાં માત્ર પત્નીની જ હાજરીમાં તેની ઉપરોક્ત  મરણોત્તર ક્રિયાઓ કરી લીધી હોવા છતાં બીજા જ દિવસે સવારની ચા ટાણે એ તમાકુ  સજીવન થઈને મારા જીવનમાં પાછી ફરી છે. સ્મશાને કે ક્બ્રસ્થાને પહોંચી ગએલાં  મડદાં કે મૈયતો પાછાં ન જ આવે તેવા સનાતન સત્યને મારી વાલી એ તમાકુએ  ખોટું  પાડ્યું છે!

(2) મનોમન ભિખારવા થવાનો પ્રયોગ:

કેટલાંક સંતાનવાંછુક માતાપિતા પોતાના ઇષ્ટ દેવદેવીઓ કે ઈશ્વર/અલ્લાહને હાજરનાજર ગણીને સંકલ્પ કરતાં હોય છે કે બાળક અમુક વર્ષનું થાય ત્યાં સુધી તેને કપડેલતે ભિખારવું રાખવામાં આવશે. આપણે જગજાહેર તો નહિ, પણ મનોમન અસંખ્યવાર પોતાની જાતને એ કક્ષાએ મૂકી જોઈ. બધાં કંઈ સહદેવ ન હોય કે જેથી તેમને ખબર પડી જાય કે આ ભાઈ પાનતમાકુ કે માવાગુટકે ભિખારવા થયા છે, તો વણમાગ્યે તેમની તલપને સંતોષીએ! આમ કલાકોના કલાકો સુધી આપણો કોઈ ભાવ પૂછનાર ન મળતાં રાજા ભર્તૃહરિની જેમ મનોમન ‘ભિક્ષા દે ને મૈયા પિંગળા’ એવું ગણગણતાં પત્ની આગળ હાથ લંબાવવો પડ્યો હતો. છેવટે પન્નાલાલ પટેલના ‘માનવીની ભવાઈ/ભાંગ્યાના ભેરુ’વાળા કાળુના સંવાદ ‘ભૂખ ભૂંડી કે ભીખ ભૂંડી?’ને યાદ કરીને ભિખારવા થવાના સંકલ્પ (Resolution)ને બાય-બાય, ટા-ટા જ કરી દેવું પડ્યું હતું!

(3) ‘આમ થાય તો જ અને તેમ ન થાય તો નહિ જ!’ના કરારવાળો પ્રયોગ:

એક જ બેલીના ધોતિયા જેવા અર્થાત મારા જેવા જ હમવ્યસની એક મિત્ર સાથે એવો કરાર કરી જોયો કે પાનગલ્લે બંને ભેગા થઈએ તો જ પાન વાગોળવાં! દિવસોની વાત તો ભારે કહેવાય, પણ કલાકો સુધી પણ એવો તાગ ન બેસવાના સંજોગોમાં કરારમાં સુધારો કરવો પડ્યો કે જે કોઈ એકલો જેટલી વખત પાન ખાય તેટલાં જ પાન બીજા માટે બંધાવી લેવાં અને આમ કોઈ કોઈ વાર તો આઠઆઠ દસદસ પાનના પડાઓની આપલે થવા માંડતાં સુકાઈ ગએલાં અને વાસી પાન ખાવાના દહાડા આવવા માંડ્યા. છેવટે કરારમાં બીજો સુધારો લાવવો પડ્યો કે દરેકે એકલાએ ખાધેલાં પાન ગણી રાખવાં અને એકબીજાને હિસાબ વર્તી આપવો. આમ પહેલા અને બીજા સુધારામાં તો અમારાં પાન ખાવાનો ક્વોટા બમણો અને ત્રણગણો થતાં ત્રીજા સુધારામાં બાદબાકીનો નિયમ અપનાવીને તફાવત જેટલાં પાનની કે રોકડની આપલે થવા માંડી. આ આખાય પ્રયોગની ફલશ્રુતિમાંથી એક જ તારણ નીકળ્યું કે લેવડદેવડનાં પલ્લાં સરખાં થતાં હતાં, જે અર્થહીન જણાતાં એ કરારને કાયમ માટે Freeze કરી દેવો પડ્યો હતો.

‘વ્યસન માત્ર ઘૃણાને પાત્ર’ એ સૂત્ર બોલવાનો અધિકાર તો એ લોકો માટે જ સુરક્ષિત રહી શકે કે જેઓ એવાં અનિષ્ટોનો ભોગ બન્યા ન હોય! અત્રે હું મારા સુજ્ઞ વાંચકોને મારા જીવનની તમાકુમુક્તિની મારી પ્રયોગશાળામાંની અસહ્ય દુર્ગંધથી દૂર લઈ જવા માગું છું. શેક્સ્પિઅરના એક નાટક ‘જેનો અંત સારો, તેનું સઘળું સારું’ ની જેમ મારા જીવનની તમાકુસેવનની નિંદનીય એ આદત હવે મારા ત્યાં થોડીક મિનિટો માટેની જ મહેમાન છે. ખૂબ જ નિખાલસ ભાવે કહું તો મારા લેખનો આ ફકરો હું જ્યારે ડ્રાફ્ટ કરી રહ્યો છું, ત્યારે પણ મારું મોંઢું તમાકુ અને તેની સાથેના ઘટક પદાર્થોના મિશ્રણ/દ્રાવણથી ભર્યુંભર્યું છે.

હવે, હું MSW માં ડ્રાફ્ટ થતા આ લેખને તે પૂર્ણ થયેથી વાયા WLW મારા બ્લોગ ઉપર પ્રસિદ્ધ કરવા Dash Board ઉપર લઈ જઈશ. ત્યાં જરૂરી કોઈક Editing કરી લીધા પછી Publishના વિકલ્પ ઉપર મારા Mouse પાસે ચાંચ મરાવડાવીશ. મારા બ્લોગના Home Page ઉપરની તેની પ્રસિદ્ધિને નિહાળી લઈને મારા કોમ્પ્યુટરને ચાલુ હાલતમાં છોડી દઈને Wash Basin તરફ ગમન કરીશ. ત્રેપન ત્રેપન વર્ષના તમાકુ, સોપારી અને ચુનામિશ્રિત માવા; તમાકુયુકત નાગરવેલનાં વિવિધ જાતનાં મલબારી, કપુરી, બાંગ્લા, કલકત્તી, બનારસી કે પુના પાન: અને, તરેહ તરેહના પાનમસાલા કે ગુટકાના મારા સામે ટકી રહેલા મારા જડબામાંના ચાલુ કન્ડીશનમાંના ટકી રહેલા કેટલાક કુદરતી જ દાંત કે દાઢોને બ્રશ કરી લઈશ. મારા ટુથબ્રશને મારું મનોમન એવું સંબોધન હશે કે ‘અહો, મારા ટુથબ્રશ! આપ પણ છેલ્લી છેલ્લી તમાકુસેવનની મજા માણી લો, કેમ કે હવે પછી તો આપ મેરે મુઁહમેં ઉસે ઢૂંઢતે હી રહ જાઓગે!’

આટલા લાંબા સમય સુધી મને વેંઢારવા બદલ ‘ધન્યવાદ’ ન કહું તો હું નગુણો ન કહેવાઉં!

-વલીભાઈ મુસા

નોંધ :-

(218) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૨ માટે અહીં ક્લિક કરો

(૫૧૪) તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા – ૩ માટે અહીં ક્લિક કરો.

(૫૧૫) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્ – ૪ માટે અહીં ક્લિક કરો.

(૫૧૬)  તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા – ૫ માટે અહીં ક્લિક કરો.

 

 

Tags: , , , , , , , , , , , , , , , ,

13 responses to “(217) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૧ (ક્રમશ:)

  1. અશોક મોઢવાડીયા

    August 12, 2010 at 12:15 pm

    હિંમત રાખો સાહેબ ! ઘણા લોકોએ જીવનમાં દશ દશ વખત આ પાન,માવા,ગુટકા,ધુમ્રપાન રૂપે લેવાતું તમાકુ છોડ્યું છે !!! આપ શું એક વખત પણ નહીં છોડી શકો ? 😉 આપનો સંકલ્પ સદાકાળ ટકી રહે તેવી પ્રાર્થનાસહઃ (ભાગ-૨ ની પ્રતિક્ષામાં..)
    આભાર.

    Like

     
  2. Valibhai Musa

    August 12, 2010 at 1:18 pm

    શ્રી અશોકભાઈ,

    તમારી જ પ્રથમ કોમેન્ટ અને તમે તો મેદાન મારી ગયા! મારા અર્ધી સદી ઉપરાંતના નિષ્ફળ પ્રયત્નો પછી પણ કદાચ હંગામી છતાંય મારા મને કઠોર એવો આ નિર્ણય લેવામાં જે મારા મિત્ર નિમિત્ત બન્યા છે, તે તો ઊંઘતા જ રહ્યા! મેં તેમને પ્રથમ કોમેન્ટે આવી જવા અંગત મેઈલ પણ કરી હતી. આમ છતાંય તમારી કોમેન્ટ બદલ મને સંતોષ એ વાતનો છે કે મને Moral Support માટે જે પ્રકારની કોમેન્ટની અપેક્ષા હતી તે મને તમારા થકી મળી ચૂકી છે અને તે બદલ જેટલો આભાર માનું તેટલો ઓછો છે.

    ધન્યવાદ

    વલીભાઈ

    Like

     
  3. અશોક મોઢવાડીયા

    August 12, 2010 at 1:45 pm

    માન. વલીભાઇ, નમસ્કાર.
    આપ સમા વડીલે મારો આભાર માન્યો તે આપનું બડપ્પન છે.
    આપનો આ લેખ મારા જેવા કોઇકનું વ્યસન છોડાવવામાં પણ નિમિત્ત બનશે તો એ પણ પુણ્યકાર્ય થશે. અને તેના ફળ સ્વરૂપે આપના સંકલ્પને બળ જરૂર મળશે તેવી મારી આશા છે.
    આભાર.

    Like

     
  4. Rameez Musa

    August 14, 2010 at 12:42 am

    Dear dada,we never forced you to do such things, but we always counseled you….n we are glad today that you are going to take this step….”Jagya Tyaanthi Savar”…..we are always with you…so Dear Dada…”tum aage badho,hum tumhare saath hai”….keep it up Dada…..

    Like

     
  5. Valibhai Musa

    August 14, 2010 at 2:25 am

    My dear Grand Son Dr. Rameez,

    I am very happy to read some words of yours very useful to my moral building to stick with my decision. I am mentally firm in this regard, but feel some physical problems. Our village Dr. Late P. J. Shah had once told me that I should try to get rid of tobacco chewing gradually. I seek your advice whether I should follow this or neglect it. You may call me or send me a personal mail for my query raised.

    Khuda Hafiz,

    Duagir,

    Dada

    Like

     
  6. પટેલ પોપટભાઈ

    August 14, 2010 at 4:48 am

    મા. શ્રી વલીભાઈ,

    શરમ નામની આ બલા મને ના વળગી એ માટે મારા દાદાનો ઉપકાર માનવો રહ્યો,પછીથી ગુજરાત વિધ્યાપીઠનો. જો કે કરોડપતિઓને રોડપતિઓ પાસે શરમ વિના બે-ધડક ભિખ માગતા જોવાનો લહાવો મળ્યો છે.

    કબુલાત માટે હિંમતને દાદા દેવી પડે જ .

    Like

     
  7. Rameez Musa

    August 14, 2010 at 5:19 am

    Dear dada,

    Your query is absolutely scientific……there will be many withdrawal symptoms for few weeks which will make u so uncomfortable, but you have to face it or should find out some way to ignore it….

    According to some physicians, addiction should be left gradually…..but in that case the success rate is not that much as compared to sudden withdrawal……so it’s better to stop abruptly……n if you have too many symptoms, we shall discuss with some specialist doctors…..so at present you continue sticking with your decision….

    Khuda Hafiz

    Like

     
  8. DR. CHANDRAVADAN MISTRY

    August 14, 2010 at 6:42 pm

    તમાકું ત્યાગી વલીભાઈ !
    હાર્ટની સર્જરી બાદ, વલીભાઈ તો આવી ગયા છે ઘરે,
    તમાકું ત્યાગ કરી, વલીભાઈ તો નવજીવનમાં છે ઘરે,
    રમીઝ કહેઃ દાદા,તમે લાગો છો જુદા જુદા,
    તો, દાદા કહેઃ તમાકું વગર લાગું છું સારો,પૌત્ર મારા,
    ત્યારે, રમીઝ કહેઃસારા જ હતા,પણ હવે છો વધુ સારા તમે,
    જાગ્યા ત્યારથી સવારના મંત્ર સાથે,તમાકું વગર રહેશો જરૂર તમે,
    તમે અચાનક તમાકુંનું વ્યસન છોડ્યું, છે એ જ બરાબર,
    કાંઈ અણગમતું થાય,ગભરાશો નહી,ત્યારે ડોકટરસલાહ ,છે એ જ બરાબર,
    “ખુદા હાફીઝ્”ના પૌત્ર-શબ્દો યાદ કરી,કરી
    વલીભાઈ છે રાજી,તમાકું ત્યાગનો આનંદ માણી,માણી !
    >>>>ચંદ્રવદન તારીખ ઓગસ્ટ ૧૪, ૨૦૧૦
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai..Hope you are back home & well !

    Like

     
  9. Valibhai Musa

    August 14, 2010 at 8:53 pm

    આભાર ચન્દ્રવદનભાઇ,

    સરસ મજાની શીઘ્ર કવિતા બદલ!
    શબ્દે શબ્દે કેટલો આનંદ છલકે છે, એક કુટુંબીજનની જેમ!
    આપની પાસે પ્રભુપ્રાર્થનાની અપેક્ષા કે
    એન્જિઓપ્લાસ્ટીથી કામ સરે, બાયપાસથી વલદા બચે!
    છેલ્લી લીટીમાં થોડું કવિતા જેવું લખાઈ ગયું નહિ!

    સ્નેહાધીન,

    વલીભાઈ

    Like

     
  10. સુરેશ જાની

    August 16, 2010 at 10:34 am

    લો આજે વાંચવાનો ટેમ મળ્યો! દીકરાને પગના તળીયે દુખાવાનું દર્દ ઉપડ્યું હતું, એની સેવામાં હતો.
    તમારી અદભૂત વર્ણનશક્તિ અને એનાથીય અદભૂત ફ્રેન્કનેસ(ગુજરાતી?) કાબિલે દાદ છે.
    એક બે અદભૂય સામ્ય….

    મારી પાનપરાગ ભક્તિ(તમાકુસહિત નહીં પણ રહિત!)તમારી તમાકૂ ભક્તિ જેટ્લી જૂની તો નથી; પણ છેલ્લા છ મહિનાથી એના ચાળે ચઢ્યો હતો.(કદાચ તમારી સંગતની ટેલીપથીને કારણે પડેલી ટેવ?!) ચાર વર્ષ જૂની ગળાની ખિચ ખિચ મરવાની અણી પર હતી- તેને આ નવી ભક્તિએ જીવતદાન આપ્યું એવો મને વહેમ બે દિ’ પર પડ્યો અંને એ છોડી છે. તમારી કરમ કઠણાઈ વાંચી, એ સંકલ્પ દૃઢ બન્યો છે. આશા રાખું કે, એ મારી શરમકથાનું છેલ્લું પ્રકરણ બની રહે- આ વાંચીને સ્તો!
    મારી આદત મૂજબ મારા લેખની જાહેરખબર કરવાની આ અમૂલ્ય તક શેં ગુમાવાય ?

    તમારી ટ્રેન મુસાફરી જેવી મારી ટ્રેન મુસાફરી –
    http://gadyasoor.wordpress.com/2007/09/06/first_travel/

    અને ગળાની ખિચ ખિચ પર આક્રમણની કથા …

    http://gadyasoor.wordpress.com/2010/03/12/lpr/

    વાંચો અને વંચાવો !!

    અને 15 ઓગસ્ટે આ જાફેરાત કરવાના વ્યસનને દફનાવવામાંથી મળેલી આઝાદીમાંથી થયેલું નવલા સર્જનની આઝાદી —–

    http://sujan10thoughts.wordpress.com/

    જોયું ને વ્યસન મુક્તિ કેટલી અસાધ્ય છે?!

    Like

     
  11. અરવિંદ અડાલજા

    August 19, 2010 at 6:29 am

    શ્રી વલીભાઈ
    નેટમાં પ્રોબ્લેમને કારણે આજે સમય મળ્યો અને આપની પોષ્ટ વાંચી. મજબુત મનોબળ વ્યસન મુક્તિ માટે શ્રેષ્ઠ ઉપાય છે અને આપ તે જરૂર કેળવી શક્શો કારણ આપ વ્યસન ના દોષોથી પણ સભાન અને સતર્ક છો. મારા એક મિત્રને પણ આપ જેવી જ તમાકુની આદત હતી લગભગ 45 વર્ષની જૂની અને તેણે પણ 2008માં બાય પાસ સર્જરી આવી હતી અને ટેવ ઓપરેશનના દિવસથી છૂટી તે સદભાગ્યે ફરી શરૂ થઈ નથી. આમતો આવી ટેવ સાધારણ રીતે શાળાના કે કોલેજના દિવસોમાં મિત્રોના મેણાં-ટોંણાથી શરૂ થતી હોય છે. તમાકુ કે સીગારેટ ખાવાનો ઈંકાર/પીવાનો ઈંકારને કરનારને અનેક જાતના મર્દ નથી સહિતના મ્હેણાં મારી પોતાની જમાતમાં ભેળવવાના તમામ પ્રયત્નો કરવામાં અવે અને આખરે પેલો પણ ચાલુ થઈ જાય ! મારા કિસ્સામાં પણ ઉપર જણાવ્યા તે મિત્ર સહિત બીજા મિત્રોએ પણ ખૂબ જ પ્રયાસો કરેલા પરંતુ હું બચી ગયેલો અને મૂગે મોઢે મ્હેણાં સાંભળી લેવાનું રાખતો ! ઈશ્વરની કૃપાથી આજ સુધી કોઈ પ્રકારની આદતો કેળવાય નથી સાદું અને સરળ જીવન જીવાઈ રહ્યું છે. આપ પણ આ આદતથી મુક્ત થઈ શક્શો તે નિઃશંક વાત છે અને પરમ કૃપાળુ પરમાત્મા આપને આપનું મનોબળ મજબુત બનાવવામાં પૂરેપૂરી સહાય કરે તેવી પ્રાર્થના સાથે
    સ-સ્નેહ
    અરવિંદ

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: