કસ્તુરીમૃગને ખબર નથી હોતી કે તેની પોતાની નાભિમાંથી જ કસ્તુરીની સુગંધ આવે છે અને એ બિચારું કસ્તુરીની તલાશમા પર્વત પર્વત, જંગલ જંગલ ભટક્યે જ જતું હોય છે. ગુમશુદા બાળકની શોધમાં બહાવરી બનીને દરબદર ભટકતી કોઈ ધુની માતાને એમ કહેવામાં આવતું હોય છે કે તેની કમરે તેડાએલું બાળક અન્ય કોઈનું નહિ, પણ તેનું પોતાનું જ છે! બસ, આવું જ થતું હોય છે મારા તમારા જેવા અનેકોના જીવનમાં કે તેમની સમસ્યાઓના ઉકેલ તેમની પાસે જ હોવા છતાં તેઓ અત્ર, તત્ર, સર્વત્ર તેની તલાશ અર્થે પરિભ્રમણ કર્યે જતા હોય છે. મારા આ કથન સંદર્ભે પ્રાચીન કવિ ધીરા ભગતની કૃતિ “તરણા ઓથે ડુંગર”ને ટાંકીશ જેનાથી મારા સુજ્ઞ વાંચકો સુવિદિત થશે કે ઘણીવાર માનવજીવનની કોઈ ડુંગરસમાન સિદ્ધિઓ કે વૈજ્ઞાનિક શોધસંશોધનો આડે એક ક્ષુદ્ર તણખલું માત્ર જ હોય છે અને તે સહજ રીતે જ દૂર થઈ જતાં પેલું મહત્વનું લક્ષ્ય જે અદૃશ્ય હોય છે તે દૃશ્યમાન થઈ જતું હોય છે.
તમાકુના વ્યસનમાંથી મુક્ત થવાના મારા અસફળ પ્રયત્નો મારા વ્યસનની અર્ધી સદી ઉપરાંતની અવધિ દરમિયાન અવિરત ચાલુ જ રહ્યા. મારા ભાગ્યની વક્રતા ગણો કે જે ગણો તે, પણ હું તમાકુના વ્યસન આગળની મારી લાચારીના એક માત્ર અપવાદ સિવાય (આત્મશ્લાઘા જેવું લાગે તો માફી ચાહું છું!) મારા સમગ્ર જીવનકાળમાં દૃઢ નિશ્ચયબળે કોણ જાણે કેટકેટલાય સંઘર્ષોમાંથી ઈશ્વરકૃપાએ હું પાર ઊતર્યો છું. માનવીમાત્રમાં એકાદ એવી કમજોરી હોય જ છે અને મારા દુર્ભાગ્યે મને મારી આ કમજોરી સાથે પનારો પડ્યો.
આજે સમગ્રતયા તમાકુના વ્યસનત્યાગની મન:સ્થિતિએ હું જે આવી શક્યો છું, તેના નિમિત્તમાં સાવ સામાન્ય ગણી શકાય એવી એક ઘટના કારણભૂત બની છે. મારા નેટર અને બ્લોગરમિત્રો વિદ્વાન એવા સુરેશભાઈ જાનીથી સુપરિચિત હશે જ અને જેઓ તેમનાથી અપરિચિત હોય તેઓ જાણવા જેવા એ માણસને અવશ્ય જાણી લે તેવી ભલામણ કરું છું. મારી શોખ (‘વ્યસન’ શબ્દ જાણીબૂઝીને ટાળું છું!) બની ગએલી ત્રણ વર્ષ ઉપરાંતની બ્લોગીંગ પ્રવૃત્તિ દરમિયાન અસંખ્ય ભાઈબહેનો સાથે કેવા આત્મીય સંબંધોથી હું બંધાયો છું તે મારા જન્મદિવસ ઉપરના મને મળેલા સંદેશાઓના પ્રતિભાવરૂપે 60+ ગુજરાતીઓ ગ્રુપ ઉપરના મારા આ શબ્દો થકી જાણી શકાશે “નીચે મારા Signature સૂચક નામને લખવા પહેલાં કવિ કાલિદાસ રચિત ‘કુમારસંભવમ્” માં શિવજીના મુખે પાર્વતીજીને સંબોધાએલો સંવાદ “તપથી ખરીદાએલો હું તારો દાસ છું” યાદ કરું છું અને નેકદિલે મારા મનોભાવને પ્રગટ કરતાં કહું છું, આ શબ્દોમાં કે :- આપ સૌની ભલી લાગણીઓથી ખરીદાએલા દાસ સમાન એવો હું, વલીભાઈ અત્રેથી વિરમું છું.”
અહીં અન્ય મિત્રોની માફી સાથે નિખાલસભાવે કહું તો જિંદગીના ઉત્તરાર્ધના અંતિમ ચરણે આવી ઊભેલા એવા મારા માટે આપ સૌ કોઈ એટલા જ સરખા એવા મારા પ્રિય મિત્રો છો, પણ અમે સુરેશભાઈ અને વલીભાઈ કોઈક ઋણાનુબંધે સુરેશ-વલી ભાઈભાઈ બની ગયા છીએ. અમે બંને <70 છીએ અને સુરેશભાઈ મારાથી બેએક વર્ષ નાના છે, પણ અનુભવે અને સઘળાં વાને તેમને મારાથી 22+ વર્ષ મોટા મોટાભાઈ ગણું છું. અમે એકબીજાને ઓળખતા થયા એ તો કદાચ મહિનાઓમાં ગણાય, પણ સંબંધો એવા તો ગાઢ થયા છે કે જાણે અમે બચપનથી જ એકબીજાના પરિચયમાં હોઈએ. અમને બંનેને પાઈની પેદાશ નહિ અને ઘડીની પણ નવરાશ નહિ તેવું હોવા છતાં અમે પરસ્પર મેઈલ, એકબીજાના લેખો ઉપરના ભાવપ્રતિભાવ અને ટેલિફોનીક વાતચીતથી ભાગ્યે જ કોઈક દિવસ મુક્ત રહ્યા છીએ. હવે મારા વાંચકોની તાલાવેલીનો અંત લાવવા મારા લેખના મુખ્ય વિષયે આવું છું અને હાલ સુધી આપ સૌને લબડવવા બદલ માફી માગીને આગળ વધું છું.
અમારી વચ્ચેની મેઈલની આપલે દરમિયાન એક એવી મેઈલમાં મેં મારા તમાકુના વ્યસનનો જિક્ર કરતાં એક વાક્ય આ પ્રમાણે લખ્યું હતું :“તમાકુ ચાવવાના વ્યસનથી મને માત્ર એક જ એવો એ લાભ પ્રાપ્ત થયો છે કે હું નિર્વ્યસની માણસોને માનની નજરે જોતો થયો છું!” બસ, મારા જ કબુલાતનામા (Confession) ના આ શબ્દો હાસ્યદરબાર ઉપરનાં મારાં લખાણોના પ્રભાવ હેઠળ કે મારી રમુજી શૈલીની આદતના પ્રતાપે લખાયા હોય પણ તે મારા માટે એક Turning Point બની રહ્યા! સુરેશભાઈને મેઈલ તો Click થઈ ગઈ, પણ મારા મનમાં એ શબ્દો જુદી રીતે Click થઈ ગયા અને હું મારી જાતને પૂછી બેઠો કે ‘જો હું નિર્વ્યસની માણસોને માનની નજરે જોતો હોઉં, તો એ નિર્વ્યસની માણસો મને કેવી નજરે જોતા હશે!’ એવા નિર્વ્યસની માણસોમાં મારા મિત્રો, સ્નેહીઓ કે કુટુંબીજનો આવી જાય અને તે સૌ બિચારાં મારી માનમર્યાદા કે લાગણીઓ સાચવવા ખાતર કે પછી તમાકુના વ્યસન સામેની મારી લાચારીને સમજવાના કારણે ભલે ચૂપ રહ્યાં હોય, પણ તેમના મનથી તો હું સાવ અધમ જ ગણાતો રહ્યો હોઈશ તે સર્વથા સત્ય હકીકત હોવી જ જોઈએ! આમ જાણ્યેઅજાણ્યે આ એક જ વિચાર મને આંતરિક રીતે વલોવતો રહ્યો અને મને મારા મને નવનીતરૂપ સુખદ એવું એ પરિણામ પ્રાપ્ત થયું કે જે મારા જીવન દરમિયાન નાનેરાંની વિનવણીઓ, મોટેરાંની શિખામણો અને ડોક્ટરોની સલાહોથી પ્રાપ્ત્ત ન થઈ શક્યું. સુરેશભાઈ પણ સામાન્ય રીતે મારી કોઈક મેઈલના ટૂંકા જવાબો પણ આપ્યા વિના રહે નહિ અને આ અંગેનું તેમનું ભેદી મૌન એક પ્રવચનનું કામ કરી ગયું.
વિશ્વભરના યુવાવર્ગ અને એમાં ય ખાસ કરીને કોલેજિયનોને નઠારી સોબત અને ખર્ચનાં નાણાંની આસાન ઉપલબ્ધિના કારણે વ્યસનોનો વાયરસ આસાનીથી લાગુ પડી જતો હોય છે. સદભાગ્યે યુવતીઓમાં આવાં વ્યસનોનું પ્રમાણ ઓછું જોવા મળે છે. માદક દ્રવ્યોનું વ્યસન તો યુવાવર્ગને શતમુખે તબાહ કરી નાખતું હોય છે. આવા લોકો માટે વ્યસનોથી બચવું કે ભોગ બની ગએલા હોય તો જલ્દીથી બહાર નીકળી જવું એટલા માટે જરૂરી બની જાય છે કે તેમને જીવનની એક લાંબી મઝલ કાપવાની હજુ બાકી હોય છે. મારા જેવા સ્મશાન કે કબ્રસ્થાનના દરવાજાની ખૂબ જ નજીક પહોંચી ગએલા એવા જીવનના આખરી દિવસોમાં વ્યસન છોડી બતાવે એમાં કોઈ પરાક્રમ નથી, કેમ કે એ તો વૃદ્ધા પતિવ્રતાવાળી વાત જેવું છે. ‘પોલું તો સૌ કોઈ વગાડે, સાંબેલું વગાડે તે જ ખરો’ એ ઉક્તિ સ્વયં ઘણું કહી જાય છે.
હું મારા લેખના સમાપને આવી પહોંચ્યો છું. હું સાહિત્યસર્જકની સાથે સાથે વિવેચક પણ છું. સાહિત્યના Protocol (શિષ્ટાચાર) અને રસનિષ્પત્તિની આચરસંહિતાનો ભંગ કરીને પણ મને ખુલ્લા શબ્દોમાં કહેવા દો કે તમાકુ ખાવા, પીવા કે સૂંઘવા જેવાં સદોષ કે નિર્દોષ વ્યસનો ઉપરાંતનાં દારૂ કે અન્ય કેફી દ્રવ્યોનાં સેવનની લતના રવાડે કદીયે કોઈ ચઢશો નહિ; ચઢવું સહેલું છે પણ એક વખત ચઢ્યા પછી ઊતરવું આસાન નથી. કોઈ પણ પ્રકારના નામે વ્યસનથી બચવું, વ્યસન પડી ગયું હોય તો સત્વરે તેમાંથી બહાર નીકળી જવું અને અન્યોને એવાં વ્યસનોથી બચાવવા કે મુક્ત કરવા પ્રયત્નશીલ રહેવું એ મારા આ લેખનો સંદેશ છે. તમાકુ ચાવવાના વ્યસનમાંથી મુક્ત થવાના મારા સંઘર્ષમાં બાહ્ય મદદો મારા માટે નિષ્ફળ પુરવાર થઈ, પણ મને મળેલી મારી આંતરિક મદદ જ મને સહાયરૂપ નીવડી. એક અંગ્રેજી કહેવતને ગુજરાતીમાં જ દર્શાવી દઉં અને પછી આપણે છૂટા પડીએ. ‘ઘોડાને પાણી સુધી દોરીને તો લઈ જઈ શકાય, પણ તેને પાણી પીવાની ફરજ તો ન જ પાડી શકાય!’
ધન્યવાદ.
– વલીભાઈ મુસા
નોંધ :-
(217) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા – ૧ માટે અહીં ક્લિક કરો.
(૫૧૪) તમાકુત્યાગના પ્રયોગો અથવા સાચે જ મારી શરમકથા – ૩ માટે અહીં ક્લિક કરો.
(૫૧૫) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારું પરોપદેશે પાંડિત્યમ્ – ૪ માટે અહીં ક્લિક કરો.
(૫૧૬) તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી સાફલ્યકથા – ૫ માટે અહીં ક્લિક કરો.
pragnaju
August 15, 2010 at 6:17 pm
ધન્યવાદ.
અમારા હીરો ડીન ઓર્નીશની પધ્ધતિથી તમારી પ્લાસ્ટી કે બાયપાસ સર્જરીને પણ બાયપાસ કરી શકાશે.આવા ઓપરેશન બાદ તમે એમ માનો કે તમારું દર્દ સમૂળું સારું થયું અને ગાફેલ રહેશો તો તમને ધોકો થશે!
મસ્ત સ્વભાવના અમારા ચેનસ્મોકર કાકાશ્રી ધન્વિનચંદ્ર ભગવતીશંકર શુક્લ, ૯૩ વર્ષની ઉંમર સહજતાથી શાંત થયા ત્યારે મેં અંજલીમા લખ્યું હતું કે-“હર ફક્રકો ધૂંવેમેં ઉડાતા ચલા ગયા!”ત્યારે દુઃખ એ લાગતું કે આનાથી તંબાકુનો પ્રચાર થાય છે!
જ્યારે તંબાકુ છોડનાર તે અંગે કહે તેની વધુ અસર થાય છે. અત્યારના બુધ્ધિપ્રધાન સમાજને તે અંગે સમજાવીએ તો ન કેવળ વધુ અસર થાય છે પણ સ્થાપિત હિતો સામે લડવાની સરળતા રહે છે.
એવું માનવામાં આવતું હતું કે તમાકુ એ ઇશ્વરની ભેટ છે અને જે લોકો તમાકુનો ધુમાડો બહાર કાઢે તે જે તે વ્યક્તિના વિચારો અને પ્રાર્થના સ્વર્ગ સુધી પહોંચાડે છે!
તમાકુના ઔષધ તરીકેના અસંખ્ય ઉપયોગ છે. દર્દ નાશક તરીકે તેનો ઉપયોગ કાન અને દાંતના દુઃખાવા માટે અને પ્રસંગોપાત પોટીસ મૂકવા તરીકે પણ તેનો ઉપયોગ થતો હતો. રણમાં વસતા ભારતીયો માટે ધૂમ્રપાનને ઠંડીનો ઉકેલ હોવા તરીકે વર્ણવવામાં આવ્યું છે, તેમાંયે ખાસ કરીને જો તમાકુને ડેઝર્ટ સાગે સાલ્વિયા ડોરિલ પાંદડાઓ સાથે અથવા ભારતીય બામ વૃક્ષના મૂળીયા અથવા ખાંસીના મૂળીયા લેપ્ટોટેનીયા મલ્ટીફિડા સાથે મિશ્રણ કરવામાં આવતા હતા, જેના ઉમેરણથી તે ખાસ કરીન અસ્થમા અથવા ફેફસાના ક્ષયરોગ માટે સારુ ગણવામાં આવતું હતું.
તમાકુએ કૃષિ પેદાશ છે, જેને પ્રજાતિ નિકોટિયાના માં છોડના તાજા સ્તરોમાંથી પ્રોસેસ કરવામાં આવે છે. પ્રજાતિમાં અસંખ્ય જાતોનો સમાવેશ થાય છે, જોકે નિકોટિયાના ટોબેકમ સર્વત્ર ઉગાડવામાં આવે છે. નિકોટિયાના રુસ્ટિકા બીજા ક્રમનું ઊંચી માત્રામાં નિકોટીન તત્વ ધરાવે છે. આ પાંદડાઓની લણણી કરવામાં આવે છે અને ધીમા ઓક્સીડેશન થવા દેવા માટે અને તમાકુના પાંદડામાં કેરોટેનોઇડના ડિગ્રેડેશનના ઉપચાર કરવામા આવે છે. આ પ્રક્રિયા તમાકુના પાંદડાઓમાં ચોક્કસ પ્રકારના મિશ્રણો ઉત્પન્ન કરે છે, જેનો ઉપયોગ મીઠા ઘાસ, ચા, ગુલાબ તેલ અથવા ફળના મધુર સ્વાદવાળી બનાવવા માટે થાય છે. પેક કરતા પહેલા, તમાકુને ઘણી વખત નીચેના હેતુ માટે અન્ય ઉમેરણો સાથે મિશ્રણ કરવામાં આવે છે: જેમ કે ઉમેરેલી ચીજના ગુણમાં વધારો કરવા, પ્રોડક્ટ પીએચમાં ફેરફાર કરવા અથવા વધુ સ્વાદિષ્ટ બનાવીને ધૂમ્રપાનની અસરોમાં સુધારો કરવો. યુનાઇટેડ સ્ટેટ્સમાં આ ઉમેરણો ૫૯૯ પદાર્થોનું નિયમન કરે છે
કુદરતી રીતે થતા ન્યુરોટ્રાન્સમીટર એસીટીકોલાઇન દ્વારા ઘણી વખત કોલીનર્જીક રિસેપ્ટર ઉત્તેજિત થાય છે. એસીટીકોલાઇન અને નિકોટીન રસાયણીક સમાનતા પ્રદર્શિત કરે છે, જે નિકોટીનને રિસેપ્ટર (સંવેદનાઓ જીલતો શરીરનો ભાગ) ઉત્તેજિત થવા માટે સહાયરૂપ થાય છે. આ નિકોટીનયુક્ત એસીટીકોલાઇન રિસેપ્ટર મધ્ય નસ સિસ્ટમ અને હાડપિંજરને લગતા સ્નાયુઓના મજ્જાતંતુ સ્નાયુ જંકશનમાં આવેલા હોય છે; જેમની કામગીરી હૃદયના ધબકારા, સતર્કતા,અને ઝડપી પ્રતિક્રિયા બનાવે છે. નિકોટીન એસીટીકોલાઇન સ્ટિમ્યુલાઇઝેશન સીધી રીે ઉમેરણ હોતું નથી. જોકે, નિકોટીન રિસેપ્ટોર પર ડોપામિન છૂટો કરતી કોશિકા વિપુલ પ્રમાણમાં હોવાથી ડોપામિન છૂટી કરવામાં આવે છે. આમ ડોપામિનને છૂટો કરવાની પ્રક્રિયા આનંદ સાથે સંકળાયેલી હોવાથી, દબાણયુક્ત હોય છે અને તેનાથી શક્યતઃ કામ કરવાની યાદશક્તિમાં પણ વધારો થાય છે. મિકોટીન અને કોકેન સમાન પ્રકારની કોશિકાને સક્રિય કરે છે, જે આ પ્રકારની દવાઓમાં સામાન્યતઃ સબસ્ટ્રેટ (પાચકરસ પરનો પદાર્થ) આવેલો હોય છે તેવા ખ્યાલને ટેકો આપે છે.
જ્યારે તમાકુનુ ધૂમ્રપાન કરવામાં આવે છે ત્યારે મોટા ભાગનું નિકોટીન પાયરોલાઇઝ્ડ હોય છે. જોકે, આવો ડોઝ નજીવી શારીરિક નિર્ભરતા લાવવામાં અને મજબૂત માનસિક નિર્ભરતા લાવવા માટે પૂરતો છે. તદુપરાંત તમાકુ ધૂમ્રપાનમાં એસીટલડિહાઇડમાંથી હાર્મેન (એમએઓ ઇન્હીબીટર)ની પણ રચના થાય છે. આનાથી નિકોટીનના વ્યસની બનવામાં અગત્યની ભૂમિકા ભજવે તેવું લાગે છે.
ખૂબ જાણીતી વાત છે કે તમાકુનુ સેવન હૃદય અને ફેફસાના સર્વસામાન્ય રોગોમાં પરિણમે છે, જેમાં ધૂમ્રપાન હૃદય હૂમલા, આંચકા, લાંબી અવરોધક ફેફસાના રોગ, (સીઓપીડી),એમ્ફીસિમ(શરીરના ઊતકોમાં કે પેશીઓમાં હવા ભરાવાથી આવતો સોજો), અને કેન્સર (ખાસ કરીને ફેફસાનું કેન્સર, સ્વરયંત્ર અને મોઢાનું કેન્સર, અને સ્વાદુપિંડનું કેન્સર) થવા માટેનું મોટું પરિબળ બને છે.
તમાકુ અને અન્ય ઔષધો વચ્ચેનો સંબંધ સુસ્થાપિત છે, જોકે આ સંગઠનનો પ્રકાર અસ્પષ્ટ છે. બે મુખ્ય થિયરીઓ ફેનોટિપીક કૌસેશન (ગેટવે) મોડેલ અને સહસંબંધિક જવાબદારી મોડેલ છે. કૌસેશન મોડેલ એવી દલીલ કરે છે કે ધૂમ્રપાન પ્રાથમિક રીતે ભવિષ્યમાં ઔષધના વપરાશ પર પ્રભાવ પાડે છે,જ્યારે સહસંબધિક જવાબદારી મોડેલ એવી દલીલ કરે છે કે ધૂમ્રપાન અને અન્ય ઔષધ વપરાશ જિનેટિક અથવા પર્યાવરણીય પરિબળો હોવાનું માનવામાં આવે છે
તમાકુના સેવનથી દૂર રહેવાની અસંખ્ય પ્રકારની પદ્ધતિઓ છે જેમ કે કોલ્ડ તૂર્કી, નિકોટીન રિપ્લેસમેન્ટ થેરાપી, એન્ટીડિપ્રેઝન્ટ, હીપ્નોસીસ, સ્વ-સહાય, અને સહાયક જૂથો.ધૂમ્રપાનની કુટેવ છોડવા માટે ચેમ્પિક્સ નામની દવા તમને આપઘાત માટે પ્રેરિત પણ કરી શકે છે.હકીકતમાં આ દવા ધૂમ્રપાન કરનારી વ્યક્તિનો મૂડ બદલી નાખે છે. પરંતુ તેના સેવનથી ડિપ્રેશન, તણાવ, ચીડિયાપણું જેવા લક્ષણો પણ વ્યક્તિમાં ઘર કરી જાય છે. આ લક્ષણોના કારણે જ વ્યક્તિ પાછળથી આત્મહત્યા કરવા વિચારવા લાગે છે.
તમે આ અભિયાન ચાલુ રાખો તો વલી માનશું
LikeLike
DR. CHANDRAVADAN MISTRY
August 15, 2010 at 7:00 pm
વલીભાઈ,
આજે આ બીજી પોસ્ટ વાંચી.
તમે અહી સુરેશભાઈ જાનીને જાણ્યાની ખુશી દર્શાવી એ આનંદની વાત !
તમારો આ એકબીજાનો પરિચય, તમો બન્નેને મિત્રો બનાવ્યા. આ મિત્રતા ખીલી !
એની સાથે અનેક ઈમેઈલરૂપી વાર્તાલાપ….અને, તમારા “તમાકુ વ્યસન”વિષે ચર્ચાઓ,અને એ ચર્ચાઓમાં “થોડા સુરેશ શબ્દો” જે તીરોની જેમ તમારા દીલ સુધી પહોંચી ગયા…તમે હવે “ઘાયલ” હતા. અને, આ દર્દ સાથે તમે વધુ “જાગ્રુત” હતા.હવે, ડોકટરી સલાહો, તેમજ પરિવારની ચીંતાઓ તમારી આંખો આગળ તાજી બની.
હવે, તમારૂં “મનોબળ”વધેલું હતું ….અને, પ્રભુએ તમારી “હ્રદયવાણી”સાંભળી !
આવી શબ્દોરૂપી સલાહો તો જીવનમાં અનેકવાર મળી હતી, પણ એ બધી જ તણખલારૂપે જ રહી હતી..ત્યારે, આ સમયે, તણખલારૂપી સલાહ “તીર” બની ગઈ હતી, અને તમારા દીલને “ઘયાલ” કરી દીધું હતું !
આ તમારા પરિવર્તનમાં કોણે કેટલો ભાગ ભજવ્યો એ ચર્ચાથી પર જઈ, આપણે તો ફક્ત ખુદા કે પ્રભુનો પાડ માનવો રહ્યો….મને શ્રધ્ધા છે કે આ તમારૂં મનોબળ હાર્ટ-સર્જરી બાદ પણ રહેશે,અને તમે વ્યસનથી “મુક્ત” રહી શકશો.>>>ચંદ્રવદન.
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Valibhai, You are in “good hands”…you are in “God’s hands”.
LikeLike
Valibhai Musa
August 15, 2010 at 7:08 pm
પ્રજ્ઞાબેન,
આપનો વિદ્વતાપૂર્ણ પ્રતિભાવ ફરી એક વાર મને ફરજ પાડે છે કે મારે આ વખતે તો આપને Mini અને Medium વિશેષણોથી પણ આગળ એવા Maxi Encyclopedia નું બિરૂદ આપવું જ આપવું.
આપના આ શબ્દો “તમે આ અભિયાન ચાલુ રાખો તો વલી માનશું” મને મારી જાત સાથેના સંઘર્ષના અભિયાનમાં માત્ર યાદ જ નહિ રહે, પણ મદદરૂપ પણ અવશ્ય થશે.
ધન્યવાદ.
LikeLike
Valibhai Musa
August 15, 2010 at 7:27 pm
ચન્દ્રવદનભાઈ,
ખૂબ ખૂબ આભાર. મારા મનોવ્યાપારોને તમે ઊંડાણપૂર્વક સમજી શક્યા છો તે બદલ ધન્યવાદ.
સ્નેહાધીન,
વલીભાઈ
LikeLike
સુરેશ જાની
August 16, 2010 at 10:51 am
અરે! વલીદા,
સુરદાને છાપરે કાં ચઢાવો? માંડ માંડ અહમ ઓગાળવાના રસ્તે ચઢ્યો છુ; ત્યાં ટાંટીયો ઝાલીને પાછો કાં ખેંચો?
હવે અવળવાણેી કરી લઉં !!
તમાકુ ખાવા, પીવા કે સૂંઘવા જેવાં સદોષ કે નિર્દોષ વ્યસનો ઉપરાંતનાં દારૂ કે અન્ય કેફી દ્રવ્યોનાં સેવનની લતના રવાડે કદીયે કોઈ ચઢશો નહિ; ચઢવું સહેલું છે પણ એક વખત ચઢ્યા પછી ઊતરવું આસાન નથી. કોઈ પણ પ્રકારના નામે વ્યસનથી બચવું, વ્યસન પડી ગયું હોય તો સત્વરે તેમાંથી બહાર નીકળી જવું અને અન્યોને એવાં વ્યસનોથી બચાવવા કે મુક્ત કરવા પ્રયત્નશીલ રહેવું એ મારા આ લેખનો સંદેશ છે.
——————–
હે લાડકીનાથ્
પરોપદેશે પાંડિત્યમ કરો એ તમારો હક્ક છે. પણ આ સુરદાના સમ માથે ચઢાવી આનું અમલીકરણ કરવાના કોલ દેશો?
લિ. જ્યોતિનાથ
( અને આ જ્યોતિનાથની એક જ નામરદાઈ …મારી ઈવડી ઈ ની એક પણ વાતને ટાળવાની મારામાં તાકાત નથી. એણે માથે મારેલા બધા સમ ભ્રમવાક્ય નહિં પણ બ્રહ્મ વાક્ય માન્યા છે !!)
તો આ સુરદાને વ્હાલો ગણતા હો તો ઓ મારા વાલીડા . આ તમાકુડોશીને કબરમાં દાટી દિઓ.
LikeLike
pragnaju
August 17, 2010 at 10:12 am
“તમે આ અભિયાન ચાલુ રાખો તો વલી માનશું”
આ વિચાર અમારો નથી અમે આ વાતમાંથી લીધો છે!
ઈરાનના એક સમ્રાટ નીમરોઝે અપને આપને ખુદા ઘોષીત કરવાની જુર્રત કરી હતી.
બલ્કે ખુદાની નકલ કરી હતી. ખુશામતખોરીની નીમરોઝના નાયાબ(!) ‘તરીકા’ પર
ગાલિબે સોલિડ નૂક્તેચીની કરી છે; ક્યા વો નીમરોઝ કી ખુદાઈ થી, બંદગી મેં મેરા ભલા ન હુવા!!
બંદગી કરવાથી એટલે કે ખુશામત કરવાથી પોતાને કોઈ ફાયદો થયો નહીં. એટલે ગાલીબ મીંયા ગીન્નાયા
અને શંકા વ્યક્ત કરી કે શું નીમરોઝ ખરેખર ખુદા છે? ખુદાની આવી ખીલ્લી ઉડાડતા ગાલીબને મુલ્લાઓ નફરત કરે છે.
યે ન થી હમારી કિસ્મત કિ વિસાલ-એ-યાર હોતા
અગર ઔર જીતે રહતે, યહી ઇંતજાર હોતા
તેરે વાદે પર જિએ હમ, તો યે જાન ઝૂઠ જાના
કિ ખુશી સે મર ન જાતે, અગર એ’તિબાર હોતા
તેરી નાજુકી સે જાના કિ બંધા થા અહદ બોદા
કભી તૂ ન તોડ સકતા, અગર ઉસ્તવાર હોતા
કોઈ મેરે દિલ સે પૂછે, તેરે તીર-એ-નીમકશ કો
યે ખ઼લિશ કહાઁ સે હોતી, જો જિગર કે પાર હોતા
યે કહાઁ કી દોસ્તી હૈ, કિ બને હૈં દોસ્ત નાસેહ
કોઈ ચારઃ સાજ઼ હોતા, કોઈ ગ઼મગુસાર હોતા
રગ-એ-સંગ સે ટપકતા, વો લહૂ કિ ફિર ન થમતા
જિસે ગ઼મ સમઝ રહે હો, યે અગર શરાર હોતા
ગ઼મ અગરચે જાઁગુસિલ હૈ, પ કહાઁ બચેં, કિ દિલ હૈ
ગ઼મ-એ-ઇશ્ક઼ ગર ન હોતા, ગ઼મ-એ-રોજ઼ગાર હોતા
કહૂઁ કિસ સે મૈં કિ ક્યા હૈ, શબ-એ-ગ઼મ બુરી બલા હૈ
મુઝે ક્યા બુરા થા મરના, અગર એક બાર હોતા
હુએ મર કે હમ જો રુસવા, હુએ ક્યોં ન ગ઼ર્ક઼-એ-દરિયા
ન કભી જનાજા ઉઠતા, ન કહીં મજાર હોતા
ઉસે કૌન દેખ સકતા, કિ યાગાનઃ હૈ વો યકતા
જો દુઈ કી બૂ ભી હોતી, તો કહીં દુચાર હોતા
યે મસાઇલ-એ-તસવ્વુફ઼, યે તેરા બયાન ગાલિબ
તુઝે હમ વલી સમઝતે, જો ન બાદાખાર હોતા
વિસાલ-એ-યાર = પ્રિય સે મિલન
તીર-એ-નીમકશ = આધા ખિંચા હુઆ
ખ઼લિશ = વેદના
તસવ્વુફ઼ = આધ્યાત્મવાદ,
વલી = મહાત્મા
બાદાખાર = શરાબી
LikeLike
અરવિંદ અડાલજા
August 19, 2010 at 6:39 am
સુરેશભાઈના શબ્દોનુઁ પુનરાવર્તન કરી પુરેપુરુઁ અનુમોદન આપુઁ છું !
તમાકુ ખાવા, પીવા કે સૂંઘવા જેવાં સદોષ કે નિર્દોષ વ્યસનો ઉપરાંતનાં દારૂ કે અન્ય કેફી દ્રવ્યોનાં સેવનની લતના રવાડે કદીયે કોઈ ચઢશો નહિ; ચઢવું સહેલું છે પણ એક વખત ચઢ્યા પછી ઊતરવું આસાન નથી. કોઈ પણ પ્રકારના નામે વ્યસનથી બચવું, વ્યસન પડી ગયું હોય તો સત્વરે તેમાંથી બહાર નીકળી જવું અને અન્યોને એવાં વ્યસનોથી બચાવવા કે મુક્ત કરવા પ્રયત્નશીલ રહેવું એ મારા આ લેખનો સંદેશ છે.
LikeLike