Click here to read in English with Image
આ આર્ટિકલને લખતાં હું શબ્દાતીત વ્યથા અનુભવી રહ્યો છું, કેમકે મારા અગાઉના બ્લોગ “A full circle swallowed 22 years” (એક સંપૂર્ણ પરિક્રમા ૨૨ વર્ષ ઓહિયાં કરી ગઈ) ના નાયક (Hero) હવે આપણી વચ્ચે નથી. લેખનું શીર્ષક વિશિષ્ટ અને તત્વજ્ઞાનીય રીતે ગહન અર્થ ધરાવનારું છે, પણ અહીં તેનું અર્થઘટન કે તેની ચર્ચા કરવાનો કોઈ અવકાશ નથી.
હું લગભગ અર્ધી સદી સુધીના ભૂતકાળ તરફ પાછો ફરું છું, જ્યારે કે અમે બંને પ્રથમ વાર વોલિબોલના મેદાન ઉપર એકબીજાને મળ્યા હતા અને એ પહેલી જ મુલાકાતે અમારી વચ્ચે મિત્રાચારીના અંકુર ફૂટ્યા હતા. વર્ષો વીતતાં જતાં અમે એકબીજાના ભાઈ સમાન બની રહ્યા અને અમારી દોસ્તીની સમગ્ર સમયાવધિ દરમિયાન અમે એકબીજા સાથે હૃદયના હર્ષશોકને વહેંચતા રહ્યા. આટલા લાંબા સમય દરમિયાન છેલ્લાં સાત વર્ષને બાદ કરતાં અમે ભાગ્યે જ એકાદ હજાર દિવસ સાથે રહ્યા હોઈશું. મિ. જેફ પરદેશમાં અને હું અહીં ભારત ખાતે જ રહ્યો હોવા છતાં અમારી વચ્ચેનો નિયમિત પત્રવ્યવહાર એવો રહ્યો કે અમને કદીય એવું લાગ્યું ન હતું કે અમારી વચ્ચેનું ભૌતિક અંતર અમને એકબીજાથી વિખુટા પાડી શક્યું હોય!
મરહુમ.જાફરભાઈ (હુલામણું નામ ‘જેફ’) વિષે ઉપર ઉલ્લેખાએલ બ્લોગમાં ઘણું બધું કહેવાયું હોવા છતાં, આજે હું તેમના વ્યક્તિત્વનાં ચારિત્ર્ય અને પ્રતિભા વિષયક પાસાંઓને ઉજાગર કરવાનું પસંદ કરીશ. તેમની નમ્ર અને કોઈકવાર આખાબોલાપણાની રીતભાત હંમેશાં તેમના આંતરિક સ્વભાવને જ પ્રદર્શિત કરતી. તેઓશ્રી સિદ્ધાંતવાદી માણસ હોવાના કારણે એવા કોઈ બેવડાં ધોરણો ધરાવતા લોકો સાથે કદીય અનુકૂલન સાધી શકતા ન હતા. હું ઘણીવાર અંગ્રેજ કવિ ટી. એસ. ઈલિયટ (T. S. Eliot) ના એક કથન ‘માનવજાત નગ્ન સત્ય કે નરી વાસ્તવિકતાઓને સહન કરી શકતી નથી’ને ટાંકીને તેમને સમજાવવાનો પ્રયત્ન કરતો, પણ તેઓ તરત જ તેમનો પ્રત્યુત્તર વાળી દેતા કે ‘વલીભાઈ, મારે જે કહેવાનું હતું તે કહી દઈને મેં મારી ફરજ પૂરી કરી લીધી; હવે, એ માણસ પોતાની રીતે સ્વતંત્ર છે કે તેણે મારી વાત સાથે સંમત થવું કે ન થવું!’
જનાબ જાફરભાઈનું જીવન પરોપકારી હતું અને જે કોઈ તેમના સહવાસમાં આવતું તેમને આ વાત સારી રીતે જાણવા મળી રહેતી. તેમને જ્યાં જ્યાં સ્થળાંતર કરવાનું બન્યું, ત્યાં ત્યાં વિવિધ એવા સેંકડો લોકો તેમના મિત્રો બનતા રહ્યા. આ બધા મિત્રોમાં ખ્રિસ્તીઓ, યહુદીઓ, હિંદુ, મુસ્લીમ, શીખ, પારસી વગેરે મુખ્ય હતા. શ્રી ભાઈલાલભાઈ અમદાવાદના જૈન હતા અને તેમની સાથેનો મિ. જેફનો ત્રણ ત્રણ દાયકા સુધી ધંધાકીય ભાગીદારીનો સંબંધ રહ્યો અને હજુ પણ તેમની સાથેની ધંધાકીય ભાગીદારી ચાલુ જ છે. તેમના દિલમાં હંમેશાં આફ્રિકન લોકો પ્રત્યેની ભલી લાગણી રહેતી અને કોઈને હિંમત ન થતી કે તેમના મોંઢેમોંઢ એ આફ્રિકન લોકોની ટીકાટિપ્પણી કરવામાં આવે. તેઓશ્રી અનેક દલીલો દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કરતા કે એ લોકો જેવા ખરેખર ભલા માણસો આ પૃથ્વીપટ ઉપર અન્યત્ર ક્યાંય જોવા મળશે નહિ.
મિ. જેફે એલન ટાઉન (અમેરિકા) ખાતે યહુદી બહુમતી વસ્તી ધરાવતા વિસ્તારમાં લગભગ ૨૭ વર્ષ સુધી પોતાનો સ્ટોર ચલાવ્યો, જ્યાં તેઓ ‘શલોમ કિંગ’ તરીકે લોકોમાં ઓળખાતા હતા. થોડાંક વર્ષો પહેલાં નસીર ઈસ્માઈલીએ ગુજરાતી અખબાર ‘ગુજરાત સમાચાર’ માં તેમની સાપ્તાહિક લેખશ્રેણી ‘સંવેદનાના સૂર’ માં તેમના વિષેનો સરસ મજાનો લેખ લખ્યો હતો. શ્રી જાફરભાઈના પોતાના ગ્રાહકો સાથેના વ્યવહારુ વર્તનને સમજાવવા હું મહાત્મા ગાંધીના એક અવતરણને ટાંકીશ, જે આ પ્રમાણે છે : “ગ્રાહક એ તમારા ધંધાકીય સ્થળનો ખૂબ જ અગત્યનો મુલાકાતી છે. તે આપણા ઉપર અવલંબિત નથી, પણ આપણે તેના ઉપર અવલંબિત છીએ. ૨૨તે આપણી જગ્યા ઉપરનો અંતરાયરૂપ માણસ નથી, પણ તે આપણા માટે એક ઉદ્દેશ કે હેતુ સમાન છે. તે આપણા ધંધાવ્યવસાયમાં બહારના માણસ તરીકે નથી, પણ તેના એક ભાગરૂપ છે. આપણે તેને સેવા પૂરી પાડીને તેના ઉપર કોઈ ઉપકાર નથી કરતા, પણ તે આપણને તેની સેવા કરવાની તક પૂરી પાડીને આપણા ઉપર ઉપકાર કરે છે.”
મરહુમશ્રી જાફરભાઈ પોતાના સ્વયં સ્ફૂરણાજ્ન્ય ગુણો અને ભલા સ્વભાવના કારણે પોતાના ગ્રાહકોની ત્રણ ત્રણ પેઢીમાં ખૂબ જ લોકપ્રિય હસ્તી હતા. તેમની સાથેનો તેમનો વ્યવહાર ભારતીય સંસ્કૃતિ અને તેવી જ લાગણીઓ પ્રમાણેનો રહેતો અને આ જ એક માત્ર તેમની પ્રતિષ્ઠાનું રહસ્ય હતું. આર્થિક રીતે જોતાં તેઓશ્રી ઘણું ઓછું ક્માયા હતા, પણ નીતિમત્તાની રીતે તો તેમણે ઘણું મેળવ્યું હતું. અમેરિકન સમાજની લાગણીવિહીન કુટુંબપ્રથા હોઈ, તેમના ગ્રાહકો પોતાના ધંધાકીય હેતુ ઉપરાંત તેમની પાસેથી પોતાના અંગત પ્રશ્નો કે સમસ્યાઓ અંગે માર્ગદર્શન અને સહાનુભૂતિ મેળવી લેતા અને એક પ્રકારની હળવાશ અનુભવતા. તેઓ જીવનમૂલ્યો માટે સમર્પિત, લાગણીશીલ અને પ્રેમાળ માણસ હતા. બધાયના માટે તેઓ એક માત્ર વ્યાપારી માણસ ન બની રહેતાં તેમની સમસ્યાઓમાં અંગત રસ લઈ સઘળાને મદદરૂપ થવાની ભાવના સાથે તેમના તમામ પ્રકારના પ્રશ્નોને હલ કરી આપતા.
આવું જીવન હતું, એક સીધાસાદા અને પ્રમાણિક માણસનું. અહીં હું એક ઉક્તિને યાદ કરું છું કે ‘જ્યારે તમે જન્મ્યા હતા, ત્યારે તમે રડ્યા હતા અને તમારી આસપાસનું જગત આનંદ વ્યક્ત કરી રહ્યું હતું. તમે એવી જિંદગી જીવો કે જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે તમે આનંદ અનુભવતા હો અને ત્યારે જગત તમારી પાછળ રડતું હોય.’ મિ. જેફ આ ઉક્તિના જીવંત ઉદાહરણરૂપ હતા. મને પાકી ખાત્રી છે કે તેમનાં નિકટવર્તી આપ્તજનો અને તેમના સહવાસમાં આવેલાં સૌ કોઈ જન તેમને કદીય ભૂલી શકશે નહિ. તેમના જીવનના છેલ્લા કદાચ બેત્રણ માસના બીમારી સામેના આખરી સંઘર્ષનો અંત આવી ગયો છે. તેમના જીવનનાં ૭૪ વર્ષનું એક ઉપરનું અને આખરી વર્તુળ સંકોચાઈને એક બિંદુમાત્ર બની ગયું છે. મારું એ દુર્ભાગ્ય રહ્યું કે અમેરિકા ખાતે તેમણે પોતાના જીવનનો છેલ્લો શ્વાસ લીધો ત્યારે હું સદેહે તેમની મૃત્યુશય્યા પાસે ઉપસ્થિત ન રહી શક્યો. જો તેમના મૃત્યુટાણે મારી પ્રત્યક્ષ હાજરી હોત તો તેમનાં કુટુંબીજનોને હું વધુ સારી રીતે હૈયાધારણ અને દિલાસો આપી શક્યો હોત. મારું દિલ અને મારાં આંસુઓ હંમેશાં તેઓની સાથે જ રહેશે અને હું પણ તેમના જેટલો જ મરહુમના વિયોગમાં હું જીવીશ ત્યાં સુધી વ્યથિત રહીશ કેમ કે હું મારી જાતને મરહુમના કુટુંબના એક ભાગરૂપ ગણું છું.
મરહુમનાં અને મારાં પોતાનાં કુટુંબીજનો વતી હું સઘળા એ લોકોનો આભાર માનું છું કે જેમણે મરહુમના અવસાનના અસહ્ય આઘાતને જીરવી લેવાની અમને શક્તિ મળી રહે તે માટે પ્રભુપ્રાર્થનાઓ કરી છે અને મરહુમના વિયોગ બદલ સહાનુભૂતિ દર્શાવતા આશ્વાસનના સંદેશાઓ અમને પાઠવ્યા છે. સૌ કોઈ સ્નેહીજનોની પ્રાર્થનાઓ મરહુમના આત્માને સ્વર્ગમાં ચિર શાંતિ મળી રહે તે માટે ઉપકારક બની રહેશે અને એ થકી આપ્તજનોને એ સત્ય સ્વીકારી લેવાની શક્તિ પ્રાપ્ત થશે કે મરહુમ હવે સદેહે આપણી વચ્ચે નથી, પણ આપણી સ્મૃતિમાં તો તેઓ એવી રીતે જડાએલા રહેશે જાણે કે તેઓ આપણી વચ્ચે જીવિત જ છે.
હું ગમગીન હૃદયે મારા આ લેખને અત્રે સમેટી લઉં છું અને પવિત્ર એવા એક શ્લોકનું રટણ કરું છું કે ‘ખરે જ, આપણે સર્વશક્તિમાન ઈશ્વર તરફથી જ આવ્યા છીએ અને તેના જ તરફ પલટીને પાછા ફરવાના છીએ.’ ઈશ્વરને પ્રાર્થીએ કે મરહુમના આત્માને સ્વર્ગમાં શાંતિ નસીબ થાય અને જે આત્માઓ ઈશ્વરની કૃપા અને તેનો પ્રેમ પ્રાપ્ત કરવા માટે ભાગ્યશાળી નીવડ્યા છે તેમના સાન્નિધ્યમાં જ મરહુમના આત્માને પણ સ્થાન મળી રહે.
મારા બ્લોગકુટુંબના સભ્યો પણ ઈશ્વરની મહેરબાનીઓ થકી ખુશહાલ રહે તેવી પ્રાર્થના સાથે અત્રેથી વિરમું છું.
– વલીભાઈ મુસા
Hussainali Musa
August 25, 2010 at 3:43 am
ખરેખર મન સ્વિકારવા તૈયારજ નથી કે આજે જેફ અન્કલ ની તૃતીય મૃત્યુતિથિ છે, કેમકે તેમની સાથેના સહવાસ દરમિયાનના પ્રત્યેક પ્રસન્ગ એટલા ર્હ્યદયસ્પર્સી રહ્યા હતા કે કેમે કરીને ભૂલી નથી શકાતા.એમનો સ્વભાવ એટલો કેરીન્ગ હતો કે સામેની વ્યક્તિની જરૂરિયાત વગર કહ્યેજ સમજી જતા હતા.આ પ્રસન્ગે પ્રાર્થના કરીએ કે મરહુમના આત્માને જન્નતમાં શાંતિ મળે અને આપણ બધાંયને આઘાત જીરવવાની શક્તિ મળે. એમના સહવાસ દરમિયાનની ઘણી બાબતો એવી છે, કે જે દિલથી અનુભવી શકાય છે, પણ વર્ણવી શકાતી નથી.
LikeLike
સુરેશ જાની
August 27, 2010 at 6:10 pm
લો ! હું તમારી તબિયતની ચિંતા કરતો હતો; અને તમે તો લાંબું લચક લેક્ચર ઝૂડી નાંખ્યું !!
હવે આ બ્લોગિંગ બંધ કરો અને દિલની સાથે રહો!
મેં તો તાળાં વાસી દીધાં –
http://gadyasoor.wordpress.com/2010/08/20/mint_farming/#comment-6383
LikeLike