RSS

(224) ૯ (નવ) વિષે અવનવું – હાદના દાયરેથી (૪)

01 Oct


અમેરિકા સ્થિત મારા મિત્રો ડો. રાજેન્દ્ર ત્રિવેદી અને શ્રી સુરેશ જાનીના બ્લોગ ‘હાસ્ય દરબાર’ ઉપરના મારા ગેસ્ટ બ્લોગર તરીકેના કેટલાક લેખો પૈકીનો એક “ ‘ન બોલ્યાના નવ ગુણ!’, પણ કોઈક તો ગણાવો કે એ નવ ગુણ કયા?” શીર્ષકે આ શબ્દોમાં ચર્ચાચોરે એક ગતકડું મૂકેલું કે “એ તો અમારી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ઈયળરહિત સુધારેલી જાતનાં બોર હોય તો ટપોટપ વેચાય; પરંતુ અલ્યાં ભાઈબહેનો, સદીઓથી કહેવાતું આવ્યું છે કે ‘ન બોલ્યાના નવ ગુણ!’, પણ કોઈક તો ગણાવો કે એ નવ ગુણ કયા?”

અહીં આખીય ચર્ચા બે વિરોધાભાસી ઉક્તિઓ ‘બોલે તેનાં બોર વેચાય!’ અને ‘ન બોલ્યાના નવ ગુણ’ વિષે રસપ્રદ રીતે એવી સરસ જામી પડી કે જેમાં વીસેક જેટલા હળવા હાસ્યે વિદ્વતાપૂર્ણ જે પ્રતિભાવો મળ્યા તેમાં અહીં કોપી પેસ્ટ કરેલો મારો જ એક પ્રતિભાવ મારા બ્લોગના વાંચકો માટે અહીં પ્રસ્તુત કરતાં હું અત્યંત ખુશી અનુભવું છું. તો આગળ વાંચો :

“હાદજનો,
‘અજબ સવાલોના…’ માં આવતાં જતાં મંતવ્યોમાં ક્રમિક રીતે ગોઠવતાં ન આવડ્યું, એટલે મેઈલ કરી અને સંપાદકશ્રીએ તેને પોસ્ટ રૂપે જ મૂકી દીધી. ‘નવ’ના અંક વિષે ચર્ચાઓ જામી પડી. મેં નોધ્યું કે બધાએ ‘નવ’ નાં એટલાં બધાં સન્માન કર્યાં કે ‘નવ’ પોતે પણ શરમાઈ જાય!

કોઈ માતા પોતાના નાના બાળકને નવડાવી-ધોવડાવી, પફપાવડર લગાડી, સરસ મજાનાં કપડાં પહેરાવી છેવટે ચહેરે ક્યાંક મેંશનું ટપકું કરી નાખે કે રખે ને કોઈની નજર લાગી ન જાય! બસ, સહજ આમ જ હું અહીં ‘નવ’ના ચહેરે સોઈની અણી જેવડું કોઈને દેખાય પણ નહિ તેવડું અતિ સૂક્ષ્મ ટપકું કરવા માગું છું.

‘નવ’માં ગાણીતિક એવી ખાસિયત છે કે ગણતાં ગણતાં ‘નવ’ થઈ જાય એટલે તેને પડતો મૂકીને ભૂલી જાઓ અને આગળ વધો. સિનીયર સીટીઝન ભાઈબહેનો કદાચ લાકડાવાળાનું ગણિત ભણ્યા હશે તો એમને ખબર હશે કે એક વખત સરવાળો થઈ ગયા પછી સાચાખોટાની પુન:ચકાસણી માટે ‘નવ ગણતા જાઓ અને ભૂલતા જાઓ’ની પદ્ધતિથી આંખના પલકારામાં જાણે જાદુ કરતા હો તે રીતે માત્ર નજર નાખીને સામેવાળાને તમે જજમેન્ટ આપી શકો કે સરવાળો ખરો કે ખોટો છે! કોઈ જિજ્ઞાસુ પૂછે તે પહેલાં એક નાના ઉદાહરણથી સમજાવી દઉં.

૨૩૫ + ૪૨૦ + ૭૭૧ = ૧૪૩૬ (?) પ્રથમ તો સરવાળાના આંકડાને ગમે તે છેડેથી નવ નવ ગણતા જઈ, ભૂલતા જઈ, છેલ્લે 0 થી ૮ વચ્ચેનો જે કોઈ આંકડો શેષ બચે, તેટલો જ આંકડો પેલી મૂળ સંખ્યાઓમાં પણ તેમ કરતાં કરતાં આવી જવો જોઈએ. આમ સરખું બચે તો સરવાળો સાચો અને ફરક આવે તો સરવાળો ખોટો. આપણા ઉદાહરણમાં ૧૪૩૬ ના આંકડાઓનો સરવાળો ૧૪ માંથી ૯ નીકળી જતાં શેષ ૫ બચે, પણ મૂળ સંખ્યાઓમાં તેમ કરતાં ૪ જ બચે છે; માટે સરવાળો ખોટો છે. આ ટેકનિક ચેકીંગ પૂરતી જ છે, નહિ કે સરવાળો કરી આપવા માટે! અહીં તમને એમ લાગશે કે આ તો ‘નવ’ ની પ્રશંસા જ થઈ.

ભરતભાઈએ નમૂનો આપ્યો તેમ નવની ઘણી ખાસિયતો વાંચવા મળી છે. એ બધાનો સાર એ છે કે ‘નવ’ ને સંપૂર્ણ અંક તરીકે ગણવામાં આવે છે. અહીં વિશેષ ચર્ચાને અવકાશ નથી.

આગળ ચર્ચાઓમાં કોઈકે ભૂલી જવાની વાતને ઈશ્વરની મહામૂલી ભેટ તરીકે દર્શાવી છે તે વાત સાચી છે. નવનો અંક જો સમજીએ તો ગુરુ બની શકે. ‘સારું થયું’ એને ભૂલી જાઓ અને ‘વધુ સારા માટે’ આગળ વધો. ‘ખરાબ થયું’ એને પણ ભૂલી જાઓ અને ‘એવું ફરી ન બને’ તેનો ખ્યાલ રાખીને આગળ વધો.

આટલે સુધી પેલી સૂક્ષ્મ કાળી ટપકીની વાત આવી નહિ, ખરું? હવે આવે છે, એક ઉદાહરણ માત્રથી!

એક કાર્યક્ષમ અધિકારી બદલી પામીને તે ઓફિસમાં આવ્યા. અઠવાડિયા સુધી તાબાના કર્મચારીઓએ કામ ન થઈ શકવાનાં જે જે લાંબાંલાંબાં કારણો આપ્યાં તેની યાદી બનાવી દીધી. દરેક કારણને તેમણે ક્રમાંક આપી દીધા. ‘સાહેબ ભૂલી ગયો!’ ને નવમો ક્રમ આપી દીધો. હવે કર્મચારીઓએ કોઈ કામ ન થઈ શક્યું હોય તો માત્ર કારણ નંબર જ બોલવાનો રહેતો કે જેથી બિનજરૂરી સમય ન વેડફાય.

હે, સિસી ભાઈઓ અને બહેનો, તમે પણ કોઈ કામ કરવાનું ભૂલી ગયા હો તો લાંબીપહોળી દલીલો કરવાના બદલે માત્ર ‘નવ’ નો ઉપયોગ કરતાં શીખી જશો તો ઘરમાં બિનજરૂરી વિવાદોથી બચી જશો. ઊલટાની સામેની વ્યક્તિ જેવું તમે ‘ નાઈન, નવ. નૌ, ઉમ્બત (તમિલ) કે અન્ય ભાષામાં જે કંઈ નવ માટે હોય’ બોલશો કે તરત જ સામેવાળું હસી પડશે!

ઘરડાઘડપણે ઘરમાં હસવા-હસાવવા માટે ‘૯’ ના એક માત્ર આંકડાથી વધારે સંક્ષિપ્ત તો બીજું શું આવી શકે? કોઈ પાસે એવું કંઈ હોય તો ચર્ચામાં મૂકશો અને બધાં તેનો સ્વીકાર કરવા તૈયાર થશે તો હું મારો ‘૯’નો આંકડો પાછો ખેંચી લઈશ, ગેરંટીથી!!”

– વલીભાઈ મુસા

 
3 Comments

Posted by on October 1, 2010 in લેખ, હાસ્ય

 

Tags: , , ,

3 responses to “(224) ૯ (નવ) વિષે અવનવું – હાદના દાયરેથી (૪)

 1. pragnaju

  October 1, 2015 at 12:52 am

  વો ભી જમાના થા!
  મા વલીસાહેબ
  ડો. રાજેન્દ્ર ત્રિવેદી અંગે છેલ્લી માહિતી મોકલવા વિનંતિ
  આ ૯ ! નવ; નવની સંખ્યા; ૯. નવની સંખ્યા પ્રાચીન કાળથી ધર્મની ગૂઢ સંખ્યા મનાય છે એમ પાશ્ર્ચાત્ય પ્રજા માને છે. હિંદુમાં પણ એ સંખ્યા બહુ માન્ય છે. નવ ઉપરથી બધા અંક નીકળ્યા છે. નવમા આંકડા જેવી મિત્રતા રાખવી એમ એક ઠેકાણે કહેલું છે. ૯ × ૨ = ૧૮ ( ૧ + ૮ = ૯). ૯ × ૩ = ૨૭ (૨ + ૭ = ૯) ૯ × ૪ = ૩૬ (૩ + ૬ = ૯). એ પ્રમાણે આખા આંકમાં નવનો અંક ફરતો નથી. તેમ સજ્જન મિત્ર પણ વિચારમાં ફરતો નથી. વળી ગ્રહ નવ છે, ખંડ નવ છે, નદીઓ પણ નવસેં નવાણું કહેવાય છે

  Like

   
  • Valibhai Musa

   October 1, 2015 at 3:45 am

   સચમુચ હાદકે વો દિન ભૂલે નહીં જાતે. ડૉ. રાત્રિ અમેરિકા ખાતે જ છે. તેઓશ્રી કદાચ ગીત્રી સાથે ડિસેમ્બરમાં સપ્તકના કાર્યક્રમોમાં હાજરી આપવા અમદાવાદ આવે.

   Like

    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: