શ્રી હરનિશભાઈ,
સરસ મજાનો હાસ્યલેખ વર્ષો બાદ વાંચવા મળ્યો. ‘વર્ષો બાદ’ શબ્દો મને જ લાગુ પડે છે અને તે એટલા માટે કે છેલ્લાં ત્રણેક વર્ષ પહેલાંના લગભગ ત્રણેક દસકાનો સમયગાળો મારા માટે સાહિત્યવાંચન પરત્વેનો મોટો વિરામ રહ્યો હતો, જે મારા ધંધાકીય કામકાજમાં ગળાડૂબ રહેવાના કારણે જ સર્જાયો હતો.
પ્યાર-તકરાર શીર્ષકેથી શરૂ કરીને “તું અને તારો કેમેરા, ઘેર પહોંચવા દે ને ! બન્નેને બહાર નાખી આવું છું.” સુધી સતત મરકમરક હસાવ્યે જતી આ કૃતિ કંઈ અમસ્તી જ ‘કુમાર’ નાં પાનાંએ નહિ જ ગઈ હોય; અને તેનું ‘કુમાર’નાં પાને ચમકવું, એ પોતે જ સર્જક અને સર્જન માટે એક મોટા પ્રમાણપત્ર સમાન છે.
હાસ્યપ્રધાન રચનાનું એક માત્ર લક્ષ્ય હાસ્ય જ હોઈ શકે નહિ, એણે સાહિત્યકારના અન્ય કેટલાક ધર્મ પણ નિભાવવાના હોય છે. કોઈ નાટકનો સૂત્રધાર વચ્ચે વચ્ચે આવતો રહીને કંઈક કહેતો જાય તેમ અહીં શ્રી હરનિશભાઈ “એ લોકો આવેશમાં શું બોલે છે તેનું ભાન તેમને તો હોતું જ નથી.” જેવી વાત એવી સહજ રીતે મૂકી દે છે કે આપણા હસવાના મુડને જરાય વિક્ષેપ ન અનુભવવો પડે.
લેખકે કેટલાંક શબ્દચિત્રોની સરસ મજાની એવી માવજત કરી છે કે એ દૃશ્યો આપણી નજર સામે ભજવાતાં હોય તેવું લાગ્યા વિના રહે નહિ. મારી આ વાતના સમર્થનમાં ફરી વાંચો : “ત્યારે કોઈ જુએ નહીં એ રીતે, યજ્ઞોપવિત–સંસ્કાર આપનારા મહારાજ જ પાછળથી રફુચક્કર થઈ ગયા ! મેં તેમને ભાગતા જોયા હતા.”
આખાય લેખમાં ઠેર ઠેર ‘થોડામાં ઘણું કહી જાય’ એવાં લેખકતરફી વિધાનો જોવા મળશે જેવાં કે, ‘મને નથી લાગતું કે આ દંપતીને ‘વેલેન્ટાઈન ડે‘ના મહિમાની ખબર હોય!’ અને ‘લોકો સીધા પિસ્તોલથી વાતનો નિવેડો લાવી દે છે.’
લેખકની વક્રોક્તિઓ કે જેમને તેમના જમાપાસામાં મૂકી શકાય તેવી કેટલીક આ પ્રમાણે છે; જેવી કે, ‘હું હમેશાં કહું છું કે મારો ઊછેર ભારતીય રેલવેમાં થયો છે.’; તો વળી, ‘ભારતીય રેલવે ઝઘડાના ઉદ્યોગને પોષે છે.’ કોઈપણ સાહિત્યપ્રકાર અને એમાંય હાસ્યરચનાઓમાં તો ખાસ જરૂરી એવી વક્રોક્તિની વિભાવનાને સંસ્કૃતના વિદ્વાન કુન્તકે સરસ રીતે ઉદાહરણો સાથે સમજાવી છે, જે અહીં પર્યાપ્ત રીતે સિદ્ધ થઈ છે.
મારા વિવેચનની કદમર્યાદાને અવગણીને પણ રેલવે મુસાફરો વચ્ચે થતા ઝગડાઓની નાની યાદીમાં ‘બારી ખોલવા કે બંધ કરવા’ સબબે મારા તરફની એક રમુજી વાતને મૂકવાની લાલચને રોકી નથી શકતો. પેલા બે જણ લડતા ઝગડતા વારાફરતી કાચની બારી ખોલબંધ કર્યે જ જાય છે, પણ તેમને ખબર હોતી નથી કે બારીને કાચ છે જ નહિ અને તેઓ માત્ર ફ્રેમને જ ઊંચાનીચી કર્યે જાય છે!
અંતે લેખક અને તેમનાં પત્નીની રોમ, ઇટાલિની સફર વાંચકો માટે પણ યાદગાર સફર બની રહી. આ પ્રસંગમાં પણ માર્મિક હાસ્ય વેરાએલું પડ્યું છે. પ્યાર-તકરારે મારા ઉપર એક વશીકરણ તો અવશ્ય કર્યું છે અને તે એ છે કે મારે લેખકનો હળવા નિબંધોનો સંગ્રહ ‘સુશીલા’ કોઈપણ સ્રોતે વાંચવો જ રહ્યો.
હરનિશભાઈ, તમારા હાસ્યનિબંધ વિષે તો લખ્યું, પણ છેલ્લે છેલ્લે શીર્ષક વિષે માત્ર એટલું જ કહીશ કે ‘પ્યાર-તકરાર’ સરસ શીર્ષક લાવી જાણ્યા છો.
ધન્યવાદ.
સ્નેહાધીન,
વલીભાઈ મુસા
One response to “(227) ભાવપ્રતિભાવ – ૫ (શ્રી હરનિશ જાની કૃત ‘પ્યાર-તકરાર’ એક લલિત નિબંધ)”