RSS

(229) ભેદભરમની ભીતરમાં – એક અનોખો દુ:ખદ સ્વાનુભવ (૪)

16 Oct


આજે દીર્ઘ વિરામ બાદ મારી ‘ભેદભરમની ભીતરમાં’ લેખશ્રેણી હેઠળ ચોથો લેખ રજૂ કરતાં હું થોડોક રોમાંચ અને સાથેસાથે થોડીક વ્યથા પણ અનુભવી રહ્યો છું, કેમ કે આજનો વિષય સાવ નવીન જ એવા ‘કૃષિ અને પશુપાલન’ના ક્ષેત્રને લગતો મારા દુખદ એવા સ્વાનુભવ ઉપર આધારિત છે. માનવજીવન એ સંકુલ અર્થાત્ ગૂંચવણભર્યું છે. જીવનરાહે એવા કેટલાય અસાધારણ પ્રસંગો કે ઘટનાઓના આપણે સાક્ષી બનતા હોઈએ છીએ કે જે પ્રથમ દૃષ્ટિએ આપણને અજાયબ લાગે, પણ તેમના ઊંડાણમાં ઊતરતાં અથવા આપમેળે જ્યારે તેમનાં રહસ્યો છતાં થતાં હોય છે, ત્યારે આપણને તે સઘળાં સહજ અને સામાન્ય લાગ્યા વિના રહેતાં નથી. મારા આજના લેખમાં પણ એવું જ કંઈક પ્રથમ નજરે રહસ્યમય લાગે તેવું હોવા છતાં વાસ્તવમાં એવું કંઈ જ નથી કે જે ‘ભેદભરમ’ના વિષય હેઠળ આવી શકે, આમ છતાંય હકીકતે તો અમે જે ઘટનાના સાક્ષી બન્યા, અર્થાત્ તે ઘટી ત્યારે તો અમને તે રહસ્યમય જ લાગી હતી.

અમારી વડીલોપાર્જિત ખેતીની જમીનમાં ખેતીકામ અમે મોટા ભાગે ભાગિયા (Working Partner) સાથે મળીને કરતા હતા, પણ ઈ.સ. 1970 આસપાસના સમયગાળામાં કેટલાંક વર્ષો સુધી અમે સંપૂર્ણતયા જાતે જ ખેતીકામ કર્યું હતું. વળી આ ખેતીકામ સાથે દૂધઉત્પાદનના પૂરક વ્યવસાય તરીકે અમે પશુપાલનને પણ અપનાવ્યું હતું. સામાન્ય રીતે દૂધાળાં ઢોરની ખરીદી કે વેચાણ જ્યારે કે તે વિયાયું (giving birth to young one) હોય એટલે કે બચ્ચાને જન્મ આપ્યો હોય તે પછીના એકાદ માસ સુધીમાં મહત્તમ દૂધ આપવાની સ્થિતિમાં હોય ત્યારે જ વધુ પ્રમાણમાં થાય. વળી ઢોરોની લેવેચના આ કારોબારમાં એક એવી નીતિમત્તા સંકળાએલી છે કે જે તે પશુના જૂના માલિકે તેની ખામીઓ કે ખૂબીઓને ખરીદનાર ઈસમને બતાવી દેવી પડે. આમ જો કે નીતિમત્તા તો દરેક વ્યવસાય, કારોબાર કે નોકરી સુદ્ધાંમાં જાળવવાની હોવા છતાં તે સર્વત્ર જળવાય જ એવું જોવા મળતું નથી હોતું અને વળી કોઈને એવી નીતિમત્તા જાળવવાની ફરજ પણ પાડી શકાતી નથી હોતી.

એક વખતે થોડાક દૂરના ગામડેથી અમે એક ભેંસ ખરીદી હતી. સામાન્ય રીતે પશુપાલકો કે ખેડૂતો ભેંસની ખરીદીમાં પુન:વેચાણ મૂલ્ય (Resale value)ને ધ્યાનમાં લેતાં ઘણું કરીને ભૂરી ભેંસને અગ્રતા આપે નહિ, પણ એ દિવસે અમારો એવો મુડ થઈ ગયો કે અમે એક ભૂરી ભેંસને મુલવવા માંડ્યા. પડછંદ શરીરવાળી અને લાલાશ પડતા રંગની આંખની કીકીઓ ધરાવતી એ ભેંસ ભરાવદાર બાવલે (Udders) હતી અને પ્રથમ નજરે જ અમને ગમી ગઈ હતી. તેના માલિકે કહ્યું કે એ ભેંસનું બચ્ચું મરી ગયું છે અને તેને વિયાયે ત્રણેક માસ થયા છે. બચ્ચું જીવતું હોય તો વિયાયા પછીના આ સમયગાળાને આસાનીથી નક્કી કરી શકાય, પણ આ સોદામાં અમારે તેના માલિકના શબ્દો ઉપર વિશ્વાસ મૂકવા સિવાય કોઈ આરોચારો ન હતો. અન્ય સઘળી બાબતે અમે ભેંસ વિષે સંતુષ્ટ હોઈ અમે સોદો પાર પાડીને તેને ખરીદી લીધી હતી. જો કે ભેંસ ત્રીજા કે ચોથા વેતરે (Litter – Number of Deliveries) હોઈ હવે પછીના વેતરે ઘટતા મૂલ્ય તરફે હોવા છતાં અમે મનોમન એ બાબતનું સમાધાન કરી લીધું હતું.

ભૂરી ભેંસ અમારા ખીલે આવી અને ચારેક માસના સમયગાળામાં દિનપ્રતિદિન દૂધ ઘટતાં ઘટતાં છેલ્લે એક દિવસ તો એવો આવ્યો કે તેણે માંડ 200 મિલી લીટર જેટલું નહિવત્ જ દૂધ આપ્યું. બીજા દિવસથી અમે તેને દોહવા (to milk) નું બંધ કરીને અન્ય ખેડૂતોની સલાહ અનુસાર તેને આરે આવે (Coming in breeding season) તે માટે ગરમ ખોરાકો આપવાનું શરૂ કર્યું. અમને દહેશત હતી કે જો તે થોડાક સમયમાં ગાભણ (Pregnant) નહિ થાય, તો કદાચ એવું પણ બને કે તે કાયમ માટે વરોળ (barren) અર્થાત્ વિયાય નહિ તેવી સ્થિતિમાં આવી જાય. અમે  નજીકના શહેરે પશુ દાક્તર (Veterinary doctor)ની પણ મુલાકાત લીધી (જો કે અમારી ભૂલ હતી કે અમે ભેંસને સાથે લઈ ગએલા નહિ!) અને તેમણે લખી આપ્યા મુજબની કેટલીક દવાઓ પણ તેના ખોરાકમાં આપવાનું શરૂ કર્યું, પણ તેનાં આરે આવવાનાં કોઈ ચિહ્નો અમને દેખાયાં નહિ. સામાન્ય રીતે આરે આવેલી ભેંસ દિવસરાત ભાંભરે (to bellow), પણ તેવું પણ કંઈ થયું નહિ. અમને એ શંકા થઈ કે ઘણાં ઢોરોની જેમ આ ભેંસ પણ કદાચ છાની (Silent) આરે આવી હોય તો તેમ માનીને તેને ફલીનીકરણ (Getting it covered) માટે પાડા પાસે લઈ જવામાં આવી, પણ અમને કોઈ પરિણામ પ્રાપ્ત થયું નહિ. અમારા સાથી (Farm Worker) ને પણ સૂચના આપવામાં આવી કે તેના ઊંવાડા (Vulve) ના ભાગે અવારનવાર જોયા કરે કે જેથી કોઈ ચીકણું પ્રવાહી (Semen) ત્યાં દેખાય અથવા પેશાબ પછી છેલ્લે એવો કોઈ ચીકાશવાળો તાંતણો જોવા મળે તો અમારા ધ્યાને લાવે.

આમ તેને ઔષધો અને ગરમ ખોરાક આપવાના અમારા પ્રયત્નો નવીન ત્રણેક માસ સુધી ચાલુ રહ્યા કે જેથી કરીને અમારી ભેંસ ઋતુ (Coming in breeding season) માં આવે, પણ અમારા આશ્ચર્ય વચ્ચે એક દિવસે સાંજના ચારેક વાગ્યે અમારી એ ભૂરી ભેંસ વિયાઈ ગઈ અને તેણે પાડાને જન્મ આપી દીધો. અમારા માટે આ એક અજીબોગરીબ ઘટના બની ગઈ કેમ કે સામાન્ય રીતે ભેંસ ગાભણ થયા પછી દસ મહિને જ વિયાય. અમે, અમારા સાથી અને પાડોશી ખેડૂતો આ બાબતથી એટલા માટે હેરાન હતા કે કોયડારૂપ આ ઘટના અમારા દિમાગમાં બેસતી ન હતી. આ ભેંસ અમારી માલિકીમાં આવ્યાને પૂરા સાત માસ થયા હતા અને આ સમયગાળામાં અમારા ખેતરે જ બંધાએલી રહી હોઈ આ ભેંસ અમારા ત્યાં ફળી (to be pregnant) હોવાનું સાબિત થતું ન હતું. ભેંસના અગાઉના માલિકે અમારા સોદા વખતે તેના વિયાયાનો ત્રણ માસનો સમયગાળો જણાવ્યો હતો, જેને સાથે ગણતાં બંને વેતર (Litter) વચ્ચેનો કુલ સમયગાળો માપોમાપનો માત્ર દસ જ માસનો થાય તો પછી તે બીજીવાર ગાભણ ક્યારે અને ક્યાં થઈ હોઈ શકે! અમારી આ ભેંસની ખરીદી વખતે બચ્ચું જીવિત ન હોવાનો લાભ લઈને પેલા માલિકે વિયાયા પછીનો સમયગાળો ત્રણ જ માસનો બતાવ્યો હતો,    જે ખોટો હોઈ શકે. વળી એક અને એક બેની જેમ એ પણ સાબિત થતું હતું કે ભેંસ પેલા અગાઉના માલિકના ત્યાં જ ગાભણ (Pregnant) થઈ હોવી જોઈએ. જો ખરેખર તેમ હોય અને અમારા માનવા પ્રમાણે તેમ હતું જ, તો પછી તેણે આવી ગંભીર વાત અમારાથી છૂપી રાખવી જોઈતી ન હતી.

આમ છતાંય તે મૂળ માલિકને અમે શક્નો લાભ બે મુદ્દાસર આપી શકીએ. એક, તેણે આ ભેંસ કોઈકની પાસેથી ખરીદી હોય અને અમારી જ જેમ આ વાતથી પોતે પણ અજાણ હોય અથવા તે પણ જૂઠાણાનો ભોગ બન્યો હોય. બીજી શક્યતા એ પણ છે કે આ ભેંસના ગર્ભાધાન વખતે જે કોઈ જણ તેનો માલિક હોય તેની જાણ બહાર કોઈ ગોચર, ઘાસનું બીડ કે નદીકિનારે તે ગાભણ થઈ હોય અને તેના ચરવાહા (Cowboy)ને તેની જાણસુદ્ધાં પણ ન હોય! બાકી ધરતીપુત્ર એવા કિસાન કે પશુપાલક ઉપરનો અમારો વિશ્વાસ આજે પણ અકબંધ છે કે કોઈ જાનવર ગાભણ હોવાની વાતને કોઈ પણ ઈસમ જાણીજોઈને છૂપાવે નહિ.

આ સમગ્ર ઘટનામાં બધું જ સમસુતર પાર તો પડ્યું, પણ અમને એક જ વાતનું દુ:ખ રહ્યા કર્યું છે કે અમે અબોલ એવા પ્રાણીને અમારી જાણ બહાર અને નિર્દોષ ભાવે અમે તેના ગર્ભાધાન માટેના ઈલાજો કે ઉપચારો ચાલુ રાખીને તે ગાભણ હોવા છતાં તેને ખૂબ ત્રાસ આપ્યો; એવો ત્રાસ જાણે કે અમે ગરમ ઔષધો દ્વારા તેનો ગર્ભપાત કરાવવા ન માગતા હોઈએ! આમ છતાંય અમને તેના વિયાયા પછી એવી સન્મતિ પ્રાપ્ત થઈ કે અમે તાબડતોબ પશુ દાક્તરને બોલાવી લીધા. તેમણે દવાઓ અને ઈન્જેક્શનો આપ્યાં અને તેના શરીર (ઊંવાડા/યોનિમાર્ગ)માં હાથ નાખીને ગરમ દવાઓના કારણે ટુકડા થઈ ગએલી મેલી (Placenta) ને કાઢી નાખીને તેને ઝેરી અસર (Poisoning) થી બચાવી લીધી. જો આમ કરવામાં ન આવ્યું હોત તો અમારે ભેંસની જિંદગીથી હાથ ધોઈ નાખવાનો પ્રસંગ આવ્યો હોત; અને એટલું જ નહિ, પણ બિચારું જાનવર દુ:ખી દુ:ખી થઈને મરણશરણ થયું હોત.

લેખસમાપને એટલું જ કહેવાનું કે મારા કથનમાં સઘળું સ્પષ્ટ હોવા છતાં તેની પુનરાવૃત્તિ કરું છું કે આ સમગ્ર ઘટના કોઈ ચમત્કાર (Magic) નહિ, પણ તેમાં માહિતીની આપલેનો અભાવ (Communication gap or lacking of information) માત્ર જ હતો. વાણિજ્યવ્યવહાર કે સંસ્થાકીય વહીવટમાં પારદર્શિતા (Transparency) નું કેટલું મહત્વ હોય છે તે વાતને મારા સુજ્ઞ વાંચકો સદરહુ લેખથી સુપેરે સમજી શક્યા હશે.

ધન્યવાદ.

– વલીભાઈ મુસા

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , , , ,

7 responses to “(229) ભેદભરમની ભીતરમાં – એક અનોખો દુ:ખદ સ્વાનુભવ (૪)

 1. mhthaker

  July 22, 2016 at 12:31 pm

  valibhai,
  yes learnt a lot about BHES… and also value of true transparent communication–thx for sharing your experience

  Like

   
 2. pravinshastri

  July 22, 2016 at 2:28 pm

  શહેરમાં જ જીવન ગાળેલાઓ માટે આ વાત જાણવા સમજવા જેવી છે. હું આપના આભાર સહિત રિબ્લોગ કરું છું. મજામાં છોને?

  Like

   
  • Valibhai Musa

   July 22, 2016 at 5:41 pm

   મજો જ મજો, ભાયા. ભલે ને રીબ્લોગ કરો. ખમ્મા, બાપુ, ખમ્મા!

   Like

    
 3. Manu

  July 22, 2016 at 4:42 pm

  The above experience, described as a tragic one, has no base on superstition; but confusing, yes. Without any clear background details the experience cannot draw any appreciation or attention. Nothing more….Thanks

  Like

   
 4. મનસુખલાલ ગાંધી, U.S.A.

  July 22, 2016 at 9:23 pm

  ઘણું નવું જાણવાનું મલ્યું.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: