RSS

Monthly Archives: December 2010

(241) આપણાં સંતાનો એ જ આપણું ભવિષ્ય

તાજેતરમાં મારા ઉપર આવેલી એક મેઈલ જેનો ભાવાનુવાદિત ઉત્તરાર્ધ કંઈક આ પ્રમાણે હતો – “જો આપણે આપણાં સંતાનોની વધારે પડતી કાળજી લેતા હોઈએ, તેમનું હંમેશાં ઉપરાણું (પક્ષ) જ લેતા હોઈએ; તો શું ખરેખર આપણે તેમના પ્રત્યે આપણો સાચો પ્રેમભાવ બતાવીએ છીએ કે પછી આપણે તેમનું અહિત કરીએ છીએ! તમે તમારાં સંતાનોને સઘળી સુવિધાઓવાળું વસવાટ માટેનું ઘર પૂરું પાડ્યું હોય, તેમને સરસ મજાનું તેમને ભાવતું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવતું હોય, તેમના મનોરંજન માટે મોટા પડદા (Screen) વાળું TV પણ તમે વસાવ્યું હોય; પરંતુ એ જ સંતાનોએ, દાખલા તરીકે, તમારા આંગણામાંનું ઘાસ તમે કાપતા હો ત્યારે તમારી મદદે ધસી આવવું જોઈએ. જમ્યા પછી અન્યોની જેમ તેમણે પણ તેમના જમવાના થાળીવાડકા ધોઈ નાખવા જોઈએ. ઘરનાં નાનાંમોટાં કામોમાં તેમણે ઓછું કે વધતું પોતાનું યોગદાન આપવું જોઈએ. સંતાનો પાસેથી કામ લેવાનો મતલબ એ નથી કે તમે ઘરમાં નોકરચાકર રાખી શકતા નથી અથવા તો પછી તમે કંઈક નાણાં બચાવવા માગો છો. સંતાનો પાસેથી કામ લેવું એ તેમના જીવનઘડતરના ભાગરૂપ છે. તેમનામાં કામ કરનારાં ઘરનાં અન્ય સદસ્યોની મહેનતને બિરદાવવાની ભાવના વિકસે છે, કામ કરવામાં થતા પરિશ્રમના કારણે લાગતા થાકનો તેમને અહેસાસ થાય છે અને બધાની સાથે કામ કરવાથી તેમનામાં સંઘભાવના કેળવાય છે. સામાન્ય લાગતી આવી બાબતો તેમના ભાવી જીવનમાં તેમના માટે ખૂબ જ ઉપકારક બની રહેતી હોય છે.” Read the rest of this entry »

 
5 Comments

Posted by on December 24, 2010 in લેખ

 

Tags: , , , , , ,

(240) ભેદભરમની ભીતરમાં – અનીતિના ધંધામાં પણ નીતિમત્તા! (5)


તારીખ 07 ડિસેમ્બર, 2010 ના ‘ગુજરાત સમાચાર’ દૈનિક અખબારમાં “મટકાના ધંધામાં મુંબઈના બૂકીઓ સામે પડેલા ગુજરાતના બૂકીઓ” શીર્ષક હેઠળ એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે આગેવાન બૂકીઓની મુંબઈમાં યોજાએલી એક બેઠકમાં કલ્યાણ મટકા (પ્રાયોજક – સુરેશ ભગત) સામે સમાંતર કલ્યાણ રાશિ મટકા (પ્રાયોજક – વિનોદ ભગત)ની શરૂઆત કરવામાં આવશે. સુરેશ ભગતની હત્યાના આરોપ હેઠળ કારાવાસ ભોગવતી તેની પત્ની જયા ભગત કે જે જે. જે. હોસ્પિટલ, મુંબઈમાં સારવાર હેઠળ હતી તે ત્યાં ખાતેથી જ છેલ્લા 450 દિવસથી પોતાના પતિના જ શરૂ કરાએલા કલ્યાણ મટકાનું સંચાલન કરતી હતી.

મારા સુજ્ઞ વાંચકોને થશે કે જીવનલક્ષી ચારિત્ર્ય ઘડતરના લેખો લખનાર આ બ્લોગર અનીતિના વરલી (પ્રાયોજક – રતન ખત્રી)/કલ્યાણ/કલ્યાણ રાશિ મટકા નામે ચાલતા જુગાર અંગેનો આ લેખ શા માટે લખી રહ્યા હશે? આના જવાબમાં હું મહાભારતના દુર્યોધનનું એક અવતરણ ટાંકીશ. ‘ધર્મ શું છે તે હું જાણું છું, પણ તેનું આચરણ નથી કર્રી શકતો; અને અધર્મ શું છે તે પણ હું જાણું છું, પણ તેનાથી દૂર નથી રહી શકતો.’ આમ વ્યક્તિએ પોતાના ચારિત્ર્ય ઘડતર માટે કોઈપણ બાબતનાં સારાં કે નરસાં એમ બંને પાસાં વિષેની જાણકારી મેળવવી જોઈએ કે જેથી ઉભયના લાભાલાભ સમજી શકાય અને તે પ્રમાણે અનુસરણ કે આચરણ કરી શકાય. Read the rest of this entry »

 

Tags: ,

(239) હાસ્યહાઈકુ : 20 – હાદના દાયરેથી (15)

શ્વાનમાદાએ

હડકવા વોર્ડે જ

પ્રસવ્યાં બચ્ચાં!

આ તો પૂર્વના દેશોની વાત છે, ભાઈ-બાઈ! રખડતાં મનુષ્યેતર પ્રાણીઓ અહીં જ વિશેષ જોવા મળે. લોકોમાં જીવદયા ભાવના ખરી ને!

જાહેર રસ્તાઓ ઉપર ભક્ષ માટે ભટકતા અને ભસતા શ્વાનકૂળને જાહેર અને ખાંનગી દવાખાનાંની ઓળખ પણ પડતી હોય છે. અંગ્રેજીમાં કહેવાય છે કે Time and tide do not wait for man. બસ, એમ જ માનવ કે અમાનવ માદાનો પ્રસવકાળ સ્થળ, કાળ, દિશાઓ, સાનુકૂળતા કે પ્રતિકૂળતાને ધ્યાનમાં લીધા વગર પોતાના નિર્ધારિત ક્રમે પોતાનું કાર્ય બજાવ્યે જ રાખે છે.

આપણા આ હાઈકુની નાયિકા ‘શ્વાનમાદા’ (‘કૂતરી’ અપશબ્દ નહિ પ્રયોજું!) ના કર્મની કઠણાઈ તો જૂઓ કે કોઈક જાહેર દવાખાનાના હડકવાની સારવાર માટેના વોર્ડ આગળ જ તે પોતાનાં ગલૂડિયાંને જન્મ આપે છે. પોતાનાં જાતિ ભાઈબહેનોના હડકવાના રોગનો ભોગ બનેલાં અ-શ્વાનો (માનવીઓ)ની સારવાર કે હડકવા વિરોધી રસીકરણ માટેનો આ વોર્ડ પોતાના માટે કામચલાઉ પ્રસૂતિ વોર્ડ બની જાય છે.

અહીં આ ઘટનામાં શું કુદરતે માનવીઓના જેવી અવળાઈ કરી નથી લાગતી કે જ્યાં ‘અહીં કચરો નાખવો નહિ’ જેવા બોર્ડ આગળ લોકો કચરાના ઉકરડા કરતા હોય; અને, ‘અહીં કોઈએ પાનમસાલા કે ગુટખા ખાઈને પિચકારી મારવી નહિ’ તેવા દિવાલ ઉપરના લખાણને તેવી જ પિચકારીઓના કારણે વાંચી પણ ન શકાતું હોય!

– વલીભાઈ મુસા

હાદ = હાસ્ય દરબાર

 

Tags: ,

(238) હાસ્યહાઈકુ : 19 – હાદના દાયરેથી (14)

ભોંય પછાડે,
કદલીફલ ત્વચા,
ભલભલાને!

ગુજરાતી હાસ્યનવલકથા “ભદ્રંભદ્ર”ના નાયકપાત્ર ‘ભદ્રંભદ્ર’ ગુજરાતીમાં રૂઢ થઈ ગએલા અંગ્રેજી શબ્દ ‘ટિકિટ’ના બદલે ‘મૂલ્યપત્રિકા’ બોલે છે અને પારસીબાવા સ્ટેશન માસ્ટર અને તેમની વચ્ચે ગેરસમજ અને ઝપાઝપીમાંથી હાસ્ય નિષ્પન્ન થાય છે. આવા અન્ય કેટલાક શબ્દોનાં ભદ્રંભદ્રીય રૂપાંતરોને યાદ કરીને પછી જ હું મારા હાઈકુની મધ્ય લીટી મધ્યે આવીશ. ‘ટ્રેઈન’ એટલે કે ‘અગ્નિરથ’ ને વિદુષકવેડા માટે સુખ્યાત એવા ભારતના ભૂતપૂર્વ રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવે ખરે જ કેટલીક ટ્રેઈનોને ‘ગરીબરથ’ એવાં નામ પણ આપ્યાં હતાં. આવું જ સિગ્નલ માટે મજાકમાં લાંબુલચક આમ બોલાય છે ‘અગ્નિરથ ગમનાગમન સૂચક લોહપટ્ટિકા’, ‘સિનેમા’ માટે ‘બોલપટ’ કે ‘ચિત્રપટ’ વગેરે.

આટલે સુધીની ચર્ચામાં અંગ્રેજી શબ્દોનાં ગુજરાતી રૂપાંતરોની વાત થઈ, પણ મારા ઉપરોક્ત હાઈકુની મધ્ય લીટીમાં અંગ્રેજીનો કોઈ શબ્દ નથી, જે છે તે સંસ્કૃત શબ્દો છે. કદલી એટલે કેળનું ઝાડ, કદલીફલ એટલે કેળું અને ત્વચા એટલે છાલ. આમ ‘કદલીફલ ત્વચા’ નો ગુજરાતીમાં સરળ અર્થ થાય ‘કેળાની છાલ’. જગજાહેર વાત છે કે કેળાની છાલ ઉપર લપસનારે પૂરેપૂરા લપસવું પડે અને ભૂ ની મિતિ એટલે કે જમીનનું માપ લેવું જ પડે. આસ્ફાલ્ટના જાહેરરસ્તા ઉપર કેળાની છાલ નાખવી એટલે હાડવૈદ કે ઓર્થોપેડિક સર્જનના દલાલી લીધા વગરના દલાલ તરીકે કામ કરવા બરાબર છે. કેળાની છાલ કોઈ પણ જાતના પક્ષપાત વગર ભલભલાને ભોંયભેગા કરી જ દે એ બાબતને સનાતન સત્ય તરીકે માની લીધા પછી કોઈએ જાત ઉપર પ્રયોગ કરવાની જરૂર ખરી!

– વલીભાઈ મુસા

હાસ્યદરબાર

 

Tags: ,

(237) ઈશ્વર વિષે ચિંતન

અમેરિકા સ્થિત મારા મિત્ર અને મુરબ્બીશ્રી સુરેશભાઈ જાનીએ પોતાના બ્લોગ ઉપર ‘ઈશ્વરનો જન્મ’ શીર્ષકે સૃષ્ટિ ઉપર આદિ માનવની ઉત્પત્તિ થઈ તે સમયને સાંકળતી એક મનનીય વાર્તા આપી હતી. એ વાર્તા ઉપરના અનેક વિચારશીલ પ્રતિભાવો પૈકી મારો પોતાનો પણ એક પ્રતિભાવ હતો, જેને મેં મારા પોતાના બ્લોગ ઉપર “ ભાવપ્રતિભાવ – 3 (શ્રી સુરેશ જાની) * ઈશ્વરનો જન્મ” શીર્ષકે મારા સુજ્ઞ વાંચકો માટે પ્રસિદ્ધ કર્યો હતો. એ વાર્તાના નાયક ‘મનુ’ ને પ્રથમવાર ઈશ્વરનો આવિર્ભાવ થયો. કોઈક દિવ્ય શક્તિએ તેને બચાવી લીધો અને ત્યાં તેને ઈશ્વરની અનુભૂતિ ‘ભય’માંથી થઈ સમજવી પડે. તો વળી આપણા ગુફાવાસી પૂર્વજોને ઈશ્વરની છએ દિશાઓમાં ભૂમિગત અને બાહ્ય તેની સર્વત્ર વેરાએલી ભાતીગળ નયામતો (બક્ષિસો)ના અવલોકનોથી અભિભૂત થવાના કારણે એ પરમ શક્તિની આભારવશતામાંથી પણ ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર થયો હોઈ શકે. જે હોય તે, પણ નમ્રભાવે હું કહું તો આ વાર્તાએ મને ‘ઈશ્વર’ વિષેનું મારું અલ્પ જ્ઞાન અહીં પ્રદર્શિત કરવાની પ્રેરણા આપી છે, બાકી હું કોઈ દાર્શનિક તો નથી, નથી જ. અહીં જે કંઈ વિષયસામગ્રી અપાશે તેને મારા આધ્યાત્મિક વાંચન, મનન અને ચિંતનના પરિપારક તરીકે આપ સૌ વાંચકોએ સમજવાની છે, કોઈ વિચારધારા તરીકે નહિ. Read the rest of this entry »

 
12 Comments

Posted by on December 13, 2010 in લેખ

 

Tags: , , , , , , , ,