શ્વાનમાદાએ
હડકવા વોર્ડે જ
પ્રસવ્યાં બચ્ચાં!
આ તો પૂર્વના દેશોની વાત છે, ભાઈ-બાઈ! રખડતાં મનુષ્યેતર પ્રાણીઓ અહીં જ વિશેષ જોવા મળે. લોકોમાં જીવદયા ભાવના ખરી ને!
જાહેર રસ્તાઓ ઉપર ભક્ષ માટે ભટકતા અને ભસતા શ્વાનકૂળને જાહેર અને ખાંનગી દવાખાનાંની ઓળખ પણ પડતી હોય છે. અંગ્રેજીમાં કહેવાય છે કે Time and tide do not wait for man. બસ, એમ જ માનવ કે અમાનવ માદાનો પ્રસવકાળ સ્થળ, કાળ, દિશાઓ, સાનુકૂળતા કે પ્રતિકૂળતાને ધ્યાનમાં લીધા વગર પોતાના નિર્ધારિત ક્રમે પોતાનું કાર્ય બજાવ્યે જ રાખે છે.
આપણા આ હાઈકુની નાયિકા ‘શ્વાનમાદા’ (‘કૂતરી’ અપશબ્દ નહિ પ્રયોજું!) ના કર્મની કઠણાઈ તો જૂઓ કે કોઈક જાહેર દવાખાનાના હડકવાની સારવાર માટેના વોર્ડ આગળ જ તે પોતાનાં ગલૂડિયાંને જન્મ આપે છે. પોતાનાં જાતિ ભાઈબહેનોના હડકવાના રોગનો ભોગ બનેલાં અ-શ્વાનો (માનવીઓ)ની સારવાર કે હડકવા વિરોધી રસીકરણ માટેનો આ વોર્ડ પોતાના માટે કામચલાઉ પ્રસૂતિ વોર્ડ બની જાય છે.
અહીં આ ઘટનામાં શું કુદરતે માનવીઓના જેવી અવળાઈ કરી નથી લાગતી કે જ્યાં ‘અહીં કચરો નાખવો નહિ’ જેવા બોર્ડ આગળ લોકો કચરાના ઉકરડા કરતા હોય; અને, ‘અહીં કોઈએ પાનમસાલા કે ગુટખા ખાઈને પિચકારી મારવી નહિ’ તેવા દિવાલ ઉપરના લખાણને તેવી જ પિચકારીઓના કારણે વાંચી પણ ન શકાતું હોય!
– વલીભાઈ મુસા
હાદ = હાસ્ય દરબાર
[…] Click here to read in Gujarati […]