તારીખ 07 ડિસેમ્બર, 2010 ના ‘ગુજરાત સમાચાર’ દૈનિક અખબારમાં “મટકાના ધંધામાં મુંબઈના બૂકીઓ સામે પડેલા ગુજરાતના બૂકીઓ” શીર્ષક હેઠળ એક સમાચાર પ્રસિદ્ધ થયા હતા કે આગેવાન બૂકીઓની મુંબઈમાં યોજાએલી એક બેઠકમાં કલ્યાણ મટકા (પ્રાયોજક – સુરેશ ભગત) સામે સમાંતર કલ્યાણ રાશિ મટકા (પ્રાયોજક – વિનોદ ભગત)ની શરૂઆત કરવામાં આવશે. સુરેશ ભગતની હત્યાના આરોપ હેઠળ કારાવાસ ભોગવતી તેની પત્ની જયા ભગત કે જે જે. જે. હોસ્પિટલ, મુંબઈમાં સારવાર હેઠળ હતી તે ત્યાં ખાતેથી જ છેલ્લા 450 દિવસથી પોતાના પતિના જ શરૂ કરાએલા કલ્યાણ મટકાનું સંચાલન કરતી હતી.
મારા સુજ્ઞ વાંચકોને થશે કે જીવનલક્ષી ચારિત્ર્ય ઘડતરના લેખો લખનાર આ બ્લોગર અનીતિના વરલી (પ્રાયોજક – રતન ખત્રી)/કલ્યાણ/કલ્યાણ રાશિ મટકા નામે ચાલતા જુગાર અંગેનો આ લેખ શા માટે લખી રહ્યા હશે? આના જવાબમાં હું મહાભારતના દુર્યોધનનું એક અવતરણ ટાંકીશ. ‘ધર્મ શું છે તે હું જાણું છું, પણ તેનું આચરણ નથી કર્રી શકતો; અને અધર્મ શું છે તે પણ હું જાણું છું, પણ તેનાથી દૂર નથી રહી શકતો.’ આમ વ્યક્તિએ પોતાના ચારિત્ર્ય ઘડતર માટે કોઈપણ બાબતનાં સારાં કે નરસાં એમ બંને પાસાં વિષેની જાણકારી મેળવવી જોઈએ કે જેથી ઉભયના લાભાલાભ સમજી શકાય અને તે પ્રમાણે અનુસરણ કે આચરણ કરી શકાય.
આ એક આંકડાકીય જુગાર છે, જેનું કેન્દ્રસ્થાન કોઈ એક શહેર હોય છે અને તેનું નેટવર્ક દેશ અને દુનિયામાં વ્યાપેલું હોય છે. કેન્દ્રસ્થાનેથી અઠવાડિયાના સોમવારથી શુક્રવાર સુધીના પાંચ દિવસો દરમિયાન રાત્રિના બેએક કલાકના આંતરે બે તબક્કામાં આંકડા બહાર પડતા હોય છે અને એકાદ મિનિટના સમયગાળામાં જ જે જે દેશોમાં આ આંકડાઓ ઉપર જુગાર ખેલાતો હોય તે દેશોમાં ટેલિફોન મારફતે જે તે દિવસના ઓપન અને ક્લોઝના પરિણામના આંકડાઓ પહોંચી જતા હોય છે. આ જુગાર વિશ્વાસનું એવું પીઠબળ ધરાવે છે કે બીજા દિવસે કોઈ સમાચારપત્રોમાં કાયદાકીય પ્રતિબંધના કારણે લેખિત પરિણામ ન આવતું હોવા છતાં મૌખિક રીતે જે તે ખેલનારને તે જાણવા મળી જતું હોય છે અને બીજા જ દિવસે વલણ (લેણદેણ) પણ ચૂકવાઈ જતું હોય છે. બૂકીઓ બૂકીઓ વચ્ચેની લેણદેણની પતાવટ શનિવારે થઈ જતી હોય છે.
હવે આપણે જોઈએ કે આ આંકડાઓ કેવી રીતે બહાર પડતા હોય છે. એમ કહેવાય છે કે આ જુગારનો સંચાલક પબ્લીક પાસે બાજીપાનામાંથી જુદીજુદી બે વ્યક્તિઓ દ્વારા એક એક એમ બે પાનાં ખેંચાવતો હોય છે અને ત્રીજું પાનું પોતે ખેંચતો હોય છે. 10 આંક અને બાકીનાં ચાર ચિત્રો ગુલામ, રાણી, બાદશાહ અને એક્કાને તથા જોકરના પાનાને 0 તરીકે ગણવામાં આવે છે. રાત્રિના નવ વાગે ઓપન અને અગિયાર વાગે ક્લોઝના આ ત્રણ આંકડાઓને ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે છે, જેમ કે 124, 369, 120 વગેરે. હવે જે તે સમયે નીકળેલા આ આંકડાઓનો સરવાળો કરતાં જમણી બાજુના એકમના એક જ આંકડાને ધ્યાનમાં લેવાતો હોય છે. ઉદાહરણમાંના 1,2,4નો સરવાળો 07 એટલે કે 7; 3,6,9નોસરવાળો 18 એટલે કે 8 અને 1,2,0 નો સરવાળો 03 એટલે કે 3. આમ આ જ રીતે બે કલાક પછી એવી જ પ્રક્રિયા થતી હોય છે. કોઈક દિવસનું ઉદાહરણ લઈએ તો 224 <=> 8 (ઓપન) અને 689 < = > 3 (ક્લોઝ)
હવે આંકડા રમવાવાળા બંને સમયના સીંગલ આંકડા રમી શકે અથવા તો ત્રણ આંકડાની ચઢતા ક્રમની સંખ્યા જેને જુગારની ભાષામાં પાનું કહેવાતું હોય છે તે રમી શકાય છે. કોઈને બંને સમયનું ભેગું રમવું હોય તો ઓપન-ક્લોઝના બંને આંકડા રમે તેને ડબલ અને બંને પાનાંને સાથે રમે તેને પેટી કહેવામાં આવે છે. આમ સીંગલ આંકડા દસ, ડબલ 100 અને પાનાં 220 થતાં હોય છે. સીંગલ આંકડા ઉપર 1 રૂપિયો લગાડનારને 8 થી 9 રૂપિયા સુધીનો ભાવ મળતો હોય છે. ડબલ ઉપર 1 રૂપિયો લગાડનારને 70 થી 80 રૂપિયાનો ભાવ મળતો હોય છે. પાના ઉપર 1 રૂપિયો લગાડનારને 100 થી 125 સુધીનો ભાવ મળતો હોય છે અને પેટી ઉપર 1 રૂપિયો લગાડનારને 10,000 થી 15625 સુધીનો ભાવ મળતો હોય છે.
આમ સીંગલ આંકડો આવવાની શક્યતાઓ 10, ડબલની શક્યતાઓ 100, પાનાંની શક્યતાઓ 220 અને પેટીની શક્યતાઓ 48400 થતી હોય છે.
આ થઈ વરલી કે અન્ય કલ્યાણ અથવા એવા કોઈ આંકડાકીય જુગારની પૂર્વભૂમિકા. રાતના નવ અને અગિયાર વાગે અથવા જે કોઈ સમય નક્કી હોય તે સમયે પાનું અને તેના સરવાળાથી થતા સીંગલ આંકડાના સમાચાર વિશ્વભરમાં પહોંચી જતા હોય છે. ત્રીજો આંકડો જે તે જુગારના પ્રાયોજકના ખેંચેલા પાનાથી બનતો હોઈ મટકા જુગારજગતમાં એમ કહેવાય છે કે તે પ્રાયોજક બાજીપાનાંનો અઠંગ ખેલાડી હોય છે અને જાહેરમાંજ પોતે ઈચ્છે તે પાનું કાઢી શકતો હોય છે.
હવે હું ‘ભેદભરમની ભીતરમાં’ વિષય ઉપર આવું તો સન 1971માં બંગલા દેશ મુદ્દે ભારત અને પાકીસ્તાન વચ્ચે ચાલેલા યુદ્ધના સમયગાળામાં રાત્રે અંધારપટ (Black Out) જાળવવાના કારણે એ વખતે ચાલતા રતન ખત્રી પ્રાયોજિત ‘વરલી મટકા’નો ઓપન અને ક્લોઝનો સમય સાંજના ચાર અને છ વાગ્યાનો રહેતો હતો. એ સમયે નજીવો પરિચય ધરાવતા મારા જ ગામના એક માણસે મારી પાસે આવીને મને કહ્યું, ‘તમે કદાચ જાણતા જ હશો કે હું સાધારણ સ્થિતિનો માણસ છું. આગામી લગ્નગાળામાં મારી દીકરીનાં લગ્ન કરવાનાં છે. હું કોઈ ધામધૂમ તો નહિ, પણ જરૂરી ઓછામાં ઓછું ખર્ચ કરું તો યે પાંચેક હજાર રૂપિયાની જરૂર પડે; જેની સામે મારી પાસે બે અઢી હજારની સગવડ છે. બાકીનાં નાણાં માટે વ્યાજ મુક્ત કે વ્યાજવાળું હું કોઈ દેવું કરવા માગતો નથી. મને એક ભાઈએ કહ્યું છે કે તમે અંકગણિતના હોશિયાર માણસ છો અને વરલી મટકાનો આ જુગાર આંકડા ઉપર આધારિત છે. મને કોઈ એકાદ દિવસની ડબલ કાઢી આપો તો પચાસેક રૂપિયાનું જોખમ ઊઠાવીને મારું નસીબ અજમાવું. મેં કદીય આવો જુગાર ખેલ્યો નથી, પણ મારી દીકરીના નસીબના જોરે મારું કામ થઈ જાય. વળી હું ખાત્રી આપું છું કે મારી જિંદગીમાં પહેલી વાર અને છેલ્લી વાર પચાસ રૂપિયા ખેલ્યા પછી હું હારું કે જીતું તો યે કદીય ફરીવાર આ જુગારના રવાડે ચઢીશ નહિ. હું જાણું છું કે અનીતિના આ ધંધામાં બરબાદી સિવાય કશું જ નથી.’
મેં હસતાં હસતાં કહ્યું, ‘ભલા માણસ, તમે જ આને અનીતિનો ધંધો ગણો છો, તો પછી આવા કામમાં મારાથી સાથ અપાય ખરો!’ વળી મેં ગંભીરતાથી આગળ કહ્યું, ‘તમને પાંચસો હજારની મદદ કરું અને બાકીના માટે બેચાર એવા કોઈ મિત્રો કે સગાંસંબંધીનો સંપર્ક કરો તો તમારું કામ થઈ જશે. હું આ જુગાર વિષે થોડુંઘણું જે કંઈ જાણું છું તે મુજબ વરલી મટકાને અંકગણિત સાથે કોઈ લેવાદેવા હોઈ જ ન શકે.’
‘પણ મને કોણ જાણે એવો આત્મવિશ્વાસ થઈ ગયો છે કે મારું કામ તમારા થકી જ પાર પડશે. જો મારા પૈસા પડી ગયા જેવું થશે તો મારી પાસે જે કંઈ સગવડ છે તેનાથી જ કામ ચલાવી લઈશ, પણ દેવું તો હું નહિ જ કરું અને કોઈની સામે મદદ માટે મારો હાથ પણ લાંબો નહિ કરું.’
એ ભાઈની મક્કમતા આગળ મેં શરણાગતી સ્વીકારી અને મારાથી સ્વાભાવિક પૂછાઈ ગયું, ‘મટકાના આ જુગારનું કોઈ સાહિત્ય એટલે કે છેલ્લાં બેત્રણ વર્ષના આવી ચૂકેલા આંકડાઓ જેવું કંઈક મને આપો તો હું જોઈ જાઉં કે આમાં અંકગણિત જેવું કંઈ છે કે નહિ.’
પેલા ભાઈએ કહ્યું કે ‘મને ખબર નથી કે આવું કોઈ સાહિત્ય હોય કે નહિ! જો તમે કહેતા હો તો હું એવા કોઈ સાહિત્યની તપાસ કરીને તમને લાવી આપું.’
મેં હા પાડી અને બીજા દિવસે તો એ ભાઈએ ક્યાંકથી મેળવીને મને છેલ્લાં ત્રણ કેલેન્ડર વર્ષના મહિનાવાર અને અઠવાડિયાંવાર આવી ચૂકેલા આંકડાઓનાં ચોપાનિયાં આપી દીધાં.મારો અભ્યાસ શરૂ થયો. એ વખતે ડિસેમ્બર માસનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું હતું. મેં આગલાં વર્ષોના ડિસેમ્બર માસના આંકડાઓમાં ક્રમિક રીતે કોઈ સુસંગતતા કે કોઈ થિયરી કામ કરે છે કે કેમ તે જોયું તો 1970 ના ડિસેમ્બર માસના બીજા અઠવાડિયાના બુધવાર, ગુરૂવાર અને શુક્રવારના આંકડાઓની એક થિયરી મુજબ ત્રીજા અઠવાડિયાના સોમવારના ડબલના આંકડા અને એ જ રીતે ગુરૂવાર, શુક્રવાર અને સોમવારના આંકડાઓ ઉપરથી મંગળવારના ડબલના આંકડા બનેલા હતા અને તે જ થિયરીથી બુધવારની પણ ડબલ આવેલી હતી. આ થિયરી ત્રણ દિવસ ચાલી હતી અને આગળ ઉપર કોઈ મેળ બેસતો ન હતો.
મને વિચાર આવ્યો કે 1971 ના ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયાના શરૂઆતના ત્રણેય દિવસોના આંકડાઓ મોડેસ ઓપરેન્ડી મુજબ કદાચ બને તો પ્રથમ દિવસે જોવું કે શું થાય છે અને ખરેખર એમ જ થયું. બીજા દિવસને એટલે કે મંગળવારને પણ Confirmation માટે મેં જતો કર્યો. મંગળવારે પણ એ જ થિયરી જળવાઈ રહી. હવે મને નિશ્ચિતપણે એમ થયું કે હવે બુધવારને જતો કરાય નહિ કેમકે આગલા વર્ષે એ જ થિયરી ત્રણ જ દિવસ ચાલી હતી. હવે ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયાના બુધવારની જે ડબલ તારવી હતી તેને દર્શાવવા પહેલાં નીચેના ઉદાહરણથી એ થિયરી સમજાવી દઉં.
ડિસેમ્બર 1970 ના બીજા અઠવાડિયાના છેલ્લા ત્રણ દિવસના ડબલના આંક દા.ત. નીચે પ્રમાણે હતા (તે વખતના ખરેખરા આંકડા યાદ ન હોઈ અહીં નમૂના તરીકે મૂકેલ છે.) :-
બુધવાર 45
ગુરૂવાર 92
શુક્રવાર 33
હવે તેની થિયરી આ પ્રમાણે પકડાઈ હતી.
45
5927
4331
94
હવે ઉપરોક્ત બીજી અને ત્રીજી લીટીમાંના ડાબે ઉપરનીચે 54 માં 5માં 9 ઉમેરવાથી 4 આવ્યા, તે જ રીતે જમણી બાજુએ ઉપર નીચેથી બનેલી સંખ્યા 71 માં 7માં 4 ઉમેરવાથી 1 આવ્યો. આમ ‘ઉમેરવાથી’ એવા બે અંકો 9 અને 4 છે.
માટે, ત્રીજા અઠવાડિયે સોમવારે 94 આવે.
હવે ગુરૂ, શુક્ર અને સોમના આંકડાઓ નીચે પ્રમાણે થશે.
ગુરૂવાર 92
શુક્રવાર 33
સોમવાર 94
હવે તે જ થિયરી પ્રમાણે આગળ ગણતાં નીચે મુજબ થાય.
92
4331
6941
20
આમ આ (20) ડબલ મંગળવારે આવી અને થિયરી Confirm થઈ ગણાય.
માટે હવે શુક્ર, સોમ અને મંગળના આંકડાઓ નીચે મુજબ થશે
શુક્રવાર 33
સોમવાર 94
મંગળવાર 20
હવે આખરી ત્રીજા દિવસ એટલે કે બુધવાર માટે તે જ રીતે આમ ગણાશે.
33
6941
3206
75
આમ ત્રીજા અઠવાડિયાના બુધવારે મોડેસ ઓપરેન્ડીએ 75 થાય અને આમ આગલા વર્ષે આવું બન્યું હોય તો 1971ના વર્ષના ડિસેમ્બરના બીજા અઠવાડિયાના ત્રણ દિવસોની ડબલ ઉપરથી ત્રીજા અઠવાડિયાના શરૂઆતના ત્રણેય દિવસોમાં કદાચ આવી જ મોડેસ ઓપરેંડીથી થાય તેવી પૂર્વ ધારણા મૂકીને મેં પેલા ભાઈને ત્રીજા અઠવાડિયાના ત્રીજા દિવસ એટલે કે બુધવાર માટે મેં 0 થી 3 એટલે કે 03 ડબલ નક્કી કરીને જણાવી દીધી, એ શરતે કે તેઓ રૂ!. 50 થી વધારે જોખમ ન ઊઠાવે, જો સફળતા ન મળે તો મારી પાસેથી રૂ!. 50 એમણે લેવા જ પડશે અને સફળતા મળે તો આ ડબલ મેં તેમને આપી છે એવું કોઈને ન જણાવે.
હવે પેલા ભાઈની દીકરીના નસીબે કે મારી ગણતરીથી અથવા તો જોગાનુજોગ (કાકતાલીય ન્યાયે) એવું બન્યું પણ હોય, પણ પેલા ભાઈએ સાંજના ચાર અને ત્રીસ મિનિટે મને સમાચાર આપ્યા કે ઓપનમાં 0 આવી ગએલ છે. અને પછી તો તેમણે ક્લોઝમાં પણ 3 આવ્યાના સમાચાર મને રાતોરાત આપી દીધા. પેલા ભાઈને ગુરૂવારે સવારે આઠ વાગે બૂકીએ તેમના હાથમાં 70ના ભાવે રૂ!. 50 ના એકંદર રૂ!. 3500 મૂકી દીધા, ત્યારે તેમની ખુશીનો પાર ન હતો.
હાલમાં પણ આવો આંકડાઓનો જુગાર ચાલી રહ્યો છે તે સમાચારપત્રના સમાચારથી જાણવા મળ્યું છે અને તેથી જ હું કહું છું કે આવા કોઈ આંકડા કાઢી આપવા માટે કોઈ મારો સંપર્ક કરશો નહિ. વગર મહેનતે અનીતિનું ધન કમાવામાં બરબાદી સિવાય કશું જ પ્રાપ્ત થનાર નથી અને આવા અનૈતિક કામમાં હું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગીદાર બનું પણ નહિ. અપવાદરૂપ ઉપર વર્ણવેલી મારી ક્ષતિને ઈશ્વર (અલ્લાહ) માફ કરશે જ તેવો વિશ્વાસ હું ત્યારે જ રાખી શકું, જ્યારે કે મારાથી એવી ભૂલનું પુનરાવર્તન ન થાય.
મારા સુજ્ઞ વાંચકોને મારો આ લેખ ‘ભેદભરમની ભીતરમાં’ શ્રેણી હેઠળ બંધબેસતો લાગશે જ તેવી આશા સાથે અને મુડ પ્રમાણે આવા અનુભવોને હું આ જ શ્રેણી હેઠળ પ્રસંગોપાત આપતો રહીશ તેવી ખાત્રી સાથે અત્રેથી વિરમું છું.
ધન્યવાદ.
– વલીભાઈ મુસા
pragnaju
December 21, 2010 at 7:43 pm
બેફામ સાહેબ યાદ આવ્યા
તારી જ ખોટ કિંતુ સતત સાલતી રહી,
જીવી રહ્યો છું નહિ તો ઘણાયે અભાવમાં.
જીવનના આ જુગારમાં રાતો રહી ગઇ,
દિવસો હતા એ હારી ગયો છું હું દાવમાં.
ગણિતના નિયમોને જુગારના નિયમો સાથે જોડતા ગણિતશાસ્ત્રીનું પાત્ર કરવાની અમિતાભને બહુ મજા આવી હતી.તેમા ‘જલૈશ’ની વાત આવે છે. દોસ્તોવસ્કી જુગારના શોખીન હતા. તેણે તો ‘ગેમ્બલર’ નામની નવલ લખેલી. જહોન કાર્ડીન નામનો ઈટાલિયન વિજ્ઞાની મોટો મેથેમેટશિ્યન હતો. તેણે એલજીબ્રાના નવા સિદ્ધાંત શોધેલા. તે જુગારનો વ્યસની હતો, તે બીજા મિત્રોને ગણિતના સિદ્ધાંત ઉપરાંત જુગારમાં છેતરવાની ટ્રીક શીખવતો.તમારા જેવા જીનિયસ ભેંજાઓ આવું ગણિત લડાવી શકતા હોય છે, એમને ગણિતમાં કાબેલ બનીએ તો સટ્ટાની આંકડાબાજીનો પૂરો ચિતાર મળી રહેતો હોય છે.થીકિંગ સ્ત્રેતેજીકલી નામના પુસ્તક માં ગેમ થીયરી ને લગતા ઘણા બધા પાયાના સિદ્ધાંતો ખુબ બધા ઉદાહરણો સાથે ખુબ રસાળ શૈલી માં રજુ કર્યા છે. એક આડ વાત , આ પુસ્તક ના લેખક અવિનાશ દિક્ષિત અર્થ શાસ્ત્ર ના ખા ને પ્રીન્સ્ત્ન જેવી પ્રતિસ્થ યુનિવર્સીટી માં અર્થ શાસ્ત્ર વિભાગ ના પ્રોફેસર રહી ચુક્યા છે તેમજ ઘણા નિષ્ણાતો ને મતે અર્થ શાસ્ત્ર ના નોબેલ પ્રાઈઝ ના સબળ દાવેદાર ગણાય છે. અહીં તે પુસ્તક તેમજ બીજા વાંચને આધારે ખુબ સરળ શૈલી માં ગેમ થીયરી ના અમુક નિયમો ને થોડો ઈતિહાસ રજુ કરવાનો વિચાર છે….. જુદી જુદી ગેમમા. લક ને આધારિત ગેમો જેમાં લક કે નસીબ ગેમ ના પરિણામ ઉપર મોટા ભાગ ની અસર ધરવે છે ઉદાહરણ તરીકે લોટરી , જુગાર ના સ્લોટ મસીન વગેરે., થોડું નસીબ ને રમત રમવાની રણનીતિ વાળી ગેમો , ઉદાહરણ તરીકે , ગંજીફા ની રમતોઆને. ફક્ત રણનીતિ આધારિત ગેમો , ઉદાહરણ તરીકે , ચેસ ની રમત. બસ ગેમ થીયરી પણ આ ત્રીજા પ્રકાર ની રમતો ને સમજવાનું ને તેવી રમતો ના કોયડા ઉકેલવાનું એક વિજ્ઞાન છે.
અમેરિકામાં ૪૫૦ જેટલા કેસીનો છે.કેસીનો -‘કાસા’ નો મૂળ અર્થ થાય છે- શાંતિવાળું સ્થળ.
કદાચ ધાર્મિક સ્થળે ઘોંઘાટ હોય પણ જુગારના ટેબલ પર અદ્ભુત શાંતિ હોય છે!
LikeLike