RSS

(241) આપણાં સંતાનો એ જ આપણું ભવિષ્ય

24 Dec

તાજેતરમાં મારા ઉપર આવેલી એક મેઈલ જેનો ભાવાનુવાદિત ઉત્તરાર્ધ કંઈક આ પ્રમાણે હતો – “જો આપણે આપણાં સંતાનોની વધારે પડતી કાળજી લેતા હોઈએ, તેમનું હંમેશાં ઉપરાણું (પક્ષ) જ લેતા હોઈએ; તો શું ખરેખર આપણે તેમના પ્રત્યે આપણો સાચો પ્રેમભાવ બતાવીએ છીએ કે પછી આપણે તેમનું અહિત કરીએ છીએ! તમે તમારાં સંતાનોને સઘળી સુવિધાઓવાળું વસવાટ માટેનું ઘર પૂરું પાડ્યું હોય, તેમને સરસ મજાનું તેમને ભાવતું સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવતું હોય, તેમના મનોરંજન માટે મોટા પડદા (Screen) વાળું TV પણ તમે વસાવ્યું હોય; પરંતુ એ જ સંતાનોએ, દાખલા તરીકે, તમારા આંગણામાંનું ઘાસ તમે કાપતા હો ત્યારે તમારી મદદે ધસી આવવું જોઈએ. જમ્યા પછી અન્યોની જેમ તેમણે પણ તેમના જમવાના થાળીવાડકા ધોઈ નાખવા જોઈએ. ઘરનાં નાનાંમોટાં કામોમાં તેમણે ઓછું કે વધતું પોતાનું યોગદાન આપવું જોઈએ. સંતાનો પાસેથી કામ લેવાનો મતલબ એ નથી કે તમે ઘરમાં નોકરચાકર રાખી શકતા નથી અથવા તો પછી તમે કંઈક નાણાં બચાવવા માગો છો. સંતાનો પાસેથી કામ લેવું એ તેમના જીવનઘડતરના ભાગરૂપ છે. તેમનામાં કામ કરનારાં ઘરનાં અન્ય સદસ્યોની મહેનતને બિરદાવવાની ભાવના વિકસે છે, કામ કરવામાં થતા પરિશ્રમના કારણે લાગતા થાકનો તેમને અહેસાસ થાય છે અને બધાની સાથે કામ કરવાથી તેમનામાં સંઘભાવના કેળવાય છે. સામાન્ય લાગતી આવી બાબતો તેમના ભાવી જીવનમાં તેમના માટે ખૂબ જ ઉપકારક બની રહેતી હોય છે.”

આ તો આજના મારા લેખની પૂર્વભૂમિકા થઈ, પણ તે જ વિષયે આગળ ઉપર હું વિશેષ કંઈક લખવા માગું છું. ઉપર દર્શાવાએલી મેઈલમાં એના મૂળ સંપાદકે કે સંકલનકારે એક ખૂબ જ મહત્વની વાત કદાચ મારા મતે અજાણતાં અવગણી છે. વાત એ છે કે ગમે તે પ્રકારનું મહેનતનું કામ કરવામાં કોઈએ શરમ કે નાનમ અનુભવવી ન જોઈએ. જો કોઈએ શરમાવાનું જ હોય તો કોઈ હીણું કે અનૈતિક કાર્ય કરતાં, અસંસ્કારી વર્તણુંક આચરતાં કે કોઈના હિતને નુકસાન કરતાં શરમાવું જોઈએ. પ્રમાણિકતા અને મહેનત જેની સાથે સંકળાએલ હોય તેવું કોઈપણ કામ કદીય અધમ હોઈ શકે નહિ. આમ છતાંય આપણને ઘણે ઠેકાણે એવું જોવા મળતું હોય છે કે લોકો પોતાના સામાજિક મોભા અને આર્થિક સ્થિતિને અનુરૂપ ન હોય તેવાં કામો કરવામાં શરમ અનુભવતા હોય છે. આમ થવા પાછળનું કારણ માત્ર એ જ હોઈ શકે કે તેવી વ્યક્તિઓના ઉછેર વખતે તેમનાં પોતાનાં માબાપોએ લેવી જોઈતી અહીં સુધી ચર્ચવામાં આવેલી કાળજીઓ લીધી નથી હોય.

સંતાનો દરેકને વહાલાં હોય જ, પછી પોતે અમીર હોય કે ગરીબ હોય. આમ છતાંય સંતાનોને મર્યાદા કરતાં વધારે લાડ લડાવવાં કે તેમની બધી જ માગણીઓ સંતોષવી એ તો પેલા મુહાવરા મુજબ સોનાની કટારીને પેટમાં ખોસવા જેવું થાય. મારા એક સ્નેહીએ પોતાના સંયુક્ત પરિવારના પ્રાથમિક શાળામાં શિક્ષણ લેતા બે છોકરાઓને તેમને જિંદગી સુધી યાદ રહી જાય તેવી કઠોર માનસિક શિક્ષા કરી હતી. વાત એમ હતી કે એક વાર તેમણે પેલા બંને છોકરાઓ વચ્ચે રૂપિયા સોની નોટ એમ કહીને આપી હતી કે તેઓ છૂટા કરાવીને પચાસ પચાસ રૂપિયા પોતપોતાની પાસે હાથખરચી તરીકે રાખે. એ સમયે વેકેશન હતું અને પેલા બંનેએ તો બેએક કલાકમાં તો સાથે મળીને સોએ સો રૂપિયા ખરચી નાખ્યા. પેલા સ્નેહીને કોણ જાણે એવો કંઈક વિચાર આવ્યો કે તેમણે પેલાઓ પાસે તેમના પચાસ પચાસ રૂપિયા જોવા માગ્યા અને ભંડો ફૂટી ગયો કે તેમણે માન્યામાં ન આવે તેવું પરાક્રમ કરી નાખ્યું હતું.

પેલા સ્નેહીએ જરા પણ ગુસ્સે થયા વગર ઠંડા કલેજે તેમને કહ્યું, ‘ગાંડિયાઓ તમારી તમામ જરૂરિયાતો ઘરમાંથી પૂરી પાડવામાં આવે છે, પણ મે તમને ખિસ્સાખરચી માટે જે પૈસા આપ્યા હતા, જે તમારે ઓછામાં ઓછા બેએક મહિના ચલાવવા જોઈતા હતા, પણ તમે લોકોએ તો બે કલાકમાં જ તેમનો ખાતમો બોલાવી દીધો. તમને ખબર નહિ હોય કે અમને લોકોને પૈસા કમાવામાં કેટલી મહેનત પડતી હોય છે. ખેર, આવતી કાલે સવારે તમારે બંનેએ વહેલા તૈયાર થઈ જવાનું છે અને હું કહું તેમ તમારે કરવાનું છે.’

બીજા દિવસે તો પેલા બંનેના હાથમાં થેલીઓ પકડાવી દેવામાં આવી કે જેમાં બુટપોલિશ માટેનો સામાન હતો. બંને જણાએ સાથેસાથે કે અલગઅલગ રેલવે સ્ટેશન, બસસ્ટેન્ડ, સિનેમાઘરો અથવા બાગબગીચે જઈને તેમણે વેડફી નાખેલા સો રૂપિયા કમાઈ બતાવવાના હતા. ઘરના સ્ત્રીવર્ગ અને વડીલોના મનદુ:ખને અવગણીને પણ પેલા સ્નેહીએ પોતે કરવા ધારેલા પ્રયોગને પાર પાડ્યો. પેલા બંનેને આ પ્રયોગમાથી શું શું શીખવા કે જાણવા મળ્યું તે સમજવાનું કામ મારા વાંચકો ઉપર છોડીને મારા લેખના વિષયના સમર્થનમાં થોડીક વિશેષ વાતો કહીને હું લેખસમાપન તરફ આગળ વધીશ..

રવીન્દ્રનાથ ટાગોરના બાલ્યકાળમાં તેમના પિતાએ પોતાની મુલ્યવાન ખિસ્સાઘડિયાળને દરરોજ નિયત સમયે ચાવી આપવાની તેમને જવાબદારી સોંપેલી કે જેથી નિયમિતતા, ચોકસાઈ અને જવાબદારીના ભાન જેવી તેમનામાં સુટેવો પાડી શકાય. બાળસહજ એવા ભાવે રવીન્દ્રનાથે ઘડિયાળ સાથે ચેડાં કરીને કિંમતી ઘડિયાળને બગાડી નાખી એ અલગ વાત, પણ પિતા દેવેન્દ્રનાથે સંતાનના ઘડતર માટે એ જોખમ પણ ઊઠાવી લીધું હતું. વડોદરા રાજ્યના ગાયકવાડ મહારાજે પોતાના ઉત્તરાધિકારી રાજકુમાર અને અન્ય મદદગાર રાજકુમારોને અભ્યાસ પતી ગયા પછી વહીવટી કચેરીમાં જુદાજુદા વિભાગોમાં એકએક મહિનો સામાન્ય કર્મચારીઓની જેમ નોકરીઓ કરાવી હતી. અમારા પિતાજીને આધેડ ઉંમરે અમે સૌ સંતાનો પ્રાપ્ત થયાં હોઈ અમે તેમને લાડલાં હોવા છતાં અભ્યાસકાળ દરમિયાન વેકેશનમાં અમને અમારા એક સગાના કારખાને હાથશાળ કાપડ વણાટનું કામ શીખવા માટે મૂક્યા હતા. આ કામ અમારા પોતાના કારખાનામાં પણ અમને શીખવી શકાયું હોત, પણ અમારા પિતાજીની દલીલ હતી કે ‘પારકી મા જ કાન વીંધે.’

સમાપને એટલું જ કહેવાનું કે જીવનોપયોગી બાબતો શીખવા અને શીખવવાની પ્રક્રિયા જીવનભર ચાલુ જ રહેતી હોય છે. મોટેરાં પોતાનાં સંતાનોને જે કંઈ શીખવવા માગતાં હોય તેની શરૂઆત પોતાના થકી પ્રાયોગિક રીતે શરૂ થવી જોઈએ. ઘરમાં ઊછરતાં સંતાનોને કશુંય કહેવું પણ નહિ પડે અને તેઓ અનુકરણ માત્રથી સઘળું શીખી લેશે.

– વલીભાઈ મુસા

 
5 Comments

Posted by on December 24, 2010 in લેખ

 

Tags: , , , , , ,

5 responses to “(241) આપણાં સંતાનો એ જ આપણું ભવિષ્ય

  1. pragnaju

    December 24, 2010 at 4:11 pm

    .અમેરિકા આવ્યા ત્યારે $ અને રુપિયાથી કીંમત વિષે વાત કરતા ત્યારે નવી પેઢીને અકળામણ થતી તેવી જ રીતે ચાર રૂપિયે કિલોવાળી વસ્તુ ચાલીસ રૂપિયે મળે ત્યારે જો આપણને ભાવ અધધ લાગતો હોય તો આજની યુવા પેઢીનાં માનસનો વિચાર કરતાં મોંઘવારી વધારો કંઈ વિસાતમાં જ નથી.! આ અંગે નવેસરથી વિચાર કરવો રહ્યો. પેઢી વચ્ચનું અંતર એ દૃષ્ટિની મર્યાદામાં કે કલ્પનના પરિઘમાં સમાતા અંતર માટે વપરાય. જ્યારે ‘ફ્સ્ટન્સ’ શૂન્યથી અનંત સુધી- દૃષ્ટિ મર્યાદાની બહાર કે ભાવજગતની સીમાબહારનાં અંતર માટે વાપરી શકાય.નવું એટલું બધું ખરાબ એ વિચારમાંથી વડિલોએ બહાર આવી ‘ફ્સ્ટન્સ’થી વાર્તાલાપ કરવો પડશે.સુધારવાની વાત તો ત્યાર પછીની છે!
    “જીવનોપયોગી બાબતો શીખવા અને શીખવવાની પ્રક્રિયા જીવનભર ચાલુ જ રહેતી હોય છે. મોટેરાં પોતાનાં સંતાનોને જે કંઈ શીખવવા માગતાં હોય તેની શરૂઆત પોતાના થકી પ્રાયોગિક રીતે શરૂ થવી જોઈએ. ઘરમાં ઊછરતાં સંતાનોને કશુંય કહેવું પણ નહિ પડે” આ વાત આપણી દ્ર્ષ્ટિએ સાચી લાગે તે કદાચ નવી પૅઢીને…” અને તેઓ અનુકરણ માત્રથી સઘળું શીખી લેશે.” જેટલું સરળ ન હોય.

    Like

     
  2. dhavalrajgeera

    December 26, 2010 at 3:00 am

    Dear Valibhai,

    જીવનોપયોગી બાબતો શીખવા અને શીખવવાની પ્રક્રિયા જીવનભર ચાલુ જ રહેતી હોય છે. મોટેરાં પોતાનાં સંતાનોને જે કંઈ શીખવવા માગતાં હોય તેની શરૂઆત પોતાના થકી પ્રાયોગિક રીતે શરૂ થવી જોઈએ.
    ઘરમાં ઊછરતાં સંતાનોને કશુંય કહેવું પણ નહિ પડે અને તેઓ અનુકરણ માત્રથી સઘળું શીખી લેશે.
    Yet the self will test by checking and learning from peers in the society.

    Rajendra Trivedi, M.D.
    http://www.bpaindia.org

    Like

     
  3. chandravadan

    January 2, 2011 at 4:05 am

    સમાપને એટલું જ કહેવાનું કે જીવનોપયોગી બાબતો શીખવા અને શીખવવાની પ્રક્રિયા જીવનભર ચાલુ જ રહેતી હોય છે. મોટેરાં પોતાનાં સંતાનોને જે કંઈ શીખવવા માગતાં હોય તેની શરૂઆત પોતાના થકી પ્રાયોગિક રીતે શરૂ થવી જોઈએ. ઘરમાં ઊછરતાં સંતાનોને કશુંય કહેવું પણ નહિ પડે અને તેઓ અનુકરણ માત્રથી સઘળું શીખી લેશે………………..
    Valibhai, Read the post.
    As a Parent, it is the DESIRE that our CHILDREN follow our FOOTSTEPS.
    In this AGE & TIMES, this has become a DIFFICULT TASK.
    Partly we are to be BLAMED as we did not PAY ATTENTION to them, excusing ourseves with the WORK Etc & NO TIME.
    Partly we have to BLAME our Childern who are “pressed” by outside forces. In that circumastances of childern who are facing the “outside forces” if WE as the Parents “do nor spend some time with them” thay are pushed to “ideas not liked “.
    SO….
    I say,we sa the Parents MUST try to TELL of our CULTURAL VALUES & lead then to the PATH of TRUTH ..If we perform our DUTIES well, then even if you think ALL TAUGHT I LOST..you will see the FRUITS in the FUTURE ( when you least expect )
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai…Thanks for your visit on Chandrapukar Hope to see you again. HAPPY NEW YEAR !

    Like

     
  4. Sharad Shah

    May 23, 2011 at 11:07 am

    પ્રિય વલીભાઈ;
    પ્રેમ;
    મોટાભાગે માને તો દિલ હોય છે પણ દિમાગ નહીવત. બાળક માટે શું પ્રેય છે તે જ મા વિચારે છે શું શ્રેય છે તે ક્યારેક જ.જ્યારે બાપ મોટાભાગે બાળક માટે શું શ્રેય છે તે વિચારે છે. તેથી બાળ ઉછેરમા માતા અને પિતા વચ્ચે આ બાબતે સંઘર્ષ થતો પણ જોવા મળતો હોય છે. બાળકના સર્વાંગી વિકાસ માટે દરેક મા બાપે વિચારવું જોઈએ અને શારીરિક શ્રમ અને દરેક કામનુ જીવનમા એક આગવું મહત્વ છે તે સમજુ મા બાપે શિખવવું જ જોઈએ તેમા કોઈ બે મત નથી. પરંતુ મોટાભાગેતો મા બાપ ફક્ત શારીરિક પુખ્તતાને કારણે મા બાપ બની જતા હોય છે પણ તેમની માનસિક પુખ્તતા આવી નથી હોતી અને પરિણામ સ્વરુપ બાળકોને શું શિખવાડવું જોઈએ ને શું ન શિખવાડવું જોઈએ અથવા બાળક માટે શું સારું અને શું ખરાબ તે ભેદ સમજી શકતા નથી. કેટલીકવાર તો બાપ મોટા હોદ્દાપર હોય ત્યારે તેના બાળકોને કોઈ નાના કામ કરવા પડે તો તેને તેના પોતાના અહંકાર પર પડતી ચોટ સમજતા હોય છે. આપણો અહંકાર આપણા બાળકો ઉપર પણ છવાઈ જાય છે અને પરીણામે આપણે આપણા બાળકોમાં બેહોશીમા કુસંસ્કારોનુ સિંચન કરતા હોઈ છીએ. વળી બાળકો જ્યારે બેહુદુ વર્તન કરે છે ત્યારે બાળકને દોષ દેતા હોઈએ છીએ.મુલ્લાનસરુદ્દિન ની એક કથા યાદ આવી.

    ફઝલુ અવારનવાર મુલ્લા પાસે પૈસાની માંગણી કરતો અને ગુલજાન મુલ્લાને કહેતી કે, “અરે! આપી દો ને. એકનો એક તો દિકરો છે એ નહીં વાપરે તો કોણ વાપરશે? તમે કે હું બધું છાતીએ બાંધીને તો નથી લઈ જવાના?” પત્ની આગળ પરવશ નસરુદ્દિન ફઝલુને પૈસા આપી દેતો પણ તેને મનમાં ખુંચતુ રહેતું.આખરે તેને ગુરુની સલાહ લીધી અને બીજા દિવસે જ્યારે ફઝલુએ દસ રુપિયાની માંગણી કરી ત્યારે મુલ્લાએ કહ્યું,” જો કુવામાંથી પાણી લાવનાર અકબર આજે રજા પર છે અને તેની જગ્યાએ તું પાણી લઈ આવ તો એક પાણીના ઘડા દીઠ ચાર આના તને આપીશ. ચાલીસ ઘડે રુપિયા દસ તને મળી જશે. ગુલજાન વચમાં પડી પણ મુલ્લાએ તેની એકપણ ન સાંભળી. છેવટે ફઝલુ ઘડે ઘડે પાણી કાઢવા રાજી થયો. કુવામાથી ચાલીસ ઘડા પાણીના કાઢતાં કાઢતાં પરસેવે રેેબ થઈ ગયો ત્યારે તેને સમજાયું કે દસ રુપિયા કમાવા કેટલો પરિશ્રમ કરવો પડે. પણ બીજી બાજુ પરીક્ષામા પાસ થયો હતો તેનો આનંદ પણ હતો કે હવે દસ રુપિયા મળી જશે. હરખાતો હરખાતો મુલ્લા પાસે આવ્યો અને કહ્યું કે, ” હવે લાવો દસ રુપિયા તમે કહેલું કામ પણ મેં પુરું કરી નાખ્યું છે” મુલ્લાએ તરત દસ રુપિયા કાઢ્યા અને ફઝલુના હાથમાં આપ્યા. ફઝલુના આનંદનો પાર ન હતો. પ્રથમ મહેનતની કમાણી હતી. પરંતુ મુલ્લાએ કહ્યું, ” મને જરા બતાવતો ખરો કે તેં કયા કુવામાંથી પાણી કાઢ્યું છે?” ફઝલુ મુલ્લાને કુવા પર લઈ ગયો એટલે મુલ્લાએ કહ્યું, ” મેં આપેલી દસની નોટ બતાવ તો!” અને ફઝલુએ ખિસ્સામાંથી નોટ કાઢી કે તરત જ મુલ્લાએ તે નોટ ઝુંટવી લઈ કુવામાં નાખી દીધી. ફઝલુ ને તો કાપો તો લોહી ન નીકળે તેવી દશા થઈ ગઈ. જોર જોરથી ભેંકડા તાણીને રડવા માંડ્યો. ફઝલુનું આક્રંદ સાંભળી ગુલજાન પણ દોડી આવી. ગુલજાને ફઝલુને રડવાનુ કારણ પુછ્યું તો ફઝલુએ પુરી વાત કહી. હવે ગુલજાનનો ગુસ્સો તો સાતમા આસમાને પહોંચી ગયો અને મુલ્લાનો ઉધડો લેતા કહેવા લાગી,” તમે તો બાપ છો કે કસાઈ?” મુલ્લાએ કહ્યું, ” જ્યારે તારો દિકરો મારી મહેનતની કમાઈ રોજ રોજ આમ ઉડાડી કુવામા નાંખતો તો ત્યારે તને ન દેખાયું? અને મેં એક દિવસ તેની કમાણી કુવામાં નાખી તો તમારી ઉપર આભ તુટી પડ્યું?” દિકરો ને મા બન્ને સમજી ગયા અને ત્યારપછી ક્યારે પણ ગુલજાને દિકરાનુ ખોટું ઉપરાણૂ લીધુ નહી કે ફઝલુએ પૈસા ઊડાવ્યા નહી. આ બોધકથા કદાચ કોઈના જીવનામા બોધ બની ઉતરે તો મા બાપ બાળક અને કુટુંબનુ કલ્યાણ થશે. .
    પ્રભુશ્રિના આશિષ;
    શરદ

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: