RSS

(253) ઓલી સંતુડીએ શિખવાડ્યું હતું!

13 Jun
(253) ઓલી સંતુડીએ શિખવાડ્યું હતું!

નીચેની વાત ગળે ન ઊતરે તો પાણીનો લોટો લઈને વાંચશો, પણ આ સાચી હકીકત છે અને તેનો તમારે સ્વીકાર કરવો જ પડશે !!!

દૂર સુદૂર સાવ પછાત એવા અંતરિયાળ ગામના પાદરે જૂના સાડલા અને ધોતિયાં વડે ઘેઘુર લીમડા નીચે મતદાનમથક ઊભું કરવામાં આવ્યું હતું. મતદાનપ્રક્રિયા ચાલી રહી હતી. પ્રિસાઈડીંગ ઓફિસર તેના પેપરવર્કમાં રચ્યોપચ્યો હતો. ત્યાં તો એક વૃદ્ધા તેમના ટેબલ પાસે આવીને પેટ ઉપરના સાડીના પાલવને સહેજ ઊંચો કરીને પોતાના પેટ ઉપરનું જાંબુડિયા રંગનું ચોકડીનું નિશાન બતાવતાં કહ્યું, ‘ શાબ, બરોબર હે કે?’

‘અરે માડી! તારું ભલું થાય! પણ ચોકડી તો કાગળિયા માથે કરવાની હતી! કાગળિયું ચ્યોં મૂક્યું?’

‘એ તો શાબ પેટીમાં પધરાવી દીધું. હવં શાબ હું જવ?’

‘પધારો, મારી મા! પણ મને જરા સમજાવશો કે મતના કાગળિયાને અને તમારા પેટ ઉપરના નિશાનને શું લાગે વળગે?’

‘એ તો શાબ, ઓલી સંતુડીએ શિખવાડ્યું હતું કે પેટ માથે સિકો મારવાનો!’

પેલો પ્રિસાઈડીંગ ઓફિસર માથું ખંજવાળતો વાતનો તાગ મેળવવા મથતો હતો, ત્યાં તો એ પક્ષના ઉમેદવારનો એજન્ટ સાહેબની મૂંઝવણને સમજી ગયો અને બોલી ઊઠ્યો,‘શાબ, એ નખોદિયાઓએ ગાયના પેટ માથે સિકો મારવાનું શિખવાડ્યું હતું. આ બાપડી ડોશીના કાન સુધી એ વાત આવતાં ખાલી ‘પેટ માથે’ થઈ ગયું અને ઈંના મને ગાય અને વાછરડું ચરવા જતાં રિયાં હશે અને ઈં પોતાના પેટ માથે સિકો દબાવી દીધો.’ આમ કહેતાં તે ખીં ખીં હસી પડ્યો.

મતદાન મથકમાંનાં હાજર સૌ કોઈ હસી પડ્યાં, પણ પ્રિસાઈડીંગ ઓફિસર તો ન હસી શક્યો કે ન રડી શક્યો. એ તો મતદાન મથકની બહાર જતી એ વૃદ્ધાને પહોળા મોંઢે જોઈ જ રહ્યો!

– વલીભાઈ મુસા

 
1 Comment

Posted by on June 13, 2011 in લેખ, હાસ્ય, MB

 

Tags: ,

One response to “(253) ઓલી સંતુડીએ શિખવાડ્યું હતું!

 1. Sharad Shah

  June 16, 2011 at 3:17 pm

  પ્રિય વલીભાઈ;
  પ્રેમ;
  તમારી સંતુડીએ મને ભુતકાળની કેટલીક યાદ તાજી કરાવી દીધી.
  કોલેજ કાળ દરમ્યાન અમારા એક પ્રોફેસર રામભાઈ પટેલ હતા.તેમને મારા માટે થોડો વિશેષ પ્રેમ. એ સમયે ચુંટણીઓ આવી અને અમારા પ્રોફેસર સાહેબ જનતા કોંગ્રેસમા જોડાયા હતા. મૂળ કોંગ્રેસનું ચુંટણી પ્રતિક બે બળદની જોડી હતુ તે કોંગ્રેસના ભાગલા પડતા શાસક કોંગ્રેસના ભાગે ગાય અને વાછરડું ચુંટણી પ્રતિક તરીકે આવ્યું અને જનતા કોંગ્રેસ ના ભાગે રેંટિયો કાંતતી સ્ત્રી.
  બીજો ફેરફાર વોટ આપવાની રીતમા તે સમયે આવેલ. પહેલા તમારે જેને વોટ આપવાનો હોય તેના નામની સામેના ખાનામાં પેનથી ચોકડી કરવાની હતી તેની જગ્યાએ પ્રથમવાર રબર સ્ટેમ્પ મારવાની પ્રથા દાખલ થયેલ.
  અમારા પ્રોફેસર સાહેબે મારું નામ જનતા કોંગ્રેસ તરફથી નીમાતા પ્રીસાઈડીંગ એજન્ટ તરીકે લખાવી નાંખેલ અને ચુંટણી વખતે મારે નાની કુમાદ કરીને વિરમગામ તાલુકાના ગામે ડ્યુટી બજાવવાની હતી.જનતા કોંગ્રેસના ઉમેદવાર તરીકે મણીબેન પટેલ (સરદાર પટેલના બેન) ઉભા રહ્યા હતા.ચુંટણીના આગલા દિવસે અમદાવાદથી અમે ત્રણ મિત્રો જીપમા સવાર થયા અને દરેકને જે તે ગામે ડ્યુટી હતી ત્યાં ઉતારવામા આવ્યા. મારી ડ્યુટી વિરમગામ તાલુકાના નાનીકુમાદ કરીને ગામે હતી. બપોરે ચાર વાગે મને હાથમા બુંદીના લાડુ અને ચવાણાનુ પેકેટ આપી નાની કુમાદથી ચાર એક કિલોમીટર દુર એક પગદંડી પાસે જીપમાંથી ઉતારી દેવામા આવ્યો અને નાની કુમાદ ગામનો કેડીવાળો રસ્તો બતાવી દેવામા આવ્યો. હું હાથમા એક થેલીમા બે જોડ કપડા અને ચુંટણી જાહેરાતના કાગળૉ, ગામના વોટીંગ ઉમેદવારોનુ લીસ્ટ અને એક ભલામણ ચીઠ્ઠી જે કોઈ કાળૂ ભરવાડના નામે લખાયેલ હતી તે લઈને ચાલતો અથડાતો કુટાતો એકાદ કલાકે નાની કુમાદ પહોંચ્યો. જઈને ગામમાં કાળૂભરવાડને શોધ્યો અને તેને પેલી ભલામણ ચીઠ્ઠી આપી એટલે એ એના ઘરે લઈ ગયો.
  જુનૂ ખખડધજ બે ઓરડા અને પરસાળ વાળું મકાન. આગળના ભાગમા ખુલ્લી ૨૦૦વાર જેટલી જગ્યા અને ત્યાં વાંસના થાંભલા માથે તાડપત્રો નાંખીને બનાવેલ ઢોર વાડો હતો. જેમા ત્રણ ભેંસો અને એક વાછરડું બાંધેલ હતા. બાજુમા ૭-૮ ફૂટના અંતરે એક કાથીનો ખાટલો પડેલ હતો. મને એ ખાટલામાં આરામ કરવા કહેવામાં આવ્યું. ત્યાં ગયા પછી ખબર પડી કે ગામમાં વિજળી નથી. ગામમાં વીજળી ન હતી એટલે મેં કાળુભરવાડને કહ્યું કે, અજવાળે અજવાળે આપણે ગામના વોટરોને મળી આવીએ અને તેમને સમજાવી આવીએ કે આ નવી પધ્ધતીથી વોટ કેવી રીતે આપવાનો છે અને મણીબેન ના રેંટિયો કાંતતી સ્ત્રીને જ તમારો મત આપશો તેમ પણ સમજાવતા આવીએ.
  કાળૂભાઈએ મને પુછ્યું કે રાતે જમવામા રોટલા અને શાક ફાવશે? એટલે મેં હા પાડી અને મને થયું કે ચાલો જમવાનુ તો આપણને મળી જશે એટલે હવે આ બુંદીના લાડુ અને ચવાણાની મારે જરુર નથી અને હું તો શહેરમા આ ઘણીવાર ખાતો હોવું છું પણ આ લોકોને તો ક્યારેક જ આવું ભોજન નસીબ થાય. તેમ વિચારી મેં મારી પાસેનુ બુંદીના લાડુ અને ચવાણાનુ બોક્સ કાળૂભાઈના છોકરાના હાથમા આપી દીધું. એના મોં પર ખુશી જોઈ મને પણ ખુબ આનંદ થયો.
  પાંચસાત મિનિટમા અમે લીસ્ટ લઈને ગામમા ઘરે ઘરે ફરી વળ્યા અને લોકોને સમજાવી આવ્યા. પાછા ફરતાં ફરતાં તો અંધારું થવા માંડેલું અને કામ કરવું શક્ય પણ ન હતું. કાળુભાઈ સાથેની વાતમા મને ખબર પડી કે પોલીંગ બુથ નાની કુમાદથી ત્રણ એક કિલોમીટરના અંતરે મોટી કુમાદ કરીને ગામ છે ત્યાંની એક પ્રાથમિક શાળામાં રાખવામા આવ્યું છે. અને અમારે સવારે આઠ વાગે ત્યાં પહોંચી જવાનુ છે. એટલે સવારે વહેલા ઉઠી જવું પડશે.
  સાંજના વાળુમા રોટલા અને બટાકા ડુંગળીનુ શાક અને દુધ કાળુભરવાડની ધરમ પત્નીએ પિરસ્યું. દિવસભરની રખડપટ્ટીને કારણે પહેલાં તો હતું કે બે રોટલા તો ખાઈ જઈશ ભુખ પણ કકડીને લાગેલી.પણ જ્યારે થાળી પીરસાણી ત્યારે જોયું તો રોટલા મોટી સાઈઝના હતા. આટલા મોટા રોટલા મેં જીંદગીમા ક્યારે જોયા ન હતા.છાલીયામાં પીરસાયેલ બટાકા ડુંગળીનુ શાક જેમા બટાકા અને ડુંગળી તમારે શોધવા પડે.એક બટાકુ અને એક ડુંગળી લઈ તેમા એક તપેલી પાણી નાંખી, ઉકાળી, લાલ મરચું, મીઠું અને લસણ નાંખી શાક બનાવવાંમાં આવેલ.એક છાલીયામાં ગરમા ગરમ દુધ હતું. મહા મુશ્કેલીએ પા રોટલો ખાઈ શક્યો. સુવા માટે બહારના ખાટલા પર એક ગંદી ગોદડી પાથરી આપી હતી. આખી રાત માંકડ અને ચાંચડ મારા શરીરની ઉજાણી કરતા હું જોતો રહ્યો અને વારંવાર પડખાઓ ફેરવતો ક્યારેક અમારા પ્રોફેસર સાહેબને ગાળૉ દેતો સવાર પડે તેનો ઇંતજાર કરતો પડ્યો રહ્યો. બીજા દિવસનો ઉગેલો સુરજ જેટલો મીઠો લાગ્યો હતો તેટલો ફરી ક્યારેય મીઠો નથી લાગ્યો.સવારની પ્રાતઃ ક્રિયામા હાથ-પગ અને મોં ધોવા સિવાય બીજું કાંઈપણ કરવાની હિંમત ન હતી. આટલા બધા કુદરતી અવસ્થામા રહેવાથી જીવ ટેવાયેલો પણ ન હતો કે લીમડાનુ દાતણ કરી લઉં અને ડબલું લઈ ખેતરમા ઝાડે ફરવા જાઊં.
  સવારે સાત વાગે મોટીકુમાદ તરફ કાળુભાઈના માર્ગદર્શન હેઠળ ચાલવા માંડ્યું અને સાડા સાત વાગે તો મોટીકુમાદ પહોંચી ગયા.ગામનુ નામ મોટીકુમાદ હતું પણ કાંઈ ખાસ મોટું ન હતું. શાળાને છોડીને બધા મકાનો કાચા ઝુંપડા જેવા જ.શાળાની આસપાસ થોડી ચહલપહલ અને ચારપાંચ માણસો ફરતા હતા. અમે જઈને અમારી ઓળખ અને સાથે નો પત્ર પ્રિસાઈડીંગ ઓફિસર પંડ્યા સાહેબને આપ્યો.પંડ્યા સાહેબ અમદાવાદના સરકારી ઓફિસર ઈલેક્શન ડ્યુટી પર હતા. પંડ્યા સાહેબે જ્યારે કહ્યું કે તેઓ પણ અમદાવાદના જ છે ત્યારે એક રાહત અને અંદર અંદર આનંદ થઈ ગયો. અમને બેસવા માટે લાકડાની બે ખુરશીઓ અને એક ટેબલની વ્યવસ્થા થઈગઈ.અમે આસન જમાવી બેઠા અને સાથે લાવેલ વોટર લીસ્ટ કાઢી ટેબલ પર ગોઠ્વ્યું અને વોટરોની રાહ જોવા લાગ્યા.નવ સવા નવ વાગતાં વોટરો આવવા શરુ થયા. પંડ્યાસાહેબ પણ વોટરોને આંગળીપર ટપકું મુકી નોંધણીકરી વોટ કેમ આપવો તે સમજાવતા અને જે વોટરો આવી જાય તેની સામે અમે પણ ટિક માર્ક કરતાં. લગભગ સાડા દશ વાગે શાસક કોંગ્રેસના પોલિંગ એજન્ટ પણ આવી ગયા. તેઓ વિરમગામના હત. આવ્યા ત્યારે તો થોડા અક્કડ હતાં પણ પછી તેમને ખબર પડી કે હું અમદાવાદ જેવાં મોટા શહેરમાંથી આવું છું એટલે થોડા નરમ પડ્યા અને મિત્રભાવે વર્તવા લાગ્યા.
  ધીમે ધીમે બપોરનો સમય થવા માંડ્યો અને ભુખ પણ લાગવા માંડી.મને એમ હતું કે મોટીકુમાદ મોટું ગામ હશે એટલે કાંઈક તો ખાવા માટે મળી જશે અને કાળુભાઈને હતું કે જનતા પક્ષવાળા પોલિંગ બુથ પર અમારા માટે ભોજન લઈને આવશે. અમારી પાસે કાંઈ ખાવાનુ ન હતુ જ્યારે પંડ્યા સાહેબ અને પેલાં વિરમગામવાળા ભાઈ પોતાના ટિફીન સાથે લાવેલાં હતા. ભુખની તિવ્રતા વધી ત્યારે મને જ્ઞાન થયું કે પેલું બુંદીના લાડવા અને ચવાણાનું બોક્સ આપી ન દીધું હોત તો ભુખ્યા મરવાનો વારો ન આવત. પંડ્યા સાહેબ અને પેલા વિરમગામવાળાભાઈએ તો ભુખ લાગી એટલે તેમના ટિફીનો લખોલીને જમી લીધું. પણ જ્યારે તેમને ખબર પડી કે અમારી પાસે કાંઈ ખાવાનુ નથી એટલે પંડ્યા સાહેબે તેમની જીપના ડ્રાઈવરને કહ્યું કે જા જીપ લઈને વિરમગામ અને આ લોકો માટે કાંઈ ખાવાનુ લઈ આવ. મેં એ ડ્રાઈવરને દસ રુપિયા આપ્યા એટલે તે જીપ લઈને ગયો અને વિરમગામથી એક કિલો ભજીયા લઈને કલાકે પાછો આવ્યો. અમે લગભગ ત્રણ વાગે ભજીયા ભેગા થયા.
  ચાર વાગતામાં તો પેલાં વિરમગામવાળા ભાઈ બુથ છોડીને જતાં રહ્યા. હજીપણ વોટરો આવતા હતા. લગભગ પોણા પાંચે પંડ્યા સાહેબે કહ્યું કે હવે બસ પંદર મિનિટનો સમય જ બાકી છે અને હવે કોઈ આવે તેમ લાગતું નથી. હજી પણ લગભગ સાઈઠ જેટલા વોટરો મત આપવા આવ્યા નથી તો તમારે મણીબેનની તરફેણમા વોટ આપવા હોય તો આપી આવો. પંડયા સાહેબ પણ અમદાવાદના હોવાથી મને લાભ કરાવવાના આશયથી તેમને કાયદાઓને બાજુપર રાખી દીધા. હું ખુબ ખુશ થયો અને જીંદગીનુ પહેલું વોટિંગ કર્યું અને તે પણ બોગસ. એ કદાચ પહેલું અને છેલ્લું જ વોટીંગ હતું ત્યાર પછી ક્યારેય વોટ આપવા ગયો નથી.
  કપડાના પડદા પાછળ એક ટેબલ ગોઠવેલું અને તેની ઉપર સફેદ કકડો પાથરી બેલેટ બોક્સ અને સ્ટેમ્પ પેડ તથા રબર સ્ટેમ્પ મુકેલો હતો. હું જ્યારે બોગસ વોટ આપવા અંદર ગયો ત્યારે જોયું તો આખ્ખે આખો સફેદ કપડો રબર સ્ટેમ્પ થી ખરડાયેલો હતો. મને સમજતા વાર ન લાગી કે કોઈક વોટરે સ્ટેમ્પ બરોબર લાગે છે કે નહી તે જોવા સફેદ કપડા ઉપર સ્ટેમ્પ મારી ટ્રાયલ લીધો હશે અને ત્યાર પછી આવનાર દરેકે કપડા પર રબર સ્ટેમ્પનુ નિશાન જોઈ કપડાં પર જ રબર સ્ટેમ્પ લગાવી વોટ આપવાની પ્રક્રિયા પુરી કરી દીધેલ.આ જોઈ મેરા ભારત મહાન યાદ આવી ગયું. મેં બોગસ મતદાન કર્યા પછી પંડ્યાસાહેબ ને આ વાત કરી તો તે પણ હસવા લાગ્યા. આખરે સાઈઠ મતોની બેલેટ બોક્સની પેટી સીલ કરવામા આવી અને લગભગ છ વાગે મેં પડ્યા સાહેબની જીપમા જ અમદાવાદ ભણી પ્રયાણ કર્યું અને કાળૂભાઈનો આભાર માન્યો.
  શાળામા થોડું નિરિક્ષણ કરતાં મને જણાયું હતું કે શાળામા જેટલા ફોટાઓ લગાવેલા એને ઉંધા કરી નાખવામા આવ્યા હતા.રસ્તામા મેં પંડ્યા સાહેબ ને પુછ્યું કે, ” આ બધા ફોટા ઉંધા કેમ કરી નાખવામા આવેલા?” એટલે એમણે મને જણાવ્યું કે,”કોઈ ફોટો ગાંધીજીનો હોય અને ગાંધીજીને રેંટિયો કાંતતા જોઈને કોઈ રેંટિયો કાંતતી સ્ત્રીને વોટ આપવા પ્રેરાઈ જાય અથવા કૃષ્ણ ભગવાનને ગાય સાથે ઉભેલાનો ફોટો જોઈને કોઈ ગાય વાછરડાને વોટ આપવા પ્રેરાઈ જાય તેવી સંભાવના હોય છે અને તેથી આ બધા ફોટાને ઉંધા કરી દેવામા આવે છે.” ત્યારે મને એવો વિચાર આવ્યો હતો કે એવું જ કારણ હોય તો ભુમિતિના આકારોને જ ચુંટણી પ્રતિક કેમ ન બનાવી શકાય? પણ પછી જેમ જેમ સમજણૉ થયો તેમ ખબર પડી કે ૫૦-૬૦ ઉમેદવારો માટે એટલા બધા ભુમિતિના આકારો શોધવા મુશ્કેલ છે અને ગુંચવાડા ઉભા થવાની શક્યતા છે ઍટલે જે ચુંટણી કમિશ્નર કરે છે તે જ બરાબર. છે. બધી જગ્યાએ આપણૂ ડહાપણ ચાલતું નથી.

  શેષ શુભ.
  પ્રભુશ્રિના આશિષ.
  શરદ

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: