RSS

(254) પંચમ શુક્લની એક ગઝલ ઉપર ભાવપ્રતિભાવ

15 Jun
(254) પંચમ શુક્લની એક ગઝલ ઉપર ભાવપ્રતિભાવ

મારા સુજ્ઞ વાંચકો, બ્લોગર મિત્રો અને નેટર સ્નેહીજનોની જાણમાં હશે જે કે મેં મારા મુખ્ય બ્લોગ “William’s Tales” ની મારી અઢીસો જેટલી કૃતિઓને ઈ-બુક્સમાં રૂપાંતરિત કરવા માટે કામચલાઉ “William’s Preparatory Ebooks (Gujarati/English) નામે બે બ્લોગ શરૂ કરી દીધા છે અને મારા મુખ્ય બ્લોગ ઉપર જે જે નવીન પોસ્ટ મુકાતી જાય તેમને જે તે ઈ-બુકમાં પણ મૂકતા જવાનો વિચાર છે. હાલના અંદાજ મુજબ ગુજરાતી ઈ-બુક્સ 14 ની સંખ્યામાં અને English 10 ની સંખ્યામાં મુકાશે. મારા પરમ મિત્ર સુરેશભાઈ જાનીના લાગણીસભર પ્રયત્ને મારી પ્રથમ ગુજરાતી ઈ-બુક “વિલિયમનાં હાસ્ય હાઈકુ” એક સાથે Willian’s Tales, ગદ્યસૂર અને હાસ્ય દરબાર ઉપર પ્રદર્શિત કરી દેવામાં આવેલ છે. હું મારા આજના આર્ટિકલને મારી આગામી ઈ-બુક “મારી નજરે” માં સમાવિષ્ટ કરવા માગું છું.

“મારી નજરે” ઈ-બુકમાં મેં મારા વિવેચન લેખોને સંકલિત કર્યા છે. મારો કોઈ પ્રખર વિવેચક હોવાનો દાવો નથી, પણ એ દિશામાં આગળ વધવાનો મારો નમ્ર પ્રયત્ન છે. આ અગાઉના પ્રકરણે મેં “પંચમ શુક્લના એક ગુજરાતી કટાક્ષકાવ્ય ઉપરનું ભાષ્ય” શીર્ષકે એક વિવેચનલેખ મૂક્યો હતો. આજે એ જ કવિ શ્રી પંચમ શુક્લના નીચે દર્શાવેલા કાવ્ય ઉપર કોમેન્ટ બોક્ષમાં તેમની અને મારી વચ્ચે તેમજ અન્યો દ્વારા ભાવપ્રતિભાવ અને પ્રત્યુત્તરરૂપે જે વિચારવિનિમય થયો છે, તેને યથા સ્વરૂપે અહીં પુન: રજૂ કરતાં હું આનંદ અનુભવું છું. તો ચાલો ત્યારે, આપણે સર્વ પ્રથમ કવિની એ કાવ્ય રચનાને માણીએ.

એ એજ રીતે હીંચી છે!

આડી-અવળી ને ઊંચી-નીચી છે,
હાથમાં એ એજ રીતે હીંચી છે!

એમ અમથું બદામ ફૂટે કંઈ?
થોડી ટોચી છે, થોડી ટીચી છે!

જાગૃતિના ઓછાયા છટકો લ્યો,
શ્વાનની જેમ આંખ મીંચી છે!

કાન વાવરવા કોના ટહુકા પર?
થોડું ‘ઘૂ’ ‘ઘૂ’ છે, થોડું ‘ચીં’ ‘ચીં’ છે!

કયાંક લથડી પડાય, ટપકી પણ,
હા, ‘ગઝલ’ હદ વગરની ઢીંચી છે!

પંચમ શુક્લ (પ્રત્યાયન)

વલીભાઈ મુસાનો પ્રતિભાવ છે, આ શબ્દોમાં….

“કાન વાવરવા કોના ટહુકા પર?
થોડું ‘ઘૂ’ ‘ઘૂ’ છે, થોડું ‘ચીં’ ‘ચીં’ છે!”

વાહ! ‘કાન વાવરવા’- મજાનો શબ્દપ્રયોગ!કબૂતર અને ચકલીના અવાજોમાંથી કાનમાં કોને પ્રવેશવા દેવા અર્થાત્ કાન ક્યાં વાપરવા તેની મીઠી મૂંઝવણ!

હું પણ ‘ટહુકા’ શબ્દ અંગે થોડીક મૂંઝવણ અનુભવું છું.’ટહુકા’ના વિકલ્પે કોઈ શબ્દ હોય તો!

છેલ્લે કૃતિના સમાપન કે પરાકાષ્ઠામાંની સુંદરતમ પંક્તિઓ ભાવુકને પણ ગઝલના નશામાં ચકચૂર બનાવી દે છે:

“કયાંક લથડી પડાય, ટપકી પણ,
હા, ‘ગઝલ’ હદ વગરની ઢીંચી છે!”

પંચમભાઈ, અભિનંદન.

આ રહ્યો, પંચમ શુક્લનો ઉપરોક્ત પ્રતિભાવે પ્રત્યુત્તર….

પ્રિય વલીભાઈ

‘ટહુકા’ અહીં વ્યંજનારૂપે અભિપ્રેત છે. શાળામાં ભણાવાય એવી રીતે કહીએ તો કવિને ટહુકો સાંભળવો છે પણ આસપાસ- કાં તો ઠસ્સાદાર કબૂતરોના ઘૂઘવાટા છે કાં અતિરેકભર્યું ચટરપટર શું ચીં ચીં છે. અવાજ અને રવની હકીકત તો હકીકત જ છે પણ ઈપ્સાની નજીકનો રવ કયો, ક્યાં શોધવો, કેમ પામવો- શ્રવણેન્દ્રિય(નો/ સાથેનો ) સંઘર્ષ ?

કવિતા આમે હાથ અવળો કરી કાન પકડવાની વસ્તુ જ છે ને! આશા છે કે આ ટિપ્પણથી આપને કદાચ કશો સંતોષ થશે.

આ શેરનો તમને અભિપ્રેત અર્થ અને ટહુકા ને બદલે વાપરી શકાય એવો શબ્દ જણાવશો તો ગમશે.

આભાર,

પંચમ

વચ્ચે પ્રજ્ઞાબેન વ્યાસનો આ રીતે મનનીય પ્રતિભાવ સાંપડે છે.

કાન વાવરવા કોના ટહુકા પર?
થોડું ‘ઘૂ’ ‘ઘૂ’ છે, થોડું ‘ચીં’ ‘ચીં’ છે!

કાન વાવરવા કોના ટહુકા પર?
થોડું ‘ઘૂ’ ‘ઘૂ’ છે, થોડું ‘ચીં’ ‘ચીં’ છે!

ખૂબ સુંદર!

યાદ આવે છે,

કવિ શ્રી નાથાલાલ દવે ની રચના

કબૂતરો નું ઘૂ..ઘૂ..ઘૂ..,
ઉંદર-ચકલા ચૂ…ચૂ…ચૂ…,
છછૂંદરોનું છૂ…છૂ…છૂ…,
ભમરા ગૂંજે ગૂ…ગૂ…ગૂ…,
આ કૂંજનમાં શી કક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું,
ઘુવડ સમો ઘૂઘવાટ કરતો ,
માનવ ગરજે હું…હું…હું…!
આ “હું” એટલે “હું” જ…માનવ નો આ “હું” જો ઓગળી જાય તો જગત નાં મોટાભાગ નાં પ્રશ્નો નું નિરાકરણ થઈ જાય !!
કયાંક લથડી પડાય, ટપકી પણ,
હા, ‘ગઝલ’ હદ વગરની ઢીંચી છે!

વાહ

વેણીભાઈ યાદ આવે

આપણામાંથી કોક તો જાગે– કોક તો જાગે !
કોક તો જાગે આપણામાંથી.

હાઅ જમાને ઢેઢફજેતી ઢીંચતાં ઢીંચી

વલીભાઈ મુસા શ્રી પંચમ શુક્લના પ્રત્યુત્તરમાં વળી જણાવે છે….

પંચમભાઈ,

આપ કહો છો તેમ ‘ઘૂ’ ‘ઘૂ’અને ‘ચીં’ ‘ચીં’ પેલા અપેક્ષિત ટહુકા (કોયલ કે મોરનો હોઈ શકે!) સામે બાધક કે અવરોધક હોવાના અર્થમાં હોઈ ‘ટહુકો’ યથાયોગ્ય જ છે.

પક્ષીઓ કે અન્ય જીવોના અવાજોનું મનભાવન દૃષ્ટિકોણે ત્રણ વિભાગે વર્ગીકરણ થઈ શકે; મધુર, મધ્યમ અને કર્કશ. નમૂના દાખલ ‘કોયલ-મોર’ ના ટહુકા મધુર, ‘કાગ-દેડકા’ ના અવાજો કર્કશ અને અન્યોના મધ્યમ.

હવે, ફરીથી શેર જોઈ લઈએ :

“કાન વાવરવા કોના ટહુકા પર?

થોડું ‘ઘૂ’ ‘ઘૂ’ છે, થોડું ‘ચીં’ ‘ચીં’ છે!”

આમ જો ‘ટહુકા’ વ્યંજનારૂપે અભિપ્રેત ન હોય અને કાનોએ પેલા ‘ઘૂ’ ‘ઘૂ’અને ‘ચીં’ ‘ચીં’પૈકી કોઈ એકના અવાજને સાંભળવાનો કે પસંદ કરવાનો હોય તો ‘ટહુકા’ શબ્દને બદલે કોઈ એવો શબ્દ પસંદ કરી શકાય કે જે મોર-કોયલ પૂરતો સીમિત ન રહેતાં વ્યાપક અર્થમાં સઘળાં કબૂતર-ચકલી જેવાં વન્ય કે ઘરાઉ-ઘરેલુ (Domestic)પક્ષીઓને લાગુ પડે.

‘ટહુકા’ શબ્દ પૂરતો જ વૈકલ્પિક શબ્દ વિચારીએ તો શેરમાં ધરમૂળમાંથી કોઈ ફેરફાર ન કરવો પડે. મારા મતે શબ્દ (અવાજ) એક શબ્દ છે જેને કાવ્યમય લઢણમાં ‘શબદ’ તરીકે પ્રયોજી શકાય.

તમામ પક્ષીઓના અવાજને લાગુ પડતો શબ્દ ‘કલરવ’ પણ છે. ‘ટહુકા’માં ચાર માત્રા અને ‘કલરવ’માં પણ ચાર માત્રા હોઈ લયમાં કોઈ બાધા નહિ નડે; અને આમ મારા મતે ‘કલરવ’ પણ એક શબ્દ છે.

આ તો આપે “આ શેરનો તમને અભિપ્રેત અર્થ અને ટહુકા ને બદલે વાપરી શકાય એવો શબ્દ જણાવશો તો ગમશે.” લખ્યું એટલે થોડીક Brain Exercise કરી. બાકી, કવિની કવિતાનો એક એક શબ્દ તેના માનસરૂપી ગર્ભાશયમાં જન્મ કે આકાર લેતો હોય છે. ગર્ભાધાનની પ્રક્રિયા સાવ એકાંતમાં થતી હોય છે અને અન્ય કોઈ પણ ત્રાહિતની હાજરી ખટાતી નથી હોતી. સંતતિનિયમન માટે ગર્ભાશયમાં આંકડી આ સિધ્ધાંત ઉપર જ મુકાય છે. મૂળ વાતે આવું તો તમારો ‘ટહુકા’ શબ્દ તો જન્મ ધારણ કરી ચૂક્યો હોઈ તેને બદલવાનો કોઈ પ્રશ્ન ઉદભવતો જ નથી, જો અને માત્ર જો તમારા માટે ‘ટહુકા’ અહીં વ્યંજનારૂપે અભિપ્રેત હોય તો.

પંચમ શુક્લનો જવાબ, સંક્ષિપ્તમાં

વલીભાઈ, આપનો ખૂબ ખૂબ અભાર. સૂચન પર વિચાર કરીશ.

વલીભાઈ મુસા ચર્ચામાં નિમંત્રે છે, સુરેશભાઈ જાનીને

સુરદા,

સરસ જામ્યું છે!
જામ્યું લઈને હાલ્યા આવો,
ખૂબ જામ્યું છે!

ગઝલની સુરાઈઓ છલકે છે!
મહેફિલ સુરાશૂર ઝંખે છે!
સુરદા, તમે સીધા વહ્યા આવો ને !

લિ. વલદા

નોંધ:-
ભાણાભાઈ (પંચમભાઈ)એ તો સુરાની પરબ માંડી છે. અમને ખપે નહિ, એટલે તમને યાદ કર્યા છે. તમને ન ખપે ત્યાં અમે બદલી ભરી આપીશું!

છેલ્લે પંચમ શુક્લનો પ્રતિભાવ 

છેલ્લો શેર ધ્યાનથી વાંચીએ તો ….. સુરાની નહીં ગઝલની પરબ કહો.  ગઝલમાં સુરા/સાકીના પ્રતીકો માત્ર શબ્દાર્થે જ ન લેવાય એ સૂફી મરમ સામાન્ય વાચકોને કેમ સમજાવવો?

વાત સાચી છે. ઈશ્કે હકીકી અને ઈશ્કે મિજાજીનો ભેદ પરખાય તો જ સૂફીસાહિત્યને સમજી શકાય.

ધન્યવાદ.

– વલીભાઈ મુસા


 
5 Comments

Posted by on June 15, 2011 in લેખ

 

Tags: ,

5 responses to “(254) પંચમ શુક્લની એક ગઝલ ઉપર ભાવપ્રતિભાવ

 1. Pancham Shukla

  June 16, 2011 at 7:54 am

  આભાર વલીભાઈ. આવું ઝીણું અને સમજણ ભર્યું કાંતણ કોઈ પણ કવિતા/સાહિત્ય-પ્રેમીને ગમે જ.
  પંચમ શુક્લ (પ્રત્યાયન)
  (By Mail)

  Like

   
 2. Suresh Jani

  June 16, 2011 at 10:23 am

  મહેફિલમાં
  શું કરે સુરદા?
  અજ્ઞાની બાળ?

  Like

   
 3. Valibhai Musa

  June 16, 2011 at 11:03 am

  मैँ शमा से कहता हूँ,
  महफिलसे नहीं कहता!
  क्यों कि, यह ईश्क ईश्क है ईश्क ईश्क!
  * * *
  मैँ સુરદા से कहता हूँ,
  महफिलसे नहीं कहता!
  क्यों कि, यह Feel Good है, Feel Good!
  * * *
  સુરબાલની

  કાલીઘેલી બોલીમાં

  શી મહેફિલ!!!

  Like

   
 4. nabhakashdeep

  June 17, 2011 at 11:37 pm

  શ્રી પંચમભાઈ અને આદરણીય વલીભાઈ એ સાહિત્યના ઉપવનના સુગંધી પુષ્પો.
  કૃતિઓને મુલવવા માટે સચોટ મનનીય તારણો, એક ઊંચાઈએ જઈ રમે.
  આપના થકી ઘણું ઘણું શીખવા ને સમજવા મળે. શ્રી સુરેશભાઈ એટલે અભ્યાસુ જીવ અને
  આગવો ટચ નીખરે.
  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

   
 5. munira

  March 20, 2012 at 4:33 pm

  કેટલું જાણ્યું અને કેટલું તો માણ્યું….આપ લોકોની ચર્ચામાં મને મોજ પડી ગઈ. ….

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: