
શ્યામ નિશીથ
ધસતી પળપળે
નિશાંત ભણી. (1)
ભક્ષણ કાજ.
ઊડાઊડ કરતાં
નિશાચર સૌ. (2)
સકળ જીવ
તલસે, ક્યારે ફૂટે,
રમ્ય પ્રભાત? (૩)
પણ, હાય એ
આધેડ નારી રડે
ભરી હીબકાં. (૪)
ખેતર તણા
ઘુવા મહીં લપાઈ,
ન ઝંખે ઉષા! (5)
અડધી રાતે
મરજાદ લોપાઈ
વૈધવ્ય તણી! (6)
જારકર્મી ન
બીજો કોઈ, લંપટ
નિજ આત્મજ! (7)
મદિરાદૈત્યે
બન્યો અંધ, વિફલ
સૌ કાકલૂદી! (8)
લાચાર, હાય!
રાડારાડ શેં કરે?
સ્વ દુગ્ધ ભણી! (9)
પ્રતિકાર સૌ
વ્યર્થ, લચી જ પડી,
કામી સમીપે! (10)
કુકર્મ કેડે,
અબળા કર ગ્રહે,
અવળા મુખે! (11)
હીબકે વદે :
”સિકલ તવ વર્જ્ય
મરણ લગ! (12)
ચાલ્યો જા શીઘ્ર
મુલક તજી યા તો
થાઉં અંધ હું!” (13)
“માફી દે માડી,
કૂવોહવાડો કરું
હા, પ્રાયશ્ચિતે.” (14)
‘માડી’ ન બોલ
શબ્દ ન શોભે, તુજ
ગંધાતા મુખે! (15)
‘વચન દે તું,
જીવે મરણ લગ,
એ તવ સજા!’ (16)
* * *
પેલો લાપતા,
આધેડા ન્યાં પ્રસારે
વાત જ એવી- (17)
આત્મકલ્યાણે
નિજ આધ્યાત્મ ભાવે
સાધુ ભયો એ! (18)
વીનવ્યો છતાં
કોક જતિ સંગાથે
ચાલ્યો ગયો એ! (19)
શીઘ્ર તેડાવી
સાસરિયેથી બેટી
જે એક માત્ર. (20)
સઘળી પુંજી,
કરી તેને હવાલે
થૈ હળવી એ! (21)
ને નિજ ઈચ્છા
જતાવી સાધ્વી થવા
આત્મજ માર્ગે! (22)
સઘળું સોંપ્યું
દરદાગીના રાખ્યા
ધરમ કાજે! (23)
અખંડ ધૂન
યોજી ભજનો તણી
પૂર્ણ મહિનો. (24)
જમણવાર
હોમહવન થકી
વ્યાપી શુચિતા! (25)
આવ્યો દિ એ,
ગામપાદરે મેળો,
વિદાય ટાણે! (26)
અશ્રુ સૌ ખાળે
વિવિધભાવયુક્ત
વળામણાંએ. (27)
* * *
મનેકમને
થયું જે પાપ, પાપ
એ તો પાપ છે. (28)
મહાપાપ તો
પ્રગટ્યા વિણ કાંઈ
રહે ખરું કે? (29)
કો યાત્રાધામે,
ગર્ભાધાન એંધાણેં,
વ્યથિત દીના! (30)
રાગ ને ત્યાગ
દ્વંદ્વે, રાગ પ્રાબલ્યે
જાયી તનયા! (31)
માનસન્માન,
સ્વજનશી લાગણી
પામ્યાં આશ્રમે. (32)
આશ્રમમાતા,
લાડલી ગુરુપુત્રી,
એ સંબોધને! (33)
ગુરુજન સૌ
ગૃહસ્થાશ્રમે જીવે
આશ્રમ મહીં! (34)
મહાગુરુને
સોંપી મુગ્ધાને, થઈ
વૃદ્ધા નચિંત! (35)
ઉછરેભણે
ગુરુકુળે, યૌવત
જાગે મસ્તિષ્કે! (36)
એકદા પૂછે
યૌવના: ‘કોણ, ક્યાંથી
અહીં આપણે!’ (37)
પ્રૌઢા વિમાસે,
કૈં બોલવું કે પછી
ધરવું મૌન? (38)
અંતરવાણી
પ્રગટી, અર્ધ સત્યે
ગેબી કારણે! (39)
‘ધરતીકંપે
સઘળું નષ્ટ, કર્યું
નિર્વાસન હ્યાં!’ (40)
‘દસકા થયે
ફલાં ગામે ને ઠામે
વસતાં હતાં!’ (41)
વહે દિવસો
એમ, પણ એકદા
હાય, હાય રે! (42)
આશ્રમમાતા
સર્પદંશે તત્ક્ષણે
પામી મરણ!. (43)
* * *
કુંભમેળેથી,
મહાગુરુ પધાર્યા,
સાધુ સાથ લૈ! (44)
યુવાન સાધુ,
મહાગુરુઆજ્ઞાએ
નમી પડ્યો ત્યાં! (45)
અગનસાખે
મુગ્ધા અને સાધુ ત્યાં
ગયાં પરણી. (46)
કન્યા વિદાયે
સૌ રડે ને સ્મરે
આશ્રમમાતા. (47)
અંતરિયાળે
મઠાધિપતિ પેલો
યુવાન સાધુ. (48)
મધુરજની
કુટિરે, યુવાન સાધુ
પૂછી ત્યાં બેઠો.(49)
ચમકી ગયો
ગામ ઠામ સાંભળી
યુવાન સાધુ! (50)
દુલ્હા સાધુએ
ફૂલહાર હઠાવી
દાગીના જોયા! (51)
કંઠહાર ને
મુદ્રિકા જોઈ પૂછ્યું,
’આ કોણે આપ્યાં?’ (52)
‘થાપણ હતી
ગુરુપિતા પાસ ત્યાં
મુજ માતની.’ (53)
‘અરરર હે,
પ્રભુ, આ શું જોઉં હું?
અગ્નિપરીક્ષા! (54)
‘ત્રિવિધ રૂપે,
એક જ સ્ત્રી ઊભી છે,
સામે અરેરે!’ (55)
‘કુકર્મે સુતા,
સમાન કૂખે બેના,
પરણ્યે ભાર્યા!’ (56)
* * *
મહાગુરુએ
સુણી બયાન, કહ્યું
’છૂટાં પડો રે!’ (57)
પરમેશ્વર
કરૂણાસાગર, બક્ષે
ઘોર પાપોને. (58)
પસ્તાવો કરે,
ના પુનરાવર્તન,
શરત એ જ! (59)
‘આપણે ત્રણ
જાણીએ આ ભેદને
ગુપ્ત જ રાખો’ (60)
મહાગુરુ તો,
શુભ આશયે, એક
અસત્ય દાખે : (61)
‘કો’ એક મરે,
મહાકાળ યોગે, હા
નહિ ઉપાય!’ (62)
’અન્ય સુ-વરે
કન્યાદાન દેશે આ
વત્સ હરખે!’ (63)
– વલીભાઈ મુસા
નિશીથ = મધ્ય રાત્રિ; નિશાંત = પ્રભાત; આત્મજ = પુત્ર; દુગ્ધ = દૂધ; તનયા = પુત્રી; સુતા = પુત્રી; ભાર્યા = પત્ની; દીના = ગરીબડી
નોંધ : –
(1) પ્રાચીન ગુજરાતી લિપિએ હસ્તલિખિત ધાર્મિક ગ્રંથે મદ્યપાન નિષેધ અંગેના રિવાયત (પરંપરાગત દંતકથા કે કહાણી) આધારિત બોધ-બયાનના કથા-અંશ માત્રમાં યથોચિત ફેરફાર સાથેની આ સ્વતંત્ર રચના છે.
(2) સાહિત્યમાંના વિવિધ કાવ્યપ્રકારોને હાઈકુ માધ્યમે અજમાવવાની દિલે ભાવના જન્મી. સ્વતંત્ર હાઈકુરચનાઓ પછી “મિષ્ટ દાંપત્યે” હાસ્યહાઈકુ સોનેટ (સુનીત, સ્વનીત કે ધ્વનિત) રચ્યા બાદ નેટર-બ્લોગર મિત્રો તરફથી સંતોષજનક પ્રતિભાવો મળતાં ખંડ-હાઈકુ-કાવ્ય રચવાની હિંમત કરી શક્યો છું.
(3) ખંડકાવ્યની જેમ અહીં હાઈકુમાં છંદવૈવિધ્ય શક્ય ન હોઈ ખંડકાવ્યના એ લક્ષણંને અવગણતાં માત્ર કથાતત્વના આધારે મારા માટે આ સાવ નવીન એવા ખંડ-હાઈકુ-કાવ્યને હું મારા બ્લોગ ઉપર મૂકવાની હિંમત કરી રહ્યો છું. આશા રાખુંછું કે વાંચકો “મિષ્ટ દાંપત્યે” – હાસ્યહાઈકુ સોનેટ ની જેમ આ ખંડ-હાઈકુ-કાવ્ય ઉપર વિવેચનાત્મક પ્રતિભાવો આપશે તો ભવિષ્યે તે સઘળા મારા માટે દિશાસૂચક બની રહેશે.
(4) આ ખંડકાવ્યને મારા બ્લોગ ઉપર શીઘ્ર મૂકી દેવાના અતિ ઉત્સાહના કારણે પુખ્ત વિચારણા કર્યા વગર “મદિરાદૈત્યે બન્યો અંધ” શીર્ષક આપી તો દીધું છે. વ્હાલા વાચકો જો કોઈ વૈકલ્પિક શીર્ષક સૂચવશે તો ફેરબદલી માટે પુન: વિચારણા કરવાની મારી પૂર્ણ તૈયારી છે. .
sapana
June 16, 2011 at 7:15 pm
એક નારી અને શરાબમાં અંધ બનેલા દૈત્યનું માર્મિક ખંડ કાવ્ય..ઘણાં નિસાસા નીકળી ગયાં..
સપના
LikeLike
Harnish Jani
June 16, 2011 at 9:09 pm
હવે આ ખંડ હાયકુ અને રેગ્યુલર હાયકુમાં સહો ફેર?
આપનું નીચેનું હાયકુ નવ પરણિત પ્રેમી યુગલને લાગું પડતું નથી.
સકળ જીવ
તલસે, ક્યારે ફૂટે,
રમ્ય પ્રભાત? (૩
LikeLike
Valibhai Musa
June 17, 2011 at 2:21 pm
રેગ્યુલર હાઈકુ સ્વતંત્ર ઊભું રહી શકે અને કંઈક અર્થ પણ આપી શકે, પણ ખંડ-હાઈકુ-કાવ્યનાં તમામ હાઈકુ એકબીજા ઉપર આધારિત રહીને જ અર્થ આપી શકે. આ તો એક પ્રયોગ ગણાય.
સકળ જીવ
તલસે, ક્યારે ફૂટે
રમ્ય પ્રભાત?
ખરે જ નવ પરીણિત યુગલ તો મધુરજનીએ એમ જ ઈચ્છે કે પ્રભાત ઊગે જ નહિ. એટલે તો નીચેના જેવું એક હાઈકુ મેં રચ્યાનું યાદ છે,
વસ્લની રાત
એકવીસમી જુને
કરહંમેશ!
એકવીસમી જુને લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. દરેક એવાં યુગલની મધુરજની વર્ષના ગમે તે દિવસે હોય, પણ જાણે કે 21મી જુને હોય તેમ જલ્દીથી પૂર્ણ થઈ જાય છે
LikeLike
Harnish Jani
June 17, 2011 at 10:20 am
બહુ સરસ– લગે રહો વલી ભાઈ !!
(By Mail)
LikeLike
Valibhai Musa
June 17, 2011 at 2:27 pm
મુન્નાભાઈ નથી લખ્યું એટલું સારું છે!
LikeLike
પંચમ શુક્લ
June 17, 2011 at 7:28 pm
Very interesting and fruitful experiment.
One more experiment with haiku- haiku gazal might interest you:
http://rachanaa.wordpress.com/%E0%AA%B9%E0%AA%BE%E0%AA%88%E0%AA%95%E0%AB%81-%E0%AA%A6%E0%AB%87%E0%AA%B9-%E0%AA%97%E0%AA%9D%E0%AA%B2%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%96%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE/
LikeLike
Pancham Shukla
June 17, 2011 at 7:52 pm
પ્રિય વલીભાઈ,
મદ્યપાન નિષેધ અંગેના રિવાયત (પરંપરાગત દંતકથા કે કહાણી) આધારિત બોધ-બયાનના કથા-અંશ માત્રમાં યથોચિત ફેરફાર સાથેની આ સ્વતંત્ર રચના બેનમૂન પ્રયોગની સાથે સાથે હાઈકુની ખૂબી/ખામીઓ વિશે ફેરવિચારને આમંત્રણ આપે છે.
કયા બાત હૈ! એક અદભૂત અને સફળ પ્રયોગ. હાઈકુમાં ભલે છંદનું બંધન ન હોય- 17 અક્ષરની આમન્યા જાળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું છે. આ દુષ્કર કાર્ય તમે કલાત્મક રીતે સિધ્ધ કર્યું છે.
હાઈકુ માટે- એક ટૂંકા, સુરેખ અને સચોટ ચિત્ર સુધી સિમિત લાક્ષણિકતા કે માન્યતાને તમે આ ખેડાણથી ખંડકાવ્યની ઈલાસ્ટિસિટી આપી દીધી.
હાઈકુંમાં રસ ધરાવનાર બ્લોગમિત્ર પ્રમથભાઈને પણ આ મેઈલ કોપિ કરું છું. એમનાં તમને અને તમારામાં એમને રસ પડશે.
http://rachanaa.wordpress.com/
https://musawilliam.wordpress.com/2011/06/16/255-%E0%AA%AE%E0%AA%A6%E0%AA%BF%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A6%E0%AB%88%E0%AA%A4%E0%AB%8D%E0%AA%AF%E0%AB%87-%E0%AA%AC%E0%AA%A8%E0%AB%8D%E0%AA%AF%E0%AB%8B-%E0%AA%85%E0%AA%82%E0%AA%A7-%E0%AA%96%E0%AA%82/
સસ્નેહ વંદન,
પંચમ શુક્લ
(By Mail)
LikeLike
pramath
June 19, 2011 at 7:07 am
વલીભાઈ,
કદાચ પહેલી વાર તમારા બ્લૉગ પર આવ્યો. પંચમભાઈનો આભાર!
—
હૃદયસ્પર્શી રચના.
આનંદ છે કે ગૂર્જરીનો ખોળો હજી નવીનતાથી ભરનારાં બાળકો છે. આપણી સંસ્કૃતિ હજુ જીવે છે! આ કૃતિ માટે એક ગુજરાતી કુટુંબી તરીકે હું તમારો આભાર માનું તેટલો ઓછો.
હાઈકુના બંધારણમાં દીર્ઘ રચનાઓ જપાનીઝમાં લખાય છે. ગુજરાતીમાં પહેલો સફળ પ્રયોગ મેં અહીં જોયો. [હું સાહિત્યનો વિદ્યાર્થી નથી. મારા દાવા ચકાસી લેવા.]
—
ગાંધીજીએ કહ્યું હતું કે “લિંબુ ઉછાળવા જેટલા સમય પૂરતી મને હિન્દુસ્તાનની સત્તા મળે તો હું પહેલું કામ દારૂ પર પ્રતિબંધ મૂકવાનું કરીશ.” [ભાવ તો સાચો યાદ છે. શબ્દો સાચા છે?]
જેને દુનિયાના તમામ ડાહ્યા માણસો એ વખોડી છે તેવી ચીજ હજુ કેમ ટકી છે તે સમજાતું નથી.
—
ફરીને તમારા બ્લૉગ પર આવીશ!
LikeLike
Valibhai Musa
June 19, 2011 at 4:05 pm
ભાઈશ્રી પ્રમાથજી,
લેક્ષિકોન બાબરાજી દ્વારા આપના નામનો અનેક અર્થો પૈકીનો એક અર્થ જાણ્યો : મથન; મથવું તે.
સામાન્યત: યથા નામ તથા ગુણ ન હોય, પણ આપના બ્લોગનું કામચલાઉ વિહંગાવલોકન કરતાં મારું ‘સામાન્યત:’ અહીં ખોટું પડે છે. આપના બ્લોગ પાછળની આપની ચીવટ, મહેનત, મંથન, લગન કાબિલે દાદ છે. શીલ તેવી શૈલી ન્યાયે આપનું જીવન પણ આપના બ્લોગનાં લક્ષ્ણો જેવું જ રહ્યું હશે. આપ અને આપનો બ્લોગ મને જડ્યા છો, એમ કહેવું જરાય અનુચિત નથી. જીવનમાં ઘણી ઉમદા બાબતો અને આપણા વચ્ચે ઓઝલ બની રહે છે અને કોઈ નિર્મિત ગેબી પળે એ ઓઝલ ઊંચકનાર કોઈક મળી આવે અને જે તે અદૃશ્ય આપણા માટે દૃશ્યમાન બની રહે છે. આપણી વચ્ચેના ઓઝલને ઊંચકનાર તરીકે નિમિત્ત બન્યા છે, પંચમભાઈ.
આપના બ્લોગ ઉપર આપના વિષેનું કોઈ પરિચયાત્મક Page મળ્યું નથી. (કદાચ ઉતાવળમાં મને મળ્યું ન હોય!). જો આપના વિષે કંઈક જાણવાનું મળી રહે તો મને આનંદ થશે. ચાર વર્ષના બ્લોગીંગકાળ દરમિયાન શરૂઆતનાં બે વર્ષ તો મારા આર્ટિકલ અંગ્રેજીમાં હોવાના કારણે દેશવિદેશનાં ગુજરાતી ભાઈબહેનો સાથે મર્યાદિત સંબંધ રહ્યો. પણ ત્રીજા વર્ષથી મારો બ્લોગ દ્વિભાષી (Bilingual) બનતાં ઘણા ગુજરાતી મિત્રાદિ સાથે એવા તો આત્મીયતાના સંબંધો બંધાયા અને સંખ્યામાં પણ એટલા બધા કે એક નાનકડું ગામ વસે. આ સઘળું કલ્પનાતીત છે.
આપણે પ્રસંગોપાત કોઈક ને કોઈક માધ્યમે મળતા રહીશું. ધન્યવાદ.
સ્નેહાધીન,
વલીભાઈ
LikeLike
સુરેશ
June 21, 2011 at 9:42 pm
ઘણા વખત પછી તમારા બ્લોગની વાચક તરીકે મુલાકાત લીધી.ઘણાં બહાનાં કાઢી શકું. પણ નેટ પર વધતી જતી અસૂયા કરતાં ભીતરનું મનોમંથન વધારે જોર કરી રહ્યું છે. દર ગુજર કરશો.
વાર્તાકાર અને હાહાના પ્રણેતાનું આ સુભગ સંયોજન એક નવી જ દિશા ખોલે છે. બીજું તો શું કહું – ગમી ગયું અને કોપે કરી દીધું – થોડાક શણગાર ઉમેરીને….
http://kaavyasoor.wordpress.com/2011/06/21/haiku_kk/
LikeLike
Ajay Pandya
July 1, 2011 at 2:28 pm
ગાંધીજીએ કહ્યું હતું કે “લિંબુ ઉછાળવા જેટલા સમય પૂરતી મને હિન્દુસ્તાનની સત્તા મળે તો હું પહેલું કામ દારૂ પર પ્રતિબંધ મૂકવાનું કરીશ.” [ભાવ તો સાચો યાદ છે. શબ્દો સાચા છે?]
જેને દુનિયાના તમામ ડાહ્યા માણસો એ વખોડી છે તેવી ચીજ હજુ કેમ ટકી છે તે સમજાતું નથી.
jay ambe…..
LikeLike
Valibhai Musa
January 10, 2012 at 4:53 pm
સુરેશભાઈ જાનીનો બ્લોગ “કાવ્ય સૂર”
(મારી અને નવોદિતોની રચનાઓ અને વ્યક્તિવિશેષ)
“મદિરાદૈત્યે બન્યો અંધ (ખંડ-હાઈકુ-કાવ્ય)”
ગુજરાતી સાહિત્યમાં કદાચ આ પહેલો જ પ્રયોગ હશે – હાઈકુમાં ખંડકાવ્ય. બીજી રીતે કહીએ તો હાઈકુમાં વાર્તા.
મારો હરખ એ છે કે, તે મારા ભાઈ સમાન મિત્ર શ્રી. વલીભાઈ મુસા દ્વારા કરવામાં આવેલ છે.
“કાવ્ય સૂર” ઉપરની સદરહુ રચના ઉપર હિંમતલાલ જોશીનો પ્રતિભાવ એમ સમજીને કે આ કૃતિ સુરેશભાઈ દ્વારા રચિત છે :-
“સુરેશભાઈ તમેતો ગજબના માણસ છો .
કવિતા બનાવી જાણોછો ,કાગળની તોપું ,કાગળની ટેન્કો ,કાગળના પશુ પંખી .
બનાવી જાણો છો ,મારા જેવા અભણ ,અનાડીને ,ભણાવી જાણો છો . ઘણું બધું કરી શકો છો .
તમારી ધીરે ધીરે ખબર પડતી જાય છે .સાબરમતી પાવર હાઉસના પાણી ટપકવાની જીણી દૃષ્ટિને
લીધે કેટલો ચમત્કાર સર્જી દીધો .લાખો નહિ કરોડો રૂપિયાનો બચાવ કરાવ્યો .આવા બુદ્ધિશાળી
માણસ, મારાજેવા અબુધ્માં દિલચશ્પી ધરાવે છે .કેટલી મહાનતા કેવાય , આવા માણસમાં પ્રગતિ દોડતી આવેકે નહિ ?
સાભાર : સુરેશભાઈ જાની (કાવ્ય સૂર)
LikeLike
Suresh Jani
January 10, 2012 at 4:58 pm
આતા ,
તમારા આશિરવાદ જોયે
હું તો સાવ સામાન્ય માણસ છું. જોકે, આ કવિતા મારી નથી . બીજા દિલોજાન, દિલોજાન દોસ્ત વલીભાઈ મુસાની છે. એમને શીશી મોકલું છું.
LikeLike