RSS

(256) કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – 3

18 Jun
(256) કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – 3

(સ્થળ : ‘હાસ્ય દરબારનું કાર્યાલય)

‘તમને બધાયને આવકારું છું.’

‘હું પણ…’

‘તો હું પણ કેમ નહિ!’

‘આનો મતલબ કે તમે ત્રણેય જણા (રાત્રિ, વલદા અને સુરદા) અમને બંનેને આવકારો છો. તમારું અમને બંનેને આવકારવું એ અમારા માટે પીડાદાયક છે, એ અર્થમાં કે તમે લોકો હજુય અમને મુહાજિર ગણો છો!’

‘રાત્રિ પૂછવા માગે તે પહેલાં સમજાવી દઉં કે ‘મુહાજિર’ એટલે હિજરત કરીને આવનાર અને મિ. Liar અને મિ. Lawyer, તમે લોકોએ હજુ સુધી હાસ્ય દરબારનું બંધારણ વાંચ્યું નથી લાગતું! ભલા માણસો હાદ (HAAD) એ યુનો (UNO) ની જેમ આંતરરાષ્ટ્રીય એક એવી સંસ્થા છે કે જે વિશ્વના ગુજરાતીઓ માટે તનાવ-મુક્તિનું કાર્ય કરે છે. પોતાના કાર્યક્ષેત્રમાં આ સંસ્થા સાર્વભૌમ છે. હાદ પોતાના સભ્યો પરત્વે કદીય ભેદભાવની નીતિ રાખે જ નહિ. હા, એટલું ખરું કે દરબારી રત્નોને થોડુંક વિશેષ સન્માન એટલા માટે આપવામાં આવે છે કે તેઓ એ સન્માનને લાયક હોય છે. તેઓ હાદનું નાક છે, તો હાદ તેમના માટે ચહેરા સમાન છે. તમે જ વિચારો કે ચહેરો હોય જ નહિ તો નાક ગોઠવાય ક્યાં?’

‘સુરદા અંકલ, તમે સરસ માહિતી આપી. આજે જાણ્યું કે સાર્વભૌમત્વ એટલે શું? સમાચાર માધ્યમોએ અબોટાબાદમાં થએલા ઓસામા ઓપરેશન વખતે પાકિસ્તાનના સાર્વભૌમત્વની વાત કંઈક ચગાવી હતી, પણ અમારા સમજવામાં આવી ન હતી. ચાલો, આપણે એ વાતને બગલમાં દબાવીને આગળ વધીએ તો આપ લોકો જરા અમને કહેશો કે અમને અહીં કેમ બોલાવવામાં આવ્યા છે?’

‘બગલમાં દબાવીને?”

‘હા, એકદમ નજીક to hand-reach એટલે ગમે ત્યારે આસાનીથી ફરી હાથ ઉપર લઈ શકાય!’

‘મૂળ મુદ્દે આવીએ તો તમને બંનેને હાદરત્નો બનાવ્યા પછી આપણા આ સંગઠનને તમારું કોઈ યોગદાન મળ્યુ નથી. દરબારમાં હાજરી આપવા માટેનાં ભાડાંભથ્થાં વસુલવા સિવાયનું તમારું અન્ય કોઈ કામ દેખાતું નથી. ચિત્રમાંનો વાઘ કરડે નહિ, ચિત્રમાંના રીંગણનું શાક થાય નહિ; ચિત્રમાંનું ઊભેલું ઊંટ બેસે નહિ; તેમ તમે માત્ર પેપર-રત્ન બની રહો તે કેમ ચાલે? હાદની સ્થાપનાના વાર્ષિકોત્સવ નિમિત્તે બહાર પડનારા સોવેનીઅરમાં તમારા યોગદાનની કંઈક નોંધ લેવાય એવું કંઈક કરો. તમારા ઈન્ટરવ્યુના અહેવાલનાં બે પ્રકરણ તો ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. તમને એટલા માટે રૂબરૂમાં બોલાવવામાં આવ્યા છે કે અહીં કાર્યાલયમાં Live Video Recording થઈ શકે. હવે વધારે સમય વેડફ્યા વગર તમે લોકો તમારા કલારત્નયુગ્મની કંઈક વિશેષ કલાકમાલ બતાવો.’

‘મિ. Lawyer, ડો. મનમોહનસિંહ જેવા કાર્યક્ષમ, મજબૂત અને કોઈની શેહશરમ ન રાખે તેવા વડાપ્રધાન ભારતે આઝાદીથી અત્યારસુધીમાં એકેય જોયા નથી!’

‘મિ. Liar, તારી વાત સાચી છે. મીડિઆવાળાઓએ એક માત્ર એ કલ્પના કરવી રહે છે કે ડો. સિંહની જગ્યાએ અન્ય કોઈ હોત તો આટલાં બધાં કૌભાંડ બહાર આવતાં ખરાં? તપાસ એજન્સીઓ મુક્ત રીતે કામ કરી રહી છે, માટે જ આ બધાં કૌભાંડ બહાર આવી રહ્યાં છે. વિપક્ષો અને મીડિઆવાળા તેમને બદનામ કરીને ઘરભેગા કરી દેવા ખૂબ મથ્યા, પણ પોતાના મક્કમ ઈરાદામાંથી તસુભાર ન ચસકનાર એવા સિંહે સરકાર તૂટી પડવાની જરાય બીક રાખી નથી. પોતે Clean અને પોતાનો વહીવટ પણ Clean હોય એવું આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું છે. મને લાગે છે કે મારી આટલી દલીલો ડો. મનમોહનસિંહને Clean Chit આપવા માટે પૂરતી છે.’

મિ. Lawyer, તારી એકલાની અપાએલી Clean Chit ની વાત ભારતનાં નખશિખ ચારિત્ર્યશુદ્ધ પ્રજાજનો અને સો ટચના સોના જેવા વિપક્ષી રાજકારણીઓના ગળે એટલી આસાનીથી ઊતરશે ખરી?’

‘હા, હા. કેમ નહિ? મેં ડો મનમોહનસિંહ અને તેમના વહીવટ અર્થાત્ તેમની કામ કરવાની રીતને Clean Chit આપી છે, નહિ કે આખી કેન્દ્ર સરકાર, તેના પ્રધાનો અને સરકારી બાબુઓને!’

‘ચાલ, ચાલ. આપણે આ વાત અહીં પડતી મૂકીએ છીએ, કેમ કે એ સઘળી ચિંતાનો ભાર આખા દેશે પેલા બે બાવાઓને સોંપી દીધો છે; એક કેસરી બાવા અને બીજા શ્વેત બાવા!’

‘અલ્યા, Liar-ઈયા તારી બે બાવાની વાત ઉપરથી મને ત્રીજા બાવાનો વિચાર આવે છે અને તે છે ફકીર બાવો! રાષ્ટ્રધ્વજના ત્રણેય રંગોનું પ્રતિનિધિત્વ થઈ જાય! ફકીરબાવો એટલે લીલો બાવો, હરિયાળો બાવો, લીલોતરીવાળો બાવો, કિસાન બાવો.’

‘ભાઈ Lawyer, મને લાગે છે કે આપણે બે જણાએ પોતપોતાની Duty બદલી નાખવી પડશે. જે તારે સાબિત કરવાનું છે, તે મારે કરવું પડે છે. ભલા માણસ, અન્નાજી અને બાપજી બેય જણા આપણા દેશમાં બધાની ઉપર ખેડૂત તો બેસાડવા માગે છે ને! આપણા ગુજરાત અને મહારાષ્ટ્ર (જૂના મુંબઈ રાજ્ય)માં ખેડૂતોને લોક તરીકે ઓળખવામાં આવે છે. આ તો જરા પેલા રાજ્યપાલ, રાષ્ટ્રપાલ જેવું જરા શોભતું નામ કરી નાખ્યું ‘લોકપાલ’. ધારાસંભા, કારોબારી કે ન્યાયતંત્રમાં કોઈ આડો ફાટે કે તરત જ કાન કે પૂંછડું આમળીને આ લોકપાલ તેને તરત ઠેકાણે લાવી દે. આ તો સરસ મજાની Sandwich બનશે. નીચલા પડે લોકભાવના, ઉપરના પડે લોકપાલ અને વચ્ચે તમામે તમામ! વાહ, રે વાહ! અબ હીના રંગ લાએગી!’

‘અલ્યા, આ બધી વાત પડતી મૂકવાની કે બદલવાની જગ્યાએ વાત આગળ ખેંચાયે જ જાય છે. આપણી વીડિઓગ્રાફી થઈ રહી છે તો આપણી હાદપ્રજાને ગંદા રાજકારણની ગંધમાંથી બહાર કાઢીએ અને આપણે કંઈક એવી કલા બતાવીએ કે બધા યાદ કરી જાય!

‘ચાલ, આપણે આપણા દરબારીરત્નના ઈન્ટરવ્યુ વખતે છ જાતની આપણી જે કરામત આપણે બતાવી હતી તેવી જ કરામતમાં મારાં છ ગપ્પાંને તું સાચાં સાબિત કરી બતાવ અને આપણે આજના આપણા કલાકમાલના સત્રને સમેટી લઈએ.’

‘તો ફિર હો જાએ!’

‘ચાલ તો સર્વ પ્રથમ, ‘પૂર્ણ જૂઠાનું પૂર્ણ સાચું’નો ખેલ પાડીએ!’

‘સાંભળ, આધ્યાત્મજ્ઞાનીઓ અને ધાર્મિકો કહે છે કે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. ‘મિથ્યા’ એટલે ‘ખોટું’. આમ, આ જગત જે કંઈ દેખાય છે તે સત્ય નથી, ખોટું છે. આકાશ જે ઊંચે દેખાય છે, તે વાસ્તવમાં નીચે અને ધરતી ઉપર હોવી જોઈએ. માનવીઓ અને પશુઓ જે ધરતી ઉપર ચાલે છે, તે ખરેખર તો શીર્ષાસનની સ્થિતિમાં ચાલે છે. સાવ સાદા શબ્દોમાં તને સમજાવું તો આપણા ઘરની છત ઉપર ગરોળી ઊંધી ચીપકીને ગતિ કરે છે, બસ તે જ રીતે આપણી ગતિ હોય છે. આપણને દેખાતાં ઝાડ ઊગેલાં હોય તો છે જમીન ઉપર અને એ વાત સાચી પણ ખરી, પરંતુ વાસ્તવમાં તેમની મૂળ સ્થિતિ આપણને દેખાય છે તેનાથી વિપરિત જ હોવી જોઈએ.’

‘ભાઈ Liar, તારી પૂર્વધારણા પૂર્ણ જૂઠમાં ખપે જ તે વાત નિ:શંક છે. તેં તારો ધર્મ બજાવ્યો, હું મારો બજાવું છું. અમે ભણતા હતા ત્યારે વિજ્ઞાનમાં અજ્ઞાની હતા. શરીરશાસ્ત્રમાં તો આકૃતિઓ દોરવી ફાવે જ નહિ. પરંતુ, મારા વિજ્ઞાનના સાહેબોની આંખ વિષેની વાત હજુ પણ મારા કાનોમાં ગૂંજ્યા કરે છે. સામે દેખાતી વસ્તુઓ આપણી આંખોમાં ઊંધી પ્રતિબિંબિત થતી હોય છે, જે આપણી આંખે ઊંધીથી પાછી વિપરિત બનીને સીધી દેખાય છે. તેં આજે ઊઠાવેલી વાત તે વખતથી મારા મનમાં ઘર કરી ગઈ હતી. પછી તો કોલેજકાળમાં આને સમર્થન મળ્યું, જ્યારે કાકા કાલેલેકરના ‘સ્મરણયાત્રા’ પુસ્તકને વાંચવાનું બન્યું. કાકા જ્યારે તેમના કાકાના નાના ભત્રીજા હતા, ત્યારે તેઓ પોતાના બંને પગ પહોળા રાખીને વાંકા વળીને બે પગ વચ્ચેથી પાછળ જતા-આવતા માણસોને જોતા, ત્યારે તેમને માણસોને ઊંધા ચાલતા જોવામાં મજા પડતી હતી અને કલાકો સુધી એમ કર્યે જતા હતા. બસ, ત્યારથી હું તારી જ જેમ માનું છું અને તારી માન્યતાને મારું પૂર્ણ સમર્થન આજે આ હાસ્યદરબારમાં આ પટલિયાઓ સમક્ષ જાહેર કરું છું કે આપણી સામે દેખાતું સર્વ એ માત્ર ભ્રમણા છે, વાસ્તવિકતા તો એનાથી સાવ વિપરિત હોય છે.’

‘Super Senior Citizen ની ઉંમરે પહોંચ્યા પછી આજે જિંદગીમાં પહેલી વાર જાણ્યું કે આપણે દ્વિપગા ગરોળા બનીને જિંદગીભર જમીનને ચીપકીને ઊંધા ચાલ્યા છીએ! Well done, Bravo, well done!’ (પેલા ત્રણેય -રાવસુ એકી સાથે એવા મતલબે બરાડી ઊઠે છે.)

‘હવે વડીલો, સમયમર્યાદાને ધ્યાને લેતાં મનમોહનસિંહ વિષેના આપણા ચર્ચાએલા મુદ્દાને ‘અર્ધ સત્યનું પૂર્ણ સત્ય’ તરીકે ગણી લઈએ તો હવે ચાર પ્રકાર બાકી રહે છે. મારું સૂચન છે કે આપ ત્રણ બુઝુર્ગો અને મિ. Liar એમ ચારેય જણા એક એક પ્રકાર હાથ ઉપર લે અને હું એ તમામને મારી જવાબદારી હેઠળ ન્યાયોચિત ઠરાવું એટલે આજનું આપણું કામ તમામ, કેમ ખરું કે નહિ?’

‘બુઝુર્ગીના ક્રમ પ્રમાણે પહેલો વારો વલદા અંકલનો આવે છે. આપે પૂર્ણ સત્ય બોલવાનું છે અને મનમોહનસિંહજીવાળી વાતથી વિપરિત રીતે મારે એ સત્યને અર્ધ સત્ય તરીકે સાબિત કરી દેવાનું છે. આમેય મિ. Liar ને તેમની આદત મુજબ પૂર્ણ સત્ય બોલવું ઓછું ફાવે છે.’

‘ગાણીતિક વાસ્તવિક સંખ્યાઓની અરસપરસ સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકારની સાચી પક્રિયાઓ કરીને એ સઘળના સાચા ઉત્તરો મેળવવામાં આવે તો તે તમામને પૂર્ણ સત્ય તરીકે જ સ્વીકારવા પડે. એક જ ઉદાહરણ આપીશ કે 2 + 2 = 4 થાય અને એ પૂર્ણ સત્ય જ ગણાય; કોઈ એ સત્યને નકારી શકે નહિ.’

‘વલદા અંકલ, માત્ર કોરા આંકડાઓ પૂરતાં જે તે પ્રક્રિયાઓનાં પરિણામો પૂર્ણ સત્ય ગણાય તે વાતે હું સંમત ખરો; પણ આપના ઉદાહરણ અંગે વિચારતાં બે બકરાં અને બે ઘેટાંનો સરવાળો કદીય ચાર થઈ શકે નહિ. હા, જો ચારના સરવાળાને સાચા તરીકે પકડી રાખવો હોય તો ઘેટાં કે બકરાં શબ્દોને બદલીને ‘પ્રાણીઓ’ શબ્દ કરવો પડે. આમ આપનું પૂર્ણ સત્ય મારી દૃષ્ટિએ અર્ધ સત્ય સાબિત થાય છે,.’ (ચાર ઈસમોની તાળીઓ જેટલો ગડગડાટ!)

‘સુરદા અંકલના ભાગે વલદા અંકલની જેમ પૂર્ણ સત્ય જ બોલવાનું આવે છે, જેને હું પૂર્ણ જૂઠ તરીકે સાબિત કરીશ.’

‘ભાઈ Lawyer, વલદાજીવાળા પૂર્ણ સત્યને જ પૂર્ણ જૂઠ સાબિત કરી બતાવને, એટલે વાત થાય પૂરી!’

‘એ પણ હું કરી શકું, પણ લોકોને મજા નહિ આવે! તમે તમારા મનથી પૂર્ણ સત્ય હોય એવું કોઈક વિધાન બોલો અને આપણે આગળ વધીએ.’

‘તો સાંભળો. અમેરિકાએ પાકિસ્તાનમાંના અબોટાબાદ મુકામે ઓસામાને આખરે પતાવ્યો.’

‘સરાસર જૂઠ! ઓસામા તો ભૂતકળમાં કોઈક બીમારીથી આપમેળે જ ક્યારનોય પતી ગયો હતો. તેના અંગેના તૂતના ભૂતને લોકોના દિમાગમાંથી કાયમ માટે કાઢવા માટેનું આ ઉપજાવી કાઢેલું તરકટ હતું. સદ્દામને ફાંસીએ લટકેલો આખી દુનિયાએ જોયો. અબોટાબાદ ખાતેનું ઓસામાનું ઓપરેશન ઓબામા અને તેના અધિકારીઓએ અમેરિકા બેઠે ટી.વી.માં Live જોયું. અને દુનિયાએ તેઓને ગંભીર મુદ્રાએ ટી.વી. જોતા નિહાળ્યા. પોતાની પાસે આણ્વિક તાકાત હોવાના દેકારા બોલાવતા પાકિસ્તાન પાસે શું એવાં રડાર પણ ન્હોતાં કે જે બાહ્ય હવાઈયાનોને તેની ભૂમિમાં પ્રવેશતાં પણ ન જોઈ શકે! Twin Tower તોડવાવાળા અપરાધીને લોકો પ્રત્યક્ષ જૂએ પણ નહિ તેવી રીતે ખતમ કરી દેવામાં આવે! આ બધાં મારા એકલાનાં નહિ સમગ્ર મીડિઆજગત અને જગત આખાયનાં આવાં અને આવાં કેટલાંય આ ઘટના અંગેનાં પ્રશ્નાર્થચિહ્નો છે. માટે સુરદા અંકલ, આપ અને આપના જેવા અસંખ્ય લોકો જેને પૂર્ણ સત્ય તરીકે ગણે છે, એ એક આભાસી સત્ય છે. જગતના ઈતિહાસમાં આવાં કેટલાંય વણઉકલ્યાં રહસ્યો મોજુદ છે. છેલ્લે માનનીય દરબારીજનોને વિનંતી કે કદાચ મારી ઉપરોક્ત દલીલોને ઠોસ રીતે અમાન્ય જાહેર કરીને મારી વિશિષ્ટ શક્તિને ઝાંખી પાડવામાં આવશે તો હું એમ સરળતાથી હાર માનવાવાળાઓમાંનો નથી. મારી પાસેના કેટલાય દલીલોના અનામત ભંડારને ખોલીને મારી વાત ઉપર હું અડેલો જ રહીશ અને સાબિત કરી આપીશ કે સુરદા અંકલનું વિધાન પૂર્ણ જૂઠ છે.’ (ચાર જણની તાળીઓનો થઈ શકે તેટલો જ ગડગડાટ!)

‘જો રાત્રિ, હવે તારો વારો છે; પણ, તું એવું કંઈક પૂર્ણ જૂઠ કહી સંભળાવ કે મિ. Lawyer ની ક્યાંકથી હવા નીકળી જાય! આ મારું વા’લું એવું તે કેવું કે આ ભાયડો અજેય જ રહે!’

‘વાનરોનું માનવું છે કે તેઓ પહેલાં મનુષ્ય હતા. ચાર્લ્સ ડાર્વિન જ્યારે પૂર્વ જન્મમાં વાનર હતો, ત્યારે તેના કટ્ટર હરીફ એવા ચિમ્પાન્ઝીએ પોતાનું સંશોધન જાહેર કર્યું હતું કે હું વાનર અને માનવની મધ્યમાં છું. દરેક વખતે એ જરૂરી નથી હોતું કે હંમેશાં ઉત્ક્રાંતિ જ થાય! આનો પ્રત્યક્ષ દાખલો તમારી સામે મોજુદ છે કે અમે લોકો મધ્ય સ્થિતિએથી વાનર થવા તરફ જઈ રહ્યા છીએ.’ (વક્તા શ્રી રાત્રિ પણ એકદમ ખુશ થઈ જતાં ભોળાભાવે પેલા ચારેય સાથે તાળીઓ પાડી બેસે છે.)

‘રાત્રિજી, સાચે જ તમારું લાકડું ગાંઠાળું તો છે જ; છતાંય હું ફાડી બતાવીશ. પ્રથમ તો તમારા વિધાનમાં તમે ચિમ્પાન્ઝીને મધ્યમ સ્થાને લાવ્યા એ બાબતે મારા માટે અર્ધ જૂઠ સાબિત કરવું સહેલું બનાવી દીધું છે. .ચિમ્પાન્ઝીની ખુદની દલીલ મુજબ ઉત્ક્રાંતિની વિરુધ્ધે અવક્રાંતિ પણ થઈ શકે. બીજા શબ્દોમાં કહીએ તો ઉર્ધ્વગતિ અને અધોગતિ એ બંને શક્યતઓ હોઈ, રાત્રિદા અંકલ, તમારું વિધાન અર્ધ જૂઠ સાબિત થાય છે’

‘મારી, બંકાએ 11 રનવાળી Hit મારી! ક્રિકેટના જૂના નિયમ મુજબ બેટ્સમેન દડાને એવી રીતે ફટકારે કે સામેવાળાં સ્ટમ્પને લાગે તો વગર દોડ્યે 11 રન મળી જતા. મિ. Lawyer, ધન્ય છે તમારી બુદ્ધિમત્તાને!’

‘હવે આખરી દાવમાં આપણા મિ. Liar કે જે આપણાં રત્નોમાં 10 A કે 10 B ક્રમે આવે છે, તેમણે અર્ધજૂઠ એવી રીતે બોલવાનું છે કે એમના સાથીદાર તેને પૂર્ણ જૂઠ તરીકે સાબિત ન જ કરી શકે!’

‘લ્યો ત્યારે, સુરદા અંકલના આ વિધાનમાંથી જ મને મારે જે કહેવાનું છે તે મળી ગયું છે. ગુજરાતના ઈતિહાસમાં એમ કહેવાયું છે કે મૂળરાજ સોલંકીને તેના મામા મહેલના ટેરેસ ઉપર લીંબુ ઊછાળવાનું કહેતા હતા. જેટલો સમય લીંબુ આકાશમાં અધ્ધર રહે ત્યાં સુધી ભાણાને પોતાની રાજખુરશીમાં બેસવા દેતા હતા અને રાજા બનવાની રમત રમાડતા હતા. મારે આખોય ઈતિહાસ સંભળાવવાનો નથી કે કેવી રીતે મૂળરાજ કાયમ માટ રાજા બની બેઠો, પણ આપ ત્રણેય ધુરંધરો વારાફરતી મારી કામગીરી બજાવતા હતા એટલા સમય પૂરતો હું મારી જાતને તમારા જે તેના ક્રમે સમજતો હતો. આમ મારી પાયરી ભલે ઉપરનીચે થયા કરી પણ હું મારી મૂળ પાયરીથી નીચે તો ગયો જ નહિ; જ્યારે આપ સૌનું તો કામચલાઉ પણ Degradation (નીચલી પાયરીએ) થયા જ કર્યુ. મારા અર્ધા જૂઠ કથનને મારા વિદ્વાન Lawyerશ્રીએ પૂર્ણ ઝૂઠ સાબિત કરવાનું છે. મારું 10 B નું સ્થાન જે સાવ નીચેનું ગણાય ત્યાં આ ત્રણેય મુરબ્બીઓએ જવું પડ્યું, જે એમના માટે અને ખુદ મારા માટે પણ દુ:ખદ ગણાય!’

‘ભાઈ Liar, આ છેલ્લું કામ તો મારા માટે સાવ સરળ છે. ભલા માણસ, આપણી કલા એકબીજા ઉપર આધારિત અને એકબીજાની પૂરક હોઈ આપણે આપણાં સ્થાનો દસમા ક્રમે પણ A અને B તરીકે સ્વીકાર્યાં, પણ અંગત રીતે તો આપણે A સ્થાને કોણ અને B સ્થાને કોણ અર્થાત આપણા બેમાં ચઢિયાતું કોણ એ નક્કી કર્યું જ નથી અને કરવાનો સવાલ પણ ઉપસ્થિત થતો નથી. પતિપત્ની જેમ એકબીજા વગર અધુરાં ગણાય તેવું આપણી વચ્ચે પણ છે. આપણા મુરબ્બીઓ 10મા સ્થાન સુધી ગયા ગણાય, પણ 10 A કે 10 B તરીકે Specific તો નહિ જ. આમ દોસ્ત, તારું અર્ધું જૂઠું વિધાન પૂર્ણ જૂઠા વિધાન તરીકે સાબિત થઈને જ રહે છે.’

‘હું ‘રાત્રિ’ આપણા ‘હાસ્ય દરબાર’ના અધ્યક્ષ તરીકે આજની બેઠકને પૂર્ણ થએલી જાહેર કરું છું અને આગામી બેઠકોમાં આપણે 10 A અને 10 B સિવાયના આપણે તમામ દરબારી રત્નોએ પોતપોતાની વિશિષ્ઠતા સ્વમુખે જણાવવાની છે કે જેથી વિડીઓ  ફિલ્મ દ્વારા આપણા તમામ દરબારીજન દરબારીરત્ન તરીકે આપણા વિષે માહિતગાર થઈ શકે. ધન્યવાદ.’

– વલીભાઈ મુસા

(સંપૂર્ણ)

Click here to read Part – 1

Click here to read Part – 2

 

Tags: ,

2 responses to “(256) કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – 3

 1. સુરેશ

  June 21, 2011 at 10:30 pm

  વલીદા
  તમારા પેંગડામાં પગ ઘાલવાનું અમારું ગજું નૈં !!
  માશાલ્લાહ .. માન ગયે . તમારી કલ્પના શક્તિને સો સલામ.
  ———————-
  લીલો બાવો = વલીદા પણ થઈ શકે!

  Like

   
 2. dhavalrajgeera

  July 10, 2011 at 12:31 pm

  વલીદા

  માન ગયે . તમારી કલ્પના શક્તિને !

  Rajendra Trivedi,M.D.
  http://www.bpaindia.org

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: