RSS

Monthly Archives: August 2011

(268) દેવિકા ધ્રુવની ગઝલ ‘વાત લાવીછું’ ઉપરનો મારો પ્રતિભાવ

(268) દેવિકા ધ્રુવની ગઝલ ‘વાત લાવીછું’ ઉપરનો મારો પ્રતિભાવ

સુજ્ઞ સાહિત્યરસિકજનો,

દેવિકાબેન ઘ્રુવને મારી તાજેતરની અમેરિકાની મુલાકાત ટાણે હ્યુસ્ટનનિવાસી સાહિત્યસર્જકો વચ્ચે મળવાનું થયું. સર્વેએ સ્વમુખે પોતપોતાનો સંક્ષિપ્ત પરિચય આપ્યો તો ખરો, પણ એક સાથે બધું યાદ ન રહે તે સ્વાભાવિક છે. ભારત પાછા ફર્યા પછી જે કોઈ બ્લોગર ભાઈબહેન હતાં તેમના બ્લોગે જઈને તેમના વિષેની વિશેષ જાણકારી મેળવી લીધી. દેવિકાબેનના બ્લોગ ઉપરની તેમની તાજેતરની નીચેની ગઝલ નજરે ચઢી અને મારો માંહ્યલો વિવેચકીઓ જીવ કોઈક પ્રતિભાવ આપવા ઊંચાનીચો થવા માંડ્યો. મારા પ્રતિભાવને ખુદ દેવિકાબેને અને અન્ય વાંચકોએ બિરદાવતા પ્રતિભાવો આપ્યા અને લાલચ થઈ કે એ ગઝલ અને તેના ઉપરના મારા પ્રતિભાવને મારા બ્લોગ અને તે થકી મારી સૂચિત ગુજરાતી ઈ-બુક ‘મારી નજરે’માં સમાવી દઉં. બ્લોગીંગનો Protocol જાળવતાં મેં દેવિકાબેનની અનુમતિ માગી અને તેમણે સહર્ષ આપી પણ દીધી.

ચાલો તો, આપણે પહેલાં ગઝલને માણી લઈએ.

વાત લાવી છું

સોનેરી એક સાંજની આ વાત લાવી છું.
તારા મઢેલી રાત સમી આશ લાવી છું.

સૂરો નથી, કે સાજ ને સરગમ નથી છતાં,
ઝુલે હવા લળી લળી એ રાગ લાવી છું.

હો પાનખર બધે, ને છો સૂકી હવા વને,
ફરફરતું એક લીલું લીલું પાન લાવી છું.

પુષ્પો છે શબ્દ કેરા ને પાંખડી છે પ્રેમની,
સાથે અહીં હું લાગણીના હાર લાવી છું.

ના માનશો નયન થકી આંસુ વહી ગયું,
સત્કારવાને ભાવભીની આંખ લાવી છું.

મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં,
પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું….

– દેવિકાબેન ધ્રુવ (શબ્દોને પાલવડે)

મારો પ્રતિભાવ

દેવિકાજી,

નમસ્કાર.

પુનરાવર્તિત વાંચન છતાંય અતૃપ્ત જ રાખતી આ મનહર રચના હૃદયવીણાના તાર ઝણઝણવી ગઈ. કૃતિના અંતિમ ચરણે આવતાં સુધી રહસ્યમાં અટવાયા કરીએ કે આ વાત, આશ, રાગ, હરિત પાન, લાગણીના હાર કે ભાવભીની આંખ કવયિત્રી લાવે છે કોના માટે! અંતે ‘પ્રભુ’ શબ્દે રહસ્ય છતું થાય કે એ સઘળું તો પ્રભુ માટે જ અને એ પણ વિવિધ પ્રકારના પ્રસાદો હોય તેમ જ! અંતિમ કડીમાંનો અંતિમ પ્રસાદ તો અતિ મુલ્યવાન! કોમળ ભાવયુક્ત ભક્તિગાન! એક વાર નહિ, પણ સો વાર; એટલે કે વારંવાર! ભાઈશ્રી સુરેશ જાનીના પ્રતિભાવમાંના શબ્દ ‘માનસપૂજા’ ની જેમ જ આ ‘મૂક ભક્તિગાન’, બંધ હોઠનું ગાન, બાવન અક્ષર બહારનું ગાન! આ ગાન મનમાં જ અભિવ્યક્ત થાય અને નમન પણ મનોમન જ થાય;બાહ્ય ચેષ્ટાત્મક તો નહિ જ, નહિ!

મારા પ્રતિભાવના સમાપને કૃતિની સમાપનપંક્તિઓને હું ગણગણ્યા વગર નહિ રહી શકું કે “મન છે,નમન છે, હોઠ તો બસ બંધ છે અહીં;પણ ગાન મખમલી પ્રભુ સો વાર લાવી છું”

ધન્યવાદ, સંપૂર્ણતયા પરિપક્વ અને ભાવવાહી સર્જન બદલ.

સ્નેહાધીન,

વલીભાઈ

નોંધ:-

કૃતિનું અવલોકન મારું પોતીકું છે, કદાચ ખુદ કવયિત્રી કે અન્ય વાંચકોની માન્યતાઓ આનાથી ભિન્ન પણ હોઈ શકે.

– વલીભાઈ મુસા

Navin Banker says:

August 29, 2011 at 2:55 pm

શ્રી. વલીભાઇએ જે પ્રતિભાવ લખ્યો છે તે ખરેખર ઓથેન્ટીક પ્રતિભાવ છે.એક એક શબ્દ વાંચી, સમજી,એના હાર્દ સુધી પહોંચી, પછી એના અંગોનું ડીસેક્શન કરીને લખાય ત્યારે જ સાચો પ્રતિભાવ બને. અમારા જેવા છંદ, લય કશુંજ ન સમજતા તમને સારુ લગાડવા ‘સરસ’, ‘વાહ..વાહ;,’ક્યાખુબ’ એવું લખે એ બધા પ્રતિભાવો નથી. એનો કોઇ અર્થ પણ નથી. એ તો સંબંધનો શીષ્ટાચાર માત્ર છે. શ્રી. વલીભાઇ, વિવેક ટેલર, કે એવા જ અન્ય સક્ષમ સર્જકોના સશક્ત પ્રતિભાવો વાંચ્યા પછી, મને લાગે છે કે મારે અન-અધિક્રુત ઔપચારિક પ્રતિભાવો લખીને વેબપેજની જગ્યા બગાડવાનું સુક્ષ્મ ‘પાપ’ કરવાનું બંધ કરવું જોઇએ.
નવીન બેન્કર
૨૯ ઓગસ્ટ ૨૦૧૧

Valibhai Musa says:

August 29, 2011 at 5:29 pm

નવીનભાઈ,

કુશળ હશો. મિતાક્ષરી પ્રતિભાવને ‘પાપ’ સમજવાનું પાપ ન કરી બેસતા! ‘સરસ’, ‘વાહ..વાહ;,’ક્યાખુબ’ કહેવું એ તો ગઝલકારને અને ગઝલને દાદ આપવાની આચારસંહિતા છે. મુશાયરામાં રંગત લાવવા અને શાયરને પ્રોત્સાહન આપવા પ્રત્યક્ષ દાદ આપવી જરૂરી છે; બસ, તેમ જ બ્લોગરની રચનાને બ્લોગ ઉપર મુકાયા પછી બિરદાવવી જરૂરી બની જાય છે કે જેથી આગામી નવીન સર્જનો માટે સર્જકને પ્રેરણા મળી રહે. વિવેચન એ પણ એક સાહિત્યપ્રકાર છે. અન્ય સાહિત્યપ્રકારોની જેમ અહીં પણ અભ્યાસ અને કથનકૌશલ્ય જરૂરી બની જાય છે.

સ્નેહાધીન,
વલીભાઈ

 
2 Comments

Posted by on August 29, 2011 in લેખ

 

Tags: ,

(267) એ યાદગાર સાંજ …

(267) એ યાદગાર સાંજ …

મારી અમેરિકા ખાતેની સફરના અંતિમ દિવસોમાં સતત મારો સંપર્ક કરતા રહીને શ્રી વિજયભાઈ શાહે અમારા (સુરેશભાઈ જાની અને હું) માનમાં હ્યુસ્ટન ખાતેના ગુજરાતી સાહિત્યપ્રેમીઓનું એક લઘુ સંમેલન શ્રી પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટના નિવાસ સ્થાને પ્રયોજીને એ સાંજને મારા માટે યાદગાર બનાવી દીધી હતી. મારા આજના લેખ સંદર્ભના અગાઉના લેખ ‘ઉષ્માસભર આવકારો’ માં સુરેશભાઈએ પોતાના પ્રતિભાવમાં છેલ્લી ઘડીએ સંજોગોવશાત્ હ્યુસ્ટનના પાદરેથી પાછા નીકળી જવા બદલ અને લઘુ સંમેલનના લ્હાવાને માણવાનું ચૂકી જવા બદલ ‘બહુ દુખિયા અમે, બહુ દુખિયા’ શબ્દો વડે અફસોસ વ્યક્ત કરવો પડ્યો હતો.

શ્રી વિજયભાઈ શાહના બ્લોગ ‘વિજયનું ચિંતનજગત’માં “હ્યુસ્ટન ખાતે વલીભાઇ મુસાએ તા.૧૯ ઓગષ્ટ ૨૦૧૧નાં રોજ શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટના ત્યાં આપેલું મનનીય વક્તવ્ય” શીર્ષકે લઘુ સંમેલનનો લઘુ અહેવાલ મોજુદ હોઈ તેનું પુનરાવર્તન ન કરતાં તેમાંના કેટલાક અંશો વિષે થોડીક વિશદ વાતચીત અને સ્પષ્ટતાઓ કરીશ.

મરહુમ મહંમદઅલી પરમાર ‘સુફી’ ની મજાર ઉપર પુષ્પગુચ્છ અર્પણવિધિ અને તેમની રૂહની મગ્ફેરત માટેની મારી દુઆઓ (પ્રાર્થનાઓ)ની મારી તમન્ના પૂર્ણ થવામાં વિજયભાઈનું યોગદાન રહ્યું કે જેથી તેમની ગોઠવણી મુજબ મરહુમના સુપુત્ર જનાબ સિરાજભાઈ અને મરહુમનાં ધર્મપત્ની મોહતરમા ફાતિમાબેન સાથે એ ઉમદા કાર્ય પાર પડ્યું. મરહુમના 85 વર્ષના દીર્ઘકાલીન જીવનના અંતિમ ત્રણેક માસના સમયગાળાના જ મારા બ્લોગ માધ્યમના મૈત્રીસંબંધે હું તેમનાથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે તેમની ઝિયારત (બેસણા) પ્રસંગે મારા દિલે મરહુમના વિષેનો લાગણીભાવ જન્મ્યો અને “Paying Respect to the Late Mr. ‘Sufi’ લેખ લખાઈ ગયો.

મારા મુખ્ય બ્લોગ “William’s Tales” માંના લેખોને ગુજરાતી અને અંગ્રેજીમાં વિભાજિત કરીને તેમને વિષય કે સાહિત્ય પ્રકાર અનુસાર ઈ-બુક્સ બનાવવા માટેના તૈયારીરૂપ વિશેષ બ્લોગ્ઝનું આયોજન તો કરી દીધું છે, પણ તેને પરિપૂર્ણ કરવાનું લક્ષ અશક્ય નહિ, પણ મુશ્કેલ તો જરૂર છે જ. જોઈએ આગળ શું થાય છે; પણ નિખાલસભાવે એક વાત તો સ્પષ્ટ જણાવી દઉં કે ચંદ્રકાન્ત બક્ષી જેવા જીવનભર સાહિત્યના ભેખધારી રહી ચુકેલા અને ધુરંધર એવા વિરાટ વ્યક્તિત્વ ધરાવતા એ મહાનુભાવ સામે સાવ વામણા તરીકે મારી જાતને સમજતા મુજ નાચીજની કોઈ હસ્તી નથી કે તેમના પેંગડામાં પગ નાખવાનો વિચાર સુદ્ધાં પણ હું કરી શકું!

’હાઈકુ’ અંગેના મારા પ્રયોગો સાવ નવીન જ હોવાનો મારો કોઈ દાવો નથી, તેમજ એ પ્રયોગોને ‘સ્વીકાર્ય’ ની મહોર લાગે તેવી મારી કોઈ અપેક્ષા પણ નથી. ‘હાઈકુ’ ના સત્તર અક્ષરો કે જે છંદ રહિત હોય છે તેવાં હાઈકુથી હાઈકુ-સોનેટ કે હાઈકુ-ખંડકાવ્ય કે પછી એવા કોઈ કાવ્યપ્રકારનું નામાભિધાન કરી દેવું યથાર્થ તો નથી જ. ‘હાઈકુ’ પોતે એક કાવ્ય પ્રકાર છે અને તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકે તેવી તેની પાયાની શરત હોય છે. હવે મારા ઉપરોક્ત કહેવાતા હાઈકુ આધારિત અન્ય કાવ્યપ્રકારોમાં પ્રત્યેક હાઈકુને અન્યો ઉપર અવલંબિત રહેવું પડશે, જે હાઈકુના મૂળભૂત લક્ષણને હાનિકારક પુરવાર થશે. હા, મારા હાઈકુ ઉપરના પ્રયોગોની એક બીજી વાત કદાચ યથાર્થ ગણાશે છે કે મારી જેમ કોઈ હાઈકુકાર પોતાનાં હાઈકુને સાહિત્યના રસો અનુસાર જુદીજુદી શ્રેણીઓ કે હાઈકુપ્રકાર તરીકે ઓળખાવી શકે; જેમ કે હાસ્ય-હાઈકુ, વિષાદ કે કરૂણ હાઈકુ વગેરે.

ગુજરાતી સાહિત્ય અને ભાષાના સેવાયજ્ઞમાં હ્યુસ્ટનવાસી મિત્રો જે યોગદાન આપી રહ્યા છે તે બેમિસાલ છે. ગુજરાતી શબ્દજ્ઞાનવૃદ્ધિ માટે અવારનવાર પ્રયોજવામાં આવતી સ્પર્ધાઓ કે તરેહતરેહના શબ્દપ્રયોગોના સંકલન માટે મૂકવામાં આવતાં આમંત્રણો જેવી વિવિધ પ્રવૃત્તિઓથી હું હંમેશાં પ્રભાવિત થતો રહ્યો છું. મેં વિજયભાઈને ગુજરાતી બોલચાલ (Colloquial)ની ભાષામાં પુનરુક્તિદોષ જણાઈ આવે તેવા શબ્દપ્રયોગો એક્ત્ર કરવાની પ્રવૃત્તિ માટે સૂચન કર્યું હતું. મેં ઉદાહરણ તરીકે સુસ્વાગતમ્ અને અન્નજળપાણી શબ્દો આપ્યા હતા. બીજા બેએક શબ્દો એ વખતે યાદ આવ્યા ન હતા, જે અહીં આપું છું: ગુલાબજળપાણી, સજ્જન માણસ. અલંકારશાસ્ત્રમાંનાં વ્યાકરણનાં પુસ્તકોમાં ચાલ્યા આવતા પ્રણાલિકાગત પ્રકારોમાં અલ્પોક્તિ જેવા અલંકારો (સાહિત્યના નવ રસોમાં ઉમેરાએલા શાંત રસ અને ભક્તિ રસની જેમ) ને ઉમેરી શકાય.

‘એ યાદગાર સાંજ’ને સજાવવામાં યોગદાન આપનાર સૌ ભાઈબહેનોનો લેખની કદમર્યાદાને ધ્યાને લેતાં વિગતે ઉલ્લેખ ન કરી શકવા બદલ દિલગીરી અનુભવું છું. આમ છતાંય એક વાત તો અવશ્ય જણાવીશ કે “All’s well that ends well – અર્થાત્ જેનો અંત સારો તેનું સઘળું સારું.” ન્યાયે લખનવી નજાકતમાં કહેવાતો હળવો નાસ્તો, પણ વાસ્તવમાં ભારે ભોજન જેમાં શીરો પ્રમુખપદે હતો તેને આરોગવાનો અનેરો આનંદ સૌએ માણ્યો હતો. મારી બાયપાસ સર્જરી થઈ છે તે વિચારને બાયપાસ કરીને મેં શ્રાવક થયા વગર જ મળેલા શીરાને બરાબરનો ઝાપટ્યો હતો. આ તકે રમાબેન બ્રહ્મભટ્ટ અને પ્રદીપભાઈનાં બહેન સુકેશાબેનને યાદ કરવાં જ રહ્યાં. પ્રદીપભાઈના નિવાસસ્થાને જાવન અને મારા નિવાસસ્થાને પરત આવન માટેના ખનિજતેલરથના મારા સારથિઓ અનુક્રમે વિજયભાઈ અને ચીમનભાઈ પટેલનો હળવો આભાર માનું છું કે જેથી તેમને વધુ ભાર ન લાગે!

છેલ્લે એ સહિયારી સાંજનાં સૌ સાથી ભાઈબહેનોને ધન્યવાદ પાઠવીને વિદાય લઉં છું.

જય હો.

– વલીભાઈ મુસા

 

 

Tags:

(266) ઉષ્માસભર આવકારો

(266) ઉષ્માસભર આવકારો

મારી જુલાઈ-ઓગસ્ટ, 2011 દરમિયાનની અમેરિકા ખાતેની ઊડતી મુલાકાત ટાણેનો પ્રથમ મુકામ જુલાઈ 18, 2011ના રોજ ટેક્ષાસ રાજ્યના હ્યુસ્ટન ખાતે મારા મરહુમ મિત્ર હાજી જનાબ જાફરભાઈ (જેફ)ના સુપુત્ર મહંમદ રઝાના નિવાસસ્થાને થયો હતો. મારા વતનનાં સગાંસંબંધી અને સ્નેહીજનોની મુલાકાતો અને એક લગ્નસમારંભની પતાવટ પછી જુલાઈ 23, 2011ના રોજ મારો મોબાઈલ રણક્યો અને લીલા બટનને દબાવતાં જ ભાઈશ્રી વિજયકુમાર શાહના ભાવવાહી અવાજનો રણકાર થયો.

અમેરિકાના શિષ્ટાચાર અનુસાર મારી પૂર્વાનુમતિથી તેઓશ્રી પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટ સાથે સામા પગે મારી મુલાકાતે આવ્યા. બ્લોગર-નેટર મિત્રો તરીકે અને વંદનીય ગુર્જરભૂમીનાં સંતાનો હોવાના નાતે બંધુત્વભાવે મળવા આવેલા બંને મિત્રો પૈકી વિજયભાઈની આંખોમાં અશ્રુ ડોકાતાં હતાં, પણ પ્રદીપભાઈની આંખોમાંથી તો દડદડ આંસું વહી રહ્યાં હતાં. મારી હાલત તો ખેદજનક હતી, કેમ કે હું એ બંને મહાનુભાવોનાં અશ્રુવહન સામે મારી આંખોને ભીની પણ કરી શકતો ન હતો. હ્રદયના હર્ષના સંવેગોને અશ્રુ દ્વારા અભિવ્યક્ત કરતા એ બંને મિત્રોને અને મારા બ્લોગના વાંચકોને હું કઈ રીતે સમજાવું કે મારી હાલત તો બેગમ અખ્તરના મધુર કંઠે ગવાએલી એક ગઝલના વેદનાસભર આ શબ્દો જેવી હતી કે ‘દિલ તો રોતા હી રહે, આંખસે આંસુ ન બહે’!

વિજયભાઈ અજાણ્યા ન હતા, પણ પ્રદીપભાઈ તો મારા માટે સાવ અજનબી વ્યક્તિ હતા. આત્મીય સંબંધોનો પ્રભાવ હોય કે ગમે તે હોય, પણ અમે મનભર ઘણીય વાતો કરી. વિજયભાઈએ પોતાનાં કેટલાંક પુસ્તકોની ભેટ ધરી, તો પ્રદીપભાઈએ તો હું સુધબૂધ ગુમાવી બેસું એવી એક ફોટોફ્રેમ મને અર્પણ કરતાં મને ભેટી પડ્યા અને મારા ખભાને ભીંજવી ગયા. ફોટોફ્રેમમાં તેમણે મને અનુલક્ષીને રચેલું નીચેનું કાવ્ય મઢાએલું હતું.

મુ. વલીભાઈને સપ્રેમ

(પ્રદીપ બ્રહ્મભટ્ટ, વિજયભાઈ શાહ)

તા. 23/7/2011 હ્યુસ્ટન

પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા, મળતાં આનંદ થાય

મા સરસ્વતી સંતાનને જોતાં, હૈયું અમારું હરખાય

………પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.

કલમની કેડી સરળ તમારી, વાંચી વાંચકો ખુશ થાય

નિર્મળભાવનો પ્રેમ મળતાં, ગુજરાતીઓ રાજી થાય

જ્યોત પ્રેમની પ્રગટાવી તમે, જે અમને દોરી જાય

ભાષાચાહકને આંગળી ચીંધી, જે હ્યુસ્ટનમાં દેખાય

………પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.

મળ્યા મુ. વલીભાઈ અમને, અંતરમાં આનંદ થાય

આશીર્વાદની એક જ દોરે, અમારાં હૈયાં ખૂબ હરખાય

મળશે પ્રેમ હૃદયનો અમને, કલમથી કાગળો ભરાય

ગુજરાતીની ચાહત વધશે, ને ગ્રંથો બનશે ય અપાર

………પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.

પ્રદીપના વંદન શ્રી વલીભાઈને, જે વડીલ જ કહેવાય

કલમની કેડી સૌથી નિરાળી, વાંચી વિજયભાઈ હરખાય

આવ્યા આજે હ્યુસ્ટન ગામે, તક અમને ત્યાં મળી જાય

રાખજો કૃપાપ્રેમ અમો પર, જે કલમની કેડીએ લઈ જાય

………પાલનપુરથી હ્યુસ્ટન આવ્યા.

++++++

પાલનપુરથી મુ. શ્રી વલીભાઈ મુસા અત્રે હ્યુસ્ટન પધાર્યા છે. તેમને અહીંના સાહિત્યપ્રેમી અને લેખકોની યાદ રૂપે આ લખાણ સપ્રેમ હું અર્પણ કરું છું.

લિ. પ્રદીપ બ્રહ્મભટ્ટ તા. 23/7/2011

+++++++++++++++++

અહીં આ કાવ્ય પૂરું થાય છે અને હ્યુસ્ટનના મારા સંભારણાના આગામી અન્ય લેખમાં આ જ કવિ શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટનું બીજું કાવ્ય પણ મૂકીશ. મારા આ બંને લેખો કે તેમાંનાં બંને કાવ્યો અંગે હું પ્રમાણિકપણે કહી દઉં છું કે એમાં મારો આત્મશ્લાઘાનો મુદ્દલે કોઈ ભાવ નથી. હું તો ઓલિયા જેવા લાગણીશીલ ભલા આ માણસના વ્યક્તિત્વને આપ સૌ વાંચકો સમક્ષ એટલા માટે ઉજાગર કરી રહ્યો છું કે જેથી મહાભારતમાંનાં યુધિષ્ઠિર અને દુર્યોધનનાં દુનિયા વિષેનાં મંતવ્યોને અને ઉભયનાં ચારિત્ર્યોને સુપેરે સમજી શકાય. યુધિષ્ઠિરને દુનિયા ભલી દેખાય છે અને દુર્યોધનને દુષ્ટ લાગે છે. પ્રદીપભાઈને નિકટથી ઓળખનારા તેમની સાથેની મારી આ પહેલી મુલાકાત પછીના તેમના વિષેના મારા ખ્યાલ સાથે સંમત થશે જ કે તેઓશ્રી, અંગ્રેજી કથનશૈલી મુજબ કહું તો, પોતાની ઊંચાઈના પ્રત્યેક ઈંચ (નખશિખ) એક સજ્જન છે.

મારા લેખના અતિવિસ્તારને અવગણીને પણ અમારી આ પહેલી મુલાકાત પછીના, સમભાવીઓને ભાવવિભોર કરી દેવા માટે સમર્થ એવા, અમારી અન્યોન્યની વિદાયના આખરી દૃશ્યને વર્ણવી દેવાની લાલચને ખાળી નથી શક્તો. અમે છૂટા પડવા માટે અમારાં સ્થાનોથી ઊભા થઈએ છીએ, ત્યાં તો મારી કલ્પના બહાર સાવ અચાનક વિજયભાઈ અને પ્રદીપભાઈ મારા ચરણસ્પર્શ માટે નીચે ઝૂકવા જાય છે અને હું ઉભયને તેમ કરતાં રોકી દેવા ‘અરે, અરે!’ ના ઉદગાર સાથે મારા ઘૂંટણિયે બેસી જાઉં છું. હું મારી આસ્થાને સમજાવતાં કહું છું કે કોઈ પણ વડીલ જન કે મહાન વિભૂતિને એક હદ કરતાં વધારે નમન ન કરી શકાય, કેમ કે તેવી ચેષ્ટા વ્યક્તિપુજામાં સમાવિષ્ટ થઈ જાય, જાણેઅજાણે તેમને ભગવાનનો દરજ્જો અપાઈ જાય અને આપણે અક્ષમ્ય એવા દોષમાં સપડાઈ જઈએ. મેં તેમને હસતાં હસતાં ભૂમિતિ શીખવતો હોઉં તેમ સમજાવ્યું કે આપણે ટટ્ટાર ઊભા હોઈએ ત્યારે 180 અંશના ખૂણે કહેવાઈએ. કોઈને માનસન્માન આપવામાં એટલી કાળજી રાખવી જોઈએ કે આપણે 90 અંશથી વધારે નીચા ન નમી જઈએ.

તેમણે મિતાક્ષરી પ્રત્યુત્તર પાઠવ્યો કે ‘એ તો અમારા સંસ્કાર છે’ અને હું મનોમન તેમની ભાવનાને વંદી રહ્યો.

– વલીભાઈ મુસા.

 

 
4 Comments

Posted by on August 25, 2011 in લેખ

 

Tags:

(265) પેલાના રૌદ્ર સ્વરૂપે! (હાસ્યકાવ્ય)

(265) પેલાના રૌદ્ર સ્વરૂપે! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

અને એણે શરૂ કર્યું,

સુસંસ્કૃત ગાલીપ્રદાન!

કંઈક આવા શબ્દોમાં:

“આપને મારાથી એમ તો શી રીતે કહી શકાય

કે આપ મૂર્ખ શિરોમણી છો!” (1)

તો વળી આમ પણ કહ્યું,

“બીજાઓ ભલેને આપને સંબોધતા હોય,

બુધ્ધુના બેલ અને અક્કલના ઓથમીર તરીકે!

પણ હું તેમના જેવો નથી.

આમ છતાંય આપ મને તેમના જેવો માનવા ઈચ્છો,

તો હું આપને રોકી તો કેવી રીતે શકું!” (2)

પેલા બિચારાને સમજ ન પડે આવા ભારેખમ શબ્દોમાં,

વળી, આમ બોલીને તો તેણે હદ કરી નાખી,

“મારી પત્નીના પિતાતુલ્ય સમા આપ મને હજુ ઓળખતા નથી લાગતા!” (3)

આમાં તો વળી સમજાય એવું જ બોલી ગયો તે કે

“આપને હું 420 નથી કહેતો, એ તો ભારતના ફોજદારી ધારામાં એ નંબરની કલમ છે!” (4)

આમ છતાંય તે તો બાઘાની જેમ સાંભળતો જ રહ્યો.

લોકો એકત્ર થઈ જૂએ તમાશો,

વળી કેટલાક ધારદાર બુદ્ધિના સ્વામી તો

ધારી જ બેઠા હતા કે

થાશે કંઈક નવાજૂની આજ તો! (5)

પેલાએ તો સુગર કોટેડ શબ્દોમાં વળી કહ્યું,

“હું કંઈ આપના પરમ પૂજ્ય પિતાશ્રીનો સેવક નથી!” (6)

કાં તો નિર્લેપ ભાવે અને કાં તો કંઈ સમજાતું નહિ હોય,

જે હોય તે પણ તે બિચારો સાંભળતો જ રહ્યો,

અને પેલાને શૂર ચઢતું જ રહ્યું, (7)

અને સ્ફોટક શબ્દોમાં આમ પણ બોલી ગયો,

“મારી પત્નીને ચાર ભાઈઓ હોઈ આપને પાંચમા તરીકે તો કઈ રીતે પ્રસ્થાપી શકું?” (8)

પણ, બધાના આશ્ચર્ય વચ્ચે તે ખામોશ જ રહ્યો,

જાણે કે જીભ લકવાગ્રસ્ત ન થઈ હોય!

હજુ પેલો તો ઠંડા કલેજે બક્યે જતો હતો,

કદાચ એવા બદઈરાદે કે ગમે તે રીતે પેલાને ગુસ્સે કરવો! (9)

આ વેળાએ તો સમજાય એવા સરળ શબ્દોમાં તે બોલી ગયો,

“ગાંધી બાપુએ ઊંચનીચના ભેદભાવ

મિટાવી દીધા હોઈ આપને મારાથી નીચ તો શીદને કહેવાય!” (10)

પણ, કોઈ અસર નહિ!

શું તે બધિર તો નહિ હોય!

ના, એમ તો નહિ જ હોય, નહિ તો પેલો આટલું બધું બોલે ખરો! (11)

આ વખતે તો પેલાના પુરુષત્વની કસોટી કરતો હોય તેમ બોલ્યો,

“આપ આપની પત્નીના સારા વર એટલે કે સુવર છો એ બરાબર;

પણ એમ કંઈ લાગણીના આવેશમાં આવી જઈને,

‘વ’ ઉપર ભાર દઈને, તો આપને ન જ બોલાવી શકાય ને!” (12)

પણ, આ શું? કોઈ જ અસર નહિ!

હવે તો ઝગડો કરવાના ઈરાદે

તેણે પેલાને નાનકડું સંભાષણ ઠોકી દીધું! (13)

“હું આપને આપની બત્રીસી તોડી નાખવાની ધમકી એટલા માટે નથી આપતો,

કેમ કે હું ગમે તેટલા બળથી મુક્કો મારું તોયે,

એકાદ બે દાંત તો રહી જવાના;

વળી દરેકને બત્રીસ દાંત ન પણ હોય,

કોઈને અઠ્ઠાવીસ કે ત્રીસ પણ હોઈ શકે!

મારું આખરી સંભવિત કારણ એ પણ છે કે

મારી બત્રીસી તોડી નાખવાની ધમકીના શબ્દો પૂરા થવા પહેલાં,

તમે કદાચ ચોકઠાને હાથમાં લઈ લો તો!” (14)

શ્રોતાજન સૌ હસી પડ્યા!

પણ, આ શું?

પેલો તો વીજગતિએ ધસી ગયો પેલા ભણી,

અને, એક જ મુક્કાના પ્રહારે,

પેલાના દાંત પડ્યા તો નહિ,

પણ મૂળમાંથી હાલી ગયા તો જરૂર હશે! (15)

પેલાના મુખમાંથી લોહી દદડતું,

જાણે કે લોહીની ઊલટીઓ ન થતી હોય!

ટોળું ટપોટપ વિખરાયું,

પેલાના રૌદ્ર સ્વરૂપે! (16)

-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”