RSS

(265) પેલાના રૌદ્ર સ્વરૂપે! (હાસ્યકાવ્ય)

14 Aug
(265) પેલાના રૌદ્ર સ્વરૂપે! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

અને એણે શરૂ કર્યું,

સુસંસ્કૃત ગાલીપ્રદાન!

કંઈક આવા શબ્દોમાં:

“આપને મારાથી એમ તો શી રીતે કહી શકાય

કે આપ મૂર્ખ શિરોમણી છો!” (1)

તો વળી આમ પણ કહ્યું,

“બીજાઓ ભલેને આપને સંબોધતા હોય,

બુધ્ધુના બેલ અને અક્કલના ઓથમીર તરીકે!

પણ હું તેમના જેવો નથી.

આમ છતાંય આપ મને તેમના જેવો માનવા ઈચ્છો,

તો હું આપને રોકી તો કેવી રીતે શકું!” (2)

પેલા બિચારાને સમજ ન પડે આવા ભારેખમ શબ્દોમાં,

વળી, આમ બોલીને તો તેણે હદ કરી નાખી,

“મારી પત્નીના પિતાતુલ્ય સમા આપ મને હજુ ઓળખતા નથી લાગતા!” (3)

આમાં તો વળી સમજાય એવું જ બોલી ગયો તે કે

“આપને હું 420 નથી કહેતો, એ તો ભારતના ફોજદારી ધારામાં એ નંબરની કલમ છે!” (4)

આમ છતાંય તે તો બાઘાની જેમ સાંભળતો જ રહ્યો.

લોકો એકત્ર થઈ જૂએ તમાશો,

વળી કેટલાક ધારદાર બુદ્ધિના સ્વામી તો

ધારી જ બેઠા હતા કે

થાશે કંઈક નવાજૂની આજ તો! (5)

પેલાએ તો સુગર કોટેડ શબ્દોમાં વળી કહ્યું,

“હું કંઈ આપના પરમ પૂજ્ય પિતાશ્રીનો સેવક નથી!” (6)

કાં તો નિર્લેપ ભાવે અને કાં તો કંઈ સમજાતું નહિ હોય,

જે હોય તે પણ તે બિચારો સાંભળતો જ રહ્યો,

અને પેલાને શૂર ચઢતું જ રહ્યું, (7)

અને સ્ફોટક શબ્દોમાં આમ પણ બોલી ગયો,

“મારી પત્નીને ચાર ભાઈઓ હોઈ આપને પાંચમા તરીકે તો કઈ રીતે પ્રસ્થાપી શકું?” (8)

પણ, બધાના આશ્ચર્ય વચ્ચે તે ખામોશ જ રહ્યો,

જાણે કે જીભ લકવાગ્રસ્ત ન થઈ હોય!

હજુ પેલો તો ઠંડા કલેજે બક્યે જતો હતો,

કદાચ એવા બદઈરાદે કે ગમે તે રીતે પેલાને ગુસ્સે કરવો! (9)

આ વેળાએ તો સમજાય એવા સરળ શબ્દોમાં તે બોલી ગયો,

“ગાંધી બાપુએ ઊંચનીચના ભેદભાવ

મિટાવી દીધા હોઈ આપને મારાથી નીચ તો શીદને કહેવાય!” (10)

પણ, કોઈ અસર નહિ!

શું તે બધિર તો નહિ હોય!

ના, એમ તો નહિ જ હોય, નહિ તો પેલો આટલું બધું બોલે ખરો! (11)

આ વખતે તો પેલાના પુરુષત્વની કસોટી કરતો હોય તેમ બોલ્યો,

“આપ આપની પત્નીના સારા વર એટલે કે સુવર છો એ બરાબર;

પણ એમ કંઈ લાગણીના આવેશમાં આવી જઈને,

‘વ’ ઉપર ભાર દઈને, તો આપને ન જ બોલાવી શકાય ને!” (12)

પણ, આ શું? કોઈ જ અસર નહિ!

હવે તો ઝગડો કરવાના ઈરાદે

તેણે પેલાને નાનકડું સંભાષણ ઠોકી દીધું! (13)

“હું આપને આપની બત્રીસી તોડી નાખવાની ધમકી એટલા માટે નથી આપતો,

કેમ કે હું ગમે તેટલા બળથી મુક્કો મારું તોયે,

એકાદ બે દાંત તો રહી જવાના;

વળી દરેકને બત્રીસ દાંત ન પણ હોય,

કોઈને અઠ્ઠાવીસ કે ત્રીસ પણ હોઈ શકે!

મારું આખરી સંભવિત કારણ એ પણ છે કે

મારી બત્રીસી તોડી નાખવાની ધમકીના શબ્દો પૂરા થવા પહેલાં,

તમે કદાચ ચોકઠાને હાથમાં લઈ લો તો!” (14)

શ્રોતાજન સૌ હસી પડ્યા!

પણ, આ શું?

પેલો તો વીજગતિએ ધસી ગયો પેલા ભણી,

અને, એક જ મુક્કાના પ્રહારે,

પેલાના દાંત પડ્યા તો નહિ,

પણ મૂળમાંથી હાલી ગયા તો જરૂર હશે! (15)

પેલાના મુખમાંથી લોહી દદડતું,

જાણે કે લોહીની ઊલટીઓ ન થતી હોય!

ટોળું ટપોટપ વિખરાયું,

પેલાના રૌદ્ર સ્વરૂપે! (16)

-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”


 

4 responses to “(265) પેલાના રૌદ્ર સ્વરૂપે! (હાસ્યકાવ્ય)

 1. સુરેશ

  October 21, 2011 at 8:15 pm

  મજો આવી ગયો. હવે ધાણધારીમાં થાવા દ્યો .
  પેલા બેની ઓળખ? હાદ રત્નો ૧૧,૧૨ તો ના જ હોય. આપણે ક્યાં કો’દિ સુસંસ્કૃત કે અસંસ્કૃત ગાલીપ્રદાન કીધેલું છે, કે કરવું છે- તે આવા જણ કામમાં લાગે?
  હા અર્થના અનર્થની વાત જુદી છે !

  Like

   
 2. Valibhai Musa

  October 21, 2011 at 9:12 pm

  સુરેશભાઈ,
  “જરા કહેશો, ડોકરીનો આઈ ક્યુ!” અને
  “ધોંણધારિયો ટેક્સી ડરાઈવર”
  આમ બે તો ધાણધારીમાં જવા દીધાં, તો ય તમારું માન રાખીને આગામી નવું એક ધાણધારીમાં આવશે.
  ધીરજ રાખજો, બાપલિયા!

  Like

   
 3. pragnaju

  October 21, 2011 at 9:33 pm

  ‘क्ष्दढत्दत्द्यड्ढ त्द ठ्ठथ्थ्‌ क़्त्द्धड्ढड़द्यत्दृद‘…………

  सौधात्प्लवङ्ग-पति-मुष्टि-हतो दशास्यः ।
  दंत-क्खां कबोले काग्गहुब्बेल्लिओ अ धम्मिल्लो ।

  Like

   
 4. પંચમ શુક્લ

  October 21, 2011 at 10:34 pm

  મઝાનું કાવ્ય વલીભાઈ.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: