RSS

(269) હાસ્ય દરબારનાં રત્નો – 3 (રત્નાંક – 3) * હરનિશ જાની

12 Sep
(269) હાસ્ય દરબારનાં રત્નો – 3 (રત્નાંક – 3) * હરનિશ જાની

હરનિશ જાની (3)

‘હાસ્યદરબાર’નાં નવ રત્નોની પરિચયલેખમાળામાં માનનીય શ્રી હરનિશભાઈ જાનીને રત્નાંક – 3 તરીકે આવકારતાં-ઓળખાવતાં- બિરદાવતાં-છંછેડતાં-શું શું કરતાં અને શું શું ન કરતાં- હું અકથ્ય એવી કોઈક લાગણી અનુભવી રહ્યો છું. રેલ્વેના સીંગલ ટ્રેકના જમાનાના જૂના નિયમોમાં હતું કે સામસામેની દિશાએથી આવીને કોઈ સ્ટેશને ભેગી થતી ટ્રેઈનો પૈકી મોડી આવનારી ટ્રેઈન વહેલી ઊપડે (અર્થાત્  તેને અગ્રીમતા અપાય), બસ તેવી જ રીતે    ‘હાસ્યદરબાર’માં મોડેથી દાખલ થનાર એવા મને એ બ્લોગના ધણીધોરીઓએ અગ્રીમતા આપી છે તેમ કહું તેના કરતાં એમ કહેવું વધારે યોગ્ય ગણાશે કે એ વાલીડાઓએ મને એ પ્રતિભાશાળી રત્નો સામે ભીડાવ્યો છે!

સુરેશભાઈ જાનીએ પોતાના બ્લોગ ઉપર પુસ્તક પરિચય શ્રેણી હેઠળ હરનિશભાઈના હાસ્યગ્રંથ “સુશીલા” વિષે બે શબ્દો (પહેલા અને છેલ્લાને જ ગણીએ તો!) લખતાં તેમના વિષેનો આછેરો પરિચય આપ્યો છે. વળી એ જ બ્લોગ ઉપર પ્રતિભાપરિચય વિભાગે હરનિશભાઈએ પોતે જ હાસ્યની છોળો ઉડાડતા પોતાના જ શબ્દોમાં પોતાનો પરિચય આપ્યો હોઈ તેમના પરિચય વિષે મારે વિશેષ કશું કહેવાપણું રહેતું નથી. આમ છતાંય “હાસ્યદરબાર”ના પરિપ્રેક્ષ્યમાં અને મારા તેમની સાથેના અંગત પરિચયના ભાગરૂપે આવડે તેવું લખવાનો પ્રયત્ન કરું છું અને આશા રાખું છું કે આપ સૌ વાંચકો પણ યથાશક્તિ હસી લેવા કે આ લખાણને હસી કાઢવા પ્રયત્ન કરશો.

એક શહેરની દરજીગલીમાંના દરજીભાઈઓએ પોતપોતાની દુકાને પાટિયાંના ચિતરામણમાં ‘શહેરનો શ્રેષ્ઠ દરજી’, ‘તાલુકા-જિલ્લા-રાજ્ય-દેશ-દુનિયાનો શ્રેષ દરજી’ જેવાં સુત્રો લખાવેલાં; પણ ગલીના છેડેના એક ખૂણામાંના એક દરજીભાઈએ સાવ નમ્ર ભાવે લખાવ્યું હતું કે ‘આ ગલીનો શ્રેષ્ઠ દરજી!’. કોઈ નોબલ પ્રાઈઝ વિજેતાનું છોકરડાંઓ દ્વારા પેન્સિલ, રબર કે કંપાસ બોક્ષ જેવાં ઈનામો થકી બહુમાન કરવામાં આવે તો તેમાં જરાય અજુગતું એટલા માટે નથી કે તેમાં ભાવ(હૃદયના)નું મહત્વ છે; નહિ કે વસ્તુના ભાવ(કિંમત)નું! પોતાના પિતાના નામે નામ એવા પ્રથમ ‘સુધન’ હાસ્યપુસ્તકે અને માતાના નામે નામ એવા દ્વિતીય ‘સુશીલા’ હાસ્યપુસ્તકે સાહિત્યજગતમાં હાસ્યલેખક અને હાસ્યકાર તરીકે જેમની ધજા ફરકતી હોય, તેવા હાસ્યસમ્રાટ એવા હરનિશભાઈ જાનીને  ‘હાસ્યદરબાર’ જેવા ક્ષુલ્લક બ્લોગડાના દરબારી રત્ન તરીકે સન્માનવા કે ઓળખાવવા એ ‘અહો વૈચિત્ર્યમ્!’ જેવું લાગશે, પણ ‘ભાવ’ભાવે વિચારતાં આ ચેષ્ટા યથોચિત ગણાશે.

‘હાસ્યદરબાર’ બ્લોગ ઉપર ‘પ્યાર-તકરાર’ લઈને હરનિશભાઈ આવ્યા અને મેં મારા પ્રતિભાવ દ્વારા ઉભય(કૃતિ અને કર્તા)ને પોખીને તેમનું સામૈયું કર્યું. આમ અમે બંને દ્વિપગાં સામાજિક પ્રાણીઓ એકબીજાના પરિચયમાં આવ્યાં. આગળ સમય જતાં અમે ગુણાનુબંધના ચુંબકે એકબીજા પ્રતિ ખેંચાતા રહ્યા. મારા હૃદયની બાયપાસ સર્જરી ટાણે તેમણે પોતાનો ‘એક દિલ સો અફસાને’ હાસ્યલેખ મને મોકલી આપ્યો, જે મારા માટે હાસ્યથેરાપી બનવાથી  હું સર્જરી માટે માનસિક રીતે તૈયાર થયો. તાજેતરના મારા અમેરિકાના પ્રવાસ દરમિયાન હરનિશભાઈએ મને જાણ કરી હતી કે હું તેમનાથી ક્યાંક નજીકમાં હોઉં તો તેઓ તેમનાં શ્રીમતીજી સાથે મને મળવા આવી શકે. મારા સુજ્ઞ વાંચકોએ હવે જાતે જ નક્કી કરી લેવું પડશે કે હરનિશભાઈની મને રૂબરૂ મળવાની અદમ્ય ઈચ્છા એ શું બતાવે છે – અમારી વચ્ચેનો પ્યાર કે પછી તકરાર!

સુરેશભાઈ જાની તેમના વિષે લખે છે કે તેમના લેખોમાં વ્યંગ જરૂર છે, પણ ક્યાંય કડવાશ નથી! હાસ્યલેખકે કે હાસ્યકારે મીઠડા બનવું જ પડે, અન્યથા દિવસરાત કમાન્ડો સાથે ફરવું પોષાય નહિ!  જો કે જ્યોતીન્દ્ર દવેની સરખામણીએ હરનિશભાઈ અલમસ્ત લાગતા હોઈ કોઈકવાર કમાન્ડો જ પિટાતા હોય તો તેમને બચાવવા માટે તેઓશ્રી સક્ષમ સાબિત થઈ શકે!

‘હાસ્યદરબાર’ની આવરદાને અવલોકતાં જાણવા મળે છે કે હરનિશભાઈએ પ્રસંગોપાત નાનામોટા પોતાના યોગદાન દ્વારા બ્લોગની બહોળી પ્રસિદ્ધિ માટે તેને લાભ પહોંચાડ્યો છે; જે સામાન્ય રીતે શક્ય બને નહિ, કેમકે કોઈ સાગરખેડુ ખાબોચિયામાં કાગળની હોડીઓ તરતી મૂકે નહિ! મોટા ગજાના હાસ્યલેખકનું નાનાઓ સાથે ભળી જવું એ તેમની નાનમ નહિ, પણ મોટપ છે. ‘હાસ્યદરબાર’ ઉપર તેમનાં હાસ્યપુસ્તકોમાંના કેટલાક ધર્મ, લગ્ન અને ધંધાકીય જાહેરાતો વિષેના ચમકારા જો કોઈએ માણવા હોય તો તેમણે તે બ્લોગ ઉપર જઈ ‘હરનિશ જાની’ શબ્દોએ ‘શોધ’ આદરવી પડે! ક્યાંક વળી આ મહાશય અંગ્રેજીમાં કોઈક Jokes મોકલી આપે, તો વળી “ગોલ્ડન એઈજ” જેવી પોતાની કોઈ હાસ્યકવિતા દ્વારા વાંચકોને તેમની અનિચ્છા છતાંય હસવાની ફરજ પાડે!

આ લઘુ પરિચયલેખને આટોપવા પહેલાં ‘હાસ્યદરબાર’ ઉપરના હરનિશભાઈના હાસ્યલેખ ‘જાગો સોનેવાલો’માંના મારા પ્રતિભાવને ભાવપૂર્વક એટલા માટે અહીં રજૂ કરું છું કે તેઓશ્રીને પોતાના હાસ્યગ્રંથ ‘સુશીલા’ સબબે ‘જ્યોતીન્દ્ર હ. દવે પારિતિષિક’ થી સન્માનિત કરવામાં આવ્યા તે બદલ તેમાં મેં મારો એક વિચાર પ્રદર્શિત કર્યો હતો :

“જ્યોતીન્દ્ર હ. દવેને ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ મળેલો. ગુજરાતી સાહિત્ય પરિષદે વળી ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’થી તમને સન્માનિત કર્યા. આ સિલસિલો આગળ વધતો રહે તો કેવું સારું! શુભેચ્છા પાઠવું છું અને અપેક્ષા સેવું છું કે હાસ્ય સાહિત્યને તમારા તરફથી હજુ પણ વધુને વધુ યોગદાન મળતું રહે કે જેથી ‘હરનિશ જાની પારિતોષિક’ ની ઘોષણા જલદી થાય!”

મારા ઉપરોક્ત વિચાર અને મનોભાવને શ્રી હરનિશભાઈ નીચેના શબ્દોમાં આવકારે છે, જેને લઈને હાલ પૂરતો તો હું મારી જાતને મનાવું છું એ રીતે જાણે કે મને ‘હરનિશ જાની પારિતોષિક’ થી ખુદ હરનિશભાઈએ નવાજી દીધો છે! તેમના શબ્દો આ પ્રમાણે છે :

“વલીભાઇ, તમે તો સિક્સર મારી! આવા અભિનંદન તો તમે જ આપી શકો અને આ એક અનોખા અભિનંદન ગણાય! પરંતુ તમે મને એક નવી દૃષ્ટિ બક્ષી છે. આવો વિચાર મને કદી નથી આવ્યો. આજે ને આજે પત્ની અને બાળકોને આ આઇડિયા આપીશ કે જેથી ‘હરનિશ જાની સુવર્ણચંદ્રક’ મારા ગયા પછી યોગ્ય વ્યક્તિને મળે. જુઓ, મારામાં આ વિચારના પ્રણેતા વલીભાઇ મુસા છે. એટલે આમ અચાનક જ આપ આવા નેક કામમાં ભાગીદાર બનશો. જોયું! ભગવાન કેવી કેવી રીતે કામ કરે છે! હવે તબિયત કેમ છે-ઓપરેશન પછી દસ વરસ જુવાન થઈ ગયા ને!”

સમાપને, શ્રી હરનિશભાઈ જાની અને મારા સંયુક્ત નિવેદને અંગ્રેજીમાં અને લોકજીભે ચવાઈ ગએલા સુત્ર ‘Laugh and grow fat!’ને આપ સૌ વાંચકોને પુન: યાદ અપાવીને વિરમું છું.

હાસ્ય હો!

– વલીભાઈ મુસા

ક્રમશ: 4

 

Tags: ,

7 responses to “(269) હાસ્ય દરબારનાં રત્નો – 3 (રત્નાંક – 3) * હરનિશ જાની

  1. dhavalrajgeera

    September 12, 2011 at 12:44 pm

    Valibhai You are back home….here is your wish…want or order….!!

    Like

     
  2. સુરેશ

    September 12, 2011 at 12:54 pm

    “જ્યોતીન્દ્ર હ. દવેને ‘રણજીતરામ સુવર્ણચંદ્રક’ મળેલો. ગુજરાતી સાહિત્ય પરિષદે વળી ‘જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’થી તમને સન્માનિત કર્યા. આ સિલસિલો આગળ વધતો રહે તો કેવું સારું! શુભેચ્છા પાઠવું છું અને અપેક્ષા સેવું છું કે હાસ્ય સાહિત્યને તમારા તરફથી હજુ પણ વધુને વધુ યોગદાન મળતું રહે કે જેથી ‘હરનિશ જાની પારિતોષિક’ ની ઘોષણા જલદી થાય!”
    ————————
    મારી અંતરની ઈચ્છા અને પ્રસ્તાવ …
    પહેલું ‘ હરનિશ જાની’ પારિતોષિક અમારા વાલીડા , હાહાકાર, વલીદાને એનાયત કરવામાં આવે.

    Like

     
  3. Valibhai Musa

    September 12, 2011 at 7:34 pm

    ભાઈ શ્રી વલીભાઈ,

    સુખરુપ તમારા ઘરકિલ્લે પહોંચી ગયા હશો. આપની હ્યુસ્ટનની મુલાકાત અને સાહિત્ય બેઠકનો અહેવાલ વાંચ્યો. સુરેશભાઈની ગેર હાજરી માનવામાં ન આવી. પણ દુનિયામાં બધું આપણી મરજી પ્રમાણે થોડું થાય છે? જેવા જેના સંજોગો. આપની સાથે ફોન પર વાત કરતાં આપના ઉત્તર ગુજરાતના એક્સન્ટ (ઉચ્ચાર) વરસો પછી સાંભળ્યા. ગમ્યા. વધારે સાંભળવાની ઈચ્છા હતી. કાંઈ નહીં. ભવિષ્યમાં ફરી.

    મારા પર આટલો પ્રેમાળ લેખ લખ્યો છે તે બદાલ આભાર. વાંચતાં મને પોતાને ક્ષોભ લાગે છે. અને તેમાં હું સુધારા સૂચવું તો ખૂબ નીચે પહોંચી જઉં. મહાભારતમાં શ્રી ક્રૃષ્ણએ આત્મશ્લાઘાને આપઘાત ગણાવ્યો છે. અને મારું માનવું છે કે આપના જેવા મિત્રો આવું લખે એનાથી મોટો એવોર્ડ કયો?

    એક વાત. મારી બે દિકરીઓએ “હરનિશ જાની હાસ્ય પારિતોષીક”ની જવાબદારી લઈ લીધી છે.મારા જીવતાં જો હું કરું તો મને પોતાને જ દુખ થાય. તેમ છતાં આવા સુવિચારનો જશ આપને જ જાય છે.

    મારા બાળકોએ ૧૪મી મે ને દિવસે મારી ૭૦ મી વરસગાંઠ ઉજવી હતી તેની ક્લીપ મોકલું છું.
    ભાઈશ્રી સુરેશ ભાઈ અને તમે આવો જ સ્નેહ વહાવતા રહેશો.

    આપનો
    હરનિશ.
    (ઈ-મેઈલ)
    :-

    Like

     
  4. Valibhai Musa

    September 13, 2011 at 1:28 pm

    Thanks for sharing. Such creations make life pleasurable as well as enjoyable. It’s an acculturation experience that enriches one’s emotional personality.
    With salam from,
    Dawoodbhai
    (e-mail)
    ghanchida1927(AT)yahoo.com

    Like

     
    • Valibhai Musa

      September 13, 2011 at 1:33 pm

      Thanks for responding to my work dedicated to HASYA DARBAR as a Guest Blogger just for entertainment of the Readers.
      With warm regards,
      Valibhai

      Like

       
  5. dhavalrajgeera

    September 13, 2011 at 10:39 pm

    Dear Valibhai,

    You choose what you like to be..for Hasyadarbar.
    Engine. Guard or Guide?
    a Guest Blogger is not accepted,You can be good Conductor!
    Rajendra Trivedi, M.D.
    Dhavalrajgeera
    Editor
    Hasyadarbar

    Like

     
    • Valibhai Musa

      September 14, 2011 at 2:31 am

      Thanks for your generous offers. No any designation is accepted. I wish to be merely a peon to serve the Hasya Darbar, nothing else!

      Like

       

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.