મારા અગાઉના લેખ “કલારત્નયુગ્મની કલાકમાલ! (પ્રહસન) – 3” માં “રાત્રિ”એ જાહેર કર્યા મુજબ આગામી બેઠકોમાં નવીન 10 A અને 10 B એ બે પૂરક રત્નો સિવાયનાં મૂળભૂત નવેય દરબારી રત્નોએ પોતપોતાની વિશિષ્ઠતાઓ સ્વમુખે જણાવવાની હતી. મારા હરનિશભાઈ જાની ઉપરના પરિચયલેખના પ્રતિભાવમાંના તેઓશ્રીના કથન ‘મહાભારતમાં શ્રી ક્રૃષ્ણે આત્મશ્લાઘાને આપઘાત ગણાવ્યો છે’ મુજબ દરેક રત્નથી જાણેઅજાણે આત્મશ્લાઘા ન થઈ જાય તેની સાવચેતીના ભાગરૂપે બધાય (મારા સુદ્ધાં) ના પરિચયલેખ મારે જ લખવા તેમ નક્કી થયા મુજબ આજે શ્રી ભરતભાઈ પંડ્યા (ભાવનગર) ઉપરનો હું ચોથો પરિચયલેખ લખી રહ્યો છું.
સુરેશભાઈ જાનીએ પોતાના બ્લોગ ઉપરની ‘મિત્રો મળ્યા’ શ્રેણીમાં ભરતભૈને ‘સદા જવાન’ અને ‘હસતારામ’ જેવાં બિરૂદોથી નવાજ્યા છે, પણ હું તો મારા તેમના વિષેના આ પરિચયલેખમાં તેમને ‘ભભૈ’ તરીકે જ ઓળખાવીશ અને સંબોધીશ. તેઓશ્રીની ખેલદિલી તેમના જ આ શબ્દોમાં જોવા મળશે : “વલીભાઇ, જરાય કાળજી રાખવાની જરુરત નથી. ને વળી તમે કરી કરીને શું કરી લેવાના? જે લખવુ હોય તે લખજો. બહુ બહુ તો એમ લખશો કે ભભૈમાં બુદ્ધિનો અભાવ છે ને અક્કલનો છાંટોય નથી. હું તો એને કોમ્પ્લીમેન્ટ ગણીશ ને પ્રીન્ટઆઉટ ફ્રેમ કરી ને રાખીશ. વળી તમારાં બેન તો તમને લાપશી ખવડાવશે, કારણકે આવું તો ઈં અમે પૈણ્યાં તે દિ’નાં માને છે.(એને કોણ કે’ કે અક્કલ હોત તો કોક બીજીને નો પૈણત! આ તારા પનારે ક્યાંથી પડત!). માટે બિન્ધાસ્ત જે ભરડવું હોય તે ભરડજો. ચાલો આ બહાને આપણું નામ તો તમે લીધું! આનંદ છે એ વાતનો!”
મેં પ્રત્યુત્તરમાં કહ્યું હતું, આ પ્રમાણે : “ભભૈ, હાદનાં નવ રત્નોના પરિચયલેખના ડ્રાફ્ટ પ્રસિદ્ધ કરવા પહેલાં વાંચન માટે જે-તે ને મોકલવા અને ન મોકલવા તેવા બે વિભાગો મેં મનોમન વિચાર્યા હતા, તેમાં ‘ન મોકલવા’ ના વિભાગમાં તમને ગણેલા જ હતા. વાત સાચી છે અમે કરી કરીને શું કરી લેવાના હતા? કદાચ કંઈક ભાંડવાનું મન થાય તો પણ તે માટેનો વૈકલ્પિક માર્ગ હોય છે જ. આ માર્ગ એટલે ‘સુસંસ્કૃત શબ્દચાતુર્યસભર ગાલિપ્રદાન માર્ગ’. એકાદ મહિના માટે પશ્ચિમના પ્રવાસે જાઉં છું, આવ્યા પછી તમારી વાત!”
અમારો વાર્તાલાપ આટલેથી ન અટકતાં આગળ આમ વધ્યો હતો : “આ માર્ગ એટલે ‘સુસંસ્કૃત શબ્દચાતુર્યસભર ગાલિપ્રદાન માર્ગ.’ – વ્હાલીડા વલીદા, અર્થાત્ ‘તારા બાપનુ કપાળ’ના બદલે ‘તમારા પુજ્ય પિતાશ્રીનો ભાલપ્રદેશ!’. પણ એક વાત કહી દઉ! ચોખવટ કરવી સારી! આ સુસંસ્કૃત શબ્દચાતુર્યસભર ગાલિપ્રદાન મને બહુ નહિ સમજાય! ફાયદો એ થશે કે તમને ગાળ દીધાનો સંતોષ અને મને એમ થશે કે કો’ક મારા માટે સારું બોલ્યા!.ચન્દ્રકાન્ત બક્ષી ગાળને પુરુષનું શું કહે છે તે અહી લખાય તેમ નથી! પશ્ચિમમાં ફરી આવો અને પછી પાછા આવી, ફરી આવો નેટ પર અને ”ફરિયાદ” કરશો તોય “ફરી યાદ” તો કરશોજ ને? તબિયત સંભાળજો. ભ.મ.પં. ઉર્ફે ભભૈ”
સુરેશભાઈએ ભભૈનાં શ્રીમતીજીનું નામ ‘સીતાદેવી’ બતાવ્યું છે તે ‘હસતારામ’ નામના અનુસંધાને કે પછી ખરેખર તે નામ છે તે મારાથી નક્કી થઈ શક્યું નથી; જે હોય તે, પણ ધન્યવાદ ઘટે છે એ સન્નારીને કે જે આવા સદાય હસતા-હસાવતા માટીડાને વેંઢાર્યો છે! એક જ જાતના મિજાજવાળી કોઈ પણ વ્યક્તિ સમયાંતરે અભાવી થતી હોય છે. મારી આ વાત ન મનાય તો તમને મનગમતી કોઈ પણ શ્રીખંડ જેવી મિષ્ટ વાનગી બેત્રણ મહિના સુધી સતત સવારસાંજ ખાવાનો પ્રયત્ન કરી જોજો અને છેલ્લે વમન ન થાય તો સમજજો કે તમે સીતાબેન જેવી (હાસ્યપ્રતિકાર શક્તિ) પ્રકૃતિ ધરાવો છો!
ભૂતકાળમાં હિંદી ચલચિત્રોના જમાનામાં હાસ્ય કલાકાર તરીકે ‘જોનીવોકર’નું નામ સુવિખ્યાત હતું. સુરેશભાઈએ તેમને ‘હાસ્યદરબાર’ના જાની જોકર તરીકે ઓળખાવ્યા છે તે સરખામણીને હું યથાર્થ હોવાની મહોર મારું છું. કોઈકે તેમને સલાહ આપી હતી કે હાદ ઉપરની તેમની જોક્સ મર્યાદિત સંખ્યામાં આપવામાં આવે કે જેથી લાંબા ગાળે પુરવઠો ખૂટી ન પડે! તેમણે સાવ બેફિકરાઈથી જવાબ આપ્યો હતો કે તેમની પાસે જોક્સનો પાતાળકૂવો છે, જે કદીય સુકાનાર નથી અને ઊલટાનો તેમાંથી જેમ જોક્સ ખેંચવામાં આવશે તેમ વધુ ને વધુ ઊભરાતો જશે.
ભભૈ પોતાની Global Profile ઉપર પોતાના પીઢ વૈજ્ઞાનિક જેવા લાગતા ફોટા નીચે સંક્ષિપ્તમાં લખે છે : “Retired (નિવૃત)– Navro (નવરો/At leisure) – Banker – Prashnoro (પ્રશ્નોરા બ્રાહ્મણ) : Like to tell and hear Jokes. સુરેશભાઈના અવલોકને જોઈએ તો તેમના રૂમે રૂમે પડેલા ચોપડીઓના ઢગલા અને ખાસ તો તેમના ઉતારાના રૂમમાં ચોપડીઓથી ખીચોખીચ ભરેલું કબાટ એમની સાહિત્યરસિકતાની સાક્ષી પૂરે છે. આ બાબત ભલે સાચી હોય પણ તેમની સાહિત્યિક અભિવ્યક્તિ અન્વયે વિચારતાં એવું લાગે છે કે તેઓ મિતભાષી છે અને તેથી જ લાઘવ્યનું પાયાનું જેનું લક્ષણ છે એવા રમુજી ટુચકાઓમાં તેમને વિશેષ દિલચસ્પી છે. હાસ્યદરબાર અને અન્ય બ્લોગોએ તેમની નિખાલસ કબુલાત છે કે તેઓ લાંબુ લખી શકતા નથી. તેમની ટુચકાઓ અને પ્રતિભાવોની ગુણવત્તા અને અભિવ્યક્તિ દમદાર હોઈ વાંચક પોતાના હાસ્યને ખાળી શકે નહિ એ તો બરાબર, પણ તેમની એક બીજી લાક્ષણિકતા એ હોય છે કે તેઓશ્રી ભાષાશુદ્ધિ અને જોડણીમાં એવા બેદરકાર રહેતા હોય છે કે જે તેમનું નકારાત્મક પાસું મુદ્દલે ન રહેતાં ઊલટાનું હાસ્યને પુરક અને પોષક બની રહે છે. મારા આ વિધાનના સમર્થને એક જ ઉદાહરણ પર્યાપ્ત ગણાશે : “એક બેનને સારા દિવસો રહ્યા.પ્રસુતી ગ્રહ મા દાખલ થયા.ડાક્તરે પહેલા પૈસા મગ્યા,.વરે ચેક આપ્યો.પ્રસુતી થઈ ગયી.વર ડાક્તર્ને કે ” આવું કેવું સાહેબ બાબો તો ખોટો છે – પ્લાસ્તીક નો છે” ડાક્તર કે તમારો ચેક ખોટો હતો, પાછો થયો છે.ખોટા ચેક મા આવુ જ મળે ! રોકડા લઈ આવો ને સાચો લઈ જાવ !”
તેમના આતિથ્યભાવ વિષે સુરેશભાઈએ નોંધ્યું છે કે એમનું દિલ એમના ફ્લેટ કરતાં પણ વિશાળ છે. મને પોતાને તેઓ આમંત્રતાં લખે છે : “ત્યાં (અમેરિકા) તો જતાં જશો, પણ ભાવનગર સુધી તો આવો’. મેં પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું, આ શબ્દોમાં કે “ભભૈ, તમારા આમંત્રણને વાંચીને રૂબરૂ મળ્યા જેટલી ખુશી થઈ. મારા પ્રતિનિધિ તરીકે સુભૈને મોકલ્યા હતા. વચ્ચે ક્યાંક “મેહાંણાની માસી” ની જેમ ખોવાઈ ગયા કે શું? ’મારા ભાગ્યમાં તમારા ત્યાંનાં દાણાપાણી લખાએલાં હશે તો મારી તાકાત નથી કે હું ત્યાં ન આવું!” એ તમને પણ કહું છું.’
હાદમાંના મારા ‘મિતભાષી મુસાફરો’ લેખમાં ભભૈને એક પાત્ર બનાવ્યા હતા જેમાં મેં આમ લખ્યું હતું : “એવામાં ગાડા આગળથી એક ચોપગું પસાર થતાં એક મહારાજ બોલ્યા, ‘જોયું? આડું કૂતરું પસાર થયું!’ બસ, આટલું જ વાક્ય અને ફરી પાછી ચૂપકીદી. બીજા અડધાએક કલાક પછી બીજાએ ઉવાચ્યું, ‘અલ્યા, બિલાડું હતું!’ વળી પાછી ચૂપકીદી! હવે, ત્રીજા અડધા કલાકે પેલા ત્રીજા જે ભાવનગરવાળા હતા તેમને પોતાનું ગામ આવી જતાં ગાડામાંથી ઊતરી જવાનું થયું. ઊતરતાં ઊતરતાં તેઓ કંટાળીને બોલ્યા વગર ન રહી શક્યા, ‘આખા રસ્તે તમે બે જણાએ બોલબોલ કરીને મારા માથાની નસો ખેંચી કાઢી!’
મારા હાસ્ય હાઈકુ- 7 ઉપરના પ્રતિભાવમાં ભભૈ આમ ખીલ્યા હતા: “ઍક ભર ઉનળાના દીવસે બપોર બાર વાગે (ચોરને કાંધે મારે એવો સમય )જાય વલીભાઇ મારંમાર ધોડતા ને વાહેં ભરતભાઇ ધોડતા ધોડતા બુમો મારે ” ઉભાર્યો વલીભાઇ. મારા સમ છે ઉભાર્યો” પણ એ તો જાય ફ્રન્ટીઅરમેલ સ્પીડે. ત્યાં વળી કોક સુરેશભાઇ જેવા સજ્જન મળી ગયા.વલીભાઇ ને ઉભા રાખી કહે ”શુ છે વલીભાઇ આમ દોડતા ક્યાં જાવ છો?”.”જાનીભાઇ આ ભરતીયા થી બચાવો મારે મોદું થાય છે ને એ કવીતા સંભળાવવા બેઠો છેઃ? “ત્યા ભરતભાઇ પણ પહોંચી ગયા .” તે તમે મને નોતી સંભળાવી, મેં સાંભળીતી ને ? હવે તમારો વારો” જાનીભાઇ ‘ વાતતો ભરતભાઈ ની સાચી છે તમારે સાંભળવી જોઇએ” મુસાભાઇ ” પણ સુરેશ્ભૈ મેં તો એને હાયકુ સંભળાવ્યું ને એ તો મને ખન્ડકાવ્ય સંભળાવે છે !”
મારે મારું બચાવનામું આ શબ્દોમાં રજૂ કરવું પડ્યું હતું : “સુરેશભાઈ, હજુ મને પૂરો સાંભળો તો ખરા! એ ખંડકાવ્ય The Late His Highness Gohel સાહેબનું કે પછી રાષ્ટ્રપિતાના જન્મ વર્ષ 1869માં જન્મેલા અને વચાળે ક્રિશ્ચીયન બની ગએલા ખંડકાવ્યપિતા મણાકાકાનું હોય તો કોણ ન સાંભળે?
પણ, ભરતભાઈ તો કહે કે મારું ખંડકાવ્ય અમારા કુટુંબનાં આબાલવૃદ્ધ સૌનું વિજયકુમાર શાહવાળું સહિયારું Remix સર્જન છે, જેમાં Twinkle Twinkle થી માંડીને ભજનની કડીઓ અને ભાનવગરના કાઠિયાવાડી ચોહરા તથા પેલું કંઈક ખંડાલાવાળું પણ ભેગું ગોઠવેલું છે.
હવે મારા વાલીડા ખાવાની દુકાનોવાળા(હોટલોવાળા) વધ્યું ઘટ્યું દહીંમાં નાખીને ‘દિલ્હી ચાટ’ જેવું રૂડું નામ આપીને આપણને ઊંચા દામે ખવડાવવા માગે તો આપણે ખાઈએ ખરા?
વળી નામ પણ કેવું? ચાટ! ગામડાંઓમાં મહેલ્લાના નાકે કૂતરાં માટેની ચાટમાં પણ Remix જ હોય છે ને!
માટે ભરત ભાઈને કહી દો કે તે તેમનાં કાવ્યો ખંડ હોય કે અખંડ હોય શેરીનાં કૂતરાંને ઘેનની શીશી સૂંઘાડીને સંભળાવે, નહિ તો પાછું તેમનું કંઠ્ય (ભસ્ય) સંગીત સાંભળવાના દહાડા આવશે હા! શું કહ્યું?”
ભભૈ વિષે ઘણું લખી તો શકાય, પણ મારે વાંચકોના ધૈર્ય અને સહનશક્તિનો પણ વિચાર કરવો પડે ને! આ લઘુલેખને થોડો કંઈ દીર્ઘ નવલકથામાં પર્રિવર્તિત કરવાનો હોય!
ભભૈને મળ્યા પણ નથી, અને આ જણે બરાબરના એમને ચીતરી નાંખ્યા. હવે મળ્યા બાદ ભભૈની જે વલે થાય તે ખરી,…..
આપણને તો અદકેરી મજો જ મજો.
—————-
જોક્સ એપાર્ટ .. ગુજરાત નિવાસ દરમિયાન ઘણા બધા મિત્રોને મળવાનું થયું. પણ એ અફસોસ રહી જ ગયો કે. બધા ભેળા થઈને ડાયરો નો કીધો.
હવે આવતી ફેરી કાણોદરમાં હાસ્ય શિબીર રાખીએ તો? ( અમાદાવાદી ઈસ્ટાઈલે, પારકે ઘેર મોટા લાડુ જ સ્તો! )
જરૂર…જરૂર…. કાણોદરના અર્થતંત્રને ફાયદો થશે. દેશવિદેશથી આવનારા શિબિરાર્થીઓ ગામનાં વિખ્યાત ભજિયાં-જલેબી યજમાનથી છાનામાના ખાશે.. દુકાનદારોને તાગડધિન્ના થશે. કાણોદર હાસ્ય ઉદ્યોગ માટેનું Lead village બનશે.. આજુબાજુનાં ગામડાંએથી દેશવિદેશથી આવેલા જોકરો-જોકરીઓને હાસ્યરસ પાવા આવવા માટેનાં નિમંત્રણો મળશે. જો કાર્યક્રમો સફળ થશે તો એવું પણ બને કે સુરેશભાઈ કે જે વડા જોકરીઆ હશે તેમને દેખાતી સાકર (પણ વાસ્તવમાં નમક) વડે તોળવામાં આવશે અને બુદ્ધિધને ગરીબ એવા (નમકની તાણવાળા) નેતાઓને મફત વહેંચવામાં આવશે.
dhavalrajgeera
September 14, 2011 at 11:08 am
One can read Valibhai હાસ્ય દરબારનાં રત્નો – 4 (રત્નાંક – 4) ભરતભાઈ પંડ્યા – ભભૈ
In Hasyadarbar too.
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
LikeLike
સુરેશ
September 15, 2011 at 5:10 pm
ભભૈને મળ્યા પણ નથી, અને આ જણે બરાબરના એમને ચીતરી નાંખ્યા. હવે મળ્યા બાદ ભભૈની જે વલે થાય તે ખરી,…..
આપણને તો અદકેરી મજો જ મજો.
—————-
જોક્સ એપાર્ટ .. ગુજરાત નિવાસ દરમિયાન ઘણા બધા મિત્રોને મળવાનું થયું. પણ એ અફસોસ રહી જ ગયો કે. બધા ભેળા થઈને ડાયરો નો કીધો.
હવે આવતી ફેરી કાણોદરમાં હાસ્ય શિબીર રાખીએ તો? ( અમાદાવાદી ઈસ્ટાઈલે, પારકે ઘેર મોટા લાડુ જ સ્તો! )
LikeLike
Valibhai Musa
September 16, 2011 at 2:57 am
જરૂર…જરૂર…. કાણોદરના અર્થતંત્રને ફાયદો થશે. દેશવિદેશથી આવનારા શિબિરાર્થીઓ ગામનાં વિખ્યાત ભજિયાં-જલેબી યજમાનથી છાનામાના ખાશે.. દુકાનદારોને તાગડધિન્ના થશે. કાણોદર હાસ્ય ઉદ્યોગ માટેનું Lead village બનશે.. આજુબાજુનાં ગામડાંએથી દેશવિદેશથી આવેલા જોકરો-જોકરીઓને હાસ્યરસ પાવા આવવા માટેનાં નિમંત્રણો મળશે. જો કાર્યક્રમો સફળ થશે તો એવું પણ બને કે સુરેશભાઈ કે જે વડા જોકરીઆ હશે તેમને દેખાતી સાકર (પણ વાસ્તવમાં નમક) વડે તોળવામાં આવશે અને બુદ્ધિધને ગરીબ એવા (નમકની તાણવાળા) નેતાઓને મફત વહેંચવામાં આવશે.
LikeLike
mahendra
September 26, 2018 at 2:08 pm
RIP and lost great soul
LikeLike