RSS

Daily Archives: September 25, 2011

(275) હાસ્ય દરબારનાં રત્નો – ૯ (રત્નાંક – ૯) * વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)

(275) હાસ્ય દરબારનાં રત્નો – ૯ (રત્નાંક – ૯) * વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)

વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)

હાસ્યદરબારનાં કલ્પિત નવેય રત્નો પૈકીના આ છેલ્લા રત્નના પરિચયલેખ થકી મારી હળવી જહેમત તમામ થશે. મુજ અપવાદે બધાં જ રત્નોને સ્વપરિચય થકી સંભવિત આત્મશ્લાઘારૂપી આત્મહત્યાથી બચાવવા માટે એ કામ મારાથી થાય તેવો ઉપાય તો વિચારાયો, પણ હિંદી ફિલ્મ ‘શોલે’માંના ડાકુ ગબ્બરના મુખે બોલાએલા સંવાદ ‘કાલિયા, તેરા ક્યા હોગા!’ની જેમ હાદના માંધાતાઓએ એવો કોઈ ઉદગાર કાઢ્યો ખરો કે ‘વલિયા, તેરા ક્યા હોગા!’. મને ‘વલિયા’ તરીકે ઓળખાવતાં મને ખુદને એવી મજા પડી કે જાણે મારા શૈશવકાલીન મિત્રોમાંના કોઈ એકે આ સિત્તેરના આયખે મીઠાશભર્યા આ ઉપનામે મને સંબોધ્યો હોય!

ઓલ્યા માંધાતાઓએ ‘વલિયા’ની જરાય ચિંતા કરવાની જરૂર નથી! તે ‘વલીભાઈ’ અને ‘વિલિયમ’ એવાં ઉભય નામે ઓળખાય છે અને તે કોઈ એક બનીને અન્ય વિષે અથવા તે બંને બનીને હાદઓળખે ‘વલદા’ માટે તટસ્થભાવે લખી શકશે, જેમાં આત્મશ્લાઘા (સ્વપ્રશંસા)નો અણસાર સુદ્ધાં નહિ હોય! ચલચિત્રો, નાટકો, નવલકથાઓ કે નવલિકાઓમાંનાં પાત્રો સ્વગતોક્તિઓ દ્વારા પોતાનાં જ વિરોધાભાસી મંતવ્યો કે વિચારધારાઓ વ્યક્ત કરતાં હોય છે, તેવું જ મારે અહીં કંઈક કરવું પડશે. વળી ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી? રીંગણાં લઉં બેચાર? લે ને દસબાર!’ વાળો માર્ગ તો છે જ ને! આપ લોગ આગે આગે દેખતે જાઓ, ક્યા હોતા હૈ? હાદ ઉપરનાં મારાં યોગદાનોએ આવેલા પ્રતિભાવોમાં પ્રશંસાત્મક હશે તે જે તે પ્રતિભાવકના નામે અને ટીકાત્મક હશે તે મારા તરફથી રજૂ કરીશ, પછી ક્યાંથી ઔચિત્યભંગ કે આપવડાઈનો સવાલ ઊભો થશે, હેં!

તો હું મૂળ એવા વલીભાઈ ઊર્ફે વિલિયમ નામના લેખક તરીકે હાસ્યદરબારે ‘વલદા’ નામે જાણીતા તેવા તેમના વિષેનો આ લેખ લખતાં મરકમરક સ્મિત કરી રહ્યો છું. ભાઈશ્રી વલદાએ હાસ્યદરબારે ‘બીજું તો શું વળી? ‘ શીર્ષકવાળા ટચુકડા હાસ્યલેખે ભારતીય નાણાંકીય વર્ષ 2009-10ના છેલ્લા દિવસે યાને 31મી માર્ચ, 2010ના રોજ કોઈ હિસાબી હવાલાની એન્ટ્રીની જેમ એન્ટ્રી લીધી. ધીમે ધીમે ભાઈશ્રી વલદા હાસ્યદરબારે વિવિધ કૃતિઓ દ્વારા જામતા ગયા અને સદરહુ બ્લોગના રખેવાળ ડો. શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સુરેશભાઈ જાની માત્ર જ નહિ, પણ વિવિધ માર્ગે અને રીતિએ હાદ ઉપર આવતાંજતાં અન્ય નરનારીઓ સાથે પણ તેમનો મિત્રતાભાવ જામતો ગયો.

હાસ્યદરબાર ઉપરની ભાઈશ્રી ‘વલદા’ની તમામ એન્ટ્રીઓ વિષે સ્થળસંકોચના કારણે અહીં લખી શકાય તેમ નથી, પણ KBC ના કાર્યક્રમના સંચાલકશ્રી અમિતાભ બચ્ચનના સંબોધન એવા ‘કોમ્પ્યુટરજી’ ના રૂડા પ્રતાપે તમારા કોમ્પ્યુટરના ઊંદરડા મારફતે તમે ‘વલીભાઈ મુસા’ નામે ‘શોધ’ ચલાવીને એ બધી (એન્ટ્રીઓ) વિષે જાણી શકશો. આજકાલ શ્રીમાન ‘વલદા’ને ‘હાઈકુ’ કાવ્યપ્રકારના પ્રયોગશીલ કે પ્રયોગવીર સર્જક તરીકે ખૂબ ચગાવવામાં આવી રહ્યા છે, જે અતિશયોક્તિપૂર્ણ અને વાહિયાત વાત છે. એમાંય વળી ચુલાની સાક્ષી ભૂંગળી પૂરે તે ન્યાયે ભાઈશ્રી સુરદા ભાઈશ્રી વલદા વિષે તેમની ઈ-બુક “વિલિયમનાં હાસ્ય હાઈકુ” માં લખે છે, “વલીભાઈનાં હાસ્યહાઈકુએ અમારા માટે સૂક્ષ્મ વિનોદ સાથે આવી ચર્ચા કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એમનો તો હાસ્ય દરબાર વતી આભાર માનું તેટલો ઓછો છે. અત્યાર સુધીમાં 1000 પોસ્ટ અહીં મૂકી છે; પણ એ બધામાં સૌથી વધારે ચર્ચા ‘હાસ્યહાઈકુ’એ જગાડી છે, આ જ એની સફળતા બતાવે છે.”

શ્રી સુરદાજી આટલેથી ન અટકતાં હજુ વલદાને ચણાના ઝાડ ઉપર ચઢાવતાં આગળ લખે છે: “હાસ્યના અનેક પ્રકાર હોય છે.’હાસ્યહાઈકુ’એ એક નવો ચીલો પાડ્યો છે. આ પ્રકાર રચવામાં થોડો સહેલો છે, આથી જ મારા જેવા અકવિઓ પણ ‘હાસ્યહાઈકુ’ બનાવતા થયા છે. 17 જ અક્ષરોથી વિનોદ અને વિચાર સર્જવો એ એટલું જ કઠણ કામ પણ છે. અમે સૌ વલીભાઈની આગેવાની નીચે આ શીખી રહ્યા છીએ.”

પરંતુ, વલદા એમ કંઈ ચણાના ઝાડ ઉપર ચઢી જાય તેવા અધીરા નથી. તેઓશ્રી પોતાના અંગત બ્લોગ ઉપરના આર્ટિકલ ‘એ યાદગાર સાંજ …’ ઉપર આ શબ્દોમાં પોતાનું બચાવનામું રજૂ કરતાં લખે છે:” ’હાઈકુ’ અંગેના મારા પ્રયોગો સાવ નવીન જ હોવાનો મારો કોઈ દાવો નથી, તેમજ એ પ્રયોગોને ‘સ્વીકાર્ય’ ની મહોર લાગે તેવી મારી કોઈ અપેક્ષા પણ નથી. ‘હાઈકુ’ ના સત્તર અક્ષરો કે જે છંદ રહિત હોય છે તેવાં હાઈકુથી હાઈકુ-સોનેટ કે હાઈકુ-ખંડકાવ્ય કે પછી એવા કોઈ કાવ્યપ્રકારનું નામાભિધાન કરી દેવું યથાર્થ તો નથી જ. ‘હાઈકુ’ પોતે એક કાવ્ય પ્રકાર છે અને તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકે તેવી તેની પાયાની શરત હોય છે. હવે મારા ઉપરોક્ત કહેવાતા હાઈકુ આધારિત અન્ય કાવ્યપ્રકારોમાં પ્રત્યેક હાઈકુને અન્યો ઉપર અવલંબિત રહેવું પડશે, જે હાઈકુના મૂળભૂત લક્ષણને હાનિકારક પુરવાર થશે. હા, મારા હાઈકુ ઉપરના પ્રયોગોની એક બીજી વાત કદાચ યથાર્થ ગણાશે છે કે મારી જેમ કોઈ હાઈકુકાર પોતાનાં હાઈકુને સાહિત્યના રસો અનુસાર જુદીજુદી શ્રેણીઓ કે હાઈકુપ્રકાર તરીકે ઓળખાવી શકે; જેમ કે હાસ્ય-હાઈકુ, વિષાદ કે કરૂણ હાઈકુ વગેરે.”

વિલિયમે પોતાના Parent Blog “William’ Tales” ના પોણા ત્રણસો જેટલા ગુજરાતી અને અંગ્રેજી લેખોનું વર્ગીકરણ કરીને બંને ભાષામાં પચીસેક જેટલી ઈ-બુક્સ બનાવવા માટેની પૂર્વતૈયારી કરી દીધી છે. આ બધામાં “હળવા મિજાજે’માં વીસેક જેટલા લેખોનો સમાવેશ કર્યો છે. રસિકજનો પણ પોતાના મિજાજે હળવા થવા માગતા હોય તો તેઓ ઉતાવળ કર્યા વગર સાવ હળવે હળવે ‘હળવા મિજાજે’ ની સફર કરી આવી શકે છે. એ બધા લેખો વિષે તેનો લખનાર તો ગમે તેવી લોભામણી વાતો કરે, પણ મીઠાઈવાળાની દુકાનેથી મીઠાઈ ખરીદવા પહેલાં થોડીક ચાખી લઈએ તેમ એકાદ બે લેખો વાંચ્યા પછી જ બધા વાંચવા માટેનું દુ:સાહસ ખેડવું! હા, એક વાતની સ્પષ્ટતા કરવી સારી કે કેટલાક લેખો એવા હશે કે જે વાંચવાથી ઓછા દબાણવાળા વીજપ્રવાહથી ટ્યુબ લાઈટ ન ઉપડે તેવું પણ કોઈકને તેમાંના નર્મ મર્મને સમજવામાં બને! માફ કરજો ભાયાઓ અને બાઈ માણસો, આ કંઈ આપ સૌની રમુજવૃત્તિને Under Estimate (અવમૂલ્યાંકિત) કરવાની વાત નથી. કોઈક વાર બહેરા માણસે બે વાર હસવા જેવું મારે, તમારે કે કોઈને પણ બની શકે!

હાસ્યદરબારનાં મૂળભૂત નવ અને પાછળનાં ઉમેરાએલાં બે અડધિયાં મળીને કુલ સંખ્યાએ અગિયાર નંગ (ડઝનમાં એક ઓછું) રત્નો કે જે હાસ્ય દરબારના દફતરે દસની સંખ્યામાં બોલે છે તેવાં રત્નોની પરિચયલેખમાળા ભાઈ વલદાએ પૂર્ણ કરી છે. તેમની સંયમશીલ કલમ (પણ વાસ્તવમાં કોમ્પ્યુટરના કી બોર્ડ ઉપર કામ કરતાં તેમનાં સંયમશીલ આંગળાં)ને ધન્યવાદ ઘટે છે કે તેમણે નિખાલસ ભાવે અને મુક્ત મને એ સઘળાં રત્નો વિષે જે કંઈ લખ્યું છે તે અંગે કોઈની રાડફરિયાદ આવી નથી. તેમના લખાણને બિરદાવવા માટે બાવન અક્ષરો કામ આવે તેમ નથી અને ત્રેપનમો તેમને લાગુ પડે તેમ નથી. ‘હાસ્યદરબાર’ બ્લોગનું સંચાલન (કારકુની કામ) ભલે રાત્રિ કે સુરદા કરતા હોય, પણ હસાહસનો આ બ્લોગ વક્તા અને ભોક્તા સૌનો સહિયારો છે. ‘ખેડે તેની જમીન અને રહે તેનું ઘર’ની જેમ આ બ્લોગ ઉપરના લેખકો, વાંચકો અને પ્રતિભાવકો જે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના સહવાસમાં આવે તે બધાયનો છે.

હ્યુસ્ટન-નિવાસી વલદાના જૂના (જૂના થઈ ગએલા નહિ, પણ સદૈવ તરોતાજા જ!) મિત્ર શ્રી વિજયકુમાર શાહે તેમના હ્યુસ્ટન ખાતેના તેમના સાહિત્યરસિકો સાથેના સ્નેહસંમેલનના અહેવાલમાં તેમની સંભવિત ઈ-બુક્સની વાત કહી છે. ‘દિલકો બહલાનેકે લિએ ગાલિબી ખયાલ અચ્છે હૈ!’ ની જેમ શ્રી વલદા તો માને છે કે એ બધું થાય ત્યારે થયું ગણાય, પણ એક વાત નિશ્ચિત છે કે તેમની ગુજરાતી અને અંગ્રેજીની અંદાજિત પચીસ ઈ-બુક્સમાં છવ્વીસમી એક વધુ ઈ-બુક “હાસ્ય દરબારનાં રત્નો” નામે ઉમેરાશે, જેમાં રત્નાંક – 9 સુધીનાં નવ પ્રકરણો અને Liar અને Lawyer એ નામનાં અડધિયાં રત્નો ઉપરનાં ત્રણ પ્રહસનો સાથે કુલ ડઝન પ્રકરણો હશે.

આ લેખનો અંત (મોત ન સમજતા!) નજીક આવી રહ્યો છે અને ભાઈશ્રી વલદાની એવી મનોભાવના છે કે તેમના હાસ્ય હાઈકુ સોનેટ ‘મિષ્ટ દાંપત્યે’ અને ‘લ્યો રે, ઘર આંગણે લ્યો રે!’ કે જે વાંચકો માટે માઉસવગાં છે, તેને મફત સમજીને વાંચે! મફત એટલે કે વાંચનારે કંઈ પણ નથી ચુકવવાનું એ અર્થમાં નહિ, પણ વલદા વાંચવા માટેના પ્રલોભન તરીકે અડધી કે આખી ચા અથવા કોફીના કોઈ પૈસા ચુકવશે નહિ એમ સમજવાનું છે. તેમના આ કથનને આસાનીથી વગર પાણીએ ગળા નીચે ઊતારવા માટે “હાસ્ય દરબારનાં રત્નો – 4 (રત્નાંક – 4) * ભરત પંડ્યા” ના ઉત્તરાર્ધને વાંચી જવાની તેઓશ્રી ભલામણ કરે છે.

છેલ્લે, ભાઈશ્રી વલદા વતી હું તેમના એક વિચારને અપનાવવાની ભલામણ કરું છું કે વિશ્વભરમાંથી ભ્રષ્ટાચારને જો નાબુદ કરવો હોય તો વિશ્વના દરેક નાગરિકે કેટલાક રમુજી ટુચકા જીભવગા રાખવા કે જે થકી ભ્રષ્ટ અધિકારીઓને રોકડ લાંચના બદલે તેમને કહી સંભળાવીને તેમને મનોરંજન આપી શકે અને જરૂર લાગે તો બોનસમાં તાળીની આપલે દ્વારા પોતાનાં સાચાં કામોને વેળાસર પૂરાં કરાવી શકે!

હસે તેનું ઘર વસે (જો અપરીણિત હોય તો!)

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

(સંપૂર્ણ)


 

Tags: ,