RSS

(275) હાસ્ય દરબારનાં રત્નો – ૯ (રત્નાંક – ૯) * વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)

25 Sep
(275) હાસ્ય દરબારનાં રત્નો – ૯ (રત્નાંક – ૯) * વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)

વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)

હાસ્યદરબારનાં કલ્પિત નવેય રત્નો પૈકીના આ છેલ્લા રત્નના પરિચયલેખ થકી મારી હળવી જહેમત તમામ થશે. મુજ અપવાદે બધાં જ રત્નોને સ્વપરિચય થકી સંભવિત આત્મશ્લાઘારૂપી આત્મહત્યાથી બચાવવા માટે એ કામ મારાથી થાય તેવો ઉપાય તો વિચારાયો, પણ હિંદી ફિલ્મ ‘શોલે’માંના ડાકુ ગબ્બરના મુખે બોલાએલા સંવાદ ‘કાલિયા, તેરા ક્યા હોગા!’ની જેમ હાદના માંધાતાઓએ એવો કોઈ ઉદગાર કાઢ્યો ખરો કે ‘વલિયા, તેરા ક્યા હોગા!’. મને ‘વલિયા’ તરીકે ઓળખાવતાં મને ખુદને એવી મજા પડી કે જાણે મારા શૈશવકાલીન મિત્રોમાંના કોઈ એકે આ સિત્તેરના આયખે મીઠાશભર્યા આ ઉપનામે મને સંબોધ્યો હોય!

ઓલ્યા માંધાતાઓએ ‘વલિયા’ની જરાય ચિંતા કરવાની જરૂર નથી! તે ‘વલીભાઈ’ અને ‘વિલિયમ’ એવાં ઉભય નામે ઓળખાય છે અને તે કોઈ એક બનીને અન્ય વિષે અથવા તે બંને બનીને હાદઓળખે ‘વલદા’ માટે તટસ્થભાવે લખી શકશે, જેમાં આત્મશ્લાઘા (સ્વપ્રશંસા)નો અણસાર સુદ્ધાં નહિ હોય! ચલચિત્રો, નાટકો, નવલકથાઓ કે નવલિકાઓમાંનાં પાત્રો સ્વગતોક્તિઓ દ્વારા પોતાનાં જ વિરોધાભાસી મંતવ્યો કે વિચારધારાઓ વ્યક્ત કરતાં હોય છે, તેવું જ મારે અહીં કંઈક કરવું પડશે. વળી ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી? રીંગણાં લઉં બેચાર? લે ને દસબાર!’ વાળો માર્ગ તો છે જ ને! આપ લોગ આગે આગે દેખતે જાઓ, ક્યા હોતા હૈ? હાદ ઉપરનાં મારાં યોગદાનોએ આવેલા પ્રતિભાવોમાં પ્રશંસાત્મક હશે તે જે તે પ્રતિભાવકના નામે અને ટીકાત્મક હશે તે મારા તરફથી રજૂ કરીશ, પછી ક્યાંથી ઔચિત્યભંગ કે આપવડાઈનો સવાલ ઊભો થશે, હેં!

તો હું મૂળ એવા વલીભાઈ ઊર્ફે વિલિયમ નામના લેખક તરીકે હાસ્યદરબારે ‘વલદા’ નામે જાણીતા તેવા તેમના વિષેનો આ લેખ લખતાં મરકમરક સ્મિત કરી રહ્યો છું. ભાઈશ્રી વલદાએ હાસ્યદરબારે ‘બીજું તો શું વળી? ‘ શીર્ષકવાળા ટચુકડા હાસ્યલેખે ભારતીય નાણાંકીય વર્ષ 2009-10ના છેલ્લા દિવસે યાને 31મી માર્ચ, 2010ના રોજ કોઈ હિસાબી હવાલાની એન્ટ્રીની જેમ એન્ટ્રી લીધી. ધીમે ધીમે ભાઈશ્રી વલદા હાસ્યદરબારે વિવિધ કૃતિઓ દ્વારા જામતા ગયા અને સદરહુ બ્લોગના રખેવાળ ડો. શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને સુરેશભાઈ જાની માત્ર જ નહિ, પણ વિવિધ માર્ગે અને રીતિએ હાદ ઉપર આવતાંજતાં અન્ય નરનારીઓ સાથે પણ તેમનો મિત્રતાભાવ જામતો ગયો.

હાસ્યદરબાર ઉપરની ભાઈશ્રી ‘વલદા’ની તમામ એન્ટ્રીઓ વિષે સ્થળસંકોચના કારણે અહીં લખી શકાય તેમ નથી, પણ KBC ના કાર્યક્રમના સંચાલકશ્રી અમિતાભ બચ્ચનના સંબોધન એવા ‘કોમ્પ્યુટરજી’ ના રૂડા પ્રતાપે તમારા કોમ્પ્યુટરના ઊંદરડા મારફતે તમે ‘વલીભાઈ મુસા’ નામે ‘શોધ’ ચલાવીને એ બધી (એન્ટ્રીઓ) વિષે જાણી શકશો. આજકાલ શ્રીમાન ‘વલદા’ને ‘હાઈકુ’ કાવ્યપ્રકારના પ્રયોગશીલ કે પ્રયોગવીર સર્જક તરીકે ખૂબ ચગાવવામાં આવી રહ્યા છે, જે અતિશયોક્તિપૂર્ણ અને વાહિયાત વાત છે. એમાંય વળી ચુલાની સાક્ષી ભૂંગળી પૂરે તે ન્યાયે ભાઈશ્રી સુરદા ભાઈશ્રી વલદા વિષે તેમની ઈ-બુક “વિલિયમનાં હાસ્ય હાઈકુ” માં લખે છે, “વલીભાઈનાં હાસ્યહાઈકુએ અમારા માટે સૂક્ષ્મ વિનોદ સાથે આવી ચર્ચા કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. એમનો તો હાસ્ય દરબાર વતી આભાર માનું તેટલો ઓછો છે. અત્યાર સુધીમાં 1000 પોસ્ટ અહીં મૂકી છે; પણ એ બધામાં સૌથી વધારે ચર્ચા ‘હાસ્યહાઈકુ’એ જગાડી છે, આ જ એની સફળતા બતાવે છે.”

શ્રી સુરદાજી આટલેથી ન અટકતાં હજુ વલદાને ચણાના ઝાડ ઉપર ચઢાવતાં આગળ લખે છે: “હાસ્યના અનેક પ્રકાર હોય છે.’હાસ્યહાઈકુ’એ એક નવો ચીલો પાડ્યો છે. આ પ્રકાર રચવામાં થોડો સહેલો છે, આથી જ મારા જેવા અકવિઓ પણ ‘હાસ્યહાઈકુ’ બનાવતા થયા છે. 17 જ અક્ષરોથી વિનોદ અને વિચાર સર્જવો એ એટલું જ કઠણ કામ પણ છે. અમે સૌ વલીભાઈની આગેવાની નીચે આ શીખી રહ્યા છીએ.”

પરંતુ, વલદા એમ કંઈ ચણાના ઝાડ ઉપર ચઢી જાય તેવા અધીરા નથી. તેઓશ્રી પોતાના અંગત બ્લોગ ઉપરના આર્ટિકલ ‘એ યાદગાર સાંજ …’ ઉપર આ શબ્દોમાં પોતાનું બચાવનામું રજૂ કરતાં લખે છે:” ’હાઈકુ’ અંગેના મારા પ્રયોગો સાવ નવીન જ હોવાનો મારો કોઈ દાવો નથી, તેમજ એ પ્રયોગોને ‘સ્વીકાર્ય’ ની મહોર લાગે તેવી મારી કોઈ અપેક્ષા પણ નથી. ‘હાઈકુ’ ના સત્તર અક્ષરો કે જે છંદ રહિત હોય છે તેવાં હાઈકુથી હાઈકુ-સોનેટ કે હાઈકુ-ખંડકાવ્ય કે પછી એવા કોઈ કાવ્યપ્રકારનું નામાભિધાન કરી દેવું યથાર્થ તો નથી જ. ‘હાઈકુ’ પોતે એક કાવ્ય પ્રકાર છે અને તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવી શકે તેવી તેની પાયાની શરત હોય છે. હવે મારા ઉપરોક્ત કહેવાતા હાઈકુ આધારિત અન્ય કાવ્યપ્રકારોમાં પ્રત્યેક હાઈકુને અન્યો ઉપર અવલંબિત રહેવું પડશે, જે હાઈકુના મૂળભૂત લક્ષણને હાનિકારક પુરવાર થશે. હા, મારા હાઈકુ ઉપરના પ્રયોગોની એક બીજી વાત કદાચ યથાર્થ ગણાશે છે કે મારી જેમ કોઈ હાઈકુકાર પોતાનાં હાઈકુને સાહિત્યના રસો અનુસાર જુદીજુદી શ્રેણીઓ કે હાઈકુપ્રકાર તરીકે ઓળખાવી શકે; જેમ કે હાસ્ય-હાઈકુ, વિષાદ કે કરૂણ હાઈકુ વગેરે.”

વિલિયમે પોતાના Parent Blog “William’ Tales” ના પોણા ત્રણસો જેટલા ગુજરાતી અને અંગ્રેજી લેખોનું વર્ગીકરણ કરીને બંને ભાષામાં પચીસેક જેટલી ઈ-બુક્સ બનાવવા માટેની પૂર્વતૈયારી કરી દીધી છે. આ બધામાં “હળવા મિજાજે’માં વીસેક જેટલા લેખોનો સમાવેશ કર્યો છે. રસિકજનો પણ પોતાના મિજાજે હળવા થવા માગતા હોય તો તેઓ ઉતાવળ કર્યા વગર સાવ હળવે હળવે ‘હળવા મિજાજે’ ની સફર કરી આવી શકે છે. એ બધા લેખો વિષે તેનો લખનાર તો ગમે તેવી લોભામણી વાતો કરે, પણ મીઠાઈવાળાની દુકાનેથી મીઠાઈ ખરીદવા પહેલાં થોડીક ચાખી લઈએ તેમ એકાદ બે લેખો વાંચ્યા પછી જ બધા વાંચવા માટેનું દુ:સાહસ ખેડવું! હા, એક વાતની સ્પષ્ટતા કરવી સારી કે કેટલાક લેખો એવા હશે કે જે વાંચવાથી ઓછા દબાણવાળા વીજપ્રવાહથી ટ્યુબ લાઈટ ન ઉપડે તેવું પણ કોઈકને તેમાંના નર્મ મર્મને સમજવામાં બને! માફ કરજો ભાયાઓ અને બાઈ માણસો, આ કંઈ આપ સૌની રમુજવૃત્તિને Under Estimate (અવમૂલ્યાંકિત) કરવાની વાત નથી. કોઈક વાર બહેરા માણસે બે વાર હસવા જેવું મારે, તમારે કે કોઈને પણ બની શકે!

હાસ્યદરબારનાં મૂળભૂત નવ અને પાછળનાં ઉમેરાએલાં બે અડધિયાં મળીને કુલ સંખ્યાએ અગિયાર નંગ (ડઝનમાં એક ઓછું) રત્નો કે જે હાસ્ય દરબારના દફતરે દસની સંખ્યામાં બોલે છે તેવાં રત્નોની પરિચયલેખમાળા ભાઈ વલદાએ પૂર્ણ કરી છે. તેમની સંયમશીલ કલમ (પણ વાસ્તવમાં કોમ્પ્યુટરના કી બોર્ડ ઉપર કામ કરતાં તેમનાં સંયમશીલ આંગળાં)ને ધન્યવાદ ઘટે છે કે તેમણે નિખાલસ ભાવે અને મુક્ત મને એ સઘળાં રત્નો વિષે જે કંઈ લખ્યું છે તે અંગે કોઈની રાડફરિયાદ આવી નથી. તેમના લખાણને બિરદાવવા માટે બાવન અક્ષરો કામ આવે તેમ નથી અને ત્રેપનમો તેમને લાગુ પડે તેમ નથી. ‘હાસ્યદરબાર’ બ્લોગનું સંચાલન (કારકુની કામ) ભલે રાત્રિ કે સુરદા કરતા હોય, પણ હસાહસનો આ બ્લોગ વક્તા અને ભોક્તા સૌનો સહિયારો છે. ‘ખેડે તેની જમીન અને રહે તેનું ઘર’ની જેમ આ બ્લોગ ઉપરના લેખકો, વાંચકો અને પ્રતિભાવકો જે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેના સહવાસમાં આવે તે બધાયનો છે.

હ્યુસ્ટન-નિવાસી વલદાના જૂના (જૂના થઈ ગએલા નહિ, પણ સદૈવ તરોતાજા જ!) મિત્ર શ્રી વિજયકુમાર શાહે તેમના હ્યુસ્ટન ખાતેના તેમના સાહિત્યરસિકો સાથેના સ્નેહસંમેલનના અહેવાલમાં તેમની સંભવિત ઈ-બુક્સની વાત કહી છે. ‘દિલકો બહલાનેકે લિએ ગાલિબી ખયાલ અચ્છે હૈ!’ ની જેમ શ્રી વલદા તો માને છે કે એ બધું થાય ત્યારે થયું ગણાય, પણ એક વાત નિશ્ચિત છે કે તેમની ગુજરાતી અને અંગ્રેજીની અંદાજિત પચીસ ઈ-બુક્સમાં છવ્વીસમી એક વધુ ઈ-બુક “હાસ્ય દરબારનાં રત્નો” નામે ઉમેરાશે, જેમાં રત્નાંક – 9 સુધીનાં નવ પ્રકરણો અને Liar અને Lawyer એ નામનાં અડધિયાં રત્નો ઉપરનાં ત્રણ પ્રહસનો સાથે કુલ ડઝન પ્રકરણો હશે.

આ લેખનો અંત (મોત ન સમજતા!) નજીક આવી રહ્યો છે અને ભાઈશ્રી વલદાની એવી મનોભાવના છે કે તેમના હાસ્ય હાઈકુ સોનેટ ‘મિષ્ટ દાંપત્યે’ અને ‘લ્યો રે, ઘર આંગણે લ્યો રે!’ કે જે વાંચકો માટે માઉસવગાં છે, તેને મફત સમજીને વાંચે! મફત એટલે કે વાંચનારે કંઈ પણ નથી ચુકવવાનું એ અર્થમાં નહિ, પણ વલદા વાંચવા માટેના પ્રલોભન તરીકે અડધી કે આખી ચા અથવા કોફીના કોઈ પૈસા ચુકવશે નહિ એમ સમજવાનું છે. તેમના આ કથનને આસાનીથી વગર પાણીએ ગળા નીચે ઊતારવા માટે “હાસ્ય દરબારનાં રત્નો – 4 (રત્નાંક – 4) * ભરત પંડ્યા” ના ઉત્તરાર્ધને વાંચી જવાની તેઓશ્રી ભલામણ કરે છે.

છેલ્લે, ભાઈશ્રી વલદા વતી હું તેમના એક વિચારને અપનાવવાની ભલામણ કરું છું કે વિશ્વભરમાંથી ભ્રષ્ટાચારને જો નાબુદ કરવો હોય તો વિશ્વના દરેક નાગરિકે કેટલાક રમુજી ટુચકા જીભવગા રાખવા કે જે થકી ભ્રષ્ટ અધિકારીઓને રોકડ લાંચના બદલે તેમને કહી સંભળાવીને તેમને મનોરંજન આપી શકે અને જરૂર લાગે તો બોનસમાં તાળીની આપલે દ્વારા પોતાનાં સાચાં કામોને વેળાસર પૂરાં કરાવી શકે!

હસે તેનું ઘર વસે (જો અપરીણિત હોય તો!)

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

(સંપૂર્ણ)


 

Tags: ,

22 responses to “(275) હાસ્ય દરબારનાં રત્નો – ૯ (રત્નાંક – ૯) * વલીભાઈ મુસા (વિલિયમ) – હાદઓળખે ‘વલદા’ (૯)

  1. સુરેશ

    September 25, 2011 at 8:56 pm

    વાંચતાં વાંચતાં બહુ જ ક્ષોભ થયો કે, સૌ રત્નોના પરિચય આપનારનો પરિચય આપવાનું સૌજન્ય આ આળસુ અને ભૂલકણા જણને કેમ ન સૂઝ્યું?
    પણ હવે એ બાબત કશો ખરખરો કરી શકાય તેમ ન હોવાને કારણે , વલદાનો ભૂતકાળમાં આપેલ પરિચયની લિન્ક અહીં આપી સંતોષ માની લઉં ?

    મિત્રો મળ્યા – વલી’દા


    અને વલદાના પરિચયનું વિવેચન વલદા ન જ કરે; એ વાજબી વાત સ્વીકારી વલદાના આ રત્ન પરિચયને બીરદાવતાં હાદ તંત્રીઓ વતી આનંદની લાગણી વ્યક્ત કરું છુ. આવું મહાન કાર્ય કરવાની ગુંજાઈશ રાત્રિ કે સુરદાની નથી જ; આથી અહોભાવ ઊભરી રહ્યો છે. વલીદાની લાક્ષણિક શૈલીમાં લખાયેલા આ પરિચયો એમને મળ્યા તૂલ્ય આનંદ આપે છે; તે નિર્વિવાદ વાત છે.
    સાથે બબૂચક વિવેચક હોવાના નાતે આ પરિચયમાં થયેલ એક ભયંકર ભૂલ તરફ અંગુલિનિર્દેશ ન કરું તો મારી હાથે વહોરી લીધેલી ફરજમાંથી ચૂક્યો જ ગણાઉં .
    ————————

    ‘તેમના લખાણને બિરદાવવા માટે બાવન અક્ષરો કામ આવે તેમ નથી અને ત્રેપનમો હજુ શોધાયો નથી.’
    ————————
    ત્રેપનમા અક્ષર ( ૐ ) નું જ્ઞાન વલદાને ન હોય તે તેમના સંસ્કૃત સાહિત્યના જ્ઞાન તરફ નજર નાખતાં માની શકાય તેમ નથી, પણ સિત્તેરે સાઠથી પણ વધારે ગેરવલ્લે મૂકાયેલ યાદદાસ્તને નજરમાં રાખતાં આ દોષ ગનીમત છે. ( કે જાનીમત છે?!)
    હવે આ બાબત વલીમત જરૂર મળશે જ એવી આશા સાથે

    – સુરદા

    Like

     
    • સુરેશ

      September 25, 2011 at 8:58 pm

      સોરી… એક સુધારો

      અને વલદાના પરિચયનું વિવેચન વલદા કરે; એ વાજબી વાત સ્વીકારી

      ***
      અને વલદાના પરિચયનું વિવેચન વલદા ન જ કરે; એ વાજબી વાત સ્વીકારી

      Like

       
      • Valibhai Musa

        September 25, 2011 at 9:14 pm

        લ્યો, મૂળ કોમેન્ટમાં સુધારો કરી દીધો છે.

        Like

         
    • Valibhai Musa

      September 25, 2011 at 10:25 pm

      ભાઈશ્રી સુરદાજી,

      ૐ ને ત્રેપનમો અક્ષર ગણવામાં આવે છે તે વાતને નકારી શકાય નહિ.મારા એમ લખવાના તાત્પર્યને સમજાવું તો માણસ દુન્યવી કોઈપણ ભાષાના વાણીવ્યવહારમાં બાવન ઉચ્ચારોનો ઉપયોગ કરતો હોય છે. ત્રેપનમો (ૐ ) ખરેખર તો શ્વાસની આવનજાવન સાથે તાલબદ્ધ રીતે મનમાં ઉચ્ચારવાનો છે. અને તેથી જ આ (ૐ) ને બાવન બહારનો ગણવામાં આવ્યો છે. આ મારું આત્મચિંતનમાંથી તારવેલું નમ્ર સંભવિત સત્ય છે. (ૐ) ની જેમ અને તેના પર્યાયવાચક નામ જેવો ઈશ્વર માટેનો મૂળભૂત શબ્દ કે નામ અમારા ત્યાં અલ્લા(હ) છે. અન્ય નામો એની સિફતો (ગુણો) દર્શાવે છે. હું અરબી ભાષાનો અભણ માણસ છું. મેં ‘અલ્લા’ નો અલ્ + લા વિભાગે એમ અર્થ તારવ્યો છે કે અલ એ અંગ્રેજી the નિશ્ચિત આર્ટિકલ છે. અલ મક્કા, અલ મદીના એમ પણ બોલાય છે. અરબીમાં ‘લા’ નો અર્થ નકારાત્મક ‘સિવાય’, ‘વગર’, ‘કશું નહિ’ એમ લેતાં અલ્લા તે એક નિરંજન નિરાકાર પરમ શક્તિ જ છે, બીજું કશું જ નહિ. ૐગ્વેવેદમાં તેને કશાય જેવો નહિ એટલે કે નેતિ, નેતિ અર્થાત ન ઇતિ, ન ઇતિ બતાવ્યો છે, જે અલ્લા શબ્દનો સમાનાર્થી ભાવ બતાવે છે. ઈશ્વર કે અલ્લાહ એ પુણ્યશ્લોક મૂળ્ભૂત નામો છે. પુણ્ય શ્લોકનો મતલબ જેને ઉચ્ચારવાથી પુણ્ય મળે તેવો થાય. એવાં ઘણાં નામોને પુણ્યશ્લોક નામો ગણી શકાય, પણ સર્વશક્તિમાન સર્જનહારનું જે તે ધર્મમાં ગણાતું મૂળભૂત જે નામ હોય તેને શ્રેષ્ઠ પુણ્યશ્લોક નામ ગણવું પડે અને તેનો જિક્ર ઉત્તમ ગણાય. વળી એ જિક્ર જીભ કરતાંય આગળ કહ્યું તેમ શ્વાસની આવનજાવન સાથે તાલબધ્ધ મૌનાવસ્થામાં થાય તે ઉત્તમોત્તમ જિક્ર (રટણ) ગણાય. આપ ભૂદેવ છો. અન્ય સ્વર્ગના દેવો હોય છે. ઈશ્વર એ દેવોનો પણ દેવ છે, એ મહાદેવ છે. ઈશ્વર શબ્દના મર્મે સમજતાં એ શ્રેસ્ઠ (વર) ઈશ છે. જેમ સરસ એટલે ‘તળાવ’ થાય. પણ સરસ્ + વર = સરોવર એટલે કે શ્રેષ્ઠ તળાવ એમ થાય કે જેમાં નિર્મળ પાણી હોય, પાકા કાંઠા હોય. ‘ઈશ્વર’ માં પણ એમ સમજી શકાય. ઈશ્ એટલે દેવ, ઈશ્વર એટલે દેવાધિદેવ.. અમારા કલેમાહ (શ્લોક) “લાઈલાહા ઈલલ્લાહ’ નો અર્થ થાય છે “નથી કોઈ એવો મઅબુદ (ઈશ્વર) સિવાય અલ્લાહ”. આમ ‘લાઈલાહા’ માંનો ‘લા’ પૂર્વગ સર્વ પ્રથમ સઘળાના અસ્તિત્વનું ખંડન કરે છે અને પછી એક જ નિરંજન નિરાકાર ઈશ્વરનું સ્થાપન થાય છે. જેમ કોઈ મકાનની જગ્યાએ નવું મકાન બનાવવા પહેલાં જૂનાને નામશેષ કરીને તેનું ખંડન કે વિસર્જન કરીને તેના કાટમાળને ખસેડીને સાફ જમીન કર્યા પછી નવીન મકાન બની શકે તેવું જ ‘લા’ થકી સમજીને એક ઈસ્વરની સ્થાપના એટલે કે સ્વીકાર થયા પછી માત્ર તેને જ ભજી શકાય. ઈશ્વર ‘સર્જક’ છે, એના સિવાયનું સઘળું એનાં સર્જનો છે, જેમાં વ્યક્તિઓ પણ આવી જાય. ઉપાસના સર્જકની જ થાય, સર્જનની હરગિજ નહિ. આમ ઈસ્લામના પયગંબર વિષે પવિત્ર કલેમાહ (શ્લોક)માં તેમના વિષે કહેવાયું છે કે મહંમદ તેના બંદા (દાસ કે ભક્ત) અને રસુલ (ઈશ્વરના સંદેશાવાહક ) છે. આમ ઈશ્વર-અલ્લાહ સાથે મહંમદનું નામ આગળ બતાવેલી ભાવનાએ લઈ શકાય, પણ ઈશ્વર કે અલ્લાહની અવેજીમાં નહિ. તેઓ ઈશ્વરને ઓળખાવનાર છે, ઈશ્વર નહિ. મહંમદ એ હાદી (હિદાયત કરનાર-ઉપદેશક) છે, ઈશ્વર નહિ. ઈસ્લામમાં પ્રવેશનારે પોતે એકલાએ જ દિલથી ‘લાઈલાહા ઈલલ્લાહ, મહંમદ રસુલિલ્લહ’ કહી દે એટલે વાત ખતમ, ઈસ્લામમાં પ્રવેશવા માટે અન્ય કોઈ વિધિવિધાન નહિ. અતિ વિસ્તાર બદલ ક્ષમાયાચના. .

      Like

       
  2. mahendrashah

    September 25, 2011 at 9:19 pm

    Enjoyed.

    Mahendra Shah
    http://www.isaidittoo.com

    Like

     
  3. Dr. Rajendra Trivedi

    September 26, 2011 at 12:05 am

    ૐ…..
    ૐ ઈશ્વર છે.
    દેવાધિદેવ છે.
    મહાદેવ છે.
    ૐ સત્ય છે.
    It is the primodial sound and origin of all words.
    That is One and Nine!
    And you are nine number of Hasyadarbar.
    One of Nine!
    If one wants to read on ૐ http://tulsidal.wordpress.com/2007/12/03/oum-omkar-pranav-mantra/
    (Comment on Haasy Darbaar)

    Like

     
  4. Valibhai Musa

    September 26, 2011 at 12:07 am

    Dear Dr. Rajendra Trivedi,

    Thanks for suggesting the site for deep study of ૐ.
    I’ll go through it. One more thing you have to do for me if possible. I’ll send you the Xerox copy of a BAYAN in old Gujarati if am able to get it. That BAYAN indicates that there is/are a Shlok/s in Sanskrit which is equivalent to our Arabic Kalemaah (Shlok). The recitation of it shows us the path of . liberation. If the person while dying recites it, he or she will get MokSha. If the person is unconscious at the last moment, the relatives should remind to the soul of the dying person reciting the same loudly.

    Regards

    Like

     
  5. harnish5

    September 26, 2011 at 12:50 am

    મને પરિચય ગમ્યો– થોડો ટૂંકો લાગ્યો. આ જણ ખૂબ વહાલસોયો છે.– ટીકા ઓ પણ વા;ચવી ગમી.

    Like

     
    • Valibhai Musa

      September 26, 2011 at 5:44 am

      આપની વાત સાચી, પણ આજકાલ લાંબું તો કોણ વાંચે? પ્રતિભાવ બદલ ધન્યવાદ.

      Like

       
  6. Qasim Abbas

    September 26, 2011 at 5:08 pm

    શ્રીમાન વલીભાઈ,

    સલામ,

    આપનો પરીચયલેખ વાંચ્યો. બહુજ અનોખા અંદાજમાં લખેલ છે. ધન્યવાદ.

    પુરા પરિચયલેખમાં આપના નામ વલીભાઈ, વિલિયમ, વલિયા, વલદા વગેરેનો આપે છુટ્ટો ઉપયોગ કરેલ છે. હવે હું એક સુંદર નામનો ઉપયોગ કરવાની ગુસ્તાખી કરી રહ્યો છું. વલી અરબી ભાષાનો શબ્દ છે, અને તેનો અર્થ “મિત્ર” થાય છે. બહુવચન “ઓલિયા” થાય છે, જે કુરાન મજીદ માં પણ વપરાયેલ છે. પ્રકરણ (સુરાહ) ૨, શ્લોક (આયત) ૨૫૭ તથા પ્રકરણ (સુરાહ) ૧૦, શ્લોક (આયત) ૬૨માં વલી તથા ઓલિયા શબ્દ વાપરવામાં આવેલ છે.

    હવે જ્યારે આપ આપના નામનો ઉલ્લેખ કરો, તો વલી નો અર્થ મિત્ર થાય છે એ કદી ન ભુલતા.

    શુભેચ્છાઓ સાથે.

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    કાસીમ અબ્બાસ
    કેનેડા

    Like

     
    • Valibhai Musa

      September 26, 2011 at 7:56 pm

      હાજી સાબ,

      વ અલયકુમ સલામ.

      સુંદર અરબી શબ્દના સૂચનમાં ગુસ્તાખી ગણાય નહિ. જો કે હું અરબીનો અભણ માણસ છું, છતાંય વલી, વિલાયત શબ્દો અને તેના અર્થોની થોડીઘણી મને જાણ છે અને તેના મારા મને આભાસી અર્થોનું તમારા તરફનું સમર્થન મળી ગયું. વિલાયતનો અર્થ નિકટતા પણ થાય અને જ્યાં નિકટતા હોય ત્યાં જ મિત્રાચારી સંભવે અને આમ Vice versa સમજવું પડે. અમારા ત્યાં બોલચાલમાં અલ્લાહના વલી કહેવાય છે. હું તો નાચીજ ગુનેગાર બંદો છું. મારાં નસીબ ક્યાંથી કે હું અલ્લાહ સાથેની અણુ જેટલી પણ નિકટતા હાસિલ કરી શકું.

      દુઆગીર,

      વલીભાઈ

      Like

       
  7. Harnish Jani

    September 26, 2011 at 8:00 pm

    મારા દાદા જયારે કોઈકને ” ભગવાનનો માણસ,,,,,,,; કહેવો હોય તેને માટે ઓલિયો–ઓલિયા શબ્દ વાપરતા. એ શબ્દ મેં મારી બા પાસેથી પણ સાંભળ્યો છે. ગુજરાતમાં વપરાય છે.
    (ઈ-મેઈલ)

    Like

     
    • Valibhai Musa

      September 26, 2011 at 8:02 pm

      હરનિશ ભાઈ,

      પાણીને પાણી, જળ, જલ, વારિ, Water, તની (તમિલ), આબ આમ દુનિયાભરની ગમે તે ભાષાએ બોલીએ; શબ્દ બદલાય, પણ અર્થ નહિ. ભગવાનનો માણસ (દાસ) માટે ભગવાનદાસ તો અરબીમાં અબ્દુલ્લાહ = અલ્લાહનો અબ્દ (બંદો,.દાસ).

      આમ છતાંય જે-તેના સમાજમાં જેમ શોભતું હોય તેમ જ બોલાય. સાસુને સાસુ જ કહેવાય, બાઈડીની મા ન કહેવાય. શેખ અબ્દુલ્લાહ ને શેખ ભગવાનદાસ ન કહેવાય, તે જ રીતે અમીન ભગવાનદાસને અમીન અબ્દુલ્લાહ ન કહેવાય.

      “જ્ઞાનીસે જ્ઞાની મિલે તો કરે જ્ઞાનકી બાત ઔર…..” ઉક્તિની જેમ હાસ્યકાર – હરનિશભાઈકો હાસ્ય(Toy)કાર – વલીભાઈ મિલે તો કરે હસાહસકી બાત!

      સ્નેહાધીન,

      વલીભાઈ

      Like

       
    • Haji Kasim Haji Abbas KalavaDawalaa

      September 26, 2011 at 8:12 pm

      કુરાન મજીદમાં અસલ શબ્દ છે: “ઓલિયા અલ્લાહ”, એટલે અલ્લાહના મિત્રો, સહાયકો, સાથીઓ વગેરે. આ અનુસાર ગુજરાતમાં વપરાતા “ભગવાન ના માણસ” એ શબ્દો બિલ્કુલ બરાબર છે.

      (ઈ-મેઈલ)

      હાજી કાસિમ હાજી અબ્બાસ કાલાવડવાળા

      Like

       
  8. chandravadan

    September 27, 2011 at 1:54 am

    હાસ્યદરબારનાં મૂળભૂત નવ અને પાછળનાં ઉમેરાએલાં બે અડધિયાં મળીને કુલ સંખ્યાએ અગિયાર નંગ (ડઝનમાં એક ઓછું) રત્નો કે જે હાસ્ય દરબારના દફતરે દસની સંખ્યામાં બોલે છે તેવાં રત્નોની પરિચયલેખમાળા ભાઈ વલદાએ પૂર્ણ કરી છે…………………………………

    વલીભાઈ આઠમા રત્ને રજ્ઞાજુબેનનું વાંચી..મે પ્રતિભાવ તો મુક્યો.

    હવે નવમા રત્ન સ્વરૂપે વલદા રત્ન !

    અને આગળના ૩-૭ વિષે તો અહી વાંચ્યું..એક અને બે નંબરે તો સુરેશદા અને રાજેન્દ્ર કે રાત્રી હશે.

    હવે રહ્યા ગણાવવાના નંબર ૧૦ અને ૧૧ (જેનો ઉલ્લેખ પોસ્ટમાં કર્યો છે)

    હવે બારમો યાને જે થકી એક ડઝન ..તે કોણ ? કોઈએ જવાબદારી ના લીધી હોય તો આઠમા રત્નની પોશ્ત પર પ્રતિભાવરૂપે મે તો કહી જ દીધું છે…તે વાંચવા કૃપા કરશોજી !

    અને એથી ચંદ્ર કહે છે>>>>

    વલીને છીપ ખોલી મોતીરૂપે નિહાળી,

    ચંદ્રએ તો એનું મુલ્ય લીધું પારખી,

    મિત્ર કહી, ખરેખર હૈયામાં કેદી કર્યા,

    “ચંદ્રપૂકાર”પર ફરી ફરી બોલાવી હેરાન કર્યા,

    કોઈવાર આગ્રહે ,કોઈવાર આગ્રહ વગર એ આવ્યા,

    બહું ઉંડા વિચારો કરી, હ્રદયનું કંઈક કહી ગયા,

    અને મિત્ર ચંદ્રને ખુબ જ ખુશ કરી ગયા,

    એવા શબ્દો ચંદ્ર હૈયે અમર અને યાદગાર છે,

    બસ, એવા જ વલીની ચંદ્ર ઓળખાણ છે,

    આ લખ્યું તે છંદ વગર છે તો માફ કરશો,

    પણ, હર્દયમાંથી છે તો જરૂર સ્વીકારશો ,

    …….ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Valibhai…Your high thoughts..your Hasyabhav.well expressed in all your Weitings !
    Inviting you to my Blog. Hoping to see you always but come when you can !

    Like

     
  9. હરનિશ જાની

    September 27, 2011 at 6:12 am

    અમારે ત્યાં રાજપીપલામાં મુશ્લીમ સંસ્ક્રૃતિની ાસર ઘણી છે..અમે મશ્જીદમાં રહેતા મુશ્લીમ બંદાઓને ઓલિયા કહેતા– એમને દાન પણ કરતા– અમારું કુટુંબ શુધ્ધ ધાર્મિક બ્રાહમણનું હતું છતાં મોટા દિકરાને પહેલાં પાંચ વરસ મહોરમના સમયે મુશલમાન બાનાવવામાં આવતો. મને હજુ યાદ છે. કે મારા ઘર પાસે સવારી રમતી . અને મારા ગળે લીલા દોરા પહેરાવાતા–અને મારા માથે ધૂપ ફૂંકવામાં આવતો. મારા દાદીમાના મ્રૃત્યુ પછી એ પ્રાણાલિ બંધ થઈ.
    એટલે ભોળા માણસને ઓલિયો જીવ કહેવાય છે.
    કાસિમસાબ – આપની વાત સાચી.

    હરનિશ જાની (ઈ-મેઈલ)

    Like

     
    • Valibhai Musa

      September 27, 2011 at 6:24 am

      “મુસલમાન” નહીં, પણ ‘દુલ્લા’ બનાવવામાં આવતા હશે. જેમાં લીલો પોષાક, હાથે કે માથે લીલી પટ્ટી બાંધી હોય. અહીં આસ્થાનો સવાલ છે. યુ.પી.માં શિયા મુસ્લીમો વધુ હોઈ ત્યાં મહોરમ ભવ્ય રીતે મનાવવામાં આવે છે. આવું જ હૈદરાબાદમં હોય છે. અમારા ગામમાં ચેહલુમ ઉપર ચાર દિવસનું ફેડરેશન અને છેલ્લા દિવસે ખંદક (ધગધગતા અંગારા ઉપર ચાલવું) નો પ્રોગ્રામ હોય છે. અહીં ચમત્કારની ભાવના નહિ, પણ ઈમામ હુસૈનની શહાદતના માનમાં પોતાના તનને કષ્ટ આપવાની ભાવના હોય છે.

      Like

       
  10. Mahendra Shah

    September 27, 2011 at 6:55 am

    Interesting!

    અમારા ઘરની પાછળ મુસલમાનનો માઢ અને મસ્જીદ હતી, એટલો સુંદર ભાઈચારો, નાનો હતો ત્યારે મારા મુસલમાન મીત્ર જોડે હું મદ્દ્રેસામાં ઘણી વાર જતો.
    મહેન (ઈ-મેઈલ)

    Like

     
  11. Suresh Jani

    September 27, 2011 at 6:57 am

    મારે પણ હવે કાંક કહેવું પડશે.
    અઢી મહિના આ વલીદાની મૈત્રી અમદાવાદમાં અને એક વીક અહીં માણી છે. હર્નિશદાની મહેમાનગતી પણ બે દિ માણી છે. ભરતભૈ અને ચિમનભાઈની પણ એકેક દિવસ માટે. અને મારા વાલીડા ડાગટરિયાનીય દસેક દિ.
    કાસિમદા અને મહેનદા હારે નેટ પર.
    હિન્દુ, મુસલમાન, એ વાડા બનાવટી છે. અન્યોન્ય માટે અહર્નિશ ભાવ રહે; એની મજા જ કાંઈક ઓર.
    આવા જ એક મુસ્લીમ મિત્રે કહેલો યાદગાર શેર.

    दिलसे जो बात निकलती है, असर रखती है।
    पर नहीं, ताकते परवाझ़ मगर रखती है !
    (ઈ-મેઈલ)

    Like

     
  12. Bharat Pandya

    September 28, 2011 at 5:06 pm

    જુના જમાનામા એક ગીત લોકપ્રીય હતું –બડી ભુલ હુઈ તુજે પ્યાર કીયા– મને ગાવાનુ મન થાય છે કે -બડી ભુલ હુઇ હા.દ મે જોક ભેજા — હાસ્યરત્નોમા ગણત્રી પછી થયુ આ ગુલાબના બાગમા (રત્ન નં૪ ઉર્ફ ભભૈ) એટલેકે કેક્ટસ ક્યાંથી ઘુસી ગયું ? ! જયાં એક જોક મોક્લી નથી ત્યાં દસ લાઇક આવ્યા નથી !માન મળે તે ગમે પણ જ્યારે હું ખુદ જાણતો હોઊ કે હું આને લાયક નથી ત્યારે તે સ્વીકારવાનુ અઘરું થઈ જાય છે.આ હરનીશભાઇ, આ મહેન્દ્રભાઇ , આ ચીમનભાઇ ,આ રાજેન્દ્રભાઇ – સુરેશભાઇ , આ વલદા મા આ ભરત ક્યાંથી ઘુસી ગ્યો. મને લાગે કે એને અનામતની કેટેગરીમા સમાવવો પડ્યો હશે ને કા માળૉ લાંચ આપીને ગરી ગયો હશે.ભૈલાઓ મેં તો છાપરે ચડીને કીધું છે મારું કાઈ નથી , બધો ચોરેલો માલ છે.જ્યાં ત્યાંથી ભેગુ કરેલી સામગ્રી છે !હું હાસ્ય રત્ન નથે ચોર- રત્ન છું. હા એક ક્વોલીટી છે -હા.દ. શીવાય બીજે ક્યાંય મોકલતો નથી ને બીજું કાઇ વાંચતો નથી ( એક પત્ની વ્રત). ઘણાને ગમે છે જાણી છાતી ગજ ગજ ફુલે છે પણ વારે વારે નવા ખમીસ શીવડાવાનો ખર્ચો ભારે પડે છે.ફુલાઇ ફુલાઇ ને પેલી વારતાના દેડકા જેવું નો થાય તો સારું !ચલો જે શિ ક્રશ્ન ! આ બધા માન અકરામના અંચળા મુકો હેઠા ને ધંધે લાગો આજની જોક મોકલો ભરત ભૈ એ વગર

    ભરતભાઈ પંડ્યા (હાસ્ય દરબાર ઉપર કોમેન્ટ)
    કોઇ એ ભાવ નહી પુછે !

    Like

     
  13. Suresh Jani

    September 28, 2011 at 5:10 pm

    ભરતભૈ
    તમને સદેહે, પ્રત્યક્ષ ભાવનગર મળવા આવ્યો અને છતાં તમે આમ વિચારો એ ઠીક નૈ. હાદ એટલે હાસ્ય. બધાં પ્રકારનાં હાસ્ય અહીં ખપે ( અશ્લીલ અને બિભત્સ સિવાય!)

    તમારું પ્રદાન નાનું નથી જ.
    અને ચોર તો બધાં જ છે. તમે લખેલાં બધાં રતનોએ સમાજ, કુટુમ્બ, અને ઉપરવાળાની મે’રબાનીથી મળેલા સૂંઠના ગાંગડા જેવાં જ અળવીતરાં કર્યાં છે. પરાવાણી જેમના મુખેથી પ્રગટતી હોય તેવા સંતોય કહે છે કે, એ વાણી એમની નથી હોતી.

    માટે એ કાનુડોય ચોર અને સુરદા, વલદા હંધાં ચોર, ચોર અને ચોર જ.

    ભરતભૈ બે મુઠી ઉપર.
    કારણ?
    એ ચોરીની જાહેર કબૂલાત કરે છે!!
    માટે આવું ગીલ્ટી કોન્શિયસ ન રાખતા, અને બિન્ધાસ્ત જોક્યું ઝૂડે રાખજો.
    હા! જરા જોડણી ઠીક કરતા રો’ તો અમારી પર ઉપકાર!!!

    સુરેશ જાની (હાસ્ય દરબાર ઉપર કોમેન્ટ )

    Like

     
  14. Valibhai Musa

    September 28, 2011 at 5:12 pm

    “હા! જરા જોડણી ઠીક કરતા રો’ તો અમારી પર ઉપકાર!!!” ના, બિલકુલ નહિ. એ લક્ષણ તો મોરના માથે કલગી સમાન છે. શુદ્ધ જોડણી એ તો મેક અપ કરવા જેવું લાગે છે. વર્ષો પહેલાં હસાહસના કોઈક મેગેઝિનમાં પ્રશ્ન હતો, ‘સ્ત્રીનું સાચું સૌંદર્ય ક્યારે જોવા મળે?’ જેનો જવાબ હતો, ‘સવારે પથારીમાંથી જાગે ત્યારે’!’ ભાષાવિજ્ઞાનનો નિયમ છે ‘ કોઈ બોલે અને સામે વાળું સમજે એટલે તેમની વચ્ચે Communication થયું ગણાય. જોડણીની ભૂલના કારણે ભભૈની કઈ જોક ન સમજાઈ એ કોઈ કહેશે? સંકેત કે ઈશારો એ પણ ભાષા જ છે. માટે લગે રહો ભરત ભાઈ!

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.