RSS

Monthly Archives: October 2011

(284) એટિકેટના આ એક જ અપવાદે! (હાસ્યકાવ્ય)

(284) એટિકેટના આ એક જ અપવાદે! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

મેગાસીટીએ, વિન્ટરી સન્ડે ઈવનિંગે (ઘેર ખાવું કે પોઈઝન (ઝેર) ખાવુ!),

મલ્ટીપ્લેક્ષ થિયેટરે, મેટિની શોએ રા-વન માણી, અવ લિમિટેડ ફેમિલી,

સ્પીડી કારે, જાયન્ટગણસમ હન્ગર હન્ગર વદતું, સ્ટાર હોટલે ભાગે. (1)


લો! વી વિલ હેવ ટુ વેઈટ વેઈટીંગે!

એરકન્ડીશન્ડ કોન્ફરન્સ હોલે, હોમ થિયેટરની વિડિયો ક્લિપે થઈ રહ્યું,

કસ્ટમર કાઉન્સેલિંગ, જેઓ ઈન્ફીરીઆરીટી કોમ્પ્લેક્ષે પીડાય, હાયફાય એવી હોટલોએ! (2)


સ્માઈલીંગ કરતાં ટીપ લો કે હાઉ ટુ બિહેવ હોટલે?

વેઈટરને ટીપ આપવી નોટ કમ્પલસરી, આઈધર ગિવ ઓર નોટ કે ગીવ લેસ ઓર મોર,

બટ ઈટ્સ હીઝ ડ્યુટી. નો રાઈટ ઓફ ટીપ લેવાનો, એમ એવી ટીપ તેઉને અપાય! (3)


કાચની પ્લેટો અને એરિસ્ટોક્રેટ (એરિસ્ટોટલ!) સ્પુનના અવાજો ખાળવા,

વુડન યુટેન્સિલ કે મોરસલ (ગ્રાસ-કોળિયો, ઘાસ નહિ!) ઈઝ ધ બેસ્ટ, શુડ હેવ નો શેઈમ!

સ્મેકીંગ સાઉન્ડ (બચકારો) નોટ ફેર, ઈટીંગ ધ મોરસલ बंध लिपसे ઈઝ ધ ઓન્લી વે! (4)


ટોકન નંબર આવી જતાં કોર્નર ટેબલે સીટો ગ્રહી ત્વરિત,

મેનુ હાથમાં લઈ એપિટાઈઝરનો જુદી જુદી ચોઈસે ઓર્ડર આપી,

માંહોમાંહેની પુલિંગ ડ્રેગિંગે (ખેંચાખેંચી) ફાઈનલ ફુડ ઓર્ડર આપી થયા રીલેક્સ્ડ! (5)


બાઉલ માંહેથી સ્પૂન થકી ફુડ સર્વ કરતા વેઈટર (પીરસણિયો)ને જોઈ,

મુજ મેડમ વ્હીસ્પરીંગ વોઈસે સ્માઈલ કરતાં બોલે, યંગ ચિલ્ડરનની જેમ ફીડ કરશે કે શું!

એવું તો સાવ નહિ, પણ લાગે છે કે સ્લેવરી સિસ્ટમ હજુ મોજુદ છે! (6)


ડીનર ઓવર થએ પછી લાસ્ટમાં આવ્યું ડેઝર્ટ (Dessert),

ધીસ કહેવાયે સેકન્ડ લેયર ઈન અવર સ્ટમક, ફોલીંગમાં કીકની જેમ,

કે પછી ગ્રેઈન તણો ભર્યો જુટ-બેગ હલાવી મેક્ષીમમ ભરવાની કરવી કુચેષ્ટા! (7)


લાસ્ટેસ્ટ લાસ્ટ આવ્યો માઉથ ફ્રેગ્રન્ટ કાજે મફતિયો મુખવાસ,

મેં છોકરાંવને હળવેથી ક્લેપ્ટોમેનિયા અને શોપ લિફ્ટિંગ વિષે સમજાવ્યું.

ટેલિસ્કોપિક વિડિયો કેમેરે ઈશારે, મુઠ્ઠા ન ભરતાં, લિમીટેડ મુખવાસ લેવા જણાવ્યું! (8)


બિલ પે થઈ ચેન્જ મની બેક આવ્યા,

શોભતા ભાણા (ડીશ)ની જેમ શોભતી ટીપ તજી શોભતા એટિકેટ સૌ નિભાવી,

અજીઠા ફુડનાં પાર્સલો ગ્રહી અમે પાર્કીંગ લોટે લૌટીએ, એટિકેટના આ એક જ અપવાદે! (9)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

(283) સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (હાસ્યકાવ્ય)

(283) સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

જગ આખાયે વેપારવણજે

સેલ-સેલની બોલબાલા ભાઈ, સેલ-સેલની બોલબાલા!

આંકડાની માયાજાળની મહાજાળ રચે જગતભરના એ ઊર્ણનાભ!

સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (1)


વિદેશે જેસી પેની (JC Penny) એટલે જેવા પૈસા,

તો વળી વૈયાકરણે ત્રીપુ એકવચને સીઅર્સ (Sears) નો મતલબ થાયે,

તપાવેલા લોઢે દેવો ડામ!

સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (2)


ઘરઅંગણિયે બીગ બઝાર (Big Bazar) જ્યાં,

શબ્દકોષે બીગ (Big) નો અર્થ થતો બડાઈખોર!

શોપર્સ સ્ટોપ છતાં, ટ્રોલીઓ ખેંચતા રહે સૌ, ઊભા ના રહે!

સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (3)


‘બાય સો સો અને ગેટ સો સો ફ્રી’ જેવાં ઝાંઝવાજળશાં.

ગાજરલાકડી મુખ સમીપે લટકે લાલચ થૈ,

પેન્ટાલુને પેન્ટ તરડાતાં સિલાઈએ વાંકા વળતાં!

સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (4)


દિલ્હી બઝારે ક્રમિક છ તબક્કે 120 ટકા ડિસ્કાઉન્ટ!

ના માન્યામાં આવે, પણ હકીકત સામે જોઈ બને સૌ દંગ,

અને છતાંયે ચુકવાતા છવ્વીસાધિક ટકા ગજબ ભયો!

સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (5)


સેલસેલની અવનવી સ્કીમ સૌ આવે ને જાય,

પણ ઋતુ અને તહેવાર ગમે તે, એક સ્કીમ જે દુનિયાભરમાં એવી પ્રચલિત,

કે કછડો બારે માસ લીલોછમ જ્યમ!

સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (6)


મુજ વાંચકજન, મુજ શ્રોતાગણ

દશે આંગળીઓ ઘીમાં ફેરવે ત્યમ માથાં ખંજવાળે બેઉ હાથે!

પૂછે એવી તે શી સ્કીમ જે ના સમજાયે!

સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (7)


વધુ લટકાવ્યા વિણ સીધું ભાખી દઉં:

જાઓ પે એન્ડ યુઝ ટોઈલેટે, દુનિયાભરમાં વર્ષના ગમે તે દહાડે!

ચૂકવો બિલ બે આંગળીનું ને એક આંગળી મુદ્દલ ફ્રી!

સેલ-સેલ ભાઈ, સેલ-સેલ! (8)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”


 

(282) ‘વો કો’ તો કો’, અબ મેં સમઝા!’ (હાસ્યકાવ્ય)

(282) ‘વો કો’ તો કો’, અબ મેં સમઝા!’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

રંગમંચ પર સ્પર્ધકો આવે,

નિજ એકપાત્રી અભિનય થકી

ઊરાડવાને હાસ્યફુવ્વારા!


વિવિધ અભિનયે સૌ,

મન ડોલાવે, પેટ હલાવે,

મુક્ત હાસ્યે શ્રોતાગણનાં!


છેલ્લો આ કલાકાર રજૂ કરે,

નિજ કલા સાવ બોગસ રીતે,

પૂર્વતૈયારી વિણ, સાવ હાસ્યાસ્પદ!


પુત્ર હુમાયુને સાજો કરવા,

પ્રદક્ષિણા કરતો બાબર રુગ્ણશય્યા ફરતે,

દુઆ ગુજારે માલિકને ચોધાર આંસુએ, એવું દૃશ્ય એ!


એકલવીર કલાકાર એ

સૂએ ભોંય પરે થઈ હુમાયુ,

પ્રથમ સંવાદે જ અટવાતો એ પિતા તણા ઉર્દુ શબદ કાજે!


સહેજ ઊંચા માથે પૂછે લોકને,

‘પિતાને ઉર્દુમાં શું કહેવાયે, પ્લીઝ?’

પ્રેક્ષકો અને નિરીક્ષકો સુદ્ધાં હસી પડે, એ હેરતપ્રશ્ને!


‘અબ્બાજાન અને વાલિદ’ શબ્દો ફંગોળાયા, અને

‘ઓ અબ્બાજાન, મેં મર રહા હું, હાલ તો મુઝે મરને દો,

તમે બાદમેં મરના, જબ મોત આવે!’ કહે હુમાયુ.


પ્રેક્ષકવૃંદ સીટીઓ થકી દાદ એવી દે પ્રથમ સંવાદે,

કે નિર્ણાયકો અને પ્રારંભના સ્પર્ધકો મનોમન માને,

‘આ વાલીડો જરૂર મારી જશે મેદાન!’


હુમાયુ થતો બેઠો,

સાજો થઈને નહિ, પણ બાબર થઈને,

તેના ભાગે આવતો સંવાદ બોલવા, પ્રદક્ષિણા કરતાં કરતાં!


‘મેરે છોકરે, મેરે દિલકે ટુકડે, તું ક્યું મરે?

તું તો મોટિયાર હૈ અને મેં તો ઘઈડા હો ગયા હું,

મેં એકલા જીવકે ક્યા કરુંગા, મીઝે જવાબ દે દીકરા!’


કોકટેઈલ ઉર્દુએ, બેવડ વળીને સૌ હસે,

ને કલાકાર ભાઈડો, બિન્દાસપણે હુમાયુ પાત્રે,

ફરી ભોંયે સૂએ ને વદે.


‘અબ્બાજાન, સઉકો એક બાર મરનેકા હૈ,

કોઈ અમરપટા લેકે નહિ આયા!

તો આજ મરો કિ કાલ મરો, ક્યા ફરક પડતા હૈ કોઈકો ભી?’


‘મેરે વાલે બચુડે, મેરેકો બોત ફરક પડતા હૈ!

તું જરા સોચ, મેરા નખ્ખોદ જાવે,

તો રાજગદ્દી ઉપરિયાં કુંણ બેઠે, મેરે મરનેકે બાદ?’


બાબર ફેરા ફરતાં વળી બોલતો,

‘અબ તું ચૂપ મરેગા કે નહિ?

કમબખત, મેરેકો અલ્લાકો દુઆ કરણે દે, તેરે જીવકે વાસ્તે!’


ઓડિયન્સ મધ્યે ઊછળી ઊછળીને સૌ હસે,

અને નિર્ણાયકજન ખેચમતાણ અનુભવે,

‘હસવું કે રહેવું ખામોશ તટસ્થભાવે?’


સભાશિસ્તજોખમ ભયે,

ઘંટડી વગાડી નિર્ણાયક અધ્યક્ષે,

એકપાત્રી બાબર-હુમાયુ અભિનયને એક ઝાટકે મારી બ્રેક!


‘અભી ટેમ તો બાકી હે ને, ક્યું ઉતાવળ કીધી?

મેરેકો સાજા હોના હૈ અને મેરે વાલિદકો મરના હૈ, ઉનકી મઈયત નિકલેગી,

તબ પૂરા હોગા એ ખેલ! અને ઈનોંમ તો મેરા જ હોં કે!’


‘ના, બાબા ના!’ અધ્યક્ષ તો વદે,

મૈયત તો તુમ બનોગે વાલિદકે બદલેમેં,

ફિર રાજગદ્દી પર કોણ બેઠેગા? તમકો તો જિંદા રેણા પડે ને!’


‘વો કો’ તો કો’, અબ મેં સમઝા!

ઘંટડી વગાડને ખેલ ખતમ ક્યું કિયા અધવચીં!

કેણા પડે, બાપુ, કેણા પડે; તમારી અકલકું કેણા પડે!’


‘તુમ હુમાયુ બાદશા અને હંધાં રૈયત,

તુમારે વાલીદને રોક્યા તમકો થાતાં મૈયત,

જિંદગી જીવો ને ખુશ રહો, ઓર ઈનોંમકી લાલચ છોડો!’


‘વો કો’ તો કો’!’


– વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

(પાલણપુરી બોલીકી છોંટવાલી યે કવિતા હે!)

 

(281) ‘લે લેતી જા, લે લેતી જા!’ (હાસ્યકાવ્ય)

(281) ‘લે લેતી જા, લે લેતી જા!’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)


મનુસ્મૃતિમાં લખાયું છે:

यत्र नार्यस्तु पूज्यन्ते

रमन्ते तत्र देवता |


મતલબ સાવ ખુલ્લો છે કે,

નારીનું સન્માન જ્યાં થાયે,

દેવો ખુશખુશાલ રહેતા ત્યાં!


તો વળી કાઉન્ટર પ્રશ્ન એ થાયે કે

નરનું સન્માન થાયે ત્યાં,

ખુશખુશાલ કોણ રહેતું હશે?


વિશ્લેષણાત્મક રીકાઉન્ટર પ્રશ્ન ઓર એ થાયે કે

નરનું તાડન થાયે ત્યાં,

દુ:ખી દુ:ખી કોણ રહે?


આ બધા મૂળ, કાઉન્ટર, રીકાઉન્ટર, એનકાઉન્ટર કે બાઉન્સર પ્રશ્નો,

ભલે રહ્યા, જ્યાં હોય ત્યાં અથવા જેમને થતા હોય તેમની પાસે!

મારા કાવ્યનાયકને ના કશીય લેતીદેતી ઈંયાં!


એને દુ:ખ નથી નિજ તાડનનું!

ક્યમ કે માર ખાતાંય જો મળી રહે ગરમગરમ ખાણું સાંજસવારે

તો મારનો દિમાગે અને ઉરે ભાર શો લેવો!


એને દુ:ખ નથી સ્વતાડનનું!

છે દુ:ખ માત્ર તો એક જ વાતનું કે,

ક્યાં લગણ ભોંયભેગા થયા પછી પણ ટાંટિયો ઊંચો રાખ્યે જવો!


કવિ નર્મદના વર્ષાકાવ્યમાં થતા વૃષ્ટિના ચાળા (નિશાનીઓ)ની જેમ,

મુજ કાવ્યનાયકને નિજ તને જળકૂડાળાની જેમ ઢીમડાં દેખાઈ જતાં મેથીપાકપૂર્વે જ

અને પહેલું કામ કરવું પડે બારીબારણાં ભીડવાનું ટપોટપ!


રાજકીય પક્ષોની બંધબારણે મિટીંગમાં પત્રકારો ન ફરકી શકે તેમ,

મુજ કાવ્યનાયકનો આંતરિક ભેદ અકબંધ જ રહે કે

કોણ મારતું હશે અને કોણ માર ખાતું હશે?


મહેલ્લાનાં આબાલવૃદ્ધ ટોળે મળે,

નામદાર પોપની ચૂંટણી ટાણે વેટિકન ચર્ચની બહાર જામતી લોકભીડની જેમ,

એ જાણવા કાજે કે Active કોણ અને Passive કોણ, મુજ કાવ્યનાયક કે કાવ્યનાયિકા?


પણ અહીં તો સૌ સૂણવા પામે,

ફંગોળાતાં વાસણોના અવાજો, હોંકારાદેકારા ને લાકડીઓના અવાજો,

કાવ્યની ધ્રૂવપંક્તિ (Burden Line) ની જેમ શ્રવાતા રહે શબ્દો ‘લે લેતી જા, લે લેતી જા!’


મુજ કાવ્યનાયક દૃઢ મનોબળે મને એકલાને જ હંમેશ કહેતો રહે છે કે,

’મિત્ર, દુ:ખ નથી બારેમાસ મળતા એકના એક મેથીપાકના સ્વાદનું,

દુ:ખ છે એક જ વાતનું કે ખોટો સંદેશો (Message) પ્રસરતો ઘર બાહિરે!’


દિલાસાસભર અવાજે થઈ ગળગળો હું પૂછતો.

’કેવો ખોટો સંદેશ, મિત્ર? કહે દિલ ખોલીને!’

’લોકો વિચારતા હશે કે હું નબળો ધણી છું અને બૈરી ઉપર શૂરો છું!’ તે વદે.


‘એ તો સમજ્યા, પણ પૂછું કે બીજા કોઈ ખોટા સંદેશાની દહેશત છે તને?’

’હા, લોકો એ પણ વિચારતા હશે કે હું કેવો જુલ્મી છું, ખરે જ હું ઘરેલુ હિંસક પ્રાણી છું!

પણ હકીકત તો તું જાણે છે કે કોટવાળ ચોરથી દંડાય છે!’ વદતો એ દીર્ઘ શ્વાસ ખેંચી.


‘અફસોસ કરીશ મા, કહે હું શી રીતે ઉપયોગી તને થઈ શકું?’ પ્રેમભાવે પૂછું હું!

‘એક જ કામ કરી દે મુજ સમા સકળ પીડિતજન વતી,

કહી દે નારીવાદી-વાદણ આંદોલનકારી જૂથને કે સિક્કાની બીજી બાજુ પણ જૂએ!’


હવે આખરી પ્રશ્ન પૂછું, ‘હે સખા!

ધરા શું ધૈર્ય તેં ધારણ કર્યું ક્યાંથી, એ તો જરા બતાવ.’

”કવિ કલાપીના પ્રાર્થનાકાવ્ય ‘પડ્યા જખમ સૌ’ થકી, એ જ તો રહ્યો છે મારો જીવનમંત્ર!”


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”


 

(280) ‘મિત ભાષાએ કહું?’ (હાસ્યકાવ્ય)

(280) ‘મિત ભાષાએ કહું?’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)


બંગલાના બેઠકખંડે,

બહોળા પરિવારનાં બાલિગજન સૌ,

કરે પ્રતીક્ષા મોંઘામૂલા આગંતુકની! (1)


નવીન કપડે સજ્જ સૌ,

અને વાગ્દત્તા થવા કાજની ઉમ્મીદવાર તો,

બ્યુટીપાર્લરેથી બનીઠનીને, ક્યારની આવી બેઠી ઘેરાઈ ભોજાઈઓ વચ્ચે! (2)


ફોઈમામીઓ મીઠાઈ-નમકીન અને ડ્રાય ફ્રુટની પ્લેટ સજાવે વિવિધ સ્વરૂપે,

કામવાળી બાઈ મોટા તપેલે કાર્યમગ્ન ફ્રુટસલાડની તૈયારીએ,

વડીલ વૃદ્ધા જોઈ સઘળું સમસુતર જઈ બેસે વડીલ વૃદ્ધની પાસે. (3)


પ્રતીક્ષાનો અંત આવ્યો, સરસમજાના રૂડારૂપાળા તરવરિયા યુવાનના આગમન સાથે,

’રસ્તે કોઈ તકલીફ?’, ‘ઘરે સૌ મજામાં?’ અને ‘કામકાજ સૌ બરાબર કે?’ જેવા પ્રશ્ને

પેલો અકળ અકળામણે અકળાતો હકારાત્મક મિતાક્ષરી પ્રત્યુત્તર વાળે! (4)


રૂપરૂપના અંબાર સમી, અર્ધ ઘૂંઘટે, નીચી નજરે શરમાતી, મૃદુ ડગ ભરતી,

હાથમાં પાણીની ટ્રે સાથે એ આવી અને પેલો અંજાઈ જતાં વાત ફેરવી પૂછે,

‘પણ, મુરબ્બી કેમ દેખાતા નથી?’ (5)


‘એ તો કોઈ તાકીદના કામે ગઈ રાતની ફ્લાઈટે મુંબઈ ગયા, પણ અમે તો છીએ ને!’

’એ તો બરાબર, પણ મારા કહેવાનો મતલબ એ કે આપ સૌને….’

’Be relaxed, યાર!’ પેલી મુગ્ધાનો ભાઈ હળવા હાથે પેલાની સાથળે મારે થાપટ!. (6)


‘મને જરા સાંભળશો?’

’હા, હા કેમ નહિ! પણ જલપાન તો જરા થવા દો!’

પેલો યુવક પાણીની ટ્રે લઈ પાછી વળતી એ યૌવનાની ચાલને વિસ્મયભાવે જોઈ રહ્યો! (7)


પછી તો વિશાળ ડાઈનીંગ હોલમાં યુવાનને લઈ સૌ પ્રવેશ્યાં, ઉપહાર કાજે!

’મને જરા સાંભળશો? મારો કહેવાનો મતલબ છે કે… અને, હું વહેલો કેમ?’

’જે મતલબ હોય તે પછી સુખેથી કહેજો, હાલ તો ઉપહારને ન્યાય આપીએ!’ (8)


ફોન રણક્યો, ’પેલો મુરતીઓ બેબીને જોવા મિત્રો સાથે આજે આવશે,

પણ તે પહેલાં એક વીમા એજન્ટ આવશે,

તેને ચાપાણી કરાવી કહેશો કે આવતા રવિવારે આવે, બધાંયના વીમા લેવાના છે.’ (9)


પ્રોષિતભર્તૃકાએ ઈશારાથી ઘરના બે જણને બોલાવી ધીમા અવાજે ગોટાળો ઉવેખ્યો!

પેલાઓએ આગંતુકને બાવડે ઝાલી, ઊભો કરી અને ટીંગાટોળીએ બહાર ફંગોળવા જાય,

ત્યાં વડીલ ઉવાચે, ’શું કરો છો મૂર્ખાઓ, મહેમાનની આવી બેઈજ્જતી આપણને શોભે?’ (10)


પેલાઓએ ભેદ ખોલ્યો કાનમાં અને વડીલ બોલ્યા,

’એ બિચારો કંઈક બોલવા મથે છે ક્યારનો! આપણે તેને સાંભળીએ તો ખબર પડે ને!

માફ કરજે ભાઈ! નાસ્તો કરીને જ જજે; જો વીમાનો ધંધો આવતા રવિવારે લેવો હોય તો!’ (11)


‘ભલે, પણ તમે કયા વીમાની વાત કરો છો? મારા સમજવામાં કંઈ આવતું નથી!

જે હોય તે! હવે તો ફરીકો સરપ્રાઈઝ જ આપીશ! પણ મારે આ રીતે આવવું નહોતું જોઈતું!

આજે જિંદગીમાં પહેલીવાર સમયની પાબંધી અને એપોઈન્ટમેન્ટ શું છે તે સમજ્યો!’ (12)


દસના ટકોરે એ જ જુવાનિયો ત્રણ જણ સાથે ફરીવાર આવ્યો, ગંભીર મુદ્રાએ!

ઘરનાં સૌ બેબાકળાં બની વિચારે,

‘નક્કી સવારના અપમાનનો બદલો લેવા ટપોરીઓને લઈ આવ્યો છે, આ વીમા એજન્ટ! (13)


‘’આવતા રવિવારે આવવાનું હતું ને, ભાઈ! વળી, ગેરસમજ પણ દૂર થઈ ગઈ છે!

અમે દિલગીરી પણ વ્યક્ત કરી છે!’ વડીલ સમજાવટ ભાવે નમ્રવચને બોલ્યા.

’ગેરસમજ હજુ ક્યાંકને ક્યાંક મોજુદ છે, તમારા પક્ષે કે મારા પક્ષે!’ પેલો વદે ભેદમાં! (14)


‘સવારે હું હતો એકલો અધીરા યૌવને, હાલ મિત્રો સાથે પણ એ જ છું હું બની ડાહ્યોડમરો!

વીમા એજન્ટ ત્યારે ન હતો, અને હાલ પણ નથી! જિંદગીમાં જોખમો ક્યાં નથી?

જે કામે આવ્યો હતો એ સમય પહેલાં હતું અને એ જ કામે હાલ આવ્યો છું સમયસર!’ (15)


ફરી ફોન રણક્યો, વૃદ્ધ વડીલે જ ઊપાડ્યો અને સામે છેડેથી સંભળાયું,

’હું એલ.આઈ.સી.નો વીમા એજન્ટ બોલું છું. સાહેબ સાથે મુંબઈ વાત થઈ છે

અને હું આવતા રવિવારે આવીશ.’ (16)


‘ભલા માણસ, એ વખતે ખુલાસો તો કરવો હતો ને! હવે અમે સમજીએ ખરી હકીકત શી?

કેમ બબ્બે વાર આવવું પડ્યું?’ પૂછે જરઠ વિનમ્રભાવે!

’મિત ભાષાએ કહું? Communication gap અને…!’ (17)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”