RSS

Monthly Archives: November 2011

(296) મુનિરા અમી કૃત ‘નીરવનું વર્ણન’નું રસદર્શન (With English version by Prof. Mukesh Raval)

Nirav-2‘મારી નજરે’ શીર્ષકે તૈયાર થતી જતી મારી ઈ-બુકમાં અત્યાર સુધીમાં મારાં કેટલાંક બ્લોગર ભાઈબહેનોનાં સાહિત્યસર્જનો ઉપરનાં મારાં ભાષ્ય કે વિવેચનોને એકત્ર કરતો આવ્યો છું. આજે મારી દીકરી સમાન અને હમવતન એવી મુનિરા અમીના બ્લોગ “Ink and I” માંના કાવ્ય ‘નીરવનું વર્ણન’ નું સ્વયં રસદર્શન કરતાં અને ભોક્તાઓને તેનો રસાસ્વાદ કરાવતાં આનંદ અનુભવું છું. નવોદિત કવયિત્રી છતાં આ કૃતિમાંની તેની સર્જક તરીકેની પરિપક્વતાએ મને એવો આકર્ષ્યો કે તેની કૃતિ ઉપર મારા પ્રતિભાવ આપવા હું થનગની ઊઠ્યો. સર્વ પ્રથમ આપણે મુનિરાની આ રચનાને વાંચી લઈએ.

“નીરવનું વર્ણન”

નીરવનો અનુભવ એ જ એનું વર્ણન છે;
શબ્દો છે શાંત,
નથી વાદક, વાદ્ય, કે ગાન;
અસ્ખલિત મૌનનું અહી કીર્તન છે.
બેઠી છું હું, ફક્ત મારી જ ઓથે,
ન વિચારોનું ય કોઈ,
મનમાં નર્તન છે.
ના હોય આસપાસમાં
ખાસ કંઈ માણવાનું,
થંભે છે દિલ એવામાં
સમજવા,
“આજ કાલ જાત સાથે મારું કેવું વર્તન છે?”
અવાજભર્યા સન્નાટાથી અલગ,
જરા શાંતિનો શોર ભળે
તો સમજાય;
જીવન-પેયના સ્વાદમાં ગજબનું કેવું આકર્ષણ છે !
નિર્મળ નિસર્ગ સિવાય,
બીજે ક્યાં શક્ય બને;
આટલી સહજતાથી,
“હકાર” ની લણણી, ને “નકાર” નું વિસર્જન છે?
નીરવનો તો અનુભવ એ જ માત્ર એનું વર્ણન છે.

-મુનિરા અમી

Narration of Quietness

Inhale the silence
its narration will exhale,
words are mute,
no lark, no lyre and no lyric,
absolute silence floats in melody…
I sit accompanying myself,
no hoofing of thoughts in mind…
Nothing  of  interest  lay around
The heart ceases then,
to understand
behavior of mine to myself now a days!
To savour the taste of liquor of life
Apprehend the blend
of tranquil din
with noisy quietness..
Where else it be possible
but pure nature,
the reaping of positives
and unloading negatives
so smoothly.
The experience of tranquility is the narration of it.

-Mukesh Raval

(Thanks to Prof. Mukesh Raval for translation on behalf of Munira, the poetess and myself.)

રસદર્શન 

આ કાવ્ય વાંચતાં જ મારાં બ્લોગર મિત્ર અને બ્લોગ જગતમાં ખૂબ જ જાણીતી હસ્તી એવાં માનનીય પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ “નીરવ રવે – સહજ ભાવોના દ્યોતક”ની યાદ આવી ગઈ. તેમના બ્લોગ ઉપર મારી પ્રથમ નજર પડી હતી, ત્યારે જ હું ‘નીરવ રવે’ શબ્દો ઉપર મોહી પડ્યો હતો; કેમ કે તેમાં શબ્દ ચમત્કૃતિ તો હતી જ, સાથે ભાવ કે અર્થ ચમત્કૃતિ પણ એ કે કેવો અવાજ વગરનો અવાજ! સુશ્રી પ્રજ્ઞાબેનના કૌટુંબિક સહિયારા બ્લોગમાંના તેમના કેટલાય લેખોમાં આપણને કોણ જાણે કેટલાય શાંત અવાજો સાંભળવા મળ્યા; તો વળી મુનિરા પોતાની આ કાવ્યકૃતિમાં આપણને એવા જ ‘નીરવ’નું વર્ણન આપે છે.

કહેવાયું છે કે બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિઓની સૃષ્ટિ ચઢિયાતી છે. કવિ પાસે રસો પણ બ્રહ્મા કરતાં દોઢાથી પણ વધારે હોય છે. જ્યાં ન પહોંચે રવિ, ત્યાં કવિ પહોંચી જતો હોય છે. કવિ શાંત અવાજો સંભળાવી શકે અને બાહ્ય તથા આંતરિક શાંતિને વર્ણવી પણ શકે. કવિ અલ્પ શબ્દોમાં મોટાં મોટાં પ્રવચનો પણ આપી શકે; અરે, અલ્પ શબ્દો તો શું મૌન દ્વારા પણ ઘણુંબધું કહી શકે! માનવીય સંવેગો અદૃશ્ય હોવા છતાં કવિ તેમને જોઈ શકે છે, અનુભવી શકે છે અને ભાવકને તેની અનુભૂતિ કરાવી પણ શકે છે.

આ બધી સામાન્ય ચર્ચાને સ્થગિત કરીને કવયિત્રીની વિશિષ્ઠ વાત ઉપર આવીએ તો કાવ્યના પ્રારંભે જ તેણી કહે છે કે નીરવને વર્ણવવા માટે શબ્દોની નહિ, પણ તેના અનુભવની જરૂર પડે છે. શબ્દ, ગીત કે સંગીત એ ધ્વનિનાં મોહતાજ છે, જ્યારે મૌન તો અવાજની અનુપસ્થિતિમાં જ જન્મ લે છે. કવયિત્રી મૌનને શ્રાવ્ય એવા અવાજની ગેરહાજરીમાં ઉદભવે એવા સીમિત અર્થમાં જ નહિ, પણ મનમાં અવાજરહિત આવતા વિચારોના વ્યાપક અર્થના પરિપ્રેક્ષ્યમાં પણ તેને સમજાવે છે. “આજ કાલ જાત સાથે મારું કેવું વર્તન છે?” માં કવયિત્રીના અદભુત વિચાર અને તેણીના મનોમંથનની પરાકાષ્ઠા છે. સમાજમાં ઘણા એવા માણસો હોય છે કે જેઓ બીજાઓને છેતરવામાં આનંદ અનુભવતા હોય છે, પરંતુ તેઓને ખબર નથી હોતી કે વાસ્તવમાં તેઓ પોતાની જાતને જ છેતરતા હોય છે. બસ, આવું જ કંઈક સમજવા માટે કવયિત્રીનું દિલ ક્ષણિક થંભી જાય છે.

આ કાવ્યમાં કેટલાક શબ્દો કે શબ્દસમૂહો પંક્તિઓ રૂપી સોનાની સેરોમાં હીરામાણેકની જેમ એવા સરસ રીતે ગૂંથાયા છે કે તે સઘળા હૃદયને સ્પર્શ્યા સિવાય રહેતા નથી. ‘શાંતિનો શોર’ , ‘જીવન – પેય (પીણું)નો સ્વાદ’, ‘હકારની લણણી’, ‘નકારનું વિસર્જન’ વગેરે કેટલાંક આ કાવ્યમાંનાં ઉદાહરણો છે, જેને ઉલ્લેખવાથી જ આપણે કવયિત્રીની કલ્પનાશક્તિને દાદ આપી શકીએ. જીવનને એક પ્રકારના પીણાનું રૂપક આપીને કવયિત્રીના દિમાગમાં એ અર્થ અભિપ્રેત છે કે જો જીવન જીવી જાણીએ તો જ જીવનના સાચા સ્વાદને અર્થાત્ આનંદને આપણે માણી શકીએ.

કાવ્યના ઉત્તરાર્ધમાં આદર્શ જીવન માટેનો ઉમદા સિદ્ધાંત એ રીતે સમજાવાયો છે કે મનુષ્યે પોતાના જીવનમાં હકારાત્મક બાબતોને અપનાવવી જોઈએ અને નકારાત્મક બાબતોનો ત્યાગ કરવો જોઈએ. ઉમદા જીવન માટેનો આ એક ઉમદા જીવનમંત્ર છે, જે આપણને નિર્મળ એવી કુદરત પાસેથી જ સહજ રીતે શીખવા મળી શકે. કાવ્યાંતે પ્રથમ પંક્તિનું પુનરાવર્તન કરીને એ જ સનાતન સત્યનું દૃઢિકરણ કરવામાં આવ્યું છે કે ‘નીરવ’નું શાબ્દિક વર્ણન શક્ય નથી, તેને અનુભવીને જ સમજી કે જાણી શકાય.

મારા આ વિવેચનના લઘુલેખના સમાપને ગર્વભેર એટલું જ કહીશ કે મારા યુ.કે.નિવાસી એક બ્લોગર મિત્ર શ્રી પંચમ શુક્લની રચનાઓમાં જે ઊંડાણ જોવા મળે છે તેવું જ કંઈક આ નવોદિત કવયિત્રીના આ કાવ્યમાં હું જોઈ શક્યો છું.

મુનિરા દીકરી, સ-રસ એવા આ કાવ્યના સર્જન બદલ તને ધન્યવાદ.

– વલીભાઈ મુસા

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

સરનામું :

પ્રો. મુકેશકુમાર એમ. રાવલ,
એસોસિએટ પ્રૉફેસર,
ડિપાર્ટેમેન્ટ ઑફ ઈંગ્લીશ
જી. ડી. મોદી કૉલેજ ઓફ આર્ટ્સ
હાઈવે ચાર રસ્તા,
પાલનપુર -૩૮૫ ૦૦૧ (જિ. બનાસકાંઠા)

પુસ્તક પ્રાપ્તિ : –
Pots of Urthona
ISBN 978-93-5070-003-7
મૂલ્ય : રૂ|. ૧૫૦/-

પ્રકાશક :-
શાંતિ પ્રકાશન,
ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ,
ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ,
અમદાવાદ – ૩૮૦ ૦૧૩

.

 
8 Comments

Posted by on November 30, 2011 in લેખ, વિવેચન

 

(295) ‘થાઓ જો મુજ ધંધા તણા ભાગીદાર!’ (હાસ્યકાવ્ય)

(295) ‘થાઓ જો મુજ ધંધા તણા ભાગીદાર!’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

બિચારા એ કાકા,

હાથવણાટની સાડીના લઈ તાકા,

બાંધે પોટલું અને કરી ખભે ફેરી ફરે, વજને એ ચાલતા વાંકા,

રોજીરોટીનો તકાજો જ તો, ફેરી ન કરે તો ઘરમાં થાયે સૌને ફાકા! (1)

ઉધાર મળે માલ,

ગામડે ઉધારીએ કરે વેપારે માલનો નિકાલ,

સમય જાય તેમ સરવૈયું થતું જતું હતું બેહાલ,

અને એક દિવસે તો ઘરે સ્વૈચ્છિક નજરકેદ થવાનો થયો તાલ! (2)

દિવસભર થઈ ઘરચકલી,

ન નીકળે બહાર, હાલત થઈ શર્મિલી,

જાજરૂએ પણ જાય વગડે વેળા લઈ મોડીવહેલી,

ચિંતા થકી બળે લોહી દિનરાત, ન જડે કો’ માર્ગ, જીવન બન્યું એક પહેલી! (3)

ગૃહપાડોશી હમઉમ્ર ચલતાપુરતા,

કહી સંભળાવે ગામ અને દુનિયાભરની નવાજૂનીની વારતા,

એકદા કહ્યું કે એક વેપારીએ ફૂંક્યું લાખોનું દેવાળું અને લેણદારોને કર્યા ફરતા,

કાકા ‘અરરર!’ ઉદગારે વિમાસે,‘હાય, બાપડો શેં ઊંઘતો હશે! કેવાઆબરૂના ફજેતા!’ (4)

એક વહેલી સવારે તારંગા લોકલે,

જઈ પહોંચ્યા કાકા પૂછતા પૂછતા એ વેપારીને ત્યાં જે ઝૂલતો હિંડોલે!

’બોલો કાકા, ક્યમ આવવું થિયું?’, ‘દિલાસો આપવા કાજ કે તમારી શી હશે વલે?’

‘છાપું વાંચીને આવ્યા લાગો છો! પણ આપણે સગું શું?’,‘આવ્યા સમદુખિયાના સગલે!’ (5)

‘તમે કેટલાનું ફૂંક્યું, કાકાજી?’

‘અમારે તો ફૂંક્યું નોં કહેવાય! ‘થયું’ કહેવાય, ફેરીએ દેવું થયું, હાજી!

વળી એ પણ પૂરા પાંચસોનું! જન્મારેય ન વળે! તમારા હિસાબે તો જાણે મૂળાભાજી!

અમે આવ્યા, અમારી આવી હાલત તો તમારા શા હશે હાલ? અમારો જીવ બળ્યો જી!’ (6)

‘તમે મારી ખબર કાઢવા આવ્યા, આભાર!

પણ, દેવા અને દેવાળામાં ફરક ઘણો! તમે દેવાદાર, હું નાદાર!

દેવું થાય ધીમે ધીમે, દેવાળું ફુંકાય રાતોરાત; દેવાદાર ખિસ્સે ખાલી, દેવાળિયો માલદાર!

પાંચસોનું દેવું ભરો અને પાંચસોથી શરૂ કરો ફેરી, સ્વીકારો પ્રેમે તો આપું નગદ હજાર!’ (7)

‘ભલું થજો આપનું, માન્યવર!

જો આપ સ્વીકારો મારી શરત, તો જ સ્વીકારું રૂપિયા હજાર,

શરત એ કે એ ન હોય જો દાન, ભીખ કે બક્ષિસ અને હોય જો તે વ્યાજમુક્ત જ જર,

તો સ્વીકારું પ્રેમથી, પેટે પાટા બાંધી ઋણ અદા કરીશ, ન ખપે મફતનું, મરવું બહેતર!’ (8)

‘ધન્ય છે કાકા આપને ને ધન્ય છે આપના ઈમાનદારીના વિચાર,

મુજ આંખ ખોલી, સઘળું વેચીશ, જરૂર પડ્યે મુજ જાત વેચીશ, આપનો આભાર!

પાઈપાઈનું કર્જ ચુકવીશ, હરામની એક પાઈ પણ રાખવી હું હરામ સમજીશ, માન્યવર!

વીનવું આપને, નવેસરથી એકડો ઘૂંટીએ સાથ થૈ, થાઓ જો મુજ ધંધા તણા ભાગીદાર!’ (9)

-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

(294) દુનિયા ઝુકતી હૈ! (હાસ્યકાવ્ય)

(294) દુનિયા ઝુકતી હૈ! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

જી હા, એણે દુનિયા ઝુકાવી!

સંજોગોએ શીખવ્યું, ક્યમ પાર ઊતરવું હેમખેમ?

આર્થિક કટોકટી એવી કે કાં ભીખ માગો યા કરો મોત વ્હાલું!

વેપારધંધે દામ હાર્યો, પણ ન હામ હાર્યો; ભીખ અને મોતને કર્યાં દિમાગેથી વેગળાં! (1)

હા, હા! એ માળણના મેણાએ,

જી હા, એ માળણના મેણાએ જ તો એને લલકાર્યો!

’એણે’ અને ‘એને’ એ જ તો છે આપણો આજનો Hero, ડમી નામે કહું તો ‘વાલીડો!’

‘એ જા, માહીના તળાવે મોઢું ધોઈ આવ, ચાર આનાનું ઉધાર બકાલું માગવા પહેલાં!’ (2)

‘વાલીડા’ એ લોકોમાં કર્યું એલાન, દિલે ચોટ લાગતાં!

‘આવો, સો રૂપિયા ભરી લ્યો પાવતી અને કમાઓ વ્યાજ રૂપિયા પાંચ રોજેરોજ!

રૂપિયા સો મુદ્દલ રકમનું સાદું વ્યાજ થાયે વરસે રૂપિયા 1825, અધધધ!

પણ શરત કે લોકોએ ‘વાલીડા’ની ઓફિસે રોજ આવીને રૂપિયા પાંચ વ્યાજ વસુલવું!’ (3)

વાએ વાત ફેલાવી પૂરા પરગણે, અને

લોભિયાઓનાં ટોળેટોળાં ઉમટ્યાં તીડોની જેમ ‘વાલીડા’ના બંગલાભણી!

ડઝનબંધ બારીઓએ લાખોકરોડોનાં ભરણાં અને વ્યાજ તણાં ચુકવણાં થાયે!

24X7ના ત્રણેય પાળી કામકાજે મહેતા બદલાતા અને નોટોના કોથળેકોથળા ખડકાતા! (4)

એ ટાણે ‘ન્યુયોર્ક રૂ બજાર’ નો સટ્ટો ધૂમ ચાલે,

અને આપણો વાલીડો સઘળા રૂપિયા સટ્ટે લગાડે વિવિધ ભાવોના અંકે!

’દુનિયા ઝુકતી હૈ, ઝુકાનેવાલા ચાહિએ’ ઉક્તિ અનુસાર ખેલ ચાલ્યો મહિનાભર,

પરપોટો ફૂટ્યો પાણી તણો અચાનક અને લોકોએ કર્યો હંગામો ટોળે મળી એકદા! (5)

બંગલામાં તોડફોડ, ફરનિચરની હોળી અને પથ્થરમારા થકી,

લોકોએ વ્યક્ત કર્યો નિજ આક્રોશ અનામત અને વ્યાજની વસુલી કાજે,

સમજદારોએ બાંધછોડ માટે બતાવી તૈયારી, પણ અફસોસ!

‘વસુકી ગએલી ગાયે દૂધની આશા વ્યર્થ’ના જેવો ઘાટ ઘડાયો તહીં! (6)

છેવટે બંગલાના ઝરૂખે આવી ઊભો વાલીડો,

ઉવાચે હિંમતભેર કે ‘અગર મને મારવાથી તમને નાણાં મળી જતાં હોય તો આવું નીચે!

અલ્પ સમયગાળે વિશ્વાસના સિંચન થકી આપ સૌએ મને ઘટાદાર વટવૃક્ષ બનાવ્યો,

મારી વડવાઈઓએ સૌ વળગ્યા, તમારા ભાર થકી થયો હું ધરાશાયી, મુજ દોષ ક્યાં!’ (7)

વાલીડો વદે આગળ, ‘ભૂલો જો વ્યાજ તો ચૂકવું મુદ્દલ, બાપના બોલથી!’

’ભાગતા ભૂતની લંગોટી ભલી’ અનુસાર લોકોએ હર્ષનાદે સ્વીકારી ઓફર!

ટોળું વિખરાયું બીજા દિવસથી ચુકવણું થવાની ખાતરી મળતાં,

વાલીડો ગયો માળણ પાસે, ચાર આનાનું બકાલું માગ્યું ઉધાર અને તેણી હસી પડી! (8)

– વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

(293) ‘હજુય સારા વિદુષકો, રંગલાઓ કે જોકરો મળી રહે!’ (હાસ્યકાવ્ય)

(293) ‘હજુય સારા વિદુષકો, રંગલાઓ કે જોકરો મળી રહે!’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

ભારત જેવા દુનિયાના એક મોટા લોકશાહી દેશમાં,

જાગૃત એવા એક લોકસભા મતવિસ્તારના મતદારોએ,

નિમંત્ર્યા સર્વે કેન્દ્રીય પ્રધાનોને, એક સાથે પૂર્ણ દિવસના ભવ્ય કાર્યક્રમે,

દેશની સમસ્યાઓ અંગે ચર્ચાવિચારણા અને તેમની કામગીરીનાં લેખાંજોખાં લેવા! (1)


શરત હતી કે તેમણે સચિવો કે સલાહકારો વગર,

પોતપોતાનાં ખાતાં વિષેની સંપૂર્ણ માહિતીઓ સાથે આવવું,

મતદારોના શીઘ્ર પ્રશ્નોના શીઘ્ર ઉત્તરો માટે સજ્જ થઈને આવવું,

દેશવિદેશના પત્રકારો પ્રશ્નો ના પૂછી શકે;પણ હા, આ કાર્યક્રમનું રિપોર્ટીંગ જરૂર કરી શકે!  (2)


પ્રથમ પ્રશ્ન પુછાયો પ્રજા દ્વારા કૃષિ-પશુપાલન મંત્રીને,

’ઉનના ઉત્પાદનની વૃદ્ધિ માટે આપની મિનિસ્ટ્રીનું આયોજન શું છે?’

મંત્રીએ પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘સુધારેલું બિયારણ આયાત કરીશું, સિંચાઈ માટે સબસીડી

અને ટેકાના ભાવે ઉનની ખરીદી થકી વધુ ને વધુ વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરીશું!’ (3)


નાગરિક આવાસ મંત્રીનો ઉધડો લેતાં એક મતદારે પૂછ્યું,

‘BPL નાગરિકોને ઘર બાંધવા માટેની બાંધકામ સામગ્રીમાં ખિલાસરી કેમ ઓછી અપાઈ?’

’ખિલાસરી તો એન્જિનીયરોએ સૂચવ્યા પ્રમાણે જ અપાઈ છે, પણ એક શક્યતા છે કે

ખિલાસરી લીલી વાઢવામાં આવી હશે, તો સુકાવાના કારણે કદાચ ઘટ પડી હોવી જોઈએ!’ (4)


‘માન્યવર મહોદય, કેમ પિટાય આપણું નાણું ડોલર સામે?’ નાણા પ્રધાનને પુછાયું.

‘સતત ડોલરની ખરીદી થકી અમેરિકા પછી આપણી પાસે વધુમાં વધુ ડોલર હશે!’

‘ફાયદો શો? આપણે દેશની તિજોરી ખાલી કરીને ડોલર એકત્ર કરીએ! અને,

અમેરિકા ડોલર છાપ્યે જ રાખે! શું આપણે કાગળ જ ખરીદવાના?’, ‘તમને ખબર નોં પડે!’ (5)


‘મિ. પ્રાઈમ મિનિસ્ટર, અમારી ગ્રામ્ય લોકબોલીની લોકોક્તિ આપે સાંભળી હશે!’

’કઈ?’, ‘બળદિયાં રળે ને ઘોડાં ખાય!’; ‘તમારો કહેવાનો મતલબ?’

‘એ જ કે નાગરિકોના દસથી ત્રીસ ટકા સુધીના આયકર દરે તમે સ્લીપીંગ પાર્ટનર,

ઓછા નફે સ્ક્રુટીની પણ કાઢો! અંગત ઊડાઊ ખર્ચા અને ખાયકીએ, ઘોડા નહિ તો બીજું શું?’ (6)


‘મિ. હોમ મિનિસ્ટર, નાગરિકોના જાનમાલની રક્ષા કાજે વિશેષ કોઈ પ્રબંધ વિચારાયો છે?’

‘હા, લોકોંની આત્મરક્ષા માટે આયાત કરીને પણ વિના મુલ્યે કડિયાળી ડાંગો પૂરી પાડવી,

વળી આયાતના સંજોગે હૂંડિયામણ સરભર રાખવા ‘Top Soil’ ની નિકાસ પણ કરવી!’

’અચ્છા Top Soil? લાખો વર્ષોની પ્રક્રિયા થકી બનેલી ફળદ્રુપ જમીન ડાંગો સાટે? વાહ!’ (7)


‘મિસ રેલ મિનિસ્ટર સીસ્ટર, તમારી જાણમાં રેલની કોઈ નોંધપાત્ર પ્રગતિ ખરી?’

‘હાસ્તો, ડબ્બાઓ ઉપર રોમન લિપિમાં લખાએલ થર્ડ (III) ક્લાસમાંથી એક ‘I’ ભૂંસાયો!’

‘સાવ ઓછા ખર્ચે, નહિ! રંગનો કૂચડો ફેરવવા માત્રથી! પણ, આ અદભૂત વિચાર કોનો?’

કોઈનોય નહિ! શક્ય છે કે કોઈ ડબ્બા ઉપરથી એક ‘I’ ભૂંસાઈ જવાથી પ્રેરણા મળી હોય!’ (8)


આખો દિવસ સંમેલન ચાલ્યું! સભાની શિસ્ત બેનમૂન રહી!

ન હોબાળા, ન હુરિયા, ન સુત્રોચ્ચાર, ન હસાહસ, ન પગરખાં પ્રક્ષેપાસ્ત્ર (મિસાઈલ) કે હિંસા!

શાંતિથી કહેવાયું પી.એમ.ને તાત્કાલ રાષ્ટ્રપ્રમુખને સંસદ અને સરકાર વિસર્જનની જાણ કરે!

મધ્યસત્ર ચૂંટણી યોજાય અને દેશને હજુય સારા વિદુષકો, રંગલાઓ કે જોકરો મળી રહે! (9)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

(292) ‘ક્યમ કે અમે ઊંઘીએ જાગતા!’ (હાસ્યકાવ્ય)

(292) ‘ક્યમ કે અમે ઊંઘીએ જાગતા!’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)


“હે પરમ પિતા!

તું માફ કરી દેજે તેઉને ,

કેમ કે તેઓ શું કરી રહ્યા છે, તે તેઓ જાણતા નથી”

શબ્દો આ વદ્યસ્તંભેથી પ્રસારિત ઈસુના બે હજાર અને અગિયાર વર્ષોથી પડઘાય છે બ્રહ્માંડે! (1)


“હે માત સરસ્વતી!

તું માફ કરી દેજે એ ઢાઢીઓને,

કેમ કે લગ્નસરાએ નિજ લંઘા થકી તેઓ શું વગાડી રહ્યા છે, તે તેઓ જાણતા નથી!”

સંભવિત શબ્દો બિસ્મિલ્લાખાનના પડઘાતા રહેશે જ્યાં લગણ લંઘા લંઘાતા સુરે વાગશે!(2)


“હે નૃત્યના દેવ નટરાજન!

તું માફ કરી દેજે એ વરના ભેરુઓને,

કેમ કે અશ્વારોહી એ વરની સામે બેન્ડવાજાંના તાલે શું નાચી રહ્યા છે, તેથી તેઓ બેખબર!”

શબ્દો જાણે સ્વર્ગસ્થ નૃત્યસમ્રાટ ઉદયશંકરના ઉદભવે અને શમે કાનફાડ ભૂંગળાંના રવે! (3)


“હે ચારણ, ભાટ, બારોટ દેવીપુત્રો!

તમે માફ કરી દેજો માઈકે કંઠ્યગાન કરતા એ ગવૈયાને,

કેમ કે હજુ તેને ખબર નથી કે તે ભેંસાસુરે ગાય છે કે પાડાસુરે?

શબ્દો માઈકલ જેકસનના આત્માના ગુંજ્યા કરશે ભારતીય કો’ માઈલાલ જયકિસનમુખે! (4)


“હે પવનપુત્ર હનુમાનજી!

તમે માફ કરી દેજો જાનૈયાં શિશુઓને

કેમ કે તેઓ વ્યર્થ કૂદાકૂદ કરે, સમજ્યા વિણ ઢોલના તાલને!”

શબ્દો એ ઢોલીના જાણે મિથ્યા અફળાયે વાનરશાં એ કિશોરોના બધિર કાને! (5)


“હે દેવદરબારે નાચંતી અપ્સરાઓ અને ગોકુળની ગોપીઓ

માફ કરજો વરઘોડે નાચતી નાચઘેલી આ કિશોરી જાનડીઓને

કેમ કે ઢોલીના દાંડીના તાલને અને તેઉના ઠુમકાને ના કશોય સંબંધ!”

શબ્દો એ જ ઢોલીના ખોવાઈ જતા ઢોલના અવાજ મહીં ને સૂણવા ન પામે એ કિશોરીઓ! (6)


“હે શ્રીમતી અને શ્રીમાન કપિરાજ/જો!

માફ કરજો ચોસઠ કલામાંની વૃક્ષારોહણમાં નિષ્ફળ અમે

કેમ કે ગુફાવાસી માનવ મટી નગરજન થતાં વિસર્યા વૃક્ષ તણી આરોહ-અવરોહ કલા!

શબ્દો અને કૂદકા, ટારઝન અને ઝીમ્બો તણા બોલપટના કચકડે કેદ ને અમે થયા પાંગળા! (7)


“હે વિશ્વકર્માઓ અને શારડી-રંધા તણા સહાયકો!

માફ કરજો તવ દારુકર્મ કલા અવગણી અમે સિમેન્ટ કોંક્રીટનાં જંગલો ઊભાં કર્યાં

કેમ કે અમે તો બહુમળી ઈમારતો રચી અમારો મોતનો સામાન તૈયાર કરવા ચહ્યું!”

શબ્દો પર્યાવરણવાદીઓના ન સુણાય અમને, કાનનાં છિદ્રો પુરાયાં એજ સિમેન્ટ કોંક્રીટે! (8)


“હે શિલ્પ સંહિતાના રચયિતા!

માફ કરજો ચોસઠ કલામાંની અમે ઘણી ભૂલ્યા, કોઈ વિકૃત કરી, તો કોઈ વધઘટ કરી

કેમ કે નવીન આવિષ્કારોએ કલેવર જ બદલી દીધાં એ પ્રાચીન કલાઓ તણાં!”

શબ્દો અને શાસ્ત્રો ન સમજાય કે પછી ન ચહીએ સમજવા ક્યમ કે અમે ઊંઘીએ જાગતા! (9)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”