RSS

Daily Archives: November 1, 2011

(285) એક જ હોર્સપાવરનો હોર્સ દુજી તરફ!!! (હાસ્યકાવ્ય)

(285) એક જ હોર્સપાવરનો હોર્સ દુજી તરફ!!! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)


વિક્રમ સંવત બે હજાર અડસઠની લાભપાંચમે,

બુઈસ, ગ્રેટર નોઈડા (દિલ્હી) ખાતે, ભારતે પ્રથમ વાર યોજાઈ કાર રેસ,

નામે ઈન્ડિયન ફોર્મ્યુલા-1 હાઈ પ્રોફાઈલ સેલિબ્રીટી અને કાર રેસિંગના ચાહકો સંગ. (1)


નંબર વન વિનર બન્યો જર્મનીનો વેટલ,

જેણે નજદીકી હરીફ બ્રિટીશ બટનને 134 પોઈન્ટે મહાત કરીને

સચિન તેંડુલકરના ચેકર્ડ ફ્લેગનું અભિવાદન ઝીલતાં રેસ સમાપન કર્યું દોઢ કલાકે! (2)


વિક્રમ સંવત બે હજાર સડસઠની વિજયાદશમીએ યોજાઈ,

ગામનામ નહિ દેવાની શરતે, આપણી એ અંતરિયાળ ભૂમિની ઘોડદોડની મેરાથોન રેસ!

’રૂરલ ઈન્ડિયન ફોર્મ્યુલા- 2067’, લો પ્રોફાઈલ સેલિબ્રીટી અને વિશાળ મેદનીના સાન્નિધ્યે! (3)


વિક્રમ સંવત બે હજાર એકની વિજયાદશમીની,

પહેલી ઘોડદોડ ફોર્મ્યુલા- 2001 થી આજ તક ‘ન ભૂતો ન ભવિષ્યતિ!’

એવો આ વર્ષનો વિક્રમનો માનાંક જે સ્થપાયો તે સૃષ્ટિના પ્રલય સુધી રહેશે યથાવત્! (4)


‘વાત ખૂબ લડાવી, ભાયા, કહેશો આગળ કંઈ?’ કહેતા તમે,

’હજુ લડાવીશ, કેમ ન લડાવું! કેમ કે આ અતુટ માનાંક તો શાશ્વતકાલીન રહેશે,

સિવાય કે વિધાતા સૃષ્ટિએ અશ્વની દોડક્ષમતામાં અણકલ્પ્યો વધારો કરે ભવિષ્યે!’ વદું હું. (5)


* * * * *


આપણો ‘માઈનો લાલ’ પ્રત્યેક વર્ષે સ્પર્ધક બને, હારે છતાંયે

’નિષ્કામ કર્મ’ ના સિદ્ધાતને સમર્પિત આ જણ જેને ‘લાલ’ નામે સંબોધીશું, ડમી ઓળખે,

તેવા તેને સદનસીબ સાંપડ્યું, સ્થાનિક શિવમંદિરે કો’ મહેમાનસાધુની સેવાસુશ્રૂષા કાજે! (6)


નિશ્ચિત સમયાવધિએ વિદાય લેવા ટાણે મહારાજે,

’લાલ’ ને યાચવા કહ્યું કો’ વર, જે થકી કલ્યાણ થાયે નિજનું પ્રભુકૃપાએ!

અને, લ્યો માગી બેઠા ભાઈ ‘લાલ’ જીત આગામી ઘોડદોડે, યેનકેનપ્રકારેણ! (7)


‘લે, વત્સ યે એક વટિકા પોનેસો પક્કે કોશ પ્રતિ ઘંટેકી ગતિકી,

આપત્કાલીન દુસરી ભી યે લે દુગુની ગતિકી, જિન્હેં દૌડનેવાલે કે મુઁહમેં રખના!’

’તથાસ્તુ’ કહી મહારાજ ઊપડ્યા એમ વદી ‘સાધુ તો ચલતા ભલા!’ (8)


અને, નંબર વન વિનર બન્યો એ ‘માઈનો લાલ’,

જે હતો સાવ ચીંથરેહાલ અને આજ મરે કે કાલ એવા મરતલ ટટ્ટુનો સ્વામી,

અંતિમ લક્ષબિંદુએ માનવમહેરામણના અભિવાદન ઝીલતાં દોડ પૂરી કરી આંખના પલકારે! (9)


અફસોસ એક જ વાતનો કે આપત્કાલીન વટિકા પણ વટઈ ગઈ,

એ જ ઘોડદોડ રેસે, ક્યમ કે દોડતે ઘોડે અધવચાળે ‘લાલ’ ફંગોળાયા અવનિએ,

અને નિજ અશ્વસવારી પુન: પકડવા દુજી વટિકા મુખમાં નાખી બમણા વેગે દોડી જવા! (10)


અશ્વ અને અસ્વાર ઉભય આવશ્યક બની રહે,

ફિનીશીંગ લાઈન અર્થાત્ આખરી નિશાને એક સાથ હોવા અગર જીત સ્વનામે કરવી,

અને, લ્યો બન્યું પણ એ જ; ‘લાલ’ જીતી ગયો સ્પર્ધા અને ઢોલ, ત્રાંસાં, બ્યુગલ બજી રહ્યાં! (11)


જર્મનીનો વેટલ ચગ્યો અવનવા પ્રસાર માધ્યમે જગ તણા ખૂણેખૂણે,

આપણો ‘માઈનો લાલ’ ઘરદીવડો બની રહી, બસ મુજ કાવ્યનાયક થઈ માને ઇતિશ્રી!

અદૃશ્ય અધિક હોર્સપાવરની કાર એક તરફ અને એક જ હોર્સપાવરનો હોર્સ દુજી તરફ!!! (12)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”