RSS

(286) દિલ્લગી અચ્છી નહિ! (હાસ્યકાવ્ય)

03 Nov
(286) દિલ્લગી અચ્છી નહિ! (હાસ્યકાવ્ય)

(અછાંદસ)

દિલ્લગી અચ્છી નહિ!
ઇતિહાસ ઉવેખી જોજો ફ્રાન્સનો,
ઓલ્યા લુઈની આપખુદી રાણીએ,
ઉપહાસ કર્યો ભૂખ્યાજનોનો,
એ શબ્દો થકી,
કે ખાઈ લો પુરણપોળી,
’ગર ના મળે લૂખીસૂકી રોટલી!
ને ક્રાંતિની આગ ભભૂકી ચહુદિશ,
નિમિત્ત બની એ દિલ્લગી, દિલ્લગી અચ્છી નહિ! (1)

દિલ્લગી અચ્છી નહિ!
લોકોનાં ખિસ્સાં સળગતાં,
ના જ્વલનશીલ પેટ્રોલ થકી,
પણ તેના જ્વલનશીલ ભાવથી,
રાજ્યહદના આખરી એ ગેસ મથકે, એ હોર્ડિંગે,
વંચાય કે ઇકોતેર રૂપિયે પેટ્રોલનો આ આખરી પંપ,
આગળે સસ્તું છતાં, છેતરે શબ્દછળે સૌને!
પંપ તો ભડકે સળગે લોકજુવાળથી.
નિમિત્ત બની એ સાઈન, દિલ્લગી અચ્છી નહિ! (2)

દિલ્લગી અચ્છી નહિ!
ભડકે બળતા ભાવે,
બકાલુ વેચતો એ બકાલી,
લાલ મરચાના વઘાર જેવાં જલદ વચને
ગૃહિણીઓને ઉપહાસતો બકે, ‘મફત આપું કહું, તો કહેશો ડબલ દે!’
અને આક્રોશે બની સૌ ભગિનીઓ રણચંડી, ચપ્પલો સટપટાવે, ગર્જતી
’લે ચાર મફત, લે આઠ મફત, ભાગ તારાં બે લઈ!
નહિ તો મર્યો સમજજે, બેશરમ! તું આપે મફત અને અમે માગીશું ડબલ?’
નિમિત્ત બની એ મજાક, દિલ્લગી અચ્છી નહિ! (3)

દિલ્લગી અચ્છી નહિ!
કાળું ધન વિદેશે
અને ભમે ધોળાં વસ્ત્રે નિજ મતવિસ્તારે,
એ રાજપુરુષ, ગળાવે લોકોને ગાયભેંશની ઔષધવટિકાઓ!
મહારાણા પ્રતાપને મળ્યો એક જ ભામાશા અને અમે તો કેટલા બધા!
દેશની આફતપળે કરીશું ડોલર-પાઉંડ-યુરોના ઢગલે ઢગલા, રૂપિયાનું તો મૂલ્ય જ શું?
’વાહ! તો તમે કુશળ ગૃહિણીની જ્યમ ત્રેવડ કરી બચત કરો કપરા કાળ કાજે, દેશ માટે?’
અને કર્યો તેને, માતકૂખે જન્મ્યા જેવો સાવ નવસ્તરો તો નહિ, લંગોટીભેર!; વિફર્યા લોકવૃંદે!

નિમિત્ત બની એ મશ્કરી, દિલ્લગી અચ્છી નહિ! (4)

દિલ્લગી અચ્છી નહિ!
’આવા ભડબળિયા ભાસો,
અને તોય દળણાના ડબ્બા માથે ઊંચકી ફ્લોરમિલે જાઓ, છતા બૈરે!
આ તો સ્ત્રૈણ લક્ષણ કહેવાય, તમને તો નહિ અમને શરમ આવે, ઓ ભાભા!’
અને એકદા બૂમિયા ઢોલે ભાભા હળની કોશ લઈ ભાગે ઢોલ અવાજે.
સામે મળ્યો પેલો મશ્કરિયો, ભાભાએ ઢોલ ઝનૂને કોશ વાળી દીધી તેની ગરદન ફરતે!
’અરે, અરે! આ શું કીધું? કોશ જલ્દી ઉખેળો! હું ક્યાં લગણ લઈ ફરીશ?’
’રાહ જો બેટા, નવા બૂમિયા તક! હાલ કશું વળે નહિ! હવે ટીખળ કરીશ?’
નિમિત્ત બન્યું ટીખળ, દિલ્લગી અચ્છી નહિ!

-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”

 

 

2 responses to “(286) દિલ્લગી અચ્છી નહિ! (હાસ્યકાવ્ય)

  1. pragnaju

    November 3, 2011 at 1:55 pm

    દિલ્લગી કરી નિખરતા જોઈ……………………..

    અમારા મૉનાબેનની પંક્તીઓ ભૂલાતી નથી

    રે સખા ! એક દિલ્લગી મેં તો કરી’તી સાવ અમસ્તી…
    ને ઉભયનાં માર્ગને મોડ્યો હતો- એ વાતને ભૂલી નથી.
    તું મને ભૂલી જતે કે રાવ કરતે- એ હતો અધિકાર તારો,
    પણ બધું ભૂલીને તું નિખર્યો હતો- એ વાતને ભૂલી નથી.

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.