RSS

Daily Archives: November 10, 2011

(289) ‘માય ડિઅર ડબલ સાલા!’ (હાસ્યકાવ્ય)

(289) ‘માય ડિઅર ડબલ સાલા!’ (હાસ્યકાવ્ય)

(અછાંદસ)


શિક્ષિત ગામના ગામપાદરે નાટક ભજવાયે,

‘શેત્રુંજીને કાંઠે’ પ્રણયત્રિકોણિયા એ નાટકની કીર્તિમાન સોળમી રાત આજે,

પ્રેક્ષકજન સૌ ઝટપટ વાળુ ઝાપટી, ભારતીય બેઠકે બેસી, તાકીદ કરે ખેલ કાજે,

સાથી કલાકારો માલિક કમ મેનેજરને વીનવે, ‘શેઠ અને સાહેબ, કૃપયા નાટક બદલો!’ (1)


’બસ, આજની આ છેલ્લી રાત! પ્રોમિસ!’

‘ના, બાબા, ના! વસ્તીને વીનવો, આજે રજા રાખો, હીરો માંદો એવું બહાનું કાઢો,

અમારો કોઈનો મુડ નથી, જોજો હોં; નાટક નહિ, પણ થાશે ભવાઈ! પછી કહેતા ના!’

ધર્મસંકટે બીગ બોસ! આખરે કલાકાર વૃંદ સંમત થયું, પરાણે ખેલ ભજવવા, એ શરતે કે, (2)


‘નો પ્રોમ્પટીંગ, જાણે મોડર્ન આર્ટ, ફ્રી સ્ટાઈલે

સંવાદ, અભિનય અને વેશભૂષાએ આઝાદ સૌ આજ, કંઈક નવીન!’ વદે સાથીઓ.

‘જેવી તમારી મરજી, પણ પડદા નોં ફાટે, હુરિયા નોં બોલે એટલું જોજો, બાપલિયા!’

’ઊતારે જઈ ઊંઘી જાઓ, અમે ફોડી લઈશું, નાટક ભજવીશું એ જ, પણ અમારી રીતે!’ (3)


ઈન્ચાર્જ મેનેજર યા ને નાટ્ય સૂત્રધાર, ડ્રાઈવીંગ સીટે,

પ્રેક્ષકોને પળોટ્યા, ‘કલાકારો સૌ ભાંગભજિયે બેકાબુ! જે બોલે તે ચલવી લેજો આજ!’

દેવરો આણલદેને ‘પ્રિયે’ કે ‘વ્હાલી’ કહેવાના બદલે ‘ડાર્લિંગ’ કહે

અને પ્રેક્ષકગણ ગણગણે માંહોમાંહે, એ બિચારીને કેમ ગાળ દીધી?’ (4)


‘અલ્યા કાકાઓ, ઈંણે અંગ્રેજીમાં ‘ડાર્લિંગ’ એટલે ‘વ્હાલી’ કહ્યું, ચ્યમ કે

વાલીડો લૂગડાં બદલ્યા વણ દેવરો થ્યો એટલે શહેરી લૂગડે એમ કહીને વટ માર્યો!’

’અલ્યા કશાદા, આપણે પણ ડોશીઓને ઈંમ બોલાવીએ, તો મજા નોં પડે!’

‘તમારી ‘ડાર્લિંગ’ને સમજાવજો ‘ડાર્લિગ’ એટલે શું? નહિ તો ઈંધણની ફાડ્ય ખાશો, હા!’ (5)


‘એ કાકાઓ, છાના રહો; ન તો આવો સ્ટેજ ઉપરિયાં’ રખેવાળ મેનેજર બોલ્યો.

’અલ્યા ઢોલરિયા, બંગડીઓ નથી પે’રી, મરદ હોય તો ફાઈટ લે આણલદેને વરવા પહેલાં!

અલી, આણલદે; ચૂપ ક્યમ છે તું? સાથે જીવવા-મરવાના કોલ ભૂલી ગઈ?’

એમ કહેતાં દેવરો એકદમ નાટકના છેડે પહોંચી ગ્યો અને ઓલ્યો દોહરો બોલ્યો આમ, (6)


‘હેઈ… બકરિયું દેવાય, પણ કુતરિયું દેવાય નહિ!

હે, એક સાટે બે જાય, અનં ઢાલ માગે તોય ઢોલરો!’ દેવરો ઉવાચે, જાણે ભાંગનશાએ!

’અલ્યા, તેગ માગવાનું કહે, એકલી ઢાલ શા કામની!’ ઢોલરો વદે, ‘ઢાલ’ને સમજ્યા વગર!

પ્રેક્ષકો ‘હેવ મોર, વન્સ મોર’ બોલી ઊઠ્યા, જાણે હેવ મોર આઈસક્રીમ ફરી ન માગતા હોય! (7)


‘માફ કરજો, ભાયાઓ અને બેનડીઓ!’ મેનેજર કહે,

’દેવરાને ભાંગે ભાન ભુલાવ્યો, ખરો દોહરો તો આમ છે:’

’હેઈ….દીકરિયું દેવાય, પણ વહુઉં દેવાય નહિ!

હે, એક સાટે બે જાય, અને ઢાલ માગે તોય ઢોલરો!’ (8)


આટલા સુધીનાં કવિવેણમાં,

કોઈને બારોબાર અદ્ધર ગયું હોય તો, સુણી લો મારા વાંચકો દોહરાનો સાર!

દેવરો-આણલદે પ્રેમી, દેવરો ગરીબ, ઢોલરો પરણી ગ્યો ઓલીને, સોહાગ રાતે ખુલ્યો ભેદ!

ઢોલરે દેવરાને આણલદે સોંપી અને દેવરાએ ઢોલરાને પોતાની બે બહેનો વરાવી દીધી! (9)


‘એક આણલદે સાટે બબ્બે બહેનો વરાવું તોય તારું લહેણું ઊભું, ઢોલરા!

આણલદેને પાછી સોંપી દેવા સામે મારી ચામડીના જોડા સીવડાવી આપું તો ય ઓછું!’

‘અલ્યા માંણહની ચામડી પાતળી હોય, એના જોડા કોઈ કાંમના નઈં,

વળી વધારે ફાડ્ય મત અને તું સુખી થાય એનાથી અદકેરું શું, માય ડિઅર ડબલ સાલા!’ (10)


સૂત્રધાર, મેનેજર જે ક્યો તે નાટકની પૂર્ણાહુતિ પહેલાં,

છેલ્લી બ્રીફ ભવાઈને ભજવી બતાવે માગી આણેલા ખાટલા પરે આ સંવાદે કે

’ભેંશે ભડકે, ઊંટ ભડકે, ઘોડે ભડકે; તો હમ ક્યું ન ભડકે?’ કહી ભડકીને ખાટલે કૂદ્યો!

કડડડ… ભૂસ તૂટ્યો ખાટલો અને તેની કિંમત ભરપાઈ કરવાના ફાળાની ઘોષણા થઈ તુરંત! (11)


ખાટલાફંડનું ખાસ ભરણું આંખના પલકારે છલકાઈ ગયું,

આવતી કાલના નવીન નાટક ‘પૈસો બોલે છે!’ ની થઈ ઘોષણા,

પડદો પડ્યો, પ્રેક્ષકો હર્ષનાદે વિખરાવા માંડ્યા, લોકમત સંભળાવા પામ્યો

’મજો પડ્યો, ભાઈ, મજો પડ્યો! ભાંગનશામાં સૌ નટોએ કરી કમાલ, ભાઈ, કરી કમાલ!’ (12)


-વલીભાઈ મુસા

Proposed E-Book “વિલિયમાનાં હાસ્યકાવ્યો”