RSS

(296) મુનિરા અમી કૃત ‘નીરવનું વર્ણન’નું રસદર્શન (With English version by Prof. Mukesh Raval)

30 Nov

Nirav-2‘મારી નજરે’ શીર્ષકે તૈયાર થતી જતી મારી ઈ-બુકમાં અત્યાર સુધીમાં મારાં કેટલાંક બ્લોગર ભાઈબહેનોનાં સાહિત્યસર્જનો ઉપરનાં મારાં ભાષ્ય કે વિવેચનોને એકત્ર કરતો આવ્યો છું. આજે મારી દીકરી સમાન અને હમવતન એવી મુનિરા અમીના બ્લોગ “Ink and I” માંના કાવ્ય ‘નીરવનું વર્ણન’ નું સ્વયં રસદર્શન કરતાં અને ભોક્તાઓને તેનો રસાસ્વાદ કરાવતાં આનંદ અનુભવું છું. નવોદિત કવયિત્રી છતાં આ કૃતિમાંની તેની સર્જક તરીકેની પરિપક્વતાએ મને એવો આકર્ષ્યો કે તેની કૃતિ ઉપર મારા પ્રતિભાવ આપવા હું થનગની ઊઠ્યો. સર્વ પ્રથમ આપણે મુનિરાની આ રચનાને વાંચી લઈએ.

“નીરવનું વર્ણન”

નીરવનો અનુભવ એ જ એનું વર્ણન છે;
શબ્દો છે શાંત,
નથી વાદક, વાદ્ય, કે ગાન;
અસ્ખલિત મૌનનું અહી કીર્તન છે.
બેઠી છું હું, ફક્ત મારી જ ઓથે,
ન વિચારોનું ય કોઈ,
મનમાં નર્તન છે.
ના હોય આસપાસમાં
ખાસ કંઈ માણવાનું,
થંભે છે દિલ એવામાં
સમજવા,
“આજ કાલ જાત સાથે મારું કેવું વર્તન છે?”
અવાજભર્યા સન્નાટાથી અલગ,
જરા શાંતિનો શોર ભળે
તો સમજાય;
જીવન-પેયના સ્વાદમાં ગજબનું કેવું આકર્ષણ છે !
નિર્મળ નિસર્ગ સિવાય,
બીજે ક્યાં શક્ય બને;
આટલી સહજતાથી,
“હકાર” ની લણણી, ને “નકાર” નું વિસર્જન છે?
નીરવનો તો અનુભવ એ જ માત્ર એનું વર્ણન છે.

-મુનિરા અમી

Narration of Quietness

Inhale the silence
its narration will exhale,
words are mute,
no lark, no lyre and no lyric,
absolute silence floats in melody…
I sit accompanying myself,
no hoofing of thoughts in mind…
Nothing  of  interest  lay around
The heart ceases then,
to understand
behavior of mine to myself now a days!
To savour the taste of liquor of life
Apprehend the blend
of tranquil din
with noisy quietness..
Where else it be possible
but pure nature,
the reaping of positives
and unloading negatives
so smoothly.
The experience of tranquility is the narration of it.

-Mukesh Raval

(Thanks to Prof. Mukesh Raval for translation on behalf of Munira, the poetess and myself.)

રસદર્શન 

આ કાવ્ય વાંચતાં જ મારાં બ્લોગર મિત્ર અને બ્લોગ જગતમાં ખૂબ જ જાણીતી હસ્તી એવાં માનનીય પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ “નીરવ રવે – સહજ ભાવોના દ્યોતક”ની યાદ આવી ગઈ. તેમના બ્લોગ ઉપર મારી પ્રથમ નજર પડી હતી, ત્યારે જ હું ‘નીરવ રવે’ શબ્દો ઉપર મોહી પડ્યો હતો; કેમ કે તેમાં શબ્દ ચમત્કૃતિ તો હતી જ, સાથે ભાવ કે અર્થ ચમત્કૃતિ પણ એ કે કેવો અવાજ વગરનો અવાજ! સુશ્રી પ્રજ્ઞાબેનના કૌટુંબિક સહિયારા બ્લોગમાંના તેમના કેટલાય લેખોમાં આપણને કોણ જાણે કેટલાય શાંત અવાજો સાંભળવા મળ્યા; તો વળી મુનિરા પોતાની આ કાવ્યકૃતિમાં આપણને એવા જ ‘નીરવ’નું વર્ણન આપે છે.

કહેવાયું છે કે બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિઓની સૃષ્ટિ ચઢિયાતી છે. કવિ પાસે રસો પણ બ્રહ્મા કરતાં દોઢાથી પણ વધારે હોય છે. જ્યાં ન પહોંચે રવિ, ત્યાં કવિ પહોંચી જતો હોય છે. કવિ શાંત અવાજો સંભળાવી શકે અને બાહ્ય તથા આંતરિક શાંતિને વર્ણવી પણ શકે. કવિ અલ્પ શબ્દોમાં મોટાં મોટાં પ્રવચનો પણ આપી શકે; અરે, અલ્પ શબ્દો તો શું મૌન દ્વારા પણ ઘણુંબધું કહી શકે! માનવીય સંવેગો અદૃશ્ય હોવા છતાં કવિ તેમને જોઈ શકે છે, અનુભવી શકે છે અને ભાવકને તેની અનુભૂતિ કરાવી પણ શકે છે.

આ બધી સામાન્ય ચર્ચાને સ્થગિત કરીને કવયિત્રીની વિશિષ્ઠ વાત ઉપર આવીએ તો કાવ્યના પ્રારંભે જ તેણી કહે છે કે નીરવને વર્ણવવા માટે શબ્દોની નહિ, પણ તેના અનુભવની જરૂર પડે છે. શબ્દ, ગીત કે સંગીત એ ધ્વનિનાં મોહતાજ છે, જ્યારે મૌન તો અવાજની અનુપસ્થિતિમાં જ જન્મ લે છે. કવયિત્રી મૌનને શ્રાવ્ય એવા અવાજની ગેરહાજરીમાં ઉદભવે એવા સીમિત અર્થમાં જ નહિ, પણ મનમાં અવાજરહિત આવતા વિચારોના વ્યાપક અર્થના પરિપ્રેક્ષ્યમાં પણ તેને સમજાવે છે. “આજ કાલ જાત સાથે મારું કેવું વર્તન છે?” માં કવયિત્રીના અદભુત વિચાર અને તેણીના મનોમંથનની પરાકાષ્ઠા છે. સમાજમાં ઘણા એવા માણસો હોય છે કે જેઓ બીજાઓને છેતરવામાં આનંદ અનુભવતા હોય છે, પરંતુ તેઓને ખબર નથી હોતી કે વાસ્તવમાં તેઓ પોતાની જાતને જ છેતરતા હોય છે. બસ, આવું જ કંઈક સમજવા માટે કવયિત્રીનું દિલ ક્ષણિક થંભી જાય છે.

આ કાવ્યમાં કેટલાક શબ્દો કે શબ્દસમૂહો પંક્તિઓ રૂપી સોનાની સેરોમાં હીરામાણેકની જેમ એવા સરસ રીતે ગૂંથાયા છે કે તે સઘળા હૃદયને સ્પર્શ્યા સિવાય રહેતા નથી. ‘શાંતિનો શોર’ , ‘જીવન – પેય (પીણું)નો સ્વાદ’, ‘હકારની લણણી’, ‘નકારનું વિસર્જન’ વગેરે કેટલાંક આ કાવ્યમાંનાં ઉદાહરણો છે, જેને ઉલ્લેખવાથી જ આપણે કવયિત્રીની કલ્પનાશક્તિને દાદ આપી શકીએ. જીવનને એક પ્રકારના પીણાનું રૂપક આપીને કવયિત્રીના દિમાગમાં એ અર્થ અભિપ્રેત છે કે જો જીવન જીવી જાણીએ તો જ જીવનના સાચા સ્વાદને અર્થાત્ આનંદને આપણે માણી શકીએ.

કાવ્યના ઉત્તરાર્ધમાં આદર્શ જીવન માટેનો ઉમદા સિદ્ધાંત એ રીતે સમજાવાયો છે કે મનુષ્યે પોતાના જીવનમાં હકારાત્મક બાબતોને અપનાવવી જોઈએ અને નકારાત્મક બાબતોનો ત્યાગ કરવો જોઈએ. ઉમદા જીવન માટેનો આ એક ઉમદા જીવનમંત્ર છે, જે આપણને નિર્મળ એવી કુદરત પાસેથી જ સહજ રીતે શીખવા મળી શકે. કાવ્યાંતે પ્રથમ પંક્તિનું પુનરાવર્તન કરીને એ જ સનાતન સત્યનું દૃઢિકરણ કરવામાં આવ્યું છે કે ‘નીરવ’નું શાબ્દિક વર્ણન શક્ય નથી, તેને અનુભવીને જ સમજી કે જાણી શકાય.

મારા આ વિવેચનના લઘુલેખના સમાપને ગર્વભેર એટલું જ કહીશ કે મારા યુ.કે.નિવાસી એક બ્લોગર મિત્ર શ્રી પંચમ શુક્લની રચનાઓમાં જે ઊંડાણ જોવા મળે છે તેવું જ કંઈક આ નવોદિત કવયિત્રીના આ કાવ્યમાં હું જોઈ શક્યો છું.

મુનિરા દીકરી, સ-રસ એવા આ કાવ્યના સર્જન બદલ તને ધન્યવાદ.

– વલીભાઈ મુસા

પ્રો. મુકેશ રાવલનાં સંપર્કસૂત્રો :

ઈ મેઈલ – Mukesh Raval < rajshlokswarda@gmail.com
મોબાઈલ – ૯૮૭૯૫ ૭૩૮૪૭

સરનામું :

પ્રો. મુકેશકુમાર એમ. રાવલ,
એસોસિએટ પ્રૉફેસર,
ડિપાર્ટેમેન્ટ ઑફ ઈંગ્લીશ
જી. ડી. મોદી કૉલેજ ઓફ આર્ટ્સ
હાઈવે ચાર રસ્તા,
પાલનપુર -૩૮૫ ૦૦૧ (જિ. બનાસકાંઠા)

પુસ્તક પ્રાપ્તિ : –
Pots of Urthona
ISBN 978-93-5070-003-7
મૂલ્ય : રૂ|. ૧૫૦/-

પ્રકાશક :-
શાંતિ પ્રકાશન,
ડી-૧૯/૨૨૦, નંદનવન એપાર્ટમન્ટ,
ભાવસાર હૉસ્ટેલ પાસે, નવા વાડજ,
અમદાવાદ – ૩૮૦ ૦૧૩

.

 
8 Comments

Posted by on November 30, 2011 in લેખ, વિવેચન

 

8 responses to “(296) મુનિરા અમી કૃત ‘નીરવનું વર્ણન’નું રસદર્શન (With English version by Prof. Mukesh Raval)

 1. પંચમ શુક્લ

  November 30, 2011 at 11:03 pm

  ” નીરવનો તો અનુભવ એ જ માત્ર એનું વર્ણન છે”
  કાવ્ય અને રસદર્શન બન્ને ગમ્યાં.

  મનેય આ સાથે સાંભરી લીધો એ બદલ ઓશિંગણ ભાવ વ્યક્ત કરું છું.

  Like

   
 2. pragnaju

  December 1, 2011 at 3:16 am

  ખૂબ સુંદર ભાવવાહી રચના અને તેવો જ સુંદર રસાસ્વાદ.
  “નીરવને વર્ણવવા માટે શબ્દોની નહિ, પણ તેના અનુભવની જરૂર પડે છે. શબ્દ, ગીત કે સંગીત એ ધ્વનિનાં મોહતાજ છે, જ્યારે મૌન તો અવાજની અનુપસ્થિતિમાં જ જન્મ લે છે”

  રવ એટલે અવાજ , ચીસ, ગર્જના, બૂમ, અવાજ , કલરવ . રવનો અભાવ /રવથી મુક્ત નિરવ , નિર જેવા પૂર્વ પ્રત્યય લાગે ત્યારે તેની જોડણી મૂળ પ્રમાણે જ થાય.તો ‘રવ’ને ‘નિર્’ લાગતાં ‘નિરવ’ કેમ ન થાય છે? છતાં વિદ્વાનોએ નીરવ પણ સ્વીકાર્યો છે. અગત્યની વાત તો તે અનુભૂતિ નો વિષય છે છતા અદભૂત રીતે તેની કાવ્યદ્વારા કસક અનુભવાઇ !
  એક અમારો અનુભવ

  નિરવ સાધના તપતા અમે
  ગાયા ગીતો ખોલી મ્હોં, તે
  શું ખોવાયા સ્વયં સ્વપ્નમા?
  સુષ્માઓ જે માણી ચૂક્યા અમે
  જલ થલમા ગિરિ ગગનપવનમા
  મૌન ગગન,નિરવ રાત,નિરવ તરંગ
  રવે વરસતા વાદળ દમકતી વિજ
  બંધ આંખે અંતર્મુખ જીવન
  શોધી રહ્યા અમે તેને અમારામાં?
  મધુર રવ ગાનની પણ આગળ
  નિરવ રવ ગાન શ્રોતા મન?
  વર દે વીણાવાદની વર દે
  નવ ગતિ નવ લય નવ છંદ
  નવ નવલ કંઠ નવ જલદ
  મંદ રવ નવ નવ સ્વર દે…વીણાવાદની વર દે

  Like

   
 3. સુરેશ જાની

  December 2, 2011 at 10:54 pm

  અનુભવવાની વાતનો સરસ રવ…. મુનીરાને આશિષ.
  ‘મૌનના પડઘા’ યાદ આવી ગયા. એના સર્જક પણ યુ.કે. વાસી. નામ યાદ નથી, પણ એમને પ્રત્યક્ષ સાંભળવાનો લ્હાવો મળ્યો છે.

  Like

   
 4. munira

  December 3, 2011 at 6:43 am

  મારી કૃતિની અહી, આમ, ચર્ચા થઇ એ ગમ્યું. આશિષ અને શુભેચ્છા બદલ આભાર સહુ સુજ્ઞ જનોનો. ઘણું શીખવાનું બાકી છે મારે હજી; પણ હા એટલું જરૂર લાગે છે કે જાણે મને મેઘાવી શિક્ષકોથી ભરી ભરી એક શાળા મળી ગઈ. અને વલીકાકા ને બસ “આભાર” કહી દઉં? ના, ના; એ તો વાત ને અંતે આવતો શબ્દ છે; ને મારી શિક્ષાયાત્રા ની તો હજુ શરૂઆત છે.

  Like

   
 5. Laxmikant Thakkar

  June 3, 2013 at 11:38 am

  “અવાજભર્યા સન્નાટાથી અલગ,જરા શાંતિનો શોર ભળે”…………..
  વાહ ! બે વિરોધાભાસોનું અસરકાર પરિણામ !! = ” બોલકી શૂન્યતા “..જે ભીતરના તારોનું લીંક- જે ભીતર નું કનેક્શન સજીવ….કરી આપે…અને ““આજ કાલ જાત સાથે મારું કેવું વર્તન છે?””- જેવા ‘સ્વ’લક્ષી સ્વયમ ઉઠતા સવાલોના જવાબો સ્વીચ દબાવીએ અને લાઈટ થાય ની જેમ ઇન્સ્ટન્ટ=તાત્કાલિક મળે એવુંય બને જ છે ! આતો વાલીદાદાએ કહ્યું તેમ :”કહેવાયું છે કે બ્રહ્માની સૃષ્ટિ કરતાં કવિઓની સૃષ્ટિ ચઢિયાતી છે. કવિ પાસે રસો પણ બ્રહ્મા કરતાં દોઢાથી પણ વધારે હોય છે. જ્યાં ન પહોંચે રવિ, ત્યાં કવિ પહોંચી જતો હોય છે. કવિ શાંત અવાજો સંભળાવી શકે અને બાહ્ય તથા આંતરિક શાંતિને વર્ણવી પણ શકે. ” ચમત્કારિક ઘટનાઓ બને પણ ખરી !

  વલદાનાં સારાંશ,તારણ કન્ક્લુઝન :”જો જીવન જીવી જાણીએ તો જ જીવનના સાચા સ્વાદને અર્થાત્ આનંદને આપણે માણી શકીએ.” આ “””માણવું””” ” ધ્યાની ” અનુભવી વિદ્વાન શ્રી સુ.જા.ની આગવી જાગીર..મિલ્કિયત , મોનોપોલી જેમકે {{{વર્તમાન ક્ષણ ની ઉપલબ્ધિ..}}}…એવા અને ચડિયાતાઅનેક અન્ય સાધકો…સિધ્દ્ધો…પણ છે જ ! તો એનો નકાર ન થાય ..”

  સુશ્રી પ્રગ્નાજુનું કથન…વિધાન…”અગત્યની વાત તો તે અનુભૂતિ નો વિષય છે” આ વાત “તુંડે તુંડે મતિર્ભિન્ના:”ની જેમ વ્યક્તિએ વ્યક્તિએ અંગત “વેદન”…સંવેદનશીલતાની ઈશ-દત્ત દેન પર પણ નિર્ભર છે ને ?

  કો-ઇન્સીડન્ટ લી તાજેતરમાં [ગઈ પરમે જસ્તો હજી ! ] અન્ય એક પરિચિત સાધક=ખોજી ભાઈ શરદ શાહ સાથે “ઓશો આશ્રમમાં , અવાજ કંઈક આહલાદક માહોલ [એમ્બીયંસ]…નિસર્ગસંનિધિસહ સ્વીમીંગ પૂલ પાસે….. અને ઓશોની સમાધિ સમક્ષ એક કલાક્નનું “મૌન ધ્યાન { સાયલેન્ટ સીટીન્ગ (ડુઇંગ નથીંગ) ઘડીક જરીક ‘ટચ એન્ડ ફીલ’નો સહજ જ અનુભવ લઇ શકાયો એક ઝલક ! એ કહેવાનું રોકી શકતો નથી

  મુનીરાને.[ આવી વાતો ‘શેર કરવા’ની તક આપવા..]. =નિમિત્ત બનવાની એક ઘટના કુદરતી ક્રમમાં આ સમયે હતી …ઘટી …સહજ ઉપલબ્ધ થઇ એ આપણા બધાનું સદભાગ્ય પણ ખરુંજ સ્તો !
  આભાર સહુનો .
  લા’ કાંત / ૩-૬-૧૩

  Like

   
 6. Mukesh Raval

  December 23, 2014 at 4:22 am

  નીરવનો અનુભવ એ જ એનું વર્ણન છે;
  શબ્દો છે શાંત,
  નથી વાદક, વાદ્ય, કે ગાન;
  અસ્ખલિત મૌનનું અહી કીર્તન છે.
  બેઠી છું હું, ફક્ત મારી જ ઓથે,
  ન વિચારોનું ય કોઈ,
  મનમાં નર્તન છે.
  Inhale the silence
  its narration will exhale,
  words are mute
  no lark, no lyre and no lyric
  absolute silence floats in melody
  I sit accompanying myself,
  no hoofing of thoughts in mind……..

  [If you permit the rest of the poem will be translated}
  Mukesh Raval

  Like

   
 7. inkandipoetry

  December 24, 2014 at 7:41 am

  આદરણીય રાવલ સાહેબ,
  અંગ્રેજી ઉપરનું આપનું પ્રભુત્વ અને કાવ્ય કૌશલ મારી રચનાને મળે એ મારું અહોભાગ્ય। વલીકાકા એ વેબગુર્જરી ઉપર અનુવાદ અંગેના પોતાના લેખમાં લખ્યું છે એમ આપ દ્વારા અનુવાદિત કાવ્યાંશને મૂળ જ અંગ્રેજી પ્રસ્તુતિ
  તરીકે વાંચવાનો અનુભવ મજાનો રહ્યો। ગુરુજનોને પરવાનગી ન અપાય, એમના સૂચનો તો આદેશ ગણી મારે શિર ધરવાના હોય. ખુબ ખુબ આભાર ફરી વાર વલીકાકાનો પણ.

  Like

   
 8. La Kant Thakkar

  December 24, 2014 at 12:23 pm

  વલીભાઈ મુસાના રસદર્શન માં,
  “અવાજ વગરનો અવાજ!”[=ધ્વનિ,
  શાંતિનું સંગીત ફક્ત અંગત સ્તરે માણી શકાય !
  “માનવીય સંવેગો અદૃશ્ય હોવા છતાં કવિ તેમને જોઈ શકે છે, અનુભવી શકે છે અને ભાવકને તેની અનુભૂતિ કરાવી પણ શકે છે.” -કવિની પહોંચ બ-ખૂબી કહેવાઈ.
  જે એક અનુભૂતિ ” સાવ ચુપ્પ ” કરે દે તે જ આહલાદકતા !કૃતકૃત્યતા -ધન્ય્ભાવ .
  “….. કે વાસ્તવમાં તેઓ પોતાની જાતને જ છેતરતા હોય છે……” + “…જીવનના સાચા સ્વાદને અર્થાત્ આનંદ….” તથ્યપૂર્ણ અનુભવ-તારણ .

  .- જિંદગી [પરિશુદ્ધ ‘વર્જિન’-પવિત્ર “નિસર્ગ”ના સાન્નિધ્યમાં,આંતરિક કે ભીતરી “બ્લીસ ફૂલ નેસ”થી લિપ્ત ]

  “અનેક “ન”કાર તત્વોથી ભરી આ જિંદગી,
  ‘જીવન છે’નો મોટો “હ” કાર”જ જિંદગી!
  એ છે! હાજરાહજૂર! સદા ચળકતાં છે પ્રચૂર!
  આ વિલસે તે ઝળહળ બધી એની છે,હઝૂર!
  વર્ષા એની કૃપાની છે કાયમ હાજરાહજૂર,
  ઝીલવાને બસ,આળી,ભીની લીલપ જોઇએ” -[-લા’કાન્ત,’કંઈક’]

  આભાર મુનીરા , વાલીડા વલીદા + અન્ય સંલગ્ન સાહિત્યિક રસિક જનો ….

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: