RSS

(300) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 1

12 Dec
(300) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 1

બ્રહ્માંડોનો સર્જનહાર માનવવસવાટનાં વિવિધ સ્થળોએ અને માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોમાં સમયાંતરે વિશિષ્ઠ પ્રતિભાઓ ધરાવતાં એવાં મનુષ્યોને મોકલતો રહે છે કે જેઓ લોકો માટે દીવાદાંડી સમાન બની રહે. આવા મહામાનવો સમયના પ્રવાહને નવીન વળાંક આપીને લોકોનાં ચારિત્ર્યોને અને તેમની સમજદારીની ભાવનાને ઉર્ધ્વગામી બનાવતા હોય છે. માનવધર્મને પ્રાધાન્ય આપનારાઓ આવા મુઠ્ઠી ઊંચેરા માનવીઓને તથા તેમનાં કાર્યોને યાદ કરીને ગવાતાં તેમનાં ગુણગાનને ઈશ્વરપ્રાર્થનાઓ જેવી જ માનવપ્રાર્થનાઓ સમજતા હોય છે.

વીસમી સદીના પ્રારંભને માંડ છએક મહિના થયા હશે અને અમારા વતન કાણોદરમાં એક કુલીન અને મધ્યમવર્ગી, પણ કર્જદાર મોમીન કુટુંબમાં એક છોકરાનો જન્મ થાય છે. વિધિની વક્રતા એ કે એ છોકરો જ્યારે માંડ છ જ માસનો હશે, ત્યારે પયપાન કાજે બિમાર માતાના સ્તને વળગેલી સ્થિતિમાંથી તેને ઊઠાવી લેવામાં આવે છે, એટલા માટે કે તેની માતાની રૂહ દેહમાંથી પરવાજ કરી ચૂકી છે. હૃદયને હચમચાવી દે તેવા આ કરૂણ દૃશ્યનાં સાક્ષી એવાં કીડિયારાની જેમ નરનારીઓથી ખીચોખીચ ઊભરાતા એ વિશાળ ઘરનાં સૌ કોઈને ભાવીના ગર્ભમાંની એ વાતની ખબર ક્યાંથી હોય કે આ જ નમાયો છોકરો મોટો થઈને માત્ર ગામમાંજ નહિ; પણ એ વખતના આખા નવાબી પાલનપુર સ્ટેટમાં માત્ર નાણાંકીય હૈસિયતે ‘શેઠ’ તરીકે જ નહિ, પણ બુદ્ધિચાતુર્ય અને ડહાપણના સમન્વયે વિચક્ષણ પ્રતિભાયુક્ત એવા ‘મહામાનવ’ તરીકે ઓળખાશે!

મારા અગાઉના આર્ટિકલ ‘ફાનસવાળાં સન્નારી’ માં ચરિત્રચિત્રણ પામેલાં સેવાભાવી મરહુમા હાજીયાણી અવલબેનના પતિ અને મારા ફોઈના દીકરા ભાઈ એવા મરહુમ હાજી શ્રી નુરભાઈ મામજીભાઈ મુખી એ પોતે જ સદરહુ લેખના પ્રારંભે ઉલ્લેખાએલા તે એ જ ‘છોકરા’ હતા, જેમને લોકો ‘મુખીશેઠ’ તરીકે તેમની હયાતીમાં ઓળખતા હતા અને આજે પણ એ જ ‘શેઠ’ ઉપનામે લોકો તેમને યાદ કરે છે. પોતાના દાદાના સમયથી જ કર્જદાર આસામીમાંથી સ્વબળે અને કઠોર પરિશ્રમે ઈમાનદારીથી ધનિક બનેલા આ ઈસમનો જીવનસંઘર્ષ એ એક એવી જીવંત મિસાલ છે કે જેમાંથી સાવ અદનો માણસ પણ બોધપાઠ ગ્રહણ કરે તો પોતાના ભાગ્યને અવશ્ય બદલી શકે.

વિદ્યાભ્યાસમાં તેજસ્વી એવા આ નુરભાઈ ગુજરાતી પાંચ ધોરણથી વધારે ભણી શક્યા ન હતા. માતાની છત્રછાયા ગુમાવેલા તેઓ પિતા અને દાદીના વાત્સલ્ય હેઠળ ઉછેર પામી રહ્યા હતા, ત્યારે તેમની અગિયાર વર્ષની ઉંમરે તેમના પિતાજીનું અવસાન થયું. વતનમાં માતાની અવેજીમાં પાડોશમાં જ રહેતાં સગાં માસી અને મામીઓનો પ્રેમ પામ્યા. તેમના પિતાની બીમારીની હકીકત એવી હતી કે તેઓ જ્યારે વતનમાં પોતાનો ખેતીવાડીનો વ્યવસાય કરી રહ્યા હતા, તે કાળે તેમના અન્ય ચાર ભાઈઓ (અર્થાત્ મુખીશેઠના કાકાઓ) મુંબઈ ખાતે ઘોડાગાડીઓ ચલાવતા હતા. તેઓ પોતાના ભાઈઓના આગ્રહથી મુંબઈ ફરવા ગયા હતા તે અરસામાં મુંબઈમાં કમાટીપુરા વિસ્તારમાં હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હતાં. કોઈક ઝનૂની ટોળાએ તેમના માથા ઉપર લાકડીઓ ફટકારી હતી, જેના પરિણામે તેમના માથામાં અંતસ્ત્રાવના કારણે જામી ગએલું લોહી તેમની જિંદગીના પાછલા દિવસોમાં તેમના માટે અસહ્ય શિરદર્દનું એક કારણ બની ગયું. પોતાનું માથું સતત દબાવવામાં આવે તેવી અપેક્ષાએ તેમણે પુત્રને પૂછ્યું, ‘બેટા, ભણતર વહાલું કે બાપની ચાકરી?’. પિતાના ખાટલા પાસે બેસીને ગૃહકાર્ય કરતા આ દીકરાએ થેલામાં પુસ્તકો અને નોટો ભરીને, થેલાને ખીંટીએ વળગાડ્યા પછી જ જવાબ વાળ્યો હતો, ‘બાપની ચાકરી!’.

નુરભાઈએ દિવસરાત પિતાજીની ખૂબ જ સેવા કરી. ખાટલાના ઓશીકાના ભાગે લટકતા માથા નીચે છાણાંના અગ્નિની ગરમી આપવામાં આવતી હતી. પોતે આત્મહત્યા કરવા દેવા માટે વિનંતીઓ કરતા હતા. એક રાત્રે તો લાંબા ઉજાગરાઓના કારણે નુરભાઈની આંખ લાગી ગઈ અને ઝબકીને જાગીને જૂએ છે તો પિતાજી પથારીમાં દેખાયા નહિ. તેઓ સીધા ખેતર તરફ દોડ્યા અને સમયસર પહોંચી જઈને કૂવાકાંઠેથી જ પિતાજીને બચાવી લીધા અને પોતાના માથા ઉપર હાથ મુકાવીને સોગંદ લેવડાવ્યા કે તેઓ પોતાની વેદના ગમે તેટલી વધી જશે તો પણ તે સહન કરી લેશે, પણ કદીય આત્મહત્યા કરશે નહિ.

ડોકટરોની સારવાર મિથ્યા પુરવાર થઈ અને છેવટે પોતે કુદરતી મોતે જ અવસાન પામ્યા, પણ દીકરાના સુખમય ભાવી માટે પરવરદિગારને એટલી બધી દુઆઓ કરી કે મુખીશેઠના પોતાના શબ્દો પ્રમાણે તેમના જીવનની સફળતા એ દુઆઓને જ આભારી હતી. વળી એમનાં દાદી પણ હરહંમેશ હકતઆલાને દુઆ કરતાં કે ‘મારા નુરાને ગધેડાંની ગુણો ભરીભરીને રાણી છાપના રૂપિયા આપજે.’ આ વાતને સંભારતાં મુખી શેઠ પોતાનાં કુટુંબીજનો અને લોકો આગળ કહેતા કે ખરે જ તેમનાં દાદીની દુઆઓથી અને પિતાના આશીર્વાદ થકી જ પોતે ધંધાકારોબારમાં ગધેડાંની તો શું પણ ઊંટોની ગુણો ભરાય તેટલા રૂપિયા કમાયા હતા.

નુરભાઈને ‘શેઠ’ તરીકેનો ઈલ્કાબ કેવી રીતે મળ્યો તે અંગે તેઓશ્રી લોકોને સ્વમુખે એ રસપ્રદ પ્રસંગ કહેતા કે પોતાની ભરજુવાનીમાં પોતાનાથી મોટી ઉંમરના પાંચસાત આગેવાનો સાથે ગામ માટેના એક સંસ્થાકીય ફાળા માટે તેઓ મુંબઈ ગયા હતા. ગ્રાન્ટ રોડ વિસ્તારની એક હોટલ નીચે બધા ફાળાના કામે નીકળવા તૈયાર થઈને ઊભેલા હતા, ત્યાં એક ફકીરે ટહેલ નાખતાં કહ્યું હતું કે ‘અય સાહબો, આપ ઈસ ફકીરકો ખુશ કરોગે તો જિસ કામકે લિએ આપ લોગ બમ્બઈમેં આએ હો ઉસમેં કામિયાબ હો જાઓગે!’ તેમનામાંના એકે ફકીરને મજાકમાં કહ્યું કે ‘હમ લોગોમેં આપકો જો શેઠ દિખે ઉસે સવાલ કરો તો વહ આપકો ખુશ કરેગા!’

પેલા ફકીરે બધાયને હારબંધ ઊભા રહેવાનું કહી પાંચેક આંટા આમતેમ ફરતાં બધાયના ચહેરાઓનું નિરીક્ષણ કરીને છેવટે નુરભાઈનો જમણો હાથ પકડીને ઊંચો કરતાં તેણે કહ્યું, ‘યે શેઠ હૈ ઔર વો હી મુઝે ખુશ કરેગા!’ નુરભાઈએ પોતાના ઝભ્ભાના જમણા ખિસ્સામાંથી નોટો અને પરચુરણ જે કંઈ હતું તે ગણ્યા વગર બંધ મુઠ્ઠીએ આપી દીધું. પેલા આગેવાનોએ નુરભાઈને તે જ ક્ષણે કહી દીધું, ‘અમે આ ફકીરની વાતને સમર્થન આપીએ છીએ. નુરા, આજથી તું અમારો જ નહિ; પણ આપણા આખા ગામનો શેઠ છે અને રહીશ.!’ એક વખતે મારા વડીલ બંધુ મુખીશેઠે હસતાં હસતાં મને કહેલું કે, ‘વલીભાઈ, મારા દિલની વાત કહું તો તમારી બંને ભાભીઓપણ મને ‘શેઠ’ તરીકે સંબોધે છે! હવે કહો મારે આ ફરિયાદ ક્યાં જઈને કરવી? (પુત્રપ્રાપ્તિ માટે મુખીશેઠે બીજાં પત્ની કરેલાં, જેમનું નામ મરિયમબેન હતું અને ગામ આખાયમાં બીમારોના સમાચાર લેવા અને જરૂરિયાતમંદને સહાય માટે ઘરમાં જાણ કરવાની તેઓ અમૂલ્ય સેવા બજાવતાં હતાં.)

મારા આ લેખમાં હવે આગળ વધતાં મુખીશેઠના વ્યક્તિત્વનાં બે પાસાંને ઉજાગર કરીશ; જેમાં એક છે તેમનો ‘શેઠ’ તરીકેનો ઉત્તરોત્તર વિકાસ અને બીજું છે તેમનું સામાજિક યોગદાન જે થકી તેઓ ‘મહામાનવ’ની કક્ષામાં પોતાની જાતને મુઠ્ઠી ઊંચેરી લઈ જઈ શક્યા. એમણે પિતાજીનો ખેતીનો વ્યવસાય અપનાવવાના બદલે વેપાર કે ઉદ્યોગ તરફ પોતાનું ધ્યાન એટલા માટે કેન્દ્રિત કર્યું કે જેથી તેમનું કાર્યક્ષેત્ર સ્થાનિક રહેવાના બદલે દેશપરદેશ વિસ્તરી શકે. વેપારધંધામાં એકંદર મૂડીરોકાણનો અમુક હિસ્સો સ્વભંડોળ તરીકેનો હોવો જોઈએ, પણ માથે દાદાના વખતનું ચાલ્યું આવતું વ્યાજવાળું દેવું હોઈ તેમણે સીધા વેપારી થવાના બદલે હાથશાળ કાપડના સ્થાનિક ઉત્પાદનના ફેરિયા થવાનું પસંદ કર્યું. આ ફેરીમાં વેચવા માટેનો જોઈએ તેટલો માલ ઉધાર મળી શકે તેમ હતો. આમ તેમણે ગુજરાતનાં દૂરદૂરનાં શહેરો સુધી ખભે પોટલાં ઊંચકીને ફેરિયા તરીકેનું કામ બેએક વર્ષ સુધી કર્યું અને ગોધરાના રેલવે સ્ટેશન બહાર ખૂણામાં બેસીને સોઈઓનો વેપાર કરતી એક વૃદ્ધા પાસેથી તેમને દુકાનદાર બનવા માટેની પ્રેરણા મળી. ફેરિયા અને વેપારીને જોવાનો ગ્રાહકનો દૃષ્ટિકોણ તેમના સમજવામાં આવ્યો અને નાનકડો ખુમચો પણ પેઢી કહેવાય અને પેઢી એ પ્રધાન એ સિદ્ધાંતને તેમણે આત્મસાત કરીને ગામમાંજ કરિયાણાની દુકાન શરૂ કરવાનું વિચાર્યું.

નુરભાઈએ પોતાના કૌટુંબિક પિત્રાઈ ભાઈ આગળ ભાગીદારીનો પ્રસ્તાવ મૂક્યો કે જેથી ધંધાની શરૂઆતમાં નોકરના પગારનો ખર્ચ ચઢે નહિ અને બંને જણ વારાફરતી સ્થાનિક વેચાણ અને માલ ખરીદવાનું બહારગામનું કામકાજ આસાનીથી કરી શકે. બંનેની પાસે એક દોકડો પણ પોતાની મૂડી ન હતી. અત્યાર સુધી બંને જણાએ ફેરી દ્વારા પોતાનાં ઘરખર્ચ નિભાવ્યાં હતાં અને માથે દેવાનું વ્યાજ માત્ર માંડ ચૂકવી શક્યા હતા. એક રાત્રે આ બંને પિત્રાઈ ભાઈઓ રોજની જેમ વેપાર માટેની ભાવી યોજનાઓ વિચારતા હતા, ત્યાં બાજુના જ પાડોશી અને બંનેના કૌટુંબિક ગરીબ કાકાએ પોતાની પાસે કરકસરથી બચાવેલા દસ રૂપિયા ઊછીના આપવા માટેની ઓફર કરી અને આમ આ બંને પિત્રાઈ ભાઈઓ કે જોગાનુજોગ જેમનાં બંનેનાં નામો ‘નુરભાઈ’ હતાં તેમને વેપાર માટે આગળ વધવા માટેનું બળ મળ્યું. કરિયાણાની દુકાન માટેનો માલ બાજુના પાલનપુર શહેરેથી ખરીદવો પડે, દસ રૂપિયાનો માલ ખરીદે તો ઊંટના ભાર માટે વજન ઓછું થાય અને ભાડું પોષાય નહિ. તેમને અજીબોગરીબ એક તરકીબ સુઝી. તેમણે પેલા ઊંટવાળાને જ કહ્યું કે જો તે પાંચેક કોઈ એક જ જાતના માલના હોલસેલ વેપારીઓને તેમની વતીની બાંહેધરી આપે તો તેઓ કાયમ માટે તેને જ ઊંટભાડું ખટાવશે. અને આમ પાચ જગ્યાએથી બબ્બે રૂપિયાના ઉચક ચુકવણા સામે દરેક જગ્યાએથી દસથી પંદર રૂપિયાનો માલ ખરીદ્યો અને આમ તેમનો કરિયાણાનો વેપાર શરૂ થઈ ગયો.

બંને ભાઈઓની ભાગીદારી એકાદ વર્ષ સુધી ચાલી અને તેઓ પ્રેમથી છૂટા પડ્યા. ધંધાની શરૂઆતમાંજ તેમની વચ્ચે કરાર થયો હતો કે તેઓ હાથશાળ કાપડવણાટના અન્ય સ્રોતથી પોતપોતાનાં ઘરખર્ચ પૂરાં કરશે, પણ દુકાનમાંથી બેચાર વર્ષ સુધી ભાગીદારો કોઈ ઉપાડ નહિ કરે અને નફાનું પુન:રોકાણ થયે જતાં તેઓ જલ્દીથી સદ્ધર બની શક્શે. મુખીશેઠના બીજા ભાગીદારથી આ શરતનું પાલન થઈ ન શકવાના કારણે તેમણે પોતાની દુકાનના સ્વતંત્ર માલિક બનીને ધંધો ચાલુ રાખ્યો. બેએક વર્ષમાં દુકાન જામી જતાં એમણે એક વિશ્વાસુ માણસને સારા પગારે નોકર તરીકે રાખીને પોતે ફાજલ પડીને સ્થાનિક હાથવણાટ કાપડના ઉદ્યોગ માટેના મિલના સુતરનો વેપાર શરૂ કર્યો. પછી તો સુતરના સામે ઉત્પાદિત કાપડ લઈને રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોના વેપારીઓ સાથે મલમલ, સાડી, ગાદલાપાટ, ચાદરો અને પરચુરણ માલોનો ધૂમ વેપાર શરૂ કર્યો. આગળ જતાં તેમણે હાથશાળ કાપડવણાટનું કારખાનું શરૂ કર્યું અને પછી તો પાવરલુમ્સ ફેક્ટરી પણ શરૂ કરી. પોતાના સુતરના ગ્રાહકો કરિયાણાની દુકાનના કાયમી ગ્રાહ્કો બની જતાં તેમને ત્યાં પણ સ્થિર ગ્રાહકો મળ્યા અને શરૂઆતમાં માત્ર Nick Name એવા ‘શેઠ’ ના બદલે હવે તેઓશ્રી સાચા અર્થમાં ‘શેઠ’ તરીકે ઓળખાવા માંડ્યા.

(ક્રમશ: ભાગ – 2 :સંપૂર્ણ)

-વલીભાઈ મુસા


 

4 responses to “(300) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 1

 1. pragnaju

  December 12, 2011 at 4:19 pm

  (ક્રમશ: ભાગ – 2 પ્રગટ થાય ત્યાં સુધી
  શેઠજી કચ્છ ગયા તેની ગમ્મતની વાત

  શેઠ વા. તેંજી ઘરવારી બહુ સારી હુઈ. રોજ સવારજો ઈ શેઠજે મથે તે હથ ફરાઈ શેઠકે જગાડે. પોય ભીને નેપકીનથી મોં લુછી શેઠકે બાથરૂમમે તેડી વને અને બ્રસ કરાય. પોય શેઠ કે ગરમ ગરમ ચાય પીરાય. પોય શેઠ કે છાપો વાંચી સુણાય. શેઠ કે નારાય ને કપડા પહેરાય દે. પોય પાટલે તે વેરાય ને શેઠજે મોંમે ગરમ ગરમ નાસ્તેજા ગટા દે. તો પણ ચબીંધે ચબીંધે શેઠ બોલે “આહ થકી રયોસ, આહ થકી રયોસ..”.

  હેકડો ડીં નાસ્તે ટાણે શેઠાણી પુછ્યોં, “મડે કમ ત આઉં કરે ડીઆંતી ત અંઈ કુરેલાય થકી રોતા?” ત તરત શેઠ ગુસ્સે થીને બોલ્યા, “હી ચબે તો કેર તોજો પે?”……

  Like

   
  • Sharad Shah

   December 15, 2011 at 1:54 pm

   શેઠજી ગાલ સચ્ચી આય. ચબેમે કેતરી મેનત થીયે? કચ્છી શેઠજી ગાલ સુણીને ખેલ અચે, પણ એડા શેઠ પાંજે મણીજે ભિતર વેઠા આય.

   Like

    
 2. Valibhai Musa

  December 29, 2015 at 5:28 pm

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
ગુજરાતી રસધારા

રસધારા ગરવી ગુજરાતની, સુગંધ આપણી માતૃભાષાની ! © gopal khetani - 2016-20

ગુર્જરિકા

અમેરિકામાં ધબકતું ગુજરાત

કાન્તિ ભટ્ટની કલમે

મહેન્દ્ર ઠાકરની અભિવ્યક્તિ

Human Pages

The Best of History, Literature, Art & Religion

Quill & Parchment

I Solemnly Swear I Am Up To No Good

Simerg - Insights from Around the World

With a focus on the artistic, intellectual and textual expressions of the Ismalis and other related Muslim traditions

The WordPress.com Blog

The latest news on WordPress.com and the WordPress community.

Pratilipi

www.pratilipi.com

DoubleU = W

WITHIN ARE PIECES OF ME

‘અભીવ્યક્તી’

રૅશનલ વાચનયાત્રા (એક જ ‘ઈ અને ઉ’ માં..)

eBayism School of Thought

AWAKENING THE SLEEPING READERS

SUCCESS INSPIRERS' WORLD

The World's leading success industry

સાહિત્યરસથાળ

મારા વિચાર મારી કલમે

vijay joshi - word hunter

The Word Hunter -My English Haiku and Notes on my favourite Non-Fiction Books

લાગણીઓ નું લાક્ષાગૃહ

'રાજી' રાજુ કોટક

sneha patel - akshitarak

gujarati column writer-author and poet

"બેઠક" Bethak

વાંચન દ્વારા સર્જન -બેઠક

શબ્દ સાધના પરિવાર

'યાર,મારું ગામ પણ આખું ગઝલનું ધામ છે.'-'અમર'પાલનપુરી

રાજુલનું મનોજગત

“Languages create relation and understanding”

%d bloggers like this: