RSS

(301) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 2 (સંપૂર્ણ)

12 Dec
(301) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 2 (સંપૂર્ણ)

મુખીશેઠનો આર્થિક પ્રગતિનો ગ્રાફ સીધો જ ઉપર ચઢ્યે જતો હતો. એક વખતે રેલવેની સફર દરમિયાન જ્યોતિષનું સાચું કે ખોટું જ્ઞાન ધરાવનાર એક સજ્જન તેમની સામેની સીટ ઉપર બેઠેલા હતા. તેમણે વગર પૂછ્યે મુખીશેઠનો ચહેરો કે કપાળ જોઈને કહી દીધું કે તેઓ લાખોપતી છે અને થોડાંક વર્ષોમાં કરોડપતી બનશે. મુખીશેઠે હસતાં હસતાં કહ્યું કે તેમને ભવિષ્યની કોઈ ખબર નથી, પણ વર્તમાનમાં તેઓ લખપતી તો નહિ, પણ હજારોપતી તો જરૂર છે. પેલા સજ્જને પોતાની વાતને સાચી ઠેરવવા એવી દલીલ આપી કે તમે ભલે વાસ્તવિક રીતે હજારોપતી હશો, પણ તમારા ગામના માણસોની નજરે તમે લાખોપતી જ છો. મારી સલાહ છે કે તમે તમારું ધંધાકીય કાર્યક્ષેત્ર ગામડેથી કોઈ મોટા શહેર સુધી વિસ્તારશો તો તમે જલ્દી કરોડપતી નહિ તો ખરેખરા લાખોપતી તો જરૂર બનશો જ. આમ પેલા સજ્જનની વાતમાં તેમને તથ્ય લાગ્યું કે ખરે જ હાલમાં તો તેઓ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જ ગણાય. આમ તેમણે ધંધાની રણનીતિમાં ફેરફાર કરીને કાચા માલ એવા સૂતરની ખરીદી માટે અમદાવાદ ખાતે અને કાપડ વેચાણ માટે એ સમયના અખંડ ભારતના કરાંચી શહેરમાં અને બલુચિસ્તાનના પશની મુકામે તેમના દીકરાના નામ ઉપરથી અહમદહુસૈન નુરભાઈ મુખી એન્ડ કુ|. નામે પેઢીઓ સ્થાપી. પોતાના દીકરાઓ નાના હોઈ ધંધામાં નોકરો અને બહારના ભાગીદારોનો સહારો લેવો પડતો હતો. અમદાવાદની પેઢીના મેનેજરે મુખીશેઠને અંધારામાં રાખીને પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી બેંકો સાથે ઠગાઈ કરી, પણ મુખીશેઠે પોતાની અને પોતાની પેઢીની પ્રતિષ્ઠા બચાવવા વિવિધ સ્રોતોએથી નાણાં ઊભાં કરીને બાજી સંભાળી લીધી હતી. તેમની નાણાંકીય કટોકટીની આ પળોમાં મારા પિતાજી અર્થાત્ તેમના મામાએ પોતાના સ્વભંડોળમાંથી પાંચ આંકડાની એ જમાનામાં માતબર ગણાય એવી રકમની સહાય કરી અને એટલી જ રકમની સહાય પોતાની સંપૂર્ણ જવાબદારીએ અન્ય ઈસમ પાસેથી અપાવી હતી.

મુખી શેઠે પેલા મેનેજરનાં કુટુંબીજનો ઉપર દયા ખાઈને તેના ઉપર કોઈ પણ કાનૂની કાર્યવાહી ન કરી; વળી એટલું જ નહિ, તેની સાથે કૌટુંબિક વ્યવહાર એવી રીતે જાળવી રાખ્યો જાણે કે કશું જ બન્યું ન હોય! મુખી શેઠે પોતાના મોટા દીકરા અહમદહુસૈનના લગ્નપ્રસંગે તેને આમંત્રણ પાઠવ્યું હતું, જેમાં એ મેનેજરે હાજરી આપી હતી. જ્યારે ચાંલ્લા તરીકે તેણે સો રૂપિયા આપવાની કોશીશ કરી, ત્યારે તેમણે સવિનય અસ્વીકાર કરતાં એવી દલીલ આપી હતી કે તેઓ જ્યારે પોતાના નાતીલા માણસોના કે સગાંસંબંધીઓના ચાંલ્લા તરીકે એકાદ બે રૂપિયા જ સ્વીકારતા હોય, ત્યારે સો રૂપિયાની રકમ ગેરવ્યાજબી ગણાય. ખૂબ ખેંચમતાણના અંતે તેમણે ચાંલ્લા તરીકે બે રૂપિયાનો સ્વીકાર કર્યો, પણ એ શરતે કે તેની વિદાય વખતે પોતે નજરાણામાં જે કંઈ આપે તે તેણે સ્વીકારવું પડશે. પેલા મેનેજરની ધારણા હતી કે કદાચ પોતાનાં કુટુંબીજનો માટે મીઠાઈ અથવા પોતાની પત્ની માટે સાડી કે એવી કંઈક ભેટ આપશે. પરંતુ તેના આશ્ચર્ય વચ્ચે મુખીશેઠે તેને કવરમાં એક હજાર રૂપિયા આપ્યા, ત્યારે તે ચોધાર આંસુએ રડી પડ્યો હતો. મુખી શેઠે અમદાવાદના પોતાના વેપારી સર્કલમાંથી જાણી લીધું હતું કે એ મેનેજર કોઈક મિલમાં સાવ ઓછા પગારે ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો અને તીવ્ર નાણાંભીડમાંથી પસાર થઈ રહ્યો હતો. મુખી શેઠે આટલેથી જ ન અટકતાં એ પણ હૈયા ધારણ આપી હતી કે જો તે કોઈ નાનોમોટો સ્વતંત્ર ધંધો કરવા ઈચ્છતો હોય તો તેને નાણાંકીય મદદ કરવાની પણ તેમની તૈયારી બતાવી હતી. આ જગતમાં આવા માણસો જવલ્લે જ મળી આવશે કે જે સામેવાળાના અપકારના ઉપર ઉપકાર કરે!

મારા લેખના આ તબક્કા સુધી આપણે મુખીશેઠની આર્થિક એવી અંગત સિદ્ધિઓની વાત કરી અને એ પણ જાણ્યું કે લોકજીભે ‘શેઠ’ શબ્દ કેવી રીતે દૃઢ થતો ગયો. ઘણાને તેમના મૂળનામ ‘નુરભાઈ’ની જાણ પણ ન હતી. હવે તેમના સામાજિક યોગદાન વિષે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું જે થકી તેઓ ‘મહામાનવ’ની કક્ષામાં પોતાની જાતને મુઠ્ઠી ઊંચેરી કઈ રીતે લઈ જઈ શક્યા તેનો આપણને ખ્યાલ આવી શકશે. મુખીશેઠનું વ્યક્તિત્વ જ એવું હતું કે પહેલી નજરે અજાણ્યા માણસોને પણ તેઓ શેઠ તરીકે જ ભાસે. તેમનો ગૌર વર્ણ, બેઠો બાંધો, સફેદ ખાદીનાં ધોતી-ઝભ્ભો, માથે સફેદ ટોપી (દેશની આઝાદી પહેલાં માથે પાઘડી બાંધતા હતા) ને સહેજ ખોખરા એવા પહાડી અવાજ આગળ સામેનો માણસ પ્રભાવિત થયા વિના રહે નહિ. રસ્તે એકલા ચાલતા હોય ત્યારે સામે મળતી કોઈ પણ વર્ણની સ્ત્રી માથે સાડી ઓઢી લેતી કે પછી મોંઢું ઢાંકી દેતી તેમના માનમાં રસ્તાની એક્બાજુ ઊભી રહી જતી જતી.

મુખીશેઠની કાણોદર ખાતેની પેઢી એ જાણે કે સ્થાનિક લોક અદાલત હોય તેમ ગામના અને આજુબાજુના લોકો મિલ્કત, લેણદેણ કે સામાજિક સંબંધો ને લગતા વિવાદોના ઉકેલ માટે તેમની પાસે આવતા અને ઉભય પક્ષ સંતુષ્ટ થઈને પાછા ફરતા. પાલનપુરની સરકારી કોર્ટો તરફથી પણ કેટલીય વાર પક્ષકારોની આપસી સમજૂતી માટે તેમની લવાદ તરીકેની નિમણુંક થતી. સરકારી કોર્ટો ઉપરાંત તેની સમાંતરે પાલનપુરના નવાબના દરબારમાં કેટલાંક ગામોના સીમાડાઓને લગતા ઝગડા, વિવિધ ધર્મોના પેટાપંથોના માન્યતાઓ કે રીતરિવાજોને લગતા ઝગડાઓ, કાયદો અને વ્યવસ્થા કથળી જાય તેવા સંવેદનશીલ મુદાઓ અંગેના વિવાદો જે વાટાઘાટોથી ઉકલી શકે તે માટેની પાલનપુરના નવાબની એક સલાહકાર સમિતિ રહેતી જેને ‘રાજસભા’ તરીકે ઓળખવામાં આવતી અને આમાં કાયમી આજીવન સભ્ય તરીકે કેટલાક જૈનો ઉપરાંત મુખીશેઠને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પદ એ નવાબી રાજ્યમાં મોભાનું પદ ગણાતું અને સોનારિયા બંગલા ખાતેના અંગ્રેજ સરકારના પોલિટિકલ એજન્ટ સાથે ઘરોબો જળવાવા ઉપરાંત ઈંગ્લેન્ડથી આવતા શાહી મહેમાનો કે પ્રતિનિધિમંડળો સાથે ચર્ચાવિચારણાઓ માટે તેમની સાથે બેસવાઊઠવાનું થતું.

તેમનું હાજરજવાબીપણું અને દૂરંદેશીતાનું એક રસપ્રદ ઉદાહરણ એ છે કે એક વાર ઈંગ્લેન્ડથી શાહી પરિવારનાં કેટલાંક સદસ્યો ભારતના પ્રવાસે આવ્યાં હતાં. તેમની પાલનપુર સ્ટેટની મુલાકાત વખતે તેમના સન્માન માટેનો હાથશાળ કાપડના પ્રદર્શન સહિતનો તેમનો સત્કાર સમારંભ કાણોદર ખાતે મુખી શેઠના વસવાટના મકાન પાસેની તેમની માલીકીની ખુલ્લી જમીનમાં ભવ્ય મંડપ ઊભો કરીને યોજવામાં આવ્યો હતો. મંડપનું પ્રવેશદ્વાર રંગબેરંગી સાડીઓથી સુશોભિત કરવામાં આવ્યું હતું.

મહાત્મા ગાંધીની અંગ્રેજો સામેની લડતની અસર હેઠળ કે ટીખળ ખાતર બહારનાં કોઈ શરારતી તત્વોએ ઝીણા કાચા સૂતરના દોરાથી પ્રવેશદ્વાર ઉપરનાં આસોપાલવનાં પાંદડાં વચ્ચે દેખાય નહિ તેવી રીતે કાચી કેરીઓનું ઝૂમખું લટકાવ્યું હતું. શાહી પરિવારની મુખ્ય મહિલા માથે હેટ અને તે ઉપર સફેદ પીછાં જેવી કલગી સાથે પ્રવેશદ્વારમાં દાખલ થઈ કે તરત જ પેલી કેરીઓની લુમ તેના ઉપર પડી અને વાતાવરણ તંગ બની ગયું. પેલી મેડમ ધુઆંપુઆં થઈને જ્યારે અંગ્રેજીમાં આક્રોશ વ્યક્ત કરવા માંડી; ત્યારે ખાનગી કારભારી પુરમણલાલ ચંદુલાલ કોઠારી, નવાબના અંગત લશ્કરના સેનાપતી અને ઈસ્માઈલ દેસાઈ નામના કોઈક વરિષ્ઠ અધિકારી હેબતાઈ ગયા. આ પરિસ્થિતિને પામી જતાં મુખી શેઠે સમયસૂચકતા વાપરીને કારભારીને ગુજરાતીમાં સમજાવી દીધું કે પેલી મેડમને એમ કહેવામાં આવે કે કેરી એ પાલનપુર સ્ટેટનું રાજકીય ફળ ગણાય છે અને એકદમ ખાસ પ્રકારના મહેમાનોનું જ અમૃતફળ જેવી આ કેરીઓ વડે સ્વાગત કરવામાં આવે છે. પેલી મેડમને પેલા દેસાઈ સાહેબે અંગ્રેજીમાં પેલો ખુલાસો કહી સંભળાવ્યો ત્યારે પેલી મેડમ હરખપદુડી થઈને નાચી ઊઠી હતી.

ઉપરોક્ત પ્રસંગે નવાબશ્રી તાલેમહંમદખાનજી હાજર ન હતા. જ્યારે તેમને મુખીશેઠના હાજરજવાબીપણાની અને પરિસ્થિતિને સંભાળી લીધાની જાણ કરવામાં આવી ત્યારે તેમને રાજમહેલમાં અંગત મહેમાન તરીકે બોલાવી શાહીભોજનમાં સામેલ કરીને તેમનો આભાર માનવામાં આવ્યો હતો આ શબ્દોમાં કે ‘મુખી તમે મારું રાજ બચાવી દીધું છે. આ અંગ્રેજ સરકાર પેલી મેડમની ફરિયાદથી ગુસ્સે ભરાય તો મને નવાબ તરીકે બરતરફ કરીને મારા રાજ્યને ખાલસા પણ કરી શકત. હું રાજ્ય વતી અને અંગત રીતે મારા તરફથી તમારો આભાર માનું છું.’

મુખીશેઠની પોણી સદીની જિંદગીનાં ઉત્તરાર્ધનાં પચીસ વર્ષ આઝાદ ભારતમાં વીત્યાં. હાલના પંચાયત રાજના વિકલ્પે એ વખતના મુંબઈ રાજ્યમાં જિલ્લા લોકલબોર્ડની શાસનવ્યવસ્થા હતી. તેઓશ્રી લોકલબોર્ડમાં બે વખત બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. 1952 ની પહેલી અને 1957ની બીજી લોકસભાની ચૂંટણીમાં એમ બે વખત તેમને કોંગ્રેસ પક્ષ તરફથી બેઠક ઓફર કરવામાં આવી હતી, પણ તેમણે એ દલીલ આપીને ના પાડી હતી કે પોતે પાંચ જ ગુજરાતી ધોરણ ભણેલા હોઈ લોકસભામાં અંગ્રેજીમાં રજૂઆત કરવા કે પ્રધાનો પાસેથી આપણા જિલ્લાનું કોઈ કામ કઢાવવામાં હું સફળ ન થાઉં તો એવી બેઠક શોભાવવાનો કોઈ અર્થ નથી. આમ છતાંય જાહેર સેવાનાં ક્ષેત્રોમાં ગામની સ્થાનિક હાથવણાટ કાપડ ઉત્પાદન સહકારી મંડળીને વર્ષો સુધી નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તદુપરાંત પાલનપુરની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં સરકાર તરફથી ડાયરેક્ટર તરીકે નિમાવા ઉપરાંત પાલનપુર અને કાણોદરના સંયુક્ત ઉપક્રમે સ્થપાએલી નાગરિક સહકારી બેંકના વર્ષો સુધી પોતે કાણોદર તરફના બિનહરીફ ડાયરેક્ટર તરીકે સેવાઓ આપી હતી. બનાસકાંઠા જિલ્લા ખરીદવેચાણ સંઘ અને ખાદી ગ્રામોદ્યોગ બોર્ડમાં પણ તેમણે યશસ્વી કામગીરી બજાવી હતી. કાણોદરની હાઈસ્કૂલમાં કાર્યવાહક કમિટી મેમ્બર તરીકે સેવાઓ આપવા ઉપરાંત સ્થાનિક શેરમહંમદખાન ચેરિટેબલ ડિસ્પેન્સરી અને મેટરનીટી હોમમાં પ્રમુખ તરીકેનો તેમણે આજીવન હોદ્દો નિભાવીને તેમણે આ સંસ્થાની ઉત્તરોત્તર પ્રગતિ સાધી હતી.

લેખસમાપન પહેલાં તેમની લોકોના ઝગડાઓ નિવારવાની અનોખી કાર્યશૈલીને વર્ણવ્યા વગર મારાથી નહિ રહી શકાય. એ સમયે સગપણ વહેવારોમાં સાટાપ્રથા પ્રચલિત હતી. આવા સામસામા સંબંધોએ મોટી વયનું જોડું ઘરસંસારી બની ગયું હતું અને બેએક બાળકો પણ થઈ ચૂક્યાં હતાં. જ્યારે પેલા ભાઈને પોતાની નાની બહેનને સામેવાળા પોતાના સાળાને પરણાવવાનો સમય આવ્યો, ત્યારે તેમણે પેલો ગરીબ છે અને પોતાની બહેન દુ:ખી થશે તેવા બહાના હેઠળ આનાકાની કરી. મુખીશેઠે પેલા ભાઈને બોલાવીને સમજાવ્યા કે તમે સામેવાળાની છોકરીને બે છોકરાંની મા બનવી દીધી અને હવે માણસ સાટે માણસ આપવાનો તમારો સમય આવ્યો ત્યારે તમે પેલા તમારા ગરીબ સાળાને તમારી બહેન આપવાની ના પાડો તે ન્યાયી વાત નથી. આમ છતાંય તમારા ઉપર કોઈ બળજબરી નથી અને એ ગરીબ છોકરાને મારી જવાબદારીએ ક્યાંક પરણાવી તો દઈશ, પણ તમે એક કામ કરો કે સામસામાં સગપણો વખતે ચોપડાઓમાં જે લેખિત દસ્તાવેજો થયા છે, તેમાં હું નીચે શેરો મારી આપું કે પેલા છોકરાની બહેન તમને બક્ષિસ અને સામે પેલા છોકરાએ તમારી પાસેથી લેવાનું સાટું માફ! પેલા ભાઈ ખુશ ખુશ થઈને પોતાના ઘરે ગયા અને પેલો દસ્તાવેજનો ચોપડો લઈ આવ્યા. શેઠે પોતાની પેઢીના મેડા ઉપર પેલા ભાઈને ચોપડા સમેત ઉપર લઈ જઈને કહ્યું, ‘જૂઓ ભાઈ, મારા વચન પ્રમાણે હું વર્તીશ તો ખરો જ; પણ, હું મારી આંખો બંધ કરી દઉં છું અને તમારે મૂળ દસ્તાવેજના પાના ઉપર પેશાબ કરવો પડશે.’ પેલો માણસ અણધારી વાત સાંભળીને હેબતાઈ ગયો અને ધ્રૂસ્કે ધ્રૂસ્કે રડી પડ્યો. શેઠે તેની પીઠે હાથ ફેરવતાં શિખામણ આપી કે ગરીબી એ માણસની ગેરલાયકાત નથી. હું કોઈ જ્યોતિષી નથી, છતાંય એ છોકરાના ભાગ્ય અંગે હું દાવા સાથે કહું છું કે તમારી બહેન તેના ઘરે રાજ કરશે.’ અને આખરે મુખી શેઠની એ આગાહી સાચી પડી હતી.

મારા સુજ્ઞ વાંચકોની ક્ષમા ચાહું છું એ અન્વયે કે સદરહુ લેખનો અતિ વિસ્તાર થતો હોઈ મારે તેને બે ભાગમાં લખવો પડ્યો છે. મરહુમ મુખી શેઠ માર્ચ 1, 1973 ના રોજ અવસાન પામ્યા તેના બેએક માસ પહેલાં મારાં બીમાર માતા કે જે તેમનાં મામી થાય તેમની તબિયત પૂછવા અમારા ઘરે ચાલીને આવ્યા હતા. અમારાં માતા અમારા પિતાજીએ સંતાન માટે કરેલાં બીજાં પત્ની હોઈ મામી છતાં મુખીશેઠથી ઉંમરમાં નાનાં હતાં મારાં માતા કેન્સરગ્રસ્ત હોઈ બચવાની કોઈ આશા ન હોવા છતાં તેમને હૈયાધારણ આપતાં કહ્યું હતું કે ‘હું તમારા પહેલાં મરીશ અને તમે મારાં મામી નહિ પણ મા દરજ્જે છો અને હું ખુશનસીબ હોઈશ કે મારા જનાજા પાછળ તમે મને ‘પુતર’ કહીને રડવાવાળાં હશો.’ તેમના આ શબ્દોએ અમારા ઘરનાં સઘળાં હૈયાફાટ રડી પડ્યાં હતાં. મારા પિતાજી વિષે તેઓ કહેતા કે ‘તેઓ મારા મામા જ નહિ, બાપ સમાન પણ હતા; વળી એટલું જ નહિ, તેઓ મારા એવા જિગરી દોસ્ત સમાન હતા કે અમે એકબીજા સાથે અંગત વાતો પણ કરી શકતા હતા.’

અંતે મારા લેખના પ્રારંભિક લખાણને શબ્દાંતરે પુનરાવર્તિત કરું છું કે વિધાતાએ મારા સગા મોટાભાઈ સમાન એવા મુખીશેઠને એવી શક્તિઓથી માલામાલ કરી દીધા અને તેમની પાસેથી નિજી સિદ્ધિઓ ઉપરાંત માનવતાનાં એવાં એવાં કામો લીધાં કે તેઓ ‘મહામાનવ’ના દરજ્જાને પામી શક્યા. કાણોદર અને આસપાસના પરગણામાં તેમના અવસાનને ચારચાર દાયકા વીત્યા છતાં તેમના જેવો કોઈ ‘શેઠ’ હજુ પાક્યો નથી. આમ છતાંય આપણે જરૂર એવા આશાવાદી રહીએ કે આપણા પરગણામાં મુખીશેઠના પેંગડામાં પગ ઘાલી શકે તેવો કોઈ ને કોઈ મહાનુભાવ કોઈકને કોઈક જનસમુદાયમાં અવશ્ય પ્રગટે જ કે જે થકી માનવતાનાં કાર્યોને હજુ પણ વધુ સારો અંજામ મળતો રહે.

(સંપૂર્ણ)

-વલીભાઈ મુસા

ભાગ -1 માટે અહીં ક્લિક કરો.

 

4 responses to “(301) એક મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 2 (સંપૂર્ણ)

  1. pragnaju

    December 12, 2011 at 6:41 pm

    વાહ
    એટલે જ જીવન એક રોમાંચ છે, રહસ્યમય છે. બસ જીંદગી એટલે થોડા હૈ થોડે કી જરૂરત હૈ, થોડી ખુશી છે થોડો ગમ છે, થોડો આનંદ છે થોડુ દુખ છે, થોડું સુખ છે, એટલે જ તો જીવનની આ મઝા છે.
    જીના ઇસીકા નામ હૈ જીંદગીકા યહ પૈગામ હૈ , બસ ચલતે રહો જીંદગી …
    મુઠ્ઠી ઊંચેરા માનવીની પ્રેરણાદાયી જીવનગાથા – 2 (સંપૂર્ણ) ન થ ઇ શકે
    ફ્લેશ બેકમાં બીજી વાતો પણ વર્ણવશો.
    સાથે સહજરીતે યાદ આવે પાલનપુરની ખ્યાતનામ વ્યક્તિઓ ચંદ્રકાંત બક્ષી, ભરત શાહ , બી કે ગઢવી વગેરે. સાચા અત્તરો અને ગઝલકારો શૂન્ય પાલનપુરી, અમર પાલનપુરી,આગમ પાલનપુરી, મુસાફિર પાલનપુરી, બાગી પાલનપુરી, ખામોશ પાલનપુરી, સૂફી પાલનપુરી વગેરે અને સૈયદ ફોટોગ્રાફર .અને શબ્દ સાધના પરિવાર,બનાસકાંઠા પ્રેરિત ગઝલ અધ્યયન કેન્દ્ર !..

    Like

     
    • Valibhai Musa

      December 12, 2011 at 7:23 pm

      પ્રજ્ઞાબેન,

      અમારા પાલનપુરની મહાન હસ્તીઓની નામાવલીની આપે આપેલી યાદી માત્રથી હું ધન્ય થઈ ગયો. સુરેશભાઈએ કેટલાકના બાયોડેટા મંગાવ્યા છે. તેમના બ્લોગ ઉપર એવી કેટલીય હસ્તીઓનો આછો પરિચય જોવા મળે છે. મુસાફિર પાલનપુરીને અમારી હોટલ ઉપર ઘણી વાર મળવાનું થાય છે. તેમની પાલનપુરી બોલીમાં લખાએલી ગઝલોની બુક જો મને મળશે તો આપને મોકલાવીશ. સુરેશભાઈની દીકરી ઋચા હાલમાં અમદાવાદ છે, જો મેળ પડશે તો તેની સાથે મોકલીશ જે તમને ત્યાં લોકલ કોરિયરથી મળી જશે.
      સ્નેહાધીન,

      વલીભાઈ

      Like

       
  2. Valibhai Musa

    December 29, 2015 at 5:29 pm

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: