આજે હું આશા અને નિરાશા વચ્ચે ઝોલા ખાતાં આ લેખ લખવાનું જોખમ ઊઠાવીરહ્યો છું. મારી દ્વિધા એ છે કે હું આ લેખના લક્ષને ન્યાય આપી શકીશ કે કેમ કારણકે હું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણથી જોજનો દૂર છું, અર્થાત્ રાજકારણ એ મારો વિષય નથી. મારા ભાઈ સમાન મિત્ર જનાબ જાફરભાઈ (મિ. જેફ), કે જે તાજેતરમાં જ અવસાન પામ્યા છે, તેઓ અમેરિકાના નાગરિક હતા. અમારે ઘણીવાર સાથે બેસવાનું થતું અને તેમણે મને અમેરિકા અને તેની રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય નીતિ વિષે ઘણી માહિતી આપી હતી. મારા આજના બ્લોગનો વિષય રાજનીતિ ઉપરનો નથી, પણ તાજેતરમાં અમેરિકાએ એક મહત્વનું કામ કર્યું છે અને જે પ્રશંસાને પાત્ર છે તેના અંગેનો છે. અમેરિકાના એ સ્તુત્ય પગલાથી હું પ્રભાવિત થયો છું અને તેનાથી મને પ્રેરણા મળી છે કે હું બહુ જ મહત્વની એવી વિચારધારા કે જે હાલની દુનિયાની પ્રવર્તમાન અશાંત પરિસ્થિતિમાં વિશ્વબંધુત્વ અને વિશ્વશાંતિ ભાવના જગાડવા માટે જરૂરી છે તેને સંલગ્ન મારા કેટલાક વિચારો રજૂ કરું.
હું આગળ વધું તે પહેલાં, એક ઠરાવ રજૂ કરવાનું પસંદ કરીશ. આ ઠરાવ યુ. એસ. કોંગ્રેસે ઓક્ટોબર 2, 2007 (આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ)ના રોજ 376 વિ. 0 મતે સર્વાનુમતે પસાર કર્યો હતો, જેમાં મુસ્લીમોના ઉપવાસ (રોજા)ના પવિત્ર માસ રમજાનને માન્યતા આપવામાં આવી હતી તથા અમેરિકા અને વિશ્વભરના મુસ્લીમો પ્રત્યે હાર્દિક સન્માનની લાગણી પેશ કરવામાં આવી હતી. આ ઠરાવ એ પ્રકારનો પહેલો ઠરાવ હતો કે જેમાં અમેરિકામાં મુસ્લીમોના મહત્વને માનસન્માન અને ઓળખના પ્રતિક તરીકે સ્વીકારવામાં આવ્યું હતું. આ ઠરાવનું પાઠ્યવસ્તુ (પઠન) નીચે પ્રમાણે છે:
ઠરાવ
મુસ્લીમોના રોજા (ઉપવાસ) રાખવાના તથા આધ્યાત્મિકતાને તાજી કરવા માટેના તેમના ઈસ્લામિક પવિત્ર માસ રમઝાનને માન્યતા આપવા અને યુ.એસ. તથા વિશ્વભરના મુસ્લીમોને તેમની આસ્થા બદલ બિરદાવવા અંગે.
અમેરિકા ઉપરના સપ્ટેમ્બર 11, 2001ના આતંકવાદી હુમલા પછી કાયદા અને વ્યવસ્થાને માનસન્માન આપનારા આફ્રિકન, આરબ અને દક્ષિણ એશિયન મૂળના ખાસ કરીને ઈસ્લામિક આસ્થાને અનુસરનારા રાષ્ટ્રપ્રેમી અમેરિકનોને ધમકી અને તેમના સામેની હિંસક ઘટનાઓ બની રહી છે તે સંજોગોમાં;
સપ્ટેમ્બર 14, 2001 ના રોજ યુ.એસ.ની આમસભાએ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો હતો કે જેમાં આરબ-અમેરિકન, અમેરિકન મુસ્લીમો અને દક્ષિણ એશિયાના મુસ્લીમો ઉપર આતંકવાદી હુમલાઓના અનુસંધાને લોકોના ધર્માંધતાપૂર્ણ હિંસાચાર આચરવાના દુષ્કૃત્યને વખોડી કાઢવામાં આવ્યું હતું,
વિશેષમાં,. એવો અંદાજ છે કે દુનિયાભરમાં અંદાજે દોઢ અબજ મુસ્લીમો છે;
વળી, રમઝાન એ મુસ્લીમોએ (રોજા) ઉપવાસ રાખવાનો અને તેમની આધ્યાત્મિકતાને તાજી કરવાનો વિશ્વભરના મુસ્લીમો માટેનો પવિત્ર માસ છે કે જે મુસ્લીમ કેલેન્ડરમાં નવમા મહિના તરીકે આવે છે; અને
આમ, મુસ્લીમ પવિત્ર માસ રમઝાનનો પ્રારંભ સપ્ટેમ્બર 13, 2007ના સંધ્યાકાળથી શરૂ થઈ પૂરા એક ચન્દ્ર માસ સુધી ચાલુ રહે છે. આથી ઠરાવવામાં આવે છે કે : –
(1)આ કટોકટીના સમય દરમિયાન એકતાને પ્રદર્શિત કરવા તથા અમેરિકા અને વિશ્વભરના મુસ્લીમ સમુદાયને આધાર (સહાય) પૂરો પાડવા આ પ્રતિનિધિ સભા દુનિયાના મોટા ધર્મો પૈકીના એક તરીકે ઈસ્લામને માન્ય કરે છે; અને
(2)મુસ્લીમોએ રોજાં રાખવા માટેના અને પોતાની આધ્યાત્મિકતાને તાજી કરવા માટેના આ ઈસ્લામિક પવિત્ર માસને અનુલક્ષીને અમેરિકન પ્રતિનિધિગૃહ રમજાનને સ્વીકૃતિ આપવાનું ઠરાવે છે તથા આ મહત્વપૂર્ણ પ્રસંગે અમેરિકા અને દુનિયાભરના મુસ્લીમો પ્રત્યે માનસન્માનની ઊંડી લાગણી પ્રદર્શિત કરે છે.
ખ્રિસ્તીમાંથી મુસ્લીમ બનેલા, હાલમાં અમેરિકન પ્રતિનિધિગૃહના સભ્ય, ધારાશાસ્ત્રી અને અમેરિકન મુસ્લીમોનાં હિતોની જાળવણી માટે રાષ્ટ્રીય ધોરણે સક્રીય એવા મિ. કેથ એલિસને USINFO ને અમેરિકન કોંગ્રેસના ઉપરોક્ત ઠરાવ પાછળના ઉદ્દેશને સમજાવતાં આમ જણાવ્યું હતું: આ ઠરાવમાં પાયાની વાત એ રહેલી છે કે “માત્ર મુસ્લીમજગત જ નહિ, પણ સમગ્ર દુનિયાને એ વાતની પ્રતીતિ થાય કે અમેરિકન કોંગ્રેસ એ એવી એક સંસ્થા કે સ્થળ છે કે જ્યાં વિવિધ ધર્મોને સન્માનવામાં આવે છે, તેમને માન્ય રાખવામાં આવે છે, વિવિધતાઓમાં એકતા જોવામાં આવે છે અને અમેરિકાએ જગત આખાયને આપેલા પોતાના એ વચનને અહીં પાળવામાં આવે છે કે દરેક જણ પોતાની આસ્થા કે શ્રદ્ધા મુજબની પોતાની આધ્યાત્મિકતાને પોતાને ઠીક લાગે તે રીતે, પોતાની જ પરંપરાઓ અને પદ્ધતિઓ અનુસાર પાળી શકે છે.” આગળ વળી તેમણે ઉમેર્યું કે “આપણે ધાર્મિક સહિષ્ણુતા ધરાવનાર અને સર્વે ધર્મોને આપણામાં સમાવિષ્ટ કરી શકનાર એક ઉદારમતવાદી રાષ્ટ્ર છીએ.”
ઉપરોક્ત ઠરાવ ઉપરાંત અમેરિકાનું એક અન્ય હકારાત્મક અને નોંધપાત્ર પ્રશસ્ય પગલું એ છે કે તેની પોસ્ટલ સેવાએ 7મી ઓક્ટોબર 2007 ના રોજ એક જાહેરાત કરી છે કે મુસ્લીમોના તહેવાર ઈદ નિમિત્તેની અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલી પોસ્ટલ ટિકિટોને ફરી છાપવામાં આવશે. પોસ્ટ ખાતાએ આ ટિકિટો ખરીદવા અને તેનો ઉપયોગ કરવા માટેની અમેરિકન નાગરિકોને જાહેર વિનંતી કરી છે. અગાઉ ઈ.સ. 2001માં પણ અમેરિકાએ ઈદ – ઉલ – ફિત્ર (રમજાન ઈદ) અને ઈદ – ઉલ – જોહા (બકરી ઈદ) એમ બંને ઈદના તહેવારોએ પોસ્ટલ ટિકિટો બહાર પાડી હતી.
મારા અગાઉના આર્ટિકલ ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ માં મેં પ્રસાર માધ્યમોને સૂચન કર્યું હતું કે તેઓ આવી હકારાત્મક ઘટનાઓને એવી અગ્રીમતા આપીને લોકોમાં બહોળા પ્રમાણમાં પ્રસારિત કરે કે જેથી લોકોમાં આંતરધર્મીય સમજદારી વિકસે. પરંતુ, મારે દિલગીરીપૂર્વક જણાવવું પડશે કે આ ઐતિહાસિક ઘટનાની જાણ પૌર્વાત્ય દેશોના લોકો સુધી નહિવત્ પ્રમાણમાં પહોંચાડવામાં આવી છે.
મારા મતે અમેરિકા દ્વારા લેવાએલાં ઉપરોક્ત બે હકારાત્મક પગલાંનું ખૂબ જ મહત્વ છે. મુસ્લીમો દુનિયાની બીજા ક્રમે આવતી મોટામાં મોટી વસ્તી છે. જગતના ઘણા આરબ અને મુસ્લીમ દેશો તથા સંખ્યાબંધ વ્યક્તિગત મુસ્લીમોએ સપ્ટેમ્બર 11 ના દુર્ભાગ્યપૂર્ણ હાદસાનો ભોગ બનેલા લોકો પ્રત્યે સહાનુભૂતિ દાખવી હતી અને અમેરિકાને મૂલ્યવાન નૈતિક (Moral) પીઠબળ પણ પૂરું પાડ્યું હતું. મેં 9/11 ને લગતાં કેટલાંક પુસ્તકો ઊથલાવ્યાં છે અને કેટલાક સ્રોતો પણ તપાસ્યા છે અને એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે મુસ્લીમ જગતે વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) ઉપર થએલા નિર્મમ માનવ અધિકારના ઉલ્લંઘન સમા આતંકવાદી હુમલા વખતે તરત જ અને ત્યાર પછી પણ પોતપોતાના કેવા પ્રતિભાવો આપ્યા હતા. તાજેતરમાં જ મેં “The War on Freedom” – (How and Why America was attacked – September 11, 2001) પુસ્તક વાંચી કાઢ્યું છે કે જેના લેખક નફિઝ મોસ્ડેક અહમદ છે અને જેઓ એક નિષ્ણાત (Think Tank) વ્યક્તિ હોવા ઉપરાંત માનવ અધિકાર, ન્યાય અને શાંતિની સ્થાપના માટે સમર્પિત છે. આ હુમલા થકી માનવતાના દુશ્મનો વડે આચરાએલા અક્ષમ્ય ઘોર પાપ વિષેની તલસ્પર્શી માહિતી આપતું અને દસ્તાવેજી પુરાવાઓ સાથે ખૂબ જ મહેનત અને કાળજીથી લખાએલું આ પુસ્તક છે.
ન્યુયોર્કના શેલ્ડન સોલોમન (Sheldon Solomon) નામે મનોવિજ્ઞાનના પ્રોફેસરે એક ઓડિટોરિયમમાં 9/11 ઉપરના એક ચર્ચામંચ ઉપરથી કહ્યું હતું ક્ર,“જગતમાં શત્રુભાવ વ્યાપ્ત છે અને તેનું કારણ એ છે કે લોકો વિવિધ મંતવ્યોને સ્વીકારવા અશક્તિમાન હોય છે,” તેમણે આગળ કહ્યું હતું કે “મેં સપ્ટેમ્બર 11, 2001ના રોજ જ્યારે WTC ઉપર હૂમલો થયો ત્યારે થોડાક જ દિવસોમાં ખરાબમાંની ખરાબ અને સારામાં સારી એમ વિરોધાભાસી બે પ્રકારની માનવ વર્તણુંકો જોઈ. સારામાં સારી બાબત એ કે આ પ્રસંગે લોકોએ બીજાઓને મદદ કરવામાં પોતાના મતભેદોને કોરાણે મૂકી દીધા હતા. ખરાબમાંની ખરાબ બાબત એ કે આ ઘટના સ્વયં ખરાબ હતી.” તેમણે આગળ ઉમેર્યું હતું કે “દેશો પોતાની સમસ્યાઓને ઉકેલવા માટે માત્ર લશ્કરી બળ કે આર્થિક નિયંત્રણોથી સફળતા મેળવી શકશે નહિ પણ તેમણે મનોવૈજ્ઞાનિક ઉપાયોનો પણ સહારો લેવો પડશે” તેમણે એ પણ કહ્યું, ”કલ્પના કરો કે ન્યુયોર્કવાસીઓ સપ્ટેમ્બર 11 ની ઘટના પછી જે રીતે વર્ત્યા તે રીતે આપણે દુનિયાના લોકો આપણા રોજિંદા જીવનમાં દરરોજ વર્તીએ તો આ જગત કેટલું બધું શ્રેષ્ઠ બની શકે!” .
સમાજમાંના સજ્જનો દુનિયાના કોઈ પણ ખૂણેથી યુદ્ધો સહિતના સામુહિક હત્યાઓ કે નિર્દોષો ઉપરના હુમલાઓના સમાચારોથી વ્યથિત થઈ જતા હોય છે. ખાસ કરીને તેઓ યુદ્ધો વિષેની એ ફિલસુફીને સમજતા હોય છે કે, ‘કોઈપણ યુદ્ધ કદીય નક્કી કરી શકતું નથી હોતું કે કોણ સાચું છે, પણ હા, એટલું જરૂર જાણવા મળે કે માર્યા જવામાંથી કોણ અને કેટલા બચી ગયા!’ આતંકવાદ ઉપરાંત સામૂહિક હત્યાકાંડના ધિક્કારમાંથી જન્મેલા વંશીય હુમલાઓ અને કહેવાતી માનવવંશી સાફસૂફી દ્વારા બોલાવાતો ખાતમો પણ સામુહિક હિંસામાં આવી શકે. જગતના તમામ ધર્મો અને તેમના સાચા અનુયાયીઓની દૃષ્ટિએ આ બધા હિંસાના પ્રકારો અધમ કૃત્યો છે. દરમિયાન હું મારા લેખના શીર્ષકને યોગ્ય ઠેરવવાનો એ રીતે પ્રયત્ન કરીશ કે તેનો ગર્ભિત અર્થ શેલ્ડન સોલોમનના જગતમાંના જુદાજુદા પ્રકારની સામુહિક હિંસાઓને મનોવૈજ્ઞાનિક માર્ગે અને ઉપાયે અટકાવવા તથા ઉકેલવાના વિચારો સાથે સંપૂર્ણતયા બંધબેસતો આવે છે. આવા હકારાત્મક માર્ગે પેલા સજ્જનોનાં દિલોને જીતી શકાય અને અંતિમવાદી વિચારધારાઓ ધરાવતા માણસોનાં જૂથોનાં દિમાગોને દિશાંતર આપવા માટે એવા ભલા માણસોનો સહકાર મેળવી શકાય.
હવે હું મારા મૂળભુત વિષયે આવું છું એ કડી સાથે કે આજસુધીના ઈતિહાસના કરૂણાજનક બનેલા બનાવો પૈકીનો એક એવો આ દુ:ખદ બનાવ બન્યા પછી મુસ્લીમોનો પ્રતિભાવ કેવો રહ્યો હતો. હવે અહીંથી નીચે ઘટના પરત્વેના પ્રતિભાવાત્મક અહેવાલો તમને વાંચવા મળશે. અમેરિકન – ઈસ્લામિક સંબંધોને લગતી કાઉન્સિલના સદસ્ય કોરી સેયલર (Corey Saylor) ના અહેવાલ મુજબ જે દુ:ખદ ઘટના બની ત્યારે અમિરિકન મુસ્લીમોના પ્રતિભાવ કલ્પનાતીત હકારાત્મક હતા.
મારા આ લેખના પ્રથમ તબક્કામાં 9/11 ની દુ:ખદ ઘટના ટાણે અમેરિકન મુસ્લીમોએ આપેલા પ્રતિભાવોના કેટલાક દાખલા રજૂ કરીશ. સર્વ પ્રથમ, ચાલો આપણે ધાર્મિક અંતિમવાદની વિરુદ્ધના એક ફતવા (ધાર્મિક હૂકમ) ઉપર નજર નાખીએ કે જે નોર્થ અમેરિકન ફિકહ કાઉન્સિલ દ્વારા કુરઆન અને સુન્નતના પ્રકાશમાં જારી કરવામાં આવ્યો હતો. આ ફતવામાં સ્પષ્ટ અને ભારપૂર્વકનો આદેશ આપવામાં આવ્યો હતો કે (1) ઈસ્લામમાં આતંકવાદનાં નાગરિકોને લક્ષ બનાવતાં તમામ કૃત્યો હરામ (મનાઈ ફરમાવવામાં આવેલ) છે. (2) હિંસા કે આતંકવાદમાં સંડોવાએલ કોઈ જૂથ કે કોઈ વ્યક્તિઓ સાથે જોડાવું કે સહકાર આપવો તે મુસ્લીમો માટે હરામ છે. (3) બધા જ નાગરિકોની જિંદગીઓ બચાવવા માટે કાયદો અને વ્યવસ્થા જાળવતા સત્તામંડળ અર્થાત્ વહીવટીતંત્રને સહકાર આપવાની પ્રત્યેક મુસ્લીમની ફરજ છે.
સંક્ષિપ્તમાં બીજું એક વધુ ઉદાહરણ એ છે કે “15 અમેરિકન મુસ્લીમ ઓરગેનાઈઝેશન્સ” દ્વારા તેમના સંયુક્ત નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે, “અમે સપ્ટેમ્બર 11, 2001 ના રોજ કરવામાં આવેલા ઘોર અપરાધને સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને છ હજાર જેટલા નિર્દોષ નાગરિકોના મૃત્યુથી વિષાદમાં ઘેરાએલા અમારા સાથી અમેરિકનોના દુ:ખમાં સહભાગી થઈએ છીએ.”
હવે મારા બીજા તબક્કામાં હું દુનિયાના કેટલાક મુસ્લીમ દેશો અને વ્યક્તિગત મુસ્લીમોના કેટલાક વધુ પ્રતિભાવો આપીશ, સામાન્ય અને ખાસ એવા કેટલાક પ્રતિભાવોના સારરૂપ સંક્ષેપો નીચે પ્રમાણે છે.
“ઈસ્લામ અને માનવતા વિરોધી એવાં એ દુષ્કૃત્યોને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. નિર્દોષો ઉપરના બધા જ પ્રકારના હૂમલાઓ અને જુલ્મો વિષે કુરઆની આયતોમાં સાફ શબ્દોમાં નિંદા કરવામાં આવી છે, જેમ કે ‘પોતાના બોજને ઊંચકનારો અન્યોના બોજને ઊંચકી શકે નહિ.’ નિર્દોષ લોકો ઉપર હૂમલા કરવા એ બહાદુરીનું કામ નથી. ઈસ્લામ ધર્મમાં પ્રબોધાએલ માનવીય મૂલ્યોને સમજીને જીવનારો કોઈપણ મુસ્લીમ આવો અપરાધ કદીય કરી શકે નહિ.
“તેઓને તટસ્થ કાયદાની અદાલતો સામે ઊભા કરી દેવા જોઈએ અને તેમને કડકમાંની કડક સજા કરવી જોઈએ. મુસ્લીમોની ફરજ છે કે એવા અપરાધીઓ સામે કરવામાં આવતી કાર્યવાહીમાં પોતાનાથી શક્ય એવી તમામ રીતે મદદરૂપ થાય.”
મધ્ય પૂર્વમાંના કોઈક દેશે તો ખુલ્લા શબ્દોમાં પોતાનો કડક પ્રતિભાવ આ શબ્દોમાં આપ્યો હતો, “તેવાઓને અને એ લોકો પણ કે જેઓ તેમના ટેકેદાર અને મદદગાર છે અને તેમનાં માનવતા વિરોધી કૃત્યોમાં ઉશ્કેરણી, નાણાંકીય સહાય અને અન્ય મદદો પૂરાં પાડે છે તે તમામની ધરપકડ થવી જોઈએ.”
આરબ દેશોના સંગઠને કહ્યું હતું કે, “કોઈપણ ધર્મ કે માન્યતા ધરાવનાર એવો કોઈપણ માણસ આવો હિચકારો અને હિંસક હૂમલો કરવાનું વિચારી પણ શકે નહિ. આવું દુષ્કૃત્ય કરવા પાછળનો હેતુ ગમે તે હોય, તો પણ આ કાર્યને કદીય ન્યાયી ઠેરવી શકાય નહિ કે તેને સહન પણ કરી શકાય નહિ.
એક વિશેષ નિવેદન એવું પણ જાણવામાં આવ્યું કે “ઈસ્લામ કોઈપણ પ્રકારના આતંકવાદને કદીય પ્રોત્સાહન આપતો નથી, ઊલટાનો તેમની આકરા શબ્દોમાં નિંદા કરે છે. જે લોકો ઈસ્લામના નામે આતંકવાદ આચરે છે તેવાઓને હકીકતમાં અજ્ઞાની અને તિરસ્કૃત ટોળામાંના ગણી લેવા ઘટે.”
ટોચના ઈસ્લામિક કાનૂન-નિષ્ણાત આયતોલ્લાહ અલી ખૌમેનીએ ઈસ્લામિક પ્રજાસત્તાક ન્યુઝ એજન્સીને તેમણે દૂરના ભૂતકાળ અને વર્તમાન ઐતિહાસિક સામુહિક નરસંહાર અંગે કડક શબ્દોમાં તીખી આલોચના કરતું પોતાનું નિવેદન આપ્યું હતું. તેમના વક્તવ્યના શબ્દો એ રીતે સમજાવતાં સ્વયં સ્પષ્ટ હતા કે કેટલાક દેશોએ એવી રાજકીય ભૂલો કરી હતી કે જેમાં વિવાદોને ઉકેલવા માટે અન્ય વૈકલ્પિક ઉપાયોના બદલે યુદ્ધનો માર્ગ પસંદ કર્યો હતો. જો આમ ન થયું હોત તો લાખો માનવ જિંદગીઓ બચાવી શકાઈ હોત! તેમણે આગળ જણાવ્યું હતું કે, ”કોઈપણ જગ્યાએ ગમે તે પ્રકારનાં શસ્ત્રો જેવાં કે એટમ બોમ્બ, લાંબા અંતરનાં પ્રક્ષેપાસ્ત્ર (Missiles), જિવાણું કે રાસાયણિક હથિયારો, મુસાફર કે માલવાહક વિમાનો દ્વારા કોઈ સંગઠનો, દેશો કે વ્યક્તિઓ દ્વારા કોઈ માણસોને મારી નાખવાના ઉપયોગમાં લેવાય તો તે વખોડવા પાત્ર કૃત્ય છે. આવો સામુહિક માનવસંહાર હિરોશીમા, નાગાસાકી, કોઆના, સાબ્રા, શાટિલા, દેર યાસીન, બોસ્નીઆ, કોવોસો, ઈરાક, ન્યુયોર્ક કે પછી વોશિંગ્ટન ગમે તે જગ્યાએ હોય પણ તે ધિક્કારને પાત્ર છે.”
હવે હું જ્યારે લેખસમાપ્તિની નજીકમાં છું, ત્યારે એ કહેતાં હું હળવાશ અનુભવું છું કે આ લેખના પાઠ્યકથનની રજૂઆતથી હું સંતુષ્ટ છું. મેં આપ સૌ વાંચકો સમક્ષ બે હકારાત્મક પ્રતિભાવો રજૂ કર્યા છે: એક, અમેરિકાસ્થિત મુસ્લીમો તરફના; અને અન્ય, મુસ્લીમ જગત તરફના. હવે એ નિર્ણય આપ સૌ ઉપર છોડું છું કે દુનિયામાં શાંતિની સ્થાપના માટેના મેં રજૂ કરેલા મારા વિચારો સાથે આપે સંમત થવું કે નહિ.
છેલ્લે, હું ઝેકોસ્લોવેકિઅન એક કહેવત રજૂ કરીશ જે આ પ્રમાણે છે: “મુસીબતો હંમેશાં એ જ દરવાજેથી દાખલ થતી હોય છે, જે દરવાજો તેમને પ્રવેશવા માટે આપણે ખુલ્લો રાખ્યો હોય!” આ કહેવત વ્યક્તિઓ કરતાં દુનિયાના દેશોને એટલી જ વધારે લાગુ પડે છે. હવે, દુનિયામાં શાંતિ અને વ્યવસ્થા જાળવી રાખવા માટે બધા જ દેશોએ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કેવી વ્યુહરચનાઓ અને નીતિઓ વિચારી કાઢી છે તેનો ક્યાસ કાઢવાનો આ યોગ્ય સમય છે. દેશોદેશો વચ્ચેના, વિવિધ ધર્મો વચ્ચેના અને વ્યક્તિઓ વ્યક્તિઓ વચ્ચેના કોઈપણ પ્રશ્નોના ઉકેલ અન્ય પક્ષનાં દિલ જીતીને અને તેમનાં દિમાગોને જોડીને જ લાવી શકાય.. ભલે ને પછી એવાં વિઘાતક કે વિરોધી પરિબળો ગમે તેટલાં મોટાં કેમ ન હોય, પ્રજાઓ અને શાસકો દ્વારા જગતના કલ્યાણ માટેના તેમના પ્રયત્નો જો પ્રમાણિક હશે તો તે અવશ્ય વૃદ્ધિ પામશે અને સફળતાનાં મીઠાં ફળ ધારણ કર્યા સિવાય રહેશે નહિ.
આપણે ઈશ્વરને પ્રાર્થીએ કે સમગ્ર માનવજાત માટે જે ઉત્તમ હોય તે સિદ્ધ કરવા માટે તે આપણને શક્તિમાન બનાવે.
સહૃદયતાસહ,
-વલીભાઈ મુસા
(લેખક અને અનુવાદક)
Translated from the English version titled as “Winning hearts and bridging minds” published on 15-10-2007
2 responses to “(307) મુસ્લીમોનાં દિલોને જીતવાનું અને તેમનાં દિમાગોને જોડવાનું અમેરિકાનું સ્તુત્ય પગલું”