RSS

(૩૧૬) પંચમ શુક્લ રચિત ‘ખેચરી’ ઉપરનો મારો પ્રતિભાવ

04 Mar
(૩૧૬) પંચમ શુક્લ રચિત ‘ખેચરી’ ઉપરનો મારો પ્રતિભાવ

ખેચરી

લિસોટાઈ જતું તાણ ને તણાવ ખેંચતું,
મંથર ગતિએ આભને વિમાન ખેંચતું.

સ્થિર થઈ ગઈ છે નજર બસની રાહમાં,
સૂમસામ આ સડકનું મન વિચાર ખેંચતું.

છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ,
આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું.

ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક,
ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું.

ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર,
મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું !

– પંચમ શુક્લ

બ્લોગ – પંચમ શુક્લ (પ્રત્યાયન)

અગાઉ માન્યવર મહોદય શ્રી જુગલકિશોરજીએ પંચમજીની એક રચના “જાત જરા ઢંઢોળો જદુપતિ” ના પ્રતિભાવમાં એક કાળે બ. ક. ઠાકોરનાં કાવ્યો (સોનેટ) વિષે જેમ કહેવાતું હતું તેવા જ શબ્દોમાં લખ્યું છે કે “તમારાં અને હિમાંશુભાઈનાં કાવ્યોમાં કેટલુંક એવું હોય છે, જેને નારિકેલપાકની માફક પામતાં પહેલાં કષ્ટ લેવું પડે.”

પ્રજ્ઞાબેને આ રચના ઉપર હઠયોગની એક મુદ્રા ખચેરી કે ખેચરીને અનુલક્ષીને પોતાનો વિદ્વતાપૂર્ણ અને માહિતીપ્રચુર પ્રતિભાવ આપ્યો છે.

અહીં હું પણ નિખાલસભાવે કહું તો વિવેચક (બબૂચક!)નો વહેમ લઈને ફરતો એવો હું બુઠ્ઠા દાતરડા કે છરી વડે કદાચ હાથે લોહી પણ કાઢી બેસવાના જોખમ સાથે ‘ખેચરી’ રૂપી નાળિયેરને છોલીને અંદરની કઠોર કાચલીને ગૃહઉંબરે અફાળીને પોચા ખોપરાના આવરણનીય ભીતરમાંના મધુર પાક (પાણી)ને પાત્રમાં પામવા અને સમભાવીઓને પાન કરાવવાનો યથામતિએ પ્રયત્ન કરું છું.

‘ખેચરી’ શીર્ષક (નારિયેળની ચોટી!)થી આપણી મથામણ શરૂ કરીએ તો મારા નમ્ર મતે ‘ખેચરી’ શબ્દ ‘ખ=આકાશ’ સાથે સંબંધિત છે. વિધાતાએ સર્જેલા સઘળા જીવોને ‘ખેચર’, ‘ભૂચર’ અને ‘જળચર’ એમ ત્રણ પ્રકારે વિભાજિત કરી શકાય. કવિના મતે કંઈક જુદી જ વાત હોઈ શકે, કેમ કે આ રચનામાં ‘જળ’નો ઉલ્લેખ નથી અને અન્ય જે બેનો સમાવેશ થાય છે તે છે આભ અને સડક.

ફરી પાછા ‘ખેચરી’ શબ્દમાંથી અર્થ ખેંચવાનો અને વૈયાકરણીય પદચ્છેદ કરવાનો મિથ્યા પ્રયત્ન કરીએ તો આપણને ‘આકાશમાં વિહરનાર’ એવો અર્થ અને પદપ્રકાર તરીકે ‘વિશેષણ’ એમ જાણવા મળશે. ‘ખેચરી’ વિશેષણના વિશેષ્ય તરીકે જડ કે ચેતન પદાર્થો આવી શકે જેમાં અનુક્રમે વિમાન, પતંગ કે ગ્રહો અને વિહંગ હોઈ શકે.

હવે ‘ખ’ અર્થાત્ આકાશના બંધારણને સમજવાની કોશિશ કરીએ તો તે વાયુઓનું આભાસી આવરણ માત્ર છે. આકાશને આંબવા કે પકડવા આપણે જેમે જેમ ઊંચે ચઢતા જઈએ તેમ તેમ ઝાંઝવાના જળની જેમ દૂર અને દૂર હડસેલાતું જ જવાનું. આમ આકાશ એ વાસ્તવિકતા ન હોતાં માત્ર ભ્રમ છે અને તેથી તેને ભાવાત્મક (સ્થુળ તો નહિ જ) જ ગણી શકાય.

આટલે સુધીના કોઈક વાંચકોના મતે કંટાળજનક એવા પ્રારંભિક પિષ્ટપેષણ પછી ગઝલના માથે(શીર્ષક)થી ખભે અને એમ નીચે ઊતરવા માંડીએ. મારું માનવું છે કે ગઝલના આનંદને માણવાની ખરી શરૂઆત હવે થઈ ગણાશે. ‘ખ’ ભ્રમ છે, બસ તેમ જ આકાશમાં ઊડતા વિમાનને જોઈને કવિ એવો ભ્રમ (આભાસ) સેવે છે જાણે કે તે (વિમાન) મંથર ગતિએ આકાશને ખેંચી રહ્યું છે. કવિની કેવી ભવ્ય કલ્પના! મંથર (ધીમી) ગતિની કલ્પના એ અર્થમાં બંધબેસતી છે કે જમીન ઉપર રહ્યે રહ્યે વિમાન તો ધીમે ધીમે જ ખસતું લાગે, પછી ભલેને તેની ખરેખરી ગતિ કલાકના પાંચસો-સાતસો માઈલની હોય!

‘ખ’ની ભ્રામિકતા પછી તો આકાશેથી ઊતરીને નીચે રસ્તા ઉપર આવી જાય છે અને બસની પ્રતિક્ષામાં કવિની નજર  સ્થિર થઈ જાય છે. સૂમસામ એવી સડકના મનને સમજવા કવિનો વિચાર તેને જાણે કે પોતાના ભણી ખેંચે છે. આ કડીમાં પણ કવિને અકળ એવા કોઈક આભાસની અનુભૂતિ થાય છે.

ગઝલ આગળ વધતી વધતી આ કડીએ આવે છે, “છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદૂઓ” અને આનો અર્થ ગ્રહણ કરવામાં વાચકની ખરી કસોટી લેવાઈ જાય છે. નેક ટાઈનો ઉપરનો ભાગ જે સામે દેખા દે છે તેને છાતી સમજતાં એ જ ટાઈના પાછળના ભાગને પીઠ સમજવો પડે. કેવી મનને પ્રફુલ્લિત કરી દે તેવી કવિકલ્પના અને વળી એટલું જ નહિ ‘ટાઈની પીઠ પર જામેલાં પ્રસ્વેદ બિંદુઓ’!ની વાત છોગામાં!!! કોઈ અકવિને તો ‘અહો, વૈચિત્ર્યમ્!’ જ લાગે! પણ ભાઈ, આ તો બ્રહ્માના ખટરસથી પણ દોઢી ચઢિયાતી એવી સાહિત્યના નવ રસવાળી કવિઓની દુનિયા છે! આઈફોનના માધ્યમે સામેના છેડેથી અદૃશ્ય એવી કોઈ વ્યક્તિ કવિના કાન ખેંચે છે, જે થકી બદનમાંથી વછૂટતો પરસેવો બદનના આંતરવસ્ત્ર અને પહેરણને ભેદીને ટાઈના નીચલા સ્તર (પીઠ) પર દેખાઈ આવે છે.

પ્રસ્વેદ બિંદુઓના અપવાદને બાદ કરતાં વળી ગઝલની આગામી કડીમાં ‘મોજાંઓની જેમ ચિત્તમાં ચોંટી ગએલું કશુંક’ ફરીવાર ભાવાત્મક કે ભ્રામક રૂપે આપણી સામે આવે છે જેમાં પેલા ‘ખ’ને અનુમોદન આપતી એ જ એ વાત છે. જેમ મોજાં (Stocking) પગ સાથે ચીપકેલાં રહે તેમ પેલું ચિત્તને ચીપકેલું પેલું ‘કશુંક’ એવી રીતે ઊખડવા મથે છે, જાણે કે રૂંવેરૂવાં ખેંચાઈ રહ્યાં હોય!

ગઝલની આખરી કડી વર્ષો પહેલાં મેં જોએલા એક અંગ્રેજી ચલચિત્ર ‘Sky above and mud below’ ની યાદ અપાવી જાય છે. ગઝલના પ્રારંભે આકાશની સફર કરાવનાર ગઝલકાર આપણને ફૂટપાથ ઉપર લાવી દે છે અને તિરાડમાં ઊગેલા ડેઈઝી ફૂલ અને તેમાંથી મધ ખેંચતી એવી મધમાખીનાં દર્શન કરાવે છે. વળી પાછી અહીં કવિ અકળ (અદૃશ્ય) એવી મીઠાશની એવી વાત કરે છે કે જે પેલા ‘ખ’ ના આભાસી અસ્તિત્વને વધુ એક પણ છેલ્લીવાર સાર્થક કરે છે.

આ વિવેચનલેખના અંતે પેલા ‘નારિકેલપાક’ ને ફરી વિસ્મરતાં અને મારી મર્યાદાઓને સુપેરે સમજતાં ખુલ્લા દિલે મને કહેવા દો કે મેં પ્રથમ નજરે રૂક્ષ દેખાતા એવા ‘ખેચરી’ નામધારી ગઝલરૂપી નાળિયેરને છોલવાનો અને તેના ગર્ભમાંના મિષ્ટ એવા પાણીને આ કોમેન્ટ બોક્ષરૂપી પ્યાલામાં ભરવાનો પ્રયત્ન કર્યો છે. જટિલ, સંદિગ્ધ અને ગહન વિચારને સમાવતી કોઈપણ કાવ્યરચનાને સમજવામાં દરેક વાંચકને પેલી ‘અંધજનો અને હાથી’વાળી વાત જેવું થવા સંભવ છે. આ ગઝલને હું જે રીતે સમજ્યો છું તે રીતે આ ગઝલ અને તેના પ્રતિભાવોના વાચકોને તે સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે.

‘ઠુકરા દો યા પ્યાર કરો’ ઉક્તિની જેમ ભાઈશ્રી પંચમ શુક્લજી અને વાંચકો આઝાદ છે, મારા વિવેચનને ઉપરોક્ત વૈકલ્પિક જે તે અંજામ આપવા સારુ.

ધન્યવાદ.

-વલીભાઈ મુસા

Proposed ebook “મારી નજરે”

 
6 Comments

Posted by on March 4, 2012 in લેખ

 

Tags: , , ,

6 responses to “(૩૧૬) પંચમ શુક્લ રચિત ‘ખેચરી’ ઉપરનો મારો પ્રતિભાવ

  1. Valibhai Musa

    March 4, 2012 at 1:30 am

    પંચમ શુક્લ (પ્રત્યાયન) ઉપરનો પંચમભાઈનો પ્રતિભાવ

    Dear Valibhai

    How can I thank you? It seems you have remotely touched my subconscious in this case. You have almost reached to the state of my mind when this poem flushed in.

    I salute to you and your way of peeling the poem for others. Even I could not have presented myself better than this in explaining.

    regards,
    Pancham

    Like

     
  2. Valibhai Musa

    March 4, 2012 at 1:41 am

    પંચમભાઈનો મેઈલ દ્વારા પ્રતિભવ

    Dear Valibhai

    How can I thank you? It seems you have reached my subconscious. You have almost reached to my state of mind when I was was on a bus stand waiting for bus gazing in the sky amidst tight work pressure and deadline.

    I salute to you and your way of reading/enjoying poetry for this interpretation.

    regards,
    Pancham

    Like

     
  3. Valibhai Musa

    March 5, 2012 at 7:51 am

    મુનિરાની મેઈલ દ્વારા મળેલ પ્રતિભાવ

    વલીકાકા,
    સલામ;
    “ખેચરી” ઉપરનો આપનો પ્રતિભાવ વાંચ્યો. થોડીવાર શુન્ય મને બેસી રહેવાયું! બે જ વાતો કહી શકું…એક તો એ કે ખૂબ ઊંચી અપેક્ષા રાખી આપે મારી પાસેથી!!! એક તો પંચમ અંકલનું ગહન સર્જન, ઉપરથી આપનું આવું ચિંતન; એમાં ઉન્નતિ કરવાનું ગૃહકાર્ય આપવા મને યાદ કરી!!! પ્રયત્ન જરૂર કરીશ કે જીવનમાં કદી તો ખરી ઊતરું આપની આશા પર.
    બીજું એ કે, ભણી તો હું વિજ્ઞાન, પણ જીવ હમેશા ભાષાઓમાં રહ્યો, આ પળે એવું લાગે છે, કે શાળા સમયમાં જેટલા વરસ પણ ભાષાનું ફરજિયાત શિક્ષણ લીધું એમાં આપ મારા શિક્ષક રહ્યા હોત તો!!!
    અતિશયોક્તિ લાગે તો માફ કરજો પણ જયારે જયારે કોઈ કાવ્ય ઉપર આપનું exposition વાંચું છું ત્યારે એવું ભાસે છે જાણે literature નો એક class ભરું છું!!!
    મુનિરા

    Like

     
  4. pragnaju

    March 7, 2012 at 10:37 am

    ખેચરી અંગે સંતોના અભિપ્રાય
    ખેચરી મુદ્રા
    પ્રશ્ન : ખેચરી મુદ્રા વિશે આપનો શો અભિપ્રાય છે ?
    ઉત્તર : યોગના ગ્રંથોમાં અને એમાંય ખાસ કરીને હઠયોગના ગ્રંથોમાં જુદી જુદી મુદ્રાઓના વર્ણનો વાંચવા મળે છે. એમાં ખેચરી મુદ્રાનું વર્ણન પણ મળે છે. એ મુદ્રા બીજી મુદ્રાઓ કરતાં પ્રમાણમાં કઠિન છે. એટલે એનો આધાર ના લેવામાં આવે તો કશું ખોટું નથી.

    પ્રશ્ન : ખેચરી મુદ્રા એટલે શું ?
    ઉત્તર : ખમ નો અર્થ આકાશ થાય છે. ચર નો અર્થ ચાલવું અથવા વિહાર કરવો એવો થાય છે. આકાશ પોતાની અંદર અને બહાર એમ બંને સ્થળે હોય છે. એ મુદ્રાનો લાભ લઈને યોગી આકાશગમન કરી શકે છે. માટે એને ખેચરી મુદ્રાનું નામ આપવામાં આવ્યું.

    પ્રશ્ન : ખેચરી મુદ્રાથી આકાશગમન સિવાયની બીજી કોઈ સિદ્ધિઓ સાંપડે છે ?
    ઉત્તર : ખેચરી મુદ્રાના અભ્યાસથી યોગી જેમ આકાશગમન કરી શકે છે તેમ ભૂત તથા ભવિષ્યના જ્ઞાનની પ્રાપ્તિ, દૂરદર્શન, દૂરશ્રવણ જેવી કેટલીક બીજી સિદ્ધિઓને પણ પામી શકે છે. એ ઉપરાંત નિર્વિકલ્પ સમાધિને મેળવી શકે છે. યોગીને માટે યોગસાધનાની મદદથી મળનારો મોટામાં મોટો લાભ એ જ છે.

    પ્રશ્ન : ખેચરી મુદ્રા કેવી રીતે કરવામાં આવે છે ?
    ઉત્તર : ખેચરી મુદ્રાના અભ્યાસ દરમ્યાન સૌથી પ્રથમ તો જીભને લાંબી કરવી પડે છે, અને એને માટે ઘર્ષણ, દોહન, જેવાં સાધનોનો સહારો લેવો પડે છે. જીભ જ્યારે લાંબી થાય ત્યારે તેને મુખની અંદર ઉલટાવીને તાલુપ્રદેશમાં લગાડવામાં આવે છે. એવી રીતે લગાડવાથી મન સ્થિર થાય છે ને દેહભાન ભૂલી જવાય છે. એટલે કે સમાધિ દશામાં પ્રવેશ સરળ બને છે. જીભ ટૂંકી હોય તો લાંબી કરતાં ઘણો વધારે વખત લાગતો હોય છે, અને એ બધો પ્રયત્ન ખૂબ જ કષ્ટપ્રદ હોય છે. એટલા માટે સામાન્ય સાધકોએ એ મુદ્રાનો આશ્રય લેવાની આવશ્યકતા નથી લાગતી. મનની સ્થિરતા, શાંતિ અને સમાધિ અવસ્થાની અનુભૂતિ કેવળ નામ, જપ અને ધ્યાન જેવા નિર્દોષ અને ઓછા કષ્ટપ્રદ સાધનોથી પણ થઈ શકે છે, માટે એ સાધનોનો આધાર લેવો જોઈએ.

    પ્રશ્ન : જેની જીભ લાંબી હોય છે તેમણે યોગમાર્ગમાં આગળ વધવા શું કરવું જોઈએ ?
    ઉત્તર : લાંબી જીભવાળા સાધકે પોતાની ઉપર ઈશ્વરની કૃપા છે એવું સમજીને નિયમિત રીતે ધ્યાનમાં બેસવું જોઈએ, અને તે દરમ્યાન જીભની મદદથી સમાધિ અવસ્થામાં પ્રવેશવાનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. એવા સાધકે બીજી બાહ્ય પ્રવૃતિઓમાંથી મનને પાછું વાળીને ધ્યાનમાં વધારેમાં વધારે વખત સુધી નિયમિત રીતે બેસવાની ટેવ પાડવી જોઈએ. એમ કરવાથી એવા સાધકની પ્રગતિ સહેલાઈથી અને સંગીન રીતે થઈ શકે છે.

    Like

     
  5. Pramath

    March 8, 2012 at 12:50 am

    પંચમ શુક્લના મૂળ બ્લોગ ઉપરની તેમની આ ગઝલ ઉપરનો “Pramath” જીનો પ્રતિભાવ : –

    વલીકાકા,
    નાળિયેરની કાચલી તમે તોડી તો હું સંચોડો કોપરાપાક જ બનાવી આપું! આમેય વિશ્વકર્માનો દિકરો છું ને!
    મારું હથોડાછાપ વાંચન આ રચનાને પ્રમાણે સમજે છે:

    લાગે છે પંચમભાઈ કોઈ બસસ્ટૅન્ડ પર સવારના સમયે ઊભા હતા અને એમને આ ગઝલ સૂઝી આવી.

    લિસોટાઈ જતું તાણ ને તણાવ ખેંચતું,
    મંથર ગતિએ આભને વિમાન ખેંચતું.

    પંચમભાઈ ભૌતિકવિજ્ઞાનનાં રૂપકોને કવિતામાં પ્રયોજવાના અભ્યાસુ છે. જો બર્નુલીના તરલગતિશાસ્ત્રના સમીકરણની કલાત્મક અભિવ્યક્તિ! સાથે ’આભને વિમાન ખેંચતું’ તે ન્યૂટોનિયન રેફ઼રન્સ ફ઼્રે‍ઇમનો અભ્યાસ દર્શાવે છે.

    પંચમભાઈ જો કવિ ન હોત તો ચિત્રકાર હોત – અને લૅન્ડસ્કેઇપના ચિત્રકાર હોત એવું મારું માનવું છે. એ પેનના એક જ લસરકાથી (કે કીબોર્ડની થોડી જ કી દબાવીને) પરિસ્થિતિ વર્ણન કરવામાં પાવરધા છે.

    સ્થિર થઈ ગઈ છે નજર બસની રાહમાં,
    સૂમસામ આ સડકનું મન વિચાર ખેંચતું.

    સડકને મન હોય તો ક્યાં હોય? જેમ મનમાં વિચારો ભમે છે તેમ સડક પર વાહનો ભમે છે. કોઈ ન આવેલી બસ માટે યાત્રી વિચારો કરે છે કે રસ્તાનું મન?

    છે ટાઈનીય પીઠ પર પ્રસ્વેદ બિંદુઓ,
    આઈફોનથી વિદેહી કોઈ કાન ખેંચતું.

    કેટલીય વાર કોઈ આપણો કાન ખેંચે અને આપણે પરસેવે રેબઝેબ થઈ જઇએ. જીવનની આધુનિકતાને કારણે હવે વિદેહે (ફ઼ોનદેહે) પણ કોઈ કાન ખેંચીને આપણને રેબઝેબ કરી શકે છે. કવિએ ’ટાઈની પીઠ પર’ અને ’આઇફ઼ોન’ શબ્દો વાપરીને આધુનિકતા, છતાં પરસ્પર અવલંબન, પર વેધક દૃષ્ટિ કરી છે.

    ચોંટી ગયું છે ચિત્તમાં સ્ટોકિંગ શું કશુંક,
    ઊખડ્યા કરે એ રોમરોમ અપાર ખેંચતું.

    સ્ટોકિંગ – અંતરંગ વસ્ત્ર છે. ઉતારતાં ખેંચાતા રોમ – અનેક, ઝીણા રોમ સુધી કવિનું પહોંચતું ધ્યાન જ પહેલાં તો અહોભાવને પાત્ર છે. ’ચિત્ત’ શબ્દ સમજવા જેવો છે. ચિત્ત તે સંસ્કારો્ની, ટેવોની, મૂલ્યોની સાથે કામ કરતા અંતઃકરણનું નામ છે. રોમની જેમ શરીરને ચોંટેલા સંસ્કારો, ટેવો, મૂલ્યો બદલાય ત્યારે ચિત્તને ક્ષુબ્ધતા લાગે છે. સ્ટોકિંગની જેમ કશુંક અંતરંગ પહેરેલી પરિસ્થિતિ ઉખડે તે આવા રોમને અપાર ખેંચતું જ ઊખડે.

    સમજવા જેવી વાત છે કે અહીં કવિએ ’ચિત્ત’ની જગ્યાએ ’મન’ શબ્દ વાપર્યો હોત તો એ લાગણીઓ અને તરંગોની વાત થઈ જાત. તો સ્ટોકિંગ દ્વારા ખેંચાતા રોમની ઉપમા ન ફળત.

    આવી પંક્તિઓ કવિના કવિત્વનો પરિચય છે.

    ફૂટપાથની તિરાડમાં ડેઈઝીના ફૂલ પર,
    મધમાખીનું ભ્રમણ અકળ મીઠાશ ખેંચતું !

    ફ઼ૂટપાથની તિરાડમાં, જગતની દોડાદોડીની વચ્ચે, ખિલેલા ડેઇઝીના ફૂલમાં મીઠાશ તો ખરી. તેના પર મધમાખીનું ભ્રમણ એથી પણ મીઠું. કવિ ’અકળ મીઠાશ’ શબ્દો વાપરીને આવા સંયોગોમાં મીઠાશના મળવાની ઘટતી જતી સંભાવના પર ફ઼્લડલાઇટ ફેંકે છે. અચાનક એ સમયે આપણને ડેઇઝીની અને મધમાખીની – બન્નેની જીવન પ્રત્યેની અતૂટ શ્રદ્ધાની મીઠાશ કળાઈ આવે છે..

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: