RSS

Daily Archives: March 21, 2012

(૩૧૯) ‘દિવ્યા – મા, દાદી કે વડદાદી?’

(૩૧૯) ‘દિવ્યા – મા, દાદી કે વડદાદી?’

‘પપ્પા, આજે તો એક વાર્તા કહો.’ બોલે લાડલી!

’સમય નથી!’

’હેં, શું નથી?’

’સમય નથી!’ લાડલીના પપ્પા વદે.

’સમય એ શું વળી?’

’આ ઘડિયાળ બતાવે તે!’

‘ઘડિયાળ જ કેમ સમય બતાવે? તમે સમય ન બતાવી શકો?’પૂછે ચિબાવલી, જો કે તેનું નામ તો દિવ્યા!

’હા, હું પણ બતાવી શકું, પણ ઘડિયાળ બતાવે તો જ ને!’

’પણ મમ્મી સમય બતાવે, તો તમે ના બતાવી શકો?’

’મમ્મી પોતે પણ ઘડિયાળ નથી, એ પણ ઘડિયાળ બતાવે તો જ સમય બતાવી શકે!’

’તો દાદી ઘડિયાળ છે?’ દિવ્યા પૂછે, હવે તો જાણે હદ કરી રહી હોય તેમ!

’દીકરી, ઘડિયાળ તો વસ્તુ કહેવાય, જ્યારે આપણે તો કહેવાઈએ માણસો!

’તો ગધેડું માણસ કહેવાય?’ ગાલો ઉપર ખંજનસહ સ્મિત રેલાવતી દિવ્યા ઉચ્ચરે!

’ઓ મારી મા, ગધેડું માણસ ન કહેવાય; પણ માણસ ગધેડું કહેવાય, જો તેનામાં અક્કલ ન હોય તો!’ માથું ખંજવાળતાં દિવ્યાના પપ્પા દેવેન વદે!

‘અક્કલ એ શું વળી? અને તમારામાં છે કે નહિ?’

’જાણીને શું કરીશ, બેટા?’

’ખબર પડે ને કે તમે ગધેડા કહેવાઓ કે નહિ?’

‘તારી બાને પૂછજે ને! એ કહેશે કે હું શું કહેવાઉં, માણસ કે ગધેડો?’ દેવેનજી વાત ટાળતાં પૂછે છે!

’હવે મને ખબર પડી કે અક્કલ એટલે શું?’

’એકદમ, બેટા, તને કેવી રીતે ખબર પડી ગઈ? હમણાં તો ‘અક્કલ શું?’ એ પૂછતી હતી!’

’પોતે માણસ છે કે ગધેડો એ બીજા કોઈને પૂછવાનું કોઈ કહે, તો સમજી જ લેવાનું કે તેનામાં અક્કલ નથી!’ પપ્પાજી ચોંકી ઊઠે છે!

’બેટા, તારું મોં ખોલજે! હું જરા જોઈ લઉં કે તારે ડહાપણની દાઢ ફૂટી છે કે નહિ?’

’પપ્પા, તમે વાત ફેરવી કાઢીને મારી માગણી ભૂલવવા માગો છો! પણ, આજે તમને હું નહિ છોડું! મારી બાએ તમને ભળાવી છે!’

‘મને લાગે છે તું કંઈક સાબિત કરવા માગે છે, નહિ?’

’હંઅ.. હવે તમારામાં થોડી થોડી અક્કલ આવતી હોય તેમ લાગે છે!’ બોલે દિવ્યા હસતાં મરકમરક!

‘એ છોકરી, મને રમાડ્યા વગર કહી દે ને તું શું સાબિત કરવા માગે છે?

’એ જ કે આપણી વાતની શરૂઆતમાં જ તમે જૂઠ્ઠું બોલ્યા હતા કે ‘સમય નથી!’

‘તે ખરી વાત છે, બેટા. સાચે જ મારી પાસે તને વાર્તા કહેવાનો સમય નથી જ!’

’તે હું પણ એ જ કહું છું કે ‘તમારી પાસે વાર્તા જ કહેવાનો સમય નથી’, બાકી સમય તો છે, છે અને છે જ!’

‘તું જે સાબિત કરવા માગતી હોય તે સીધેસીધું કહી દે, મારી દાદી!’ દયામણા ચહેરે દેવેનજી ઉવાચ!

’તમારી પાસે સમય તો છે, પણ વાર્તા કહેવા માગતા નથી! તમારી પાસે સમય હોવાની સાબિતી એ છે કે ક્યારના તમે મારા આડાઅવળા પ્રશ્નોના જવાબ આપ્યે જ જાઓ છો, તે શું સમય વગર?’ મલકી પડે છે ઢીંગલીશી લાડલી દિવ્યા!

‘હવે તો મારે તને મારી વડદાદી કહેવી પડશે! ભણીગણીને કોઈ વકીલ તો થઈશ જ નહિ, નહિ તો તું કોર્ટોના ન્યાયાધીશોને ગાંડા કરી મૂકીશ!’

‘એ તો હું મોટી થાઉં તો અને ત્યારે વાત! પણ જો તમે મને વાર્તા નહિ કહો, તો હાલ તો તમારું મગજ ખાઈને તમને ગાંડા જ કરી નાખીશ!’ અર્થસૂચક નજરે જોતી દિવ્યા ખંધુ હસે છે!

‘ના, ના, બેટા! ગાંડા થવા કરતાં વાર્તા કહી દેવી સારી! પણ, મારી એક શરત છે કે તારે મને સળંગ વાર્તા કહેવા દેવી. વચ્ચે વચ્ચે પ્રશ્નો નહિ પૂછવાના, સમજી?’

‘એ તો કંઈ ન સમજાય, તો વચ્ચે પૂછવું ય પડે!’

‘જા પૂછજે, પણ વચ્ચે નહિ! છેલ્લે એક સાથે પૂછી નાખવાનું, બરાબર? આગળ વળી અન્ય શરત એ કે હાલ આપણે ઘરમાં બે જ જણ છીએ. ઘરમાં ત્રીજું કોઈ આવે કે એકી ઝાટકે વાર્તા તરત કટ કરવાની અને તે વાર્તા ભવિષ્યે ફરી સંધાશે પણ નહિ!’

‘મંજૂર! પણ પપ્પા, તમે વાર્તા શરૂ કરો તે પહેલાં મારી એક વાત સાંભળી લો.’

‘બોલ દીકરા!’

‘દાદી કામનું બહાનું કાઢીને ગામડે કેમ જતાં રહ્યાં છે, તેની મને ખબર છે! તમે એમના દીકરા અને છતાંય કેવા મજ્બૂત મનોબળવાળા! દાદી તો સાવ ઢીલાં, વાતવાતમાં રડી જાય, નહિ!’

‘એક ગમ્મતની વાત પૂછું? મારાં બા સાવ ઢીલાં, તો તારી બા કેવી?’

‘તેની તો વાત જ રહેવા દો! મજબૂત મનવાળી હોવાનો દેખાવ તો કરવા જાય, પણ પકડાઈ જાય! હી..હી!’

‘તારી વાત પૂરી થઈ ગઈ હોય તો તારી માગણી મુજબની વાર્તા શરૂ કરું?’

‘ના પપ્પા! હજુ મારે થોડુંક કહેવાનું બાકી છે, પણ મને શ્વાસ કેમ ચઢે છે? ખેર, દાદીને ફોન કરી દો ને કે તે હવે આવી જાય!’

‘તું વધારે બોલે છે અને મને પણ બોલાવે છે! જો મને પણ બોલતાં શ્વાસ ચઢે છે! બીજું કે દાદી વહેલી સવારની બસમાં ગામડેથી અહીં આવવા નીકળી ગયાં છે, એકાદ કલાકમાં તે આવ્યા ભેળાં જ છે!’

‘ચાલો, હું બોલવાનું બંધ કરું અને તમે પણ વાર્તા કહેવાનું માંડી વાળો! બાનો ડોક્ટર પાસેથી પાછા આવવાનો સમય થવા આવ્યો છે, તો ચાલોને પપ્પા, આપણે ખોટુંખોટું ઊંઘવાનો ઢોંગ કરીએ! બાના આવ્યા પછી આપણે એકદમ હસી પડીને તેને સરપ્રાઈઝ આપીશું!’

‘તારો વિચાર છે તો મજાનો! સાંભળ, આંગણાનો દરવાજો ખખડ્યો! એક કામ કર, તું એકલી આંખો બંધ કરીને બે પલંગ વચ્ચેની તારી ખાટલીમાં ઊંઘવાનો ઢોંગ કર અને હું મારા પલંગમાં સૂતો સૂતો વાર્તા સંભળાવું! મમ્મી વિચારશે કે તું વાર્તા સાંભળતાં સાંભળતાં ઊંઘી ગઈ છે અને પછી…. છીઈઈઈ..ચૂપ!’

દેવેને અધવચ્ચેથી વાર્તા શરૂ કરી, ‘પછી તો કદલીફલત્વચા (કેળાની છાલ) ઉપર એ ભાઈનો પગ લપસ્યો અને જમીન ઉપર પડતાંની સાથે જ દંડ પીલવાની કસરત શરૂ કરી દીધી, એમ બોલતા બોલતા કે ‘બસ, કસરતનો ટાઈમ એટલે ટાઈમ!’

‘ઓ બાપ રે! મારી દીકરીને શું થઈ ગયું? ઊઠો..ઊઠો!’ કુમુદે ઓરડામાં પ્રવેશતાં જ દેવેનને નખશિખ ધ્રૂજાવી નાખતી કારમી ચીસ પાડી.

દેવેનને એ સમજતાં વાર ન લાગી કે તેમની એ લાડલી લ્યુકેમિઆના દુષિત લોહીને પોતાની નસોમાં થીજાવી નાખીને હંમેશ માટે ચિર નિદ્રામાં પોઢી ગઈ હતી!

-વલીભાઈ મુસા

 
6 Comments

Posted by on March 21, 2012 in નવલિકા, gujarati