RSS

(૩૧૯) ‘દિવ્યા – મા, દાદી કે વડદાદી?’

21 Mar
(૩૧૯) ‘દિવ્યા – મા, દાદી કે વડદાદી?’

‘પપ્પા, આજે તો એક વાર્તા કહો.’ બોલે લાડલી!

’સમય નથી!’

’હેં, શું નથી?’

’સમય નથી!’ લાડલીના પપ્પા વદે.

’સમય એ શું વળી?’

’આ ઘડિયાળ બતાવે તે!’

‘ઘડિયાળ જ કેમ સમય બતાવે? તમે સમય ન બતાવી શકો?’પૂછે ચિબાવલી, જો કે તેનું નામ તો દિવ્યા!

’હા, હું પણ બતાવી શકું, પણ ઘડિયાળ બતાવે તો જ ને!’

’પણ મમ્મી સમય બતાવે, તો તમે ના બતાવી શકો?’

’મમ્મી પોતે પણ ઘડિયાળ નથી, એ પણ ઘડિયાળ બતાવે તો જ સમય બતાવી શકે!’

’તો દાદી ઘડિયાળ છે?’ દિવ્યા પૂછે, હવે તો જાણે હદ કરી રહી હોય તેમ!

’દીકરી, ઘડિયાળ તો વસ્તુ કહેવાય, જ્યારે આપણે તો કહેવાઈએ માણસો!

’તો ગધેડું માણસ કહેવાય?’ ગાલો ઉપર ખંજનસહ સ્મિત રેલાવતી દિવ્યા ઉચ્ચરે!

’ઓ મારી મા, ગધેડું માણસ ન કહેવાય; પણ માણસ ગધેડું કહેવાય, જો તેનામાં અક્કલ ન હોય તો!’ માથું ખંજવાળતાં દિવ્યાના પપ્પા દેવેન વદે!

‘અક્કલ એ શું વળી? અને તમારામાં છે કે નહિ?’

’જાણીને શું કરીશ, બેટા?’

’ખબર પડે ને કે તમે ગધેડા કહેવાઓ કે નહિ?’

‘તારી બાને પૂછજે ને! એ કહેશે કે હું શું કહેવાઉં, માણસ કે ગધેડો?’ દેવેનજી વાત ટાળતાં પૂછે છે!

’હવે મને ખબર પડી કે અક્કલ એટલે શું?’

’એકદમ, બેટા, તને કેવી રીતે ખબર પડી ગઈ? હમણાં તો ‘અક્કલ શું?’ એ પૂછતી હતી!’

’પોતે માણસ છે કે ગધેડો એ બીજા કોઈને પૂછવાનું કોઈ કહે, તો સમજી જ લેવાનું કે તેનામાં અક્કલ નથી!’ પપ્પાજી ચોંકી ઊઠે છે!

’બેટા, તારું મોં ખોલજે! હું જરા જોઈ લઉં કે તારે ડહાપણની દાઢ ફૂટી છે કે નહિ?’

’પપ્પા, તમે વાત ફેરવી કાઢીને મારી માગણી ભૂલવવા માગો છો! પણ, આજે તમને હું નહિ છોડું! મારી બાએ તમને ભળાવી છે!’

‘મને લાગે છે તું કંઈક સાબિત કરવા માગે છે, નહિ?’

’હંઅ.. હવે તમારામાં થોડી થોડી અક્કલ આવતી હોય તેમ લાગે છે!’ બોલે દિવ્યા હસતાં મરકમરક!

‘એ છોકરી, મને રમાડ્યા વગર કહી દે ને તું શું સાબિત કરવા માગે છે?

’એ જ કે આપણી વાતની શરૂઆતમાં જ તમે જૂઠ્ઠું બોલ્યા હતા કે ‘સમય નથી!’

‘તે ખરી વાત છે, બેટા. સાચે જ મારી પાસે તને વાર્તા કહેવાનો સમય નથી જ!’

’તે હું પણ એ જ કહું છું કે ‘તમારી પાસે વાર્તા જ કહેવાનો સમય નથી’, બાકી સમય તો છે, છે અને છે જ!’

‘તું જે સાબિત કરવા માગતી હોય તે સીધેસીધું કહી દે, મારી દાદી!’ દયામણા ચહેરે દેવેનજી ઉવાચ!

’તમારી પાસે સમય તો છે, પણ વાર્તા કહેવા માગતા નથી! તમારી પાસે સમય હોવાની સાબિતી એ છે કે ક્યારના તમે મારા આડાઅવળા પ્રશ્નોના જવાબ આપ્યે જ જાઓ છો, તે શું સમય વગર?’ મલકી પડે છે ઢીંગલીશી લાડલી દિવ્યા!

‘હવે તો મારે તને મારી વડદાદી કહેવી પડશે! ભણીગણીને કોઈ વકીલ તો થઈશ જ નહિ, નહિ તો તું કોર્ટોના ન્યાયાધીશોને ગાંડા કરી મૂકીશ!’

‘એ તો હું મોટી થાઉં તો અને ત્યારે વાત! પણ જો તમે મને વાર્તા નહિ કહો, તો હાલ તો તમારું મગજ ખાઈને તમને ગાંડા જ કરી નાખીશ!’ અર્થસૂચક નજરે જોતી દિવ્યા ખંધુ હસે છે!

‘ના, ના, બેટા! ગાંડા થવા કરતાં વાર્તા કહી દેવી સારી! પણ, મારી એક શરત છે કે તારે મને સળંગ વાર્તા કહેવા દેવી. વચ્ચે વચ્ચે પ્રશ્નો નહિ પૂછવાના, સમજી?’

‘એ તો કંઈ ન સમજાય, તો વચ્ચે પૂછવું ય પડે!’

‘જા પૂછજે, પણ વચ્ચે નહિ! છેલ્લે એક સાથે પૂછી નાખવાનું, બરાબર? આગળ વળી અન્ય શરત એ કે હાલ આપણે ઘરમાં બે જ જણ છીએ. ઘરમાં ત્રીજું કોઈ આવે કે એકી ઝાટકે વાર્તા તરત કટ કરવાની અને તે વાર્તા ભવિષ્યે ફરી સંધાશે પણ નહિ!’

‘મંજૂર! પણ પપ્પા, તમે વાર્તા શરૂ કરો તે પહેલાં મારી એક વાત સાંભળી લો.’

‘બોલ દીકરા!’

‘દાદી કામનું બહાનું કાઢીને ગામડે કેમ જતાં રહ્યાં છે, તેની મને ખબર છે! તમે એમના દીકરા અને છતાંય કેવા મજ્બૂત મનોબળવાળા! દાદી તો સાવ ઢીલાં, વાતવાતમાં રડી જાય, નહિ!’

‘એક ગમ્મતની વાત પૂછું? મારાં બા સાવ ઢીલાં, તો તારી બા કેવી?’

‘તેની તો વાત જ રહેવા દો! મજબૂત મનવાળી હોવાનો દેખાવ તો કરવા જાય, પણ પકડાઈ જાય! હી..હી!’

‘તારી વાત પૂરી થઈ ગઈ હોય તો તારી માગણી મુજબની વાર્તા શરૂ કરું?’

‘ના પપ્પા! હજુ મારે થોડુંક કહેવાનું બાકી છે, પણ મને શ્વાસ કેમ ચઢે છે? ખેર, દાદીને ફોન કરી દો ને કે તે હવે આવી જાય!’

‘તું વધારે બોલે છે અને મને પણ બોલાવે છે! જો મને પણ બોલતાં શ્વાસ ચઢે છે! બીજું કે દાદી વહેલી સવારની બસમાં ગામડેથી અહીં આવવા નીકળી ગયાં છે, એકાદ કલાકમાં તે આવ્યા ભેળાં જ છે!’

‘ચાલો, હું બોલવાનું બંધ કરું અને તમે પણ વાર્તા કહેવાનું માંડી વાળો! બાનો ડોક્ટર પાસેથી પાછા આવવાનો સમય થવા આવ્યો છે, તો ચાલોને પપ્પા, આપણે ખોટુંખોટું ઊંઘવાનો ઢોંગ કરીએ! બાના આવ્યા પછી આપણે એકદમ હસી પડીને તેને સરપ્રાઈઝ આપીશું!’

‘તારો વિચાર છે તો મજાનો! સાંભળ, આંગણાનો દરવાજો ખખડ્યો! એક કામ કર, તું એકલી આંખો બંધ કરીને બે પલંગ વચ્ચેની તારી ખાટલીમાં ઊંઘવાનો ઢોંગ કર અને હું મારા પલંગમાં સૂતો સૂતો વાર્તા સંભળાવું! મમ્મી વિચારશે કે તું વાર્તા સાંભળતાં સાંભળતાં ઊંઘી ગઈ છે અને પછી…. છીઈઈઈ..ચૂપ!’

દેવેને અધવચ્ચેથી વાર્તા શરૂ કરી, ‘પછી તો કદલીફલત્વચા (કેળાની છાલ) ઉપર એ ભાઈનો પગ લપસ્યો અને જમીન ઉપર પડતાંની સાથે જ દંડ પીલવાની કસરત શરૂ કરી દીધી, એમ બોલતા બોલતા કે ‘બસ, કસરતનો ટાઈમ એટલે ટાઈમ!’

‘ઓ બાપ રે! મારી દીકરીને શું થઈ ગયું? ઊઠો..ઊઠો!’ કુમુદે ઓરડામાં પ્રવેશતાં જ દેવેનને નખશિખ ધ્રૂજાવી નાખતી કારમી ચીસ પાડી.

દેવેનને એ સમજતાં વાર ન લાગી કે તેમની એ લાડલી લ્યુકેમિઆના દુષિત લોહીને પોતાની નસોમાં થીજાવી નાખીને હંમેશ માટે ચિર નિદ્રામાં પોઢી ગઈ હતી!

-વલીભાઈ મુસા

 
6 Comments

Posted by on March 21, 2012 in નવલિકા, gujarati

 

6 responses to “(૩૧૯) ‘દિવ્યા – મા, દાદી કે વડદાદી?’

 1. munira

  March 22, 2012 at 6:33 am

  કહાનીના રૂપમાં કાવ્ય લાગ્યું, દિવ્યા જેવડા બાળકની જેમ જ આખી રચના જાણે સંતા કૂકડીની રમત જેમ બાળપણના ચાળા પાડતી પાડતી છેલ્લે કરુણાંત તો ધબ્બો દઈ ચોકાવી ગઈ!!!

  ’તમારી પાસે સમય તો છે, પણ વાર્તા કહેવા માગતા નથી! તમારી પાસે સમય હોવાની સાબિતી એ છે કે ક્યારના તમે મારા આડાઅવળા પ્રશ્નોના જવાબ આપ્યે જ જાઓ છો, તે શું સમય વગર?’ મલકી પડે છે ઢીંગલીશી લાડલી દિવ્યા!

  આવું બને તો છે ઘણી વાર! સમય નથી કહેવામાં સમય બહુ વ્યતીત થાય છે!!!

  Like

   
 2. Vinod R. Patel

  March 24, 2012 at 9:36 pm

  પિતાના “મને સમય નથી” થી શરુ થતી અને દિવ્યાના અંતિમ સમય સુધીની સંવાદમય શૈલીમાં

  આકાર લેતી તમારી આ વાર્તા મારા દિલને સ્પર્શી ગઈ, વલીભાઈ.અભિનંદન .

  ‘હવે તો મારે તને મારી વડદાદી કહેવી પડશે! ભણીગણીને કોઈ વકીલ તો થઈશ જ નહિ, નહિ તો તું કોર્ટોના ન્યાયાધીશોને ગાંડા કરી મૂકીશ!’
  ‘એ તો હું મોટી થાઉં તો અને ત્યારે વાત! પણ જો તમે મને વાર્તા નહિ કહો, તો હાલ તો તમારું મગજ ખાઈને તમને ગાંડા જ કરી નાખીશ!’ અર્થસૂચક નજરે જોતી દિવ્યા ખંધુ હસે છે!

  દિવ્યાને બિચારીને ક્યા મોટા થવાનું હતું ! એ તો એ પણ જાણતી હતી ને !

  Like

   
 3. Valibhai Musa

  April 1, 2012 at 12:18 pm

  “The Indians” blog ઉપરની આ જ વાર્તા ઉપરના આ મિત્રોના પ્રતિભાવો ઉપરનો મારો પ્રત્યુત્તર : –

  આભાર, મિ. રાજ અને મિ. હેમન્ત દવે બંને મિત્રોનો.

  સાહિત્યસર્જક પોતાના પાત્રનો ભાગ્યવિધાતા હોય છે. ખરે જ, મારી વાર્તાનો મારા દ્વારાજ આવેલો અણધાર્યો અંત મને પોતાને જ અંદરથી હચમચાવી ગયો હતો. ઈ.સ. ૧૯૭૩ માં અમદાવાદ ખાતે એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલમાં મારાં માતુશ્રીના વોર્ડમાં જ તે વખતે ધોરણ -૮ માં ભણતો લ્યુકેમિઆનો દર્દી વિદ્યાર્થી બિચારો પરીક્ષા પહેલાં વાંચવાનાં પુસ્તકો લઈને આવેલો અને પોતાના પિતાજીને કહ્યા કરતો હતો કે તમારા બધાંનું મને આપેલું લોહી એળે જશે કે શું? અને એ શબ્દોએ આખા વોર્ડનાં દર્દીઓ અને તેમનાં સગાંવહાલાંને રડાવી નાખ્યાં હતાં. છેલ્લે બન્યું પણ એવું જ અને અફસોસ કે તે રૂડો રૂપાળો છોકરો આ ફાની દુનિયાને છોડીને જતો રહ્યો હતો. આ વાર્તામાં એ સત્ય ઘટનાની અસરને હું અભિવ્યક્ત કર્યા સિવાય રહી શક્યો નથી!

  Like

   
 4. Valibhai Musa

  April 1, 2012 at 12:23 pm

  “The Indians” બ્લોગ ઉપરની આ જ વાર્તા ઉપરના શ્રી રતિભાઈ પટેલ, આર્લિંગ્ટન, વર્જિનીઆ,યુએસએનો પ્રતિભાવ : –

  વલીભાઈ,

  ખુબ જ સુંદર, હૃદયને સ્પર્શી જાય, અશ્રુથી આંખને થોડી ભીંજવી જાય, મન ને થોડું સ્તબ્ધ કરી, વિરામ આપી ચિંતનમાં જોડી જાય એવી બાળકીની જીજ્ઞાસા ભરી જીબાજોડી ખરેખર બાપ-દીકરી ના સંવાદ ને જીવંતતા આપી જ્ઞાન-ગોષ્ટી કરાવતી આપણી રચના માટે ધન્યવાદ.

  Like

   
 5. Valibhai Musa

  April 1, 2012 at 12:40 pm

  “The Indians” blog ઉપરના આ વાર્તાના વાંચકોના પ્રતિભાવોને મારો Author) નો પ્રત્ય્ત્તર : –
  વ્હાલા વાંચકો,

  ભાવપ્રધાન આ નાનકડી નવલિકા ઉપરના આપ સૌના પ્રતિભાવ બદલ કૃતકૃત્યતા અનુભવું છું.
  આપ સૌના ધ્યાને દિવ્યાના નીચેના શબ્દો (સંવાદો) એટલા માટે લાવું છું કે આ નાનકડી છોકરી પોતાની માંદગીની ભયંકરતાને જાણે જ છે અને બાળસહજ રીતે પણ બધાંયને પોતે મજબૂત હોવાની પ્રતીતિ કરાવે છે.

  ‘એ તો હું મોટી થાઉં તો અને ત્યારે વાત!
  ‘દાદી કામનું બહાનું કાઢીને ગામડે કેમ જતાં રહ્યાં છે, તેની મને ખબર છે!
  તે(બા)ની વાત જ રહેવા દો! મજબૂત મનવાળી હોવાનો દેખાવ તો કરવા જાય, પણ પકડાઈ જાય!
  ખેર, દાદીને ફોન કરી દો ને કે તે હવે આવી જાય!’

  દેવેન (પિતા) ના બધાજ સંવાદો તો એવા છે કે જાણે દિવ્યા ભણીગણીને મોટી થઈને લાંભું આયુષ્ય જીવશે જ, પણ હકીકતમાં દીકરીની બિમારીની ગંભીરતાને સમજતા હોવા છતાં તેનું મન અને લાગણી સાચવવા મનની વેદનાને મનમાં ભરી પીએ છે. આમ દિવ્યાનાં ત્રણેય વડીલો પોતપોતાની રીતે દિવ્યા આગળ સહજ અને સ્વાભાવિક રીતે વર્તવાનો પ્રયત્ન કરે છે, પરંતુ દિવ્યા તો પોતાની ઉંમરના પ્રમાણમાં બહુ જ ઊંચી કક્ષાની સમજદારી બતાવે છે.

  છેલ્લે કહું તો આ વાર્તા લખતી વખતે હું પોતે જ એવો ભાવવિભોર હતો કે વાર્તાના અંતે તો મારી પોતાની આંખની પાંપણો ભીની તો થઈ જ હતી, પણ ઈચ્છા થઈ આવતી હતી કે હું પોક મૂકીને રડી પડું!

  આપ સૌએ કલાપીની એ કાવ્યપંક્તિની યાદ અપાવી દીધી કે “કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિબ કલા નહિ”

  આભારસહ,

  વલીભાઈ મુસા

  Like

   
 6. dhavalrajgeera

  December 24, 2012 at 6:14 pm

  ખુબ જ સુંદર, હૃદયને સ્પર્શી જાય…..

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: