(૩૨૦) નિજ ચક્ષુ તણી ભીની પાંપણે! (વ્યંગ કાવ્ય)
(અછાંદસ)
‘કેટલું ભાડું?’
‘ચૌદ રૂપીઆ’ વદે ઓટોવાળો મીટર જોઈ,
‘લે ભાઈ, નોટ બરાબર જોઈ લેજે! ઘરની જ છાપેલી છે, વહેમ કરીશ મા!’ વદું હું હળવા મિજાજે!
‘હજારની નોટ! ક્રૂર મજાક! છૂટા નથી, કાકા. લાવી દો ક્યાંકથી, હું થોભું છું.’
‘લ્યો હું આપું!’ ફૂટપાથધારે મલિન ધડકલી સ્થિત સુઘડ કપડે યાચક વદે અવ દ્વય તણા આશ્ચર્યે!
‘અરે વાહ! તુજ ગરીબીરેખા તો તુજ ચરણતળે આળોટતી ને કુર્નિશ બજવતી! કેટલું બેંકબેલેન્સ રે ભાયા?’
‘ઊંડો હાથ ઘાલો મા! ચકરી ખાઈ જશો સુણી અને ૧૦૮ ને બોલાવવી પડશે મારે જ, મુજ સેલ ફોન થકી!
‘સેલ ફોન? બતાવ તો! પણ અલ્યા, આ તો બ્લેક બેરી! તફડાવ્યો તો નથી ને!’
‘સાઈબર ક્રાઈમ અને ઈન્ડીઅન પિનલ કોડના વિવિધ કાનુનો ઝળુંબે માથે અને શક્ય ખરું એ ભલા!
‘છૂટા દઈ દે ભાયા, આ ત્રિચક્રયાનચાલકને કરી વિદા, બેસું તુજ સંગ ઘડીભર!’
‘ક્યમ ક્યમ કોઈ પત્રકાર છો કે?’
’ના, ના! કવિ છું હું અને કવિતા તો લખીશ જ નાનકડી હા તુજ ઉપરે! હવે પૂછું?’
‘હા હા, જરૂર; પણ નામ ન લખવાની શરતે! ઘરબારી છું અને ઘરમાં વહુવારુ પણ છે!’
‘સરકારી નોકરી કે? અને જો હા, તો પછી ભ્રષ્ટાચાર આદર્યો ક્યમ નહિ?’
‘ભીખ ભલી, ભ્રષ્ટાચાર ભૂંડો; ભીખ ભલમનસાઈ, ભ્રષ્ટાચાર જૂલમ.’ સૂત્રાત્મક શબ્દે એ વદે!
‘પગાર અપૂરતો કે શું?’
‘ના, પણ બિન અનામત બેઠકે કમરતોડ સેલ્ફ ફાયનાન્સ ફીએ છોકરાં શીદ ભણવવાં?’
‘ઓહ, તો મજબૂરી! ધન્ય છે ભલા, તારી જનેતાને! પણ, આમાં ધનસંચયવૃત્તિ તો નહિ ને!’
‘ના, હરગિજ નહિ! પેલા રાજમહેલવાળા ચાર જ રત્નોના ચોરની જ્યમ જરાયે અધિક ના!’
‘તો લે ભાઈ, આ પાંચસો અને અહેસાન કર સ્વીકારી મુજ ઉપરે!’ વદું હું ભાવવાહી શબ્દે!
‘પણ, કવિઓ તો હોયે બિચારા દરિદ્ર! અને, તમે તો!’
‘કલાપી અને ટાગોર જેવા અપવાદો ન હોય ભલા! ખેર, હું રજા લઉં?’
‘ખુશીથી!’ અને એ નિરખી રહે મને, કૃતજ્ઞભાવે નિજ ચક્ષુ તણી ભીની પાંપણે!
-વલીભાઈ મુસા
Like this:
Like Loading...
Related
Tags: કવિ, દરિદ્ર, પત્રકાર, યાચક
સુરેશ
April 3, 2012 at 2:13 pm
વલીદા
હજાર રૂપિયાની નોટ વટાવી દીધી – જરૂર ખોટી જ હશે !
બહુ સંસ્ક્રુત/ બહુશ્રુત ….. બહુ તકલીફ !
LikeLike
vkvora Atheist Rationalist
April 6, 2012 at 5:58 am
હાથે ખાંડેલા મરચાની જેમ ઘરમાં જ બનાવેલી નોટ નકલી કેમ હોઈ શકે?
LikeLike
પંચમ શુક્લ
April 3, 2012 at 9:14 pm
vaah. Enjoyed.
LikeLike
munira
April 4, 2012 at 5:37 am
ઘણા વખતે વ્યંગ કાવ્ય નો રંગ જામ્યો, મજા પડી.
LikeLike
Valibhai Musa
April 6, 2012 at 8:48 am
ભાઈશ્રી vKv,
આપની મરચાવાળી વ્યંગાત્મક ટિપ્પણી ગમી.
ધન્યવાદ.
LikeLike