RSS

(૩૨૧) મારી નજરે – “નિવૃત્તિની પ્રવૃત્તિ” (વિજય શાહ અને ‘હરિપ્રેમી’)

01 May
(૩૨૧) મારી નજરે – “નિવૃત્તિની પ્રવૃત્તિ” (વિજય શાહ અને ‘હરિપ્રેમી’)

‘અમે બધાં’ પછી બીજી આ જ કૃતિ મારી નજરે ચઢે છે. ‘અમે બધાં’માં તો હાસ્ય જ વેરવાનું હોઈ મોકળાશ વધુ અને હળવાશ તો તેથીય વધુ હોય તે સ્વાભાવિક છે. જ્યોતીન્દ્ર દવે અને ધનસુખલાલ મહેતા જેવા સિદ્ધહસ્ત લેખકો માટે તો એ ડાબા હાથનો ખેલ જ હોય. જુદાં જુદાં પ્રકરણોમાં સત્તર-પંદર આની ખપી જાય, પણ અહીં આ કૃતિમાં તો ગંભીર વાતો સહજભાવે કહેવાની હોઈ ઘણી બધી સાવધાનીઓ વર્તવી પડે અને તે સઘળું અહીં સુપેરે પાર પડે છે. વચ્ચે એક વાત કહી દઉં કે હવે પછી જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં બંને લેખકો માટે હું ‘દાદા’ અને ‘ભાઈ’ શબ્દો પ્રયોજીશ કે જેથી લખાણમાં લાઘવ લાવી શકાય.

બીજી એક સાવ નિખાલસ વાત કે હું કોઈ વિવેચક નથી કે કોઈ વિદ્વાન વિવેચકોના પેંગડામાં પગ ઘાલવાનો મારો પ્રયત્ન પણ નથી! ‘ભાઈ’ સાથેનો પ્રત્યક્ષ મિત્રભાવ અને ‘દાદા’ સાથેનો માત્ર પરોક્ષ મિત્રભાવ જ નહિ, પણ તેથીય વિશેષ કહી શકાય તેવો અહોભાવ કદાચ જિન સ્વરૂપે મારા વિચારો ઉપર પોતાનાં આધિપત્ય જમાવે છે અને કમ્પ્યુટરના કીબોર્ડ ઉપર મારી આંગળીઓનાં ટેરવાંઓને કાર્યાન્વિત કરે છે. અહીં હું લખતો નથી, પણ લખાઈ જાય છે. ધંધાવ્યવસાયની દોડધામોમાં દાયકાઓ સુધી સાહિત્યનો સંપર્ક ઓછો રહ્યો છે, પણ કપાયો તો નથી જ; જેની પ્રતીતિ કે નવાઈ મને પોતાને પણ લાગે છે કે આ બધું અને આવું બધું મારા મગજના કયા ખૂણામાંથી બહાર આવે છે! ખેર, આપણે આગળ વધીએ તો કેવું સારું!

વિષયવસ્તુ તો કૃતિનાં પાનેપાનાંમાં ઠાંસીઠાંસીને ભરાયેલ છે અને તેને પુનરાવર્તિત કરવાનો મારો લેશમાત્ર ઈરાદો નથી. આમ છતાંય ક્યાંક જરૂર લાગશે, તો જણાવતો રહીશ; પણ, હાલ તો ઊડીને આંખે વળગે તેવી લેખકોની ખૂબીઓને અને ગહન વાતોની ચોટદાર રજૂઆતોને વર્ણવીશ. પ્રકરણ તમે શોધી લેજો, પણ વાત તો હું મૂકી દઈશ કે ‘તમારી પૂજા-પ્રાર્થના… મોટેથી બોલો તો તેની તાકાત ગુમાવે છે. પ્રાર્થના પ્રભુને નહિ, પણ જગતને સંભળાય છે.’ કેવી ધારદાર રજૂઆત! તો વળી, ‘ગ્રહદશા નહિ, આગ્રહદશા નડતી હોય છે.’

‘દીકરો-દીકરી એક સમાન’ સૂત્રની જેમ ‘બાળપણ-ઘડપણ એક સમાન’ ગણી શકાય, પણ વૃદ્ધો બાળકોના જેવી હઠ તો ન જ લઈ શકે. વૃદ્ધત્વ એ તો સમજદારી, વૈચારિક પુખ્તતા અને દરિયાવદિલીના સંગમ સમાન છે. વૃદ્ધ તો કુટુંબમાં દરેકને હૂંફ આપે, સઘળાં કુટુંબીજનો વચ્ચે સેતુ બને અને સૌ ઉપર સરખો સ્નેહ વરસાવે. યુવાનવયે પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય અને એ જ પ્રેમ વૃદ્ધાવસ્થાએ સ્નેહમાં પરિવર્તિત થાય. સ્નેહની આ વાતને યથાર્થ રીતે સમજવી હોય તો ગમે ત્યાંથી શોધીને પણ ર. વ. દેસાઈની નવલિકા ‘વૃદ્ધ-સ્નેહ’ વાંચવી જોઈએ. લેખક બંધુઓએ જીવનસાથીના સાથની વાત ઉપર ભાર મૂકતાં ઘણાં દૃષ્ટાંતો અને પ્રસંગો આપતા રહીને એક વાત ખાસ સમજાવી છે કે વૃધ્ધાવસ્થાએ પતિ-પત્નીએ કોઈ એકે બીજાનો એમ નહિ, પણ બંનેએ અરસપરસ એકબીજાનો હાથ પકડી રાખવો જોઈએ.

લેખક મિત્રોએ ચંચળ મનને કાબૂમાં રાખવાનો મંત્ર વાણિયા અને જિનની બોધકથા દ્વારા એ રીતે સમજાવ્યો છે કે મનને હંમેશાં પ્રવૃત્ત રાખવું. ગુજરાતી પ્રથમ નવલકથા ‘કરણ ઘેલો’ ના લેખક નંદશંકર તુળજાશંકર મહેતાના જીવન વિષેનું પુસ્તક ‘નંદશંકર જીવનચરિત્ર’ માં આલેખાયું છે કે મનને વ્યસ્ત રાખવા માટે નંદશંકર સ્લેટ-પેન લઈને નિવૃત્તિવયે અંકગણિતના દાખલા ગણતા અને બાબરિયા ભૂત જેવા મનને પ્રવૃત્ત રાખતા. મનને અંતરમાં વાળવાની વાત પણ એટલી જ મનનીય છે. વિધાતાએ મનુષ્યને તેના અંતરમાં જ દેવત્વ આપીને પૃથ્વી ઉપર મોકલ્યો છે.

દેવોની તો સલાહ હતી કે દેવત્વને આકાશ કે સમુદ્રમાં છુપાવી રાખવામાં આવે કે જેથી મનુષ્ય તેને સરળતાથી પ્રાપ્ત ન કરી શકે, પણ વિધાતા તો સર્વજ્ઞ હતા. તેમને તો ખબર હતી કે તેમનો સર્જેલો કાળા માથાનો માનવી અવકાશમાં વિહરી શકશે અને સમુદ્રને પણ ફંફોસી લેશે, અને દેવત્વને મેળવી લેશે. છેવટે તેમણે દરેક મનુષ્યના અંતરમાં જ દેવત્વ આપી દીધું. તેમની ધારણા હતી કે મોટા ભાગના લોકો દેવત્વ માટે બહાર ભટકશે અને જવલ્લે જ કોઈક વીરલાઓ અંતર તરફ વળીને દેવત્વ પામી શકશે.

મારા આ કૃતિના અવલોકનના વાંચકો! મને આશા છે કે કેટલીક નવીન માહિતીઓ સૌને રસપ્રદ લાગી હશે. આ અવલોકન લેખ કૃતિની કેટલીક જ બાબતોને સ્પર્શતો હોઈ સાવ મર્યાદિત બની જાય છે. તેમ છતાંય અન્ય વિદ્વાન વાંચકો સમગ્ર રચનાના બાકી રહી જતા કેટલાક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને પોતાનાં અવલોકનો વ્યક્ત કરશે, તો સુખી વૃદ્ધજીવન માટે ઉપકારક થઈ પડે તેવી આ ઉત્તમ રચના વધુ લોકભોગ્ય બની રહેશે.

-વલીભાઈ મુસા


 

One response to “(૩૨૧) મારી નજરે – “નિવૃત્તિની પ્રવૃત્તિ” (વિજય શાહ અને ‘હરિપ્રેમી’)

 1. Valibhai Musa

  May 4, 2012 at 12:52 pm

  A comment from Munira Ami, Hyadrabad by email : –

  “નિવૃત્તિની પ્રવૃત્તિ” હળવા મિજાજે વંચાય એવો લેખ. ઉંમરના એવો ઉંબરો કે જેને પ્રવૃત્ત રહેવાની ચરમસીમા સમ ગણી શકાય, ત્યાં ઉભા રહી નિવૃત્તિમાં કેમ પ્રવૃત્ત રહેવું એની ચર્ચા છેડતા લેખ સાથે વાંચન દરમિયાન માનસિક રીતે સંકળાવું મારે માટે સ્વાભાવિક રીતે જ સહજ ન હોય, પણ એક રસિક વાચક તરીકે કોઈ પણ વિષયવસ્તુ ઉપર mature વિચારપ્રવાહ ધરાવતો અને ચોટદાર રીતે અભિવ્યક્ત થયેલો લેખ વાંચવામાં આવે ત્યારે એમાંથી કંઈક તો એવું શીખવા મળે જ જે સીધી યા આડકતરી રીતે જીવનમાં અમુલ્ય થઇ પડે. અને એ, પિટારામાં મોતી જેમ સચવાઇ રહે; જે વખતે ચોક્કસ કામ આવે. આ લેખમાંથી મને કંઈક એવું જ નવનીત હાથ લાગ્યું હોય એમ અનુભવાય છે.

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: