RSS

(૩૨૫) સુરેશભાઈ જાની કૃત ‘અવલોકન’ ઉપરનું મારું અવલોકન

28 May
(૩૨૫) સુરેશભાઈ જાની કૃત ‘અવલોકન’ ઉપરનું મારું અવલોકન

જૂના સમયે લોકોમાં કહેવાતું હતું કે ‘ભાઈ, ઘરનો રોટલો બહાર ખાવાનો છે.’ આજે દૂર-દરાજનાં ગામોમાં જ્યાં હોટલો નથી હોતી, ત્યાં અતિથિસત્કારની ભાવના એવી પ્રબળ હોય છે કે અજાણ્યા પરદેશીની કોઈકના ઘરે જમવાની વ્યવસ્થા થઈ જતી હોય છે. આજનો યજમાન એ આવતી કાલે કોઈકનો મહેમાન બનવાનો જ અને આમ પરોક્ષ રીતે જોવા જઈએ તો કોઈકને ખવડાવેલું આપણને કોઈ ત્રીજી જ વ્યક્તિ તરફથી અથવા સામેની જ વ્યક્તિ તરફથી જ પાછું ખાવા મળી જતું હોય છે. આ છે ઉપરોક્ત મુહાવરાનો ગુઢાર્થ.

સુરેશભાઈ જાની કૃત ‘અવલોકનો’ ઈ-બુકની પ્રસ્તાવના હું જ્યારે લખી રહ્યો છું, ત્યારે આ પ્રસ્તાવનાની પ્રસ્તાવના રૂપે લખાએલા ઉપરોક્ત ફકરા દ્વારા હું એ કહેવા માગું છું કે તમે કોઈકને પ્રસ્તાવના લખી આપો અને તમારી જ કૃતિ ઉપરની પ્રસ્તાવના લખી આપનાર અન્ય કોઈ ત્રાહિત વ્યક્તિ કે સામેની જ વ્યક્તિ તમને મળી આવે. હમણાં તાજેતરમાં જ મારી પોતાની ઈ-બુક્સ માટે કેટલાંક જાણીતાં કે અજનબી મહાનુભાવોએ મને સહૃદયતાપૂર્વક તેમની પ્રસ્તાવનાઓ લખી આપી, તો આજે હું સુરેશભાઈના પુસ્તક માટે પ્રસ્તાવના લખી રહ્યો છું. આમ માનવ જીવનનાં સઘળાં ક્ષેત્રોમા આપસઆપસ કે પરસ્પરના સહકાર થકી જ દુનિયાના વ્યવહારો સ્વયંસંચાલિત યંત્રની જેમ ચાલ્યા કરતા હોય છે.

સુરેશભાઈના બ્લોગ ઉપર જ્યારે ભૂતકાળમાં તેમનાં ‘અવલોકનો’ પ્રસિદ્ધ થઈ રહ્યાં હતાં ત્યારે મેં તેમના ‘કેલેન્ડર’ અવલોકન ઉપર મારો પ્રતિભાવ આપેલો હતો, જેને પછીથી મેં મારા પોતાના બ્લોગ ઉપર પણ પસિદ્ધ કર્યો હતો. મારો એ પ્રતિભાવ એ ખાસ વિષય પૂરતો સીમિત હતો, અહીં મારે સમગ્ર પુસ્તક ઉપર પ્રસ્તાવના લખવાની કામગીરી બજાવવાની છે. આમ છતાંય મારી એ પ્રસ્તાવનાનો કેટલોક અંશ વિશાળ અર્થમાં લઈ શકાય તેમ હોઈ તેને અત્રે પ્રસ્તુત કરીશ.

આપણે આપણા વિદ્યાભ્યાસ દરમિયાન ‘અવલોકન કરવાની ટેવ’ શીર્ષકે એક પાઠ ભણી ગયા હતા. એક વટેમાર્ગુ એક ઊંટવાળાના ખોવાએલા ઊંટની દિશા બતાવી દે છે, જો કે તેણે ઊંટને જોયું સુદ્ધાં ન હતું. પેલો વટેમાર્ગુ પેલા ઊંટવાળાને તેના ઊંટની નિશાનીઓ કહી સંભળાવે છે કે તે ઊંટ ડાબી/જમણી (યાદ નથી) આંખે કાણું, એક પગે લંગડું અને અમુક દાંત પડી ગએલા હોય તેવું હોવું જોઈએ. આ તેની અવલોકન કરવાની ટેવના કારણે શક્ય બન્યું હતું. રસ્તાની એક જ બાજુ તરફનાં અડધાં કરડાએલાં ઝાડનાં પાંદડાં અને જમીન ઉપરના એક પગલાની અધૂરી છાપ એ તેના તારણ માટેનાં સહાયક કારણ (અવલોકનો) હતાં.

સુરેશભાઈનાં અવલોકનો કંઈક એવાં જ છે અને તેથી જ તો તેઓ ગમે તેવા સામાન્ય વિષયને માત્ર અવલોકનના આધારે જ નહિ, પણ સાથે સાથે પોતાની કુદરતી વર્ણન શક્તિના આધારે જીવંત બનાવી શકે છે. જૂના જમાનામાં ગામડે ગામડે પગીઓ મળી રહેતા કે જે પગલાંની છાપનું અવલોકન કરીને ચોરને પકડી પાડવામાં મદદરૂપ થતા હતા. કોઈ નામચીન ચોરનું તો પહેલું જ પગલું જોઈને ચોરનું નામ બતાવી દેતા હતા. આ એમના માટે એ કારણોએ શક્ય બનતું કે તેમની આ કળામાં તેમનો વારસાગત અનુભવ કામે લાગતો હતો અને તેમના સાહજિક કૌશલ્યને કારણે તેમની અવલોકનશક્તિ પણ ધારદાર રહેતી હતી.

સામાન્ય રીતે કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી અર્થાત ધનદોલત અને સાહિત્યનો સહનિવાસ જવલ્લે જ જોવા મળે, બસ તેવી જ રીતે વિજ્ઞાન કે ટેકનોલોજીના માણસ અને સાહિત્યને બારમા ચંદ્રમા જેવું હોય એમ માનવામાં આવતું હોય છે. આ ભાયા ઈલેક્ટ્રીકલ એન્જિનિયર હોય અને સાહિત્યસર્જન કરે એ કોઈના પણ માન્યામાં ન આવે તેવી વાત હોવા છતાં એ એક હકીકત છે. છેલ્લાં દસેક વર્ષથી અમેરિકા ખાતે નિવૃત્ત જીવન ગાળતા આ મહાશય પોતાના વિવિધ બ્લોગ ઉપર સઘળા સાહિત્યપ્રકારે એટલું બધું સાહિત્યસર્જન કર્યું છે કે તે સઘળાને ગ્રંથસ્થ કરવામાં આવે તો ડઝનબંધ પુસ્તકો થાય. વળી તેઓશ્રીએ હજારો બ્લોગ ઉપર પોતાના વિદ્વતાસભર પ્રતિભાવો લખીને એ સઘળા બ્લોગર્સને પ્રોત્સાહિત કર્યા છે. હું પોતે વિનયનના અનુસ્તાક સમકક્ષ ભણતરમાં ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય ભણ્યો હોવા છતાં સુરેશભાઈના ભાષાપ્રભુત્વ સામે વામણો જ પુરવાર થાઉં તેવી મારી નિખાલસભાવે કબુલાત છે.

સુરેશભાઈ મારા મિત્ર છે, મારા બ્લોગીંગ કાર્યમાં મને મદદરૂપ થયા છે, મારી એક ઈ-બુક પણ તેમણે બનાવી આપી છે, મારાં લખાણો ઉપર તેમણે સારા સારા પ્રતિભાવો આપ્યા છે, મારા વિષેના પરિચયલેખો તેમણે લખી આપ્યા છે અને હાલ જે બુકની હું પ્રસ્તાવના લખી રહ્યો છું તે જ બુક પણ મને પોતાને તેમણે અર્પણ પણ કરી છે (જો કે સાહિત્યના શિષ્ટાચાર/Protocol વિરુદ્ધની આ વાત ગણાય, અર્થાત પ્રસ્તાવના લખનાર અને બુકના અર્પણને સ્વીકારનાર એક જ વ્યક્તિ હોઈ શકે નહિ.) – આટઆટલી તેમની સેવાઓ મને પ્રાપ્ત થઈ હોવા છતાં તેમને મારા ઉપર અતુટ વિશ્વાસ કે હું આ બુકની પ્રસ્તાવના તટસ્થપણે લખીશ. આ વાતના અનુસંધાને એક આડવાત કહું તો ‘હાસ્યદરબાર’ ઉપરની ‘હાદરત્નો’ શીર્ષકે સઘળાં રત્નો ઉપરની મારી પરિચયલેખ શ્રેણીમાંના એક રત્ન તરીકેનો મારો પરિચય મેં પોતે જ લખ્યો હતો. ત્યાં સુરેશભાઈના અફસોસના શબ્દો આવા હતા : “વાંચતાં વાંચતાં બહુ જ ક્ષોભ થયો કે, સૌ રત્નોના પરિચય આપનારનો પરિચય આપવાનું સૌજન્ય આ આળસુ અને ભૂલકણા જણને કેમ ન સૂઝ્યું?”

સુરેશભાઈનાં અવલોકનોમાં વિષયવૈવિધ્ય જોતાં આપણું દિમાગ કામ ન કરે કે આ બંકાના મગજમાં એવું કોઈક વિશિષ્ટ લોહચુંબક છે કે શું જે માત્ર ધાતુઓને જ નહિ, પણ પ્લાસ્ટિકની કોથળીઓને પણ પોતાના ભણી ખેંચી લે છે! તેઓ હથોડી અને ટાંકણાંથી ઘરગથ્થુ કડિયાકામ કરતાં કરતાં માણસના મન કે મગજની કાર્યપદ્ધતિને અવલોકીને ‘સારી નરસી આદતો કેટલી ઝડપથી પડી જતી હોય છે?!’ જેવાં સનાતન સત્યો પણ તારવી લે છે. ‘ફૂટેલા ફુગ્ગા’, ‘બુટની તુટેલી દોરી’ અને ‘સ્ટ્રો’ જેવા ક્ષુલ્લ્ક પદાર્થો કે ‘પાણીના પરપોટા’ અને ‘પથ્થર ઉપર લીલ’ જેવાં સુંદરતમ દૃશ્યોમાંથી લેખક તત્વજ્ઞાનીય તારણો એવી સિફતપૂર્વક સહજ રીતે તારવી લે છે કે ક્યાંય કૃત્રિમતા વર્તાય નહિ. વળી આ તારણોના સમર્થનમાં આ કવિરાજ (‘કવિરાજ’ સંબોધન એટલા માટે છે કે વાસ્તવમાં પોતે ‘Moody’ કવિ છે જ!) કોઈ અંગ્રેજી કે હિંદી કાવ્યોની પંક્તિઓને એવી રીતે ટાંકી દે છે કે જાણે કે મુદ્રામાં નગીનાનું જડતર કરવામાં આવ્યું હોય!

હાલમાં ભારતમાં કેરીઓની ભરપુર ઋતુ ચાલી રહી છે. અમારા ભોજનમેજે દરરોજ અને ઓછામાં ઓછો એક ટંક તો આમરસ હોય જ. હવે આ રસ એકદમ મીઠો હોય તો દરેકને ભાવે નહિ અને તેજ રીતે ખાટો પણ ભાવે નહિ. કુશળ ગૃહિણીઓની આવડતના પ્રતાપે ખાનારને જેમ ખટમીઠો રસ મળી રહે, તેમ અહીં હું માત્ર વાચકોને અનુલક્ષીને જ નહિ, પણ ખુદ લેખકના આત્મસંતોષ ખાતર અને એક તટસ્થ વિવેચકધર્મ બજાવવાના ભાગરૂપે મારી આ પ્રસ્તાવનાને ખટમીઠી બનાવીશ. આ બુકલેખક ડગલે ને પગલે આત્મશ્લાઘા કે અન્યો દ્વારા થતી પોતાની પ્રશસ્તિથી દૂર ભાગનાર એવા એ જણને હું નખશિખ ઓળખું છું અને તેથી જ અહીં માત્ર ખોતરી કાઢીને નહિ પણ હકીકતમાં તેમની જે ક્ષતિઓ મને માલૂમ પડી છે તેના ઉપર કોઈપણ જાતનો ઢાંક્પિછોડો કર્યા વગર એમનું અનાવરણ કરીશ.

કોઈ ખંડકાવ્યો કે મહાકાવ્યોના અપવાદ સિવાયના અન્ય લધુ કાવ્યપ્રકારોમાં જેટલું લાઘવ તેટલી કવિની સફળતા અને આમ એવાં કાવ્યોમાંનું લાઘવ એ કાવ્યનું ઘરેણું બની જાય છે. કાવ્ય રચ્યા પછી કવિનું કામ પૂરું થઈ જતું હોય છે અને વાચકપક્ષે એ કાવ્યને સમજવાની કે માણવાની પ્રક્રિયા શરૂ થતી હોય છે. કાવ્યનો વાચક નાના બાળક જેવો હોય છે. નાનું બાળક પણ ઈચ્છતું હોય છે કે તેને કેટલાંક કામો જાતે કરવા દેવામાં આવે. સફળ કવિ પોતાના કાવ્યમાંની ઘણી બાબતોને વાચક ઉપર છોડી દેતો હોય છે. આટલા સુધી તો કાવ્ય અને કવિતાઓની વાતો થઈ. આ વાત સુરેશભાઈ કે તેમના ‘અવલોકન’ને ક્યાં લાગુ પડે? અહીં તો તેઓ લેખક (ગદ્યકાર) છે અને તેમના અવલોકનોનાં લખાણો એ ગદ્યખંડો છે. મારી આ પ્રસ્તાવનાના વિદ્વાન વાંચકો અને ખુદ લેખક મહાશય સમજી શક્યા હશે કે હું શું કહેવા જઈ રહ્યો છું! કેટલાંક શિરમોર સમાં અવલોકનોનું વધારે પડતું લાઘવ તેમની મર્યાદા બની જાય છે. એવા લેખોમાં વાચકની પણ અપેક્ષા હોય છે કે અતિવિસ્તારના દોષમાં સપડાયા વગર લેખકે એ વાતને થોડીક લડાવીને થોડોક વિસ્તાર કર્યો હોત તો કેવું સારું થાત! જો કે આ બાબતે હું સુરેશભાઈ તરફ આંગળી ચીંધુ છું, ત્યારે ત્રણ આંગળી મારી તરફ હોય છે અને મને તેમના આ દોષથી વિરુદ્ધ એવો મારાં લખાણોમાં ક્યાંક ક્યાંક અતિવિસ્તારનો દોષ લાગુ પડે છે. મારા આ દોષની સાબિતી માટે આપ સૌ વાંચકોએ ક્યાંય જવાની જરૂર નથી. ‘હાથ કંગનકો આરસી ક્યા?’ – આ પ્રસ્તાવના એ જ મારી કબુલાતનું જીવંત ઉદાહરણ છે!!!

બીજી, જો કે ગૌણ ગણી શકાય એવી, આ પુસ્તકમાંની સંકલન કે સંપાદનની ખામી એ છે કે અવલોકનના મોટા ભાગના લઘુલેખોમાં પોતે કબૂલ પણ કરે છે તે મુજબ દીર્ઘ રચનાઓ મુકાઈ ગઈ છે. ક્યાંક તેમના આ શબ્દો વાંચવા મળે છે: “ચાર જગ્યાએ અવલોકન શૈલીથી વિચલિત થઈને અવલોકનને અનુરૂપ સ્વપ્નકથા/ સત્યકથા/ નિબંધ પણ સ્વતંત્ર લેખ તરીકે મૂક્યાં છે.” મારા હળવા મિજાજે કહું તો ચડ્ડી પહેરીને લખોટીઓ રમતાં છોકરાં ભેળા આ મોટી ઉંમરના ચાર પાટલુનધારી યુવકો સામેલ થઈ ગયા છે. જો કે લેખનું કદ નાનું હોય કે મોટું હોય તેનાથી કોઈ ફરક પડતો નથી હોતો, કેમ કે બંને દ્વારા લક્ષ તો એક સધાય છે. સુરેશભાઈએ મારા ઉપરની પોતાની મેઈલમાં આ બુકનાં વધારે પાનાં થઈ ગયાં છે તેવી વાત લખી હતી એટલે જ મેં એ ગૌણ વાતને અહીં દોહરાવી છે કે ઈ-બુકમાં તો ઠીક, પણ પોતે આ બુકને મુદ્રિત સ્વરૂપે પ્રસિદ્ધ કરવાના હોય, ત્યારે આ ચાર લેખને પોતાની અન્ય કોઈ બુક માટે અનામત રાખીને આ બુકનાં પાનાં ઘટાડી શકે છે.

સંસ્કારસિંચન અને ચારિત્ર્યઘડતરને ઉપકારક એવા આ ‘અવલોકન’ પુસ્તકનો દ્વિતીય ભાગ ‘પરિવર્તન’ પેટા શીર્ષકે આપણી સામે છે. લેખક પોતે જ સ્વીકારે છે તે મુજબ આ વિભાગના લેખોને ભલે ‘પરિવર્તન’ વિભાગ હેઠળ મૂકવામાં આવેલા હોય, પણ વાસ્તવમાં તે બધાં ‘અવલોકનો’ જ છે. આ વિભાગના પંદરેક જેટલા લેખ વાંચવા જેવા છે એમ કહેવાના બદલે હું એમ કહું કે આ વિભાગમાંનું પહેલું જ પ્રકરણ ‘પ્રાસ્તાવિક’ માત્ર વાંચશો તો તે મારા માટે પર્યાપ્ત ગણાશે. મારા આ કથન પાછળનું મારું પરોક્ષ કથન તો એ જ છે કે તમે એ સઘળા લેખો વાંચ્યા વગર રહી શકશો નહિ, કેમ કે એ ‘પ્રાસ્તાવિક’ પોતે જ જાદુઈ છે! મીઠાઈ ઉપરના ચાંદીના વરખની જેમ આ પહેલું જ પ્રકરણ આપ સૌને એ વિભાગના બધા જ લેખો વાંચવા લલચાવશે.

‘પરિવર્તન’ વિભાગે લેખકની રજૂઆતમાં આવેલું પરિવર્તન એ છે કે અહીં લેખકે થોડોક ચિત્રોનો સહારો લીધો છે. કેટલાક લેખો ખગોળશાસ્ત્રીય કે અન્ય વિજ્ઞાનની વિદ્યાશાખાઓ ઉપર આધારિત છે. ‘અમેરિકાની ગાંધીગીરીને સ્વીકૃતિ’ લેખમાં માર્ટિન લ્યુથર કિંગ ઉપર ગાંધીવિચારધારાનો પ્રભાવ હોવાની વાત ઉપર અમેરિકી પ્રતિનિધિસભાનો સર્વાનુમતે ઠરાવ એ ‘પરિવર્તન’ શ્રેણીમાં સંપૂર્ણપણે બંધબેસતો લેખ છે. ‘યુદ્ધ-ઉન્માદી (war-maniac) દેશ’ નું બિરુદ પામેલા અમેરિકા માટે ‘અહિંસા’ની વિચારશરણીનો સ્વીકાર એ તે દેશ માટે પણ પરિવર્તનનું પહેલું સોપાન ગણાય.

સમાપને, એક વાત લખવાથી મારી જાતને પરહેજ નથી કરી શકતો. ‘હાસ્યદરબારનાં રત્નો’ના લેખક તરીકે મેં સુરેશભાઈને ‘હાદરત્ન’ તરીકે નીચેના ફકરા થકી ફૂલોમાં ખેંચ્યા હતા: “દેવો અને દાનવોએ મળીને વિરાટ વલોણા વડે સમુદ્રને વલોવ્યો, જેમાંથી ચૌદ રત્નો પ્રાપ્ત થયાં અને જે પૈકીનું ચૌદમા ક્રમે આવતું રત્ન અમૃત ગણાય છે. આ અમૃતની પ્રાપ્તિ માટે દેવો અને દાનવો વચ્ચે મારામારી થતી અને તેથી જ ‘માર’ કે ‘પ્રહાર’ માટે રૂઢિપ્રયોગમાં ‘ચૌદમું રત્ન’ પ્રયોજાય છે. અમારી વિદ્યાર્થી અવસ્થામાં ગુરુજનો ચૌદમા રતનનો ચમત્કાર બતાવીને ભણાવતા. સુરેશભાઈની પાસે વિવિધ વિષયોનું જ્ઞાન હોવું એ બતાવી આપે છે કે તેઓશ્રી કોઈપણ વિષયના શિક્ષકના ચૌદમા રતનથી વંચિત રહ્યા નહિ હોય!!!” બસ્સો અવલોકનોના વાંચનના અંતે સુજ્ઞ વાંચકો મારી એ વાત સાથે ગંભીરતાપૂર્વક સંમત થશે જ કે ગુજરાતી બ્લોગજગતમાં કોઈ સમયે જો ‘જ્ઞાનરત્ન’નું બિરુદ આપવાનું આયોજન થાય તો તેના હકદાર તરીકે નિ:શંકપણે શ્રી સુરેશભાઈ જ બિનહરીફ પસંદગી પામે.

ધન્યવાદ.

-વલીભાઈ મુસા


 
8 Comments

Posted by on May 28, 2012 in લેખ, વિવેચન

 

Tags:

8 responses to “(૩૨૫) સુરેશભાઈ જાની કૃત ‘અવલોકન’ ઉપરનું મારું અવલોકન

 1. સુરેશ

  May 29, 2012 at 2:12 am

  વલી’દા
  આ તો હાથી પહેલાં અંબાડી જેવું થ્યું. પણ દોસ્તીમાં બધુ ગનીમત છે. અને બ્લોગર તરીકે ચીલાચાલુ રસમો પાળવી જરૂરી પણ નથી. આપણે ક્યાં માર્કેટ સર કરવું છે?
  ———–
  મારા પુસ્તકની પ્રસ્તાવનાનાં વખાણ કરવાના અનુચિત વ્યવહારથી તો દૂર જ રહેવું પડશે – પણ મિત્રનો આભાર ન માનવાની આપણી પરંપરા જાળવી રાખવી છે !

  दिलसे जो बात निकलती है; असर रखती है ।
  पर नहीं , ताकते परवाज़ मगर रखती है ।

  Like

   
 2. Laxmikant Thakkar

  May 29, 2012 at 11:46 am

  “આ મહાશય પોતાના વિવિધ બ્લોગ ઉપર સઘળા સાહિત્યપ્રકારે એટલું બધું સાહિત્યસર્જન કર્યું છે કે તે સઘળાને ગ્રંથસ્થ કરવામાં આવે તો ડઝનબંધ પુસ્તકો થાય. વળી તેઓશ્રીએ હજારો બ્લોગ ઉપર પોતાના વિદ્વતાસભર પ્રતિભાવો લખીને એ સઘળા બ્લોગર્સને પ્રોત્સાહિત કર્યા છે. હું પોતે વિનયનના અનુસ્તાક સમકક્ષ ભણતરમાં ગુજરાતી અને અંગ્રેજી સાહિત્ય ભણ્યો હોવા છતાં સુરેશભાઈના ભાષાપ્રભુત્વ સામે વામણો જ પુરવાર થાઉં તેવી મારી નિખાલસભાવે કબૂલાત છે.” ,[પોતે ‘Moody’ કવિ છે જ!]—

  આ ‘કવોલીફાઈંગ’ કોમેન્ટ પછી કોઈ શું કહે? આ વાત પોતે સ્વયમ-સંપૂર્ણ છે જ ! હાલ-તત્કાલ પૂરતું…એટલુજ…

  “કેટલાંક શિરમોર સમાં અવલોકનોનું વધારે પડતું લાઘવ તેમની મર્યાદા બની જાય છે. એવા લેખોમાં વાચકની પણ અપેક્ષા હોય છે કે અતિવિસ્તારના દોષમાં સપડાયા વગર લેખકે એ વાતને થોડીક લડાવીને થોડોક વિસ્તાર કર્યો હોત તો કેવું સારું થાત! જો કે આ બાબતે હું સુરેશભાઈ તરફ આંગળી ચીંધુ છું, ત્યારે ત્રણ આંગળી મારી તરફ હોય છે અને મને તેમના આ દોષથી વિરુદ્ધ એવો મારાં લખાણોમાં ક્યાંક ક્યાંક અતિવિસ્તારનો દોષ લાગુ પડે છે. ”

  પ્રસ્તાવના લેખકની ક્ષમતા,ઈમાનદારી અને નિખાલસતા વિષે ઘણું કહી જાય છે.
  બધું દિલથી સમજ્યા-માણ્યા પછી ફુરસદે વધુ લખીશ…’અવલોકન’બદ્દલ ઓકે? ટીલ ધેન…ગ્રીટીન્ગ્સ!-લા’કાન્ત/૨૯-૫-૧૨

  Like

   
 3. સુરેશ

  May 29, 2012 at 12:48 pm

  આજે ધ્યાનથી આખી પ્રસ્તાવના ફરી એકવાર વાંચી ગયો અને આ કુવાક્ય પર નજર કેન્દ્રિત થઈ-

  ‘જ્ઞાનરત્ન’નું બિરુદ’

  આખી પ્રસ્તાવનામાં આ એક વાત ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ જેવી લાગી.
  ભાગ્યે જ સ્વીકૃત ગણાય એવાં ‘ અવલોકનો’ અને કદીક બાલીશ, ઉતાવળિયા, તોફાની પ્રતિભાવોને આધારે આ જણ અજ્ઞાનીમાં જ ખપે; એવો છે – એને આમ છાપરે ન ચઢાવો. લોકો પથ્થર મારશે – અને તમારે પાછા મિત્રભવે મલમ પટ્ટા કરવા આવવું પડશે.
  અને આમેય હવે અજ્ઞાનનો મહિમા ઠીક ઠીક સમજાવા લાગ્યો છે જ.

  Like

   
 4. Valibhai Musa

  May 29, 2012 at 1:48 pm

  ભલા માણસ, અમે તમને ‘જ્ઞાનરત્ન’ના બિરુદના અધિકારી અમસ્તા નથી કહ્યા! જૂઓ, ફળદ્રુપ ભેજામાંથી કેવો ‘સુવાક્ય’નો વિરોધી એવો અલ્પપ્રચલિત ‘કુવાક્ય’ શબ્દ બહાર આવી ગયો! તમારી ઈબુકના લેખક અને સંપાદક તમે પોતે જ છો. તમારી બુકમાં મારી લખેલી પ્રસ્તાવનામાં તમે ધારો કે ઈચ્છો તેવો ફેરફાર કરી શકો, પણ મારા બ્લોગ ઉપરની આ પ્રસ્તાવનામાં હું કોઈ ફેરફાર નહિ જ કરું, કેમ કે જે લખ્યું છે તે દિલથી લખ્યું છે, નહિ કે દિમાગથી! અહીં તમારી જૂઠ્ઠી પ્રશંસા કરીને મારે શું મેળવવાનું? મેં વિવેચકધર્મ બજાવ્યો છે. મારે બે અને બે ચાર જ કહેવા પડે! પાંચ કહું તો અતિશ્યોક્તિ ગણાય અને ત્રણે અલ્પોક્તિ થાય.

  Like

   
 5. pragnaju

  May 30, 2012 at 12:55 am

  બે વિદ્વાનોની વાત માણવાની મઝા

  Like

   
 6. dhavalrajgeera

  November 11, 2013 at 8:50 pm

  વિદ્વાનોની વાત માણવાની મઝા!

  Like

   
 7. La' Kant

  December 4, 2013 at 5:25 am

  બેઉને અભિનંદન …. વધુ મોટા કરે ,”કોઇક અકળ શક્તિ”

  Like

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: