RSS

(૩૩૧) મારાં હાઈકુ ભાગ – ૮ (ક્રમાંક ૧૧૦ થી ૧૨૯)

21 Jun
(૩૩૧) મારાં હાઈકુ ભાગ – ૮ (ક્રમાંક ૧૧૦ થી ૧૨૯)

પૂંઠ ફરતી,

મુખચંદ્ર છુપાતો,

કેશાવરણે ! (૧૧૦)

#

મુખચાંદલે

દીપે કંકુચાંદલો,

વેરે રતાશ ! (૧૧૧)

#

ઝાંઝર તાલે,

મુગ્ધ ચાલે, કરતી

મનેય મુગ્ધ! (૧૧૨)

#

કંગન ઘસે

મૃદુ કલાઈ, લાવે

શી સુંવાળપ ! (૧૧૩)

#

અતિ સુંવાળી

તવ મૃદુ કલાઈ

ચૂડી ઘર્ષણે ! (૧૧૪)

#

સલામત તું,

મુજ હૃદયપટારે,

તૂટે ત્યાં લગ ! (૧૧૫)

#

પાંપણભાર

ના ઊંચકાયે, રહ્યાં

અબળા ખરે ! (૧૧૬)

#

ગુસ્તાખી માફ !

હૃદયોલ્લાસે દઉં

હચમચાવી ! (૧૧૭)

#

કંઠહાર તો

અવરોધતો, ચુસ્ત

આલિંગનને ! (૧૧૮)

#

વીંછીડંખશી

લટ વક્ર ઝળૂંબે

ભાલપ્રદેશે ! (૧૧૯)

#

હૃદયછિદ્રો

તરબતર તવ

ઓષ્ઠમધુએ ! (૧૨૦)

#

વક્ષસામીપ્યે

ઢળે તવ મસ્તક

હળવી હાંફે ! (૧૨૧)

#

વદનછાબ

સભર દંતચમેલી

ઓષ્ઠગુલાબે ! (૧૨૨)

#

ઘૂંઘટ ઊઠે,

હથેળીઓ તવ તો

બને ઘૂંઘટ ! (૧૨૩)

#

અમે અનંગ,

તમે રતિ મળતાં,

થાયે અર્ધાંગ ! (૧૨૪)

#

શીર્ષવેદના

રામબાણ ઈલાજ

હથેળી તવ ! (૧૨૫)

#

સજોડે ફોટો

એકાંતે, પણ શત્રુ

ફોટોગ્રાફર ! (૧૨૬)

#

યુદ્ધવિરામ-

હરોળ સેંથી શીર્ષે,

યુનોકાંસકી ! (૧૨૭)

#

સાસરિયામાં

સાસુવહુ આગંતુક,

વહુ વિદેશી ! (૧૨૮)

#

જીવનમાર્ગે

ફૂલ, ફૂલ ને ફૂલ !

ઝંખું કંટકો ! (૧૨૯)

#

– વલીભાઈ મુસા

 
7 Comments

Posted by on June 21, 2012 in હાઈકુ, gujarati

 

Tags: ,

7 responses to “(૩૩૧) મારાં હાઈકુ ભાગ – ૮ (ક્રમાંક ૧૧૦ થી ૧૨૯)

  1. pragnaju

    June 21, 2012 at 9:26 pm

    ખૂબ સરસ ચાલો થોડો પ્રયત્ન કરીએ!
    પાંપણો ભારે
    નથી ,રેલ્વેના પાટા
    મળે ભાગ્યથી
    ……………………………..
    જીવન માર્ગે
    ગુલ કરતા કાંટા
    વળગી પડે !

    Like

     
  2. inkandipoetry

    June 25, 2012 at 11:54 am

    હાયકુની મિજબાની…આનંદ! આનંદ!

    Like

     
  3. Laxmikant Thakkar

    June 25, 2012 at 11:56 am

    ” કંઈક ” રોમાન્ટિક=શ્રુંગાર-રસ ભરપૂર…હાઁ ઇ કું તમારા બે ઘડી માં બહેલાવી ગયા!
    જીવનમાર્ગે

    ફૂલ, ફૂલ ને ફૂલ !

    ઝંખું કંટકો ! (૧૨૯)….. [ દ્વન્દ્વની સર્જત બધી વિરોધાભાસ વિના સ્વાદ ના’વે!!! ]

    હા ઇ કું વિષે હાઈ કુ

    હાઈકુ યાને,
    ૧૭ અક્ષર,કોમા,
    એકજ વાક્ય.
    ***
    ૧૭ અક્ષર ,
    માત્ર એક વાક્યમાં ,
    ઉઘડે અર્થ.
    ***
    સરલ બયાન,
    સત્તર અખ્ખરમાં,
    છુપાયા મર્મ.

    =લા’કાન્ત / ૨૫-૬-૧૨

    Like

     
  4. Laxmikant Thakkar

    April 4, 2013 at 5:47 am

    ઓલમોસ્ટ નવ મહિના થઇ ગયા, સાચું કહું તો….ભૂલાઈ જ ગયું.. હતું…હું મારી જ કોમેન્ટ્સ જોઈ ચમક્યો!
    તમે તમારી અંગત ક્ષણો… [ એક દૃષ્ટિએ ફોરપ્લે અને અફ્ટરર્પ્લે જેવુંયે લાગે ક્વચિત.. ]તમારી પ્રિયા સાથેની ,મિલન પછીની શાંત ચિત્તે ધ્યાનમય દશામાં ફરીથી જોઈ…..નિરખી પ્રમાણી લાગે છે!

    “અમે અનંગ,
    તમે રતિ મળતાં,
    થાયે અર્ધાંગ ! (૧૨૪) ” માં.. કર્તા ” અનંગ કેમ?કઈ રીતે? [ તમારું બરોબર નથી ,એમ નહિ…પણ આ જે ,હમણાં, સમજ્યો નહિ…એટલે.. “આધે અધૂરે / હમ તુમ જો મિલે હુએ એકાંગ / સંપૂર્ણ ! ? નહિ ?
    #
    ” શીર્ષવેદના / રામબાણ ઈલાજ / હથેળી તવ ! (૧૨૫) ” માં…સ્પર્શનો મહિમા,પણ એ પ્રિય-પાત્રનો…જ !
    #
    ” મુખચાંદલે” માં કંઈક કઠે છે ! બીજા વિકલ્પો વિચારી શકાય …’મુખ ચન્દ્રમા’ / મુખારવિન્દે’ / ?????…જસ્ટ…
    #
    “રેલ્વેના પાટા મળે ભાગ્યથી ” માં પ્રજ્ઞાજુ શું સૂચવી જાય છે? “આવું સુભગ મિલન ક્વચિત જ શક્ય ?”
    #
    “ઝંખું કંટકો ! (૧૨૯)” ….. માગો અને ખુદા ન આપે એવું બને ખરું? મળે ત્યારે કે’ જો જી!
    #
    “પણ શત્રુ / ફોટોગ્રાફર ! (૧૨૬) “… માં… ફોટો પડાવવા તમે ગયા’તા ને? શત્રુ શાનો? ખુલ્લા થાવ તો વધુ મઝાના “ગમે તેવા”ફોટા મળી શકે ને?તો.”દોસ્ત’ /મિત્ર/યાર” પણ બની જાય ને? યા કોઈ સુ.જા. જેવા ને જ કે’વું ફોટા માટે !
    +- બસ આજ ઇતના હી !

    -લા’ / ૪-૪-૧૩

    Like

     
    • Valibhai Musa

      April 4, 2013 at 11:50 am

      લક્ષ્મીકાન્તભાઈ, મારાં હાઈકુઓના તલસ્પર્શી અવલોકન બદલ આભાર. તમારો સજોડે ફોટો જ્યારે પડ્યો હશે, ત્યારે તમને ફોટોગ્રાફરની હાજરી સહેજ ખટકી તો હશે જ ! ખેર, હમસફર સાથેની સુખમય જીવનયાત્રાનાં સ્મરણો તો એવાં ખુશનસીબ યુગલોની મુલ્યવાન અસ્ક્યામતો હોય છે !

      Like

       
    • Valibhai Musa

      April 4, 2013 at 12:07 pm

      “અમે અનંગ,
      તમે રતિ મળતાં,
      થાયે અર્ધાંગ ! (૧૨૪)

      અહીં એવી કલ્પના છે કે શિવજીના ત્રીજા નેત્રના અગ્નિથી કામદેવ દૈહિક રીતે બળી જતાં અનંગ કહેવાયા અને તેથી પોતે એકલા તો દેખાય નહિ.પરંતુ હવે જ્યારે રતિ મળે ત્યારે તે તો દેખાય અને આમ કામદેવ રતિની હાજરી થકી અનંગમાંથી અર્ધાંગ થાય! પતિપત્ની વ્યક્તિગત રીતે તો અર્ધાંગ જ હોય છે અને બંને મળે ત્યારે જ પૂર્ણ થાય! આમ પતિ માટે અર્ધાંગ શબ્દ પ્રયોજાય અને ‘આ’ પ્રત્યય લાગતાં તે નારી જાતિનો ‘અર્ધાંગના’ શબ્દ બને! તમે વિદ્વાન છો એટલે તમને સમજાવવાનું હોય નહિ, ઊલટાનું મારે શીખવાનું/સમજવાનું હોય ! આ તો જરા મનમાં આવતું ગયું અને લખાતું ગયું!

      Like

       
      • La'Kant

        April 8, 2013 at 10:29 am

        ના, ના… સાહેબ આ તો ,હું રહ્ર્યો અજ્ઞાની જીવ, શિવજીની કથા પૂરાણ થી હું અનભિજ્ઞ ,એટલે સહજ ભૂલ! દરગુજર કરવી જ રહી . આમ તમે મને વિદ્વાન કહી નવાજ્યો તે બદ્દલ ” શુક્રિયા” જી !
        LaKkant / 8-4-13

        Like

         

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.