(૩૩૫) મારી કલમે હું
મારા આ લઘુલેખમાં મારી કલમે હું મારી ૭૧ વર્ષના સમયગાળામાં પથરાએલી મારી જીવનકથા તો ન જ લખી શકું તે એક હકીકત છે અને તેથી જ તો આજે ૭મી જુલાઈ, ૨૦૧૨ના રોજના મારા ૭૨મા જન્મદિવસને અનુલક્ષીને હું અહીં લક્ષ કે દિશા વિહીન કંઈક (જેની મને ખબર નથી કે હું શું લખીશ!) લખવા જઈ રહ્યો છું, જે લખાણ મારા વાચકોને આનંદમિશ્રિત કંટાળો આપવા અને વાંચન દરમિયાન ક્યાંક ક્યાંક તેમનાં નાકનાં ટેરવાંઓ ચઢાવવા માટે સક્ષમ પુરવાર થાય પણ ખરું! આપણા જીવનમાં આપણે કેટલાંય કંટાળાજનક જણ કે જણસો સાથે વળગેલા રહેતા હોઈએ છીએ, એટલા માટે કે આપણે કોઈક મજબુરીઓના કારણે આસાનીથી તેમની સાથેનો છેડો ફાડી શકતા નથી હોતા; પણ, અહીં તમારા કોમ્પ્યુટર સ્ક્રીન ઉપરના મારા આ લખાણથી ભાગી જવા અને તેનાથી પીછો છોડાવવા તમારાં આંગળીઓનાં ટેરવાંઓ તમારા કાબુમાં હોઈ તમે આસાનીથી મને અને મારા લેખને આટલેથી જ જાકારો આપી શકો તેમ છો.
૨૬મી જુન ૨૦૧૨ના રોજ હું માનનીયશ્રી જુગલકિશોરભાઈને અમદાવાદ ખાતે તેમના નિવાસસ્થાને મળવા ગયો હતો. તેમણે મને કેટલાંક પુસ્તકો ભેટ આપ્યાં હતાં, જેમાંનું એક હતું ‘મારે વિશે હું અને એક વી. આઈ. પી.ની આત્મકથા – ન. પ્ર. બુચ’, જેના સંકલનકાર હતા/છે તેઓશ્રી પોતે જ અર્થાત્ શ્રી જુગલકિશોર વ્યાસ. આ પુસ્તક તો હવે પછી વાંચીશ, પણ તેના શીર્ષકના એક અંશને મારા આ લેખના શીર્ષક માટે તફડાવી લેવાની ઈચ્છાને રોકી નથી શકતો. વળી આવી તફડંચી કરનારના જેવી ચાલાકીભરી મોડસ ઓપરેન્ડી (Modus Operandi) અપનાવીને મેં શીર્ષકને ઉપર મુજબ માત્ર શબ્દોએ જ બદલ્યું છે; પણ અહીં ‘નામરૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે’ ની જેમ ખાટલાના ગમે તે છેડે માથું મૂકીને સૂઈએ પણ પીઠિકા તો ખાટલા વચ્ચે જ આવે જેવો ઘાટ થયો ગણાશે! આવી જ હોશિયારી મેં મારા એક લેખના શીર્ષક માટે ભૂતકાળમાં પ્રયોજી હતી, જેનું શીર્ષક હતું, ‘તમાકુત્યાગના પ્રયોગો અથવા મારી શરમકથા’. પૂજ્ય મહાત્મા ગાંધીજીની આત્મકથાના શીર્ષક સાથે પડઘાતા મારા એ લેખના શીર્ષકના ‘શરમકથા’ શબ્દથી હું થોડીક હળવાશ અનુભવું છું, એટલા માટે કે કોઈ એમ નહિ જ માને કે હું એ મહામાનવ અને યુગપુરુષના પેંગડામાં પગ ઘાલવાનો પ્રયત્ન કરી રહ્યો છું.
ક્યાંક લખ્યાનું સ્મરણ થાય છે કે ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ હું સાડા છ વર્ષનો હતો અને બીજા દિવસે સ્થાનિક દવાખાને રાષ્ટ્રના બાપુજીની શહાદતની ગ્રામશોકસભામાં હું મારા બાપુજીની આંગળી પકડીને ગયો હતો. મારા પિતાજીએ મને સમજાવ્યાનું યાદ છે કે અમારા દવાખાનાના ચુસ્ત ગાંધીવાદી ડોક્ટર શ્રી હરિભાઉ લક્ષ્મણરાવ પુરોહિત સાહેબ મહારાષ્ટ્રીયન (મરાઠી) બ્રાહ્મણ હતા અને કોઈ ગાંધીભક્ત આવેશમાં આવી જઈને તેમને હાનિ ન પહોંચાડે તેવી દીર્ઘદૃષ્ટિ અને સમજદારી ગામના આગેવાનોએ દવાખાનાના મેદાનમાં જ શોકસભા રાખીને બતાવી હતી. કોઈ વાચક વિચારશે કે આ લેખના લેખકને એવી તો શી જરૂર ઊભી થઈ કે દેશ અને દુનિયા માટે આઘાતજનક એવી ગાંધીજીની હત્યાને અહીં સાંકળવામાં આવે છે! મારા સુજ્ઞ વાંચકોની જાણકારી માટે ખુલાસો કરી દઉં કે ભૂતકાળમાં પૂજ્ય બાપુજીએ બે કાર્યકરોને હાથશાળના ઉદ્યોગની પ્રત્યક્ષ તાલીમ લેવા માટે બેએક અઠવાડિયાં માટે અહીં કાણોદર ખાતે મોકલ્યા હતા. આમ અમારા ગામ અને બાપુજી વચ્ચે અપ્રત્યક્ષ પણ ઘનિષ્ટ એવો સંબંધ હતો કે જે સંબંધને કોઈ ઓળખનામ તો નહિ જ આપી શકાય.
નરસિંહ મહેતાના એક ભજનમાં કૂળ ઈકોતેર તારવાની કડી આવે છે, જ્યારે મારા કિસ્સામાં તો અહીં વરહ(!) ઈકોતેર ગાળવાની વાત છે. કવિશ્રી કરસનદાસ માણેકના ‘જીવન શું?’ કાવ્યની મારા જેવા સામાન્ય માણસને લાગુ પડતી આરંભની પંક્તિઓની જેમ જીવન એટલે સ્થુળ અર્થમાં કહીએ તો ‘મરતાં લગી જીવવું’ અને આમ હું ઈકોતેર વર્ષોથી એટલા માટે જીવી રહ્યો છું કે મારું મરણ ઠેલાતું રહ્યું છે! ઈ.સ. ૨૦૧૦ના ઓગસ્ટ માસમાં મારા મૃત્યુએ મને ઝડપી લેવાની કોશીશ કરી હતી, પણ અમદાવાદની કૃષ્ણા હાર્ટ હોસ્પિટલના હાર્ટના કારીગરોએ હાર્ટથી કામ કરીને મારા મૃત્યુની કોશીશને નાકામ કરી દીધી હતી. વીર નર્મદના ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ કાવ્યની જેમ જીવતાં જ એવું કોઈ મારા ઉપરનું શ્રદ્ધાંજલિકાવ્ય હું પોતે જ લખું એમ વિચારીને વળી પાછું માંડી વાળું છું, એટલા માટે કે ઘરવાળાં, ઘરવાળી અને સ્નેહીજનોને કમોસમે મિથ્યા રડાવવાં એ તેમનાં અશ્રુનો બગાડ કરવા સમાન ગણાશે!
અમે સઘળાં એટલે કે ડઝનમાં એક ઓછાં ભાઈભાંડું અમારા પિતાજીને તેમની આધેડ ઉંમરે ભૂખનાં પ્રાપ્ત થયાં હતાં, કેમ કે અમારાં પ્રથમ માતુશ્રીનાં સાતેય સંતાન થેલેસેમિઆ મેજર કે એવા કોઈ અગમ્ય રોગના કારણે ત્રણચાર વર્ષથી વધારે જીવી શક્યાં ન હતાં. અમારાં ત્રણેય માતાપિતા અભણ હતાં એટલે કોઈક ભણેલા પાસે ચોપડામાં જન્મતારીખ સળંગ બેઠામેળ (જમા-ઉધાર) પદ્ધતિએ લખાવી દેતાં હતાં. અમે જ્યારે ચોપડાનું એ પાનું ખોલતા ત્યારે અમને એ વાતે આનંદ આવતો કે દરેક જન્મનાર ભાઈભાંડુંને સર્જનહારને ત્યાંથી થએલી આવક તરીકે તારીખ સાથે જમા કરવામાં આવતાં હતાં અને તે જ રીતે કુટુંબમાંથી અવસાન પામનારને તારીખ સાથે ઉધારી દેવામાં આવતાં હતાં. દુન્યવી નાણાકીય વ્યવહારની જેમ વિધાતા સાથે ચાલતા કૌટુંબિક વ્યક્તિઓના જન્મમરણનું આ ખાતું એક એવા ઉમદા ખ્યાલને પેશ કરતું હતું કે દરેક જન્મનાર એ ઈશ્વર (અલ્લાહ) તરફથી આપણા કુટુંબમાં મૂકવામાં આવેલી થાપણ કે અનામત છે અને તે ઈચ્છે ત્યારે પોતાની અનામતને પાછી લઈ શકે છે અને આમ એ ટાણે આપણે રડવા-કકળવાનું ન હોય પણ હસતા મોંઢે એ અનામત પરત કરી દેવાની હોય!
આમ જન્મ તથા મૃત્યુ અને આ બંને અંતિમો વચ્ચે જીવવામાં આવે છે તે જીવન, પછી ભલે તે સુખમય હોય કે દુ:ખમય હોય, એ સઘળું ઈશ્વરની મરજીને આધીન સમજવામાં આવે તો આ એક માત્ર સમજણ જ શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક કે એવા કોઈ પણ ઇકાન્તવાળાં એવાં લાખ દુ:ખોની એક માત્ર દવા સિદ્ધ થઈ શકે તેમ છે. મારો કે અમારાં કુટુંબીજનોમાંથી કોઈનોય જન્મદિવસ કદીય ઊજવવામાં આવતો ન હતો. અમારાં માવીતર બિચારાંને તો તેમના પોતાના જન્મદિવસ કે ઉંમરની સાચી જાણ સુદ્ધાં પણ ન હતી. છપ્પનિયો કાળ કે ચોપ્પનિયો પ્લેગ માત્ર એ સમયનાં આધાર વર્ષ ગણવામાં આવતાં હતાં. ઈ.સ. પૂર્વે કે ઈસ્વીસન (B.C. કે A.D.)ની જેમ લોકો અમુક કે તમુક અને તે પહેલાં કે તે પછી એમ અંદાજીત વર્ષોથી પોતાની ઉંમર જાણવા કે જણાવવા પૂરતી પોતાની અટકળો લગાવતાં હતાં. ભણતર, આર્થિક સમૃદ્ધિ, ચલચિત્રોમાં એવાં દૃશ્યો, સંતાનો પરત્વેનો માતાપિતાનો પ્રેમ અને vice versa એવાં બધાં કારણોએ સાથે મળીને ઘરના મોભીના ખિસ્સા ઉપર હલ્લો બોલાવવો શરૂ કર્યો અને નિવારી શકાય તેવા બિનજરૂરી અને બિનઉત્પાદક જન્મદિવસની ઉજવણીના ખર્ચનો મધ્યમ વર્ગનાં કુટુંબોમાં પણ તેમના ઘરખર્ચમાં ઉમેરો થવા માંડ્યો. આજે તો નિશાળોમાં પણ જે તે છોકરાંઓના વર્ગ પૂરતી તેમના જન્મદિવસોની ઊજવણીઓ થાય છે અને બક્ષિસોની કે ચોકલેટોની આપલે પણ થતી હોય છે.
વચ્ચે એક આડવાત મૂકી દઉં કે થોડાંક વર્ષો પહેલાં અમેરિકા સ્થિત મારા મરહુમ મિત્ર જાફરભાઈ સાથે હું દુબઈ ગયો હતો. ત્યાં વસતા અમારા ગામના એક સુખી માણસે મને અમારા વતનના કેટલાક ગરીબ, બીમાર અને અસહાય માણસોને મદદ માટેની યાદી અને ત્યાંના ચલણનાં નાણાં આપ્યાં. મેં એક નામ ઉમેરવાનું સૂચવ્યું તો તેમણે કટાણું મોં કરતાં મને કહ્યું કે એ ભાઈનું નામ મારી યાદીમાં મેં કાયમી જરૂરિયતમંદ માણસ તરીકે ગઈ સાલ સુધી જાળવી રાખ્યું હતું, પણ મને એક વાતની જાણ થતાં મેં તે નામ કાયમ માટે રદબાતલ કરી દીધું છે. મેં તેમને ‘કઈ વાત?’ એમ પૂછ્યું તો તેમણે જવાબ આપ્યો કે ‘એ માણસ પોતાના દીકરાની જન્મદિવસની ઊજવણીનું નકામું ખર્ચ કરે છે માટે તે જરૂરિયાતમંદ ન ગણાય.’ મારા લેખનો અતિવિસ્તાર ન થાય તે માટે હું મારા વાચકો ઉપર એ અનુમાન કરવાનું છોડું છું કે મેં પેલા ભાઈને એવી કઈ દલીલોથી સમજાવ્યા હશે કે જેથી તેઓશ્રી પેલા જરૂરિયાતમંદ ભાઈને મદદ કરવા માટે માની ગયા હતા.
મારા જન્મદિવસ નિમિત્તે લખાઈ રહેલા આ લેખમાં શરૂઆતમાં જણાવી દીધા મુજબ હું લક્ષહીન કે દિશાહીન આડુંઅવળું ઘણું લખી ચૂક્યો છું. હવે મૂળ પાટે આવી જતાં આપ સૌ વાચકોનો થોડો વધુ સમય લઈને એક વાત જણાવી દઈશ કે ઘણીવાર કેટલાક માણસોને પોતાને ન ગમતાં કાર્યોને અન્યોની લાગણીઓને સંતોષવા ખાતર પણ કરવા દેવાં પડતાં હોય છે. ‘માજા વેલા’ (એક સરસ મજાની ગુજરાતી વાર્તાનો નાયક) ના બહોળા કુટુંબ જેવું જ સંયુક્ત કુટુંબ ધરાવતા આ લેખના લેખક ‘મુસા વલા’ ભલે જન્મદિવસની ઊજવણીમાં ન માનતા હોય, પણ કુટુંબના સભ્યોની લાગણીને માન આપવા ખાતર પણ તેમણે પોતાની મૂક સંમતિ આપવી જ પડે તે પણ એક હકીકત છે. ઈ.સ. ૧૯૯૪માં મારા ત્રેપનમા જન્મદિવસની ઊજવણી રાત્રે થવાની હતી અને તે દિવસની સવારે જ અમેરિકાથી માત્ર મારા કુટુંબ ઉપર જ નહિ, પણ સમગ્ર ગામ અને આજુબાજુના વિસ્તાર ઉપર જાણે કે વીજળી ત્રાટકી હોય એવા મારા લધુબંધુ હાજી ડો. અલીમહંમદ મુસાના હૃદયરોગના પહેલા અને આખરી હુમલા થકી મધ્યાહ્ને સૂર્યાસ્તની જેમ માત્ર ૪૧ વર્ષની ઉંમરે થએલા અવસાનના ટ્રંકકોલે મને અને મારા કુટુંબને મારો જન્મદિવસ આગામી બાર વર્ષો સુધી ઊજવવાનું ભૂલવાડી દીધું હતું. છેલ્લે મારા પાંસઠમા જન્મદિવસે કુટુંબના તમામ જણે મારા પુત્રો અને મને પાલનપુરથી કારોબાર પતાવીને ઘરે આવતાં એવું ભેદી સરપ્રાઈઝ આપ્યું કે બાર વર્ષ પછી મારો જન્મદિવસ ઊજવાયો જે હાલ સુધી ચાલુ છે.
સમાપન પૂર્વે, હું મારી એક વાતને દર્શાવ્યા સિવાય રહી શકીશ નહિ. મારા અમેરિકા નિવાસી વડીલ મિત્ર મરહુમ મહંમદઅલી પરમાર ‘સુફી’ સાહેબ કે જેમની સાથે મારો અપ્રત્યક્ષ સહવાસ માત્ર ત્રણેક માસનો જ રહ્યો હતો, તેમના ‘આધ્યાત્મિક કાવ્યો’ બ્લોગ ઉપરના તેમના ‘આત્મપરિચય’ પેજ ઉપરના તેમના શબ્દોને અહીં હું મારા જન્મદિવસના મારા એક નવીન સંકલ્પ અન્વયે ટાંકું છું : “આધ્યાત્મનાં લક્ષણ જન્મની સાથે અલ્લાહે મને આપીને ધરતી પર મોકલ્યો એટલે પૂરું જીવન બેચેનીમાં રહ્યું કારણકે મારા સ્વતંત્ર આધ્યાત્મિક વિચારોને દબાવી રાખીને બીજાઓની મરજી મુજબ મારે જીવન જીવવું પડ્યું હતું. વિચારો કરવાની સ્વતંત્રતા અને વિચારો દર્શાવવાની સ્વતંત્રતાની ઘણી વાતો મેં સાંભળી હતી, પરંતુ આ જીવનમાં તેમને અમલમાં મૂકવાનું શક્ય બન્યું ન હતું. આમ છતાંય મેં મારાં કાવ્યોમાં મારા આધ્યાત્મિક વિચારો દર્શાવવાનો થોડોઘણો પ્રયત્ન કરેલો જ છે.”
ગુરુ દત્તાત્રેયે જેમની પાસેથી જે કંઈ શીખવા મળ્યું તેમ શીખતા જતાં ચોવીસ ગુરુઓ બનાવ્યા હતા. બસ. એ જ રીતે મારા ૭૨મા જન્મદિવસનો જે એક સંકલ્પ (Resolution) કરવા હું જઈ રહ્યો છું તે માટેની પ્રેરણા મને ‘સુફી’સાહેબના ઉપરોક્ત વિધાનમાંથી પ્રાપ્ત થઈ છે. મારો જે કંઈ સંકલ્પ છે તેને હું શાબ્દિક રીતે કે સવિસ્તાર જાહેર તો નહિ કરું, પણ મારી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહવાસમાં આવનાર મારાં સ્નેહીજનો કે મિત્રોને મારા વાણી, વ્યવહાર કે વર્તનમાંનાં પરિવર્તનો ‘હાથ કંગનકો આરસી ક્યા!’ અનુસાર જાણવા મળી જ જશે તે નિ:શંક છે. રહસ્યમય જેવા લાગતા એવા મારા સંકલ્પને જાણવાની ઈંતજારીના ભાગ રૂપે ભવિષ્યે મારા ઉપર સંભવિત થનારા પ્રશ્નોના મારાથી બચવા અગમચેતી રૂપે સંકેત આપી દેતાં મને કહેવા દો કે મારો સંકલ્પ એ જ હશે કે હું મારી જિંદગીનાં શેષ વર્ષો મારી મરજી મુજબ એટલે કે વૈચારિક સ્વતંત્રતા સાથે જીવીશ, સતત નિર્ભયતાના એ ખ્યાલ અને શબ્દો સાથે કે ‘Who cares!’.
અંતે મારી ‘મિજાજ’ શબ્દના સંયોજન થકી જુદાંજુદાં શીર્ષકોએ જુદાજુદા વિષયોને આવરી લેતી પ્રસિદ્ધ થએલી અને પ્રસિદ્ધ કરવા ધારેલી મારા નિબંધો અને લેખોની ગુજરાતી ઈ-બુક્સ જેવી કે ‘હળવા મિજાજે’, ‘વિચારશીલ મિજાજે’, ‘પ્રસન્ન મિજાજે’, ‘સમભાવી મિજાજે’, ‘પરિવર્તિત મિજાજે’ અને અંગ્રેજી ઈ-બુક્સ જેવી કે ‘In Light Mood’, ‘In Thoughtful Mood’’ અને ‘In Changing Moods’ એમ મળીને કુલ્લે લખવામાં આવેલી આઠ ઈ-બુક્સ ઉપરાંતની વધુ એક ‘મિજાજ’ શબ્દધારી ઈ-બુક ‘મારા મિજાજે!’ને હવે પછી મારે માત્ર જીવી બતાવવાની છે. આયુષ્યદોરી સર્જનહારના હસ્તક હોઈ માત્ર તે જ જાણે છે કે હું મારા નવીન સંકલ્પ સાથે ભવિષ્યે કેટલા જન્મદિવસો ઊજવી શકીશ.
અસ્તુ.
-વલીભાઈ મુસા
Like this:
Like Loading...
Related
Tags: જુગલકિશોર વ્યાસ, તમાકુત્યાગ, થેલેસેમિઆ, ન.પ્ર.બુચ
pragnaju
July 7, 2012 at 7:22 pm
૭૨મો જન્મદિન મુબારક
સુખને દુઃખનો ગુલાબી મિજાજ કહ્યો છે.આધ્યાત્મિકતા કહે છે સુખ અને દુઃખ આવે છે ને જાય છે.લાગણીઓ નાં વિવિધ સ્વરૂપોનું નામ સુખ અને દુઃખ છે.એક જ સિક્કાની બે બાજુની.એક જ ગુણ માટે સફળતા અને નિષ્ફળતાની પરિસ્થિતિઓમાં જુદા જુદા શબ્દ વપરાય છે.સફળ માનવીની અડગતાને દ્રઢનિશ્ચય જયારે નિષ્ફળ માનવીની અડગતાને જીદ્દીપણું કહેવાય છે.. હકીકતે બંનેમાં ગુણ એક જ છે અડગતાનો.
“કાવ્યોમાં મારા આધ્યાત્મિક વિચારો દર્શાવવાનો થોડોઘણો પ્રયત્ન કરેલો જ છે.”…………………………..
આપણા જલનસાહેબ કહે છે તેમ
અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઈલાજ છે?
ખુદાના, પ્રભુના, પરમપિતા પરમેશ્વરનાં અસ્તિત્વ વિષે વાત થઇ છે.” ઉપરવાળા”નું અસ્તિત્વ વિશ્વાસ પર આધારિત છે. જેને વિશ્વાસ છે એના માટે પ્રભુ છે જેને નથી એના માટે પ્રભુ નથી. બંને મત પોતાના સ્થાને અડગ છે. જો કે ઘણી એવી ઘટનાઓ બની છે જેણે ઘોર નાસ્તિકને આસ્તિક અને ઘોર આસ્તિકને નાસ્તિક બનાવ્યા હોય.
Have a
Marvelous
72nd Birthday!
LikeLike