RSS

(૩૩૮) વ્યંગ્ય કવન (અવલોકન) – શરદ શાહ

29 Jul
(૩૩૮) વ્યંગ્ય કવન (અવલોકન) – શરદ શાહ

તારીખ ૨૭મી માર્ચ, ૨૦૧૨નો દિવસ. આજે ઓફિસમાં વાર્ષિક બોર્ડ મિટિંગ હતી, એટલે રોજ કરતાં થોડા વહેલા ઓફિસે પહોંચવાની ગણતરી હતી. બરાબર ૧૦.૩૦ મિનિટે મોબાઈલની રીંગ વાગી અને ફાળ પડી કે નક્કી કોઈ ડાયરેક્ટરે અગત્યનાં ચાલી રહેલાં કેટલાંક કામો અંગે ચર્ચા કરવા માટે બોલાવ્યો હશે. પણ, ત્યાં તો સામે છેડેથી મધુર અવાજે વલીદા બોલ્યા, ‘અસ્સલામો અલયકુમ, શરદભાઈ’. અધ્ધર જીવ હેઠે બેઠો અને વલીદાની સલામનો જવાબ આપીને મેં તેમના ખબરઅંતર પૂછ્યા. વલીદા બોલ્યા. ‘ક્યાં છો? રૂબરૂ મળવા આવવું છે. હું અહીં વી.એસ. હોસ્પિટલ પાસે છું.’ સાંભળતાં જ વળી ફાળ પડી ને થયું કે,’ વલીદાને પણ બોર્ડ મિટિંગને દિ’ જ મળવાનું મુહૂર્ત નીકળ્યું?’. પણ વળી પાછા વલીદા માટેના આદર અને પ્રેમે મારા દિમાગ ઉપર કબજો જમાવ્યો અને મેં તેમને મૃદુ અવાજે કહ્યું, ” તમે કાપડિયા ગેસ્ટહાઊસ બહાર ઊભા રહો, હું તમને લેવા આવું છું.”

થોડીવારમા હું વલીદાને ઓફિસે તેડી લાવ્યો. વલીદા સાથેની મારી બીજી પ્રત્યક્ષ મુલાકાત હતી અને આજે તેઓ થોડા વધુ યુવાન દેખાતા હતા. થોડી ઔપચારિક વાતો પછી વલીદાએ પ્લાસ્ટિકની થેલીમાંથી તેમની હાસ્યરચનાઓનુ બિલાડું કાઢ્યું અને મને કહ્યું, ‘શરદભાઈ, તમારે આ પુસ્તિકાની પ્રસ્તાવના લખવાની છે.”

અણધારી આ અરજે મને આશ્ચર્યમાં મૂકી દીધો. મનમા થયું કે ખરેખર વલીદા આજે મુહૂર્ત જોયા વગર જ નીકળ્યા છે અને ભેખડે ભરાણા છે. સામાન્ય રીતે લેખકો કે કવિઓ પ્રસ્તાવના લખવાની વિનંતિ કોઈ પ્રસિધ્ધ સાહિત્યકાર, વિચક્ષણ ભાષાવિદ કે કવિવરને કરતા હોય છે, પણ વલીદાએ મને કયાં કારણોસર પસંદ કર્યો હશે તે મારા માટે હજુ સુધી રહસ્ય જ છે.

પ્રથમ તો એ કે હું કોઈ સાહિત્યકાર નથી કે કવિ પણ નથી અને પુસ્તકો વાંચવાનો હું શોખીન પણ નથી. બીજું એ કે મેં જેટલાં પુસ્તકો વાંચ્યાં છે તેની પ્રસ્તાવના કદીય વાંચી નથી ક્યારેક ભૂલમાં કોઈ પ્રસ્તાવના વંચાઈ ગઈ હોય તો મને હંમેશાં એવું લાગ્યા કર્યું છે કે પ્રસ્તાવના લખનારે અનિવાર્યપણે પુસ્તકના લેખક કે કવિનાં વખાણ જ કરવાં જરુરી હોય છે. વળી સાચું કહું તો મને આવી ભાટ-ચારણના જેવી નૈસર્ગિક કલા પણ હસ્તગત નથી. ફરી પાછા વલીદા માટેના મારા દિલી પ્રેમે અને આદરભાવે ઊછાળો માર્યો અને મને થયું કે વલીદાએ પ્રસ્તાવના માટે મને પસંદ કર્યો છે, તો તેની પાછળ જરૂર કંઈક કારણ તો હશે જ.

આમ કારણો શોધવામાં મારી કેટલીક રાત્રિઓની નિંદર બગડી. છેવટે મેં મારા મનને મનાવ્યું કે મારે મારી નિંદર બગાડવાની કોઈ જરૂર નથી. મને જેવું આવડશે તેવું લખીશ અને ભલેને વલીદાની કે વાચકોની નિંદર બગડતી! બહુ બહુ તો મારી મૂર્ખામીભરેલી પ્રસ્તાવના વાંચીને લોકો હસશે. આમેય વ્યંગ્યકાવ્યોની આ કૃતિ દ્વારા વલીદાનો આશય વાચકોને હસાવવાનો જ છે, તો ભેગાભેગું મારું અણઘડ લખાણ પણ તેમના એ કાર્યમાં મદદરૂપ થશે. આમ કવિ તરીકે તેમણે લખેલાં વ્યંગ્ય કાવ્યોને આ પ્રસ્તાવનાના લેખક તરીકે અન્ય વાચકોથી પહેલાં અને વલદા પછી બીજા ક્રમે તરત જ તેમને વાંચવાનો લ્હાવો મળ્યો છે તો મનમાં એમ ગાઈને મારા કાર્યમાં આગળ વધું કે ‘આજનો લ્હાવો લીજિએ રે, કાલ કોણે દીઠી છે?’ ચાલો ત્યારે, વલીદાનાં કાવ્યોનું પઠન કરતાં કરતાં થોડા હળવા થઈએ, જીવનમાં થોડા હાસ્યના રંગો ભરીએ. હાસ્યના ફુવારા ન ઊડે તો કાંઈ નહી, પણ બેચાર મુસ્કાન મુખ પર છવાય તો પણ વલીદાનો પ્રયાસ સફળ થએલો ગણાશે.

વલીભાઈ નો જન્મ અને ઉછેર કાણોદર (પાલનપુર) નામના નાનકડા ગામમાં થયો. તેમણે એમ એ.સુધીનુ ભણતર અંગ્રેજી અને ગુજરાતી સાહિત્ય સાથે કર્યું. મૂળ સાહિત્યનો જીવ પણ સંસારઘાણીએ જોતરાયો અને ધંધા અર્થે તેમજ સામાજિક કાર્યો અર્થે તેઓ પાલનપુર તેમજ અમદાવાદ શહેર સાથે ખૂબ સંકળાયેલા રહ્યા અને સાથે સાથે વિદેશની યાત્રાઓ પણ કરી. આમ તેમનાં કાવ્યોમાં ગ્રામ્યજીવન અને શહેરી જીવનના બધા રંગો પુરાયા છે. તેમણે ક્યારેક પોતાનાં કાવ્યોમાં ગ્રામ્યજીવનની વાતો વણી છે, કયારેક તેમણે તળપદી પાલનપુરી ભાષાનો પ્રયોગ કર્યો છે, તો વળી ક્યારેક તેમણે અંગ્રેજી મિશ્રિત ગુજરાતી (ગુગલીશ)માં કાવ્યો રચ્યાં છે. જીવનના ઘણા બધા પ્રસંગો કે જેમાંથી હાસ્યરસ નિષ્પન્ન થતો હોય તે સઘળા તેમની ઝીણી નજરથી ચુકાયા નથી. વિવિધ ઘટનાઓ અને પાત્રોને કલમબદ્ધ કરતા રહીને તેમણે તેમનાં આ સઘળાં કટાક્ષ કે વ્યંગકાવ્યોને એવી રીતે રચ્યાં છે કે વાચક એકલો એકલો મરક મરક હસ્યા કરે અને વાંચ્યા કરે. વ્યંગ અને હાસ્ય એકબીજાનાં પૂરક બની રહ્યાં છે અને તેમાં જ વલીભાઈની સર્જકતાની ખૂબી અને સફળતાનાં દર્શન આ કાવ્યસંગ્રહમાં થયા સિવાય રહેતાં નથી.

આ સંગ્રહમાંનાં વલીભાઈનાં તમામ કાવ્યો અછાંદાસ એટલે કે છંદવિહીન છે. હાસ્ય કે વ્યંગ કાવ્યો શાર્દૂલવિક્રીડિત કે મંદાક્રાન્તા જેવા છંદોમાં જરા અજુગતા પણ લાગે! આમેય માણસ હસે છે કે રડે છે, ત્યારે ક્યાં મલ્હારમાં કે દિપકરાગમાં હસે કે રડે છે? તો પછી, હસવા માટે કોઈ છંદબધ્ધ કાવ્યની જરુર ખરી? કદાચ આજ ફિલસુફી વલીભાઈની અને તેમના જેવા અછાંદસ કાવ્યો લખનારા કવિઓની હશે! આથી જ તેમનાં કાવ્યો થોડી જુદી જ ભાત પાડે છે.

“હાઈકુ” આમ તો જાપાનીઝ કાવ્ય પ્રકાર છે. ઝેન ગુરુઓએ હાઈકુ શૈલીમાં અધ્યાત્મનાં અનેક ગુઢ રહસ્યોને વણી લીધેલાં જેના પરિણામે હાઈકુ જગવિખ્યાત બન્યું. વલીદાએ ક્યાંક હાઈકુ તો ક્યાંક હાઈકુ-સોનેટનો કુશળતાપૂર્વક ઉપયોગ કરીને નાનીનાની ઘટનાઓને રમુજથી ભરી દીધી છે.

“નાસ્ય નાથિયા”માંનાં આવાં ૧૧ હાઈકુઓ રમૂજી ફજેતાની ગાથા કહી જાય છે. શિશિરની ઠંડીમાં ઠંડો પવન ન લાગે તે માટે ઊંધો કોટ પહેરેલા પતિને શ્રીમતીજી દ્વિચકડિયાની પાછલી સીટે બેસાડીને લઈને નીકળે છે. રસ્તામાં પતિ સાથે કંઈક વાત કરતાં પ્રત્યુત્તર ન મળ્યો એટલે તેણી સ્કૂટરને પાછું વાળે છે, એમ વિચારીને કે રસ્તામાં તેણીનો.પતિ ક્યાંક ફંગોળાઈ ગએલો હોવો જોઈએ. બેએક ગાઉ પાછળ જઈને દ્વિચકડિયાને પડતું નાખીને તેણી લોકોના ટોળામાં પેસે છે. ચિત્તભ્રમ થઈ ગએલા પેલા પરોપકારી જીવો ઊંધા પહેરેલા કોટના કારણે પેલા પતિમહાશયની ગરદન સીધી કરવાના પ્રયાસ કરે છે. શ્રીમતીજી મીઠા ક્રોધ અને છણકા ભર્યા સ્વરે ટોળાને ટપારે છે અને ઘટસ્ફોટ કરે છે, “નખોદિયાઓ બૂટ તો જૂઓ!’, પરંતુ નસીબજોગે વોટરબેગમાંથી પાણીનો છંટકાવ કરતાં પતિ ‘ઉમૈડો’ કરે છે અને આમ કાવ્યનો સુખદ અંત આવે છે બસ, આવી સીધી સાદી વાતને શબ્દોની રમતનો સ્પર્શ અપાતાં ‘વાહ, વલીદા વાહ!’ બોલ્યા વગર રહેવાશે નહિ..

તો વળી એક વિશેષ મજેદાર હાઈકુ-સોનેટ કાવ્ય છે, ’મિષ્ટ દાંપત્યે’. તેમાંનો ‘બાઝવું’ શબ્દ દ્વિઅર્થી છે; બાઝવું એટલે ઝગડવું અને ભેટવું! કાવ્યના અંતિમ હાઈકુમાંના ‘સુખ સહીશું!’ શબ્દો લાજવાબ છે. સુખ અને સંતોષમાં સમાપન પામતા કાવ્યમાં પેલા ‘બાઝવું’ ના દ્વિતીય અર્થ ’ભેટવું’ને વાચકે અધ્યાહાર સમજી લેવાનો છે અને એવી ઉભયના આલિંગનની ચેષ્ટાને પણ કલ્પી લેવાની છે. પતિપત્નીના મધુર સંવાદોથી કાવ્ય પણ મધુર બન્યું છે. જો કે લગ્નનાં વરહ-બે વરહ પછી પણ આવા સંવાદો ભાગ્યે જ સાંભળવા મળે, ત્યાં અહીં તો નાયક-નાયિકાને પરણ્યા પછી ત્રણ ત્રણ છોકરાં જન્મી ચૂક્યાં છે! લયલા-મજનુ પણ પરણી ગયાં હોત તો આવી જ વાતો કરતાં હોત અને સુખદુ:ખમાં એકબીજાનો સાથ નિભાવતાં હોત! વાચકોએ આ કાવ્યને ખરેખર જો માણ્યું હોય, તો એવું નથી લાગતું કે તેમણે પોતાના પ્રિયજન સાથે આવા મધુર સંવાદો કરતા રહીને પોતાના દાંપત્યજીવનને પણ મધુર બનાવી લેવું જોઈએ..

આ સંગ્રહની બધી જ રચનાઓ ‘અછાંદસ’ છે, કોઈપણ .જાતના અવરોધ વગર વહ્યે જતી સરિતા જેવી! કેટલીક રચનાઓ સુદીર્ઘ હોઈ; ડોકટરે મોટા ટિકડા આપ્યા હોય અને ગળતાં ગળતાં તકલીફ તો પડે, પણ એકવાર તે અંદર ઊતરી ગયા પછી તેનો સુપ્રભાવ શરૂ થઈ જાય; બસ તેમ જ આ કાવ્યોના એવા જ સુપ્રભાવની અનુભૂતિ ભાવકને થયા સિવાય રહેતી નથી.

“લ્યો રે, ઘર આંગણે લ્યો રે” એક એવું સરસ મજાનું વ્યંગકાવ્ય છે કે જેમાં આરોગ્ય ક્ષેત્રની આપણા દેશની સાંપ્રત સમસ્યાઓને ઉજાગર કરવામાં આવી છે. શહેર ભણી ભાગતા ડોક્ટરગણ શહેરોમાં તો ઉભરાવા માંડ્યા છે અને ગામો તેમની સેવાઓથી વંચિત છે. આવા એક શહેરમા સવારની અર્ધનિંદર અવસ્થામાં પથારીમાં પડ્યા પડ્યા રોજબરોજ આવતા ફેરિયાઓના અવાજની સાથે સાથે ફેરીએ આવેલા એક ડોક્ટરનો અવાજ સંભળાય છે, ”કોઈ ઈન્જેક્શન તો લગવાઓ! કોઈ દવાઈયાં તો લિખવાઓ!’. આ હાક સુણી ભડવીર વલીભાઈ પથારીમાંથી સફાળા જાગી જાય છે અને આપણી અને ડોકટરોની પણ ઊંધ ઊડાડી નાખે છે!

વ્યંગ બીજાઓ ઉપર કરવો તો સહેલો હોય છે, પણ વલીદા પોતાની જાત ઉપર પણ વ્યંગ કરી જાણે છે તે તેમના એક બીજા કાવ્ય ‘હવે ઊઠશો કે?માં જોવા મળે છે. વલીદા કહ્યાગરા કંથ જેવા લાગે છે, પણ પાછા ઘરકામ બાબતે ભોટ પણ ખરા જ!. મોટાભાગના પુરુષોની જેમ પત્નીની આજ્ઞાનું પાલન કરતા દૂધ લેવા તો નીકળે છે, પણ પાત્રની પસંદગીમા ભૂલથાપ ખાઈ જાય છે. છેવટે ખરાખરીનો ખેલ શરૂ થાય છે, એ જાણવા માટે તો વાચકોએ કાવ્ય જ વાંચવું પડશે. આવા જ એક જાણીતા હાસ્યટુચકાના.બે ખુદાબક્ષ રેલ્વે મુસાફરો ટિકિટચેકરને કેવી રીતે ઉલ્લુ બનાવતા હોય છે તે અહીં રસળતી કાવ્યમય ભાષામાં રજૂ થાય છે, ત્યારે લાગે છે કે સોનાની નકશીદાર તાસકમાં કોઈએ તાંબુલનુ બીડું મૂક્યું હોય અને તેની અંદર ખીચડી ભરી હોય! .

આપણા બધાનો મુસાફરી દરમ્યાન અનુભવ હોય છે કે આપણે જે ટ્રેનમાં કે બસમાં બેઠા હોઈએ તેની બાજુની બસ કે ટ્રેન ઉપડે તો એક આભાસ ઊભો થતો હોય છે, જાણે આપણી બસ કે ટ્રેન ઉપડી હોય! આવી જ એક કથા છે એક માજીની, પણ માજી મહામાયા નીકળે છે! માટે જ તો વલીદાએ કાવ્યનુ નામ રાખ્યું છે ‘જરા કહેશો, ડોકરીનો આઈક્યુ!’ આ ડોકરી જ્યારે કંડક્ટરને કહે છે કે,” ચેવો બણાયો! હી હી હી!’, ત્યારે જ આપણને પણ ખબર પડે કે આપણો આઈક્યુ કેટલો છે!

પારિજાતના ગજરામાં પહાણો છુપાવી તેને કેમ મારવો તે એક કલા છે. આ કલા શીખવી હોય તો પઠન કરો, ‘પેલાના રૌદ્ર સ્વરુપે!’નું. કાવ્યના અંતે ‘પેલાએ પેલાને મુક્કો માર્યો’ તેવું વાંચ્યા પછી પણ ખબર ન પડે કે કયા પેલાએ કયા પેલાને મુક્કો માર્યો હશે! ખાસ્સું વિચાર્યા પછી મેં અનુમાન કર્યું કે નક્કી ધૈર્યપૂવક સુસંસ્કૃત ગાળો જે સાંભળતો હતો, તેણે જ મુક્કો માર્યો હશે. આવું વાંચીને વલીદા મને મુક્કો ન મારે તો સારું!. કાવ્યનો રસાસ્વાદ ખુદ જ માણી લ્યો, હું બધું જ કહી દઈશ તો તમે પણ મને મુક્કો મારવા દોડશો!

ભારતમાં સૌથી વધારે રમૂજ કોઈ ખાસ કોમ કરતાંય વધારે સરકાર અને રાજકારણિયાઓ ઉપર થતી હોય છે. એક કાવ્ય ‘થોડુંક દાઝે તો ખરું ને!’નું મથાળું વાંચીને એમ થાય કે કોઈ અણઘડ રસોડાની રાણીની મજાકની વાત હશે, પણ કાવ્ય વાંચીએ ત્યારે જ સમજાય કે અરે, આ તો પાંચ વર્ષે ચૂંટણી ટાણે જ દર્શન દેતા મતભિક્ષુકોની ઠંડા કલેજે ઊડાડેલી ઠેકડી છે; વળી તે પણ એક અબુધ ગણાતા ગામડિયા કાકાના મુખે મુકાએલા ગામઠી ભાષાના શબ્દોના લુફ્ત સાથે વ્યંગ અને હાસ્યનો કેવો સમન્વય!

છોરા-છોરીએ જાતે પોતાના લગ્નની સમસ્યા ઉકેલી ન હોય અને એકદમ પરણવાની ઉંમરે પહોંચી જાય, ત્યારે હાલના યુગમાં માબાપની હાલત કફોડી થઈ જતી હોય છે. એ તો જે દીકરી કે દીકરાનો બાપ તેમના માટે યોગ્ય પાત્ર શોધવાની પ્રક્રિયામાંથી પસાર થયો હોય તે જ આવી વ્યથાને સમજી શકે! આવી જ એક સુ-વર શોધવાની સામાજિક પ્રક્રિયામાં કેવા છબરડા વળે છે અને મુરતિયાના કેવાં હાલ થાય છે તે જાણવા તમારે ‘મિત ભાષાએ કહું?’ એ વાંચવાનું કહેવા મારે પણ મિત ભાષાએ જ કહેવું પડશે!

કહેવાય છે ને કે રંગના તો ચટકા હોય, કુંડાં ન હોય! વલીદાનાં કેટલાંક કાવ્યોનો ચટકો તો અહીં માણ્યો, પણ ભરપેટ ભોજન માટે તો તમારે બાકીનાં કાવ્યો જાતે જ વાંચી લેવાં પડશે. આ હાસ્ય કે વ્યંગ કાવ્યો હોઈ તેમની સાચી મજા માણવા શબ્દકોશ અને ભેજાંને કોરાણે મૂકી દેવાં પડશે! મને વિશ્વાસ છે કે ખુલ્લા મને અને હળવા મિજાજે આ લઘુ કાવ્યસંગ્રહ વાંચવામાં આવશે તો આપ સૌ વાચકો મન ભરીને આનંદ માણી શક્શો અને એમ થશે તો જ વલીદાનો પ્રયાસ પણ સફળ થએલો ગણાશે..

બાકી તો આ ” ન ભૂતો, ન ભવિષયતિ” જેવી મારી આ પ્રસ્તાવના વાંચીને આપ સૌ વાચકો પ્રસન્ન થાઓ કે પસ્તાળ પાડો તે સઘળી જવાબદારી વલીદાના શિરે! આમેય તેમનુ શિર ખમે તેવું મજબુત તો છે અને આપ વાચકો પણ હસતાં હસતાં થોડું સહી લેશો તેવી અભ્યર્થના સાથે વિરમું છું.

શેષ શુભ,

પ્રભુશ્રીના આશિષ,

શરદ શાહ

નોંધ :-

શરદભાઈના મારા કાવ્યસંગ્રહ ‘વ્યંગ્ય કવન’ ના ઉપરોક્ત અવલોકનમાંનાં મને ઉદ્દેશીને કરવામાં આવેલાં બે વિધાનોને યથાવત્ રજૂ કરીને પછી જ તેનો પ્રત્યુત્તર હું વાળીશ.

એક, ‘પણ વલીદાએ આ અવલોકન માટે મને કયાં કારણોસર પસંદ કર્યો હશે તે મારા માટે હજુ સુધી રહસ્ય જ છે.’: અને બે, ‘વલીદાએ આ કામ માટે મને પસંદ કર્યો છે, તો તેની પાછળ જરૂર કંઈક કારણ તો હશે જ!’

ઉપરોક્ત બંને વિધાનોનો મારો એક જ સામાન્ય જવાબ એ છે કે રેસના ઘોડાઓનો ઇતિહાસ જાણીને દાવ લગાવનારા મોટી રકમો હારી જતા હોય છે, તો વળી કોઈ નસીબદાર ખેલાડીઓ અજાણ્યા ઘોડાઓ કે ટટ્ટુઓ ઉપર નાની રકમો લગાવીને મોટાં ઈનામો જીતી જતા હોય છે. આ મતલબનું મારું એક હાસ્યકાવ્ય પણ છે. આ પણ એક ચમત્કાર જ કહેવાય કે કાવ્ય પહેલું લખાય અને તેને અનુરૂપ તેવી ઘટના પછી બને.

આ તો ગમ્મત ખાતર આમ લખ્યું છે અને તેથી મારા વાચકોને કોઈ ગેરસમજ ન કરવાની વિનંતિ સાથે ગંભીરતાપૂર્વક શરદભાઈ વિષે સાવ સંક્ષિપ્તમાં એટલું જ કહીશ કે તો તેઓશ્રી Think Tank છે. ગુજરાતી બ્લોગ જગતમાં વિદ્વતાપૂર્ણ પ્રતિભાવો લખનાર કેટલીક ગણીગાંઠી વ્યક્તિઓમાં તેમનું નામ મોખરે છે. સૌને એ વાત જાણીને નવાઈ લાગશે કે તેઓશ્રી પોતાનો ગુજરાતી કે અંગ્રેજી એવો કોઈ બ્લોગ ધરાવતા નથી. ઝાઝું તો શું કહું, પણ તેમની સાથેનો સંવાદ એ જીવનનો લ્હાવો બની જાય! મારી તેમની સાથેની પ્રથમ પ્રત્યક્ષ મુલાકાત બેએક કલાકની રહી હતી અને તેટલો લાંબો સમય આંખના પલકારામાં જાણે કે પસાર થઈ ગયો હોય તેવું મને અને મારા દીકરા અકબરઅલીને લાગ્યું હતું. સુફીવાદનું વિશદ જ્ઞાન ધરાવતા તેઓશ્રીએ છૂટા પડતી વખતે અમને ‘Zikra – Sufies from Turkey & Iran (Jallaluddin Rumi) ની એક CD પણ આપી હતી. આજ સુધી મારા માટે અફસોસની વાત એ રહી છે કાશ અમારી એ મુલાકાતની વિડિઓ કે ઓડિઓ કેસેટ કરી લેવામાં આવી હોત તો કેવું સારું થયું હોત!

-વલીભાઈ મુસા

 

Tags: , , , ,

4 responses to “(૩૩૮) વ્યંગ્ય કવન (અવલોકન) – શરદ શાહ

  1. સુરેશ

    July 30, 2012 at 1:25 pm

    શરદ ભાઈનો હાસ્યરસ પ્રેમ હાદજનોથી અજાણ્યો નથી જ. અહીં એમની ફિલસૂફી અને સર્વાંગ સુંદર લેખનશૈલી સોનામાં સુગંધ મેળવતાં લાગ્યાં.
    મને અફસોસ એ જ વાતનો રહ્યા કર્યો છે કે, ફિલસુફી આને અંતરયાત્રાની સાથે શશા થોડાક સર્જનકામમાં પણ ‘પડ્યા હોત !’ – તો ઠીક રહેત.
    ——–
    આ પુસ્તકની એક પ્રસ્તાવના મોટીબેને લખી હતી; એવું કાંઈક યાદ આવે છે. આ બીજી પ્રસ્તાવના કે ‘ બે બોલ’ એનું સંવર્ધન કરતાં લાગ્યાં.

    Like

     
    • Sharad Shah

      August 3, 2012 at 11:23 am

      સર્જન કાંઈ મોટા મોટાં શિલ્પ બનાવવાથી કે ચિત્રો ચિતરવાથી કે કાવ્યો રચવાથી જ થાય છે, તેવું થોડું છે? રજાના દિવસે હું ઘણીવાર રસોઈ કરું, ઘરની સફાઈ કરું, આશ્રમમાં જાઊં ત્યારે ત્યાં કડિયા કામ કે રંગકામ કરું કે માળીકામ કરું તેવાં બધાં સર્જન હું કરું જ છું. પણ નાનાંનાનાં સર્જનોને ઘણીવાર હલકાં કામો ગણવામાં આવે તે દુર્ભાગ્ય છે.

      Like

       
  2. pragnaju

    July 31, 2012 at 1:33 am

    અમારા બ્લોગ માટે તો શરદભાઇ
    તમારાથી વધુ અહિયાઁ તમારુઁ નામ ચાલે છે.
    અને એ નામ થી મારુઁ બધુઁ એ કામ ચાલે છે…
    કહેવાય
    બ્લોગ જગતમાં ગૂઢ વાતો સરળતાથી સમજાવનારા તરીકે જ નહીં પણ વ્યંગ-વિનોદ લખાણમા મજાની રમુજ કરનાર માનનિય શરદભાઇને પ્રસ્તાવના માટે મેળવવા એ શ્રી વલીભાઇનું નસીબ છે..
    વલીભાઇનું કામ પુરું થયું અને શરદભાઇનું શરુ થયું.!અભ્યાસપૂર્ણ બધી વાતોમાં પોતાના પર વ્યંગ કરવાની સ્વ. જ્યોતિન્દ્ર દવે પધ્ધતિની વાત ખૂબ ગમી. અને ખૂબ સંવેદનશીલ રાજકારણ પર એનીમલ કીંગડમ પધ્ધતિથી મત
    ( અમારા આદિવાસીઓ મોત કહે!) ની વાતોનો વ્યંગ સહજ ગમી ગયો.ઘણા ખરા તો માણ્યાં છે પણ ચટકા ચખાડતા ફરી માણવા પડશે………………………..મણાવવા પડશે.
    શ્રી સુરેશભાઇએ આધ્યાત્મિક ઇ બુકની પ્રસ્તાવના મારી પાસે લખાવી તેને બદલે તેમની પાસે લખાવી હોત તો ઘણું નવું હોત.!
    તેમના વ્યંગ પુસ્તક ઘણા નાં તંગ સમયો હળવા બનાવે તેવી શુભેચ્છાઓ

    Like

     
  3. Sharad Shah

    August 2, 2012 at 5:00 pm

    સુરેશભાઈ એવમ પ્રજ્ઞામા;
    પ્રેમ,
    તમારો પ્રેમભાવ સ્વિકાર્ય છે. પણ અંદરની વાત કહું તો મારી કાલીઘેલી પ્રસ્તાવનાને મઠારવાનુ કે વાઘા પહેરાવવાનુ અસલ કામ તો વલીદાનુ છે. એમને પ્રવાહ ન ટુટે તેનુ ખાસ ધ્યાન રાખ્યું છે સાથે સાથે સમગ્ર પ્રસ્તાવનાને અલંકૃત કરી છે જેથી વધુ રસદાર બની.
    સ્વાદિષ્ટ રસોઈમાં લોટ બાંધનાર, શાક સમારનાર કે દાળ-ચોખા ધોનારનો ફાળો હોય પણ મુખ્ય રસોઈઓ જ્યારે તેને કુશળતા પૂર્વક રાંધે અને સપ્રમાણ મસાલાઓ નાંખે તેનાથી રસોઈ સ્વાદિષ્ટ બને છે તેથી બધો જશ કે જુતિયા વલીદાને. મેરા મુજમે કુછ નાહી.
    પ્રભુશ્રીના આશિષ.
    શરદ.

    Like

     

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.