RSS

(૩૫૫) પ્રસ્તાવના – ‘હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક!’

24 Nov
(૩૫૫) પ્રસ્તાવના – ‘હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક!’

સાહિત્યજગતમાંના કદાચ નવતર એવા એક પ્રયોગ રૂપે મારી વિવેચનકૃતિઓના લેખ/નિબંધના ‘સમભાવી મિજાજે’ આ સંગ્રહની અત્રે મારી જ કલમે હું દુષ્કર એવી વિવેચનાત્મક પ્રસ્તાવના લખવાનું દુ:સાહસ ખેડવા જઈ રહ્યો છું. મને પોતાને તો મારા પ્રયત્નની ફલશ્રુતિની કોઈ ખબર નથી; પણ હા, એટલું તો ચોક્કસ છે જ કે મારા આ કાર્યમાં હું સંપૂર્ણ નહિ તો અંશત: પણ સફળ પુરવાર થઈશ. સર્વપ્રથમ તો હું આ નવતર પ્રયોગ કરવા કેમ લલચાયો છું તેની પૂર્વભૂમિકા આપીને પછી જ મારા લેખનમાર્ગે આગળ પ્રયાણ કરીશ.

મેં મારા બ્લોગ ઉપર “Needing voluntary, neutral and stranger critics for my P-Books” શીર્ષકે હળવું હાસ્ય ઉત્પન્ન કરે તેવી થોડા સમય માટે એક પોસ્ટ મૂકી રાખી હતી, જેનો મતલબ એમ થતો હતો કે જાણે કે હું મારાં મુદ્રિત સ્વરૂપે પ્રસિદ્ધ થનારાં આગામી પુસ્તકો માટે વિવેચકો મેળવવા માટેની જાહેરાત આપી રહ્યો છું! મારા અનેક જાણીતા સાહિત્યિક મિત્રોને મારાં પુસ્તકો માટેનું વિવેચનકાર્ય બજાવવા માટેની એક વિનંતી માત્ર કરતાં સઘળા મિત્રભાવે આગળ ધસી આવે તેમ હોવા છતાં મેં એવા ત્રાહિતોને જ જાહેર નિમંત્રણે નિમંત્ર્યા હતા કે જેઓ મારા માટે અને હું તેમના માટે સાવ અજાણ્યા હોઈએ કે જેથી હું મારાં પુસ્તકો માટેનું તટસ્થ વિવેચન પ્રાપ્ત કરી શકું. મારી આ મુર્ખાઈ હતી, કેમ કે કોઈપણ સ્વમાની વિવેચક આમ આવી જાહેરાત માત્રથી સામા પગે વિવેચનો લખવા આગળ આવે નહિ; અને આમ થયું પણ એવું જ કે છેવટે બેએકમાસના અંતે મારે મારી એ પોસ્ટને પાછી ખેંચી લેવી પડી હતી. આમ આજે હું ‘સ્વયંપાકી’ની જેમ‘સ્વયંવિવેચકી(!)’ બનવાનો નમ્ર પ્રયત્ન કરી રહ્યો છું.

હું મારી કૃતિઓના કર્તૃત્વ વિષયે આગળ વધવા પહેલાં સાહિત્યપ્રકાર ‘વિવેચન’ અંગે થોડોક પ્રકાશ નાખવા માગું છું. એન્ડી વોરહોલ (Andy Warhol) લખે છે ‘કોઈ પણ કલા કે સાહિત્યને માત્ર સર્જવા ખાતર સર્જી નાખો નહિ; પણ અન્યોને એ નક્કી કરી લેવા દો કે તે સર્જન સારું છે કે ખરાબ છે, તેઓ તેને પસંદ કરે છે કે ધિક્કારે છે.” આમ, હું પણ ઈચ્છું છું કે મારા સર્જનને કઠોર રીતે વિવેચવામાં આવે. હું એ પણ ઈચ્છું છું કે હું મારા લખાણમાં ક્યાંક ખોટો હોઉં તો એવો વિવેચક મારો કાન પણ ખેંચે. માત્ર હાજી હા કહેનાર કે લેખકના લખાણને માત્ર બિરદાવનાર વિવેચક લેખકના માટે લાંબા ગાળે નુકસાનકારક પુરવાર થતો હોય છે. મારી ઉપરોક્ત કહેવાતી જાહેરાતમાંનો ‘Neutral’ શબ્દ પણ સહેતુક હતો, કેમ કે વિવેચક એ લેખકનો માત્ર મિત્ર કે દુશ્મન ન બની રહેતાં તે તટસ્થ રહેવો જોઈએ. તેણે સર્જનના સાચા ન્યાયાધીશ બની રહીને તેના ગુણાવગુણને સ્પષ્ટ રીતે નિર્દેશવાથી અચકાવું ન જોઈએ. તો વળી સાથે સાથે વિવેચક લેખક કે તેના લેખન માટે કોઈ પૂર્વગ્રહ પણ ધરાવતો ન હોવો જોઈએ. અહીં વિવેચકનો જે વિવેચનધર્મ સમજાવવામાં આવી રહ્યો છે, તેની પાછળ પણ એક આશય છુપાએલો છે કે મારા આ પ્રકરણના અંતે મારા સુજ્ઞ વાચકો એ તારણ કાઢી શકે કે મેં સાચે જ મારો વિવેચનધર્મ નિભાવ્યો છે કે કેમ! મેં અગાઉ જણાવ્યું છે તેમ આ એક દોહ્યલું કામ છે અને મજાકમાં કહું તો કોઈ કુશળ કેશકર્તક પોતાના જ કેશનું પોતાના હાથે સફળ કર્તન કરે તેવી સ્વવિવેચનની અજનબીભરી આ વાત છે. અગાઉ જણાવ્યું તેમ ‘સમભાવી મિજાજે’ નો લેખક અને વિવેચક એમ બંને હું હોઈ જરૂર લાગે ત્યાં મારે જ મારા કાન ખેંચવાના રહ્યા!

સાવ નવીન એવા સ્વયં-વિવેચનના પ્રયોગ અન્વયે અગાઉ કહ્યું તેમ આ એક અશક્ય નહિ તો મુશ્કેલ કાર્ય જરૂર છે. અહીં માનવ મનોવિજ્ઞાનના સંદર્ભે કહીએ તો સ્વયં-વિવેચકે આંતરનિરીક્ષણ પદ્ધતિએ પોતાનું વિવેચનકાર્ય પાર પાડવાનું હોય છે. કોઈક પ્રતિભાશાળી લેખકો જ પોતાના સર્જનનું સક્ષમ વિવેચન કરી શકતા હોય છે. આ કામ તેઓ એવી રીતે પાર પાડી શકતા હોય છે જાણે કે તેઓ અન્ય કોઈ ત્રાહિત સાહિત્યકાર કે તેના સાહિત્યસર્જનનું વિવેચનકાર્ય ન કરતા હોય! આ કાર્ય એવું કઠોર હોય છે કે જેને પોલાદ કે હીરાની કઠોરતાની ઉપમા આપવી પડે. અહીં આવા વિશિષ્ઠ વિવેચકે સર્જક અને વિવેચકની એવી બેવડી ભૂમિકા ભજવવાની હોય છે. આ પ્રક્રિયામાં એક અનુકૂળતા હોય છે કે બંને ભૂમિકાઓને એક પછી જ બીજી એમ ભજવવાની હોય છે. અન્ય શબ્દોમાં કહેતાં મૂળ કાર્ય પૂરું થયા પછી જ તેને આનુષંગિક દ્વિતીય કાર્ય શરૂ થતું હોય છે. સ્વયંવિવેચન એટલે પોતાના જ લેખનકાર્યને ઓળખાવવું, તેનું મૂલ્યાંકન કરવું, તેનાં વિવિધ પાસાંને નાણી જોવાં અને તેની ખામીઓ તથા ખૂબીઓને તટસ્થભાવે નિરુપવી. લખાણના પૃથક્કરણનું સાતત્ય સર્જકને ક્રમિક રીતે પૂર્ણતા તરફ દોરી જતું હોય છે.

મારા સુજ્ઞ વાચકો મને માફ કરશે કેમ કે હું તો વિવેચન લખવાના બદલે વિવેચનના પાઠ શીખવવા લાગી ગયો હતો. ‘સમભાવી મિજાજે’ એ લેખકનું ઉત્તરાર્ધે ‘મિજાજે’ શબ્દધારી છઠ્ઠું પુસ્તક છે. વિવિધ વિષયો ઉપરના લેખો કે નિબંધોના સંગ્રહો પૈકીના એક એવા આ સંગ્રહના પહેલા ભાગમાં તેમના માત્ર વિવેચનલેખોને સંકલિત કરવામાં આવ્યા છે. તેમણે બ્લોગજગતના નામી કે અનામી સર્જકોના વિવિધ સાહિત્યપ્રકારો જેવા કે લેખો, કાવ્યો, લઘુનવલ, ગઝલ વગેરે ઉપર પોતાના વિવેચનલેખો લખ્યા છે. તો વળી સાહિત્યસર્જકના પરિચયલેખ ઉપરાંત તેમણે મુદ્રિત સ્વરૂપે કે ઈ-બુક સ્વરૂપે લખાએલી નવલકથા કે કાવ્યસંગ્રહ ઉપર પોતાના વિદ્વતાસભર વિવેચનલેખો આપીને તેમણે પોતાની એ પ્રકારની કાર્યક્ષમતા પણ દેખાડી છે. ફ્રેન્ક ક્લાર્ક (Frank Clark) વિવેચન સબબે પોતાનું મંતવ્ય આપતાં લખે છે કે વિવેચન એ ઝરમર ઝરમર વરસતા વરસાદ જેવું હોવું જોઈએ કે જે થકી સર્જકનું સર્જનકાર્ય તેનાં મૂળિયાંને હાનિ થયા વગર પોતાના ઉત્તરોત્તર વિકાસ માટેનું પોષણ મેળવતું રહે. લેખકે પોતાના આ વિવેચન સંગ્રહમાં કોઈક નવોદિતોને સદરહુ વિધાન મુજબ પોતાના પ્રોત્સાહક શબ્દો થકી એવું બળ પૂરું પાડ્યું છે કે જે થકી તેમના લખાણમાં પરિપક્વતા આવતી રહે અને પૂર્ણતા તરફ તેમની ગતિ થતી રહે. આના ઉદાહરણમાં તેમના લેખ “મુનીરા અમી કૃત ‘નીરવનું વર્ણન’ નું રસદર્શન”ને ગણાવી શકાય. તેમના પ્રોત્સાહક શબ્દો વાંચો : ‘નવોદિત કવયિત્રી છતાં આ કૃતિમાંની તેની સર્જક તરીકેની પરિપક્વતાએ મને એવો આકર્ષ્યો કે તેની કૃતિ ઉપર મારા પ્રતિભાવ આપવા હું થનગની ઊઠ્યો.’

શ્રી વલીભાઈ એક તરફ મુનીરા અમી જેવી નવોદિત કવયિત્રીને પ્રોત્સાહન પૂરું પાડે છે, તો વળી બીજી તરફ બ્રિટીશ-પેલેસ્ટિઅન એવી સિદ્ધહસ્ત કવયિત્રી રબાબ મહેરને તેમના સમજવા માટે દુષ્કર અને પ્રથમ નજરે સાવ નીરસ લાગતા એવા નવીન જ વિષય ઉપરના અંગ્રેજી કાવ્ય ‘પ્રસારમાધ્યમ રૂપી કુલટા સ્ત્રી’ – (A Publicity Whore)ને બબ્બે મોંઢે વખાણે છે. પ્રસાર માધ્યમો દ્વારા કરવામાં આવતા પ્રથમ નજરે આકર્ષક લાગતા પોકળ પ્રચારને વિવેચક સરસ એવા ડાકણના ઉદાહરણથી સમજાવે છે કે ડાકણ સામા મોંઢે તો રૂપાળી લાગતી હૌય છે; પણ જેવી તેણી પોતાની પીઠ ફેરવતી હોય છે, ત્યારે તેણીના આંતરિક ખુલ્લા માંસ અને હાડકાંના કમકમાટી ઉપજાવે તેવા દૃશ્યથી તેણી ભયાનક ભાસતી હોય છે. આમ આ પ્રસારમાધ્યમો તેમના બાહ્ય આકર્ષક મહોરા પાછળની આંતરિક કુરૂપતાને સંતાડી રાખીને ‘સમૂહગત છેતરપિંડીનાં હથિયારો’ પ્રયોજીને પ્રજાને ગુમરાહ કરતાં હોય છે. વિવેચકે આ કાવ્યનું રસદર્શન અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષાઓમાં પોતાના બ્લોગ ઉપર આપ્યું છે, પરંતુ તેનું અંગ્રેજી વર્ઝન વધુ અસરકારક માલૂમ પડે છે; કેમ કે હકીકતે કાવ્ય પણ મૂળ અંગ્રેજીમાં જ લખાએલું છે. સામાન્ય રીતે અનુવાદન મૂળ ભાષામાંના લખાણની અસરકારકતાને વધતાઓછા અંશે અવશ્ય ગુમાવે તેવું બનતું હોય છે.

હરનિશ જાનીના ‘પ્યાર-તકરાર’ હાસ્યલેખ ઉપરનું વલીભાઈનું અવલોકન પ્રશંસનીય રહ્યું છે. લેખકના નર્મમર્મયુક્ત આ લેખના વિવેચનમાં વલીભાઈએ પોતાના તરફની એક પ્રાસંગિક રમૂજી વાતને મૂકી છે કે જેમાં ટ્રેઈનના ડબ્બામાં બે જણ લડતા ઝગડતા વારાફરતી કાચની બારી ખોલબંધ કર્યે  જ  જાય છે,  પણ  તેમને ખબર હોતી  નથી કે  બારીને કાચ  છે જ નહિ અને તેઓ માત્ર ફ્રેમને  જ  ઊંચીનીચી કરતા હોય છે!  નવોદિતોનાં સર્જનો ઉપર પ્રોત્સાહક પ્રતિભાવો આપતા જતા આ સમભાવી વિવેચક શ્રી વલીભાઈ ગુજરાતી હાસ્યસાહિત્યમાં જેમનું નામ ગાજે છે અને જેમનાં બબ્બે હાસ્યપુસ્તકોને પુરકૃત કરવામાં આવ્યા હોય તેવા ધુરંધર અને પ્રતિભાશળી સાહિત્યસર્જક શ્રી હરનિશભાઈ જાનીના સર્જનને પણ વિવેચે છે અને તેમના આ લેખના શીર્ષક વિષે પણ આ શબ્દોમાં તેમને બિરદાવે છે કે ‘પ્યાર તકરાર’ સરસ શીર્ષક લાવી જાણ્યા છો.’

શ્રી વલીભાઈએ ‘સમભાવી મિજાજે’ ના પ્રથમ ભાગમાં મામા અને ભાણેજ એવા અનુક્રમે સુરેશભાઈ જાની અને પંચમ શુક્લ તથા તે જ રીતે શ્રી વિજયભાઈ શાહની એકાધિક કૃતિઓને સમાવવાના બદલે કેટલાક અન્ય સર્જકોની કૃતિઓના વિવેચનને સ્થાન આપ્યું હોત તો વિવેચનના આ પુસ્તકમાં વિશેષ પ્રમાણમાં કર્તાઓ અને કૃતિઓનું વૈવિધ્ય આપી શકાયું હોત! સુરેશભાઈના ‘કેલેન્ડર’ ઉપરના અવલોકનના લેખ ઉપરના પ્રતિભાવમાં શ્રી વલીભાઈએ ‘ખોવાએલું ઊંટ અને વટેમાર્ગુની અવલોકનશક્તિ’વાળી પ્રચલિત વાતને સરસ રીતે સાંકળી લીધી છે. તો વળી, સુરેશભાઈની ‘અવલોકનો’ શીર્ષકવાળી ઈ-બુકની પ્રસ્તાવનામાં શ્રી વલીભાઈ સરસ મજાની જૂના જમાનાના પગીઓની વાત લાવી દે છે. તેમની ‘ઈશ્વરનો જન્મ’ વાર્તા તેમના બ્લોગ ઉપર પ્રસિદ્ધ થવા ઉપરાંત તાજેતરમાં એ જ વાર્તા મધુ રાય સંપાદિત હમણાં નવીન જ શરૂ થએલા વાર્તામાસિક ‘મમતા’માં પ્રસિદ્ધ થઈ ચુકી છે. શ્રી વલીભાઈએ આ વાર્તાના વિવેચનમાં ખાસ કરીને તેના શીર્ષક પરત્વે વિભિન્ન ધર્મોમાંથી અવતરણો કે વિચારો ટાંકીને ‘ઈશ્વરનો જન્મ’ શીર્ષકના બદલે કેટલાંક વૈકલ્પિક શીર્ષકો ‘ઈશ્વરનો આવિર્ભાવ’ કે ‘ઈશ્વરની અનુભૂતિ’ સૂચવ્યાં છે. સુરેશભાઈની ‘વર્તમાનમાં જીવન’ શીર્ષકે અનુવાદલેખ શ્રેણીના વિવેચનમાં શ્રી વલીભાઈ સરસ મજાનો આ શબ્દોમાં પ્રારંભ કરે છે : ‘એખાર્ટ ટોલ ( Eckhart Tolle)નું નામ જ ‘વર્તમાનમાં જીવન’ (The Power of Now) ના વાંચનથી પ્રથમવાર જાણ્યું, એટલે તેમનું અન્ય સાહિત્ય વાંચ્યું હોવાનો કોઈ સવાલ ઊભો થતો નથી. મારા માટે તો તેમની કૃતિ પહેલી જ છે અને તેમાંય પ્રથમ નજરે જ પ્રેમ જેવું લેખક અને તેમના આ પુસ્તક માટે મને થયું છે. હળવાશે આગળ કહું તો બીજી નજરે પ્રેમ અનુવાદકશ્રી સુરેશભાઈ અને તેમના અનુવાદકાર્યને માટે થયો છે.’ જો કે તેમને પાછળથી ‘The Power of Now’ નો કોઈકે ગુજરાતીમાં અનુવાદ કરી દીધો છે તેવું જાણવા મળતાં આ લેખશ્રેણીને તેમણે અટકાવી દીધી હતી.

શ્રી વલીભાઈ ક્યાંક કબૂલે છે કે જીવનની ઉત્તરાવસ્થાએ શ્રી સુરેશભાઈ જાની એક ભાઈ સમા મિત્ર તરીકે સાંપડ્યા છે અને આમ તેમના ભાણા એ વલીભાઈના પણ ભાણા થાય અને તે ન્યાયે તેમણે પંચમ શુક્લની ‘એક બ્લોગ્મંડૂકને’, ‘એ એ જ રીતે હીંચી છે!’, ‘ખેચરી’ અને ‘What a wonderful world!’ નો ભાવાનુવાદ એમ ચારચાર રચનાઓના અવલોકન થકી તેમણે કવિ પ્રત્યેના પોતાના મોસાળપ્રેમને અભિવ્યક્ત કર્યો છે. અહીં કોઈએ ‘વલીભાઈએ સગાવાદ નિભાવ્યો છે!’ એવું ન વિચારતાં એ ચારેય કૃતિઓને અવલોકવી પડશે. પોતાના બ્લોગ ઉપર મુકાતી તેમની સઘળી રચનાઓ ઉપર પ્રતિભાવોનો ખડક્લો રચાઈ જાય તે જ તેમનાં કાવ્યોની ગુણવત્તાનું પ્રમાણ છે. ‘કેવું અનુપમ મળ્યું વિશ્વ અમને!’ એ તો એવો સરસ મજાનો મૂળ અંગ્રેજી કાવ્યનો ભાવાનુવાદ છે કે જે ઝવેરચંદ મેઘાણી જેવા ભાવાનુદિત કાવ્યોના સમર્થ સર્જકોની હરોળમાં બેસી શકે તેવો છે. તેમના એક બ્લોગ્મંડૂકને’ કટાક્ષકાવ્યે તો તેમના બ્લોગ ઉપર તરખાટ મચાવી દીધો હતો.

શ્રી વલીભાઈ મુસાએ પોતાના હ્યુસ્ટન(અમેરિકા) ખાતે રહેતા મિત્ર શ્રી વિજયભાઈ શાહનાં બે પુસ્તકો અને તેમના ‘મારા પિતાજી’ કાવ્ય ઉપર પણ પોતાની પ્રમાણભૂત આલોચના લખી છે. તેમની ‘ટહુકો એકાંતના ઓરડેથી’ પત્રશ્રેણી રૂપે તેમના બ્લોગ ઉપર લખાએલી નવલકથા મુદ્રિત સ્વરૂપે બહાર પડી ચૂકી છે, જેમાં શ્રી વલીભાઈના પ્રતિભાવને સ્થાન આપવામાં આવ્યું છે. ‘નિવૃત્તિની પ્રવૃત્તિ’ કે જે શ્રી વિજય શાહ અને ‘હરિપ્રેમી’શ્રી દ્વારા સંયુક્ત રીતે લખાએલું મનનીય પુસ્તક છે તેના મુદ્રિત સ્વરૂપમાં પણ શ્રી વલીભાઈનો પ્રતિભાવ સ્થાન પામ્યો છે. પોતાના અમેરિકાના પ્રવાસ વખતે જેમની સાથે શ્રી વલીભાઈને પરિચય થયો હતો તે દેવિકાબેન ધ્રુવની ગઝલ ‘વાત લાવી છું’ ઉપરના તેમના પ્રતિભાવ વિષે મૂળ લેખ નીચેના હ્યુસ્ટનસ્થિત ગુજરાતી સાહિત્યપ્રેમીઓ પૈકીના એક ભાઈશ્રી નવીન બેન્કરના તેમને ચણાના ઝાડ ઉપર ચઢાવી દેતા તેમના પ્રશંસાત્મક પ્રતિભાવ અને લઘુતાગ્રંથિ તરફ સરકી જાય તેવા તેમના મનોભાવને ત્યજી દેવાની ચાનકરૂપ તેમની સલાહ તેમના પ્રત્યુત્તરીય પ્રતિભાવમાં જોવા મળે છે. બ્લોગીંગ પ્રક્રિયામાં પ્રતિભાવોનું એક આગવું સ્થાન હોય છે, જે બ્લોગરને ઉત્સાહિત કરે છે અને તેના લખાણની ગુણવત્તાની બાબતમાં તેને સદા જાગૃત રાખે છે.

આ પ્રસ્તાવનાના અતિવિસ્તારને મર્યાદિત કરવાના પ્રયત્ન રૂપે હું મારા હવે પછીના લખાણને ટૂંકમાં પતાવીશ. આ લેખસંગ્રહના પ્રથમ ભાગમાં આ પ્રસ્તાવનામાં બાકી રહી જતા બે ખાસ લેખોની ખાસ નોંધ લેવી પડે તેમ હોઈ તેને અવગણી શકું તેમ નથી. એ બંને લેખો છે : (૧) મારી કલમે હું (મારા ૭૨મા જન્મદિવસે) (૨) રમેશ પટેલ ‘આકાશદીપ’ કૃત ‘કાવ્યસરવરના ઝીલણે’ કાવ્યસંગ્રહ ઉપરની મારી પ્રસ્તાવના. હાઈકુ કાવ્યપ્રકારમાં વિવિધ પ્રયોગો કરી ચુકેલા આ લેખક મહાશય પોતાની જ કલમે પોતાનો પરિચય રસમય રીતે એવી રીતે આપે છે કે જેમાં તેમની આત્મશ્લાઘાનો અંશ માત્ર પણ દેખાય નહિ. ‘કાવ્યસરવરના ઝીલણે’ની પ્રસ્તાવનામાં શ્રી વલીભાઈએ ઘણા વિવેચકોને ટાંકીને લેખને રસપ્રદ બનાવ્યો છે, તેમ છતાંય તેમની પોતાની કબુલાત મુજબ ત્રણેક દસકાના સાહિત્યજગતથી દૂર રહેવાના તેમના સંજોગોના કારણે સાંપ્રત સાહિત્યની ગતિવિધિને તેમાં સ્થાન આપી શક્યા નથી, જે તેમની એક મોટી મર્યાદા બની રહે છે.

‘સમભાવી મિજાજે’ નો બીજો ભાગ પ્રથમ ભાગથી વિષયે અને સાહિત્યપ્રકારે સાવ જુદો પડે છે. આનું ‘ભેદભરમની ભીતરમાં’ લેખશ્રેણી એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ વિભાગના છએ લેખ સ્વાનુભવ ઉપર આધારિત છે. તેના લખાણમાં લેખકથી આત્મપ્રશંસા ન થઈ જાય તેની ખાસ કાળજી લેવાઈ છે. આ લેખોમાં વિષયોની વિવિધતા પણ છે. ‘એક વિચારયાત્રા’માં વાચકને સર્જનહારની અકળ એવી માનવજીવનમાંની વ્યવસ્થા અને ઘટનાક્રમની અનુભૂતિ થયા વગર રહેશે નહિ. વળી આ જ લેખના અંત ભાગે આપણને વિચારયાત્રાઓની ફલશ્રુતિઓ જાણવા મળે છે. ‘આસ્થા કે ઈમાન!’ માં એક અજીબોગરીબ ઘટનાની આપણને જકડી રાખે તેવી લેખકની સ્વાનુભવની વાત છે. ‘ભૂતપ્રેત!’ માં પણ આપણને વિચારતા કરી મૂકે તેવી છણાવટ સાથેના બેએક પ્રસંગો આપવામાં આવ્યા છે. લેખકે આ લેખમાં ‘ભૂતપ્રેત’ની માન્યતાને સમર્થન કે તેનો વિરોધ એમ એવા બંને છેડાથી પોતાની જાતને અલિપ્ત રાખી છે. ‘એક અનોખો દુ:ખદ સ્વાનુભવ’ એ લેખકના પશુપાલનના વ્યવસાય સાથે સંકળાએલી ભેંસના ગર્ભાધાન વિષેની આપણામાં રહેલી જીવદયાની લાગણીને ઢંઢોળતી સત્ય કથા છે. ‘અનીતિના ધંધામાં પણ નીતિમત્તા!’ એ વરલી મટકા પ્રકારના જુગાર સાથે સંકળાએલી માહિતીપ્રધાન કથાતત્વ ધરાવતી સત્ય ઘટના છે તો વળી ‘સાચું કોણ?’ શીર્ષકધારી છેલ્લો લેખ રસમય રીતે એમ અંત પામે છે કે બંને પક્ષ છેવટે સાચા પુરવાર થાય છે.

આ લેખના શીર્ષક ‘હું જ મારા વિવેચનસંગ્રહનો વિવેચક!’ ઉપરથી કોઈ વાચકને એમ લાગ્યા વિના નહિ રહે કે મેં ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી?’વાળી કોઈ હાસ્યાસ્પદ ચેષ્ટા અહીં કરી છે! પ્રારંભના ફકરામાં દર્શાવ્યા મુજબ મારા આ પ્રયાસ કે ચેષ્ટાની ફલશ્રુતિ નક્કી કરવાની જવાબદરી આપ સૌ વાચકોના શિરે નાખીને હળવો ફૂલ જેવો થતાં મારી પ્રસ્તાવનાના અતિવિસ્તાર બદલ આપ સૌ વાચકોની ક્ષમા યાચીને વિદાય લઉં છું.

ધન્યવાદ

વલીભાઈ મુસા.

 

Tags: , , , , , , , , ,

7 responses to “(૩૫૫) પ્રસ્તાવના – ‘હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક!’

  1. dhavalrajgeera

    November 24, 2012 at 6:20 pm

    પ્રસ્તાવના – ‘હું જ મારા વિવેચનસંગ્રહ (સમભાવી મિજાજે)નો વિવેચક!’ Enjoy Reading this.
    Rajendr

    Like

     
  2. Ramesh Patel

    November 24, 2012 at 10:42 pm

    ફ્રેન્ક ક્લાર્ક (Frank Clark) વિવેચન સબબે પોતાનું મંતવ્ય આપતાં લખે છે કે વિવેચન એ ઝરમર ઝરમર વરસતા વરસાદ જેવું હોવું જોઈએ કે જે થકી સર્જકનું સર્જનકાર્ય તેનાં મૂળિયાંને હાનિ થયા વગર પોતાના ઉત્તરોત્તર વિકાસ માટેનું પોષણ મેળવતું રહે.
    …………………………………………………….

    આદરણીયશ્રી વલીભાઈ એક પ્રખર અભ્યાસી સાહિત્યકાર હોવાનો અહેસાસ , તેમની સઘળી લેખમાળાઓમાં

    ઉભરતો દેખાય છે. સાચી વાતના દર્પણ જેવી તેમની લેખિની છે. એક વાત મને પણ સમજાય છે કે જ્યારે

    આપણે ઉત્તમ કૃતિઓનું રસપાન કરીએ છીએ ત્યારે એક સાહિત્યકાર તરીકે આપણે ક્યાં ઉભેલા છીએ, એ વિચાર

    મનમાં રમતો થઈ જાય છે. કોઈને બહુમાન દેતી વખતે કેટલી ચીવટથી ,શ્રી વલીભાઈ શબ્દો પ્રયોજે છે, એ જાણી અહોભાવ

    થયા વગર રહેતો નથી. સ્વયંનું મૂલ્યાંનકન કરવા એક લાંબા સમય સુંધી તે ક્ષેત્ર સાથે જોડાઈ રહેવું પડે છે.

    મારી ઈજનેરી ભાષામાં કહું તો ત્યારે આપણે નિષ્ણાત થયા કહેવાય છે અને એક એવો આત્મ વિશ્વાસ પેદા થાય છે કે

    એ પ્રણાલીને પોતાની રીતે નાણી શકીએ છીએ…આજે આ વાત, સાહિત્યિક રીતે નાણવાની આપની આ તૈયારી,

    સ્વયંમની શક્તિનો ઝળહળાટ છે એમ મારું માનવું છે. ભલે દરેક જુદા જુદા વ્યક્તિત્ત્વની અલગરીતે નાણવાની પોતાની પધ્ધતી

    હોય, આ પણ તેનો ભાગ બનવાની પાત્રતા ધરાવે છે. આપ સૌ આગળ મારી આ બાળસહજ નોંધ લાગે પણ આ એક વિચાર યાત્રા છે.

    ચાલો આ નવતર પ્રયોગનું પણ મૂલ્યાંનકન કરીએ અને વિવેચનનું વિવેચન કરીએ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

     
  3. harnishjani52012

    November 24, 2012 at 11:48 pm

    આફરીન આફરીન. મઝા આવી ગઈ– અને આ હસવાની વાત નથી. મને પણ યાદ કર્યો તેનો તો પાછો ખાસ આનંદ. લખતા રહો દાદા.

    Like

     
  4. pragnaju

    November 25, 2012 at 9:03 pm

    સરસ

    જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ

    જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

    Like

     
  5. DR. CHANDRAVADAN MISTRY

    November 25, 2012 at 9:38 pm

    આ લેખના શીર્ષક ‘હું જ મારા વિવેચનસંગ્રહનો વિવેચક!’ ઉપરથી કોઈ વાચકને એમ લાગ્યા વિના નહિ રહે કે મેં ‘વાડી રે વાડી, શું છે દલા તરવાડી?’વાળી કોઈ હાસ્યાસ્પદ ચેષ્ટા અહીં કરી છે! પ્રારંભના ફકરામાં દર્શાવ્યા મુજબ મારા આ પ્રયાસ કે ચેષ્ટાની ફલશ્રુતિ નક્કી કરવાની જવાબદરી આપ સૌ વાચકોના શિરે નાખીને હળવો ફૂલ જેવો થતાં મારી પ્રસ્તાવનાના અતિવિસ્તાર બદલ આપ સૌ વાચકોની ક્ષમા યાચીને વિદાય લઉં છું.

    ધન્યવાદ

    વલીભાઈ મુસા.
    These were the ending words of Valibhai for this Post of Self Assessment of the Sahitya Lekhan.
    This had prompted me to to think & think. After my efforts, I write my thoughts in Gujarati as below>>>>

    વલીભાઈ,

    તમારા બ્લોગ પર આગળ આવ્યો હતો.

    આ પોસ્ટ વાંચી હતી.

    પોસ્ટ ગમીનું બટન દબાવી ચાલી ગયો.

    ત્યારબાદ, આજે ફરી પોસ્ટ પર આવી મારો પ્રતિભાવ આપી રહ્યોછે !

    એક સાહિત્યકારના નાતે તમે આ પોસ્ટ દ્વારા “પ્રસ્તાવના”ને નવું જ સ્વરૂપ આપ્યું છે.

    “પ્રસ્તાવના” એટલે અન્ય કોઈ લેખકનું લખાણ વાંચી, અભિપ્રાયરૂપે “બે શબ્દો” લખે.

    આ ક્રમનો ભંગ કરી, તમે એક નવી જ દુનિયામાં પ્રવેશ કર્યો છે.

    પોતાનું લાખાણ એટલે “પોતાના વિચારો શબ્દોમાં “.

    અન્ય કોઈ વાંચે તે, લેખકના શબ્દોમાં એના “મન” કે “હ્રદયભાવો”ના દર્શન કરવા પ્રયાસ કરે છે..એ ભાષાનું “મુલ્ય” આંકે છે, અને અંતે પોતાના “બે શબ્દો” પ્રસ્તાવનારૂપે પ્રગટ કરે છે. અહી લેખકનો “ભાવ” માટે લાખણમાં એની શોધ હોય છે. આ જે “પ્રસ્તાવના” જે કોઈ લખે તે મોટે ભાગે “મોટી વ્યક્તિ” કે કોઈ “સાહિત્યકાર” જ હોય છે એથી વાંચકો પુસ્તકનું મુલ્ય ગણવા માટે ધ્યાનમાં લેઈ છે.

    તમે પોતે “પ્રસ્તાવના” લખી એથી જે તમે લખ્યું તે સમયે “કેવા સંજોગો” હતા કે “કેવી વિચારધારા” સાથે તમે લખ્યું હતું એનો પુરો ખ્યાલ હોય છે. આથી તમે જે શક્ય કર્યું એ કઠીણ હવા છતાં તમારી કલમે તમે સુંદર રીતે લખ્યું છે..તે માટે અભિનંદન !

    …..ચંદ્રવદન
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Hoping to see you on Chandrapukr to read the 5th Anniversary Post of Chandrapukar !

    Like

     
  6. Katheryn Foreman

    January 6, 2013 at 10:11 pm

    ‘મેં તમને કહી જ દીધું છે કે આપણે બહસ કરવી નથી અને મારી પાસે તે માટે સમય પણ નથી. ભાઈ, ઓટો જલ્દી હંકારો. મારી જિંદગીનો અને કેરિયરનો સવાલ છે.’ મેં કહ્યું.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: