
‘ભણીશ નહિ, તો ભીખ માગીશ! વળી તારું નામ પણ ભીખાલાલ જ છે ને!’ તેમના બીજવર પિતાનું શિખામણ અને તિરસ્કારમિશ્રિત એ વાક્ય તેઓ અનેક વખત સાંભળી ચૂક્યા હતા. વીજળી પછી મેઘગર્જનાની જેમ તેમનાં સાવકાં માતા પણ તે જ વાતની તેટલી જ વાર ટાપસી પણ પૂરી ચૂક્યાં હતાં, ‘એ ભીખ માગશે કે કેમ તેની આપણને ખબર નથી; પણ આપણા માટે તો ભીખ માગવાનો દહાડો આવશે જ, કેમ કે તે કોઈ કામધંધો નહિ કરે અને આપણું બચાવેલું ખવાઈ જશે!’ ભીખાલાલનાં માબાપની વાત સાચી હતી અને તેમને તે વખતે એ વાત સમજાતી પણ હતી, પરંતુ આજ સુધી તેઓ બીજી એ વાત સમજી શક્યા ન હતા કે તેમનું ભણવામાં મન કેમ લાગતું ન હતું! પોતાની ભણવાની મંદ ગતિ માટે ત્રણ પરિબળોમાંથી મુખ્યત્વે કોઈ એક જવાબદાર હોવાની તેમની ધારણા હતી, પણ એ પરિબળ કયું તે આજે પાંત્રીસની ઉંમરે પણ તેમનાથી નક્કી થઈ શક્યું ન હતું. એ ત્રણ શક્યતાઓમાં એક હતી, તેમના શિક્ષકોમાં શિક્ષણકાર્યના કૌશલ્યનો અભાવ; બીજી હતી પોતાનામાં જ શિક્ષણને ગ્રહણ કરવાની શક્તિનો અભાવ; અને, ત્રીજી કદાચ હોઈ શકે, શિક્ષણશાસ્ત્રીઓની અભ્યાસક્રમના માળખાને ગોઠવવાની અણાઅવડત!
ખેર, એ બધી વાતો તો ડો. ભીખાલાલ સેતલવાડીઆના જીવનમાં ભૂતકાળ બની ચુકી હોવા છતાં તેમની વર્તમાનકાલીન સિદ્ધિ પાછળની તેની એહમિયતને જરા પણ ઓછી નહિ જ આંકી શકાય. મૂળે ઉત્તર ગુજરાતના એક ગામડાના સીમાંત ખેડૂતના ગરીબ પરિવારમાં જન્મેલા અને આજે મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતે પોતાની કોર્પોરેટ હેડ ઓફિસ અને ભારતનાં અગ્રગણ્ય શહેરો અને વિદેશોમાં પણ પોતાની કંપનીની ઓફિસો ધરાવતા તેઓશ્રી આજે પોતાનાં શ્રીમતીજી જીવીબહેન અને પંદરેક જણના રસાલા સાથે કોલાલુમ્પુરની ‘મલેશિયા યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી’ના નિમંત્રણને માન આપીને તેના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટના પાઠ ભણાવવા તેઓ પોતાના અંગત હવાઈજહાજમાં ત્યાં પહોંચી ગયા છે. તેમના રસાલામાં આંતરરાષ્ટ્રીય ભાષાઓનાં ચાર યુવાન દુભાષીઆ ગુજરાતી છોકરા-છોકરીઓ, ત્રણેક સેક્રેટરી, એક ટુર ઓર્ગેનાઈઝર, બે ગુજરાતી રસોઈઆઓ, બે એસ્કોર્ટ્સ, એક આંતરરાષ્ટ્રીય કાનુની સલાહકાર, એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક ફેમિલી ડોક્ટર, બે નર્સ અને વિમાનના કેપ્ટન – સહાયક પાયલોટો – એરહોસ્ટેસો વગેરે મળીને છએક જણનો સ્ટાફ છે. વર્ષ દરમિયાન આવી ચારપાંચ વિદેશી સફર પૈકી એકાદ તો એવી સફર હોય છે કે જેમાં તેમની કંપનીનો ઉપર જણાવેલો અંગત ચાવીરૂપ સ્ટાફ કંપની ખર્ચે કુટુંબ સાથે સફર કરતો હોય છે.
કોલાલુમ્પુરની એ કોન્ફરન્સ અંગે વિશેષ કંઈક જાણવા પહેલાં આપણે ડો. ભીખાલાલ વિષે થોડુંક જાણી લઈએ. સરકારની નવી શિક્ષણનીતિ અનુસાર કોઈ વિદ્યાર્થીઓને કોઈપણ ધોરણમાં નાપાસ કરવાના ન હોઈ તેઓ સડસડાટ ધોરણ દસ સુધી પહોંચી ગયા હતા, પણ બોર્ડની પરીક્ષામાં તેઓ આજ લગી નાપાસ જ રહ્યા હતા. છેવટે તેમણે અભ્યાસ છોડી દઈને નાનકડી ખેતીવાડી સંભાળી લીધી હતી. હાલમાં તેમના નામ આગળ ડોક્ટર એટલા માટે લખાય છે કે તેમને કચ્છડા યુનિવર્સિટી તરફથી ડોક્ટરેટની માનદ ડિગ્રી એનાયત કરવામાં આવી છે. તેમના ‘ભીખાલાલ’ નામનું રહસ્ય એ છે કે તેમના પિતાની લગભગ આધેડ ઉંમરે તેમની પહેલી પત્નીથી આ મહાશયનો જન્મ થયો હતો. ગામડાંની અંધશ્રદ્ધાઓ અનુસાર તેમણે પોતાનાં કુળદેવીની માનતા માની હતી અને તદનુસાર દીકરો ભીખનો મળ્યો હોઈ ‘ભીખાલાલ’ નામ રાખ્યું હતું. જોગાનુજોગ તેમનાં પત્નીના કિસ્સામાં પણ એવું જ હતું કે તેમના પિતાને પણ કોઈ સંતાન બેત્રણ વર્ષથી વધારે જીવતું ન હતું અને તેમણે પણ એવી જ માનતા માની હતી કે તેમના આગામી સંતાનનું નામ જીવો કે જીવી રાખવામાં આવશે. એ ગમે તે હોય પણ આ બાઈ તેના ‘જીવી’ નામ પ્રમાણે જીવી પણ ગઈ હતી.
ડો. ભીખાલાલનાં માતાપિતાની પોતે ભણવામાં મંદ હોવાના કારણે વારંવાર એકની એક સાંભળવી પડતી ‘ભીખ’ની ટકોરના કારણે તેઓ વ્યગ્ર રહેતા, પણ કદીય માતાપિતા સામે તેમણે ગુસ્સો વ્યક્ત કર્યો ન હતો. પછી તો ૨૦૦૧માં ગુજરાતમાં ભીષણ ધરતીકંપ થયો તેમણે માબાપ અને સર્વસ્વ ગુમાવ્યું. પોતે ખેતરમાં હોવાના કારણે બચી ગયા હ્તા અને માબાપ ઘરમાં દટાઈ મર્યાં હતાં. સ્વર્ગસ્થ માબાપની આગાહી મુજબ ભીખ માગવાનો સંજોગ ઊભો થયો; પણ તે કુદરતી આફતના કારણે, નહિ કે અભ્યાસમાં મંદ હોવાના કારણે! પરંતુ ભીખાલાલે સંકલ્પ કરી લીધો હતો કે માતાપિતાની આગાહી ખોટી પાડવી અને કોઈપણ સંજોગોમાં કોઈની આગળ હાથ લાંબો કરવો નહિ. રાહત માટે સરકારી અને કેટલીય સ્વૈચ્છિક સંસ્થાઓના કેમ્પ નંખાઈ ચુક્યા હતા. એક મોટી સંસ્થાના સંચાલકશ્રીને તેમણે વિનંતી કરી કે તેઓ રાહત કામગીરીમાં સ્વયંસેવક તરીકે સેવાઓ આપવાના બદલામાં મહેનતાણું લેશે, પણ કોઈ મદદ સ્વીકારશે નહિ. ભીખાલાલના જેવું જ જીવીબહેનના કિસ્સામાં પણ બન્યું. જીવીબહેન એક મોટા જાગીરદારની એકની એક પુત્રી હતી. ધરતીકંપમાં પોતે એકલી જ જીવિત રહી હતી. તેણીએ પણ ભીખાલાલ જેવો જ સંકલ્પ કરી લીધો. બંનેએ આફતગ્રસ્તોના પુનર્વસન માટે ખભેખભો મિલાવીને દિવસરાત તનતોડ મહેનત કરી. આમ બંને એક્બીજાના સહવાસમાં આવ્યાં અને છેવટે જીવનસાથી બની ગયાં.
કોલાલુમ્પુર ખાતેની મલેશિયા યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજીના કેમ્પસમાં દશેક હજાર ડેલિગેટને સમાવી શકતા એક વિશાળ શમિયાણામાં ઉપસ્થિતો શિસ્તબદ્ધ રીતે પોતાની ખુરશીઓમાં ગોઠવાયા છે. સામે ડાયસ ઉપર યુનિવર્સિટી સત્તાવાળાઓ, મલેશિયાના શિક્ષણપ્રધાન, ડો. ભીખાલાલ, તેમનાં શ્રીમતી જીવીબહેન અને તેમના રસાલામાંના મુખ્ય અધિકારીઓ પોતપોતાના સ્થાને ગોઠવાએલા છે. સભાની પ્રારંભિક ઔપચારિકતાઓ પછી ડો. ભીખાલાલ સાથેનો વાર્તાલાપ શરૂ થાય છે. સભાની કાર્યવાહી અંગ્રેજીમાં ચાલે છે, પણ દુભાષિયા તરીકેની ફરજ બજાવતી હોનહાર યુવતી માલિની ડો. ભીખાલાલને અંગ્રેજીમાં થતી ભાષણબાજીને ગુજરાતીમાં સમજાવતી જાય છે. વિશ્વમાં ગમે ત્યાં ડો. ભીખાલાલને જવાનું થાય, પણ ક્યાંય પોતે સળંગ પ્રવચન આપતા નથી હોતા. પોતાની કંપની અને તેની સિદ્ધિઓ વિષે અધિકારીગણનાં પ્રવચનો પછી ડો. ભીખાલાલ સાથે એકાદ કલાક જેટલી પ્રશ્નોત્તરી ચાલતી હોય છે. તેમની શરત હોય છે કે કોઈએ તેમના જીવન અંગેની કોઈ અંગત બાબતો પૂછવી નહિ. વળી મેનેજમેન્ટના પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓજ માત્ર પ્રશ્નો પૂછી શકે. છેલ્લો અડધો કલાક પત્રકારો માટે ફાળવવામાં આવતો હોય છે. પ્રશ્નકારે સ્ટેજ ઉપર કાપલીમાં પ્રશ્ન મોકલવાનો હોય છે. કંપની સી.ઈ.ઓ. પ્રશ્નને વાંચ્યા પછી યોગ્ય લાગે તો માલિનીને આપે, જે તેણે ડો. ભીખાલાલને ગુજરાતીમાં સંભળાવવાનો હોય અને પછી ડો.શ્રી હપ્તે હપ્તે ગુજરાતીમાં જવાબ આપતા જાય અને માલીની તેનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને ઓડિયન્સને કહી સંભળાવે. અહીં આ લેખના વાચકો માટે શ્રીમાન ભીખાલાલને આજની સભામાં પૂછવામાં આવેલા અનેક પ્રશ્નો પૈકી સ્થળસંકોચના કારણે કેટલાક જ આપવામાં આવે છે. શ્રોતાઓના પ્રશ્નો અને મિ. ભીખાલાલના પ્રત્યુત્તરો સીધા ગુજરાતીમાં જ આપવામાં આવી રહ્યા છે.
પ્રશ્ન : આપની કંપની ABKS CO. LTd. તરીકે ઓળખાય છે, પણ તેનું Full Form શું છે ?
ડો. ભીખાલાલ : અમારી ભારતીય પ્રાદેશિક ભાષા ગુજરાતીમાં અમારી કંપનીનું નામ “આંતરરાષ્ટ્રીય ભિક્ષુક કલ્યાણ સલાહકારી કંપની લિમિટેડ” છે. માલિની તેનું અંગ્રેજી વર્ઝન કહી સંભળાવશે.
માલિની : International Beggars’ Welfare Advisory Co. Ltd.
પ્રશ્ન : આપને સાવ નવીન જ ક્ષેત્રની આવી કંપનીની સ્થાપના કરવાની પ્રેરણા ક્યાંથી મળી?
ડો. ભીખાલાલ : ઈ.સ. ૨૦૦૧માં ગુજરાત (ભારત)માં થએલા ધરતીકંપમાં બરબાદ થઈ ચૂકેલા લોકોનાં દુ:ખદર્દ જોઈને આ વિચાર સ્ફૂર્યો. મારી પત્ની જીવી અને હું પણ એ હોનારતનાં ભોગ બન્યાં હતાં, પણ અમે ભીખ માગવાના મતનાં ન હતાં. દરેક જણ અમારા જેવી સૈદ્ધાંતિક મક્કમતા ધારણ ન પણ કરી શકે!
પ્રશ્ન : આપના વિચાર અને વર્તનમાં વિરોધાભાસ નથી લાગતો? એક તરફ આપ પતિપત્ની બંને ભીખ માગવાના મતનાં નથી, અને બીજી તરફ આપ વિશ્વભરમાં ભિક્ષાવૃત્તિના સામાજિક દુષણને આપની કંપની દ્વારા પ્રોત્સાહિત કરો છો!
ડો. ભીખાલાલ : ભીક્ષા અને સહાય વચ્ચે પાતળી ભેદરેખા છે. જો આ ભેદને તમે પારખી શકશો તો સમજાશે કે અમારી કંપની કે અમારી કંપનીનાં અમે પ્રાયોજકોના વિચાર અને વર્તનમાં કોઈ વિરોધાભાસ નથી જ, નથી.
પ્રશ્ન : આપની કંપની નાણાંકીય સહાય મેળવવા માટે જરૂરિયાતમંદોને કેવી રીતે મદદરૂપ થાય છે?
ડો. ભીખાલાલ : અમારી કંપનીના નાણાંકીય વ્યવસ્થાપન માટેની સઘળી માહિતી વિશ્વની મુખ્ય આંતરરાષ્ટ્રીય ભાષાઓમાં ઉપલબ્ધ એવી અમારી માહિતી પુસ્તિકા (Brochure) અને આનુષંગિક સાહિત્ય દ્વારા તમે જાણવા માગો છો તે માહિતી મેળવી શકાશે. આ માટે આપ અમારી અમારી વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. વિશ્વભરની સમાજસેવી સંસ્થાઓને દાતાઓ પાસેથી ફંડ/ડોનેશન મેળવી આપવા માટે અમે મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવીએ છીએ. આ માટેનું અમારું UniversalHelping યુનિટ દિવસરાત કાર્યરત હોય છે. વિશ્વસનીયતા એ અમારી અસ્ક્યામત છે અને તેની જાળવણી માટે અમારી કંપની કટિબદ્ધ છે.
પ્રશ્ન : શું આપની કંપની વ્યક્તિગત લાભાર્થીઓ અર્થાત્ ભિક્ષુકોને Franchisee આપે છે ખરી? જો હા, તો તેમને એવો કયો વિશિષ્ટ લાભ થતો હોય છે?
ડો. ભીખાલાલ : હા. એવા Franchiseeને અમારી ઓળખનો લાભ મળે છે. અમે તેમને ટેકનિકલ KnowHow આપીએ છીએ. તેમની જરૂરિયાતને અનુરૂપ અમે તેમને Begging Kit આપીએ છીએ. વિશ્વભરની ભાષાઓનાં અમે ખરીદેલા હક્કોવાળાં ભિક્ષુક ગીતોની Audio Cassette અને ટેપ રેકોર્ડર પૂરાં પાડીએ છીએ. તેમને ક્રેડીટ/ડેબીટ કાર્ડ કે કોઈ પણ પ્રકારના ઈન્સ્ટ્રુમેન્ટ દ્વારા મળતી ભીખ (Alms) અંગેની બેન્કીંગ સુવિધાઓ માટે અમે ગ્લોબલ લેવલે કામ કરતી બેંકો સાથેના અમારા Tie-up થકી તેમને સુવિધાઓ પૂરી પાડીએ છીએ. તેમની બચતોને અમારી કંપનીનાં જ વિવિધ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાવીને તેમને પગભર થવામાં મદદ કરીએ છીએ કે જેથી તેઓ સમય જતાં ભિક્ષાવૃત્તિમાંથી બહાર નીકળી શકે.
પ્રશ્ન : આપની રાષ્ટ્રભાષા હિંદીમાંનાં કોઈ ફિલ્મોનાં બેચાર ભિક્ષાગીતો જણાવશો?
માલિની : (૧) ગરીબોં કી સુનો, વો તુમ્હારી સુનેગા, તુમ એક પૈસા દોગે વો દસ લાખ દેગા…(૨) તુમ્હારે હૈં તુમસે દયા માંગતે હૈ, તેરે લાડલોં કી દુઆ માંગતે હૈં…(૩) એક પૈસા દે દે, ઓ બાબુ, ઓ જાનેવાલે બાબુ એક પૈસા દે દે…(૪) જાયેગા જબ યહાં સે, કુછ ભી ન પાસ હોગા…
પ્રશ્ન : આપની કંપની વ્યક્તિઓ અને સંસ્થાઓ ઉપરાંત કોઈ દેશો કે તેમની સરકારોને આર્થિક મદદો મેળવવામાં મદદરૂપ થાય છે ખરી?
ડો. ભીખાલાલ : હા, કેમ નહિ? અમારું કાર્યક્ષેત્ર વિશાળ છે. વિશ્વના કેટલાય અવિકસિત અને અર્ધવિકસિત દેશોને તેમની રોજિંદી જરૂરિયાતો અને કુદરતી આફતોના સમયે આર્થિક સહાય મેળવવા અમારા નિષ્ણાતો દ્વારા સલાહસૂચન આપવા ઉપરાંત ઘણીવાર તો Lobbying પણ કરી આપવામાં આવતું હોય છે.
પ્રશ્ન : વ્યક્તિગત રીતે ભિક્ષુકોને ભીખકૌશલ્ય પ્રાપ્ત કરવા માટે કોઈ તાલીમ આપવામાં આવે છે કે કેમ?
ડો. ભીખાલાલ : હા, આ માટે અમે અમારા દેશમાંનાં મુખ્ય શહેરો ઉપરાંત Distant Education પણ આપીએ છીએ. અમારા આ પ્રકારના શિક્ષણના અભ્યાસક્ર્મમાં અમે મનોવૈજ્ઞાનિક, ધાર્મિક, નૈતિક વગેરે મુદ્દાઓને સમાવી લીધા છે. હાલમાં અમારી અભ્યાસક્રમ સમિતિ Internet Begging ઉપર અભ્યાસ કરી રહી છે અને ટૂંક સમયમાં અમે આ વિષયને પણ અમારા અભ્યાસક્રમમાં દાખલ કરી દેવા ઉત્સુક છીએ.
પ્રશ્ન : સામાન્ય રીતે આમ ભિક્ષુકોને સફળતાપૂર્વક અને પરિણામલક્ષી ભીખ માગવા માટે આપની કંપની કઈ Tips આપે છે?
ડો. ભીખાલાલ : અમારી કંપનીના શિક્ષણ સચિવશ્રી સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને સાવ સંક્ષિપ્તમાં માહિતી આપશે.
શિ.સ. : (૧) યોગ્ય સ્થળની પસંદગી (૨) સમયની પાબંધી (૩) દાતાની સંવેદનશીલતા અને ઉશ્કેરાટને જગાડવાની આવડત (૪) લોકોને ગ્રામીણના બદલે શહેરી સંબોધનો કરવાં અને ક્યાંક ક્યાંક વળી અંગ્રેજી જેવી ભાષાના શબ્દપ્રયોગો કરવા. (૫) નાની રકમનો વિનયપૂર્વક અસ્વીકાર કરવો. (૬) ખાદ્યસામગ્રી કે જૂનાં પુરાણાં કપડાંના બદલે નાણાંનો જ આગ્રહ રાખવો. (૭) દૈનિક, અઠવાડિક, માસિક અને વાર્ષિક લક્ષાંકો નક્કી કરીને કંપની પાસે મંજૂર કરાવવા.
જીવીબહેન : અમારા શિક્ષણ સચિવશ્રીએ આપેલી Tips કારગત ન નીવડે તો ભિખારીઓએ રાજકારણમાં ઝંપલાવવું જોઈએ કેમ કે ત્યાં ઠાલાં વચનો સામે કિંમતી મત મેળવી શકાતા હોય છે. (સભામાં અટ્ટહાસ્ય પડઘાય છે.)
હવે, સભાસમાપ્તિ પૂર્વેનું દેશવિદેશના પત્રકારોનું પ્રશ્નોત્તરી અને ફોટોગ્રાફી માટેનું Session (સત્ર) શરૂ થાય છે. એક સાથે સેંકડો કેમેરાઓની ફ્લેશગનના આંખને આંજી દેતા ચમકારાઓથી વિશાળ શમિયાણો ઝળહળી ઊઠે છે અને હું એટલે કે શ્રીમાન ફેંકુ ઝબકીને જાગી જાઉં છું.
ડો. શ્રી રાજેન્દ્ર ત્રિવેદી (રાજાજી)ના અધ્યક્ષપદે હાસ્યદરબારની આમસભા અને ઉમરાવસભાની મળેલી સંયુક્તસભાના ઉપક્રમે વિશ્વભરનાં ગુજ્જુ ભાઈબહેનોના ઈ-નેટ-જોડાણ સાથેના 3-D માધ્યમે યોજાએલા આ સ્નેહસંમેલનમાં શ્રીમાન ‘ફેંકુ’એ આમસભાના રત્ન તરીકેની પોતાની દાવેદારીને યોગ્ય સાબિત કરવા માટે મનઘડત જે કહાની ઘડી કાઢીને પેશ કરી છે, તે બદલ સૌ ‘આફરિન… આફરિન’ પોકારી ઊઠે છે. બધા સમૂહ-ધ્વનિએ હાદની આમસભાનાં સૂચિત ચૌદની સંખ્યામાંનાં રત્નો પૈકીના ચોથા રત્ન તરીકે તેમને સ્વીકારી લેવાની ભલામણ કરે છે અને સર્વાનુમતે શ્રીમાન ‘ફેંકુ’ને હાદરત્ન તરીકે વધાવી લેવામાં પણ આવે છે. રાજાજી પોતાના સ્થાનેથી ઊભા થતાં બોલી ઊઠે છે, ‘Welcome, welcome! Mr. Fenku, Welcome!’.
આમસભાના અધ્યક્ષશ્રી ‘છદા’ ભાઈશ્રી ફેંકુ માટે પોતાની છબરડા વાળવાની કલા કરતાં તેમની ફેંકવાની કલાને ચઢિયાતી દર્શાવીને આમસભાનું પોતાનું અધ્યક્ષપદ ખાલી કરે છે અને મોભાનું તે સ્થાન ગ્રહણ કરવાની વિનંતી કરે છે.
સભાસમાપ્તિની ઘોષણા થાય છે.
-વલીભાઈ મુસા
chaman
January 13, 2013 at 8:36 pm
વલીભાઇ,
તમારી કલ્પનાને સલામ.
વાંચતાં વાંચતાં ઊઘ તો આવતી હતી, પણ તમારી જેમ હાંકે રાખ્યું.
તમે પણ હાસ્ય પિરસવામાં જાવ એવા નથી.
આવો ભઇ હરખા આપણે બેઉ સરખા.
કુશળતા ઇછ્તો.
ચમન
LikeLike
pragnaju
January 13, 2013 at 8:41 pm
ભાઈશ્રી ફેંકુ કાવ્ય
શબ્દોની આ સાપ-નીસરણી’ય ક્યાં સહેલી છે..,
ફેંકુ છું કુકરી કવિતાની અને હાથ લાગે સખી “પહેલી” છે
વતન હો વ્હાલા એક કાંકરી ફેંકુ,
અહીંથી એક કાંકરી ફેંકુ
આપણું પેલું તળાવ ડહેકું ડહેકું,
તેમાં જઈને પડે, –
ને તળાવ છંદે ચડે લ્હેકું લ્હેકું
શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?
દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી
હું ફેકું તારે ફળીયે
LikeLike
Ramesh Patel
January 13, 2013 at 10:13 pm
પાત્રો અને વાર્તાનો પ્લોટ , ફેંકવાના નામે પણ આપે ઊંચાઈઓ માપી લીધી છે.
આદરણીય શ્રી વલિભાઈ…ગમી ગઈ મર્મભરી વાતો ,સાચની પરછાઈ જેવી.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
સુરેશ
January 14, 2013 at 2:22 pm
આફરિન …… આ ફોરેનથી !!
ક્યા પ્લોટ બનાયા હૈ!
મહમ્મદ યુનુસને આ આઈડિયા આપવા જેવો છે. ગ્રામીણ બેન્કનું બેગીંગ યુનિટ . એના ડિરેક્ટર તરીકે…
વલીદા
બીજી કોઈ નવી જગ્યા ઊભી કરો તો….
ભીખાભાઈનો આ દીકરો સ્વીકારવા તૈયાર છે – શરત એક જ કે, ઓલ્યું ચાર્ટર્ડ વિમાન મને વરસમાં બે વાર કાણોદર આવવા આપવુંં !!!!
LikeLike
Valibhai Musa
January 14, 2013 at 4:43 pm
ગજબ ભયો ભાયા, મને ધ્યાન ન રહ્યું; નહિ તો બીજું ગમે તે નામ આપી શકાયું હોત! ખેર, પણ મને ગર્વ છે કે ભીખાકાકાનો દીકરો ઝિંદાદિલ માણસ છે! સ્વર્ગમાં પણ સ્વર્ગસ્થનો આત્મા ગર્વ લેતો હશે કે ગુજરાતી બ્લોગજગતમાં તેમના પુતરે કાઠું કાઢ્યું છે!
LikeLike
dhavalrajgeera
January 15, 2013 at 2:34 am
Keep Surfers have fun ….
Dear Valibhai ….Happy Vasi Makarsankranti !!!
LikeLike
dhavalrajgeera
January 22, 2013 at 1:54 pm
Use “Raja Ratri’s’ Name of Hasyadarbar and Make Surfers of Gujarati Laugh on Internet Surfing….
Rajendra Trivedi,M.D.
http://www.bpaindia.org
LikeLike
mdgandhi21,U.S.A.
January 26, 2013 at 6:06 am
અડધી વાર્તા વાંચી ત્યાં સુધી તો હું સાચીજ માનીને આગળ વાંચતો હતો, ત્યાં, જ્યારે “શિ.સ. : (૧) યોગ્ય સ્થળની પસંદગી (૨) સમયની પાબંધી” વગેરે વાંચ્યું ત્યારે એકદમ બત્તી થઈ કે કોઈ હાસ્ય કથા લાગે છે…..!!!! બહુ સુંદર વર્ણન લખ્યું છે. ..આફરીન – આફરીન……
LikeLike
Anila Patel
January 26, 2013 at 4:34 pm
મને પણ મુરબ્બીશ્રી એમ, ડી. ગાધી જેવુજ થયુ. “અનોખી ભિક્ષુક સંસ્થા “. માર્મિક ભાષા અને વર્ણનની સિધ્ધહસ્તતાને કારણે મલકત્તા મલકતા વાચવાની મઝા આવી અને છેવટે સમજાઇ ગયુ કે દુનિયા ઝૂકતી હૈ ઝૂકાનેવાલા ચાહિયે.ખરેખર સવારમાજ આવો સરસ લેખ વાચવાનો મળી ગયો-દિવસ સુધરી ગયો.
LikeLike
Vinod R. Patel
January 26, 2013 at 6:26 pm
શ્રી વલીભાઈની હાસ્ય વૃતિનો એક વધુ પુરાવો એમની આ રચનામાં
જાણવા મળ્યો .આનંદ ભયો … એને માણીને .
LikeLike
manharmody ('મન' પાલનપુરી)
February 3, 2013 at 12:07 pm
વાહ,વાહ, બહુ જ વાસ્તવિક કલ્પના. એકી બેઠકે નહિ પણ એકી શ્વાસે વંચાઈ ગયો આખો લેખ. કલ્પનાને ખુબ સરસ ચગાવી છે. મઝા આવી.
LikeLike
P.K.Davda
February 4, 2013 at 5:27 pm
હકીકતમાં આ બિઝનેસ કરવા જેવો છે, મલ્ટીમિલીઓનેર થઈ જવાય.
LikeLike