આપણે આપણા વિદ્યાભ્યાસકાળમાં ભૂમિતિના વિષયમાં એકરૂપ (Of the same size and shape) અને સરૂપ (Similar) ત્રિકોણો વિષે ભણ્યા હતા. સ્ત્રીઓના અધિકારોના સંદર્ભે આજકાલ ‘સમાન’ અને ‘સમોવડી’ શબ્દો પ્રયોજાય છે, જેમાં ‘સમોવડી’ શબ્દ વધુ બંધબેસતો છે. મુરજીભાઈએ આ લેખમાં ક્યાંક ‘સમાનતા’ કે ‘સમાન’ શબ્દો ભલે પ્રયોજ્યા હોય, પણ તેમણે તેમને ‘સમોવડી’ના અર્થમાં જ લીધા છે. સ્ત્રી અને પુરુષની નિસર્ગદત્ત પ્રકૃતિ જ ભિન્ન છે, અને તેથી જ તેઓ અન્યોન્ય ‘સમોવડાં’ તો બની શકે; પરંતુ ‘સમાન’ તો હરગિજ નહિ. અહીં મેં ‘અન્યોન્ય’ શબ્દ મૂક્યો છે, તે એ અર્થમાં કે વિશ્વમાં અપવાદરૂપ કેટલાક દેશો અને સમુદાયો સ્ત્રીપ્રધાન પણ છે. પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓને ‘સમોવડી’ બનાવતા હોઈએ, ત્યારે પેલા સ્ત્રીપ્રધાન સમાજમાં પુરૂષોને પણ ‘સમોવડા’ બનાવવાનું વિચારાવું જોઈએ.
સ્ત્રીઓને સ્વતંત્રતા અને સમાનતા બક્ષવાની ભાવનામાં, ભલે, તેમને સ્વતંત્રતા બક્ષવામાં આવે અને તેને હરગિજ નકારી પણ નહિ શકાય, કેમ કે માનવસમુદાયના અડધોઅડધ જેટલા આ હિસ્સાએ સદીઓ સુધી ઘણું સહન કર્યું છે; પરંતુ અન્યોન્યને ‘સમાન’ કે ‘સમોવડાં’ બનાવી લેવાની ગતિ વિશ્વભરમાં જે ઝડપે વધતી રહી છે તે સામાજિક સમતુલનના પાયાને કદાચ હચમચાવી પણ દે ! હજુ આપણે આને બદલાવની પ્રક્રિયાનો શરૂઆતનો તબક્કો જ ગણવો પડશે, કેમ કે શહેરી વિસ્તારોને બાદ કરતાં વિશ્વભરના ૯૦% જેટલાં ગામડાંઓમાં ‘સમાન’ કે સમોવડાપણું’ આવવામાં હજુ ઘણો સમય લાગે તેમ છે.
હવે મારા આ પ્રતિભાવમાં હું જે દિશામાં આપ સૌ વાચકોને લઈ જઈ રહ્યો હતો, તેમાં હું થોડોક વળાંક લેવા માગું છું. હું આપને આ નવીન સમાજવ્યવસ્થામાં સંતાનઉછેરના પ્રશ્ન અંગે પણ વિચારી લેવાનું આહ્વાન કરું છું. સુશિક્ષિત અને સંસ્કારી સંતાનો એ તો સમાજનું ભવિષ્ય છે. આજે વિશ્વભરમાં નવીન પેઢીમાંનાં ભલે ને અલ્પ પ્રમાણમાં પણ યુવકયુવતીઓ જે સ્વચ્છંદતા પ્રતિ ગમન કરી રહ્યાં છે, તે માટે તેમના ઉછેર વખતે જ તેમના તરફ ઓછું ધ્યાન અપાયાની બાબત તો ભાગ નહિ ભજવી રહી હોય ! બાળકોના સંસ્કારસિંચનમાં માતાનું આગવું સ્થાન ગણાયું છે. આપ સૌને નથી લાગતું કે પતિપત્ની ઉભયે રોજગાર રળી લઈને પોતાની ભૌતિક સમૃદ્ધિ વધારવાની એષણામાં સંતાનના પારણા અને તેના ઘર બહાર પગ મૂકવાના બારણા તરફ ઓછું ધ્યાન આપવા માંડ્યું છે. અહીં મારો કહેવાનો મતલબ એ તો નથી જ કે બધી જ સ્ત્રીઓએ પોતપોતાનાં ઘરોમાં પાછાં ફરી જવું જોઈએ; કોઈક જરૂરિયાતમંદ સ્ત્રીઓએ કમાવું પણ પડશે. આમેય કૃષિ સાથે સંકળાએલી સ્ત્રીઓ પતિ સાથે ખેતરોમાં કામ કરીને કૌટુંબિક રોજી મેળવવામાં મદદરૂપ થાય જ છે. પરંતુ વેપારવ્યવસાય કે નોકરીઓમાં વ્યસ્ત સ્ત્રીઓ અને આ ખેડૂતસ્ત્રીઓ વચ્ચે પાયાનો ફરક એ છે કે આ ગ્રામ્ય શ્રમજીવી સ્ત્રીઓ પોતાનાં સંતાનોને પોતાની પાંખમાં રાખીને મોટાં કરે છે. સંક્ષિપ્તમાં કહેતાં સંતાનો ‘મોટાં કરવાં’ અને ‘મોટાં થવાં’માં ઘણો ફરક હોય છે. એક મુહાવરો છે કે શિક્ષિત માતા સો શિક્ષકની બરાબર છે; પરંતુ એ જ માતા રાત્રે ઊંઘવા પૂરતી ઊંઘતા બાળકની સાથે રાતભર ઊંઘે અને વહેલી સવારે ઊંઘતા બાળકને છોડીને કામધંધે દોડી જાય તેવા કિસ્સામાં તો એવી માતા ભલેને ગમે તેટલી શિક્ષિત હોય તો પણ તે અડધા શિક્ષકની બરાબર પણ આવશે નહિ !
અહીં મારા પ્રતિભાવનો અતિવિસ્તાર ખાળતાં આટલેથી અટકું છું અને વેબગુર્જરીનાં વાચક ભાઈબહેનોને અગાઉની જેમ ફરી ખાસ વીનવું છું કે ઉમદા લેખકો/લેખિકાઓનાં ઉમદા લખાણોને ચર્ચાની એરણે ચઢાવવામાં આવે તો લેખક અને વાચક તથા પરસ્પર વાચકોનાં મંતવ્યોને સમજવા-સમજાવવામાં રહેલા અનેરા આનંદને માત્ર પ્રતિભાવો વાંચવાના શોખીન એક એવા વાચકોના ખાસ સમુદાયને મજા પડશે. ધન્યવાદ.
-વલીભાઈ મુસા
મૂળ લેખ :- ‘સમયની સાથે સાથે…’ (૧) સ્ત્રીસ્વાતંત્ર્ય, સમાનતા અને સશક્તિકરણ – મુરજીભાઈ ગડા
pragnaju
November 14, 2013 at 12:09 am
“સંતાનો ‘મોટાં કરવાં’ અને ‘મોટાં થવાં’માં ઘણો ફરક હોય છે. એક મુહાવરો છે કે શિક્ષિત માતા સો શિક્ષકની બરાબર છે; પરંતુ એ જ માતા રાત્રે ઊંઘવા પૂરતી ઊંઘતા બાળકની સાથે રાતભર ઊંઘે અને વહેલી સવારે ઊંઘતા બાળકને છોડીને કામધંધે દોડી જાય તેવા કિસ્સામાં તો એવી માતા ભલેને ગમે તેટલી શિક્ષિત હોય તો પણ તે અડધા શિક્ષકની બરાબર પણ આવશે નહિ !” મારા મનની વાત
LikeLike