RSS

(૩૯૮) મારી વાર્તા ‘ભ્રમ ખોટો પડ્યો !’ ઉપરના પ્રતિભાવનો પ્રતિ-પ્રતિભાવ !

24 Nov

મારી ‘વલદાનો વાર્તાવૈભવ’ ઉપરની ‘ભ્રમ ખોટો પડ્યો !’ વાર્તા ઉપર  યુ.એસ.એ.નિવાસી ભાઈશ્રી એમ.ડી. ગાંધીનો મનનીય પ્રતિભાવ નીચે પ્રમાણે સાંપડ્યો હતો :-

“ખરી વાત છે…સામેવાળાની લાગણી ન દુભાય એટલો માત્ર ખ્યાલ રાખવામાં આવે, તો અનૈક્યના કોઈ પ્રશ્નો ઉદભવે જ નહિ. હિન્દુઓ અને મુસલમાનો એકબીજા તરફના ભ્રમને કારણે જ લડ્યા કરે છે. બન્નેએ એકબીજા માટે ઇમેજ બનાવી રાખી છે અને આ ‘માત્ર’ ઇમેજો જ લડ્યા કરે છે. ખરેખર તો સામાન્ય લોકો કોઈ એટલો બધો ભેદભાવ નથી રાખતા. વેપારીઓ, કલાકારો, મજૂરવર્ગ વગેરેને અણગમાના ભેદભાવ નથી હોતા. હોય છે, માત્ર રાજકીય લોકોને અને કટ્ટર ધાર્મિક મુલ્લાઓ – ધર્મગુરુઓને……”

ઉપરોક્ત પ્રતિભાવના પ્રતિ-પ્રતિભાવમાં લખાએલું મારું વિસ્તૃત લખાણ નીચે મુજબ છે, જેમાં ચર્ચાના મુદ્દા ઉપરાંત અન્ય કેટલીક બાબતો પણ સમાવિષ્ટ છે.

==  ==  ==  ==  ==

“માનનીય ગાંધીભાઈ,

આપે પણ સર્વથા સાચી વાત કહી બતાવી. આજકાલ મિડિઆ પ્રભાવક માધ્યમ ગણાય છે, પણ ઘણીવાર તે પોતાનો ધર્મ ભૂલી જાય છે. નકારાત્મક હકીકતોને ઊછાળવી અને સકારાત્મક હકીકતોને દબાવી દેવી એ તેમની આદત બની ગઈ હોય છે. કાયદાની છટકબારીઓના ભાગરૂપે તેઓ એક જૂથ અને બીજું જૂથ એવા શબ્દોનો સહારો લઈને રિપોર્ટીંગ તો એવું સરસ કરતા હોય છે કે કોઈ તેમને પહેલી નજરે એમ ન કહી શકે કે તેઓ કોઈકને ઉશ્કેરી રહ્યા છે; પરંતુ આગળ જતાં વર્ણનમાં ચાલાકીભરી રીતે એવા વિસ્તારને કે લત્તાને ઉલ્લેખ કે પછી ભોગ બનનારાઓનાં નામો આપી દેતા હોય છે કે જેથી સમજવાવાળા સમજી જ જાય. સ્વામી સચ્ચિદાનંદજીએ એક વક્તવ્યમાં પોતાના વિચારો આમ વ્યક્ત કર્યા હતા કે અશાંત પરિસ્થિતિમાં સમાજમાં બે પ્રકારના માણસો ફરતા રહેતા હોય છે; એક પ્રકારના એવા કે જે હાથમાં પાણીની ડોલ લઈને ફરનારા હોય છે કે જે આગને ઠારવાના પ્રયત્નો કરતા હોય છે અને કેટલાક બીજા પ્રકારના પણ હોય છે કે જે પેટ્રોલ, કેરોસીન જેવાં જ્વલનશીલ પ્રવાહી થકી આગને વધારે ભડકાવનારા હોય છે. આ બંને પ્રકારના માણસોના પ્રમાણનો વિચાર કરતાં સકારાત્મક વિચારો ધરાવતા માણસો ઓછા પ્રમાણમાં હોઈ પેલા બહુમતિ નકારાત્મક વિચારોવાળા તેમના શાંતિ પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો ઉપર પાણી ફેરવી દેતા હોય છે. કોઈપણ શાંતિપ્રિય માણસને મરવું કે માર્યા જવું કદીય પસંદ હોય નહિ અને છતાંય જ્યારે ચારે બાજુ આગ ભભૂકતી હોય છે ત્યારે તેઓ બિચારા પણ ભોગ પણ બની જતા હોય છે ! માનવસર્જિત આવી આફતોથી કેટલાં કુટુંબો બરબાદ થઈ જતાં હોય છે તેનો ખ્યાલ કરવામાં આવે અને એવાં બરબાદ થતાં કુટુંબોમાં પોતાનું કુટુંબ આવી ગયું હોવાની કલ્પના માત્ર કરવામાં આવે તો પણ જનમાનસમાં બદલાવ લાવવાનું એક મહત્ત્વનું કદમ બની રહે. તહેવારોની ઉજવણીઓમાં શાંતિ જાળવવાના ભાગરૂપે અને ઉદભવી ચૂકેલી અશાંત પરિસ્થિતિઓને ઠારવા માટે સરકારને બિનઉત્પાદક કરોડો રૂપિયાનું આંધણ કરવું પડતું હોય છે. લોકોને ખબર નથી હોતી કે મોંઘવારીના વધારામાં સરકારી કરવેરા પણ એટલા જ જવાબદાર હોય છે. હવે પ્રજા જ જ્યારે સરકારને ખર્ચના ઊંડા ખાડા તરફ ધકેલતી હોય, ત્યારે જે તે સરકારોએ પ્રજા ઉપર વિશેષ કરવેરા તો લાદવા જ પડે ને ! કોઈપણ તહેવારના કેટલાક દિવસો પહેલાં સંવેદનશીલ શહેરોમાં શાંતિ જળવાઈ રહે તે માટે પંદરેક દિવસ પહેલાંથી મિલિટરી ગોઠવાવી શરૂ થઈ જતી હોય છે. મિલિટરીનાં અસંખ્ય વાહનોમાં જવાનોને સ્થળાંતરિત કરવામાં આવતા હોય છે. મિલિટરીમાં મોટા ભાગનાં વાહનો પેટ્રોલથી ચાલતાં હોય છે. કેટલાંક એવાં હેવી વાહનો હોય છે કે જેમની એવરેજ એક લિટરમાંથી માંડ પાંચેક કિલોમીટરની હોય છે. અમારું શાંતિપ્રિય ગામ હાઈવે નજીક હોઈ અમે દાંતીવાડા કેમ્પની મિલિટરીની આવી અવરજવર અનેકવાર જોઈ હોય છે અને અમારો જીવ બળી જતો હોય છે ! અહીં એક અન્ય બાબતનો આપણે શાંતિથી વિચાર કરીએ કે ઈશ્વર ન કરે અને આવા સમયે જ્યારે કે આપણું લશ્કર આંતરિક શાંતિ જાળવવા માટે રોકાએલું હોય અને તે જ તકનો લાભ દુશ્મન દેશો લઈ લે તો આપણું લશ્કર સરહદો સંભાળે કે શેરીઓ સંભાળે !

ગાંધીભાઈ, મારા જવાબી પ્રતિભાવનો અતિ વિસ્તાર થઈ ગયો નહિ ? ભલે થયો હોય, પણ મને સંતોષ એ વાતનો છે કે આપના પ્રતિભાવથી મને આ લખાણ લખવાની પ્રેરણા મળી અને તેનો શુભ આશય તો એ છે કે વાચકોને જાણ થાય કે દેશની તરક્કી સરકારોના હાથમાં નથી, પ્રજાના હાથોમાં છે. મારા આ વાક્યમાંના ‘હાથ’ અને ‘હાથો’ શબ્દો સૂચક છે. બધાં જ રાજ્યો અને કેન્દ્ર સરકારના મળીને એક જ હાથ જેટલી તેમનામાં શક્તિ હોય છે, જ્યારે પ્રજાના ૨૫૦ કરોડ હાથ ગણીએ તો દેશના ભલા માટેનું કેટલું ઝડપી અને સુંદર કામ થઈ શકે ! આપણને નથી લાગતું કે આઝાદી પછીનાં આટલાં બધાં વર્ષો દરમિયાન આપણે આપણા રૂપિયાના મૂલ્યને પણ જાળવી શક્યા નથી ? આપણે પ્રજાએ રૂપિયાને તોડવામાં કોઈ કસર રાખી નથી અને તૂટતા રૂપિયાના પરિણામે આપણે સૌ દિનપ્રતિદિન આર્થિક રીતે તૂટતા જ જઈએ છીએ.

આપણા દેશના આર્થિક સુધારા માટેના અનેક માર્ગો અર્થશાસ્ત્રીઓ ભલે બતાવે, પણ વ્યવાહારુ માર્ગો થકી જ આપણે રાષ્ટ્રીય કરકસરને અસરકારક બનાવી શકીએ. અહીં એક જ સૂચન કરીશ. ઓવરલોડ માલવાહનો કે વધુ પડતા મુસાફરોને લઈ જતાં વાહનોના ઉપર કાયદાકીય પગલાં જેમ લેવાઈ રહ્યાં છે, તેમ ક્ષમતા કરતાં ઓછી સંખ્યામાં માણસોને બેસાડીને કે બેસીને ફરતાં ખાનગી વાહનો ઉપર પણ કેસ થવા જોઈએ. આપણું મોટાભાગનું હૂંડિયામણ પેટ્રોલિયમની પેદાશો પાછળ વેડફાય છે. મારી ઉંમરના માણસોને ખ્યાલ હશે કે જ્યારથી પેટ્રોલિયમના ભાવો ઊંચકાવા માંડ્યા છે, ત્યારથી દુનિયાભરના અવિકસિત અને અર્ધવિકસિત દેશોની પાયમાલી શરૂ થઈ ગઈ છે. ખાનગી વાહનોવાળા અઠવાડિયામાં માત્ર એક જ દિવસ માટે પોતાના વાહનને ઘર બહાર ન કાઢવાનો સંકલ્પ કરે તો પણ ધાર્યું પરિણામ મળી શકે તેમ છે.”

-વલીભીઈ મુસા

 

Tags: ,

One response to “(૩૯૮) મારી વાર્તા ‘ભ્રમ ખોટો પડ્યો !’ ઉપરના પ્રતિભાવનો પ્રતિ-પ્રતિભાવ !

  1. pravinshastri

    November 24, 2013 at 9:08 pm

    સૌ પ્રથમ તો શ્રી મનસુખલાલ ગાંધી અને શ્રી વલીભાઈને હાર્દિક ધન્યવાદ. આ કોમેન્ટ કરતાં પહેલા મારે મૂળ લેખ વાંચવો જોઈતો હતો. હવે આ લખવાનું શરૂ કર્યું છે તો મનની વાત વ્યક્ત કર્યા પચી જ વાંચીશ. આજે ઠેર ઠેર ધર્મના ઓઠા હેઠળ, ધર્મને નામે માન્યતાઓના યુધ્ધો ચાલી રહ્યા છે. આ ચલાવનાર જક્કી ઝનુની વિકૃત માનસના બની બેઠેલા નેતાઓ, અને ધર્મ ગુરુઓ જ છે. ગાંધી સાહેબ કહે છે તે સાચું જ છે સામાન્ય પ્રજાને આની સાથે કશી જ લેવા દેવી નથી. પાડોસમાં રહેતા કે સાથ સાથ કામકરતા પર ધર્મીઓ એક મેકની સાથે સરળતાથી અને સમભાવથી જીવે જ છે. ભારતમાં અને અમેરિકામાંનો મારો જાત અનુભવ છે. બુધ્ધિહીન ટોળાને પોતાની વાકછટાથી ઉશકેરનાર અને પુષ્ટી આપનાર મિડિયા જ કોમી આગ ભડકાવે છે.

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: