મૂળ લેખ : ગુજરાતી ભાષાનું ભવિષ્ય .. એક ચિંતન – દિદાર હેમાણી (ક્લિક કરો)
મારો પ્રતિભાવ (૨)
*દીપકભાઈ,
મને આશા હતી જ કે આપણે અહીં ભેગા થઈશું અને થયા પણ ખરા. ઘડીભર માની લઈએ કે આપણે ઊંઝકોની ઈ-ઉ, શ, ષ, સ કે અનુનાસિક વ્યંજન/અનુસ્વાર કે બીજું જે કંઈ હોય તે બધું અપનાવી લઈએ છીએ; પરંતુ વ્યાકરણ, વિરામચિહ્નો અને કેટલાક વિશિષ્ટ દોષોનું શું ? નેટપ્રસારના કારણે આમપ્રજાનું ગુજરાતીમાં લખવાનું પ્રમાણ ઘટ્યું છે. ગુજરાતીમાં લખવાનું હવે શાળાકોલેજોમાં ભણતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ, સાહિત્યસર્જકો, અખબાર-સામયિકો અને બ્લોગર્સ પૂરતું સીમિત થઈ ગયું છે. વિદ્યાર્થીઓની ભાષાભૂલોને જોવાવાળા શિક્ષકો-અધ્યાપકો છે, સાહિત્યસર્જકો અને અખબાર-સામયિકોવાળાઓ પાસે પ્રુફરીડર્સ છે; જ્યારે બ્લોગર્સ ઉપર ભૂલસુધારનું કોઈ નિયંત્રણ નથી. હું પોતે પણ બ્લોગર છું અને બધાયના ભેળો હું પણ ભળીને આપણા બ્લોગર્સ વિષે, સૌ જાણે છે એટલે કહેવામાં વાંધો નથી, એટલું જ કહીશ કે મોટાભાગના બ્લોગર્સનો ગુજરાતી ભાષાને બગાડવામાં કંઈ ઓછો ફાળો તો નથી જ. કેટલાક બ્લોગર્સનાં બ્લોગશીર્ષકો, તેમના પરિચયલેખો, તેમના લેખો કે કાવ્યોનાં શીર્ષકો અને આંતરિક લખાણો, વાટકીવ્યવહારના ભાગ રૂપે લખાતા મોટાભાગના બ્લોગર્સના જ ‘દૂધમાં પાણી કે પાણીમાં દૂધ ?’ જેવા અશુદ્ધ ભાષામાં પ્રતિભાવો, આપસી મેઈલવ્યવહાર ઇત્યાદિમાં પ્રુફરીડરનું માથું ફાટી જાય તેવી શબ્દેશબ્દે, વાક્યવાક્યે, જાણેઅજાણ્યે, થયે જતી બેસુમાર ભૂલો વગેરે જોતાં એમ થયા કરે કે જો આમને આમ આખું આભ ફાટી જશે તો ક્યાં, કેવડાં અને કેટલાં થીગડાં કોણ, કઈ રીતે, ક્યાં લગાવશે !
હાલ આ જે લખાણ લખાઈ રહ્યું છે તેમાં વાચકોની ગેરસમજ ન થવી જોઈએ કે હું સંપૂર્ણ ભાષાશુદ્ધિની વાત કરું છું. અનુસ્વાર કે આનુનાસિક વ્યંજનની પસંદગીની વાત છોડો, કોઈ બેમાંથી એકેય લખે નહિ, ત્યારે ત્યાં શું સમજવું ? કોઈ બ્લોગના હોમપેજ ઉપર જે તે બ્લોગ શરૂ થયે પાંચપાંચ-છછ વર્ષો થયાં હોવા છતાં કોઈ ‘અમારા પુસ્તકો કે સામયિકો’, ‘વેબસાઈટ્’, ‘વાંચકો’ (હું પોતે જ એમ લખતો હતો, જે જુગલભાઈથી સુધર્યું.), સુવિચારોના … (પાછળ નાન્યતર જાતિનું નામ હોવા છતાં),’આપનુ સ્વાગત’, બ્લોગના શીર્ષક હેઠળની બ્લોગની ઓળખ માટેની Taglineમાં ભૂલો ! ગણી ગણાય નહિ. વીણી વીણાય નહિ એવી બેદરકારીઓ ! હોમ પેજ તો આપણા બ્લોગરૂપી ઘરનું આંગણું કહેવાય અને ત્યાં જો આવા ગો(સમો)ટાળા હોય તો વાચક અંદરનો મામલો કેવો હશે તેનો અંદાજ લગાવી શકે ખરો કે નહિ ? નરજાતિ, નારીજાતિ કે નાન્યતરજાતિ નામો માટે તો વ્યાકરણ એમ કહીને છૂટી જાય છે કે નામને કેવો, કેવી કે કેવું પૂછીને અજમાવી જુઓ અને જાતિ નક્કી કરી નાખો. નદીનો કિનારો, નદીના કાંઠા, નદીની રેતી, નદીનું પાણી, નદીનાં માછલાં અનુક્રમે કેવો, કેવા કેવી, કેવું, કેવાં પ્રશ્નો થકી જાણી શકાય. આ તો ઠીક છે કે ગુજરાતી આપણી માતૃભાષા હોઈ આ બધાં નામો આપણાથી પરિચિત છે, પરંતુ કોઈ હિંદી કે અન્ય ભાષી જે ગુજરાતીથી અજાણ હોય કે શીખતો હોય તે તો એમ જ બોલશે કે આકાશમાં કેવી ગડગડાટ થઈ રહી છે, આંખોને આંજી નાખે તેવો કેવો વીજળી ઝબૂકી રહ્યો છે, કેવી વાદળો આમથી તેમ દોડી રહી છે (વાદળીઓ હોય તો સાચું કહેવાય.), વગેરે વગેરે. હવે આપણે ગુજરાતી માતૃભાષીઓ જાદુગરની જેમ નરને નારી અને નારીને નર બનાવી દઈશું, તો કોઈ આપણને બિનગુજરાતી ગણીને માફ કરી દેશે ખરું ? મેં મારા બ્લોગ ઉપર ક્યાંક લખ્યું છે કે ‘ગુજરાતી પ્રત્યે મને પ્રેમ તો માતા જેટલો જ, પણ …’ ! કસમેં, વાદે, પ્યાર, વફા; સબ બાતેં હૈં, બાતોંકા જાલ !!!
આ પ્રતિભાવના સમાપન પૂર્વે અગાઉ મારા વેગુ ઉપર લખેલા ‘ગુજરાતીમાં પુનરોક્તિદોષ’ની યાદ અપાવી દઉં તો ત્યાં પહેલી નજરે જ દેખાઈ આવે તેવી ‘સહકુટુંબસહિત’, ‘યથાશક્તિપ્રમાણે’ જેવી ક્ષતિઓને તો ન જ ચલાવી શકાય; હા, નોકરચાકર, કામબામ વગેરે જેવા શબ્દો રૂઢ થઈ ગયા હોઈ તેમને ક્ષમ્ય ગણી શકાય. હવે જો બધું ચલાવી જ લેવાનું હોય, તો ન ચલાવી લેવાનું શું બાકી રહેશે તે આપણે નક્કી કરી લેવું પડશે ! આપણા દેશમાં અનામત જાતિઓની યાદી એટલી લાંબી થઈ ગઈ છે અને તેને ટૂંકી કરવા માટે બિનઅનામત જાતિઓની યાદી તૈયાર કરી લેવામાં આવે એ મતલબનું હું અહીં કહેવા માગુ છું. આવી જ ગુજરાતી ભાષામાં અન્ય ભાષાઓના શબ્દો અપનાવી લેવાની વાતો કરવામાં આવે છે, તો આ કોઈ નવીન સૂચન નથી. શબ્દકોશોમાં રૂઢ થએલા એવા બધા શબ્દો મોજુદ છે જ. સાથેસાથે એ પણ જોવાનું રહેશે કે આમ આડેધડ મર્યાદિત માણસો દ્વારા બોલાતા શબ્દોને પણ શબ્દકોશમાં ઘુસાડતા જઈશું, તો પેલા આરબ અને ઊંટ જેવું થઈને ઊભું રહેશે ! ઉદા. મારી મધરને એવો સિવીઅર ફીવર આવ્યો કે મારે ઇમીડિએઇટ ડોક્ટરને કોલ કરવો પડ્યો. ડોકટરે મારી મોમને ઇગ્ઝૅમિન કરીને પ્રિસ્ક્રિપ્શન લખી આપીને ઇમીડિએઇટ્લી મેડિસિન્સ મંગાવી લેવાનો ઓર્ડર કરી દીધો.
અતિવિસ્તાર બદલ ક્ષમા પ્રાર્થીને વિરમું છું. જય ગુર્જરી.
-વલીભાઈ મુસા
* દીપકભાઈ ધોળકિયા ભુજના વતની છે અને આકાશવાણી દિલ્હીમાં ગુજરાતી સમાચારવાચક તરીકે દીર્ઘ સેવાઓ આપ્યા બાદ હાલમાં નિવૃત્ત હોવા છતાં સાહિત્યિક પ્રવૃત્તિઓમાં ગળાડૂબ પ્રવૃત્ત છે. ૨૬મી જાન્યુઆરી, ૨૦૧૨થી શરૂ થએલા બ્લોગ ‘વેબગુર્જરી’ના સંપાદકમંડળના તેઓશ્રી, જુગલભાઈ વ્યાસ, પ્રજ્ઞાબેન વ્યાસ અને અમે બધાં સાથીઓ હોઈ અમે એકબીજાના સંપર્કમાં ઘણાં રહેતાં હોઈએ છીએ. એક વખતે અમદાવાદ બ્લોગરસભામાં અમે રૂબરૂ પણ મળ્યા છીએ. મૃદુ અને સાલસ સ્વભાવના દીપકભાઈ વિચારક અને અભ્યાસુ જીવ છે. પોતાનો ‘મારી બારી’ બ્લોગ ધરાવવા ઉપરાંત તેઓશ્રી ‘વેગુ’ ઉપર ગુજરાતી ભાષા અને વ્યાકરણ ઉપરાંત વિવિધ વિષયો ઉપર પોતાના વિદ્વતાપૂર્ણ લેખો પણ લખે છે. તેઓશ્રીના તંદુરસ્તીમય દીર્ઘ આયુષ્ય માટે સર્જનહારને દિલી પ્રાર્થના સાથે તેઓશ્રીનો સંક્ષિપ્ત પરિચય આપીને અત્રેથી વિરમું છું.
A P PATEL
December 12, 2013 at 11:55 am
Valibhai Musa,
A lot has been written,and is still being written,about Gujarati language.I suggest that something needs to be written about the evil impacts of cinema and TV, on our cultural values which are being eroded now.
LikeLike
Valibhai Musa
December 12, 2013 at 6:12 pm
Dear Bhaishri A. P. Patel,
Thanks for your comment. You may read my previous Article ‘Life and Literature’; and, I am sure, you will surely find there some ideas of mine how cinema and TV play destructive rolls against ethics and values of human life. Link is as follows : –
https://musawilliam.wordpress.com/?s=life+and+literature
LikeLike