RSS

(૪૦૪-અ) એબ્સર્ડ એટલે … ?

18 Dec

એબ્સર્ડ એટલે … અસંગત, હાસ્યાસ્પદ કે વાહિયાત !!!

વિવિધ કલાઓમાં ‘Absurd – કલાપ્રકાર’ એવું સ્પષ્ટ ઓળખનામ ભલે આધુનિક સમયગાળાની નીપજ હોય, પણ અનામી રીતે આ કલાતત્ત્વ તો પ્રાચીનકાલીન વિશ્વભરની ભાષાઓનાં સાહિત્યો કે અન્ય કલાઓમાં પૂર્ણ કે આંશિક સ્વરૂપે જોવા મળી જ રહે છે. આપણા આજના વિષયમાં Absurdની વિચારધારાને મહદ અંશે સાહિત્યકલાના સંદર્ભે અને અંશત: કોઈ અન્ય કલાના વાયરે ચઢી જાઉં તો તે અન્વયે, કહેવા પૂરતા બે શબ્દોએ, આપ સૌ વેગુજનો સમક્ષ  હળવી શૈલીએ શબ્દો ઉછાળવા “બંદા ‘વલદા’ હાજિર હૈ |” !

ગૂગલભોમિયાની આંગળી પકડીને આપને એવાં કોઈ એબ્સર્ડ નાટક કે વાર્તાથી પરિચિત કરાવીને ‘એબ્સર્ડ’ શબ્દથી અવગત કરાવી તો શકું; પણ ના, હું તેમ ન કરતાં હું  કાલ્પનિક એવા કોઈ નાટકના એકાદ એબ્સર્ડ નાટ્યાંશને વર્ણવતો જતો તેમાં આપ સૌને પણ સામેલ કરતો રહીશ અને પરોક્ષ રીતે ‘એબ્સર્ડ’ શબ્દને વગર પાણીએ આપના ગળા નીચે ઉતારવા માટે મદદરૂપ થવાનો પ્રયત્ન કરીશ. મારાથી ક્યાંક ઊંટના ચિત્રમાં તેના માથે શિંગડાં ઉમેરાઈ જાય તો મને દરગુજર કરશો, એવી હું અપેક્ષા રાખું છું. મને આશા જ નહિ, પણ આપ સૌમાં વિશ્વાસ પણ છે કે આપ મારી ઉપરોક્ત અપેક્ષાની ઉપેક્ષા તો નહિ જ કરો !

ગ્રામ્ય વાતાવરણની પૃષ્ઠભૂમિમાં આપ સૌ સરસ મજાનું કૃષિજીવનને સ્પર્શતું એક સામાજિક નાટક જોવા માટે આપની બેઠકે બિરાજમાન છો. પહેલા જ અંકના પહેલા જ દૃશ્યમાં નેપથ્ય ઊંચકાય છે અને નાટકનાં તે દૃશ્યમાંનાં પાત્રો પોતપોતાના સ્થાને ઊભેલાં કે બેઠેલાં આપને દેખાય છે. એ પાત્રોભેળું અન્ય એક એવું વયોવૃદ્ધ ખેડૂતનું પાત્ર છે કે જે રંગમંચની પ્રેક્ષકો તરફની છેવાડી ધારીની લગોલગના પહેલા પડદાને અડીને ગોઠવાએલા પોતાના ખાટલામાં પ્રભુનામની માળા ફેરવતું કે ચલમની ફૂંકો મારતું દેખાઈ રહ્યું છે. હવે નાટકનાં પેલાં સક્રીય પાત્રો તો પોતપોતાના સંવાદો થકી નાટક ભજવ્યે જ જાય છે. વચ્ચેવચ્ચે  આપની નજર પેલા ખેડૂત તરફ જાય છે અને આપ તેના તરફના કોઈ સંવાદને સાંભળવાની પ્રતીક્ષા કરી રહ્યા છો. નાટકનો પહેલો આખોય અંક પૂરો થઈ જાય છે, પણ પેલો ‘કાકો’ પોતાના ભાગે આવેલા મૂક અભિનયને ન્યાય આપતો જ રહીને તેના કોઈક સંવાદોને સંભળાવવા માટે આપ સૌને તલસાવી રહ્યો છે ! નાટકનો બીજો અંક શરૂ થાય છે. પડદો ઊપડતાં જ પેલો કાકો વળી પાછો માળા ફેરવતો અથવા ચલમ ફૂંકતો કે તેવો અભિનય કરતો હાજર જ હોય છે. બીજો અંક પણ પૂરો થાય છે. કાકો આપને જાણે કે એવી આશા બંધાવતો જાય છે કે તેનો બોલવાનો સમય હજુ આવ્યો ન હોઈ પોતે ભલે ચૂપ હોય પણ યથાસમયે તે એવું કંઈક બોલી બતાવશે કે જે નાટકને કોઈક નવી જ દિશામાં લઈ જશે ! પણ અફસોસ, એવું કંઈ થતું નથી !

હવે મધ્યાંતર પછી પડદો ઊંચકાતાં તેની મૂળ જગ્યાએ માત્ર ખાટલો જ દેખાય છે. હવે આપ મનોમન એમ ધારી બેસો છો કે પેલો ‘કાકો’ ફરી વાર રંગમંચ ઉપર આવશે જ, કેમ કે ખાટલો મોજૂદ છે ! જો એ પાત્ર ફરી વાર ન જ આવવાનું હોય, તો નાટકનો દિગ્દર્શક પેલા ખાટલાને ત્યાં મુકાવે નહિ; અને આમ, નવીન એક અંક પૂરો થઈ જાય છે, પરંતુ કાકાને ન આવવા માટેનું કારણ આપ કલ્પી લ્યો છો કે કાકો કાં તો ચાલુ નાટકે બીમાર થઈ ગયો હોવો જોઈએ અથવા જાજરૂ(ર)ની હાજત થતાં એ કામ પતાવવા જતો રહ્યો હોવો જોઈએ, પણ તે જરૂર પાછો ફરશે જ ! નાટકના એ અંક દરમિયાન ખાટલો ખાલી જ રહે છે. વળી પાછા નવીન અંકના મધ્ય ભાગે પેલો કાકો પ્રેક્ષકોની ખુરશીઓ વચ્ચેથી પસાર થતો અને આપને ખડખડાટ હસાવી દેતો રંગમંચ તરફ ગંભીર મુદ્રાએ જઈને પોતાના ખાટલામાં બેસી જાય છે. વળી પાછો પોતાને ફાળવેલા મૂક અભિનયના કામે લાગી જાય છે. પેલાં નાટકનાં પાત્રો તો તેમનું કામ કર્યે જ જાય છે, નાટક તેની પરાકાષ્ઠા તરફ આગળ વધતું જાય છે. છેવટે નાટક પૂર્ણ થયાની ઘોષણા થાય છે, પડદો પડે છે અને આપ રંગમંચના પડદાના જે ખૂણે ખાટલા અને ખાટલાસ્થિત કાકાને આખા નાટક દરમિયાન વેંઢાર્યે  રાખ્યો છે તે દિશામાં જોતાંજોતાં Exit ના દરવાજા તરફ આગળ વધતા રહો છો ! આપને એમ થાય છે કે ‘મારો વાલીડો કાકો છેવટ સુધી ન બોલ્યો તે ન જ બોલ્યો ! ભલે, એ ન બોલ્યો અને કોથળામાંથી ભલે બિલાડું પણ ન નીકળ્યું, પણ (કાકો હોવા છતાં, તમારાથી બોલી જવાય છે !) મારા બેટાએ આપણને છેક સુધી લોલીપોપ બતાવ્યે જ રાખી !!!

આ તો થઈ નાટકની વાત, પણ હવે આપને એક એવી એબ્સર્ડ કલાની વાત કહેવા જઈ રહ્યો છું કે જે પેલી ચોસઠ કલાઓમાં આવે છે કે કેમ, કે પછી તેને પાંસઠમી કલા ગણવી તેનો નિર્ણય તો આપ સૌએ જ કરવો રહ્યો ! મારા એક જિગરી મિત્રના જિગરી મિત્ર કંઈક ફાઈન કે સાદી (!) આર્ટનું ભણેલાગણેલા કુશળ ચિત્રકાર હતા. તેમણે મારા મિત્રને તેમનું ઉત્તમોત્તમ તૈલચિત્ર પણ ભેટ આપેલું અને તેમની ગેરહાજરીએ અમે બંને તેમના મહેમાન બનીને અમારી માગણીથી તેમનાં પત્નીના હાથના બાજરીના રોટલા પણ આરોગેલા ! ખેર, આ  તો જરા આડવાત થઈ ગઈ. તેમણે એક વખતે અમદાવાદના એલિસબ્રિજની નીચે રેતીના પટમાં દર શુક્રવારે ભરાતી ગુજરીની મુલાકાત લીધી હતી. એક હાથલારીમાં તેમણે લોખંડનો ભંગાર ભરેલો જોયો કે જેમાં છત્રીના સળિયા, લોખંડની ખિલાસરીના ટુકડા, પતરાનાં ડબલાં અને એવી જૂનીપુરાણી પરચુરણ ચીજવસ્તુઓ હતી. તેમની કલાકાર નજરને આડેધડ ગોઠવાએલી એ ભંગાર કલાત્મક રીતે ગોઠવાએલી દેખાઈ અને એ જમાનાના પચીસપચાસ રૂપિયામાં તેમણે એ ભંગારનો સોદો કરી લીધો હતો. ભંગારની ગોઠવણીને એમની એમ જ રાખીને તેમણે લારીને વેલ્ડિંગવાળાને ત્યાં લઈ જઈને આખા સ્ટ્રક્ચરને એમ ને એમ જ રેણાવી દીધું હતું. અજીબોગરીબ એવી આ કલાકૃતિને પોતાના ઘરે લઈ ગયા પછી તેના ઉપર ઓઈલપેન્ટનું રંગરોગાન કરીને તેમણે પોતાની એ એબ્સર્ડ કલાકૃતિને એક પ્રદર્શનમાં મૂકી દીધી હતી. આ એબ્સર્ડ કલાકારની એબ્સર્ડ કલાકૃતિને ખરીદનારા એક એબ્સર્ડ ગ્રાહક મહાશય પણ મળી ગયા અને એ કલાકૃતિના એ વખતના ભારતના રાષ્ટ્રપતિના માસિક પગાર રૂ|.૧૦,૦૦૦/- અંકે રૂપિયા દસ હજાર પૂરા જેટલી રકમ ચૂકવીને હોંશેહોંશે પોતાના ઘરે લઈ ગયા હતા. પોતાના બંગલાના બેઠકખંડમાં કાચના મોટા શોકેસમાં રાખીને તેમણે પોતાના કોણ જાણે કેટલા એબ્સર્ડ મહેમાનોને રાજીના રેડ કરી દીધા હશે, જેની આપણે એબ્સર્ડને ન સમજી શકનારા ઢબુ પૈસાના ‘ઢ’ જેવા કલાપારખુઓએ માત્ર કલ્પના જ કરવી રહી !

માત્ર સાહિત્ય કે તેના નાટક, વાર્તા, કાવ્ય, ગઝલ, નિબંધ જેવા વિવિધ પ્રકારો જ નહિ, પરંતુ કલાજગતની અન્ય કલાઓ પણ એબ્સર્ડ સર્જનોનોથી માલામાલ છે. એબ્સર્ડ પેઈન્ટીંગ્ઝ હોઈ શકે, એબ્સર્ડ શિલ્પ (Sculpture) હોઈ શકે, એબ્સર્ડ ડ્રોઈંગ હોઈ શકે, એબ્સર્ડ કાષ્ઠકલા હોઈ શકે; અરે, જીવતાજાગતા એબ્સર્ડ માનવીઓ પણ હોઈ શકે ! મારી એબ્સર્ડની સર્વાંગ સંપૂર્ણ વ્યાખ્યાની જાળી (Net)માં શોધખોળ દરમિયાન મને એવું લાગ્યું કે એ  વ્યાખ્યાઓ ખુદબખુદ જ એબ્સર્ડ છે અને અનાયાસે અચાનક મારા મનમાં Non-absurd આ વ્યાખ્યા ઊગી નીકળી : ‘જે કલાને ભોક્તા સમજી ન શકે અને સર્જકે ભોક્તાને તેને સમજાવવા માટે મથામણ કરવી પડે તેને જ તો વળી એબ્સર્ડ કલા કહેવાય !’ વળી ઉપરાઉપરી ‘ઉત્તમ પ્રકારની એબ્સર્ડ કલા’ માટેની પણ મને બીજી વ્યાખ્યા મળી ગઈ કે “એવી કલા કે જેને સર્જકે ભોક્તાને હાથ જોડીને માફી માગતાં કહેવું પડે કે ‘સોરી, મને ખુદને જ ખબર નથી કે મેં શું સર્જ્યું છે !’ તેને જ મને કે કમને ‘ઉત્તમ પ્રકારની એબ્સર્ડ કલા’ તરીકે સ્વીકારી લેવી પડે !’

મારા વાંચવામાં આવેલી કોઈક પ્રયોગશીલ હાર્મનિકા કે જેને આપણે નવલિકાની આંગળિયાત બહેન સમજવી પડે, તેમાં કંઈક પાનકોર નાકા, પાનાચંદ શેઠ (કે ગુમાસ્તા !) અને પાન ચાવવા જેવા પુનરાવર્તિત શબ્દોની તાલબદ્ધ ગોઠવણીએ બનેલાં વાક્યોની એવી માયાજાળ હતી કે તેને સમજવા માટે માથામાં ખંજવાળતા જતાં ટાલ પાડી જાય ! સ્મૃતિદોષના કારણે અહીં મારી કોઈ ભૂલ થતી હોય તો આપ મારા વતી આપના પોતાના કાન પકડીને મને પ્રતિભાવમાં જણાવી દેજો કે ‘તમે કહો છો તે હાર્મનિકાની શબ્દગૂંથણી આમ નહિ, પણ આમ હતી !’ મને એટલું તો યાદ છે કે ભલે અસંબદ્ધ પણ એ હાર્મનિકામાં આખાં વાક્યો તો આવતાં હતાં, પણ અહીં હું આપને સાવ મફતમાં એક એવી જેને આપ વાર્તા, લેખ કે નિબંધ એવું ગમે તે નામ આપી શકો તેવી સરસ મજાની એબ્સર્ડ રચના રચતાં શીખવી દઉં ! કોઈ પણ દિવસના સમાચાપરપત્રના એકાદ પાના ઉપરના કોલમ પ્રમાણેના લખાણને ઉપરથી નીચે ન વાંચતાં જમણી બાજુ તરફ વધતા જઈને બધાં કોલમોમાં જે કંઈ લખાણ આવતું જાય તેને લખી નાખો. બસ, આ તમારી એબ્સર્ડ રચના થઈ ગઈ સમજી લો ! બગડી ગએલા રેડિયોમાં બે સ્ટેશન એકસાથે પકડાઈ જતાં જેમ તમને આવું સાંભળવા મળે કે  ‘આ આસનમાં તમારા બંને પગ દીવાલને લગતા ઊંચા, બંને હાથની હથેળીઓ જમીન ઉપર અને માથું ખાંણિયામાં નાખીને તેને બરાબર છૂંદી લીધા પછી એ છૂંદામાં મનગમતા મસાલા ભેળવીને એ રીતે તમે શીર્ષાસન કરી શકશો!’, બસ તેવી જ રીતે અહીં આપની એબ્સર્ડ રચનાને આપના વાચકો માણી નહિ શકે તો આપને જાણી તો જરૂર લેશે કે આપે કોઈક મનોચિકિત્સાલયની પથારીમાં બેઠાબેઠા આ બધું લખી દીધું છે !

લેખસમાપન પૂર્વે, આપનાં અનુગામી શિશુઓ (Child Successors)ને થોડાંક એબ્સર્ડ ચિત્રો શીખવી દેવાની મારી ધગશને ન્યાય આપી દઉં. તેમણે તેમના ચિત્રકલાના શિક્ષકને કાળી સ્લેટમાં ‘રાત્રિ’ લખેલું, લીલી સ્લેટમાં ‘હરિયાળી’ લખેલું અને સફેદ કાગળમાં ‘દિવસ’ લખેલું Instant Coffee ની જેમ બતાવી દેવાનું છે !

હું છેલ્લેછેલ્લે આ લેખમાં વિષયને આનુષંગિક મારી એક વાર્તા ‘ML GRGOV’ (સાંકેતિક શીર્ષક)’નો લિંક આપીને પગપેસારો કરી લઉં છું ! બકાલાની ખરીદીમાં મફતનાં મળતાં કોથમીર કે મરચાં (જો કે ગૃહિણીઓએ આજકાલ આવી વ્યર્થ આશા રાખીને નિરાશાને આમંત્રણ ન આપવું જોઈએ !) તોલમાપમાં આવે નહિ; તેમ મારી એ વાર્તાને આપ મારા અગાઉના લેખના શીર્ષક ‘કૌંસની બહાર’ શબ્દો સાથે સામ્ય ધરાવતા ‘લેખની બહાર’ શબ્દોએ ગણી-ગણાવીને, વાંચી-વંચાવીને, આનંદ લૂંટી-લૂંટાવીને, ‘એબ્સર્ડ’નો અર્થ સમજી-સમજાવીને, જ્ઞાનમાં વૃદ્ધિ કરી-કરાવી લેશો તેવી અભ્યર્થનાસહ હું અત્રેથી વિરમું છું. જય હો !

-વલીભાઈ મુસા

 

Tags: , , ,

3 responses to “(૪૦૪-અ) એબ્સર્ડ એટલે … ?

  1. સુરેશ જાની

    January 22, 2016 at 2:03 pm

    વાહ! બહુ જ મજા કરાવી દીધી.
    એ કાકાના પાત્ર વાળું કો’ક નાટક નાટ્યરસ પ્રદિપ્ત હતો, ત્યારે જોયેલું એમ યાદ છે. અને તમારા જેવી જ ઉત્કંઠા થઈ હતી. નાટ્ય તત્વના સમજુ એક મિત્રે તે પાત્રની મહાન(!) અગત્ય આખા નાટકના કથાવસ્તુ સાથે શી રીતે મેચ થતી હતી, તે સરસ મિમાંસા સાથે સમજાવ્યું હતું. અને ત્યારે દિગ્દર્શકની કળાને સો સલામ મારી દીધી હતી!

    આવું જ એક, કદી ન વિસરાય એવું એબ્સર્ડ નાટક – મધુ રાય લિખિત -ખેલંદો’ … એના જેવું નાટક હજી સુધી જોવા મળ્યું નથી . પ્રવીણ જોશી અને બીજા એક સિદ્ધ કલાકાર -બે જ પાત્રો ( પ્રો; ગણાત્રા – સ્ટેજ પરના પાત્રનું નામ)
    જો એની સ્ક્રિપ્ટ વાંચવા મળી જાય તો ૧૦૦૦/- રૂ મૂળાના પતિકા જેવા આપી દ ઉં – અમદાવાદી હોવા છતાં!
    —————–
    અને આખરી ફટકો….
    કદી એ ન ભુલાય કે………,.

    આખી જિંદગી અને આખી દુનિયા… એકદમ એબ્સર્ડ ડ્રામા સિવાય કશું નથી – ભલે વિવેચકો અને વિચારકો એમાંથી અર્થ કાઢવા મથ્યા કરે !
    ઓલ ઈઝ મિનિંગલેસ……ઇટ જસ્ટ હેપન્સ.

    Liked by 1 person

     
  2. Sharad Shah

    January 22, 2016 at 4:15 pm

    સેમ્યુઅલ બેકેટની પ્રસિધ્ધ એબ્સર્ડ નવલકથા/ડ્રામા છે, “વેઈટીંગ ફોર ગોડોટ” .નવલકથા ટુંકમાં કહું તો ચાર એક મિત્રો એક કી હાઊસમાં ટેબલ પર ભેગા થાય અને ગોડોટ નામની વ્યક્તિની પ્રતિક્ષા કરતાં જાત જાતના તર્ક અને દલીલો કરે અને ગોડોટ આવતો નથી. બીજા દિવસે ,ટ્રીજા દિવસે એમ દિવસો વિતતા જાય અને રોજ એ મિત્રો કોફી હાઊસમાં ભેગ થઈ આ એક જ કામ કરે ગોડોટની રાહ જોવાનુ અને એ કેમ મોડો પડ્યો હશે કે હમણાં જ પહોંચશે તેની ચર્ચાઓ અને તરક પર પર્ક કરે જાય. અંત સુધી ગોડોટ આવતો નથી. ગહન સંદેશ આ એબસર્ડ નવલ કથાનો એ છે કે આપણે પણ આમજ સુઅખની, આનંદની, પરમાત્માની બસ રાહ જોયા કરીએ છીએ. ચર્ચાઓ પર ચર્ચાઓ અને તર્ક પર તર્ક અને સુખ, આનંદ કે પરમાત્મા આવતો નથૉ. બસ રહ જોયા કરો..
    સેમ્યુઅલ બેકેટના જીવનમાં એક ઘટના બની અને તે પછી તેને આવી એબસર્ડ નવલકથાઓ લખવાનુ શરુ કર્યું. એક દિવસ સાંજના સમયે સેમ્યુઅલ પેરિસના રસ્તા પર એક આમંત્રિતનુ ઘર શોધતો હતો. પેલા આમંત્રિતે આપેલ સરનામાની ચિઠ્ઠી એક રાહગીરને બતાવી તેને સરનામાના સ્થળે પહોંચવા માર્ગ બતાવવા કહે છે. અને પેલો માર્ગ બતાવવાના બદલે ખિસ્સામાંથી ચાકુ કાઢી સેમ્યુઅલના પેટમાં બે ત્રણ ઘા મારી દે છે. લોકો ભેગા થઈ જાય છે પેલા હત્યાનો પ્રયાસ કરનારને પકડે છે અને સેમ્યુઅલને હોસ્પીટલ પહોંચાડે છે. સેમ્યુઅલને સમયે સરવાર મળી જતાં તે બચી જાય છે પણ ચાર મહિના તેને હોસ્પીટલમાં રહેવું પડે છે. સેમ્યુઅલ હોસ્પીટલમાં પડ્યો પડ્યો વિચારતો હોય છે કે આ માણસને હું ક્યારેય મળ્યો નથી, એની સાથે મારી કોઈ દુશ્મની નથી, મેં એને ખુબ જ વિનયપૂર્વક પૂછ્યું હતું તો એને મને છરો કેમ માર્યો? આ વાતનો કોઈ જવાબ મળતો ન હતો અને સેમ્યુલ હોસ્પીટલના બિછાને પડ્યો પડ્યો બેચેન બની જતો. હોસ્પીટલમાંથી તેને રજા મળી એટલે તે સીધો જેલમાં પેલા માણસને મળવા ગયો અને તેને પૂછ્યું કે,” તેં મને છરો કેમ માર્યો? મેં તારું શું બગાડ્યું હતું? કે પછી મારા જેવા દેખાતા કોઈ સખ્સને સમજીને તેં મને છરો માર્યો? જે હોય તે તું સાચું કહે. તું સાચું બોલીસ તો હું તને બચાવવામાં મદદ પણ કરીશ.” પણ પેલો માણસ આ સાંભળીને રડવા માંડ્યો. સેમ્યુઅલે તેને શાંતવના આપી અને કહ્યું,” તું ડર નહી. હું તને કોઈ હાની નહી પહોંચાડું” પેલો માણસ કહે તમે તો મને સવાલ પૂછી, મારો જવાબ સાંભળી સંતોષથી ઘરે જતા રહેશો. પણ હું ક્યાં જઈશ? કોને પૂછીશ? કે મેં તમને છરો કેમ માર્યો? મને જ ખબર નથી કે મેં તમને છરો કેમ માર્યો.” સેમ્યુઅલ આ જવાબ સાંભળી આશ્ચર્ય ચકિત થઈ ગયો. તેણે વિચાર્યું કે સાલું આપણુ બધાનુ પણ આવું જ તો છે. શું કામ આવ્યા? શું કરવા માંગીએ છીએ? આ જીવન શેના માટે છે? હું કોણ છું? ક્યાંથી આવ્યો અને ક્યાં જવાનો? કશી ખબર નથી અને બસ જીવ્યે રાખીએ છીએ એક યંત્રવત. આનાથી વધુ એબ્સર્ડ જીવન શું હોઈ સકે? અને સેમ્યુઅલે એબ્સર્ડ નવલકથાઓ લખવાનુ શરુ કર્યું.

    Liked by 1 person

     
  3. La' Kant " કંઈક "

    January 25, 2016 at 6:03 am

    फॉर ए चेंज ………मुझे ……….मुझे सिर्फ इतना ही पता है कि, अन्योंको “विचित्र” लगूं,इतना तो “एब्सर्ड” हूँ ही ! हकीकतमें,”कुछ” [ SOMETHING= ‘KAINK=’कैंक/ ” કંઈક ” तो हूँ ही ! बाकी …मौजां ही मौजां ! एनजोय्ड “एब्सर्डीटी…..!!! बन्दा “वलदा” भाईजान को सलाम ….. लाईट कोमेडी के वास्ते …… कोइने वातनुं वतेसर के ‘पिष्टपेषण ‘ पण लागे! दृष्टि-भेद ‘कुदरती देन/भेट/……….” समजवी

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: