RSS

(૪૦૫) વિશ્વતોમુખી આર્ષદૃષ્ટિ (ઈ.સ.૨૨૨૨)

24 Dec

[તાજેતરમાં જગતજમાદાર અમેરિકા ખાતેનાં ભારતનાં રાજ્દૂત દેવયાની ખોબરાગડેની તેમની સામે મુકાએલા આક્ષેપો અન્વયે કરવામાં આવેલી ધરપકડના પ્રત્યાઘાત રૂપે ભારતે અમેરિકા સામે હૂંકારો કરીને અમેરિકાના ભારતખાતેના રાજદ્વારીઓને આપવામાં આવતી સવલતોને સ્થગિત કરી દઈને જે પડકાર ફેંક્યો છે તે ઘટનાએ વિશ્વભરમાં ‘અહો આશ્ચર્યમ્’, ‘અરે વાહ !’, ‘વાહ, ભારતની ગજબની હિંમત !’ જેવા ઉદ્ગારોની લહેરો પ્રસરાવી દીધી છે. જો કે ભારતે પોતાની પાંગળી વિદેશનીતિ અને દૂરંદેશિતાના અભાવે ‘દેવયાની પ્રકરણ’ કરતાં પણ અનેક ઘણા ગંભીર મુદાઓ ટાણે અમેરિકાનું નાક દબાવવાના અનેક પ્રસંગો ગુમાવ્યા હોવા છતાં, ભલે પહેલી નજરે ક્ષુલ્લક જેવા લાગતા આ મુદ્દાએ પણ ભારતે જે અકલ્પ્ય સાહસ પ્રદર્શિત કર્યું છે; તેને અમેરિકન કૂટનીતિના ભોગ બનેલા પીડિત દેશોએ ઉમળકાભેર આવકાર્યું છે.

આપણા ભારતીય આર્ષદૃષ્ટાઓ મહર્ષિ અરવિંદ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધી અને તાજેતરમાં મહાનુભાવ અબ્દુલ કલામ જેવાઓએ જે ભવિષ્યવાણીઓ આલેખી છે તે પ્રમાણે એક સમય એવો આવશે  જ્યારે કે ભારત વિશ્વનું નેતૃત્વપદ સંભાળશે. ભારતનું ભવિષ્યનું એ નેતૃત્વ આધ્યાત્મિકતાના પાયાઓ ઉપર મંડાએલું હશે અને તેનાં લક્ષ્યો હશે વિશ્વબંધુત્વ, વિશ્વશાંતિ અને માનવધર્મનો પ્રસાર.

અહીં મેં મારા આ લેખમાં બસો વર્ષ પછીની વિશ્વની સર્વપાંખીય ઉન્નતિમાં ભારતની ભૂમિકા અને પશ્ચિમના દેશોની ઓસરતી જતી પ્રભાવકતાને મારી કલ્પના વડે આલેખવાનો પ્રયત્ન કર્યો છે; જે ભલે પહેલી નજરે ‘શેખચલ્લીની તરંગી કલ્પનાઓ !’ કે ‘દિલકો બહલાનેકે લિએ ગાલિબી ખયાલ અચ્છે હૈ !’ જેવું લાગશે, પરંતુ હાલ પૂરતા સર્વાંશે નહિ તો અલ્પાંશે પણ આપણે એ સ્વીકારવું જ પડશે કે ‘વિશ્વરાષ્ટ્ર’ના નિર્માણ માટે  અને ‘માનવકલ્યાણ’નાં ઉદ્દાત લક્ષ્યોને સિદ્ધ કરવા માટે ‘વિશ્વશાંતિ એ જ આખરી ઉપાય’ના વિચારને આપણાથી સાવ અવગણી તો નહિ જ શકાય.

તો ચાલો, આપણે ભાવીના ભીતરમાં ડોકિયું કરીએ અને ઈ.સ. ૨૨૨૨ના વર્ષે આપણે સદેહે જીવિત તો નહિ જ હોઈશું, તેમ છતાંય આપણે આપણી જાતને બે સૈકાંઓ પછીની દુનિયામાં હાજરાહજૂર સમજીને એ વખતની સ્વર્ગીયસુખની અનુભૂતિ કરાવતા એવા કલ્પનાતીત લુત્ફ (આનંદ)ને માણીએ.]

                           વિશ્વતોમુખી આર્ષદૃષ્ટિ (ઈ.સ.૨૨૨૨)

ઈ.સ. ૨૨૨૨નું આ વર્ષ છે. છેલ્લી બે સદીમાં વિશ્વનો ભૌગોલિક નકશો તો બદલાઈ જ ચૂક્યો છે. એક કાળે આડોશપાડોશના નાના કે મોટા, અવિકસિત કે વિકસિત દેશો જે ગજા બહારનાં સંરક્ષણ બજેટો થકી સરહદી કે અન્ય વિવાદો માટે લડતાઝઘડતા હતા, તેમાંના મોટાભાગના દેશોનું ૨૨મી સદી સુધીમાં જ વિલિનીકરણ થઈ ચૂક્યું છે. વીસમી સદીમાંના દુનિયાના બસોથી પણ અધિક એટલા દેશો હવે માંડ ચાલીસેકની સંખ્યામાં આવી ચૂક્યા છે. એક જ પ્રકારના ભૌગોલિક અને સાંસ્કૃતિક વિસ્તારના અખંડ દેશો જે કૃત્રિમ રીતે વિભાજિત થઈ ગયા હતા, તે હવે ફરી જોડાઈ ગયા છે. એક સમયે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA), યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સોવિયેટ રશિયા (USSR), યુનાઈટેડ આરબ એમિરાત (UAE) કે યુનાઈટેડ કિંગડમ (UK) જેવા સ્વાયત્ત રાજ્યો ધરાવતા સંયુક્ત દેશો છેલ્લાં પચાસેક વર્ષોમાં તો વધુ સંખ્યામાં અસ્તિત્વમાં આવી ચૂક્યા છે. દૂરના ભૂતકાળમાં છેક વીસમી સદીનાં બે વિશ્વયુદ્ધો પછી ઘણી વાર તંગદિલી સર્જાઈ હોવા છતાં ત્રીજું વિશ્વયુદ્ધ થયું નથી અને વિશ્વપ્રજાની આધ્યાત્મિક ઉર્ધ્વગામિતાના કારણે આવનારાં હજારો વર્ષો સુધી તેની શક્યતા પણ દેખાતી નથી. વિશ્વના દેશો આંતરિક વર્ગવિગ્રહો કે સરહદી યુદ્ધોથી મુક્ત થયા હોઈ તેમણે ભૌતિક સમૃદ્ધિ અને માનવતાવાદી વિચારધારામાં અકલ્પનીય પ્રગતિ સાધી છે.

વિશ્વભરમાં પરિવર્તનનો જે પવન ફૂંકાઈ રહ્યો છે, તેનું ઉદગમસ્થાન છે ભારત, કે જે બાવીસમી સદીના પૂર્વાર્ધ સુધી તો એ જ નામે ઓળખાતું હતું; પરંતુ એ જ સદીના ઉત્તરાર્ધથી તેના જ નેતૃત્વ હેઠળ થએલા દક્ષિણ એશિયાઈ બધા જ દેશોના વિલિનીકરણથી હવે તે USSA (યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ સાઉથ એશિયા) નામે ઓળખાય છે. જેમ એક કાળે USA  અમેરિકા નામે ઓળખાતું હતું, બસ એ જ રીતે આ USSA પણ લોકજીભે ‘બૃહદ ભારત’ તરીકે ઓળખાય છે. યુનાઈટેડ નેશન્સનું મુખ્ય કાર્યાલય ન્યુયોર્કથી  USSA (બૃહદ ભારત)ની રાજધાની દિલ્હી ખાતે આવી ગયું છે. એક જમાનામાં મહાસત્તાઓની શેહ હેઠળ યુનોનું જે તંત્ર ચાલી રહ્યું હતું, તે હવે મુક્ત રીતે કામ કરે છે; કેમ કે યુનોના બંધારણમાં ધરખમ ફેરફારો કરીને પેલી કહેવાતી મહાસત્તાઓના વિટો પાવરને નિર્મૂળ કરીને તેમને નહોર વિનાના વાઘ બનાવી દેવામાં આવ્યા છે. યુનોને પૂર્વના USSA (બૃ.ભા.) દેશ તરફથી નેતૃત્વ પ્રાપ્ત થતાં યુનોની કાર્યરીતિમાં નોંધપાત્ર  ફેરફારો આવી ચૂક્યા છે. હવે પેલું જૂનું યુનો નવીન એવા ‘ન્યુ યુનો’ નામે ઓળખાવા માંડ્યું છે. વીસમી સદીના પૂર્વાર્ધમાં વિશ્વને મળેલી ગાંધીઅન ફિલસુફી જે લાંબા ગાળા સુધી અપ્રસ્તુત બની ચૂકી હતી, તે હવે વિશ્વના માનવજાતના કલ્યાણ માટે અનિવાર્ય  બની ચૂકી છે.

વિજ્ઞાનના આવિષ્કારોએ થોડીક પીછેહઠ કરવા માંડી છે. ખાસ કરીને કૃષિ ક્ષેત્રે ઓર્ગેનિક ખેતીનું ચલણ ૨૧મી સદીના પચાસના દશકથી લગભગ આખા વિશ્વમાં વ્યાપી ચૂક્યું છે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓએ ધરતીનાં રસકસ ચૂસી લીધાં હતાં અને એ ધરતીની ફળદ્રુપતાને પાછી લાવવા માટે છાણિયા ખાતરને વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવા માટે પશુપાલનનો મહિમા વધ્યો છે. પશુપાલનના કારણે દૂધનું ઉત્પાદન વધ્યું હોઈ સમગ્ર વિશ્વમાંથી કુપોષણની સમસ્યા કાયમ માટે હલ થઈ ચૂકી છે. વિશ્વભરના દેશોએ મોટી નદીઓને સૂકી કે નાની નદીઓ સાથે સાંકળી દઈને વિશ્વને હરિયાળું બનાવી દીધું છે. જે જે દેશોમાં નદીઓનું અસ્તિત્વ જ નહોતું, ત્યાં નહેરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. વસુધૈવ કુટુંબકમ્ ની ભાવના જે એક કાળે માત્ર પોકળ આદર્શ તરીકે શબ્દની શોભા ગણાતી હતી, તે હવે વાસ્તવિકતા ધારણ કરી ચૂકી છે. દેશોદેશો કે રાજ્યોરાજ્યો વચ્ચેના જળવિવાદોના સ્થાને સત્તાધીશો અને પ્રજાઓનાં માનસોમાં માનવકલ્યાણની ઉદ્દાત ભાવનાઓ જન્મ લઈ ચૂકી છે અને વિવાદો શમી ગયા છે.

જગત હવે એક જ રાષ્ટ્ર બનવા તરફ જઈ રહ્યું છે અને વિશ્વના કેટલાક રાજનીતિજ્ઞો અને ધારાશાસ્ત્રીઓ તો વિશ્વરાષ્ટ્ર માટેના બંધારણના મુસદ્દાઓ પણ તૈયાર કરવા માંડ્યા છે. કેટલાય ધાતુશિલ્પીઓ અને ડિઝાઈનરો સમગ્ર વિશ્વ માટે સર્વસામાન્ય એવી મુદ્રાઓ કે ચલણી નોટોની ડિઝાઈનો પણ તૈયાર કરવા લાગી ગયા છે. યુનોમાં એક વિચારે જોર પકડવા માંડ્યું છે કે વિશ્વના અર્થતંત્રમાં કોઈ એક વિશિષ્ટ દેશ કે દેશોના ચલણી નાણાનું આધિપત્ય રહેવું જોઈએ નહિ. આમેય ડોલર, પાઉંડ અને યુરોના આભાસી મજબુતીના ફુગ્ગા ફૂટી ચૂક્યા છે. વિશ્વમાનવો બેંકો મારફતની લેવડદેવડની ઘરેડમાં આવતા જતા હોઈ સ્થુળ ચલણનો વપરાશ ઘટવા માંડ્યો છે. વિશ્વબેંકે પણ પોતાની કાર્યરીતિમાં માનવકલ્યાણને અગ્રીમતા આપી હોઈ તે અવિકસિત, અર્ધવિકસિત કે ગરીબ દેશો ઉપર વિશેષ ધ્યાન આપવા માંડી છે. માનવીમાત્રના હવા, પાણી, ખોરાક, વસ્ત્રપરિધાન અને રહેઠાણ ઉપરાંતના આરોગ્યસુવિધા અને શિક્ષણના અધિકાર જેવા માનવ અધિકારોને  માત્ર  સ્વીકારી જ લેવામાં નથી આવ્યા, પણ તેના ઉપર અમલીકરણ પણ કરવામાં આવી રહ્યું છે.

વિશ્વના બદલાઈ રહેલા આ વાતાવરણમાં હજુ સુધી અમેરિકા અને યુરોપીય દેશો અનુકૂલન સાધી શકતા નથી. આ દેશો વિશ્વના અન્ય દેશોની નજરમાં સાવ ઉપેક્ષિત ન બની જાય તે ભયમાત્રથી તેમણે ‘ન્યુ યુનો’ના સભ્યપદને બાહ્ય રીતે તો સ્વીકાર્યું છે, પણ આંતરિક રીતે  USSA (બ્રુ.ભા.)ના ‘ન્યુ યુનો’ના નેતૃત્વથી તેઓ તેજોવધની ભાવના અનુભવી રહ્યા છે. ‘ઝાઝી કીડીઓ સાપને તાણે’ તે ન્યાયે પશ્ચિમી દેશોના ભૂરંગોને વિશ્વના અન્ય દેશોએ USSA (બૃ.ભા.)ના નેતૃત્વને સંપૂર્ણ  સમર્થન આપીને એક સમયના તેમના વિશ્વ ઉપરના નિરંકુશ આધિપત્યને નામશેષ બનાવી દીધું છે. આમ છતાંય અમેરિકા તો હજુપણ પોતાની મુડીવાદી વિચારધારામાંથી બહાર આવી શકતું નથી. વિશ્વ જ્યારે કૃષિને અગ્રીમતા આપી રહ્યું છે, ત્યારે એક અમેરિકા માત્ર જ ઔધોગિક વિકાસને પ્રાધાન્ય આપી રહ્યું છે. વિશ્વના દેશો સાથે તાલમેલમાં રહેવાના બદલે તે પોતાની મુડીવાદી ઘેલછામાં એવા ખોટા નિર્ણયો લઈ રહ્યું છે કે જેથી તેનું અર્થતંત્ર રોજબરોજ કથળતું જ રહ્યું છે. વિશ્વના મોટા ભાગના દેશો પોતાની ઔદ્યોગિક જરૂરિયાતો માટે આત્મનિર્ભર બની ચૂક્યા હોઈ અમેરિકન કે અન્ય પશ્ચિમી ઉત્પાદનો હવે તેમના ઘરેલુ ઉપભોગ પૂરતાં સીમિત થઈ ચૂક્યાં છે.

અધૂરામાં પૂરું જે અમેરિકાએ અને સાથી દેશોએ તે વખતના જૂના યુનોના કહેવાતા વડીલપદે એકવીસમી સદીના પ્રારંભે મધ્ય પૂર્વના કેટલાક દેશો ઉપર યુદ્ધો લાદીને કે યુદ્ધોનો ભય બતાવીને દુનિયાને ઊંધાં ચશ્માં પહેરાવીને એમ બતાવવાની બેબુનિયાદ કોશિશ કરી હતી કે તેઓ   આણ્વિક, રાસાયણિક અને જૈવિક શસ્ત્રો ધરાવે છે અને છેવટે એ વાત પોકળ સાબિત થઈ હતી; બસ, હવે એ જ રીતે ખુદ અમેરિકા, બ્રિટન અને સાથી યુરોપીય દેશોએ પોતાનાં ચલણ ડોલર, પાઉંડ અને યુરોને સંગીન હોવાનાં પ્રમાણ આપવાની માંગ પૂર્વના અને આફ્રિકાના દેશો તરફથી ન્યુ યુનોના માધ્યમે ઊભી થઈ છે. ન્યુ યુનો દ્વારા નિયુક્ત થએલી તપાસ એજન્સીઓએ એ સઘળા દેશોનો ભાંડો એ તારણ જાહેર કરીને ફોડ્યો છે કે તેમણે છેલ્લી અઢીએક સદીઓથી પર્યાપ્ત હૂંડિયામણની જાળવણી વગર પોતાની ટંકશાળોમાં દિવસરાત પોતાનાં ચલણો છાપ્યે રાખીને જગતને મૂર્ખ બનાવ્યે જ રાખ્યું છે.  આમ ન્યુ યુનોએ એ દેશોની આર્થિક અસલિયતને ખુલ્લી પાડીને દુનિયાને ચોંકાવી દીધી છે. વિશ્વબેંક હવે ન્યુ યુનોના સભ્યપદ હેઠળના લગભગ તમામ દેશો માટેનું એક સમાન ચલણ શરૂ કરવા તરફ જઈ રહી છે. આ ચલણ ન્યુ યુનો ઝોન હેઠળના સત્તાવાર ચલણ તરીકે સ્વીકૃતિ પામનાર હોઈ અમેરિકા અને બ્રિટન સિવાયના દુનિયાના તમામ દેશોએ પોતપોતાનાં ચલણોના બદલે આ નવીન ચલણને પોતપોતાનું સમર્થન આપી દીધું છે.

– વલીભાઈ મુસા

 
5 Comments

Posted by on December 24, 2013 in ભારત, લેખ

 

Tags: , , , , , , , , , , , , , , , , , , , ,

5 responses to “(૪૦૫) વિશ્વતોમુખી આર્ષદૃષ્ટિ (ઈ.સ.૨૨૨૨)

  1. pragnaju

    December 24, 2013 at 7:00 pm

    અમેરિકામાં ભારતીય મહિલા રાજદૂત દેવયાની ખોબરાગાડેની નોકરાણીના કારણે ધરપકડ કરવામાં આવી અને આખી વાતને વૈશ્વિક મુદ્દો બનાવી દેવામાં આવ્યો ત્યારથી નોકરાણીઓ ભારે ચર્ચામાં છે. એક તરફ એ નોકરાણી માટે સહાનુભૂતિ પણ થાય છે અને બીજી તરફ લોકો ડરી પણ રહ્યા છે કે નોકરાણીઓથી પણ સંભાળવું. આખી ચર્ચા માત્ર દેવયાની તરફ જ ફંટાયેલી છે. બધા નોકરાણીને તો સાવ ભુલી જ ગયા છે.

    આવા સમયે મુદ્દો આવ્યો છે કે ભારતમાં નોકરાણીઓની દશા કેવી છે? તેમને મજૂરીનું પુરતું વળતર મળે છે? તેમનું કામના સ્થળે સન્માન સચવાય છે? તેમનું કોઇ પણ શોષણ થાય છે ખરૂં? એક સામાન્ય ભારતીયની નોકરાણી માટે માનસિકતા કેવી છે? આવા અનેક સવાલોના જવાબ …?

    Like

     
  2. Atul Jani (Agantuk)

    December 26, 2013 at 5:02 am

    દિલ બહેલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ

    http://ashok-dave.blogspot.in/2013/06/30-06-2013.html

    Like

     
  3. A P PATEL

    December 29, 2013 at 1:17 am

    Valibhai,
    If I don’t call you Nostradamus, I will be doing great injustice to you.Am I correct to note your envisioning?Please let me have your feedback.

    Like

     
    • Valibhai Musa

      December 30, 2013 at 4:45 pm

      પ્રથમ તો આપનો આભાર માનું છું એ વાતના અસ્વીકાર સાથે કે મારી કોઈ હૈસિયત નથી કે હું નોસ્ટ્રાડમ જેવા કે અન્ય કોઈ એવા ભવિષ્યવેત્તાના પેંગડામાં પગ ઘાલી શકું. સંસ્કૃત વિદ્વાન મમ્મટના મતે કવિ કે સાહિત્યકારની દુનિયા બ્રહ્માની દુનિયા કરતાં ચઢિયાતી છે. તે દલીલ આપતાં કહે છે કે બ્રહ્માની દુનિયામાં ખટરસ (છ રસ) છે, સાહિત્યકારની દુનિયામાં નવ રસ છે. મેં વિશ્વના ભવિષ્યકથન રૂપે જે કંઈ લખ્યું છે, તે કાલ્પનિક જ છે; હા, એટલું ખરું કે એ વાંચન, બદલાતાં જીવનમૂલ્યોને પારખવાની દીર્ઘદૃષ્ટિ અને રાજકીય પરિવર્તનોના અભ્યાસના પરિપાકરૂપે જ છે.

      સાચું કહું તો આ વિષયે મારી ઇચ્છા તો સહિયારી ઈ-બુકના સર્જનની હતી. હું મારા આ પ્રકરણને પ્રાસ્તાવિક તરીકે રાખીને જે તે વિષયોના નિષ્ણાતો પાસેથી પ્રકરણો મેળવવા માગતો હતો, પણ મિત્રોએ જોઈએ તેવો પ્રતિસાદ ન આપતાં મારે મારા પ્રકરણને એક લેખ તરીકે મૂકીને સંતોષ માની લેવો પડ્યો છે.

      Like

       

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: