RSS

(૪૦૮) એક અદના માણસની પ્રેરણાદાયી અદની નિષ્ઠાઓ !

03 Jan

અત્રે એક રાષ્ટ્રીયકૃત બેંકના નિવૃત્ત થએલા કર્મચારીએ એ જ બેંકના નિવૃત્ત કર્મચારીઓના સ્નેહમિલનને સંબોધેલા પોતાના લિખિત વક્તવ્યને માત્ર મારા વાંચન માટે આપ્યું હતું. આ વક્તવ્યમાં આત્મશ્લાઘા થઈ જવાના ભય હેઠળ વક્તાએ પોતાની ચાલીસ વર્ષની દીર્ઘ સેવાઓ દરમિયાનના પોતાની નિષ્ઠાના કેટલાક પ્રસંગોને સંકોચસહ વર્ણવ્યા હોઈ મને લાગ્યું કે મારે ખુલ્લા મનથી તેમની નિષ્ઠાઓને યોગ્ય ન્યાય મળી રહે તે રીતે બિરદાવવી જોઈએ અને તે આશયે એ વક્તવ્યને તેમની મંજૂરીની અપેક્ષાએ સંવર્ધિત સ્વરૂપે આપ સૌ વાચકો સમક્ષ રજૂ કરતાં હું આનંદ અનુભવું છું. હું જાણું છું કે તેઓશ્રી ‘નેકી કર, કૂએમેં ડાલ’ ઉક્તિમાં માનનારા હોઈ અહીં જે કંઈ અભિવ્યક્ત કરવા જઈ રહ્યો છું તે કામ મારી પોતાની મનમરજીથી જ થઈ રહ્યું છે અને તેમને પણ આપ સૌ ભેળા આ લેખથી આશ્ચર્યસહ જાણવા મળશે કે તેઓશ્રી મારા બ્લોગ ઉપર ચઢી ગયા છે. આજકાલ આપણે જોઈએ છીએ કે વિશ્વભરના જૂજ જ અપવાદરૂપ દેશોને બાદ કરતાં સર્વત્ર લોકોમાં પોતાની ફરજો પ્રત્યે નિષ્ઠાનો અભાવ, ભ્રષ્ટાચાર અને સમાજોન્નતિ માટે વિઘાતક એવાં નિજિ સ્વછંદ વર્તનો દૃઢિભૂત થએલાં છે. હવે નીચે આપ સૌ તેઓશ્રીના વક્તવ્યને મારા તરફના વૃત્તાંત (Commentary) સ્વરૂપે વાંચશો.

પ્રારંભે હાલ પૂરતો આ વક્તાનો અલ્પ પરિચય આપી દઉં છું કે કાણોદરના વતની એવા તેઓશ્રીનું નામ અહમદભાઈ ઈબ્રાહીમભાઈ માવત છે, જેમને હવે પછીથી મિ. માવત તરીકે ઓળખાવવામાં આવશે. તેમણે દેના બંકમાં ૪૦ વર્ષ, ૬ માસ અને ૭ દિવસની એકધારી સેવાઓ આપીને નિવૃત્તિ લીધી છે.

પોતાના વક્તવ્યની શરૂઆતમાં જ મિ. માવતે મનનીય એવા સુવિચારને આ શબ્દોમાં ટાંક્યો છે : ‘મૌન રહેવું તે ઉત્તમ છે, પણ સત્ય બોલવું તે વધારે ઉત્તમ છે; પ્રિય બોલવું તે ઉત્તમ છે, પણ ધર્મસ્વરૂપ બોલવું તે તો સર્વોત્તમ છે.’

આગળ તેઓ જણાવે છે કે ‘સર્વ પ્રથમ તો મને ઈશ્વર-અલ્લાહે માનવી તરીકેનો જન્મ આપીને આ દુનિયામાં મોકલ્યો તે બદલ તેનો આભાર માનું છું. બીજા ક્રમે મારાં માતાપિતાનો આભાર માનું છું કે જેમણે મારા પાલનપોષણની સાથેસાથે મારામાં સંસ્કારસિંચન કરીને મને એવી રીતે ઊછેર્યો કે જે થકી હું નિષ્ઠાપૂર્વક મારી નોકરી અંગેની અને સામાજિક તથા ધાર્મિક ફરજો બજાવી શક્યો. ત્રીજો આભાર પાલક માતા સમી મારી દેના બેંકનો માનું છું કે જેના માધ્યમે મને આર્થિક સદ્ધરતા પ્રાપ્ત થઈ.’

વધુમાં પોતાની બેંકકર્મચારી તરીકેની સેવાઓના સંદર્ભમાં તેઓશ્રી નિખાલસભાવે જણાવે છે કે ‘મેં Work is worship’ના ધ્યેયને આત્મસાત્ કરીને તદનુસાર મારી ફરજ બજાવવાનો જે સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે, તેનાથી મને અનહદ સંતોષ થવા ઉપરાંત મને આત્મગૌરવની અનુભૂતિ થઈ છે; જે મારા માટે મારા દ્રવ્યોપાર્જન  કરતાં પણ શ્રેષ્ઠ પુરવાર થયાં છે. હું કોઈની ટીકા સ્વરૂપે કહેતો નથી, પણ મારી નોકરી દરમિયાન મને બે જાતના સહકર્મચારીઓનો અનુભવ થયો છે; એક, કામ કરીને ખુશ થનારા; અને બીજા, કામ ન કરીને ખુશ થનારા. હું મારી જાતને ભાગ્યશાળી ગણું છું કે હું કામ કરીને ખુશ થનારાઓમાં ગોઠવાઈ શક્યો હતો અને મારી નોકરીના આટલા દીર્ઘકાળ દરમિયાન મને ‘કામચોરી’ કે ‘ફરજ પરત્વે બેદરકારી’નો વિચાર સુદ્ધાં પણ આવ્યો ન હતો.’

આપણે એવા કેટલાય સરકારી કે અર્ધસરકારી કર્મચારીઓની અનિયમિતતાના સાક્ષી બન્યા હોઈશું કે જેઓ ફરજ ઉપર હાજર થવાના સમયે પોતાના કાંડાઘડિયાળ તરફ સમય જોવાની તસ્દી સુદ્ધાં લેતા ન હોય, પરંતુ છૂટવાના સમય પહેલાં કાર્યાલયના ઘડિયાળને વારંવાર જોયા જ કરતા હોય ! મિ. માવત એવા નિષ્ઠાવાન કર્મચારી હતા કે બેંકના નિયમો અનુસાર કોઈ રેકર્ડને પોતાના ઘરે લાવી શકે તો નહિ, પણ આગામી દિવસે પોતાને કરવાનાં કામોને યાદ કરી લેતા અથવા નોંધ ટપકાવી દેતા હતા. આમ તેઓશ્રી પોતાના ઘરે કુટુંબ સાથેના આમોદપ્રમોદના સમયગાળામાં પણ પોતાની નોકરી અંગેના જ વિચારો કરે, તેને તો તેમની નિષ્ઠાની પરાકાષ્ઠા જ સમજવી પડે.

મિ. માવતને એક બ્રાન્ચમાં બદલી પામીને  જવાનું થયું હતું, જ્યાં ઢગલાબંધ કામ પેન્ડીંગ પડ્યું હતું. આ કામને આટોપવા માટે તેમણે સવારના આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી મહિનાઓ સુધી કામ કરીને ખાતાકીય ઓડિટરને એવો સંતોષ આપ્યો હતો કે પેલા સાહેબને એક પણ તપાસનોંધ લખવી પડી ન હતી. ભાવવિભોર બનેલા એ ઓડિટરે બેંકમેનેજરને આ શબ્દો કહ્યા હતા કે ‘તમે ખુશનસીબ છો કે તમને મિ. માવત જેવા તાબા નીચેના કર્મચારી મળ્યા છે. ભવિષ્યે મારે નજીકની કોઈ બ્રાન્ચમાં ઓડિટ કરવા માટે આવવાનું થશે, ત્યારે અહીં હું જરૂર આવીશ અને એ પણ ખાસ તો મિ. માવતને મળવા માટે જ.’

મિ. માવતની નોકરી દરમિયાન તેમને એક એવી બ્રાન્ચમાં બદલી પામવું પડ્યું હતું કે જ્યાં છેતરપિંડી (Fraud) થઈ હતી અને બેંકે પોતાની વિશ્વસનીયતા ગુમાવી દીધી હતી. વીસેક વર્ષ જેટલી એ જૂની બ્રાન્ચ હોવા છતાં ત્યાં રોજ માંડ ચારપાંચ ગ્રાહકો આવતા હતા અને ડિપોઝીટ સાવ તળિયે બેસી ગઈ હતી. મિ. માવતે ત્રણેક વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક કામ કરીને તથા લોકોનો વિશ્વાસ સંપાદન કરીને બેંકને ગ્રાહકોની અવરજવરથી ધમધમતી કરી દીધી હતી અને  ડિપોઝીટમાં ચારથી પાંચગણો વધારો કરી દીધો હતો. બેંકને તો હજારો શાખાઓ હોય અને જે તે શાખાઓની આવી સિદ્ધિઓ તો અનેક હોય; એટલે મિ. માવતની કામગીરીને બિરદાવવામાં આવે કે ન આવે, પણ લોકોએ તો એમને પ્રશંસ્યા જ હતા, આ શબ્દોમાં કે ‘આપના જેવા કર્તવ્યનિષ્ઠ સાહેબો દેશભરનાં સરકારી ખાતાંઓમાં હોય તો દેશની કાયાપલટ થઈ જાય !’

વચ્ચે થોડાંક વર્ષો સુધી બેંકની ગ્રામ્ય શાખાઓના બદલે તેમને શહેરની મોટી શાખામાં કામ કરવાનું બન્યું હતું. અહીં પણ પેન્ડીંગ કામોના ઢગના ઢગ ખડકાએલા હતા. તેઓશ્રી પોતાની ફરજ હેઠળનું કામ કરવા ઉપરાંત અન્ય વિભાગોના કર્મચારીઓને તેમનાં કામો આટોપવામાં મદદરૂપ થતા હતા. મિ. માવતના બેંકસમય ઉપરાંતના  કામકાજ દરમિયાન તેમને સાથ આપતા ચોથા વર્ગના કર્મચારીઓ પૈકીના એક નિષ્ઠાવાન કર્મચારીએ   તેમને પૂછ્યું હતું, ‘માવત સાહેબ, આપને આટલું બધું કામ ખેંચતાં કંટાળો નથી આવતો ?’ ત્યારે મિતભાષી એવા મિ. માવત મુસ્કુરાતાં કહેતા કે ‘કામ એ મારો ખોરાક છે અને એ ખોરાક હું પૂરતો ન ખાઉં તો હું માંદો પડી જાઉં !’

એકવાર બેંકમેનેજરે મિ. માવતને પૃચ્છા કરી કે, ‘મિ. માવત, મારી શાખામાં રોબોટની જેમ કામ કરતા તમે મને જણાવશો કે આટલી બધી મહેનત પાછળનું કારણ શું છે ?’

તેમણે મિતાભાષાએ જવાબ આપ્યો હતો, ‘અધુરી રહી ગએલી ફરજને સરભર કરવા જ તો !’

’મતલબ ?’

’મારી અગાઉની નાનકડી શાખામાં બેંકના લેવડદેવડના સમય પછી અમારે કરવાનાં કામો અડધાએક કલાકમાં આટોપાઈ જતાં હતાં. નિયમ અનુસાર તો બેંકના પૂરા સમય સુધી અમારે બેસવું પડે, પણ મારા બેંક મેનેજર પોતાના દૂરના વતનથી અપડાઉન કરતા હોઈ તેઓ વહેલા નીકળી જતા હતા. આમ તેમની સાથે મારે પણ નીકળી જવું પડતું હોઈ મારી એ સમયગાળાની અધુરી રહી ગએલી હાજરીને અહીં હું પૂરી કરી રહ્યો છું.’

હવે હું મહાત્મા ગાંધીના એક અવતરણને ટાંકીશ, જે આ પ્રમાણે છે : “ગ્રાહક એ તમારા ધંધાકીય સ્થળનો ખૂબ જ અગત્યનો મુલાકાતી છે. તે આપણા ઉપર અવલંબિત નથી, પણ આપણે તેના ઉપર અવલંબિત છીએ. તે આપણી જગ્યા ઉપરનો અંતરાયરૂપ માણસ નથી, પણ તે આપણા માટે એક ઉદ્દેશ કે હેતુ સમાન છે. તે આપણા ધંધાવ્યવસાયમાં બહારના માણસ તરીકે નથી, પણ તેના એક ભાગરૂપ છે. આપણે તેને સેવા પૂરી પાડીને તેના ઉપર કોઈ ઉપકાર નથી કરતા, પણ તે આપણને તેની સેવા કરવાની તક પૂરી પાડીને આપણા ઉપર ઉપકાર કરે છે.”

ઉપરોક્ત વિધાનને અનુરૂપ અને છતાંય સાવ સામાન્ય લાગતો મિ. માવતના કાર્યકાળ દરમિયાનનો એક પ્રસંગ અહીં યાદ કરવા જેવો છે. ચાલો, આપણે તેમના શબ્દોમાં જ વાંચીએ : ’એક દિવસે હું મારી ફરજ પૂરી કરીને ઘરે જવા નીકળતો હતો, ત્યાં એક ગ્રાહક તેની પાસબુક ભરાવવા આવ્યો. મેં પ્રથમ તો તેને એમ જ કહ્યું કે બેંકનો સમય પૂરો થઈ ગયો છે અને મારું કોમ્પ્યુટર પણ બંધ છે. પણ વળી પાછો વિચાર આવ્યો કે સાવ એવા સામાન્ય કામ માટે આ બિચારા ગ્રાહકને આવતી કાલે આવવું પડશે અને તેના બેએક કલાક બગડશે. મારા માટે તો માત્ર પાંચ જ મિનિટનો સવાલ છે અને મેં એ કામ કરી આપ્યું. એ ગ્રાહકના ચહેરા ઉપરની ખુશી જોઈને મને ખૂબ જ આત્મસંતોષ થયો હતો.’

માનવધર્મ જ શ્રેષ્ઠ છે એવાં માત્ર વાતોનાં વડાં કરનારા તો આપણને ઘણા મળી આવશે, પણ એ આદર્શ વિચારને આત્મસાત્ કરીને એવું આચરણ કરનારા તો બહુ ઓછા હશે. મિ. માવત પોતાની નોકરી હેઠળની જવાબદારી નિભાવે તે તો તેમણે વેતન મેળવવા સામેની બજાવેલી આંતરિક કામગીરી ગણાય; પરંતુ એમની નોકરી સાથે સંકળાએલા છતાં બાહ્ય એવા એક ઉમદા માનવીય વ્યવહારને ચરિતાર્થ કરતી એક વાત અત્રે નોંધનીય છે. આંગડિયા સર્વિસવાળાઓ બહારગામનાં કામો માટે સામાન્ય રીતે શારીરિક ખોડખાંપણ ધરાવતા કર્મચારીઓ રાખતા હોય છે. આમાં અમુક અંશે એવા અશક્તોને રોજીરોટી રળવા માટે મદદરૂપ થવા માટેનો ઉમદા આશય હોઈ શકે, પરંતુ તેમનો મુખ્ય હેતુ તો વહીવટીખર્ચ ઓછો લાવવાનો જ હોય છે. અહીં એવી ગેરસમજ ન થાય કે તેમને ઓછો પગાર આપીને તેમનું આર્થિક શોષણ કરવામાં આવતું હશે, પરંતુ એસ. ટી. બસમાં આવા મુસાફરોને મફત મુસાફરી માટેનો પાસ આપવામાં આવતો હોઈ તેઓનું મુસાફરી ભાડાખર્ચ બચે. મિ. માવત પોતાની શાખાની આવી આંગડિયા ટપાલો પોતાના વતનની બ્રાન્ચમાં લાવી દેતા હતા કે જેથી પેલા અપાહિજ માણસને ભીડભાડવાળી બસોમાં હાડમારીભરી સફર કરવી ન પડે.

મેં મારા આ લેખના શીર્ષકમાં ‘અદની નિષ્ઠાઓ’ શબ્દો પ્રયોજ્યા છે, તેની પાછળનો ગૂઢાર્થ તો એ જ છે એવી નિષ્ઠાઓ ભલે પહેલી નજરે મામુલી લાગતી હોય; પરંતુ તેમની પાછળ ઉદ્દાત ભાવનાઓ છુપાએલી હોય છે. બેંકની બિનજરૂરી લાઈટો કે પંખાઓની સ્વીચો બંધ કરી દેવી એ તો મિ. માવતની આદત બની ગઈ હતી. પોતે નમ્રભાવે એ પણ જણાવે છે કે જ્યારથી તેમણે પોતાનો અંગત સેલફોન વસાવ્યો હતો, ત્યારથી કદીય પોતાના અંગત કામ માટે તેમણે બેંકના લેન્ડલાઈન ફોનનો ઉપયોગ કર્યો ન હતો. બેંકમાં  આંગડિયા સર્વિસ શરૂ થઈ ન હતી, તે પહેલાં ગ્રાહકોને ત્વરિત સેવા મળી રહે તે માટે તેઓશ્રી પોસ્ટલ ટપાલો પોતાના વતનની પોસ્ટઓફિસમાં લાવી દેતા હતા કે જેથી એ ટપાલો જે તે જગ્યાએ એક દિવસ વહેલી પહોંચી શકે.

મિ. માવતનું એક માનવતાવાદી કાર્ય કે જે તેમના બેંક સિવાયના અંગત જીવનના ભાગરૂપ હતું, તેને વર્ણવતાં હું ભાવવિભોર બની જાઉં છું. એકવાર તેઓ અંગત કામે બસ દ્વારા અમદાવાદ જઈ રહ્યા હતા, ત્યારે વચ્ચે એક કારને ઝાડ સાથે ટકરાઈ જવાનો એક્સિડન્ટ થએલો જોઈને બસ થોભી ગઈ હતી. બધા મુસાફરો સાથે તેઓશ્રી પણ નીચે ઊતર્યા હતા. સદભાગ્યે કોઈની જાનહાનિ તો થઈ ન હતી, પણ ડ્રાઈવરના પગ દરવાજામાં ફસાઈ ગયા હતા અને દિલને હલાવી નાખે તેવી તે બિચારો વેદનાભરી ચીસો પાડી રહ્યો હતો. ત્યાં ભેગા થઈ ગએલા માણસોનો એક્મતે એવો અભિપ્રાય હતો કે કારનો દરવાજો કાપ્યા સિવાય પેલા બિચારાના પગ બહાર નીકળી શકે તેમ ન હતા.  મિ. માવતની બસ ઊપડી, ત્યારે તેમણે કંડક્ટરને વિનંતી કરી હતી કે થોડેક જ દૂરના શહેરના બસસ્ટોપે થોડાક વધારે સમય સુધી બસને થોભાવી દેવામાં આવે. મિ. માવતે બસ સ્ટેન્ડ પાસેની હાર્ડવેરની દુકાનેથી એક હાથ કરવત (Hack-saw)  ખરીદીને એક રીક્ષાવાળાને જવા-આવવાનું ભાડું ચૂકવી દઈને પેલા અકસ્માતના સ્થળે તેને પહોંચાડવાની જવાબદારી સોંપીને પોતાની બસની સફર આગળ ચાલુ રાખી હતી.

હવે આ લેખના સમાપન નજીક આવવા પહેલાં મિ. માવતે નિવૃત્ત એવા સાથી કર્મચારીઓને પોતાના વક્તવ્યને પૂર્ણ કરવા પહેલાં જે શબ્દો કહ્યા હતા તેમને અક્ષરશ: અહીં આપુ છું. : ‘મિત્રો, આપણે નિવૃત્ત થવા પહેલાં એ આંકડાઓ મૂકતા હતા કે આપણને નિવૃત્તિ વખતે કેટલાં નાણાં મળવાનાં છે. વળી હાલમાં પણ આપણે એવા જ આંકડા મૂકતા હોઈશું કે આપણે જીવીએ ત્યાં સુધીમાં એ નાણાંમાં કેટલી વૃદ્ધિ થશે. પરંતુ મારી નમ્રભાવે આપ સૌને વિનંતી છે કે આપણે આપણી આ ઉત્તરાવસ્થાએ એ પણ હિસાબ માંડીએ કે આપણે માનવકલ્યાણ માટે શું કર્યું અને કેટલું કર્યું. આપણી સામાજિક જવાબદારીઓ પૂર્ણ થઈ ગઈ છે. કોઈક અપવાદોને બાદ કરતાં મોટાભાગના મિત્રોનાં સંતાનો કમાતાંધમાતાં થઈ ગયાં હશે. આપણને મળેલાં નિવૃત્તિનાણાંમાંથી કેટલોક અંશ માનવકલ્યાણ માટે ખર્ચીએ. જો કારણોવશાત્ એ શક્ય ન હોય તો આપણે તન અને મનથી આપણી આજુબાજુ થતાં સેવાકીય કાર્યોમાં મદદરૂપ થઈએ. મારા વક્તવ્યને સમાપ્ત કરવા પહેલાં એ જણાવી દઉં કે હું મારા લખાણને લેખિત સ્વરૂપે એટલા માટે લાવ્યો છું કે જેથી હું તેને હું ફાઈલ કરી શકું અને ભવિષ્યે મારાં સંતાનો એ વાંચીને પોતાના જીવનમાં કંઈક પ્રેરણા મેળવી શકે. ધન્યવાદ.’

અંતે આપણે એક અંગ્રેજી કાવ્ય ‘Abu Ben Adam and Angel’ ની આખરી પંક્તિઓને યાદ કરી લઈએ, જે આ પ્રમાણે છે : “‘The God loves those who love Him, but loves those more who love their fellow-men.’ અર્થાત્ ‘ઈશ્વર તેઓને ચાહે છે કે જે તેને (ઈશ્વરને) ચાહે છે, પણ તે (ઈશ્વર) એ લોકોને વધારે ચાહે છે કે જેઓ પોતાના માનવબંધુઓને ચાહે છે.” સાથેસાથે આપણે  ગુજરાતીના વિખ્યાત કવિ સ્વ.શ્રી ત્રિભુવનદાસ ગૌરીશંકર લુહાર ‘સુંદરમ્’ની આ કાવ્યપંક્તિને પણ સ્મરીએ કે ‘હું માનવી માનવ થાઉં તો ઘણું !’

જય હો.

– વલીભાઈ મુસા

(મિ. અહમદભાઈ માવત એ લેખકનાં માતાતુલ્ય મોટાં બહેન ચક્ષુદાતા લાડીબહેન D/O નુરભાઈ વજીરભાઈ મુસા અને પિતાતુલ્ય મોટાભાઈ (બનેવી) મરહુમ ઈબ્રાહીમભાઈ વજીરભાઈ માવતના સુપુત્ર છે. તેઓશ્રી અમારા ભાણેજ હોઈ અમે નુરભાઈ વજીરભાઈ મુસા પરિવાર તેમના માનવતાવાદી વિચારો અને આચરણોથી ગૌરવ અનુભવીએ છીએ.)

 

Tags: , , , , , , , , , , ,

2 responses to “(૪૦૮) એક અદના માણસની પ્રેરણાદાયી અદની નિષ્ઠાઓ !

  1. pragnaju

    January 3, 2014 at 7:09 pm

    અમે પણ નુરભાઈ વજીરભાઈ મુસા પરિવાર તેમના માનવતાવાદી વિચારો અને આચરણોથી ગૌરવ અનુભવીએ છીએ.

    Like

     
  2. સુરેશ જાની

    January 3, 2014 at 9:29 pm

    ऐसे भी लोग होते है। वो लोग नहीं … औलिये होते है।

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: