RSS

(૪૨૧-અ) હે ગુર્જરી માવડી, તારી ખાસિયતો હજાર !

04 Feb

આગોતરી સૂચના : શીર્ષકમાં ‘હજાર’નો આંક ‘ઘણી’ના અર્થમાં જ હોઈ આ લેખને લાંબોલચક માની લઈને તેને વાંચવાથી મોઢું ન ફેરવી લેવાની ભલામણ કરવામાં આવે છે. ધન્યવાદ.)

* * *

નવરાશની પળોએ માતૃભાષા ગુર્જરી અંગેના ચિંતનના ચકરાવે ચકરચકર ભમતાં મગજ ચકરાવો ખાઈ જાય તેવી તેની શબ્દોને રમાડવાની હજારો ખાસિયતો નજરે ચઢે છે અને મનોમન બોલી જવાય છે, ‘વાહ, ગુર્જરી વાહ !’

  • પ્રેમાળ માતાની જેમ માતગુર્જરી આપણને છીંકો, બગાસાં, ખાંસી, હવા, ઠપકો, શ્વાસ, ગમ, ગાળો અને કોણ જાણે એવી કેટલીય અદૃશ્ય ગમતી કે અણગમતી વાનીઓને પોતાના અદૃશ્ય હાથો વડે  ખવડાવે છે.
  • તે ઝેર, આંસુ અને ગુસ્સાને પાઈ દે છે; અને હાર, જીત, ધન, સત્તાને પચાવી જાણવાની શીખ પણ આપે છે.
  • તે આપણને અન્યો પરત્વે અનરાધાર પ્રેમ વરસાવવાનું પણ કહે છે.
  • તે અભિમાનને ઓગાળવાનું અને ઘમંડને તોડવાનું પણ આપણને સૂચવે છે.
  • તે સોંપવામાં આવેલી ફરજને બજાવવા (‘વગાડવા’ નહિ, ‘પાલન કરવા’ !) અને જરૂર જણાયે અઘટિત માગણીઓને ઠુકરાવવાનું પણ આપણને કહે છે.
  • તે આપણને દુ:ખીજનો પ્રત્યે હમદર્દી બતાવવાનું અને મદદનો હાથ લંબાવવાનું પણ કહે છે.
  • તે આપણને બળાપો કે હૈયાવરાળને કાઢવાની અને ગુસ્સો કે નફરતને ઓકી કાઢવાની સલાહ પણ આપે છે.
  • તેણે ‘સંપ ત્યાં જંપ’ અને ‘લોભને થોભ નહિ’ જેવાં કથનોમાં સમુચ્ચારીય શબ્દોની ભેટ પણ આપણને ધરી છે.
  • તેણે મુખ વડે ઉચ્ચારી શકાતા તમામ ધ્વનિઓ માટેના વ્યંજનો કે સ્વરો એટલા પૂરતા પ્રમાણમાં આપણને આપ્યા છે કે તેમને આપણે ગુર્જરી ગિરામાં વટથી લખી શકીએ.
  • વિશ્વની કોઈપણ ભાષા કે બોલીને આપણે ગુર્જરી લિપિમાં લખી નાખીને વાંચીએ તો આપણે જે તે ભાષા જ બોલતા હોઈએ તેવો આભાસ ઊભો થઈ શકે !  દા.ત. હાચીમીત્સ (જેપનીઝ)=મધ; પાનય (ચાઈનીઝ) = મધરાત
  • ગુર્જરી લિપિ એ અંગ્રેજીમાંની Phonetic Script કે લઘુલિપિ (Short Hand)ના સાંકેતિક ઉચ્ચારોનો વિકલ્પ બનવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે.
  • તેનામાં એટલી બધી સહિષ્ણુતા છે કે ઓછા વપરાતા, ન વપરાતા કે ગૂંચવાડો ઊભો કરતા કોઈ  વ્યંજનો કે સ્વરોનો  છેદ ઉડાડી દેવામાં આવે તો પણ તે ‘ઉફ્’ કરે તેમ નથી.
  • ‘બાર ગાઉએ બોલી બદલાય’, ‘પાશેરામાં પહેલી પૂણી’ કે ‘છાતી ગજગજ ફૂલવી’ જેવા રૂઢપ્રયોગોમાં વપરાતા જૂના તોલમાપના એકમોને મેટ્રિક પદ્ધતિમાં ફેરવી નાખવાનો તે કોઈ આગ્રહ રાખતી નથી !
  • જેમ  ઙ   (કઙઠ્ય)  અને ઞ (તાલવ્ય) અનુનાસિકો અને ‘દીર્ઘ ઋ’ ને કક્કા(મૂળાક્ષરો)માંથી ખદેડી કાઢવામાં આવ્યા તેમ શ. ષ, અને સ માંથી કોઈ એક અથવા ‘હૃસ્વ ઇ કે દીર્ઘ ઊ’ને જાકારો આપવામાં આવશે તો પણ આપણી ભોળી ગુર્જરી માવડી તો બિચારી એમ જ કહેશે કે ‘છોકરડાંઓ, તમને ઠીક લાગે તેમ કરો, પણ બિનનિવાસી ગુજરાતીઓ(NRG)ને  કહેજો કે તમારાં છોકરાં ભલે ગુગલીશ બોલે; પણ આટામાં નિમક હોય તે તો બરાબર છે, પણ નિમકમાં આટો હશે તો એવો રોટલો કોઈના ગળે ઊતરશે નહિ અને માનો કે એવા રોટલાને ગળા નીચે પરાણે ઉતારવામાં આવ્યો તો સમજી લેજો કે ઘરોનાં જાજરૂઓ બિલ્ડરોની ગેરંટીથી પણ વહેલાં ઊભરાઈ જશે, હા !!!’
  • આપણી ગુર્જરીએ અન્ય ભાષાઓના ટિકિટ, સ્ટેશન, તોપ, તમાકુ જેવા અસંખ્ય શબ્દોને ઉદારભાવે પોતાનામાં સમાવી લીધા છે, પણ… પણ અનધિકૃત (Off the record) વાત કહું તો,  જીવનની ઘણી બાબતોમાં અગ્રેસર ગામ (Lead Village) તરીકે ઓળખાતા અમારા કાણોદર ગામે તરતા મુકેલા કેટલાક ગુજરાતી શબ્દોની કોઈ નોંધ સુદ્ધાં લેતું નથી. નમૂના દાખલ કેટલાક શબ્દો આ પ્રમાણે છે : ફકીરિયું (ફકીર લોકો કડીવાળા ટમલરને પોતાના કાંડામાં ભરાવીને ભિક્ષા માગવા નીકળતા હોય છે તે), હેન્ડલિયું (ચા બનાવવા કે દૂધ ગરમ કરવા માટેનું હેન્ડલવાળું પાત્ર), સાફી (વાસણ, ટેબલ વગેરે સાફ કરવાનું કપડું), ઊહણું – જેમાં ‘હ’નો ઉચ્ચાર ‘વાહ’માંના ‘હ’ જેવો (બાળક્ની કે કૂતરાંબિલાડાંની વિષ્ટા-મળ લઈ લેવા માટેનું પૂંઠું કે પતરાનો ટુકડો), ઊગણું -(સાણસીના વિકલ્પે ગરમ વાસણ પકડવાનો કાપડનો કકડો), ઊખણું (તવીમાંથી રોટલી ઊપાડવા કે ફેરવવા માટેનું સાધન), વગેરે….
  • તે અજાયબીભર્યું દૃશ્ય જોતાં જ આપણને આપણાં આંગળાં કરડવાની સૂચના આપે છે.
  • તેણે પંડિતયુગના સાહિત્યકારો પાસે શેક્સપિઅરનાં અનુવાદિત કેટલાંક નાટકોનાં આવાં રમૂજી શીર્ષકો મુકાવ્યાં : Measure for measure (થાય તેવા થઈએ, તો ગામ વચ્ચે રહીએ !) ; Much Ado About Nothing (ખોદ્યો ડુંગર અને કાઢ્યો ઉંદર !)
  • તેણે ઝવેરચંદ કાળીદાસ મેઘાણીજી પાસે ‘સૂના સમદરની પાળે’, ‘કોઈનો લાડકવાયો’ અને ‘વનરામાં ગલ રાતાં ફૂલડાં’ જેવાં કાવ્યો રૂપે અંગ્રેજીમાંથી મૌલિક રચનાઓ જેવા જ ભાવાનુવાદો કરાવ્યા કે જે મૂળ અનુક્રમે આ શીર્ષકોએ કાવ્યો હતાં : ‘On the bank of river Rhine’, ‘Somebody’s darling’  અને ‘Fair flowers in the valley’.

વાહ, માડી વાહ !

-વલીભાઈ મુસા 

 

Tags: , , , ,

One response to “(૪૨૧-અ) હે ગુર્જરી માવડી, તારી ખાસિયતો હજાર !

  1. સુરેશ

    April 15, 2016 at 6:47 pm

    સપનાં જેમાં આવે છે – એ ભાષા…અપુન લોગકી ભાષા !!

    Like

     

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

 
%d bloggers like this: