(૪૨૨) હાસ્યમોતીની કંઠમાળા (૭)
(૪૧) હું એક નર્સિંગ હોમમાં નર્સ તરીકે કામ કરતી હતી. દરેક નવા જન્મનાર બાળકના પિતાને તેમના હાથમાં તે બાળક સોંપી દઈને તેનું વજન કહી દેવાનો હું પડકાર ફેંકતી હતી. કેટલાક પિતા બાળકના ખરા વજનની લગભગ નજીકનું વજન કહી બતાવતા હતા. એક વખતે મારા આશ્ચર્ય વચ્ચે એક પિતાએ તેના બાળકનું વજન ગ્રામ સાથેનું ચોક્કસ કહી આપ્યું. મેં તેમને કહ્યું, ‘ખરે જ, આ તો નવાઈ પમાડનાર કહેવાય !’ પેલા પિતાએ જવાબ આપ્યો,’ એમાં નવાઈ પામવા જેવું કશું જ નથી. આવું તો હું દરરોજ કરતો હોઉં છું. હું કસાઈ છું.’ (Nola Faria – RD)
(૪૨) હું ટ્રાફિક સેફ્ટી કન્સલન્ટન્ટ તરીકે ઘણી સંસ્થાઓમાં મારો અકસ્માતોના નિવારણ માટેના વાર્તાલાપ આપતો હતો. એક રાત્રે શિક્ષકો અને વાલીઓના એવા એક પ્રોગ્રામમાં મેં મારું વક્તવ્ય પૂરું કર્યું, ત્યારે તેના આયોજકે મારો આભાર માનતાં મને પુરસ્કાર તરીકે પચાસ ડોલરનો ચેક આપ્યો. મેં વિવેક બતાવતાં કહ્યું, ‘આ તો મારી ફરજના ભાગરૂપ છે. શું હું આ રકમ આપની સંસ્થાના એવા કોઈ શુભ કાર્ય માટે ફંડ તરીકે આપી શકું ?’ પેલી આયોજકે જવાબ આપ્યો, ‘અલબત્ત ! અમે અમારા ફંડ એકત્ર કરવાના આગામી પ્રોગ્રામમાં તમારા આ નાણાનો ઉપયોગ કરી શકીશું કે જેથી અમે મોટી ફી ચૂકવીને સારા વક્તાને મેળવી શકીએ.’ (S. Dean Spence – RD)
(૪૩) કદાવર બાંધાનો એક માણસ પાદરીના નિવાસસ્થાને ગયો અને ખૂબ જ નમ્રતાપૂર્વક કહેવા માંડ્યો, ‘સર, હું બહુ જ કફોડી આર્થિક હાલતમાં મુકાઈ ગએલા એક કુટુંબની કરૂણ દાસ્તાન કહેવા માગું છું. કુટુંબનો વડો બિચારો બેકાર છે. તેની પત્ની નવ બાળકોના ઉછેરમાં વ્યસ્ત રહેતી હોવાના કારણે કામધંધો કરી શકે તેમ નથી. તેઓ ભૂખ્યાં પણ છે અને તેમના મકાનનું ચઢેલું પાંચસો ડોલરનું ભાડું તેઓ નહિ ચૂકવી શકે, તો બિચારાં રસ્તા ઉપર આવી જશે !’ કઠોર ચહેરો ધરાવતા એ માણસની દયાભાવના જાણીને પાદરીએ કહ્યું, ‘સાચે જ આ તો હૃદયદાવક વાત કહેવાય ! હું પૂછી શકું કે આપ કોણ છો ?’ પેલાએ રડમસ અવાજે ડૂસકાં ખાતાં કહ્યું, ‘હું એ લોકોનો મકાનમાલિક છું.’ (Unknown – RD)
(૪૪) મોડી રાત્રે એક માણસે પોલિસ સ્ટેશને જઈને માગણી કરી કે ‘હું મારા ઘરમાં ચોરી કરનાર એ ચોર સાથે વાત કરવા માગું છું.’ ફરજ ઉપરના સાર્જન્ટે કહ્યું, ‘સોરી, તમારી માગણી કાયદા વિરુદ્ધ છે.’ પેલાએ કહ્યું, ‘પણ તમે મારી વાતને સમજતા નથી. મારા માટે એ જાણવું જરૂરી છે કે તે મારી પત્નીને જગાડ્યા સિવાય કેવી રીતે મારા ઘરમાં દાખલ થઈ શક્યો ?’ (Unknown – RD)
(૪૫) એક સર્જન ઓપરેશન પૂરું કરી જ રહ્યા હતા અને દર્દી ભાનમાં આવી ગયો. તેણે પૂછ્યું,’ડોક્ટર, શું ચાલી રહ્યું છે ?’ ડોક્ટરે જવાબ આપ્યો, ’ઓપરેશન પતી ગયું છે અને હું હાલમાં ટાંકા લઈ રહ્યો છું.’ દર્દીએ ડોક્ટરનો હાથ પકડી લેતાં કહ્યું, ‘એ કામ હું જ કરી લઉં છું.’ ડોક્ટરે તેના હાથમાં સોય પકડાવી દેતાં કહ્યું, ‘લ્યો, ત્યારે; આગળ વધો અને તમારી જાતે જ ટાંકા લઈ લ્યો, બસ !’ (Grahame Jones – RD)
(૪૬) એક માણસ જમીનમાં ખાડો ખોદી રહ્યો હતો. ખાડો ખોદાઈ રહ્યા પછી બીજો માણસ તેને પૂરી દેતો હતો. બસ, એ જ રીતે કામ ચાલી રહ્યું હતું. ત્યાં તો રસ્તેથી પસાર થનાર ત્રાહિત માણસે પેલાઓને પૂછ્યું, ‘મિત્રો, તમને ખબર છે કે તમે લોકો શું કરી રહ્યા છો ?’ પેલાઓમાંના એકે જવાબ આપ્યો, ‘અમે અમારી ફરજ હેઠળનું કામ કરી રહ્યા છીએ.’ પેલા ત્રાહિતે વળી કહ્યું, ‘તમને લોકોને ખાતરી છે જ કે તમે જે કામ કરી રહ્યા છો, એમાં કશું જ ખોટું નથી !’ બીજાએ જવાબ આપ્યો, ‘કદાચ અમારું કામ ખોટું હોય, તો તેના માટે જોકિમ જ જવાબદાર છે; કેમ કે તે તેના કામ માટે આજે અહીં ફરક્યો જ નથી !’ પેલા ત્રાહિતે પૂછ્યું, ‘જોકિમ કોણ છે ?’ પેલા બંને જણાએ એકીસાથે જવાબ વાળ્યો, ‘એ માણસ ખાડાઓમાં બી વાવનારો છે !’ (Dorita Aparecida Hoinaski – RD)
(૪૭) નવ્વાણું વર્ષનાં ડોશીમાના જન્મદિવસની ઉજવણીમાં હું ગયો અને મેં તેમના કેટલાક ફોટા પાડ્યા. બીજા દિવસે હું એ ફોટાઓને લઈને તેમને બતાવવા ગયો અને કહ્યું, ‘આમાંથી તમે તમને ગમતા ફોટાઓ પસંદ કરી શકો છો.’ ફોટાઓ જોઈને ડોશીમાએ આનંદ વ્યક્ત કરતાં કહ્યું, ‘હે ભલા ઈશ્વર, જુઓ ને હું તો સો વર્ષની હોઉં તેવી લાગું છું !’ (Helen B. Marrow – RD)
(૪૮) મારા છૂટાછેડાની તમામ કાર્યવાહી પતી ગયા પછી સ્થાનિક મોટર વ્હીકલ ખાતામાં મારા ડ્રાઈવીંગ લાયસન્સમાંના મારા નામને મારા પિતાના નામ સાથે સુધરાવવા ગઈ. ઓફિસ ક્લાર્ક મેડમે પૂછ્યું, ‘સરનામામાં કોઈ ફેરફાર ખરો ?’ મેં જવાબ આપ્યો, ‘ના.’ પેલી ક્લાર્કે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, ‘વાહ સરસ ! તો તો તમને ઘર મળી ગયું, એમ ને !’ (Polly Baughman – RD)
(૪૯) હું ઓળખું છું એવા એ યુવાન દંપતીએ નવીન જન્મેલા બાળક સાથે એક મકાન ખરીદ્યું કે જેનો ભોંયરાનો ભાગ ભાડે આપી શકાય તેમ હતો. બાળક આખો દિવસ રડ્યે જતું હોઈ ભાડુઆત મકાન ખાલી કરી દેતા હતા. પછી તો એ લોકોએ ભોંયરાના એ મકાનનું રીપેરીંગ કામ હાથ ધરીને તેને ખાસ્સા એવા ખર્ચે સંપૂર્ણપણે સાઉન્ડપ્રુફ બનાવી દીધું. કામ પતી ગયા પછી તેમણે બેઝમેન્ટના એ એપાર્ટમેન્ટને ભાડે આપવા માટે પેપરમાં જાહેરાત આપી દીધી. જાહેરાત વાંચીને તરત જ એક માણસ આવી ગયો અને મકાન પસંદ પડી જતાં તેણે તેને ભાડે રાખી લીધું. એ માણસ બહેરો હતો. (Marlene Alexander – RD)
– વલીભાઈ મુસા
(Abridged, adapted, summarized, edited and translated from “Reader’s Digest” [(January – 2003) – All credit goes to ‘Copy Right’ possessors.)]
Like this:
Like Loading...
Related
Tags: ટ્રાફિક, ડોલર, પાદરી
pragnaju
February 12, 2014 at 8:38 pm
સિરહાને ‘મીર’ કે આહિસ્તા બોલો
ટુક આંખ લગી હૈ, સો ગયા હૈ
LikeLike