મિડલ-ઈસ્ટ ક્રાઈસિસ
♥ પંચમ શુક્લ
ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે,
આ કોયડો છે એટલો કાતિલ કે એનો ના સહેલો ઉકેલ છે!
રેતીમાં મૃગજળ ને મૃગજળમાં ઊભી છે આભ અડે એવી ખજૂરી;
પડછાયા ચાવે છે ઊંટના અઢાર જેવી વાયરાને વળગેલી ઘૂરી,
એકીટશે જોઈ રહી નિર્જળ આંખોમાં મરૂભૂમિનું શોણ રેલમછેલ છે!
ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે!!
તણખામાં ભડકો ને ભડકામાં વિશ્વ ખાખ થાવાની ના કોઈને ધારણા;
હાથ પગ તાપી ને ઓઢી રજાઈ એ’ય! સૂવાની સહુને છે એષણા,
મીંઢી કહો કે પછી મસ્તરામ અલગારી, નિયતિ નરી વંઠેલ છે!
ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે!!
૧-૧૨-૨૦૦૯
પ્રતિભાવ :
કાવ્યકૃતિના વાંચન પછી મૌન ધારણ કરવાનું મુશ્કેલ લાગ્યું આ પંક્તિ થકી કે “ઢાંકણીમાં પાણી કે પાણીમાં ઢાંકણી એ કળવું ઘણું મુશ્કેલ છે”! આજે વિવેચને ન જતાં ‘આ’માં ‘તે’ કે ‘તે’માં ‘આ’ જેવાં બે દ્વંદ્વની વાત કરવી છે અહીં, હાસ્ય નિષ્પન્ન કરવા માટે જ તો વળી! વાંચકોને લાગશે કે અહીં મધ્ય પૂર્વની કટોકટી જેવી ગંભીર અને વિષાદમય પરિસ્થિતિમાં હાસ્યની છોળો ઊડાડવી એટલે વિવાહમાં મરશિયા ગાવા જેવી ધૃષ્ટતા ન ગણાય! ભાઈ-બાઈ, જે ગણાય તે ભલે ગણાય; હું તો કહીને જ રહીશ. મારે કાવ્યના વિષયવસ્તુ સાથે નહિ, પણ પંચમભાઈની આ પંક્તિ પૂરતી તેના અર્થ કે ભાવની ચમત્કૃતિ સાથે જ નિસ્બત છે.
[મારે હાંસિયા (કૌંસ)માં હાલ તો એટલું લખવું જ પડશે કે મ.પૂ.ની કટોકટી એ પશ્ચિમના દેશોના દિમાગમાંની ઈરાક અને અફઘાનિસ્તાનવાળી ભ્રામક પેદાશ જ છે. અહીં ‘તેં નહિ તો તારા બાપદાદાઓએ પાણી બોટ્યું હશે!’ જેવી પેલા વરુએ બકરાને ફાડી ખાવા પૂર્વે કહ્યા જેવી મલિન ઈરાદા ધરાવતી રાજનીતિપ્રેરિત આ સુફિયાણી વાત છે! અહીં તેમના માટે તો વિવાહમાં મરશિયા નહિ, પણ મરશિયા ગાવાની દુ:ખદ વેળામાં વિવાહનાં ગીતો ગાવાની મજાકભરી તેમની ધૃષ્ટતા છે!!!]
આટલા સુધીની આડવાતના અતિ વિસ્તારની ગુસ્તાખી બદલ માફી સાથે મૂળ મુદ્દે આવું તો પંચમભાઈની આ પંક્તિમાંની વાત ‘પગમાં બુટ!’ કે ‘બુટમાં પગ!’ જેવી તો ન જ ગણાય, કેમ કે તેમાં તો શું કહેવામાં આવી રહ્યું છે તે સમજાય છે! પણ, અહીં બીજી એક એવી વાત છે કે જેમાં એ કળવું મુશ્કેલ લાગશે કે “….”. જમીન સુધારણા માટે ખાડા ખોદવાની યોજનામાં છેલ્લે ભેગા થએલા ખાડાઓના ક્ષેત્રફળના આંકડાઓનો સરવાળો દેશના કુલ ક્ષેત્રફળ કરતાં વધી જાય ત્યારે આપણને એ કળવું મુશ્કેલ લાગે જ કે “દેશમાં ખાડા કે ખાડામાં દેશ?”
“ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે!” ને એવી રીતે સમજી શકાય કે ‘લાંચરુશ્વતનો ઘાટ ઘડ્યા પછી અને તેને પાર પાડ્યા પછી કે તે પહેલાં લેતીદેતીની પ્રક્રિયાના થતા આ વ્યવહારને ભલેને ઈનામ, બક્ષિસ, મહેનતાણું કે ચાપાણી જેવાં જૂજવાં નામ આપવામાં આવતાં હોય પણ અંતે તો એને ભ્રષ્ટાચાર જ કહેવાય!!!!!
—
Thanks Valibhai.
જમીન સુધારણા માટે ખાડા ખોદવાની યોજનામાં છેલ્લે ભેગા થએલા ખાડાઓના ક્ષેત્રફળના આંકડાઓનો સરવાળો દેશના કુલ ક્ષેત્રફળ કરતાં વધી જાય ત્યારે આપણને એ કળવું મુશ્કેલ લાગે જ કે “દેશમાં ખાડા કે ખાડામાં દેશ” .
વલીભાઈ, તમે તો ગીતના ધ્રુવપદને તરત સમજી શકાય એવી વિડંબના દ્વારા નવો આયામ આપી દીધો. (પંચમ શુક્લ)
-વલીભાઈ મુસા
pragnaju
February 24, 2014 at 1:23 am
યાદ આવે કૃષ્ણ દવે
એને પેલ્લેથી ફાવે છે દેશી
ઉડતા વિમાનમાં એ માગે છે રોટલો ને ચાવે ખારેકની પેશી
મેં કીધું ‘સુંટણી’ નહીં ‘ચૂંટણી’ કહેવાય
તો કે હમજ્યા ભાઈ હમજ્યા ઈ વાતને
દુનિયામાં કોઇ એવો રંગારો મળશે ?
જે રંગી દે કાગડાની નાતને ?
આ સોરે (ચોરે) બેહીને પેલા ખેંસતા’તા બીડીયું
આંઈ હવે ખુરશીયું ખેંશી…
એલા એક તો ઈ માંડ માંડ મંત્રી બન્યા ને પાછા માગે મલાઈદાર ખાતા
ભૂલી ગ્યા ઢેફામાં રખડી ખાતા’તા, ને હમ ખાવા દહ દિએ ન્હાતા…
મેં કીધું કે સત્તાની વહેંચણી કરાય
તો કે આખી ગુજરાત તને વેશી.
એને પેલ્લેથી ફાવે છે દેશી….
એલા છાશવારે શેના સૌ રાડ્યું પાડે છે આ નરબદા બંધ (નર્મદા બંધ) નથી થાતી ?
મેં કીધું કે સાહેબ જરા ધીમેથી બોલો લાગે છે વાત આ બફાતી
નરબદા ડોશીની ડેલીની વાત છે ને ? એલા મારી દેવાની એક ઠેશી..
આપણા જ ખેલાડી ખેંચે છે ટાંટિયા તો કેમ કરી થાહે આ ગોલ ?
મેં કીધું કે સાહેબ તમે છોડી દ્યો સત્તા તો આખોયે પ્રોબ્લેમ સોલ
તો કે કેમ કરી છોડું આ ખુરશી લગ પોંચવામાં વરહ લાગ્યા છે મને એંશી
એને પેલ્લેથી ફાવે છે દેશી….
–
LikeLike
pravinshastri
February 24, 2014 at 4:45 pm
વલીભાઈ તમે પણ વાત ને ગોળગોળ ફેરવી ને!….આમાં તે, કે તેમાં આ. અને પગમાં બુટ કે બુટમાં પગ. મારા સીધા ભેજાને અવળા કરી નાંખે એવી વાત. ન વાંચીયે તો રહી ગયાનો પસ્તાવો. વાંચીયે તો ન સમજાયાનો પસ્તાવો. મારા જેવા ડૂબી ગયેલા લોટા માટે પાણીમાં લોટો કે લોટામાં પાણી.
LikeLike